Showing posts with label judiciary. Show all posts
Showing posts with label judiciary. Show all posts

Monday, May 26, 2025

આપણા હક પર ઓછાયો

અલી ખાન મહમુદાબાદના કેસમાં સર્વોચ્ચ અદાલતે નાગરિક અધિકારોના રખેવાળ તરીકેની તેની હેસિયતને ધોખો પહોંચાડ્યો છે. 

પ્રતાપભાનુ મહેતા, ઇન્ડિયન એક્સપ્રેસ, 23-5-25

હરિયાણા રાજ્ય વિરુદ્ધ અલી ખાન મહમુદાબાદના કેસમાં સર્વોચ્ચ અદાલતના હુકમને પગલે, બંધારણીય મૂલ્યોની ખેવના કરનારા તમામ લોકોના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું હશે. ન્યાયાધીશોએ પ્રોફેસર ખાનને જામીન આપવા જેટલી દયા દાખવી. [હકીકતમાં] તેમની ધરપકડ સ્વતંત્રતાના રક્ષણનાં આપણાં સાવ નીચાં ધોરણોએ પણ વિવાદાસ્પદ ઠરે એવી છે. પ્રોફેસરને રાહત આપતો હુકમ [પણ] વાણીસ્વાતંત્ર્યના રક્ષણને ઘસારો પહોંચાડનારો છે. આપણે હવે એવા બંધારણ-રાજમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં જામીન એ જાણે અદાલતની સખાવતી ઉદારતા બની ગઈ છે અને તે પણ એવી રીતે અપાય છે કે તેનાથી વધુ દમન માટેની જમીન તૈયાર થાય.

આવું લાગવાનાં ઘણાં કારણ છે. સૌપ્રથમ તો, અદાલતના હુકમમાં મુકવામાં આવેલી શરતો પોતે અધિકારોના અકારણ ઇન્કાર જેવી છે. અધ્યાપક ખાનને પાસપોર્ટ જમા કરાવવાનું અને હમણાં કંઈ પણ નહીં લખવાનું કહેવામાં આવ્યું છે. એટલી રાહત છે કે તે જેલમાં નથી. પરંતુ, હકીકતમાં સર્વોચ્ચ અદાલતે તેમને અચોક્કસ મુદત માટે સજા ફટકારી જ દીધી છે—એવી સજા, જેને તે લાયક નથી. સર્વોચ્ચ અદાલત, પ્રક્રિયાના નામે જે રીતે સામાજિક અંકુશનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્વતંત્રતા પર કાપ મુકવામાં આવે છે, તે ન સમજવા જેટલી નાદાન હોય, એ માનવું અઘરું છે. કાયદા માટે પ્રક્રિયા બહુ મહત્ત્વની છે અને તેને યોગ્ય રીતે પાર પાડવામાં આવે તો તે કાનૂની રક્ષણનો મહત્ત્વનો ઘટક બની શકે છે. પરંતુ ભારતમાં પ્રક્રિયા કોઈ જાતનું રક્ષણ આપતી નથી, એ છૂપું નથી. તે એક એવી વિચારસરણી છે કે કાનૂનનો વ્યવસાય પણ ન્યાય અને હકને લગતી મહત્ત્વની બાબતોને ધૂંધળી કરી નાખવા માટે તેની ઓથે છૂપાઈ જાય છે. એ પણ છાનું નથી કે નિયત પ્રક્રિયા પોતે જ સજારૂપ છે. એ પણ ખાનગી નથી કે પ્રક્રિયાવાદનું ઓઠું ખાસ કરીને ન્યાયાધીશો દ્વારા ખપમાં લેવાતી મનગમતો નિર્ણય લેવાની છૂટ સાથે એકદમ સુસંગત છે. માટે, અદાલત પ્રક્રિયાકેન્દ્રી ન્યાયનું કોઈ સ્વરૂપ એનાયત કરવાના ઓછાડ તળે આ શરતો મુકે, ત્યારે હકીકતમાં આખા સવાલના કેન્દ્રમાં રહેલા પ્રાથમિક અધિકારોના રક્ષણ અંગે તે અપ્રામાણિક બને છે. કોઈ ગુના માટે નહીં, પણ પોતાના સામાન્ય હકના પ્રયોગ બદલ જેની ધરપકડ થઈ હોય એવા નાગરિક માટે, જામીનની શરતો આકરી હોય તો, તેના હકના રક્ષણ માટેની પ્રક્રિયા પણ વાણીસ્વાતંત્ર્યને અવરોધરૂપ બને છે.

અદાલતે આ કેસ માટે ત્રણ સભ્યોની ખાસ તપાસ ટુકડી (SIT) નીમી છે. હવે, આ ટુકડી તપાસમાં મદદરૂપ થાય એવી ઇચ્છા હોઈ શકે. આપણી ન્યાય પરંપરા આ પ્રકારની કાનૂની વિંડબનાને પ્રોત્સાહન આપે છે. પરંતુ હવે એવી ભયંકર રમૂજી સ્થિતિની કલ્પના કરો, જેમાં ત્રણ વરિષ્ઠ પોલીસ અફસરો બે ફકરાની એક પોસ્ટમાંથી કોઈ વિશિષ્ટ પ્રકારની ઉશ્કેરણી ઉકેલવાની કોશિશ કરતા હોય, કેમ જાણે તે પોસ્ટમાં કોઈ કોયડો લખાયેલો હોય. એચ.એમ. સીરવઈએ એક ન્યાયાધીશ વિશે માર્મિક રીતે કહ્યું હતું, ‘તેમને નથી કાયદો આવડતો કે નથી અંગ્રેજી આવડતું.’ આપણે ધારી લઈએ કે આપણા હાલના ન્યાયાધીશોને કાયદો અને અંગ્રેજી બંને આવડે છે. તે એટલા સક્ષમ છે કે ખાનની પોસ્ટનો અર્થ, તેમાં રહેલી કોઈ અસ્પષ્ટતા અને તે કાયદાનો ભંગ કરનારી છે કે નહીં એ પાંચ જ મિનિટમાં નક્કી કરી શકે. પરંતુ તેમણે પોતાના અધિકારનો ઉપયોગ કરીને જેવું છે તેવું કહી દેવાને બદલે, SITનો રસ્તો લીધો, તે બે બાબત સૂચવે છેઃ પહેલું, તે નિર્દોષતાની પૂર્વધારણાને હડસેલો મારે છે. મતલબ, નાગરિક તરીકે તમે તમારા અધિકારનો ઉપયોગ કરો ત્યારે તમારે જ તમારી નિર્દોષતા પુરવાર કરવી પડશે. ખાનની પોસ્ટમાં કશી સંભવિત ઉશ્કેરણી છે એવું સૂચન જ નિર્દોષતાની પૂર્વધારણાને હડસેલો મારે છે અને સૂચવે છે કે અદાલત પોતાનો બચાવ કરવા ઇચ્છતા નાગરિકને નહીં, પણ સરકારને પૂરતી મોકળાશ આપવા માગે છે. આર્ટિકલ 19નું અદાલતે ન્યાયશાસ્ત્રની રીતે કરેલું અર્થઘટન, બીજાં વિશેષણો વિના કહીએ તો, વિસંગત કહેવાય એવું છે. પરંતુ કેટલીક બાબતોમાં તે એનાથી પણ ઘણું વધારે ખરાબ છે. એ તો દેખીતું છે કે વાણીના (અભિવ્યક્તિના) સંપૂર્ણ સ્વાતંત્ર્ય જેવું કશું હોતું નથી. પરંતુ ભારતના કાયદા પ્રમાણે પણ, તેની પરના અંકુશો દેખીતી ઉશ્કેરણી અને જાહેર શાંતિના ભંગ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને જ, એટલો સાંકડો વ્યાપ ધરાવતા જ હોવા જોઈએ.

બીજું, કાનૂની સંસ્કૃતિમાં આવેલો બદલાવ ખતરનાક છે. તેનાથી એવી અપેક્ષા ઊભી થઈ છે કે વાણી સ્વાતંત્ર્ય ફક્ત સારી સારી બાબતોમાં જ હોવું જોઈએ. આ પ્રસંગ ખાનની પોસ્ટના ગુણદોષની ચર્ચાનો નથી. કેમ કે, સવાલ ખાનના ગુણદોષનો નહીં, તેમના અધિકારનો છે. દલીલ ખાતર કહી શકાય કે જાહેર વર્તુળોમાં ઘણાને આ પોસ્ટ બિનજરૂરી કે દેશપ્રેમવિહોણી લાગી શકે. એવું માનવાનો તેમનો અધિકાર છે. પરંતુ જેમની સામે ફરિયાદ થઈ છે તેમની પર લગભગ એવું દબાણ કરવામાં આવે કે તમારી અભિવ્યક્તિ દેશપ્રેમથી સભર છે એવું સાબિત કરો, તો બંધારણીય અને કાનૂની દષ્ટિએ તે ચિતાજનક છે. હકીકતમાં, સરકાર લોકોની અભિવ્યક્તિમાં દેશપ્રેમ શોધતી ફરે અને દરેક નાગરિકને તેનો દેશપ્રેમ સાબિત કરવા કહે, તેનાથી વધારે મોટી સાંકેતિક ઉશ્કેરણી (ડોગ વ્હીસલ) બીજી એકેય નથી. કેમ કે, એક તો દેશભક્તિ પોતે અસ્પષ્ટ વિષય છે. તેનાં ધોરણ કોણ નક્કી કરે? મને ખાતરી છે કે હાલનાં ધોરણો પ્રમાણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને કદાચ બી.આર. આંબેડકર સુદ્ધાં એક યા બીજા તબક્કે દેશભક્તિવિહોણા લાગી શકે. એક રીતે, આખો મામલો [પ્રાથમિક અધિકારને બદલે] દેશભક્તિ ભણી ધકેલીને અદાલતે જાણેઅજાણે અભિવ્યક્તિ કે સ્વતંત્રતાને રક્ષણ આપવાને બદલે વિચારધારાને સમર્થન આપ્યું છે  દેશભક્તિના માસ્તર બનીને તેના પાઠ ભણાવવાનું કામ અદાલતનું નથી.

પરંતુ આ આખો મામલો બીજી રીતે કંપારી જગાડે એવો છે. શરૂઆતમાં આ કિસ્સો સ્થાનિક નિયમભંગ તરીકે રજૂ કરવામાં આવ્યો. હરિયાણાના મહિલા પંચ અને સ્થાનિક ભાજપ નેતાઓએ છીછરો આનંદ લઈ લીધો. પરંતુ હવે બે વાત સ્પષ્ટ છે. એક, સરકાર તેના સર્વોચ્ચ સ્તરેથી આ આખા કિસ્સાને અને ખાનને દાખલારૂપ બનાવવા પ્રતિબદ્ધ હોય એવું લાગે છે. સરકાર સહેલાઈથી, બહુ એવું લાગે તો એફઆઇઆર દાખલ કરીને પણ, આખા મામલાને નીપટાવી શકી હોત. પરંતુ તેણે ખાનને નિશાન બનાવવાનો અકળાવનારો સિલસિલો જારી રાખ્યો. સામાજિક અંકુશ રાખવા માટે આ સરકાર એ રીતનો ઉપયોગ કરે છે. બીજું, નવા મુખ્ય ન્યાયાધિશ પાસે સોનેરી તક હતી—અદાલતને એવી બનાવવાની કે જેમાં ઉદાર ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો અપનાવાય અને ભારતીય કાનૂનને ઘડનારી વિસંગતીઓ તથા મનસ્વી નિર્ણયોને ફગાવી શકાય. તે તક તેમણે ગુમાવી દીધી છે.

એ પણ સ્પષ્ટ છે કે અદાલત હોય, અફસરો હોય, પોલીસ હોય કે શિક્ષણજગત, બધા એક પ્રાથમિક બાબતનો ઇન્કાર કરી રહ્યા છે. દલીલ ખાતર માની લઈએ કે શિક્ષણજગતના 200 અગ્રણીઓઓ કરી છે તેમ, ખાનની પોસ્ટની ટીકા થવી જોઈતી હતી. તેમને એવી ટીકા કરવાનો અધિકાર છે. પરંતુ પહેલી તકે અદાલતી કાર્યવાહીમાં ઉતરી પડવું એ ધબડકાનો જ માર્ગ છે.

કમ સે કમ, જામીન હજુ શક્ય છે, એટલું દર્શાવવા માટે આપણે ન્યાયાધીશોના આભારી છીએ. પરંતુ તેમની ઉદારતા પણ આપણા હકો પર અમંગળ ઓછાયો પાડે છે.


Wednesday, May 31, 2017

ધર્મ, રૂઢિચુસ્તતા, બંધારણ અને માનવતા

ત્રણ વાર 'તલાક' અને મુસ્લિમ સમાજ વિશે લખવામાં અતિસરળીકરણ થઈ જવાની સંભાવના ઘણી રહે છે. સૌ પ્રથમ તો, આ રીતે તલાક આપવા તે ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહીં, એ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનવણી પૂરી થઈ ચૂકી છે. બીજી વાતઃ ત્રણ તલાકનો વિરોધ કરનારાએ યાદ રાખવાનું છે કે આ જોગવાઈનો ઉપયોગ કરનારા મુસ્લિમોનું પ્રમાણ નજીવું છે. માટે, વ્યાપક મુસ્લિમ સમાજને ટ્રિપલ તલાકના નામે બદનામ કરી શકાય નહીં.

'ટ્રિપલ તલાક'ના વિરોધનો વિરોધ કરનારે યાદ રાખવું જોઇએ કે અદાલતમાં દાદ મુસ્લિમ મહિલાઓએ માગી છે. આથી, મામલો 'મુસ્લિમ વિરુદ્ધ હિંદુ' કે 'મુસ્લિમ વિરુદ્ધ અન્ય ધર્મીઓ' જેવી ખેંચતાણનો નથી અને તેને એ ખાનામાં ન મૂકવો જોઇએ. કોઇ મુસ્લિમ એવું ઇચ્છે કે 'બીજા ધર્મના લોકોને અમારી અંગત ધાર્મિક બાબતમાં કે પરંપરામાં અભિપ્રાય આપવાનો અધિકાર નથી', તો તેમનું આ વલણ લોકશાહી દેશમાં સ્વીકારી શકાય નહીં. મુસ્લિમદ્વેષમાં સરી પડ્યા વિના કે કોમવાદના રાજકારણના હાથા બન્યા વિના, સામાજિક જાગૃતિના ભાગ તરીકે આવા રિવાજની બેશક ટીકા કરી શકાય. અન્યાયી લાગતા (ત્રાસવાદવિરોધી જેવા) કાયદાની ટીકા થઈ શકતી હોય છે, તો અન્યાયી જણાતી પરંપરાની કેમ નહીં?

ટીકા કરનારે એટલું ધ્યાન રાખવાનું કે તેમની ટીકાનો ધક્કો સ્ત્રીને થતા અન્યાયમાંથી અને 'આવું તો કેવી રીતે ચલાવી લેવાય?' એવી પ્રતીતિમાંથી આવવો જોઇએ-- નહીં કે મુસ્લિમોની છડેચોક, આકરી ટીકા કરવાની તક મળી-તેમના પ્રત્યેનો દ્વેષ ફેલાવવાની કે દૃઢ કરવાની તક મળી એમાંથી.  મુસ્લિમોએ પણ કઈ ટીકા દ્વેષથી થાય અને કઈ ટીકા સદભાવથી, તેનો ફરક સમજવો પડે અને એ સ્વીકારવું પડે કે બીજા પક્ષના કુરિવાજ પ્રત્યે આંગળી ચીંધવાથી પોતાનો કુરિવાજ વાજબી ઠરી જતો નથી. આ તબક્કે કોઈને એવો સવાલ થાય કે 'ટ્રિપલ તલાકને પરબારો 'કુરિવાજ' કેમ કહી શકાય? અને એવું કહી દેનારા તમે કોણ?’ તેનો સાદો જવાબ આટલો જ છેઃ કોઈ પુરૂષ પોતાની પત્નીને ત્રણ વાર 'તલાક' બોલીને છૂટાછેડા આપી શકતો હોય (અને સ્ત્રી પાસે એવો વિકલ્પ ન હોય) ત્યારે, એ રિવાજ સમાનતાની અને કુદરતી ન્યાયની સાદી સમજનો ભંગ કરે છે--અને એટલું સમજવા માટે કોઈ ગ્રંથના કે બંધારણના અભ્યાસની જરૂર નથી.

મોટા ભાગના મુસ્લિમો ટ્રિપલ તલાકની અનિષ્ટ જોગવાઈનો ઉપયોગ કરતા નથી, તે આનંદની વાત છે. એ જ કારણથી, મુસ્લિમોએ--ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે-- ટ્રિપલ તલાકની નાબૂદીની સામેથી જાહેરાત કરવી જોઈએ. ઇસ્લામની શક્તિ ને ધાર્મિક મુસ્લિમોનું આત્મસન્માન એટલાં તકલાદી ન હોય કે 'ટ્રિપલ તલાક'ની નાબૂદીથી તેને ઘસરકો પહોંચે. પર્સનલ લૉ બૉર્ડને કે ટ્રિપલ તલાકના વિરોધનો વિરોધ કરનારા ઘણાને ડોશી મરે તેનો ભય નથી. જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે. એક વાર મુસ્લિમોના અંગત ધાર્મિક મામલામાં દખલના દરવાજા ખુલી ગયા, તો ભવિષ્યમાં દરેક બાબતમાં બીજા લોકોનો ચંચુપાત વધી શકે છે--ખાસ કરીને, સામાજિક-ધાર્મિક મુદ્દામાંથી રાજકીય રોકડી કરવા ઇચ્છતા નેતાઓનો.  આ બીક વાજબી છે, પરંતુ તેનો ઉકેલ ટ્રિપલ તલાક જેવા મુદ્દાને ધાર્મિક ઓળખ સાથે સાંકળવામાં કે ટ્રિપલ તલાકના ટીકાકારોને તેમના પક્ષનાં છીંડાં બતાવવામાં નથી.

ધર્મના નામે ચાલતા કુરિવાજ-અનિષ્ટ પરંપરાઓનો વિરોધ બીજા ધર્મના લોકો કરતાં એ ધર્મનો માણસ વધારે સારી રીતે કરી શકે. અનેક ખાસિયતો અને જ્ઞાતિપ્રથા જેવાં તોતિંગ અનિષ્ટ ધરાવતા હિંદુ ધર્મમાં અનેક સંતકવિઓથી માંડીને વિદ્રોહીઓ અને સમાજસુધારકો થયા. તેમણે સમાજનો--ખાસ કરીને પોતાના ધર્મના લોકોનો-- આકરો વિરોધ વેઠીને પણ પોતાની વાત મુકી. એટલા પ્રમાણમાં ભારતીય મુસ્લિમ સમુદાયમાં એવું ન બન્યું.  1857ના સંગ્રામ પછીના અરસામાં મુસ્લિમોને અંગ્રેજી કેળવણી ભણી વાળનાર સર સૈયદ અહમદ હોય,  મહંમદ ઇકબાલ જેવા મોટા ગજાના કવિ હોય કે પછી એક જમાનામાં 'મુસ્લિમ ગોખલે' બનવા ઇચ્છતા મહંમદઅલી ઝીણા, એ બધાને આખરે સમાજસુધારાને બદલે એક યા બીજા પ્રકારની પરંપરાગત ધાર્મિક ઓળખના શરણે જવું પડ્યું. બીજી તરફ બાદશાહખાન જેવા નેતાઓ ઇસ્લામને વળગીને અહિંસાના રસ્તે ચાલ્યા કે ડૉ.અન્સારી-મૌલાના આઝાદ જેવા નેતાઓએ ગાંધીજીની કૉંગ્રેસ સાથે તેમની કારકિર્દી સાંકળી, ત્યારે વ્યાપક મુસ્લિમ સમર્થન મેળવવાનું- ટકાવી રાખવાનું તેમના માટે અઘરું સાબીત થયું. (બાદશાહખાને અંગ્રેજોની જેલ કરતાં મુ્સ્લિમોના અલગ દેશ પાકિસ્તાનની જેલમાં વધુ સમય વીતાવ્યો-વધુ અત્યાચાર વેઠ્યા)

આમ પણ, ધાર્મિક ઓળખનો મામલો પેચીદો હોય છે.  મુસ્લિમોનો અલગ દેશ માગનાર ઝીણા મૂળભૂત રીતે ધાર્મિક ન હતા, જ્યારે ભારતને પાકિસ્તાનનું હિંદુ અડધીયું ન બનવા દેનાર ગાંધીજી પોતાની જાતને ચુસ્ત હિંદુ તરીકે ઓળખાવતા હતા. અત્યારની આઇ.ટી.ની પરિભાષામાં ધર્મને ઘણે અંશે ઑપરેટિંગ સીસ્ટમ (OS) સાથે સરખાવી શકાય. ઑપરેટિગ સીસ્ટમના સૉફ્ટવેરમાં રહેલાં છીંડાં કે નબળી કડીઓ થકી વાઇરસ ઘૂસી આવે અથવા સમય પ્રમાણે ફેરફાર (અપડેટ્સ) ન થયા હોય તો પણ વાઇરસ આવી પડે.  મૂળ ઑપરેટિગ સીસ્ટમ ખરાબ નથી હોતી, પણ અસહિષ્ણુતાના પર્યાય જેવી 'ધાર્મિક લાગણી’, ધર્મનું સગવડીયું અર્થઘટન કે ધર્મઝનૂન જેવા વાઇરસ ઑપરેટિગ સીસ્ટમને ખરાબ કરે છે. એ સમયે બે વિકલ્પ રહે છેઃ વાઇરસને ક્લીન કરીને ઑપરેટિગ સીસ્ટમને ચોખ્ખી રાખવી અથવા વાઇરસને પણ ઑપરેટિગ સીસ્ટમના હિસ્સા તરીકે ગણીને, વાઇરસની ટીકાને ઓપરેટિંગ સીસ્ટમની ટીકા ગણવી.  ધાર્મિક સ્વતંત્રતામાં પોતાના ધર્મને બગાડવાની કે તેને ચૂપચાપ બગડવા દેવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? એ પોતાની જાતને ધાર્મિક ગણતા સૌએ વિચારવા જેવો સવાલ છે.

ધર્મનો સંબંધ નૈતિકતા અને નૈતિક ફરજ સાથે છે. તેને કાયદા અને બંધારણના પથ્થર પર કસવામાં આવે એ સ્થિતિ આમ તો ઇચ્છનીય નથી. પરંતુ ધર્મના નામે ધાર્મિક લાગણી,  અનિષ્ટ રિવાજો, પરધર્મીઓ માટેના દ્વેષ, હિંસા, શોષણ, દુરાચાર જેવી લાગણીઓ ઉભરાવા લાગે, ત્યારે કોરટકચેરી વિના આરો રહેતો નથી. ધર્મના મામલે ઘણી વાર અદાલતો પણ યથાસ્થિતિને બહુ છંછેડવાનું પસંદ કરતી નથી અને 'ધાર્મિક લાગણી'ને શક્ય એટલી જાળવી લેવાનો પ્રયાસ કરે છે. ટ્રિપલ તલાક વિશેની સુનવણીમાં સર્વોચ્ચ અદાલતે એ મતલબનું કહ્યું હતું કે જો આ રિવાજ ધર્મનો અભિન્ન હિસ્સો હશે તો અદાલત તેને બહાલી આપશે. ધર્મના નામે ચાલતા રિવાજ અને માનવતા---એ બન્નેમાંથી કોઈ એકની પસંદગી કરવાની આવે, ત્યારે માનવતાને તડકે મૂકનારા ખરેખર તો તેમનો ધર્મ ચૂકે છે અને તેમના ધર્મને નીચો પાડે છે. કારણ કે કોઈ ધર્મ માનવતાની ઉપર હોઈ ન શકે અને માનવતાને અવગણવાનું કહેનાર સાચો ધર્મ ન કહેવાય. 

Saturday, August 27, 2016

ધર્મના નામે ભેદભાવ સામે લડાઇ અને જીત

(દિવ્ય ભાસ્કર, તંત્રીલેખ, 27-8-16)

સ્ત્રીઓ માટે ‘અરધી આલમ’ જેવા શબ્દપ્રયોગ વપરાતા રહ્યા છે, પરંતુ સમાન વ્યવહારની વાત આવે ત્યારે ઘણી બાબતોમાં આમન્યા કે આબરુના નામે, આદર કે તુચ્છકારના બહાને, તેમનો એકડો કાઢી નાખવામાં આવે છે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશ એવો એક મુદ્દો હતો. લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ માટે જાણીતા સંપ્રદાયના ધર્મધુરંધરો સ્ત્રીઓનો ચહેરો સુદ્ધાં ન જુએ અને તેમની ઘરે પધરામણી કરી હોય, તો ઘરના સ્ત્રીવર્ગે એક ઓરડામાં પુરાઇ જવું પડે, જેથી ધર્મધુરંધરની તેમની પર નજર પડે. આવા દેખીતા અસમાન-અન્યાયી વ્યવહાર પર રૂપાળી દલીલોનો ઢાંકપિછોડો કરવાથી વાસ્તવિકતા બદલાઇ જતી નથી અને આવા વ્યવહારને વાજબી ઠરાવી શકાતો નથી.

ભેદભાવનો સવાલ કોઇ સંપ્રદાયવિશેષ કે ધર્મવિશેષ પૂરતો મર્યાદિત નથી. થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં પણ મહિલાઓની ઝુંબેશ પછી તેમનો પ્રવેશ શક્ય બન્યો હતો. આશરે ચારસો વર્ષથી મહિલાઓ માટે બંધ રહેલાં એ મંદિરનાં દ્વાર સ્ત્રીઓ માટે ખુલ્યાં, ત્યાર પછી પણ કેટલાક ધર્મગુરુઓને તે ખટક્યું હતું. ‘જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે’ એવાં સંસ્કૃત વાક્યો ટાંકીને સંતોષ મેળવી લેનારા ધર્મધુરંધરો પાસે અને ભેદભાવગ્રસ્ત, હાડોહાડ પુરૂષપ્રધાન માનસિકતા ધરાવતા લોકો પાસે બીજો કોઇ વિકલ્પ કે દલીલ ન રહે ત્યારે એમાંથી કેટલાક કહે છે,‘ફક્ત હિંદુ મંદિરોની પાછળ કેમ પડી જાવ છો?’

આ દલીલનો સાદો જવાબ એ છે કે સમાનતામાં માનતી દરેક વ્યક્તિએ પારકા ધર્મ કે સંપ્રદાય પ્રત્યે આંગળી ચીંધતાં પહેલાં, પોતાના  ધર્મ-સંપ્રદાયની સફાઇની પહેલ કરવી પડે. પરંતુ આ ચર્ચામાં વધુ એક પરિમાણ અને વધુ બળ ઉમેરનારા સમાચાર એ છે કે મુંબઇની વિખ્યાત હાજીઅલી દરગાહમાં મહિલાઓનો પ્રવેશ હવે શક્ય બનશે. અત્યાર લગી ધર્મના નામે એવો દાવો કરવામાં આવતો હતો કે પુરૂષ સંતની દરગાહ પર સ્ત્રીઓને આવવા દેવાય નહીં. જન્મદાતા સ્ત્રીને ‘અપવિત્ર’ ગણવાનો દંભ ધર્મવિશેષ કરતાં પણ વધારે પુરૂષપ્રધાન સમાજ અને માનસિકતાની પેદાશ છે. આટલો સીધો અને સાદો અન્યાય એકેય ધર્મને માન્ય ન હોઇ શકે. સમાજની વચ્ચે રહેતા ગમે તેટલા પવિત્ર માણસને, ગમે તેવાં પવિત્ર કારણોસર સ્ત્રીઓનો ‘બહિષ્કાર’ કરવાનો--તેમને છેટી રાખવાનો અધિકાર નથી, એ ધર્મોના પપૂધધૂઓને કેમ સમજાતું નહીં હોય? અને તેમનો જયજયકાર કરનારા મોટા વર્ગને પણ (જેમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે) એ કેમ ખટકતું નહીં હોય?

આધુુનિક સમયમાં દેશનું બંધારણ કેટલાક મૂળભૂત અન્યાયોની બાબતમાં તમામ ધર્મપુસ્તકો કરતાં વધારે ન્યાયી પુરવાર થયું છે. તેનાથી ધર્મસત્તાઓ કે કહેવાતી પવિત્ર પરંપરાઓની સામે આધુનિકતાની-આધુનિક મૂલ્યોની આવશ્યકતા સિદ્ધ થાય છે. હાજીઅલી દરગાહના કિસ્સામાં પણ સમજાવટથી મહિલાઓને પ્રવેશ મળ્યો નથી. બોમ્બે હાઇકોર્ટે મહિલાઓને દાખલ થવા દેવાનો હુકમ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે બંધારણના આર્ટિકલ ૧૪ (કાયદા સમક્ષ સૌ સમાન છે), આર્ટિકલ ૧૫ (ધર્મના આધારે ભેદભાવ ન રાખી શકાય), આર્ટિકલ ૧૯ (ચોક્કસ પ્રકારની સ્વતંત્રતાઓ) અને આર્ટિકલ ૨૧ (અંગત જીવન અને સ્વતંત્રતાઓનું રક્ષણ) પ્રમાણે દરગાહમાં જવા ઇચ્છતી કોઇ પણ સ્ત્રીને ત્યાં જવાનો અધિકાર છે.


અલબત્ત, શનિ શિંગણાપુર કે હાજીઅલીની સામે કેરળનાં સબરીમાલા જેવાં મંદિરો પણ છે, જે એક વાર માસિકની વયમાં પ્રવેશેલી સ્ત્રીઓને, તે રજોનિવૃત્ત ન થઇ જાય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ આપતાં નથી. આવાં ધર્મસ્થાનો અને આ પ્રકારના પ્રતિબંધોનું સમર્થન કરનારા બીજું તો ઠીક, સૌથી વધારે બદનામી પોતાના ધર્મની કરે છે. ધર્મ વિશેની આટલી છીછરી અને સંકુચિત સમજ ધરાવતા લોકો ધર્મના ઠેકેદાર કે સંરક્ષક બને, ત્યારે એ ધર્મને કે ધર્મના એ ફાંટાને સડી જતાં કોણ અટકાવી શકે? આ સડો અદાલતી ચુકાદાથી નહીં, સામાજિક પહેલથી અટકે તે ઇચ્છનીય ગણાય.

Wednesday, September 17, 2014

ઉપલી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂંકમાં તટસ્થતા-પારદર્શકતા : ફક્ત હોવી નહીં, દેખાવી પણ જોઇએ

ભારતનો રાજકીય વર્ગ પોતાનાં પગાર-પેન્શન સિવાયના કોઇ મુદ્દે એકમતીથી નિર્ણય લે ત્યારે નવાઇ લાગે.

સામાન્ય સંજોગોમાં તો રાજકીય એકમતી આદર્શ ગણાય. કેમ કે, ‘ભારે મતભેદ ધરાવતા રાજકીય પક્ષો દેશહિતના અગત્યના મુદ્દે એક થઇ ગયા’ એવું માનવું ગમે. પરંતુ વાસ્તવિકતા એ છે કે બધા પક્ષે ભાગ્યે જ એકમત થાય છે. એ હિસાબે, નવી એનડીએ સરકારે રજૂ કરેલા બે ખરડા બન્ને ગૃહોમાં જે રીતે સડસડાટ પસાર થઇ ગયા, એ કંઇક ચિંતા સાથે ઘ્યાન ખેંચે એવી બાબત હતી.

એક ખરડો હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક માટેની ‘કોલેજિયમ પ્રથા’નો અંત આણીને, તેના સ્થાને ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્‌સ કમિશન’ નીમવા અંગેનો, જ્યારે બીજો ખરડો બંધારણમાં તદ્‌નુરૂપ ફેરફાર કરવાનો હતો.

અમર્યાદ સત્તા

સર્વોચ્ચ અદાલતની નવ ન્યાયાધીશોની એક બેન્ચના ચુકાદાથી ૧૯૯૩માં અમલમાં આવેલી ‘કોલેજિયમ સીસ્ટમ’નો ટૂંક સાર એટલો છે કે તેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા વરિષ્ઠ ન્યાયાધીશો જ હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક અને તેમની બદલીઓ કરી શકે. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કે વડાપ્રધાન સુદ્ધાંનું કશું ચાલે નહીં અને કશું ઉપજે પણ નહીં. ટૂંકમાં, લોકતંત્રના ત્રણ પાયામાંથી એક પાયો - ન્યાયતંત્ર- બાકીના બે (એક્ઝિક્યુટીવ-વહીવટી તંત્ર અને લેજિસ્લેચર- ગૃહો)થી સંપૂર્ણપણે સ્વતંત્ર થઇ જાય.

કોલેજિયમ પ્રથા દાખલ કરવા પાછળનો આશય તો સારો હતો : ન્યાયતંત્રમાં નેતાઓની કશી દખલગીરી ન રહે. પરંતુ તેના કેટલાક ગંભીર પ્રશ્નો પણ હતા. સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન બંધારણીય જોગવાઇનો હતો. બંધારણમાં લોકશાહીના ત્રણે પાયાને એકબીજાથી સ્વતંત્ર છતાં કોઇ એકની સત્તા અમર્યાદ ન થઇ જાય એ રીતે મૂકવામાં આવ્યા છે. તેની જોગવાઇ પ્રમાણે (કટોકટીના અપવાદને બાદ કરતાં) ૧૯૯૩ સુધી સરકાર અને રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને જાણ કરીને ન્યાયાધીશોની નિમણૂંક કરતાં હતાં. અલબત્ત, તેમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા મર્યાદિત હતી. અસામાન્ય સંજોગો સિવાય તે નિમણૂંકમાં માથું ન મારી શકે- પોતાનું ધાર્યું કરાવવાનો તો સવાલ જ નહીં.

આ પદ્ધતિ લાંબા સમય સુધી અને એકંદરે અસરકારક રીતે ચાલી. દેશને કેટલાક ઉત્તમ ન્યાયાધીશો આ પદ્ધતિથી મળ્યા. જોકે, તેમાં આ પદ્ધતિ કરતાં પણ વધારે જશ તે સમયના રાજકર્તાઓને અને ઊંચી નિષ્ઠા ધરાવતા ન્યાયાધીશોને આપવો રહ્યો. કોલેજિયમ પ્રથાના ચુકાદા પછી બંધારણીય જોગવાઇનું શીર્ષાસન થઇ ગયું. ૧૯૯૩માં આવેલા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશને હાઇ કોર્ટ- સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંકો-બદલીઓની સત્તા આપવામાં આવી. તેમની સાથે સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયાધીશ ખરા. છતાં,  મુખ્ય ન્યાયાધીશનો ચુકાદો આખરી. ૧૯૯૮માં ‘પ્રેસિડેન્શ્યલ રેફરન્સ’- (કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતને કરેલી સત્તાવાર પૃચ્છા) પછી, મુખ્ય ન્યાયાધીશ પાસેની એકહથ્થુ સત્તા લઇને, તે કોલેજિયમને આપવામાં આવી. કોલેજિયમમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત સર્વોચ્ચ અદાલતના બીજા ચાર સૌથી સિનિયર ન્યાયાધીશ હોય.

કોલેજિયમ પ્રથા બંધારણના હાર્દ કરતાં વિપરીત હતી, પણ રાષ્ટ્રપતિએ તેને સ્વીકારી લીધી અને સરકારોએ આ બાબતે અદાલતો સાથે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું. પરંતુ થોડાં વર્ષોમાં કોલેજિયમ પ્રથાની મર્યાદાઓ દેખાવા લાગી. સૌથી મોટો સવાલ ન્યાયાધીશોની નિમણૂંકમાં પારદર્શકતાના અભાવનો અને એ બાબતમાં ન્યાયતંત્રને મળેલી અમર્યાદ સત્તાનો હતો. ભારતીય બંધારણના હાર્દ પ્રમાણે, લોકશાહીના ત્રણમાંથી એક પાયાને સત્તા મળે તો એ બેફામ ન થઇ જાય, એટલે તેની છેવટની લગામ બીજા પાયા પાસે હોય. પરંતુ ન્યાયતંત્રની નિમણૂંકોની બાબતમાં કોલેજિયમનું કામકાજ રજવાડા જેવું હોવાના આરોપ થયા.ગયું. તેને કોઇ કહેનાર નહીં અને કહે તો એ સાંભળવા બંધાયેલું નહીં. કયા ન્યાયાધીશની નિમણૂંક થઇ અને કોની કેમ ન થઇ, એવા સવાલના જવાબ કદી મળે નહીં. પારદર્શકતાનું નામ નહીં. બસ, કોલેજિયમે ફેંસલો લીધો એટલે ફાઇનલ.

સુપ્રીમ કોર્ટ ઉપરાંત દેશભરની હાઇ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂંક અને બદલીઓની સત્તા તો મળી, પણ તેની સાથે સંકળાયેલું વહીવટી કામ કેટલું વધી જાય? એ સંભાળવા જેટલી વહીવટી ક્ષમતા કોલેજિયમ પાસે હતી નહીં. અમસ્તી પણ ભારતના ન્યાયતંત્રમાં ખાલી રહેતી જગ્યાઓનો પ્રશ્ન ગંભીર છે. તેમાં એ કામમાંથી સરકાર સાવ નીકળી જાય અને પાંખી વહીવટી ક્ષમતા ધરાવતું કોલેજિયમ સર્વેસર્વા બને, એટલે ઘણા પ્રશ્નો ઊભા થાય.

એ બઘું જ થયું. કેટલાક વિવાદાસ્પદ ન્યાયાધીશોને બઢતી મળી અને તેના પરિણામે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને વેઠવું પડ્યું. ૧૯૯૩ના ચુકાદાના એક ન્યાયાધીશ જસ્ટિસ જે.એસ.વર્માએ આગળ જતાં કોલેજિયમ પદ્ધતિની મર્યાદાઓ સ્વીકારી. તેમણે કહ્યું, ‘મારા ૧૯૯૩ના ચુકાદા વિશે ઘણી ગેરસમજણો થઇ અને તેનો દુરુપયોગ પણ થયો...મારા ચુકાદામાં (તો) કહેવાયું છે કે ન્યાયાધીશોની નિમણૂંક પ્રક્રિયા એ એક્ઝિક્યુટીવ અને જ્યુડિશ્યરી એ બન્નેની સહિયારી સામેલગીરી ધરાવતી કવાયત છે.’ બીજા ઘણા ન્યાયાધીશો  અને સંસ્થાઓ વખતોવખત કોલેજિયમ પદ્ધતિની બંધારણ સાથેની અસંગતતા ચીંધતા રહ્યા છે.

દાનતનો સવાલ

યુપીએ સરકાર કોલેજિયમ પદ્ધતિ દૂર કરવા ઇચ્છતી હતી અને એ માટે સંસદમાં ખરડો લાવવા ઇચ્છતી હતી. વર્ષ ૨૦૧૦માં કોલેજિયમ પ્રથા સામે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી થઇ ત્યારે સર્વોચ્ચ અદાલતના એમિકસ ક્યુરી (મિત્રવત્‌ સલાહકાર)ની ભૂમિકામાં રહેલા જસ્ટિસ એ.કે.ગાંગુલીએ પણ ૧૯૯૩ના ચુકાદા અંગે ફેરવિચારનું સૂચન કર્યું હતું. તત્કાલીન એટર્ની જનરલ જી.ઇ.વહાણવટીએ ગાંગુલીના મતને સરકારી રાહે સમર્થન આપ્યું હતું. તત્કાલીન કાયદામંત્રી કપિલ સિબ્બલે કોલેજિયમ પ્રથાને ફગાવી દેતો ખરડો લાવવાની વાત કરી હતી, પરંતુ સંભવતઃ સભ્યસંખ્યા અને મક્કમતાના અભાવે એ શક્ય બન્યું નહીં.

નવી રચાયેલી એનડીએ સરકાર એ ખરડો લાવી અને પસાર પણ કરી દીધો, ત્યારે કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો. અલબત્ત, તેમનો વિરોધ કોલેજિયમની નાબૂદી સામે નહીં, પણ નવા રચાયેલા ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્‌સ કમિશન’ની કેટલીક જોગવાઇઓ સામે છે.  સોલી સોરાબજી જેવા વિદ્વાન ધારાશાસ્ત્રીઓએ પણ નવા રચાનારા કમિશનની કામગીરીની કેટલીક શરતો સામે વાંધો પાડ્યો છે. તેમને લાગે છે કે નવા કમિશનના માળખામાં રખાયેલી કેટલીક જોગવાઇઓ ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ મારનારી છે.

ન્યાયાધીશોની નિમણૂંક માટે ન્યાયતંત્ર, સરકાર અને બહારના  માણસોનું બનેલું કમિશન હોય, એ પ્રથા ઘણા દેશોમાં પ્રચલિત છે. બલ્કે, કેટલાક દેશોમાં (ભારતમાં અગાઉ હતું તેમ) ન્યાયતંત્રની નિમણૂંકો સરકાર દ્વારા જ થાય છે. એટલે નવા રચાનારા ‘નેશનલ જ્યુડિશ્યલ અપોઇન્ટમેન્ટ્‌સ કમિશન’ સામે તત્ત્વતઃ વાંધો પડવાનું કોઇ કારણ ન હોય.

આ કમિશનમાં છ સભ્યો છે : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ, કાયદામંત્રી અને બે અન્ય મહાનુભાવો. આ બે મહાનુભાવોની નિમણૂંક વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષી નેતા (કે સૌથી વઘુ બેઠકો ધરાવતા વિપક્ષના નેતા) અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. આમ છ સભ્યોની નિમણૂંકમાં પણ સરકારનો હાથ ઉપર હોય એવું પહેલી નજરે ક્યાંય જણાતું નથી. પરંતુ ગરબડવાળી એક જોગવાઇ એવી છે કે સમિતિના છમાંથી કોઇ પણ બે સભ્યો જો કોઇ પણ સૂચિત નામ સામે વાંધો પાડે, તો એ ન્યાયાધીશની નિમણૂંક થઇ શકે નહીં. એટલે કે, કોઇ પણ નામ સામે સમિતિના બે સભ્યો ભેગા થઇને ‘વીટો’ વાપરી શકે.

ગોપાલ સુબ્રમણ્યમ્‌ની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંકને મામલે વર્તમાન સરકારે જેવું નકારાત્મક વલણ અપનાવ્યું, એ જોતાં પોતાનાં રાજકીય હિતોને ભૂતકાળમાં ક્યારેક નડ્યા હોય એવા કોઇ પણ તટસ્થ ન્યાયાધીશનું નામ ‘વીટો’થી ઉડી જઇ શકે. આ આશંકા સૌથી ગંભીર અને ન્યાયતંત્રની તટસ્થતા સામે જોખમ ઊભું કરનારી હોઇ શકે છે. ભવિષ્યમાં બઢતી ઇચ્છનાર ન્યાયાધીશ રાજકારણીઓ સામે કડકાઇભર્યા ન્યાયી ચુકાદા આપતાં અચકાય, એવી આબોહવાનું નિર્માણ ‘વીટો’ની જોગવાઇથી થઇ શકે.

વળતી દલીલ કરનારા કહે છે કે જેમ સરકારી પ્રતિનિધિ ‘વીટો’ વાપરી શકે, તેમ ન્યાયતંત્રના પ્રતિનિધિઓ પણ સરકારે સૂચવેલાં નામ માટે ‘વીટો’ વાપરી શકે છે. આ દલીલ સાચી છે, પણ સરકારી ‘વીટો’ને કારણે થયેલા અન્યાયનું તેનાથી નિવારણ થતું નથી. ઇચ્છનીય એ છે કે ‘વીટો’ વાપરનારાને એ માટેનું કારણ જાહેર કરવાની ફરજ પાડવામાં આવે. એટલે કે કમિશનના સભ્યોને કોઇ ન્યાયાધીશના નામ સામે વાંધો હોય તો એ વાંધાનાં વિગતવાર કારણ માત્ર કમિશન સમક્ષ જ નહીં, નાગરિકો સમક્ષ પણ રજૂ કરવામાં આવે.

આ જોગવાઇ ઉમેરાય તો પણ, છેવટનો આધાર તો અમલકર્તાઓની દાનત પર રહે છે. ખોટું કરવાની પ્રાથમિક શરમ જ જતી રહી હોય અને ખોટું થતું જોવાની- તેનો વિરોધ કરવાની નાગરિકોની મૂળભૂત શક્તિ જ હણાઇ ગઇ હોય, તો પછી કોલેજિયમ હોય કે જ્યુડિશ્યલ કમિશન, કશો ફરક પડવાનો નથી.