Friday, September 12, 2014
પ્રકાશ ન. શાહ : પંચોતેરમે
એવી રીતે અમે થોડા મિત્રો મળ્યા. બિનીત મોદીને કેક લાવવાની જવાબદારી સોંપી હતી. (સોરી, દીનાનાથ બત્રા). બિનીત મોદી જગતમાં એક જ અને અનોખી જણસ છે. એ કેકની દુકાનેથી બિલ લાવ્યો, પણ કોના નામનું? ’પીયુસીએલ, રીપબ્લિક ઓફ ચાઇના.’ (પીયુસીએલ -પીપલ્સ યુનિઅન ઓફ સિવિલ લીબર્ટીઝ- સાથે પ્રકાશભાઇના સંબંધો જાણનારા આ બિનીતબ્રાન્ડ જોક વધારે માણી શકશે.)
અપેક્ષા મુજબ જ અમે ભારે જલસા કર્યા. પ્રકાશભાઇના પરમ મિત્ર અને અમારા સ્નેહી વડીલ વિપુલ કલ્યાણી (લંડન) સાથે ફોન પર ગોષ્ઠિ કરીને તેમને પણ મહેફિલમાં સામેલ કર્યા.
’નવગુજરાત સમય’ના તંત્રી અને ’(વર્ષો પહેલાં વડોદરા લોકસત્તામાં) પ્રકાશભાઇએ મને બસની ટિકીટની પાછળ અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો હતો’ એવું વખતોવખત ગૌરવપૂર્વક કહેનારા અજય ઉમટ પણ તેમને વિશ કરવા આવ્યા હતા. આ ઘરેલુ જલસાપાર્ટીની થોડી તસવીરો પ્રકાશભાઇના પ્રેમીઓ-ચાહકોના લાભાર્થે મૂકું છું. સાથોસાથ, થોડા વખત પહેલાં જસવંતભાઇ રાવલે ’નયા પડકાર’ માટે પ્રકાશભાઇ વિશે મારી પાસે એક લેખ લખાવ્યો હતો. એ લેખ પણ અહીં મૂકું છું. એને પ્રકાશભાઇનો સ્નેપ-પ્રોફાઇલ કહી શકાય.
તો આ તસવીરો.. અને પછી લેખ..
![]() |
| પ્રકાશભાઇના જાહેર જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા- કટોકટી અને જેલવાસના વર્ષ ૧૯૭૫ અને ૭૫મા વર્ષનો મેળ બેસાડતું બિનીત મોદીનું લખાણઃ બેકરીવાળાને ગુજરાતી લખતાં ન આવડે એટલે જાતે જ લખવું પડ્યું. |
![]() |
| પ્રકાશભાઇને ચોકલેટ ખવડાવીને બાકાયદા મોં મીઠુ કરાવતો બિનીત, વચ્ચે અજય ઉમટ અને પાછળ દિવ્યેશ વ્યાસ |
![]() |
| કેક કાપવા વિશે પ્રકાશભાઇ એકાદ સારો શબ્દ આપે એની રાહ જોઇએ (પ્રકાશભાઇ- નયનાબહેન) |
![]() |
| પ્રકાશભાઇ-નયનાબહેન / Prakash N.Shah-Nayna Shah |
![]() |
| ડાબેથીઃ બિનીત મોદી/Binit Modi, દિવ્યેશ વ્યાસ/Divyesh Vyas, અજય ઉમટ/ Ajay Umat, પ્રકાશ ન.શાહ/Prakash N.Shah, આશિષ કક્કડ/Ashish Kakkad, ઉર્વીશ કોઠારી/Urvish Kothari |
![]() |
| મંડળી મળવાથી થતા ફાયદાઃ નયનાબહેન/Nayna Shah, પ્રકાશભાઇ/Prakash N.Shah, આશિષ કક્કડ/Ashish Kakkad, દિવ્યેશ વ્યાસ/Divyesh Vyas, કેતન રૂપેરા/ Ketan Rupera, સંજય ભાવે/Sanjay Bhave, બિનીત મોદી/Binit Modi |
![]() |
| નયનાબહેન, પ્રકાશભાઇ, આશિષ કક્કડ, સંજય ભાવે, ઉર્વીશ કોઠારી, કેતન રૂપેરા, દિવ્યેશ વ્યાસ |
ગુજરાતના જાહેર જીવનમાં ભીની બૌદ્ધિકતા, નિર્ભાર વિદ્વત્તા, તીક્ષ્ણ રમૂજવૃત્તિ- મુક્ત હાસ્યની ઓથે છુપાયેલું ગાંભીર્ય અને એ બધામાં શિરમોર ‘નો સર’ કહેવાની ઠંડી મક્કમતા- આ ગુણો સ્વતંત્રપણે દુર્લભ બની ગયા હોય, ત્યારે તેમના સંયોજન માટે કયા શબ્દો વાપરવા? આશ્ચર્યજનક ચમત્કાર? સુખદ અકસ્માત? વીરલ યોગાનુયોગ?
એમાંનો એક પણ પ્રયોગ ન વાપરવો હોય તો, ફક્ત ‘પ્રકાશ ન.શાહ’ કહેવું પૂરતું છે.
સરળતા ખાતર પ્રકાશભાઇની ટૂંકી ઓળખાણ ‘નિરીક્ષક’ વિચારપત્રના તંત્રી અને ‘દિવ્ય ભાસ્કર’ના કટારલેખક તરીકે આપી શકાય. ૨૦૦૨ પછીના ગુજરાતમાં તેમની એક પ્રમુખ ઓળખ મુખ્ય મંત્રીના મુખ્ય ટીકાકાર તરીકેની પણ રહી છે. કાયદો-વ્યવસ્થા અને ન્યાયના શાસનની વાત કરનારાને ‘સ્યુડો-સેક્યુલર’ તરીકે ઓળખવાની ગુજરાતી ફેશન પ્રમાણે, પ્રકાશભાઇ ‘સેક્યુલર ટોળકીના પોપ’ જેવું બિરૂદ પણ પામ્યા છે. ઇંદિરા ગાંધીની આપખુદશાહીનો ખુલ્લો વિરોધ કરનારા અને કટોકટી વખતે જેલવાસ ભોગવી ચૂકેલા પ્રકાશભાઇને કોમવાદી-વ્યક્તિકેન્દ્રી રાજકારણનો વિરોધ કરવા બદલ કોંગ્રેસી ગણવામાં આવે, તે વિશિષ્ટ વિરોધાભાસ છે.
પ્રકાશભાઇમાં એક સાથે (અસલી) અધ્યાપક, પત્રકાર, સાહિત્યકાર અને ચળવળકારનું ચેતન ધબકે છે. આજે જેમનાં નામ સાંભળીને અહોભાવયુક્ત આદર થઇ આવે એવાં અનેક ઐતિહાસિક વ્યક્તિત્વો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. એ યાદીમાં આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણથી માંડીને ગાંધીબિરાદરી-જાહેર જીવન-સાહિત્ય-પત્રકારત્વનાં ઘણાં નામ આવી જાય. રામનાથ ગોએન્કાના ‘એક્સપ્રેસ જૂથ’માં તેમણે ‘જનસત્તા’ દૈનિકનું તંત્રીપદ સંભાળ્યું હતું.
લેખન- પત્રકારત્વ સાથે પ્રકાશભાઇનો સંબંધ લગભગ પાંચેક દાયકાથી છે. ભોગીલાલ ગાંધીના ‘વિશ્વમાનવ’ અને પ્રબોધ ચોક્સીના તંત્રીપદ હેઠળના ‘નિરીક્ષક’માં લખનારા પ્રકાશભાઇ રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે નિરાંતે જિંદગી વીતાવી શક્યા હોત, પણ અધ્યાપકપદું તેમની કારકિર્દીમાં કેવળ અલ્પવિરામ બની રહ્યું. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તૈયાર થઇ રહેલા ગુજરાતી જ્ઞાનકોશ ‘જ્ઞાનગંગોત્રી’માં ભોગીલાલ ગાંધી સાથે કામ કરવાની દરખાસ્ત આવતાં, તેમણે અધ્યાપક તરીકેની નોકરી છોડી દીધી. પત્રકારત્વમાં ‘એક્સપ્રેસ જૂથ’ના ‘નૂતન ગુજરાત’ અને પછી ‘જનસત્તા’ના તંત્રી તરીકે તેમની કામગીરી યાદગાર રહી.
મુખ્ય ધારાનાં ગુજરાતી અખબારો માટે અસ્પૃશ્ય રહેલા ઘણા વિષયો તેમણે ‘જનસત્તા’માં સામેલ કર્યા. એ વિષય પર વાચકોના પ્રતિભાવો અને તેના દ્વારા ચર્ચાનો માહોલ ઊભો કર્યો. હસમુખ ગાંધીના તંત્રીપદ હેઠળ એક્સપ્રેસ જૂથના ‘સમકાલીન’માં પ્રકાશભાઇએ નિયમિત લખ્યું. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની ગુજરાતી આવૃત્તિ શરૂ થઇ ત્યારે તેની ધુરા સંભાળવા માટે, ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર બન્ને પાસેથી ‘ટાઇમ્સ’ને પ્રકાશભાઇનું જ નામ મળ્યું. જોકે, ‘ટાઇમ્સ’ના વ્યાવસાયિક માહોલમાં તેમને લાંબો સમય ગોઠ્યું નહીં.
‘દિવ્ય ભાસ્કર’ શરૂ થયું ત્યારે શરૂઆતનાં વર્ષોમાં તેના તંત્રીપાનાની જવાબદારી પ્રકાશભાઇ સંભાળતા હતા. ગુજરાતનાં મુખ્ય ધારાનાં અને માતબર ફેલાવો ધરાવતા અખબારોમાં પહેલી વાર તે આવ્યા અને જણાયા પણ ખરા. ગુજરાતી અખબારોમાં તંત્રીલેખો ઘણુંખરું ઔપચારિકતા પૂરી કરવા ખાતર લખાતા અને છપાતા હોય છે, પણ પ્રકાશભાઇના તંત્રીલેખો અસંખ્ય મુદ્દા પર વાચકોને નરવું વિચારભાથું પૂરું પાડનારા બની રહ્યા. રાજકારણ ને સમાજના ગંભીર વિષયો જેટલી જ સાહજિકતાથી સચિન તેંડુલકર- અનિલ કુંબલેની ક્રિકેટકલા વિશેના તંત્રીલેખોમાં પ્રકાશભાઇ ખીલી ઉઠતા હતા.
તંત્રીલેખ અને બીજા લેખોમાં પ્રકાશભાઇની ભાષા કાયમી ચર્ચાનો વિષય રહી છે. ‘પ્રકાશભાઇનું ગુજરાતી વાંચવું હોય તો તેનો અનુવાદ કરાવવો પડે’ એવી રમૂજ વર્ષોથી થાય છે. તેમની લેખિત ભાષા સરળ કે સીધીસટ નથી, પરંતુ ધ્યાન અને મન દઇને વાંચનારને તેમાંથી ફક્ત સચોટ-સર્વાંગી વિશ્લેષણનો જ નહીં, ભાષાની તાજગી અને નવા શબ્દપ્રયોગોનો પણ આનંદ મળે છે. ગુજરાતી કટારલેખકોમાં બહુ ઓછા એવા છે, જેમને ખરેખર કંઇ કહેવાનું હોય. પ્રકાશભાઇ એમાંના એક છે, તેનો દૃઢ અહેસાસ થઇ ગયા પછી તેમના લેખો વાંચવાનું અઘરું પડતું નથી. બલ્કે, સમજાય છે કે મામલો મુખ્યત્વે મગજને તસ્દી આપવાનો જ છે.
નવા અને શબ્દકોશમાં ન હોય (છતાં તેમાં સ્થાન પામી શકે) એવા ગુજરાતી શબ્દો નીપજાવવામાં પ્રકાશભાઇ માહેર છે. જાદુગર હવામાંથી અજબગજબની ચીજો પેદા કરે, તેમ પ્રકાશભાઇ હસતાંરમતાં નવા શબ્દો બનાવે અને વાપરે છે. મોટી ઇમારતો બનાવવાની ઘેલછા માટે ‘દૈત્યકાય ઇમારતવાદ’, મીડિયાના આક્રમણ માટે ‘મીડિયામારી’, ક્રિકેટની ચીઅર ગર્લ્સ માટે ‘ચિયરાંગના’, તો અન્ડરવેઇટ બાળકો માટે ‘ઋણવજનિયાં’ જેવા પ્રયોગો તેમને મન સહજ અભિવ્યક્તિનો એક ભાગ છે. ભદ્રંભદ્ર બન્યા વગર તે ‘ગોલ્ડન જ્યુબિલી’ માટે ‘સુવર્ણજયંતિ’ને બદલે ‘પચાસવર્ષી’, ‘રોલમોડેલ’ને બદલે ‘વેશનમૂનો’, ‘નોનસ્ટાર્ટર’ માટે ‘અનારંભી’ અને ‘વન અપમેનશિપ’ માટે ‘અમે-તમારાથી-ચડિયાતા-શાઇ’ જેવા સોંસરવા ગુજરાતી પ્રયોગો આબાદ પ્રયોજી જાણે છે. ‘કિંકર્તવ્યમૂઢ’ જેટલી જ સહેલાઇથી તે ‘કિંદર્શિતવ્યંમૂઢ’ (ટીવી પર શું જોવું તેની ખબર ન પડે એ અર્થમાં) લગાડી શકે છે.
છીછરી લોકપ્રિયતામાં છબછબીયાં કરનારા અકારણ અને કૃતક ‘ગુજલિશ’ દ્વારા ગુજરાતીનું ચિરહરણ કરી રહ્યા છે, ત્યારે પ્રકાશભાઇના લખાણની ભાષામાં ગુજરાતી ભાષાનો જુદો-મૌલિક-પ્રકાશીય રંગ જોવા મળે છે. પણ ઘણી વાર પ્રકાશભાઇના રાજકીય વિચારોના વિરોધ માટે તેમની ભાષાની ‘દુર્બોધતા’નો મુદ્દો વીંઝાતો જોવા મળે છે.
પ્રકાશભાઇના ભલભલા વિચારવિરોધીઓ તેમની રમૂજવૃત્તિની પ્રશંસામાં એકમત છે. સહજ સંવાદમાં રમૂજની છોળો ઉડાડતા પ્રકાશભાઇની હાજરી દૂરથી જ પરખાઇ જાય. પ્રેમાળ અટ્ટહાસ્ય પ્રકાશભાઇનું ઓળખપત્ર છે. રમૂજ કરવાની અને માણવાની તેમની ક્ષમતાને કારણે જ કદાચ, તે ‘નિરીક્ષક’ જેવું સામયિક ચલાવવા છતાં અને ચાર-ચાર દાયકાથી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં, નિરાશાવાદી કે કડવા થયા નથી. હસતા મોંએ તે ટીકા સહન કરી શકે છે અને કટુ થયા વિના ટીકા કરી પણ શકે છે. તેમાં કશો દંભ નથી. નકરી સ્વાભાવિકતા હોય છે.
પ્રકાશભાઇને લખતાં વાર લાગતી નથી, પણ તેમને લખવા બેસાડવાનું કામ ભગીરથ હોય છે. લખવા બેઠા પછી તે એક બેઠકે અને એકસરખા સુવાચ્ય અક્ષરોમાં વસંત-રજબ વિશેની આખી પરિચય પુસ્તિકા લખી કાઢે છે. પણ તે લખવા બેસે એવો યોગ આણવાનું બહુ કપરું છે. (ચાર દાયકાના લેખન પછી પણ તેમના નામે એકેય પુસ્તક નથી.) તેની સરખામણીમાં પ્રકાશભાઇ પાસેથી બોલાવવું પ્રમાણમાં ઘણું સહેલું છે. વક્તવ્ય માટે તે મોટે ભાગે ‘ના’ પાડતા નથી અને કદી ઉપરછલ્લું, લોકરંજક કે આત્મરતિભર્યું વક્તવ્ય આપતા નથી. ઇતિહાસ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સાહિત્ય, કળા, ધર્મ, ફિલસૂફી, ગાંધી જેવા અનેક વિષયોમાં તેમની ઊંડી સમજણ, ‘હું’પણાની બાદબાકી સાથે, તેમનાં વક્તવ્યોમાં ઘોળાઇને આવે છે. ‘લોકપ્રિય’ તરીકે જાણીતા લોકરંજક વક્તાઓની જેમ, તેમના પ્રવચનમાં શ્રોતાઓને આંજી નાખવાનો કશો વ્યાયામ હોતો નથી, પણ નિરાંતે આખું વક્તવ્ય સાંભળનાર શ્રોતા છેવટે કશુંક નક્કર પામીને ઊભો થાય છે. (તેમનું વક્તવ્ય ફક્ત ‘ઓડિયો’ નહીં, પણ ‘ઓડિયો-વિઝ્યુઅલ’ અનુભવ હોય છે.) તેમાં અનાયાસ અને આબાદ રીતે આવી જતા અઢળક સંદર્ભો શ્રોતાઓના મનની ક્ષિતિજો વિસ્તારવામાં મદદરૂપ થાય છે.
ગાંધી-કૃપાલાણી-જયપ્રકાશ-ઉમાશંકરયુગ સાથેની અનન્ય વિચારકડી તરીકે પ્રકાશભાઇ ગુજરાતનું એવું વીરલ વ્યક્તિત્વ છે, જેમના વિશે ગૌરવ લેવાનું અને જેમના પ્રદાનને યથાયોગ્ય રીતે મૂલવવાનું ઘણા ગૌરવતત્પર ગુજરાતીઓનો હજુ સૂઝ્યું નથી.
Sunday, August 22, 2010
ક્રાંતિકારી વિચારક, કર્મશીલ અને યોદ્ધાઃ નરસિંહભાઇ પટેલ (2)

Monday, August 16, 2010
માત્ર રાજકીય જ નહીં, સામાજિક-માનસિક આઝાદીના લડવૈયા નરસિંહભાઇ પટેલ

Monday, July 07, 2008
હોમાય વ્યારાવાલાઃ ખુદ્દાર જિંદગીની બોલતી તસવીર
ચાં ખાવ છો? ગાર્ડનિંગ કરો છો? અને ગાડી પણ ચલાવો છો?’ ‘આય ઊંમરે એટલે વોટ ડુ યુ મીન? આઇ એમ જસ્ટ ૯૪.’ (‘આ ઊંમરે’ એટલે તમે શું કહેવા માગો છો? હજુ તો મને ૯૪ જ થયાં છે.) એવો કડક-મીઠો જવાબ આપનાર ‘ફક્ત ૯૪ વર્ષનાં’ માયજી એટલે હોમાય વ્યારાવાલા. સંભવતઃ ભારતનાં પહેલાં મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર. હોમાય વ્યારાવાલાએ લીધેલી તસવીરો રાષ્ટ્રના ઇતિહાસની મૂલ્યવાન જણસ ગણાય છે. તેમના વિશે અત્યાર સુધીમાં સ્થાનિક-રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સામયિકોમાં ઘણું લખાઇ ચૂક્યું છે.થોડા સમય પહેલાં પ્રકાશિત થયેલું દળદાર પુસ્તક ‘કેમેરા ક્રોનિકલ્સ ઓફ હોમાય વ્યારાવાલા’ (લેખિકાઃ સબીના ગડીહોકે) ફોટોગ્રાફી અને ઇતિહાસનો એક ઉત્તમ દસ્તાવેજ છે. ફોટોગ્રાફર તરીકે હોમાય સક્રિય હતાં ત્યારે સરદાર પટેલથી ઈંદિરા ગાંધી સુધીનાં અનેક નેતાઓ તેમને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. સરદાર પટેલ ‘વો તો હમારી ગુજરાતન હૈ’ કહીને રાજી થતા હતા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ જેવા વિદ્વાન રાષ્ટ્રપતિ પ્રેસ કોન્ફરન્સમાં હોમાયને ન જુએ એટલે તેમના વિશે પૂછપરછ કરે. ૧૪ ઓગષ્ટ, ૧૯૪૭ની મધરાતે લાલ કિલ્લા પરથી થયેલું ઐતિહાસિક ઘ્વજવંદન હોય કે ગાંધીજીની અંતીમ યાત્રા જેવો પ્રસંગ, લોર્ડ માઉન્ટબેટનની ગાર્ડન પાર્ટી હોય કે નેહરૂના દૌહિત્રો રાજીવ-સંજયની બર્થ ડે પાર્ટી, આ બધા પ્રસંગે હોમાય વ્યારાવાલા ફોટોગ્રાફર તરીકે-મોટે ભાગે પુરૂષ ફોટોગ્રાફરના ઝુંડ વચ્ચે એકમાત્ર ભારતીય મહિલા ફોટોગ્રાફર તરીકે- હાજર હોય. વડા પ્રધાન નેહરૂ હોમાય વ્યારાવાલાનો પ્રિય વિષય હતા. નેહરૂના મિજાજ અને લોકપ્રિયતાના અનેક તબક્કા તેમણે ખેંચેલી તસવીરોમાં જોવા મળે છે. તેમાંનો એક અત્યંત જાણીતો ફોટો ‘ફોટોગ્રાફી નોટ એલાઉડ’ ના પાટીયા પાસે ઊભા રહીને ફોટો પડાવતા વડા પ્રધાન નેહરૂનો છે.
સભર અને સમૃદ્ધ ભૂતકાળની સરખામણીમાં, વડોદરામાં છાણી પાસે એક બંગલાના પહેલા માળે રહેતાં હોમાય એકલતાની મૂર્તિ લાગે. બે-ત્રણ રૂમનું તેમનું ઘર અને તેમની ટેરેસ એટલે ફુલછોડ અને હોમાયબહેને જાતે જરૂર પ્રમાણે તૈયાર કરેલી ચીજવસ્તુઓનું મ્યુઝીયમ. તેની શરૂઆત બંગલામાં પ્રવેશવાની ઝાંપલીથી થાય. ત્યાં એમણે સ્વર્ગસ્થ પુત્રના ‘બુલવર્કર’ની (કસરતના સાધન)ની સ્પ્રીંગ એવી રીતે લગાડી છે કે આગંતુક નાનો દરવાજો ખેંચીને ઉઘાડે, પછી દરવાજો આપમેળે સ્પ્રીંગના સંકોચાવાથી બંધ થઇ જાય. ઘરની અંદર દીવાનખાનાનું સુશોભન સાદું છતાં કળાત્મક. રહેનારની ઉંચી કળાદ્રષ્ટિનો ખ્યાલ આપે એવું. દીવાલો હજુ સફેદ છે. તેનું કારણ આપતાં હોમાયબહેન કહે છે,‘વડોદરા રહેવા આવી ત્યારે વિચારતી હતી કે ચાર-પાંચ વર્ષ જીવવું ત્યાં કલરની શી માથાકૂટ? પણ એમ ને એમ ૧૮ વર્ષ વીતી ગયાં.’
‘લોકોને મરવાની વાત કરતાં બીક લાગે છે, પણ મને આનંદ અને મજાક સૂઝે છે.’ એવું હોમાયબહેન ફક્ત કહેવા ખાતર નથી કહેતાં. પોતાના મૃત્યુ વિશે ફિલસૂફી ઝાડવી સહેલી છે, પણ પતિના મૃત્યુની વાત કરતી વખતે સ્થિતપ્રજ્ઞ રહેવું બહુ અઘરૂં હોય છે. હોમાય વ્યારાવાલા જો કે જુદી માટીનાં બનેલાં છે. એ કહે છે,‘આઇ એમ નોટ ઇમોશનલ ટાઇપ. (હું લાગણીપોચી નથી). ખોટી દવા લેવાને કારણે મારા હસબન્ડનું મૃત્યુ થયું ત્યારે હું રડી ન હતી. હું એના માટે પ્રાર્થના કરતી હતી.’ આટલું ઓછું હોય તેમ, હોમાયબહેને પારસી સમાજની મરજીથી વિરૂદ્ધ જઇને પતિની ઇચ્છા પ્રમાણે તેમના અંતીમ સંસ્કાર કર્યા.
મૃત્યુની બાબતમાં ભલભલા સાઘુસંતો કરતાં વધારે અનાસક્ત અને સ્થિતપ્રજ્ઞ
હોવા છતાં, હોમાયબહેનનો જીવનરસ કોઇ પણ જુવાનિયાને શરમાવે એટલો પ્રબળ છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવચન માટે આમંત્રણ મળ્યા પછી તેમણે પોતાનો પાસપોર્ટ નવો કઢાવ્યો. પાસપોર્ટ તૈયાર થઇને આવી ગયો, એટલે તેમણે વડોદરાના સ્નેહી-મિત્ર બીરેન કોઠારીને રાબેતા મુજબ એક પોસ્ટકાર્ડ લખીને સમાચાર આપ્યા અને વધારામાં લખ્યું,‘હું રૂપિયા બગાડવામાં માનતી નથી. એટલે હવે તો નવા પાસપોર્ટની મુદત પૂરી થાય ત્યાં સુધી જીવવું પડશે.’
(હોમાય વ્યારાવાલા સાથે (ડાબેથી) કામિની- બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારીઃ અમેરિકા જતાં પહેલાં અમદાવાદની ‘ગ્રીનહાઉસ’ રેસ્ટોરાંમાં)
તેમના જીવનરસનો સૌથી મોટો પુરાવો એ છે કે એકાદ બાબતને બાદ કરતાં જીવન પ્રત્યે તેમને કોઇ ફરિયાદ નથી. એક સમયે સરદાર પટેલ-નેહરૂ જેવા નેતાઓ સાથે પરિચય કે દિલ્હીની ‘પેજ ૩’ પાર્ટીઓનો અનુભવ હોવા છતાં, તેમની વાતોમાં કદી ભવ્ય ભૂતકાળના રોદણાં સાંભળવા મળતાં નથી. એ કહે છે,‘હું કુટુંબ સાથે પણ સુખી હતી અને કુટુંબ વગર પણ હું દુઃખી નથી.’
૯૪ વર્ષની ઊંમરે ઘરનું બઘું કામ તે જાતે કરે છે. રસોઇ, બાગકામ અને ‘વેસ્ટમાંથી બેસ્ટ’ બનાવવાની કારીગરી તેમના એવા શોખ છે, જેના પ્રતાપે તે ગૌરવભેર કહી શકે છે,‘મને ટાઇમ મળતો નથી.’ જીવનમાં શ્રમનું મહત્ત્વ સમજાવતાં એ કહે છે,‘દરેક જણે પોતાની જુવાનીમાં શારીરિક શ્રમ સંકળાયેલો હોય એવો એકાદ શોખ રાખવો જોઇએ. ફક્ત વાંચવાનું કે સંગીત સાંભળવાનું પૂરતું નથી. શ્રમકેન્દ્રી શોખ હોય તો એ વૃદ્ધાવસ્થામાં બહુ કામ આવે છે.’
સદા પ્રવૃત્તિમય રહેતાં હોમાયબહેન પતિ માણેકશા સાથે દિલ્હી રહેતાં હતાં ત્યારે સવારમાં દીકરાનું કામ અને ઘરકામ, બપોરે બ્રિટિશ હાઇકમિશનની ઓફિસે ફોટોગ્રાફર તરીકે કામ અને સાંજે ઘેર આવીને સ્નાન કરીને પાર્ટીનું કે ફોટોગ્રાફીનું બીજું કામ- આવું તેમનું શીડ્યુલ હતું. છતાં, સમય કાઢીને તે બીજી પ્રવૃત્તિઓમાં રસ લેતાં હતાં. સુથાર, લુહાર કે રસ્તા પર ચંપલ સાંધનારા માણસને કામ કરતો જોવા તે ઊભાં રહેતાં અને ઘ્યાનથી તેની કામગીરીનું નિરીક્ષણ કરતાં હતાં. ત્યાર પછી એ અખતરો ઘરે થતો. આ રીતે તેમણે ઘણા હુન્નર આત્મસાત્ કર્યા. બાગકામ એ પુસ્તકો વાંચીને શીખ્યાં. તેમનો તરવરાટ એવો કે સાયકલ લઇને દીકરાને સ્કુલે લેવા જાય, ત્યારે દીકરાના દોસ્તો એને કહે,‘યોર સીસ્ટર હેઝ કમ.’ (તારી બહેન લેવા આવી ગઇ).
દિલ્હીમાં ફોટોગ્રાફર તરીકે તેમણે નિષ્ઠા અને ખંતથી કામ કર્યું, પણ એ ફક્ત વ્યવસાય તરીકે. ‘અમે ઘણા બધા ફોટોગ્રાફર સાથે હોઇએ એટલે મને મારા કામનું મૂલ્ય સમજાયું ન હતું. પણ આઝાદીનાં પચાસ વર્ષ નિમિત્તે બધા લોકો જૂના ફોટોગ્રાફ્સ શોધતા આવ્યા, ત્યારે મને મારા કામની કિંમત સમજાઇ.’ ફોટોગ્રાફર તરીકેના વ્યવસાયમાંથી ગરીમાનો લોપ થતાં તેમણે કેમેરા છોડ્યો અને પીલાની જઇને વસ્યાં.
‘દિલ્હીમાં ફોટા અને નેગેટીવ અમે જેમ આવે તેમ એક કવરમાં મુકતાં હતાં. એક જ કવરમાંથી મૈયતના ફોટા હોય અને મજલિસના પણ હોય. પીલાની જઇને મેં બઘું વ્યવસ્થિત ગોઠવ્યું. બૂટના ખોખા જેવડા એક મોટા બોક્સમાં સૌથી અગત્યના ફોટાની નેગેટીવ હતી- મારા કામનો લગભગ ૬૦ ટકા હિસ્સો એ ખોખામાં હતો. પણ એ ખોખું ક્યાંક ખોવાઇ ગયું. એ સિવાય ઘણી બધી (બે હાથ પહોળા કરીને બતાવવી પડે એટલી) પ્રિન્ટ નકામી લાગતાં તેને સળગાવી દીધી. એ વખતે મને આ કામની કિંમત ન હતી. એ બઘું સાચવી રાખવા પાછળ એક જ લોજિક હતુંઃ કદાચ મારા દીકરાને કામ આવે.’
બંધ ખોખામાં સચવાયેલી થોડીઘણી પ્રિન્ટ સત્તર વર્ષ પછી ‘આઉટલૂક’ અને ‘ઇન્ડિયા ટુડે’ના વિશેષાંકો માટે પહેલી વાર તેમણે ખોલી, ત્યારે એ પ્રિન્ટોની ગુણવત્તા જોનાર છક થઇ ગયા. હજુ હમણાં જ તૈયાર કરી હોય એવી એ તસવીરો હતી. અને જે જોઇને મંત્રમુગ્ધ થઇ જવાય એ તો ખજાનાનો માંડ ૪૦ ટકા હિસ્સો હતો. ૬૦ ટકા હિસ્સો તો કાળના પ્રવાહમાં ક્યાંક ગુમ થયો હતો. આટલો મોટો ખજાનો ખોવાયો, એની વાત કરતાં હોમાયબહેનનો અવાજ નથી ભીનો થતો કે નથી તેમની આંખોમાં લાચારી પ્રગટતી.
વડોદરામાં એકાંતવાસનાં અઢાર વર્ષ પછી બીજી કોઇ બાબતે તેમના અવાજમાં ફરિયાદનો સૂર પ્રગટતો નથી, પણ લોકોમાં રહેલી સિવિક સેન્સની- તેના અભાવની વાત આવે, એટલે હોમાયબહેનનો ચહેરો તમતમી જાય છે. પોતાના મકાનની સામે ક્રિકેટ રમતાં અને ફુલછોડને નુકસાન પહોંચાડતાં તોફાની છોકરાંથી તે બહુ નારાજ છે. એ છોકરાંના માતા-પિતા પોતાનાં છોકરાંને ટોકવાને બદલે ‘પોલીસમાં ફરિયાદ કરો’ એવી સલાહ આપે, એ વાતનું તેમને વધારે દુઃખ છે. કોઇની પાસેથી મદદ ન માગતાં, સ્વમાનભેર પોતાના જીવનનો આખરી તબક્કો વીતાવી રહેલાં સિદ્ધિવંત હોમાયબહેન ફક્ત બીજા લોકો હેરાન ન કરે એટલી જ અપેક્ષા રાખે છે. અફસોસની વાત એ છે કે તેમની આટલી મામૂલી અપેક્ષા પણ તેમની આજુબાજુના લોકો કે તેમનું સન્માન કરીને પોતાના માટે પ્રસિદ્ધિ ઉઘરાવી લેવા માગતા લોકો સંતોષી શકતા નથી.
નોંધઃ આ લેખ લખાયા પછી હોમાય વ્યારાવાલા અમેરિકા અને બ્રિટનની કેટલીક યુનિવર્સિટીનાં આમંત્રણથી, તેમનાં ચરિત્રલેખિકા સબીના ગડીહોકે સાથે અમેરિકા અને બ્રિટન જઇ આવ્યાં. (ઉપરની તસવીર) પણ થોડા દિવસ પહેલાં જ તે (મારા મોટા ભાઇ) બીરેન કોઠારીને કહેતાં હતાં,‘લાગે છે કે ફરી અમેરિકા જવું પડશે. આય વિઝિટમાં બહુ મઝા નહી આવી.’







