Thursday, July 27, 2023
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને જાહેરમાં ફટકારવા વિશે
- પોલીસ જાહેરમાં લોકોને ફટકારે તેમાં ઘણાબધા લોકોને બહુ આનંદ આવે છે અને ન્યાય થયો હોય એવું લાગે છે. ગુનેગારોને સીધા કરવાની એ જ સાચી રીત છે, એવું તેમને લાગે છે.
- અત્યારે ટ્રાફિકના ગુનાની વાત કરીએ તો, મોટા અકસ્માત પછી એક-બે વિડીયો એવી જોવા મળી, જેમાં ટ્રાફિકનો ગુનો કરનારને એક પોલીસ પકડે અને બીજા પાછળથી ફટકારે. કેટલી લાકડીઓ? પોલીસને મન થાય ને ધરવ થાય એટલી.
- લાકડી ફટકારતી વખતે પોલીસ કોનો કોનો કે શાનો શાનો ગુસ્સો ઉતારે છે એની તો આપણે કલ્પના કરવાની રહી, પણ સીધીસાદી સભ્યતાના એક પણ ધોરણે એ સજા વાજબી ઠેરવી શકાય તેમ નથી. ગુનેગાર સાથે ગુનેગાર બનીને કામ પાડવામાં ન્યાય નથી થતો. બરાબરી થાય છે.
- ટ્રાફિકના ગંભીરમાં ગંભીર ગુના માટે કાયદાની કલમો હશે અને ન હોય તો તે કલમો બનાવવા માટે રજૂઆતો-આંદોલન કરવું, એ તેનો ઉપાય છે. આ રીતે કોઈને પણ મારવાની પોલીસને સત્તા નથી. તેમ છતાં, પોલીસ એ સત્તા ભોગવે અને તેને લોકોના મોટા સમુદાયનું સમર્થન મળે, એ બંને બાબતો બહુ ખતરનાક છે.
- નૈતિકતા કે પ્રમાણભાનની વાત ઘડીભર બાજુએ રાખીએ તો પણ, જાહેરમાં ફટકારવાના પ્રસંગોથી રાજી થતા અને પોરસાતા લોકોને એ ખ્યાલ હોય છે કે કોઈ પણ રેશનલ--તર્ક કે પ્રમાણભાન--વગરના, આવા 'ઇન્સ્ટન્ટ ન્યાય' એટલે કે પોલીસની ધોકાવાળીમાં તેમનો નંબર પણ ગમે ત્યારે લાગી શકે છે?
- જેમની પાસે જેની સત્તા નથી, તે એ સત્તા હાથમાં લઈ લે ત્યારે નાગરિક તરીકે આપણે ચેતવાનું હોય અને વિરોધ કરવાનો હોય. કારણ કે, સત્તાના દુરુપયોગની બંદૂક હંમેશાં આપણને ન ગમતા માણસ સામે જ તકાય એવું બિલકુલ જરૂરી નથી હોતું. અને એક વાર સત્તાના દુરુપયોગને વધાવી લીધા પછી, આપણે પણ તેના સાગરીત બનીએ છીએ.
- ગુનેગારોને કડક સજા થાય તે માટે 1) કાયદાની જોગવાઈ 2) કાયદા પ્રમાણે ચાલવાની પોલીસની વર્તણૂંક 3) તેના માટે પોલીસ ઉપરીઓની પ્રોફેશનલ (દબંગછાપ નહીં) વર્તણૂંક 4) પોલીસ દ્વારા અસરકારક રીતે થતી કેસની નોંધણી અને સંબંધિત કાચું કામ, જેના આધારે અદાલતમાં પહોંચ્યા પછી કેસ લૂલો ન પડી જાય અને 5) અદાલતમાં આ પ્રકારના કેસની ઝડપી સુનાવણી અથવા આ પ્રકારના કેસ માટેની બીજી અદાલતો-- આટલું જરૂરી છે.
- આ પ્રક્રિયા છે, જેના પહેલા પગથિયાની દિશામાં સફર શરૂ થવી જોઈએ. મીડિયાએ હઈસો હઈસો ને ગુનેગારોને અવનવાં લેબલ આપવાને બદલે લાંબા ગાળાના ઉકેલની દિશામાં લોકમત ઘડવો, દોરવો જોઈએ. અને એવું ન કરે તો પણ લોકોને ઉશ્કેરણીના રવાડે ચડાવવા જોઈએ નહીં.
- ડંડાવાળી કરવાથી કે ટ્રાફિક ઝુંબેશો કે સ્પેશ્યલ ડ્રાઇવ કરવાથી સનસનાટીપ્રેમી -લોકલાગણી ઉશ્કેરનારાં મીડિયાને ધરવી શકાશે, પણ આપણી નાગરિકોની સમસ્યાનો કશો ઉકેલ નહીં આવે.
Tuesday, September 10, 2013
એન્કાઉન્ટર-સંગીત : તુમ એક ગોરખધંધા હો
ડી.જી.વણઝારાનો આખો પત્ર પ્રસાર માઘ્યમોમાં આવી ગયો છે. તેના કેટલાક ચુનંદા અંશ મથાળાંમાં પણ ચમક્યા છે. છતાં સરસ અંગ્રેજીમાં લખાયેલા એ પત્રનાં કેટલાંક વાક્યો વિચારપ્રેરક, હજુ આંખ ભીડીને બેઠેલાની આંખ ઉઘાડી શકે એવાં છે.
વણઝારાના પત્રમાંથી બે વાર વાંચવા અને શાંતિથી સમજવા જેવી કેટલીક ‘કણિકાઓ’.
પત્રકણિકા ૧ : ‘...ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને હું ભગવાનની જેમ પૂજતો હતો (મૂળ અંગ્રેજી શબ્દપ્રયોગ છેઃ adore), પરંતુ મને કહેતાં બહુ દુઃખ થાય છે કે શ્રી અમિતભાઇ શાહના આસુરી પ્રભાવ તળે આવી ગયેલા મારા ભગવાન પ્રસંગને છાજે એવું વર્તન કરી શક્યા નહીં. તેમનાં (મોદીનાં) આંખ-કાન બની ગયેલા અમિતભાઇ બાર-બાર વર્ષથી બકરાનું કૂતરું ને કૂતરાનું બકરું દેખાડીને તેમને (મોદીને) સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી રહ્યા છે..’
દેખીતો આક્ષેપ બહુ સ્પષ્ટ છે, પરંતુ તેનાથી અનેક ગણી વધારે ગંભીર હકીકત બીજી છે- અને તે વણઝારાના દેશભક્તિ- ફરજપરસ્તીના દાવા સામે સદંતર વિરોધાભાસ ઊભો કરે છે ઃ આઇપીએસ કક્ષાનો કોઇ અફસર બંધારણ કે કાયદાને બદલે રાજ્યના સત્તાધીશને ભગવાન (સર્વસ્વ) માનતો હોય, એ કેટલી ખતરનાક વાત ગણાય. તેમના આ વિધાનનો અર્થ એ થયો કે ‘ભગવાન’ના આદેશ મળે, એટલે કાયદાની કે બંધારણની પરવા કર્યા વિના ‘ભક્ત’ તેનો અમલ કરી નાખે.
‘ભગવાન-ભક્ત’ની ભવ્ય ઉપમાને વધારે વાસ્તવિક રીતે સમજવી હોય તો એવું પણ કહી શકાય કે આઇપીએસ કક્ષાના ઉચ્ચ અફસર, ફરજભાન વિસરીને કેવળ ચાવીવાળા રમકડાં જેવા બની ગયા : ‘ભગવાન’ જેટલી અને જેવી ચાવી આપે, એટલું અને એવું ‘રમકડું’ ચાલે. ‘રમકડા’ને શ્રદ્ધા હોય કે આપણે આગળ-પાછળની, કાયદાકાનૂનનો વિચાર કરવાની શી જરૂર છે? આપણને ઉગારવા માટે તો ‘હજાર હાથવાળો’ (મુખ્ય મંત્રી) બેઠો છે.
આ વિધાનમાંથી ઉપસતી અસલી ચીજ વણઝારાનો એકરાર છે- એ બાબતનો એકરાર કે ફરજની પ્રતિજ્ઞા પ્રમાણે કાયદા-બંધારણને વફાદાર રહેવાને બદલે, તે રાજ્યના મુખ્ય મંત્રીના હાથની કઠપૂતળી બની ગયા.
પત્રકણિકા ૨ : (અમિત શાહ વિશે ચુનંદાં વિશેષણ વાપર્યા પછી) ‘અમિતભાઇએ પોતાની જાતને ગુજરાત સરકારનાં રાજકીય હિતોના રક્ષક તરીકે સીમીત કરી દીધી છે અને પોતાની એ ભૂમિકાનું તે ઇર્ષ્યાપૂર્વક, જેલવાસી પોલીસ અફસરોના ભોગે રક્ષણ કરી રહ્યા છે.’
આ વાક્યમાં બે શબ્દો ખાસ નોંધપાત્ર છે : ‘રાજકીય હિતો’ અને ‘ઇર્ષ્યાપૂર્વક’ (મૂળ શબ્દો : ‘પોલિટિકલ ઇન્ટરેસ્ટ્સ’ અને ‘જેલસલી’). તેનો સૂચિતાર્થ એવો છે કે અગાઉ ગુજરાત સરકારનાં રાજકીય હિતોનું- હા, ત્રાસવાદવિરોધી લડાઇનું નહીં, રાજકીય હિતોનું - રક્ષણ જેલવાસી પોલીસ અફસરો કરી રહ્યા હતા. એ કામ પછી અમિત શાહે ઉપાડી લીઘું. અગાઉ એ કામ કરનારા પ્રત્યે પોલીસ અફસરો પ્રત્યે તેમના મનમાં ઇર્ષ્યાનો ભાવ હતો. એટલે તેમણે ઇર્ષ્યાપૂર્વક, જેલભેગા થયેલા પોલીસ અધિકારીઓને જેલમાં સડતા રાખ્યા.
પત્રકણિકા ૩ : ‘ભૂતકાળમાં જ્યારે પણ સરકારે અસ્તિત્ત્વની કટોકટી અનુભવી, ત્યારે હું અને મારા અફસરો તેની પડખે અડીખમ ઊભા રહ્યા હતા. અમારી સામે આ જાતની કટોકટી ઊભી થઇ ત્યારે સરકાર પણ વળતા વ્યવહારે મક્કમ બનીને, દૃઢતાપૂર્વક અને જોશભેર અમારી પડખે ઊભી રહે એવું અપેક્ષિત હતું. પણ મારા પરમ આઘાત અને આશ્ચર્ય વચ્ચે એવું બન્યું નહીં.’
વણઝારા જેવા હોંશિયાર અફસર ‘સરકાર’ અને ‘રાજ્ય’ વચ્ચેનો ભેદ ન સમજે એવું કેમ બને? માપીતોળીને લખેલા એક-એક શબ્દમાં વણઝારાએ રાજ્ય સામે ત્રાસવાદની (કહેવાતી) કટોકટીની વાત કરી નથી, પણ સરકારે અનુભવેલી અસ્તિત્ત્વની કટોકટીની વાત કરી છે. ગુજરાતમાં ‘સરકાર’ એટલે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને (વણઝારાના) આરોપ પ્રમાણે, ‘પ્રોક્સી સરકાર’ ચલાવતા અમિત શાહ. પોલીસ અફસરોની ફરજ અને તેમની જવાબદારી સરકારી કટોકટીમાં સરકારના પડખે ઊભા રહેવાની નથી. સરકાર તો એક જાય ને બીજી આવે. સરકાર એ રાજ્ય નથી. પોલીસ અફસર સરકારને બદલે રાજ્યને વફાદાર રહ્યા હોય તો રાજ્ય (એટલે કે બંધારણ અને કાયદાની જોગવાઇઓ) જરૂર તેમના બચાવમાં, તેમના પડખે આવે, પણ એમને રાજ્ય કરતાં સરકારની વફાદારી વહાલી હોય તો પછી બીજું શું થાય?
પત્રકણિકા ૪ : ‘ગાંધીજીનાં એ વિધાનોમાં રહેલી સચ્ચાઇ મને સમજાઇ કે રાજ્યો આત્માવિહોણાં યંત્રો છે અને સરકારોને કોઇ અંતરાત્મા જેવું કશું હોતું નથી....એ પ્રમાણે, આ સરકારે મારા ગરીમાપૂર્ણ મૌનને બદલો વાળવા જેવો ગુણ ગણવાને બદલે અવગણવા જેવી નબળાઇ ગણી લીઘું.’
રાજ્યની કોમી હિંસામાં વિવાદાસ્પદ ભૂમિકા ધરાવતા મુખ્ય મંત્રીને ‘ભગવાન’ ગણનારા પોલીસ અફસરના મોઢેથી ગાંધીજીનાં અવતરણ શોભતાં નથી. મુખ્ય મંત્રીના કે અમિત શાહના હુકમો પ્રમાણે એન્કાઉન્ટરો કરવામાં વણઝારા અને તેમની ટુકડીને કશો વાંધો ન હતો. સરકારને અંતરાત્મા હોતો નથી, એવું ત્યારે ઘણા લોકો કહેતા હતા. પણ સરકાર પોતાના પક્ષે હતી, પોતાને થાબડભાણાં કરતી હતી, પ્રભાવશાળી હોદ્દો આપતી હતી, ત્યાં સુધી વણઝારાને સરકારમાં રહેલો અંતરાત્માનો અભાવ દેખાતો કે ખટકતો ન હતો.
પોતાના ફાયદાનો સમયગાળો પૂરો થયો અને સરકાર બચાવશે એવી અપેક્ષા ઠગારી નીવડી, ત્યાર પછી પણ વણઝારા આશા રાખીને બેઠા હતા કે સરકાર તેમને ઉગારી લેશે. જો સરકારે એવું કર્યું હોત તો, વણઝારાને એ સરકાર અંતરાત્માવાળી લાગી હોત. પરંતુ છ વર્ષ રાહ જોયા પછી એકેય બાજુથી મદદ આવતી ન દેખાઇ, ત્યારે વણઝારાને ગાંધીજી યાદ આવ્યા છે.
પત્રકણિકા ૫ : દિલ્હી પહોંચવાની ઉતાવળમાં મુખ્ય મંત્રી મહેરબાની કરીને જેલમાં પુરાયેલા પોલીસ અફસરોનું એ ૠણ ચૂકવાનું ભૂલી ન જાય કે તેમને બહાદુર મુખ્ય મંત્રી તરીકેનું તેજવર્તુળ આ જ અફસરો થકી મળ્યું છે. બીજા કોઇ મુખ્ય મંત્રીના નામ આગળ ‘બહાદુર’નું વિશેષણ મુકાતું નથી.
અમિત શાહનું શાબ્દિક અને બને તો રાજકીય એન્કાઉન્ટર કરવા માટે લખાયેલા હોય એવા આ પત્રમાં ડી.જી.વણઝારાએ એક મહત્ત્વની બાબતનો ઉલ્લેખ કર્યો નથી : તેમની ટુકડીએ કરેલાં એન્કાઉન્ટર વખતે એવી વાર્તા કહેવામાં આવતી હતી કે મરનાર ‘ત્રાસવાદીઓ’ મુખ્ય મંત્રીની હત્યાના આશયથી આવ્યા હતા. આ જાતની કથાએ ગુજરાતના મુખ્ય મંત્રીના નામ પહેલાં ‘બહાદુર’નું વિશેષણ મૂકવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેનો રાજકીય ફાયદો પણ મળે જ. પરંતુ એ ‘ૠણ ચૂકવવાનો સમય’ આવ્યો ત્યારે ‘ભગવાન’ ખસી ગયા અને ‘ભક્ત’ ફસાઇ ગયા. આ પત્રનું મુખ્ય નિશાન અમિત શાહ હોવાથી આ વાત કદાચ આટલી સીધી રીતે લખાઇ નહીં હોય. પરંતુ પત્રમાં છેલ્લે વણઝારાએ સલુકાઇથી બહાદુરીના તેજવર્તુળનો મુદ્દો લખીને મુખ્ય મંત્રીને વાસ્તવિકતાની યાદ અપાવી- અથવા આડકતરી ચીમકી આપી હોય- હોય એવું લાગે છે.
પત્રકણિકા ૬ : છેલ્લાં છ વર્ષમાં જેલમાં પુરાયેલા ગુજરાતના પોલીસ અફસરો સાથેની સતત છેતરપીંડીને કારણે ગુજરાતની પોલીસ સાવ વિચ્છિન્ન અને ઓસરેલા મનોબળની અવસ્થામાં છે....ટૂંકમાં મારે એટલું જ કહેવાનું કે કેવળ બોલવામાં બહાદુર ને કરી બતાવવામાં કાયર, કામગીરીમાં નપુંસક એવી કરોડરજ્જુ વગરની આ સરકાર મારાં ભરોસો, વફાદારી અને રાજ્યનિષ્ઠાને પાત્ર રહી નથી.
પત્રમાં ફક્ત ગુજરાતના જ નહીં, દેશભરના પોલીસતંત્રના નૈતિક બળની ચિંતા કરનારા વણઝારાને ગુજરાતના તેમના તંત્રના એ સાથીદારો નહીં દેખાતા હોય, જેમણે ‘સરકાર’ને બદલે ‘રાજ્ય’ને વફાદાર રહેવાનાં માઠાં પરિણામ ભોગવ્યાં? વણઝારા અને તેમની ટુકડીના બીજા સાથીદારો સરકારના ‘હા’માં ‘હા’ મિલાવીને મહાલી રહ્યા હતા ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાને કારણે રાજ્ય સરકાર તરફથી અવહેલના પામેલા પોલીસ અફસરોનો વિચાર કદી વણઝારાને આવ્યો હતો? અને હજુ પણ આવે છે?
વણઝારાનો પત્ર ખરેખર તો પોલીસતંત્ર માટે પ્રેરણાદાયી બની શકે છે. કારણ કે તેનો બોધપાઠ છે : સાહેબોના વહાલા થવા માટે તેમનાં ગમે તેવાં કામ કરી આપવામાં ટૂંકા ગાળાનો ફાયદો હોય તો પણ લાંબા ગાળે એ જોખમી નીવડી શકે છે. એને બદલે સત્તાધીશોના ગેરકાનૂની હુકમો સામે ‘નો સર’ કહેવામાં ટૂંકા ગાળે કદાચ થોડું નુકસાન હોય તો પણ લાંબા ગાળે એ ફાયદાકારક અથવા ઓછું નુકસાનકારક નીવડે છે.
સરકાર અને પોલીસ વચ્ચેનો સંબંધ ભગવાન-ભક્ત કે માલિક - પાલતુ કૂતરા વચ્ચેનો હોય એવો નહીં, બન્ને એકબીજાથી અમુક હદે બીતા રહે અને ખોટું કરતાં-કરાવતાં ખચકાય એવો હોવો જોઇએ. રાજ્યના ખરા માલિક એવા નાગરિકો માટે એ ઇચ્છનીય અને ઉત્તમ સ્થિતિ છે.
Tuesday, July 16, 2013
એન્કાઉન્ટર : પરંપરા, મહિમાગાન અને પ્રશ્નો
આ ચુકાદા સાથે જ ‘એન્કાઉન્ટરના ગુનામાં ગુજરાત પોલીસ સામે જ કેમ કામ ચલાવવામાં આવે છે?’ એવી એક લોકપ્રિય દલીલનો યોગાનુયોગ જવાબ મળ્યો છે. પરંતુ એન્કાઉન્ટર વિશે બીજી અનેક દલીલો થઇ રહી છે, સવાલ પૂછાઇ રહ્યા છે અને છૂપી અથવા પ્રગટ રીતે એન્કાઉન્ટર કરનારાને જાંબાઝ હીરો તરીકે
ચીતરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
ગુજરાતમાં હજુ વિવાદાસ્પદ એન્કાઉન્ટર કેસની કાર્યવાહી ચાલુ છે. આગામી સમય લોકસભાની ચૂંટણીઓનો છે, એ જોતાં એન્કાઉન્ટર વિશે હજુ ઘણી ચર્ચા ચાલશે. આ મુદ્દે આમજનતાથી માંડીને રાજકીય સમીક્ષકો-વિશ્લેષકો ગુલાબી માન્યતાઓમાં રાચતા હોય એવી છાપ અત્યાર સુધીના વાતાવરણ પરથી પડી છે. કેવા હોય છે એન્કાઉન્ટર વિશે પૂછાતા રાબેતા મુજબના સવાલો? કેવી હોય છે એન્કાઉન્ટરની તરફેણ કરતી દલીલો? અને કોઇ રાજકીય પક્ષના ડાબલા પહેર્યા વિના, કેવળ નાગરિક તરીકે એ સવાલો-દલીલોના જવાબ કેવા મળે છે? થોડા નમૂના.
‘એન્કાઉન્ટર અનિવાર્ય અનિષ્ટ છે’
એન્કાઉન્ટરની તરફેણમાં સૌથી પહેલી અથવા સૌથી છેલ્લી, બન્ને પ્રકારની દલીલ તરીકે આ બચાવ કામ આપે છે. એ ખરું કે આ દલીલ એકઝાટકે નકારી શકાય એવી નથી. પરંતુ સહેજ ઘ્યાનથી વિચારતાં જણાશે કે તેમાં ઘાતક રીતે અતિસરળીકરણ થયેલું છે.
આ દલીલ પાછળનો મૂળભૂત તર્ક એવો છે કે દેશમાં ન્યાયતંત્રની ગતિ ગોકળગાયને શરમાવે એવી હોય, ગુનેગારો કાયદાની ઐસીતૈસી કરીને રૂપિયા, તાકાત અને રાજકીય સંપર્કોના જોરે આઝાદ ધુમતા હોય, જાંબાઝ પોલીસ અફસરોની મહેનત કે પ્રામાણિકતા પર પાણી ફરી વળતું હોય અને સામાન્ય નાગરિકને કે દેશહિતને ગુનેગારો તરફથી થતો ખતરો વધતો જ જતો હોય ત્યારે પ્રામાણિક અને કાર્યક્ષમ પોલીસ અફસરો પાસે નકલી એન્કાઉન્ટર કરવા સિવાય બીજો વિકલ્પ બાકી રહેતો નથી.
‘એકસ્ટ્રાજ્યુડિશ્યલ કિલિંગ’ તરીકે પણ ઓળખાતાં આ પ્રકારનાં એન્કાઉન્ટરમાં ખતરનાક ગુનેગારને પકડ્યા પછી પોલીસ તેને કાયદાના અનેક છટકબારીઓથી ભરપૂર મહેલમાં લઇ જવાને બદલે અધરસ્તે જ ક્યાંક ઠંડા કલેજે ખતમ કરી નાખે છે. આ કૃત્ય બેશક ગેરકાયદે છે. માટે તેને સૈદ્ધાંતિક રીતે અનિષ્ટ ગણી શકાય, પરંતુ આગળ વર્ણવેલા સંજોગો અને એ ગુનેગાર દ્વારા સમાજને-દેશને રહેલો ખતરો નજર સામે રાખતાં એ ‘અનિષ્ટ’ અનિવાર્ય બની જાય છે.
આ દલીલ ઝીણવટથી તપાસતાં જણાય છે કે ‘અનિવાર્ય અનિષ્ટ’ એ તો કેવળ કહેવા ખાતરના શબ્દો છે. હકીકતમાં આ જાતનું એન્કાઉન્ટર વાજબી ઠરાવવા માટે જે જાતના સંજોગો ચીતરવામાં આવે છે એ જોતાં, એવાં એન્કાઉન્ટર ‘અનિવાર્ય અને ઇષ્ટ’ બની રહે છે. ન્યાયની મંથર ગતિ અને બિનકાર્યક્ષમ નેતાઓ- કાર્યક્ષમ ગુંડાઓની સાંઠગાંઠનો અનુભવ ધરાવતા લોકોના ગળે આ દલીલ સહેલાઇથી ઉતારી શકાય છે.
આ દલીલની સૌથી મોટી મર્યાદા એ છે કે દરેક નકલી એન્કાઉન્ટરમાં એકસરખા સંજોગો હોતા નથી. એટલે કે આ ‘અનિષ્ટ’ને ‘ઇષ્ટ’ બનાવતા જે સંજોગો ચીતરવામાં આવ્યા છે, તે દરેક એન્કાઉન્ટર વખતે હોતા નથી. છતાં પોલીસ અને એન્કાઉન્ટરના તરફદારો પોતે નક્કી કરેલા બચાવદલીલોના ગુચ્છને આગળ ધરતા રહે છે અને લોકોને એવું ઠસાવવા પ્રયાસ કરે છે કે આ પ્રકારનાં એન્કાઉન્ટર ન થાય તો કાયદો-વ્યવસ્થા ભાંગી પડે અને દેશ ખાડે જાય.
‘બધા એન્કાઉન્ટર ફેક (નકલી) જ હોય?’
જરૂરી નથી. એન્કાઉન્ટરની મૂળભૂત સમજણ એવી હતી કે પોલીસ ગુનેગારની પાછળ પડી હોય અને ગુનેગાર છટકવા માટે પોલીસ પર હુમલો કરે ત્યારે બીજો વિકલ્પ ન રહેતાં પોલીસ ગુનેગાર પર વળતો હુમલો કરે અને તેમાં ગુનેગાર માર્યો જાય. પોલીસ દ્વારા દરેક એન્કાઉન્ટર વખતે આવી વાર્તા રજૂ કરવામાં આવે છે (જોકે એ બહુ મૌલિક હોતી નથી, એટલે તેની પોકળતા ઉઘાડી પડી જાય છે). પરંતુ સૈદ્ધાંતિક રીતે દરેક એન્કાઉન્ટર ‘ફેક’ હોવું જરૂરી નથી.
‘એન્કાઉન્ટર ‘ફેક’ હોય તો પણ વાંધો શો છે? તેમાં ગુંડા જ મરે છે ને’
એન્કાઉન્ટરની તરફેણની સૌથી લોકપ્રિય દલીલોમાંની એક એવી આ દલીલ કરનારા એવું માને છે કે તેમને એન્કાઉન્ટરની ચર્ચા સંદર્ભે આખરી સત્ય મળી ગયું છે. હવે તેમણે એન્કાઉન્ટરના વિરોધમાં કશું વિચારવાનું રહેતું નથી.
આ વાત માની લેવાની લાલચ કોઇને પણ થઇ શકે. છતાં, પ્રચારમારાથી દૂર રહીને શાંત ચિત્તે વિચારતાં સમજાશે કે સૌથી પહેલો મુદ્દો ગુનેગારના ગુનાની ગંભીરતાનો છે. ધારો કે એન્કાઉન્ટરમાં મરનારા બધા જ લોકો ગુનેગાર હોય, તો પણ એ બધા મોતની સજાને લાયક ગુના સાથે સંકળાયેલા હતા? કે પછી પોલીસતંત્ર-નેતાઓની બીજી કોઇ યોજનાઓ અંતર્ગત તેમને ઉડાડી મારવાની અને પછી તેમની હત્યા વાજબી ઠરાવવા માટે તેમના ગુનાની ગંભીરતા બઢાવીચઢાવીને રજૂ કરવાની જરૂર પડી?
બીજો મહત્ત્વનો મુદ્દો ‘લાઇસન્સ ટુ કીલ’નો છે. ‘પાવર કરપ્ટસ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી’- સત્તા ભ્રષ્ટ કરે છે અને નિરંકુશ સત્તા બેફામ રીતે ભ્રષ્ટ કરે છે’- એવી કહેણી ફક્ત રાજનેતાઓને નહીં, એન્કાઉન્ટરબાજ પોલીસકર્મીઓને પણ લાગુ પડે છે. કારણ કે ‘લાઇસન્સ ટુ કીલ’- કોઇની હત્યા કરવાની સત્તા સૌથી ઊંચી છે. (ખરેખર અને બાકાયદા આવો કોઇ પરવાનો હોતો નથી) હાથમાં બંદૂક હોય ત્યારે માણસને આખી દુનિયા તુચ્છ લાગી શકે છે અને કાયદો ગજવામાં ઘાલીને એ બંદૂક વાપરવાની સત્તા મળી જાય, ત્યારે એ સત્તાનો ઉપયોગ કેવળ ગુનેગારોનાં નકલી એન્કાઉન્ટર કરવા પૂરતો મર્યાદિત રહેશે, એવું શી રીતે માની લેવાય?
રાજકીય પક્ષો રાષ્ટ્રવાદ કે ત્રાસવાદનો મુકાબલો કે આંતરિક સુરક્ષાના નામે ગમે તેટલી ગોળીઓ ગળાવે, પણ નાગરિકોએ આ પ્રકારના બનાવોને સાવચેતીથી જોવાની જરૂર છે. કારણ કે એન્કાઉન્ટર-સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતા અફસરોમાંથી ઘણા સામે અપ્રમાણસરની સંપત્તિ માટે આંગળી ચીંધાઇ છે. બીજા કેટલાક રાજકીય નેતાઓના લાભાર્થી કે કૃપાપાત્ર બન્યા છે અને આર્થિકની સાથોસાથ કારકિર્દીલક્ષી લાભ પણ મેળવ્યા છે.
બંદૂકબાજીની સત્તા અને તેને લોકનજરમાં આદરમાન મળવાના કારણે એવી સત્તા ધરાવનારામાંથી કેટલા ફાટીને ઘુમાડે ગયા વિના રહી શકશે? કેટલા તેનો ઉપયોગ અંગત લાભ, હિત કે રાજકારણીઓના સ્વાર્થ ખાતર કરશે? અને કેટલા માત્ર ને માત્ર કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાના આશયથી, નાગરિકોના હિતાર્થે તેને વાપરશે? જવાબ સૌએ બીજાની આંખે જોયા વિના, જાતે વિચારવા જેવો છે.
એન્કાઉન્ટર ભૂતકાળમાં અને દરેક સરકારોમાં થયાં છે.
સૌથી પહેલી સ્પષ્ટતા એ કે આ એન્કાઉન્ટર મુદ્દાની કોંગ્રેસ-ભાજપના આધારે કરાતી ચર્ચાવિચારણા નથી. બીજી વાતઃ પહેલાં એન્કાઉન્ટર થયાં હોય અને (પંજાબ-કાશ્મીર જેવાં રાજ્યોમાં) ધારો કે એ ‘અસરકારક’ નીવડ્યાં હોય, તો પણ એનાથી અત્યારે થતાં એન્કાઉન્ટર આપોઆપ વાજબી શી રીતે ઠરી જાય છે? કારણ કે નકલી એન્કાઉન્ટરમાં અનેક પેટાપ્રકાર હોય છે.
આ દલીલ કરનારાનો મુખ્ય મુદ્દો એ હોય છે કે ‘ગુજરાતમાં મુખ્ય મંત્રી મોદીના રાજમાં થયેલાં એન્કાઉન્ટરની રાજકીય કિન્નાખોરીથી તપાસ કરવામાં આવે છે. બાકી, એન્કાઉન્ટરો તો બધે થાય છે અને અમુક પરિસ્થિતિમાં એન્કાઉન્ટર કર્યા વિના છૂટકો પણ નથી હોતો. સૂકાનું પ્રમાણ બહુ વધી ગયું હોય અને એને બાળવા બેસીએ ત્યારે સૂકા ભેગું થોડું લીલું બળે પણ ખરું. રાષ્ટ્રના હિતમાં તેની બહુ પિંજણ કરવા ન બેસાય.’
નવાઇની વાત એ છે કે રાષ્ટ્રિય કક્ષાના કેટલાક પ્રતિષ્ઠિત પત્રકારો પણ આ પ્રકારની વિચારધારાના પ્રેમમાં પડી ગયેલા જણાય છે. ભાજપના રાજમાં થયેલાં એન્કાઉન્ટરને કોંગ્રેસરાજમાં થયેલાં એન્કાઉન્ટરની સામે ત્રાજવે તોળીને સરભર કરવાનો વ્યાયામ રાજકીય પક્ષોના ફાયદામાં છે (કારણ કે તેમનાં પાપ સામસામાં ધોવાઇ જાય છે), પણ નાગરિકો માટે તે બન્ને બાજુથી નુકસાનનો સોદો છે.
ફક્ત ગુજરાતનાં એન્કાઉન્ટર માટે કકળાટ કેમ?
આ સવાલ ઘણા ગુજરાતપ્રેમીઓને થાય છે. લેખના આરંભે જણાવેલા ચુકાદા જેવા પ્રસંગો પછી, કમ સે કમ હવે, આ સવાલ ન થવો જોઇએ. છતાં, પ્રચારબહાદુરો ઘણી વાર આ સવાલ ફંગોળ્યા કરવાના. તેનો પ્રાથમિક જવાબ એ છે કે અત્યારે ચર્ચાઇ રહેલાં અને તપાસની એરણે ચડેલાં એન્કાઉન્ટરમાં જેમની હત્યા કરવામાં આવી, તે ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યા હોવાનું એ વખતે જાહેર કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સહિત બીજાં રાજ્યોમાં થયેલાં એન્કાઉન્ટરમાં કોઇ ગુનેગાર એ રાજ્યના મુખ્ય મંત્રીની હત્યા કરવા આવ્યો ન હતો. એ રીતે, ખુદ ગુજરાત સરકારે-પોલીસે ગુજરાતનાં એન્કાઉન્ટરને બીજાં રાજ્યોથી અલગ કરીને, તેમને પહેલેથી રાજકીય રંગ આપ્યો છે. (એન્કાઉન્ટરબાજ પોલીસો જેલભેગા થયા પછી કોઇ ગુજરાતના મુખ્ય મંત્રીની હત્યાના ઇરાદે આવ્યું નથી, એ પણ હકીકત છે)
પોતાની હત્યાના કાવતરાની જાહેરાતને કારણે ‘આતંકવાદીઓનો ભોગ બનવામાંથી ઉગરી ગયેલા’ મુખ્ય મંત્રીને રાજકીય ફાયદો થાય, એનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકે. પરંતુ રાજકીય ફાયદો થઇ ગયા પછી એવું જાણવા મળે કે માર્યા ગયેલા લોકો મુખ્ય મંત્રીની હત્યા માટે આવ્યા ન હતા, તો?
‘એમાં શું ખાટુંમોળું થઇ ગયું? ગુંડા જ મર્યા છે ને’ એ દલીલનો જવાબ આગળ આવી ગયો છે.
Wednesday, November 21, 2012
ઇન્ટરનેટ પર અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યઃ મજા અને સજા
(નોંધઃ ફેસબુક-ટ્વીટર પર લખાણ સામે આત્યંતિક પોલીસ કાર્યવાહીના પ્રમાણમાં નવા અને આવી રહેલા પ્રવાહ વિશે શનિવારે આ લેખ લખીને આપ્યો ત્યારે ખ્યાલ ન હતો કે બાળ ઠાકરેના અવસાન નિમિત્તે ભારતમાં પણ એ મુદ્દો ગરમાગરમ ચર્ચાનો વિષય બનશે.)
ઇન્ટરનેટની સુવિધા ગણ્યા-ગાંઠ્યા સંશોધકોને બદલે વ્યાપક જનસમુદાય સુધી પહોંચી ત્યારથી તેના ‘ચાલ, ચરિત્ર અને ચહેરા’માં અનેક પરિવર્તન આવ્યાં છે. છતાં, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની તેની ધરી બદલાઇ નથી. ‘લોકશાહી’ની જેમ ‘ઇન્ટરનેટ’ બોલતાં-લખતાં વેંત મનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ખ્યાલ પ્રગટે છે. તેના વિના ઇન્ટરનેટ - અને લોકશાહી- ફિક્કાં લાગે છે.
વેબસાઇટ અને બ્લોગથી શરૂ થયેલી ઇન્ટરનેટની યાત્રા હવે ફેસબુક/Facebook-ટ્વીટર/Twitter જેવા સોશ્યલ નેટવર્કિંગ-માઇક્રોબ્લોગિંગ માઘ્યમો થકી અભૂતપૂર્વ માત્રામાં લોકોને અભિવ્યક્તિની તક આપી રહી છે. છેક એકવીસમી સદીની શરૂઆત સુધી ઇન્ટરનેટના ઉપયોગ માટે કમ્પ્યુટર જરૂરી હતાં. પરંતુ મોબાઇલ ફોન અને ટેબ્લેટની ક્રાંતિકારક સુવિધાઓ થકી, ઇન્ટરનેટ લોકોના મોટા સમુહ સુધી પહોંચી શક્યું છે. મોબાઇલ-ઇન્ટરનેટ જેટલી ઝડપથી ભાગ્યે જ બીજી કોઇ હાઇ-ટેક શોધ, તમામ આર્થિક સમુદાયો સુધી પહોંચી હશે.
તેનાં સારાં-નરસાં પરિણામ પણ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર જોઇ શકાય છે. બધાના હાથમાં એક-એક માઇક આવી જાય ત્યારે શું થાય? લોકશાહી અને અભિવ્યક્તિના અધિકારની દૃષ્ટિએ આ સ્થિતિ બહુ ઇચ્છનીય છે. અગાઉ માહિતી અને અભિપ્રાયો પર સ્થાપિત અને જંગી માળખું ધરાવતાં પ્રસાર માઘ્યમોનો એકાધિકાર હતો. એને બદલે દરેક વ્યક્તિ, કમ સે કમ સૈદ્ધાંતિક રીતે, ‘હરતું ફરતું પ્રસાર માઘ્યમ’ બની શકે છે. તેની પાસે માહિતી, અભિપ્રાય, ફોટો, વિડીયો - આ બઘું જ દુનિયા સમક્ષ મૂકવાની સુવિધા છે અને તે પણ મફત અથવા નજીવી કિંમતે અને કોઇની દખલગીરી વગર.
દરેક સ્વતંત્રતાની સાથે સ્વચ્છંદતાનું ભયસ્થાન સંકળાયેલું હોય છે. અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય કદી અમર્યાદ હોઇ શકતું નથી, એ વાત ઘણી વાર ભૂલી જવામાં આવે છે. ફેસબુક-ટ્વીટર જેવાં માઘ્યમો જાહેર કહેવાય કે અંગત, એ વિશે પણ પૂરેપૂરી સ્પષ્ટતા હજુ જોવા મળતી નથી. તેને કારણે પોતાના જીવનની અંગતતમ વાતો-લાગણીઓથી માંડીને પોતાના મનમાં રહેલી અનેક ગ્રંથિઓ અને બિમારીઓ લોકો જાણ્યે-અજાણ્યે આ માઘ્યમો પર ઠાલવતા રહે છે. આ પ્રકારના ‘અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય’માં બેફામપણાનું તત્ત્વ ભળે ત્યારે પાનના ગલ્લે કે ચાની કીટલી પર પણ ન થાય એ જાતની ગાળાગાળી કે બેહૂદી ‘ચર્ચા’ઓ થાય છે અને તેના બચાવમાં ‘લોકશાહી મૂલ્યો’, ‘મતભેદ-સ્વાતંત્ર્ય’ અને ‘સહિષ્ણુતા’ જેવા ભવ્ય શબ્દો ટાંકવામાં આવે છે. બહારની દુનિયામાં રાજકારણ કે ઉદ્યોગજગતમાં બને છે તેમ, ઇન્ટરનેટ પર વ્યક્તિગત ધોરણે પોતાના ધારી લીધેલા દુશ્મનો કે વિરોધીઓ સામે ઝેરીલી ઝુંબેશો ચલાવવા માટે પાળેલા પાયદળને છૂટું મૂકી દેવામાં આવે છે.
આ બઘું ‘અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય’ની વ્યાખ્યામાં આવી જાય? કે તેને બહારની-વાસ્તવિક દુનિયાના તકાદા લાગુ પડે? સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર થતાં ઘણાં આદાનપ્રદાન એવાં હોય છે કે જે કેવળ અપ્રત્યક્ષ સ્વરૂપે જ થઇ શકે. સામસામે વાત કરવાની હોય તો મોટા ભાગના લોકો એવા બેફામ વાણીવિલાસની હિંમત ન કરે અથવા કરે તો મારામારીની તૈયારી રાખીને કરે. ઇન્ટરનેટના વર્ચ્યુઅલ વર્લ્ડમાં એવી ચિંતા કરવાની હોતી નથી. એટલે અસલી દુનિયાનાં સભ્યતા-શિષ્ટાચારના અને જાહેર વર્તણૂંકના નિયમો પણ જાણે નડતા નથી.
આ સ્થિતિમાં હવે પરિવર્તન આવી રહ્યું છે. ઇન્ટરનેટ પરના બેફામ વાણીવિલાસ સામે કાયદાનો સહારો લેવાનું ચલણ વઘ્યું છે. જૂના અથવા આ માઘ્યમને ઘ્યાનમાં રાખીને સુધારાયેલા કાયદા પ્રમાણે, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો દુરુપયોગ કરનારને અદાલતોમાં સજા પણ મળવા લાગી છે- અને આવું ઇન્ટરનેટ પર લોખંડી સકંજો રાખનારા ચીન જેવા દેશમાં નહીં, પણ ઉદારમતવાદી બ્રિટન જેવા દેશોમાં બની રહ્યું છે.
‘સ્વાતંત્ર્ય’ના ઝંડા સામે કાયદાનો દંડો
ઓક્ટોબર મહિનામાં ૨૦ વર્ષના એક યુવાને છ બ્રિટિશ સૈનિકોના મૃત્યુ વિશે પોતાનો અભિપ્રાય આપતાં ફેસબુક પર લખ્યું :‘ઓલ સોલ્જર્સ શુડ ડાઇ એન્ડ ગો ટુ હેલ.’ (બધા સૈનિકો મરે ને જહન્નમમાં જાય.) આવું લખવા બદલ તેની સામે કેસ થયો. અદાલતે તેને ૨૪૦ કલાકની કમ્યુનિટી સર્વિસ (સમાજસેવા) અને ૩૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યાં.
આ ભાઇ જરા નસીબવાળો હતો કે તેને જેલની સજા ન થઇ. બાકી, ભૂતકાળમાં લોકોને ઉત્સાહમાં આવીને ફેસબુક પર કંઇક ભરડી માર્યા પછી જેલની સજા ભોગવવાનો વારો આવ્યો છે. બ્રિટનમાં એક બાળકીનું અપહરણ થયું ત્યારે તેને લગતી વાહિયાત જોક્સ ૧૯ વર્ષના એક છોકરાએ પોતાના ફેસબુક પેજ પર લખી પાડી. એ વાંચીને કેટલાક લોકો એટલા ઉશ્કેરાયા કે તેમણે છોકરાના ઘરે હલ્લો બોલાવ્યો. પોલીસ આવી અને છોકરાની સલામતી ખાતર તેને પોતાની સાથે લઇ ગઇ.
કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે બચાવપક્ષના વકીલે કહ્યું કે ‘પીધેલી અવસ્થાની ક્ષણિક મૂર્ખામીથી દોરાઇને આ ભાઇએ કંઇક લખી દીઘું, એમાં તો એને અપહરણકાર પછીના તરતના ક્રમનો ગુનેગાર બનાવી દેવામાં આવ્યો છે.’ પરંતુ અદાલતે તેમનો બચાવ માન્ય રાખ્યો નહીં અને છોકરાને ૧૨ અઠવાડિયાંની જેલની સજા આપી. ત્યાર પહેલાં એક કાળો ફૂટબોલ ખેલાડી ચાલુ રમતે મેદાનમાં હૃદયરોગનો હુમલો આવતાં બેહોશ થઇ ગયો ત્યારે એક વિદ્યાર્થીએ ટ્વીટર પર કાળા ખેલાડી વિશે બેફામ ટીપ્પણીઓ કરી. તેમાં ધીક્કારની સાથેસાથે કાળા-ગોરાના વંશીય ભેદભાવનું તત્ત્વ પણ હતું. તેને આશરે બે મહિના (૫૬ દિવસ)ની જેલની સજા થઇ.
અલબત્ત, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ચર્ચા સાથે બ્રિટનમાં સૌથી ગાજેલો કેસ ‘ટ્વીટર જોક ટ્રાયલ’/ twitter joke trial હતો. જાન્યુઆરી, ૨૦૧૦માં પોલ ચેમ્બર્સે હિમવર્ષાને કારણે એરપોર્ટ બંધ થઇ જતાં પોતાની ગર્લફ્રેન્ડને મળવા નહીં જઇ શકાય, તેની નિરાશા વ્યક્ત કરતાં ટ્વીટર પર તેણે એમ પણ લખ્યું કે ‘હું એરપોર્ટને ફૂંકી મારીશ.’ એ તો ટ્વીટર પર હૈયાવરાળ ઠાલવીને ભૂલી ગયો, પણ અઠવાડિયા પછી ત્રાસવાદવિરોધી દળની પોલીસ તેને શોધતી ઓફિસે આવી પહોંચી. ૨૬ વર્ષનો ચેમ્બર્સ ફાઇનાન્શ્યલ સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. તેને ઉપાડીને આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. એટલેેથી સંતોષ ન થતાં તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. નીચલી અદાલતે ચેમ્બર્સને દોષી ઠેરવીને જેલ અને દંડની સજા ફટકારી. કેસ થવાને કારણે ચેમ્બર્સની નોકરી ગઇ, અદાલતી કાર્યવાહીમાં સારો એવો ખર્ચ થયો ને બીજે નોકરી મેળવવામાં મુશ્કેલી ઊભી થાય એવો ગુનાઇત ભૂતકાળ પણ લમણે લખાયો.
અલબત્ત, ચેમ્બરર્સના કિસ્સામાં કીડી પર કટક જેવું બન્યું હતું. તેણે ટ્વીટર પર પોતાની નિરાશાનું કારણ લખ્યા પછી એરપોર્ટ ઉડાડી મૂકવાની વાત કરી હતી, જેનો જડ શબ્દાર્થ છોડીને ઘ્વનિ સમજવામાં આવે તો એ સ્પષ્ટ હતું કે તેનો ઇરાદો એરપોર્ટ ફૂંકી મારવાનો ન હતો. તેમ છતાં, પોલીસે અને અદાલતે આકરું વલણ લીઘું એટલે ચેમ્બર્સની તરફેણમાં ઇન્ટરનેટ પર ઝુંબેશ ચાલુ થઇ. બ્રિટનની કેટલીક નામી હસ્તીઓ પણ ચેમ્બર્સના બચાવમાં અને પોલીસની વઘુ પડતી આક્રમકતાના વિરોધમાં ખુલીને બહાર આવી. આખરે, આ વર્ષના જુલાઇ મહિનામાં હાઇકોર્ટમાં કરેલી અપીલમાં ચેમ્બર્સ કેસ જીતી ગયો. હાઇકોર્ટે પણ કાયદાને આટલી જડ કડકાઇથી કામ ન લેવા જણાવ્યું.
બ્રિટનમાં ઇન્ટરનેટ પરની બેફામ વર્તણૂંક કે લુખ્ખાગીરી સંબંધે કરાતા કેસ અને તેમાં થતી સજાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અહેવાલો પ્રમાણે, વર્ષ ૨૦૦૭માં આ પ્રકારે સજા મેળવનારા લોકોની સંખ્યા ૪૯૮ હતી. ૨૦૦૯માં તે ૮૦૦નો આંકડો પાર કરી ગઇ. ગયા વર્ષે ૧,૨૦૦થી પણ વધારે લોકોને અદાલતે ઇન્ટરનેટ પર કાયદાનો ભંગ થાય એવું વર્તન કરવા બદલ દોષી ઠરાવ્યા છે અને એ રીતે, ઓનલાઇન તથા ઓફલાઇન દુનિયા વચ્ચેનો ભેદ ભૂંસી કાઢ્યો છે.
આ બધી સજાઓ બ્રિટનના ‘કમ્યુનિકેશન્સ એક્ટ, ૨૦૦૩’/ Communications Act w003 ની કલમ ૧૨૭ અંતર્ગત થાય છે. તેમાં ‘પબ્લિક ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન્સ નેટવર્ક’ (ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહારના જાહેર માળખા) દ્વારા નીતાંત અપમાનજનક, અભદ્ર, અશ્વ્લીલ કે ડરાવે-ધમકાવે એવી સામગ્રી અથવા સંદેશો મોકલવાનો ગુનો આવરી લેવામાં આવ્યો છે. આ વ્યાખ્યામાં બીજાને અસુખ, અગવડ કે ઉચાટ થાય એવી સામગ્રીને પણ સામેલ કરવામાં આવે છે. તેમાં દોષી પુરવાર થનારને વઘુમાં વઘુ છ મહિનાની સજા અને પાંચ હજાર પાઉન્ડ સુધીનો દંડ થઇ શકે છે.
નાગરિક અધિકારોના રક્ષણ માટે તત્પર જૂથો કાયદાની આ ગતિથી ચિંતિત છે. કેમ કે, ચેમ્બર્સના કિસ્સામાં બન્યું તેમ, ઘ્વન્યાર્થને બદલે શબ્દાર્થને પકડી રાખવામાં આવે તો ફેસબુક-ટ્વીટર પર મુકાતી ઘણી સામગ્રી કાયદાના દાયરામાં આવી જાય. એ સંજોગોમાં કટાક્ષ-મસ્તી -થોડી હદ વટાવતી રમૂજોનો પણ ભોગ લેવાઇ જાય અથવા તે ગુનામાં ગણાઇ જાય. આ સ્થિતિ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો પર્યાય ગણાતા ઇન્ટરનેટને લીધે આવે, એ ભારે વક્રતા કહેવાય. તેનો દુરુપયોગ પણ છૂટથી થઇ શકે.
બ્રિટનની સરખામણીમાં અમેરિકામાં ઇન્ટરનેટ પર વ્યાપક છૂટછાટો પ્રવર્તે છે. અમેરિકાના બંધારણના પહેલા સુધારામાં મળેલો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર ઇન્ટરનેટને પણ લાગુ પડતો હોવાનો ચુકાદો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આપેલો છે. જર્મની જેવા દેશોમાં બીજું બઘું સ્વાતંત્ર્ય ખરું, પણ યહૂદીઓના જનસંહારને લઇને કોઇ મસ્તી ચાલતી નથી. તેની સામે સરકાર કડક હાથે કામ લે છે અને ટ્વીટર-ફેસબુક જેવી વેબસાઇટો આ બાબતમાં સ્થાનિક સરકારોના હુકમનું આજ્ઞાંકિત બનીને પાલન કરે છે.
ફેસબુક-ટ્વીટર જેવાં માઘ્યમોમાં અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યનો લાભ લેતી વખતે બહેતર એ જ છે કે એ જાહેર મંચ છે એટલું યાદ રાખવું. અદાલતમાં આરોપી કે ફરિયાદીની વર્તણૂંક અથવા તેની માનસિકતાના પુરાવા તરીકે તેના ફેસબુક કે ટ્વીટર એકાઉન્ટર પરની સામગ્રી ખપમાં લઇ શકાય છે અને અદાલત તેને માન્ય પણ રાખી શકે છે. એટલે, ફેસબુક-ટ્વીટર પર પથરા ફેંકીને નાસી જવાથી કાયદેસર રીતે કોઇ આપણું કશું બગાડી લેવાનું નથી કે આપણી ક્યાંય નોંધ રહેવાની નથી, એવું પણ માની ન લેવું.
ઇન્ટરનેટના રૂપમાં મળેલી અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યની ભેટનું રક્ષણ કરવામાં રાખીએ, એટલી જ જાગૃતિ તેને લાયક બનવામાં પણ રાખીએ તો એ બમણી ફાયદાકારક નીવડશે.
Tuesday, October 09, 2012
થાન, થોરાળા, રેથલ: બનાવ અને બોધપાઠ
જૂન, ૨૦૧૨: રાજકોટના થોરાળા વિસ્તારમાં એક દલિત ભાઇની હત્યા થઇ. આગલા દિવસે તેમની પર તલવારથી હુમલો થયો હતો, પણ પોલીસે તેમની ફરિયાદ નોંધી નહીં. બીજા દિવસે એ ભાઇનું ખૂન થયું.પોલીસે વેળાસર ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હોત તો કદાચ તેમની પર બીજો અને જીવલેણ હુમલો થયો ન હોત. પોલીસની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાથી દલિતો રોષે ભરાયા. મૃતકની અંતિમવિધી પછી તે સડક પર ઉતરી આવ્યા અને ટ્રાફિક થંભાવી દીધો.
પોલીસે પ્રદર્શનકારીઓની લાગણી સમજીને, સમજાવટથી કામ લેવાને બદલે બેફામ બળપ્રયોગ કર્યો. પહેલાં તો વિરોધ પ્રદર્શન કરનારામાંથી હાથે ચડ્યા એટલા દલિતોને માર્યા. ત્યાર પછી ઘરમાં રહેલા દલિતોનો વારો નીકળ્યો. પીયુસીએલની તપાસટુકડી સમક્ષ એક દલિત યુવતીએ કહ્યું હતું,‘હું મેડી પર રોટલી કરતી હતી...એવામાં અચાનક પોલીસવાળા ઘરમાં ધૂસી આવ્યા. તને તો લઇ જ જવી છે- એમ કહીને બાવડું ઝાલીને મને ઘરની બહાર ખેંચવા લાગ્યા...એ મેડી પર જ મને લાતો મારવા લાગ્યા. પછી દાદરા પરથી નીચે ફેંકી દીધી. પડતાં વેંત હું બેભાન થઇ ગઇ.’ સામે રહેતાં ઉંમરલાયક દલિત બહેન પર પોલીસે પૂરા જોશથી લાઠી ચલાવી. પોલીસના આ અત્યાચારની મોબાઇલમાં ઉતારેલી વિડીયો ક્લિપ પણ ફરતી થઇ હતી.
પછી શું થયું?
દલિત ભાઇની હત્યાનો ગુનો આખરે નોંઘ્યો, પણ પાંચમાંથી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી.
અને દલિત મહોલ્લામાં ઘરમાં ધૂસીને પોલીસે આચરેલી હિંસાનું, દલિતો પર કરેલા બેફામ લાઠીમારનું શું? કંઇ નહીં. ઊલટું, પીયુસીએલની તપાસટુકડીના અહેવાલ પ્રમાણે, પોલીસે ૧૦ મહિલાઓ સહિત ૫૯ દલિતોની ધરપકડ કરી.
ઘાતકી નિશાનબાજી
સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૨: તરણેતરના મેળા પછી ભરાતા થાનગઢના મેળામાં દલિતો અને ભરવાડો વચ્ચે ઘર્ષણ થયું. ભરવાડોમાંથી કેટલાકે દલિતો પર હુમલો કર્યો. તેની ફરિયાદ નોંધાવવા દલિતો નીકળ્યા, પણ તેમને પોલીસ સ્ટેશન સુધી જવું ન પડ્યું. પોલીસ દલિત મહોલ્લાની બહાર જ હતી. પોલીસે દલિતોની ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો. ઉશ્કેરાયેલા દલિતોએ પોલીસનો હુરિયો બોલાવ્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો. જવાબમાં પોલીસે ટીઅરગેસ અને હવામાં ગોળીબાર પછી શરીરના ઉપરના ભાગમાં ગોળીબાર શરૂ કર્યો. તેમાં ૧૬ વર્ષના એક દલિત કિશોરને ગળાના ભાગમાં ગોળી વાગતાં એ જમીન પર પટકાયો અને દવાખાને પહોંચતાં સુધીમાં તેનું મૃત્યુ થયું.
બીજા દિવસે પોતાના વિસ્તારની બહાર પોલીસ-એસ.આર.પી. ખડકાયેલી જોઇને દલિતો વઘુ ઉશ્કેરાયા. હજારથી પંદરસો દલિતોમાંથી કેટલાકે પથ્થરમારો શરૂ કર્યો. જવાબમાં પોલીસે ફરી ગોળીબાર શરૂ કર્યો. તેમાં એક ૧૭ વર્ષનો અને એક ૨૬ વર્ષનો- એમ બે દલિત યુવાનો વધેરાઇ ગયા. ૨૬ વર્ષના બીજા એક યુવાનને ગોળી વાગતાં કીડનીમાં ગંભીર ઇજા થઇ. સામાન્ય નિયમ એવો છે કે પોલીસને અનિવાર્ય સંજોગોમાં ગોળીબાર કરવો જ પડે, તો તે પહેલાં ટોળાના કમરથી નીચેના ભાગમાં ગોળીઓ છોડે. પરંતુ થાનગઢના પોલીસ ગોળીબારમાં એક પણ દેખાવકારને પગમાં કે કમરથી નીચેના ભાગમાં ગોળી વાગી નથી. ઉલટું, ફોરેન્સિક રીપોર્ટમાં એક મૃતકને ગળાથી છાતીની વચ્ચે પાંચ ગોળીઓ વાગ્યાનું બહાર આવ્યું છે. એ ઉપરાંત એના શરીર પર મારનાં છ નિશાન પણ નોંધાયેલાં છે. બીજા મૃતકને બે ગોળી વાગી છે. આ બન્ને બીજા દિવસે થયેલા ગોળીબારનો ભોગ બન્યા હતા.
જરા વિચાર કરોઃ પોલીસની છ લાઠી ખાધા પછી કોઇ ઊભું રહી શકે? ત્યાર પછી પણ તેને ગોળી વાગી હોય - અને એક નહીં, પાંચ-પાંચ ગોળી- તેનો શો અર્થ કરવાનો?
ત્રણ યુવાનો ગુમાવ્યા પછી થાનના દલિતોનું શું થયું? જવાબ છેઃ બે મંત્રીઓના વાયદા છતાં ચચ્ચાર દિવસ સુધી એકેય આરોપી સામે ફરિયાદ નોંધાઇ નહીં. હા, અઢાર દલિતોની ધરપકડ તત્કાળ થઇ ગઇ અને તેમની પર ખૂનના ઇરાદે હુમલાના ગુનાની કલમ પણ લગાડી દેવામાં આવી.
નાક દબાવવાનો રસ્તો
ફરિયાદ નોંધવાની બાબતમાં પોલીસ અખાડા કરે છે, એ અનુભવી ચૂકેલા દલિતો ઘણા સમયથી ‘ફરિયાદ નહીં થાય અથવા આરોપીની ધરપકડ નહીં થાય, ત્યાં સુધી અમે મૃતદેહોનો કબજો નહીં લઇએ’ એવો વ્યૂહ અપનાવે છે. ક્યારેક તેમાં સફળતા પણ મળે છે, તો ઘણી વાર રોકડ રકમના બદલામાં સમાધાન થઇ જાય છે.
આ વર્ષના આરંભે સાણંદ તાલુકાના રેથલ ગામે દલિત યુવાનની હત્યા પછી, આરોપીની ધરપકડની માગણી સાથે મૃતદેહને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો. એ વખતે ૨૬મી જાન્યુઆરી સાવ નજીક હતી અને ૨૬મીની સવાર પહેલાં કોઇ પણ હિસાબે દલિતોને મૃતદેહ સોંપી દેવાનું પોલીસ પર ભારે દબાણ હતું. રેન્જ આઇ.જી. અને કલેક્ટર સહિત બધાના નિષ્ફળ પ્રયાસ પછી છેવટે મૃત યુવાનના કાકાની વાત સીધી મુખ્ય મંત્રી સાથે કરાવવામાં આવી. મુખ્ય મંત્રીએ ‘મરી ગયેલા માણસની લાશનો મલાજો જળવાવો જોઇએ. હિંદુ ધર્મમાં ક્યાંય એવું નથી કે લાશને આવી રીતે રઝળાવવી જોઇએ’ એવી સમજાવટ કરી જોઇ. છતાં, મૃત યુવાનના કાકાનો ઇરાદો બદલાયો નહીં. અગાઉ આવી જ દલીલ કરનારા બીજા લોકોને તે કહી ચૂક્યા હતા,‘જીવતાનો મલાજો ન જળવાયો, તો મરેલાનો શો મલાજો?’
એ બનાવમાં પણ ૨૫ જાન્યુઆરીની મોડી રાતે પોલીસે બળજબરી કરીને પોલીસ સ્ટેશનમાંથી બધાને હટાવી દીધા, મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલના શબઘરમાં મોકલી આપ્યો અને લગભગ સવાસો દલિતો સામે સરકારી કામમાં દખલ તથા સરકારી માલમિલકતને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ‘ભલભલા ચમરબંધીને પણ જેર કરવામાં આવશે’ એવી મુખ્ય મંત્રીની ખાતરી પછી, ફક્ત એક આરોપીની તત્કાળ ધરપકડ થઇ હતી.
થાન ગોળીબારમાં જેમની પર મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે, તે પી.એસ.આઇ. જાડેજા ભાજપી નેતા કિરીટસિંહ રાણાના ભાણેજ જમાઇ છે. તેમનો થાનથી સુરતની બદલીનો હુકમ થઇ ગયો હોવા છતાં, તેમણે થાન છોડ્યું ન હતું. થાનમાં દલિતોએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાય નહીં, ત્યાં સુધી મૃતદેહોનો કબજો ન લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ દલિત મંત્રીઓ રમણલાલ વોરા અને ફકીરભાઇ વાઘેલા તથા દલિત ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ ‘તમે અરજી લખીને આપી દો. બે જ કલાકમાં ફરિયાદ નોંધાઇ જશે.’ એમ કહીને દલિતોને સમજાવી-પટાવી દીધા. એ વાત ૨૪ સપ્ટેમ્બરની અને ફરિયાદ નોંધાઇ છેક ૨૬ સપ્ટેમ્બરની સાંજે.
ફરી એક વાર, જરા વિચારોઃ ત્રણ જુવાનજોધ માણસો ગુમાવ્યા પછી આટલો સંઘર્ષ તો ફક્ત ફરિયાદ લખાવવા માટેનો હતો.
ઊભી રહેલી માગણીઓ
પોલીસ અને સરકારી તંત્રના વિરોધમાં થાનગઢ ઉપરાંત બીજાં શહેર-ગામમાં પણ રેલી-સંમેલનો યોજાયાં. ગાંધીનગરમાં કોંગ્રેસપ્રેરિત રેલી નીકળી. થાનગઢમાં ‘દલિત હત્યાકાંડ સંઘર્ષ સમિતિ’ રચાઇ. તેના નેજા હેઠળ દલિતોનું મહાસંમેલન ભરાયું. તેમાં મોટી સંખ્યામાં દલિતો ઠેકઠેકાણેથી ઉપસ્થિત રહ્યા. તેમ છતાં, સરકારી તંત્રને દલિતોની લાગણી અને તેમની માગણીની કશી પરવા હોય, એવું જણાતું નથી. બનાવને લગભગ બે અઠવાડિયાં વીતી જવા છતાં, (૬ ઓક્ટોબર સુધી) સમ ખાવા પૂરતી ચારમાંથી એક પણ આરોપીની ધરપકડ કરાઇ નથી. આરોપી તરીકે પોલીસ હોય અને તપાસ પણ પોલીસના જ હાથમાં હોય, ત્યારે કેવી સ્થિતિ સર્જાતી હશે એની કલ્પના કરી શકાય છે. તપાસ કરનાર તંત્રને ચારમાંથી એકેય પોલીસ ‘મળતા નથી.’
સંઘર્ષ સમિતિની બીજી અગત્યની માગણી એ છે કે ગોળી વાગવાને કારણે ઘાયલ થયેલા દલિત યુવાનની ફરિયાદ નોંધીને, તેના આરોપીઓ સામે કલમ ૩૦૭ લગાડવી જોઇએ. ઉપરાંત, પકડાયેલા દલિતો સામેના આરોપ પાછા ખેંચવાની માગણી પણ છે. મોટી રેલીઓ અને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા પછી પણ, સરકારી તંત્રમાં કશો સળવળાટ થયો નથી. બધી માગણીઓની જાણે સદંતર અવગણના કરવામાં આવી છે.
અહીં નોંધાયેલા ત્રણ કિસ્સા આ વર્ષના અને નમૂનારૂપ છે. તેની પરથી સમજી શકાશે કે આમ તો બધા માટે, પણ દલિતો માટે સવિશેષ, ન્યાય મેળવવાનું કામ કેટલું કપરું છે. પોલીસતંત્રમાં દલિતવિરોધી માનસિકતાને શરમજનક ગણવામાં આવતી નથી. થાનના એક આરોપી પી.એસ.આઇ. જાડેજા સામે ભૂતકાળમાં દલિતદ્વેષના ઘણા આરોપ થયેલા છે, પરંતુ ઘણાખરા બિનદલિતો માટે દલિતદ્વેષ તો જાણે ગુનો જ નથી- બલ્કે, એક સ્વાભાવિક, લગભગ ‘માનવસહજ’ લાગણી છે. અનામત જેવા કેટલાક મુદ્દા આગળ ધરીને એ લાગણીને વાજબી અને તાર્કિક ઠરાવવાનો પ્રયાસ પણ ઘણી વાર કરવામાં આવે છે.
થાનમાં અત્યાર લગી મજબૂત સંગઠન શક્તિ બતાવનારા અને મહાસંમેલનના ઉઘરાણામાં લાખો રૂપિયા આપનારા દલિતો માટે આ પ્રકારના કિસ્સા જુદી રીતે પણ પડકારરૂપ છેઃ બનાવના શરૂઆતના દિવસોમાં જોવા મળતો જુસ્સો સામાન્ય રીતે થોડા દિવસ પછી ઓસરી જાય છે. ન્યાય મેળવવાની તાલાવેલી પણ દિવસો વીતતાં ઘટતી જાય છે. રાજકીય પક્ષાપક્ષી અને ભારતના ન્યાયતંત્રની ધીમી ગતિ તેમાં પોતપોતાનો ફાળો આપે છે. સાથે, અનેક પ્રકારનાં દબાણ-લાલચ-ધમકી તો ખરાં જ.
આ પરિસ્થિતિમાં, શરૂઆતના ઉત્સાહમાં રચાયેલી સમિતિ અને તેના નામે થયેલાં રૂપિયાનાં ઉઘરાણાંનો યોગ્ય વહીવટ કરી બતાવવાની દલિતોના માથે મોટી જવાબદારી છે. બીજા લોકો આગળ પ્રામાણિક દેખાવા માટે નહીં, પણ અન્યાયના વિરોધ માટે નાણાં આપનાર સમાજનો વિશ્વાસ સાચો પાડવાનું જરૂરી છે. એટલું જ જરૂરી છે સમાજ તરીકે, ન્યાયના રસ્તે ચાલનાર પરિવારોને હૂંફ અને ટેકો આપવાનું, જેથી તે અધવચ્ચે ફસકી ન પડે કે રાજકારણીઓથી ભોળવાઇ ન જાય.
સો સમાધાનો કરતાં એક અદાલતી સજા અત્યાચારીઓ પર મોટો દાખલો બેસાડે છે, એ ભૂલાવું ન જોઇએ.
Tuesday, August 21, 2012
આસામ, મુંબઇ, બેંગ્લોરઃ આખરે શું ચાલી રહ્યું છે?
આસામના કોકરાઝાર જિલ્લામાં ગયા મહિનાથી સ્થાનિક આદિવાસી બોડો લોકો અને મુસ્લિમો વચ્ચેનું ઘર્ષણ હિંસક બન્યું. તેમાંથી મોટા પાયે ફાટી નીકળેલા હુલ્લડમાં મુસ્લિમો મોટા પાયે ભોગ બન્યા. સેંકડો મુસ્લિમોને ઘરબાર છોડીને રાહતછાવણીઓમાં આવી જવું પડયું. સામે પક્ષે, સ્થાનિક આદિવાસી એવા બોડો લોકોમાં પણ હુલ્લડબાજી પછી સરકારી પગલાંની દહેશત ફેલાઇ. એટલે તે પણ ઘરબાર છોડીને ભાગ્યા. કોકરાઝાર અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે દોઢ-બે લાખ લોકોએ રાહતછાવણીની ભરપૂર અગવડો સામે જોવાને બદલે પોતાની સલામતીને વધારે અગત્યની ગણી.
આસામના ઇતિહાસમાં આંતરસંઘર્ષની નવાઇ નથી. તેમાં ફક્ત બોડો-મુસ્લિમો વચ્ચે જ નહીં, બોડો અને બીજી આદિવાસી જાતિઓ વચ્ચે પણ લોહિયાળ સંઘર્ષ અને હત્યાકાંડ થયા છે. કેટલાક બનાવોને દાયકાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં, લોકો હજુ રાહતછાવણીમાં રહે છે. તેમનું જીવન થાળે પડયું નથી. બોડો આદિવાસીઓને ‘હિંદુ' ગણીને, એ સંઘર્ષને ‘હિંદુ-મુસ્લિમ કોમવાદ'ના ખાનામાં ગોઠવી દેવાનું બહુ સહેલું અને સુવિધાભર્યું છે. પરંતુ હકીકતમાં બોડો સહિતના ઘણા આદિવાસીઓ હિંદુ ધર્મને બદલે પોતાનો પરંપરાગત ધર્મ પાળે છે અથવા ખ્રિસ્તી પણ બન્યા છે.
બીજી તરફ, આઝાદી પહેલાંથી અંગ્રેજ જમીનમાલિકોનાં ખેતરોમાં કામ કરવા આસામ આવેલા મુસ્લિમ ખેતમજૂરો સ્થાનિક આદિવાસીઓને ‘બહારના' લાગે છે. આ કચવાટ બાંગલાદેશમાંથી ગેરકાયદે આસામમાં આવતા મુસ્લિમોના કારણે વધે છે. આટલું જ્વલનશીલ મિશ્રણ ઓછું હોય તેમ, આખી પરિસ્થિતિમાં રાજકારણ ભળે છે. ભાજપ આખી સમસ્યાનાં ઇતિહાસ-ભૂગોળ ઘ્યાનમાં લીધા વિના તેને ‘બાંગલાદેશી ધૂસણખોરોની સમસ્યા' તરીકે ખપાવવા ઉત્સુક હોય છે, જ્યારે કોંગ્રેસ કશી સ્પષ્ટ ભૂમિકા વગર બોડો અને મુસ્લિમ એમ બન્ને બાજુથી લાડુ લેવાની ફિરાકમાં રહે છે. સુશાસન અથવા કાયદાના શાસન માટે કે આસામ સહિત ઇશાન ભારતનાં રાજ્યોની વિશિષ્ટ પરિસ્થિતિ સમજવા માટે કોઇ પક્ષ પાસે વૃત્તિ નથી.
આસામની આગના લંબાતા લબકારા
આસામનો આંતરસંઘર્ષ અત્યાર સુધી મુખ્યત્વે સ્થાનિક બનાવો પૂરતો મર્યાદિત રહેવાથી, તેની ગંભીરતા દેશના લોકોને અંકે થઇ ન હતી. પરંતુ આ વખતે બે બનાવોને લીધે આખું સમીકરણ બદલાઇ ગયું અને આસામની હિંસા દેશ માટે ચિંતા-ઉચાટનો વિષય બની. સૌથી પહેલાં મુંબઇની રઝા એકેડેમી અને બીજી કેટલીક સંસ્થાઓએ આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો. તેનો મુદ્દો હતોઃ મ્યાંમાર અને આસામમાં મુસ્લિમો પર થઇ રહેલા અત્યાચારનો અને પ્રસાર માઘ્યમો દ્વારા થતી તેની ઉપેક્ષાનો વિરોધ. એ કાર્યક્રમમાં પંદરેક હજાર મુસ્લિમો ઉમટયા. મુંબઇ પોલીસનો પૂરતો બંદોબસ્ત હતો, પરંતુ કમિશનર અરૂપ પટનાયકના જણાવ્યા પ્રમાણે, મેદાનની બહાર રહેલા એક ટોળાએ ધાંધલ અને હિંસાની શરૂઆત કરી. તેમણે પોલીસ તથા તેમનાં વાહનો પર હુમલા કર્યા. પ્રસાર માઘ્યમોનાં પ્રતિનિધિઓ અને ટીવી ચેનલોની ઓબી વાન પણ તોફાનીઓની ગુંડાગીરીનો ભોગ બન્યાં.
એ સમયે ઘટનાસ્થળ પર પહોંચી ગયેલા કમિશનર અરૂપ પટનાયકે અસાધારણ સંયમથી કામ લીઘું : કાર્યક્રમમાં મંચ પર પહોંચીને તેમણે ઉપસ્થિત મુસ્લિમોને અપીલ કરી કે કોઇ પણ હિસાબે ૧૯૯૨નાં કોમી રમખાણોનું પુનરાવર્તન થવું ન જોઇએ. બહાર તોફાને ચઢેલા લોકો અને મેદાનમાં ઉપસ્થિત મુસ્લિમોને એક લાકડીએ હાંકવામાં નહીં આવે એવી ખાતરી પછી, તોફાનીઓ સામે ટીયરગેસ અને ગોળીબારથી કામ લેવામાં આવ્યું, જ્યારે મેદાનમાં ભેગા થયેલા મુસ્લિમોમાંથી ઘણાખરા સહીસલામત રીતે વિખેરાઇ ગયા. ગોળીબારમાં બે વ્યક્તિનું મોત થયું, પણ સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા.
મુંબઇમાં મુસ્લિમો પર થતા અત્યાચારના વિરોધના બહાને, તોફાની ટોળાની ગુંડાગીરીના શરમજનક પ્રદર્શનથી, કોમી દ્વેષ માટે ફળદ્રુપ વાતાવરણ ઊભું થયું. ઘણા સમયથી કોમી તનાવ ભૂલી ચૂકેલા મુંબઇગરાઓ ભડકી ગયા. અંતીમવાદી રાજકારણના ખેલૈયા ઠાકરે કાકા-ભત્રીજાને મુંબઇ પોલીસનું પગલું સંયમભર્યું પગલું બિલકુલ ન ગમ્યું, પણ તેનાથી વિસ્ફોટક સ્થિતિ એક કલાક કરતાં પણ ઓછા સમયમાં થાળે પડી ગઇ અને જનજીવન સામાન્ય બની ગયું. અલબત્ત, સામાન્ય નાગરિકોના મનમાં મુસ્લિમોના વિરોધ પ્રદર્શનનો (તેની આડપેદાશ જેવી હિંસાને કારણે) કડવો સ્વાદ રહી ગયો.
આટલું ઓછું હોય તેમ, ભારતના આઇ.ટી. પાટનગર ગણાતા બેંગ્લોરમાં અફવાઓનો દૌર શરૂ થયો. તેનો સાર એટલો હતો કે આસામમાં મુસ્લિમો પર થતા અત્યાચારનો બદલો, બેંગ્લોરમાં રહેતા આસામવાસીઓ- ઇશાન ભારતીયો પર લેવામાં આવશે. એસ.એમ.એસ. અને મુસ્લિમો પર અત્યાચારની કાલ્પનિક વિકૃત તસવીરો-વિડીયો ધરાવતા એમ.એમ.એસ. ફરવા લાગ્યા. સાથોસાથ, રમજાન મહિનો પૂરો થયે, મુસ્લિમો વળતો હુમલો કરશે એવી ધમકી પણ ખરી.
જોતજોતાંમાં ફેલાઇ ગયેલી અફવાની દહેશતને કારણે આસામ ઉપરાંત ઇશાન ભારતનાં બીજાં રાજ્યોના લોકો પણ બેંગ્લોર રેલવે સ્ટેશન પર સેંકડોની સંખ્યામાં ઉમટી પડયા. બે-ત્રણ દિવસમાં દસ હજારથી પણ વઘુ લોકો શહેર છોડીને વતનમાં ચિંતા કરતા પોતાના પરિવાર પાસે પહોંચી ગયા. તેમાં ઇશાન ભારતના કેટલાક મુસ્લિમો પણ ખરા. કારણ કે બેંગ્લોરમાં તે પહેલાં ઇશાન ભારતીય અને પછી મુસ્લિમ હતા.
બેંગ્લોરનો ચેપ ચેન્નઇ, પૂના, મુંબઇ જેવાં શહેરોમાં પણ લાગ્યો. ઇશાન ભારતના લોકો હોસ્પિટલ, રેસ્ટોરાં, હોટેલ જેવા સર્વિસ સેક્ટરના વ્યવસાયોમાં નોકરી માટે વતન છોડીને દૂર આવતા હોય છે. આ ક્ષેત્રોમાં તેમની કામગીરી ઘણી વખણાય છે. એટલે નોકરી મૂકીને વતનભેગા થવા ઉતાવળા બનેલા ઇશાન ભારતીયોને સમજાવવા માટે કંપનીના અફસરો છેક પ્લેટફોર્મ સુધી ગયા હતા. પરંતુ જીવના જોખમની અફવા સાંભળ્યા પછી એ રોકાવા તૈયાર ન થયા.
કારણોનો ચક્રવ્યૂહ
અત્યાર સુધી બનેલા બનાવોના અર્થઘટન માટે સૌથી સહેલું અને સૌથી અનુકૂળ બીમું ‘હિંદુ વિરૂદ્ધ મુસ્લિમ'નું છે. ‘મુસ્લિમો તોફાની છે અને એમના લીધે જ બધે અશાંતિ ઊભી થાય છે'- એવો પૂર્વગ્રહ ફેલાવવાના પ્રયાસો નોંધપાત્ર પ્રમાણમાં સફળ થયા હોવાથી, એ દિશામાં ફક્ત હવા આપવાની જ જરૂર હોય છે. ત્યાર પછી લોકોના મનમાં પડેલા પૂર્વગ્રહોના તણખા આગ પકડી લે છે. સાથોસાથ, એ વાત પણ સાચી છે કે મુસ્લિમોની રાજકીય, સામાજિક અને ધાર્મિક નેતાગીરી આ પૂર્વગ્રહ ફેલાતો અટકાવવામાં ઊણી ઉતરી છે.
‘એ લોકો વિરૂદ્ધ આપણે લોકો'ની કોમી રમતમાં મુસ્લિમ સમાજનો અમુક વર્ગ ઘણી વાર જાણે કે અણજાણે સક્રિય પક્ષકાર બની જાય છે અથવા એ રમતથી પોતાને અળગો કરી શકતો નથી. મુસ્લિમોએ દરેક વખતે, દરેક પ્રસંગે પોતાનો રાષ્ટ્રપ્રેમ દર્શાવવાની કે સાબીત કરવાની જરૂર ન હોય. પરંતુ પોતાના ધર્મ અને સમાજના લોકો દ્વારા થયેલાં કરતૂતોને છાવરવાને બદલે કે આઘાત-પ્રત્યાઘાતની થિયરી મુજબ વાજબી ઠેરવવાને બદલે, તેના વિશે વધારે ખુલ્લાશથી અને ખેદથી બહાર આવવું પડે. શિવસેના કે ભાજપને ધરવવા નહીં, પણ પોતાનો હિસાબ ચોખ્ખો રાખવા માટે.
‘અમે જે નથી કર્યું તેના માટે અમારે શા માટે દિલગીરી વ્યક્ત કરવી જોઇએ?' એવો સવાલ અહીં થઇ શકે. પરંતુ મ્યાંમાર અને આસામમાં મુસ્લિમો પર થઇ રહેલા અત્યાચારોના સાચાખોટા સમાચાર સાંભળીને મુંબઇના મુસ્લિમો જો ઉકળી શકતા હોય, તો મુંબઇના કેટલાક તોફાની મુસ્લિમોનાં કરતૂતોથી એ જ મુસ્લિમો શરમાઇ ન શકે? જેટલી સહજતાથી સરેરાશ મુસ્લિમો દૂરનાં રાજ્યો કે દેશમાં રહેતા મુસ્લિમોની અવદશાથી ઉશ્કેરાઇ જાય છે, એટલી સ્વાભાવિકતાથી પોતાના પ્રદેશ કે દેશમાં પોતાના જ (વંઠેલા) સહધર્મીઓનાં તોફાનથી તે ઉશ્કેરાતા નથી. આ પરિસ્થિતિ બન્ને પક્ષના અંતીમવાદીઓને બહુ માફક અનુકૂળ આવે છે. કારણ કે બન્ને પોતપોતાની ધિક્કારઝુંબેશ માટે દોષનો ટોપલો સામેના પક્ષ પર ઢોળીને, તેને વાજબી ઠરાવી શકે છે.
નાગરિકશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર
આસામ હોય કે બેંગલોર, આખા વિવાદમાં કેન્દ્રસ્થાને રહેલો એક મુખ્ય મુદ્દો પરપ્રાંતીયોના હક અને તેમની સલામતીનો છે. ઘણા અભ્યાસીઓ માને છે કે આસામમાં સ્થાનિક આદિવાસીઓને ફક્ત બાંગ્લાદેશીઓ સામે નહીં, ‘બહારના' કહેવાય એવા બધા સામે વાંધો છે. તેમાં આઝાદી પહેલાં આસામમાં વસેલા મુસ્લિમો પણ આવી ગયા. એ લોકો મુસ્લિમ છે, તે સંયોગની વાત છે. બાકી, આસામના આદિવાસીઓ અંતીમવાદી હિંદુત્વની તાલીમ ધરાવતા હિંદુઓ નથી. બલ્કે, અગાઉ જણાવ્યું તેમ, એમાંથી ઘણા ખ્રિસ્તી છે તો ઘણા આદિવાસી દેવતાને પૂજનારા છે. એટલે ભારતની કહેવાતી મુખ્ય ધારાનાં રાજ્યોમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેનો દ્વેષ ભલે સ્વાભાવિક માની લેવાતો હોય, પણ આસામમાં સ્થિતિ જુદી છે. આદિવાસી-મુસ્લિમો વચ્ચે વેરઝેરનું મુખ્ય કારણ મુસ્લિમોનો ધર્મ નહીં, પણ ‘બહારના' તરીકેની તેમની ઓળખ છે.
આસામ હોય કે આંધ્ર પ્રદેશ, કર્ણાટક હોય કે મહારાષ્ટ્ર- ‘બહારના' લોકો બીજાં રાજ્યોમાં કેવી અસલામતી અનુભવે છે, તે બેંગ્લોર-ચેન્નઇ-પૂણેમાંથી થયેલી સામુહિક હિજરતે દર્શાવી આપ્યું છે. એ હિજરત માટે મુસ્લિમોના ખોફ કરતાં પણ વધારે ‘બહારના' તરીકેની અસલામતી વધારે અંશે જવાબદાર જણાય છે. ભારતના તમામ નાગરિકોને કોઇ પણ સ્થળે જઇને વસવા અને કામ કરવાનો હક હોય છે. એ ફક્ત નાગરિકશાસ્ત્ર માટે જ નહીં, અર્થતંત્ર માટે પણ આદર્શ પરિસ્થિતિ છે. છતાં રાજ્ય સરકારો મોટે ભાગે ‘આપણા વિરૂદ્ધ બહારના' જેવા સૂક્ષ્મ ભેદને પ્રોત્સાહન આપે છે. મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં તો પરપ્રાંતીયો વિરૂદ્ધના દ્વેષની ધરી પર આખેઆખા પક્ષો રચાયા અને ટક્યા છે. ભારતનું આર્થિક પાટનગર ગણાતું મુંબઇ પણ અનેક વાર ‘સ્થાનિક વિરૂદ્ધ પરપ્રાંતી'ના સંકુચિત રાજકારણનો ભોગ બની ચૂક્યું છે.
આવા મુદ્દા બાજુ પર રાખીને, આસામ-મુંબઇ-બેંગ્લોરની ઘટનાઓને માત્ર ને માત્ર બાંગલાદેશી ધૂસણખોરોની કે તોફાની મુસ્લિમોની સમસ્યાના પરિપાક તરીકે જોવામાં આવે, તો તેનાથી અસલામતીનું રાજકારણ ખેલી શકાય, પણ સમસ્યાના મૂળ સુધી કદી ન પહોંચાય. તેનો ઉકેલ તો બહુ દૂરની વાત છે.
Thursday, October 20, 2011
GISFના કર્મચારીઓનું સરકારી રાહે શોષણઃ નવ દિવસના ઉપવાસ આંદોલનની ઝલક
Friday, June 17, 2011
જે.ડે.ને અલવિદા અને છેલ્લી સલામ: '. તો ક્યા? ખાના ખાતે હૈ, વેસે ગોલી ખા લેને કા'

1990ના દાયકાના છેલ્લા વર્ષોમાં મુંબઇ અન્ડરવર્લ્ડમાં મોટાપાયે શૂટ આઉટ થતાં હતાં. મુંબઇ પોલીસ અને ક્રાઇમ રીપોર્ટરોમાં શૂટ આઉટ વિશે જ ચર્ચાઓ થતી હતી. આવી જ એક ચર્ચા વખતે એક ક્રાઇમ રીપોર્ટરે બીજા ક્રાઇમ રીપોર્ટરને મજાકમાં કહ્યું કે, ‘સાલા યે શૂટ આઉટ મેં ધ્યાન રખના પડેગા, કભી ભી કહીં ભી હો જાતા હૈ, હમ કહીં ખડે હો તો એક ગોલી હમેં ભી લગ સકતી હૈ’.
ક્રાઇમ રીપોર્ટરની મજાકના જવાબમાં અન્ય ક્રાઇમ રીપોર્ટરે પણ મજાક કરતાં કહ્યું કે, ‘ઉસ મેં ક્યા, ખાના ખાતે હૈ, વેસે ગોલી ખા લેને કા...’ . આ જવાબ આપનારા રીપોર્ટર બીજા કોઇ નહીં પરંતુ મિડ-ડે ના જાંબાઝ રીપોર્ટર જ્યોતિર્મય ડે. જે. ડે તરીકે ઓળખાતાં જ્યોતિર્મયની હાલમાં જ મુંબઇના પવઇ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
જે. ડેના ગયા પછી ઉપરછલ્લી અને ઓછી માહિ તી ધરાવતા લોકો તેમના વિશે ગમેતેવી આક્ષેપાત્મક વાતો કરી રહ્યા છે, પણ ક્રાઇમ રીપોર્ટર સિવાયના જે. ડેને બહુ ઓછા લોકો ઓળખે છે. કલમથી જ પોતાના મિજાજનો પરચો આપનારા જે. ડેની કેટલીક ઓછી જાણીતી અને અજાણી વાતો દ્વારા તેમને યાદ કરવાનો આ પ્રયાસ છે.
1995ની વાત છે. હિંદુસ્તાન લીવર કંપનીમાં સારા પગારની નોકરી છોડીને પત્રકારત્વમાં પ્રવેશ કર્યા બાદ જે. ડેએ પહેલા એન્વાયર્મેન્ટ અને રીયલ એસ્ટેટ વિષય પર કેટલીય સ્ટોરી કરી. બાદમાં તેમણે ક્રાઇમ રીપોર્ટિંગ શરૂ કર્યું. જોકે ક્રાઇમ રીપોર્ટિંગની સાથે જે. ડેએ શિપિંગ જેવી મહત્વની બીટ પર કામ કર્યું. શિપિંગ બીટમાં જે. ડે જેવું નેટવર્ક કોઇનું ન હતું. મુંબઇની ગુનાખોરીની દુનિયા દરિયા સાથે જોડાયેલી હોઇ કોઇ પણ અખબાર કે પત્રકાર માટે બીટ તરીકે દરિયો બહુ મહત્વનો હતો. મુંબઇમાં સ્મગલિંગ કેવી રીતે થાય છે તેની ઘણી વિગતો દરેકે જૂની-નવી ફિલ્મોમાં જોઇ જ હશે.
જે. ડેએ મુંબઇના ગુનાખોરીના આ દરિયાને ખરા અર્થમાં ખેડ્યો હતો. દરિયાછોરુની જેમ મધદરિયે જઇને તેઓ વિવિધ સ્ટોરીઓ લઇ આવતાં હતાં. નેવી, કસ્ટમ્સ, ઇન્ટેલીજન્સ, રો, સીબીઆઇ, ડીઆરઆઇ, એર ઇન્ટેલીજન્સ, નાર્કોટિક્સ, પોર્ટ, ડોક વગેરે કેટલીય મહત્વની એજન્સીઓ-ખાતાનાં નાના-મોટા અધિકારીઓ સાથે જે. ડેનાં સારા સંપર્કો હતાં. દમણ અને કચ્છના દરિયાઓની ગતિવિધિઓથી પણ તેઓ વાકેફ રહેતા હતાં. જે. ડેની ક્રાઇમ રીપોર્ટર તરીકેની સફળતામાં શિપિંગ બીટ પર તેમણે કરેલું કામ ખૂબ જ મહત્વનું ગણી શકાય. દરિયાની ગતિવિધિઓની જાણને કારણે જ કદાચ તેઓ 10,000 કરોડનાં ઓઇલ કૌભાંડને બહાર પાડી શક્યા હતાં. શિપિંગ બીટનો એક અનુભવ યાદ કરતાં જે. ડેના એક મિત્ર કહે છે, એક વખત કોઇ જહાજમાં આગ લાગી હતી. જહાજમાં આગ લાગતાં અંદર અમુક પક્ષી ફસાઇ ગયા હતાં. નેવીના કેટલાક કમાન્ડોએ આ અબોલ જીવોને બચાવવા ભારે જહેમત ઉઠાવી અને તેમને બચાવી પણ લીધા. જોકે બચાવમાં નેવીને સારો એવો ખર્ચો થતાં, તેના ઉચ્ચ અધિકારીએ નીચેના કર્મચારીઓને ઠપકો આપ્યો.. જે. ડેને આ વાતની ખબર પડતાં તેમણે આર્ટિકલ કર્યો. બાદમાં પેલા ઉચ્ચ અધિકારીને ભારે તકલીફ પડી ગઇ હતી.
જે. ડેને કુદરત પ્રત્યે અપાર લગાવ હતો. જે. ડે વિશે એવું કહેવાતું કે જો તે ક્યાંય ન મળે તો જંગલમાં ફરતા હશે. મોબાઇલ જ્યારે બહુ પ્રચલિત ન હતાં ત્યારે જે. ડેના મિત્રોને તેમને શોધવા માટે નેશનલ પાર્ક કે પછી થાણેના વાડાના જંગલમાં જવું પડતું હતું. નેશનલ પાર્કમાં જંગલનાં સ્થાનિકો સાથે બેસે, એટલું જ નહીં તેમના માટે નાસ્તો પણ લઇ જાય. જંગલોમાં ચાલતા ગોરખધંધા વિશે કેટલીય સ્ટોરી કરનારા જે. ડેને જંગલના સ્થાનિક લોકો પોતાના માનતા. તેમને એવી તો માહિતી મળતી હતી કે જંગલના ઉચ્ચ અધિકારીઓ પણ તે જાણીને ગોથા ખાઇ જતા હતા.
કસાયેલું શરીર ધરાવતાં જ્યોતિર્મય ક્યારેક માથેરાન પણ ઉપડી જતાં હતાં. રસ્તો હોવા છતાં તેઓ ટ્રેનમાં નેરલ સ્ટેશને ઉતરીને તે ડુંગરા ખુંદીને જ માથેરાન પહોંચતા હતા. મિત્રો મજાકમાં એવું કહે છે કે કેમેરો આપીને તેમને જંગલમાં છોડી દો તો તેમને કંઇ ન જોઇએ. સવારે ઉઠીને ગાર્ડનિંગ અને વોક પર પણ તેઓ જતા. તે સારા બોક્સર અને વેઇટલિફ્ટર હતા. મુંબઇ પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે તે આ સ્પોર્ટસ અજમાવતાં પણ હતા.
પોલીસ તંત્રમાં ઉચ્ચ અધિકારીથી લઇને કોન્સ્ટેબલ સુધીના કર્મચારી સાથે તે ખૂબ જ સૌમ્યતાથી વર્તતા હતાં. 6 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતા જ્યોતિર્મયને કેટલાક પોલીસવાળા પોલીસ ઓફિસર જ માની લેતા હતા. એક વખત થાણે જેલમાંથી એક ગુનેગારને જે. જે. હોસ્પિટલ લવાયો હતો. પોલીસ પર હુમલો કરીને ગુનેગાર ભાગી જતાં સમગ્ર હોસ્પિટલને કોર્ડન કરી લેવાઇ. કોઇને અંદર પ્રવેશ ન હતો. જે. ડે ત્યાં પહોંચ્યા તો કોન્સ્ટેબલને એમ કે કોઇ મોટો સાહેબ આવ્યો છે. તેણે સેલ્યુટ મારીને જે.ડેને અંદર જવા દીધા હતા. પોલીસ કમિશનરની એક પ્રેસ કોન્ફરન્સમાં જેસીપી કક્ષાના એક પોલીસ અધિકારીએ જે. ડેને પોલીસ સમજીને `ગુડ જોબ’ કહીને પીઠ થાબડી હતી.
જોકે જે. ડે પ્રેસ કોન્ફરન્સોથી દૂર જ રહેતા હતા. પોલીસવાળા જેવા દેખાતા જે. ડેનું પોલીસ કર્મચારીઓ સાથેનું વર્તન હંમેશા માનવતાભર્યું રહેતું હતું. કેટલાય ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ તેમજ કર્મીઓને સમજાવીને તેમના પરિવારો બરબાદ થતાં તેમણે બચાવ્યા છે. સંજોગોવશાત્ નાનીમોટી ચોરી કે ગેરરીતિ કરનાર પોલીસ હોય કે બીજું કોઇ, ડે તેમને સમજાવતા, બચાવતા અને સુધરવાની તક આપતા હતા. કોઇ નાની લૂંટનો આરોપી જે. ડેની પ્રેરણાથી બાદમાં બટાટાવડા વેચીને ઇમાનદારીની જિંદગી જીવતો થઇ ગયો હોવાનું પણ એક મિત્ર નોંધે છે. મોટે ભાગે ડિસિપ્લીનમાં રહેતા આ ક્રાઇમ રીપોર્ટરથી ક્યારેક ભૂલથી ટ્રાફિક રૂલ તોડાઇ જાય તો તે 50 કે 100નાં દંડની પાવતી પણ ફડાવી લેવામાં અચકાતા ન હતા. તેમના માથા પર ક્યારેય તેમનું નામ સવાર થયું ન હતું.
ઓફિસમાં ક્રાઇમ રીપોર્ટરોના હેડ હોવા છતાં ક્યારેય તે સાહેબગીરી કરતાં નહીં. હંમેશા મિડ-ડેની કેન્ટિનમાં રીપોર્ટરો સાથે ચર્ચા કરતાં જોવા મળતા હતા. ઓફિસમાં કોઇ પણ નાનો રીપોર્ટર કંઇ પણ માહિતી લેવા જાય તો, હા બતાઇંયે, ક્યા ચાહિએ, અચ્છા એસા હૈ, યે નંબર પર બાત કર લીજીએ.... વગેરે નમ્ર જવાબ આપીને રીપોર્ટરનો જુસ્સો તે વધારતા જોવા મળતાં હતાં. પોતાની પાસે જે-તે સ્ટોરીની માહિતી હોય તે પણ લખાવી દેતાં ખચકાતા નહીં. કેટલાક સિનિયર, નબળા કે અદેખા પત્રકારો ક્યારેક જે-તે પોલીસ અધિકારી કે વ્યક્તિનો ફોન નંબર આપતાં કતરાતા હોય છે, જ્યોતિર્મય, પોતાની પાસે ફોન નંબર હોય તો તરત લખાવી દેતા. નંબર બાબતે તેમની દલીલ રહેતી ‘મેં નહીં દેગા, તો દો દિન કે બાદ કહીં સે મિલ હી જાયેગા’.
જે. ડે ક્યારેય ઊંચા અવાજમાં બોલતાં નહીં. મિત્રો કહે છે કે, ખુશ હોય કે ટેન્શનમાં હોય તેમનો મૂડ અને મુદ્રા સરખી જ દેખાય. ગુસ્સો કે મિજાજ પણ ક્યારેય બતાવે નહીં. હા, તેમનો મિજાજ માત્ર તે પોતાની સ્ટોરી દ્વારા જ વ્યક્ત કરતાં હતાં. તેમના `ઝીરો ડાયલ’ પુસ્તકનાં બે ચેપ્ટર વિશે એક રીપોર્ટરે તેમણે પૂછ્યું કે આ બંને ચેપ્ટરો વિશે તમે વધુ લખી શક્યા હોત. જેના જવાબમાં જે. ડેએ કહ્યું હતું કે, આ બંને ચેપ્ટર વિશે મારી પાસે એટલી માહિતી છે કે બંને પર અલગ પુસ્તક થઇ શકે. પાછળથી વિગતે લખવાનું હોવાથી જ મેં અમુક માહિતી લખીને તે ચેપ્ટર છોડી દીધા હતાં. જ્યોતિર્મયની સ્ટોરીઓ કે પુસ્તકમાં હંમેશા નોવેલની છાંટ જોવા મળતી હતી. લેખન વિશેના તેમના વિશેષ પ્રેમનો ખ્યાલ એ પરથી આવે છે કે, થોડા સમય પહેલા તેઓ 2 દિવસની સ્ક્રીનપ્લે રાઇટિંગની વર્કશોપમાં ભાગ પણ લઇ આવ્યા હતાં. બીજું કે મિડ-ડે, ઇન્ડિયન એક્સપ્રેસ અને હિંદુસ્તાન ટાઇમ્સની 16 વર્ષની કારકિર્દી દરમિયાન વચ્ચે તેઓ અમુક દિવસ એક ચેનલ (લગભગ ચેનલ 7) માં પણ જઇ આવ્યા હતાં, જ્યાં ફાવ્યું ન હતું..
રીપોર્ટર તરીકે હંમેશા તે એલર્ટ રહેતા હતા. કોઇ પીછો કરે છે તેવું લાગે તો રસ્તામાં સાઇડમાં ઊભા રહી જતા હતા. હંમેશા બાઇક પર જ જતા હતા. મુંબઇની લાઇફલાઇન તેની લોકલ ટ્રેન કહેવાય છે, પરંતુ જે. ડે માટે તો તેમનું બાઇક જ લાઇફ લાઇન હતી. મુંબઇના એક છેડેથી બીજે છેડે જવું હોય તો પણ તેઓ બાઇક પર જ જતા હતા. ઘરની આસપાસ પણ દુકાનવાળાને ત્યાં કે ક્યાંય પણ તેઓ 'જે. ડે' નો રોફ મારતાં નહીં.. કારણ કે, તેમને ખબર હતી કે તેઓ કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે.

ખરેખર, જે. ડે જમીનનાં માણસ હતાં. પાર્ટી, ક્લબ, હોટેલ, ઢાબા કે ગમે ત્યાં, વેઇટર જેવા નાનામાં નાના માણસને ભેટવું, તેની સાથે વાત કરવી, તેમની માંદગી કે અન્ય સમસ્યા ઉકેલવી, તેની સાથે વડાપાઉં ખાઇ લેવા, ચા પીવી તે તેમની ફિતરત હતી. માહિમમાં એક જગ્યાના ઢોંસા તેમને પ્રિય હતાં. એક વખત, ઓફિસમાં એક પત્રકાર રોજ કરતાં અલગ કપડાંમાં આવ્યો તો જે. ડેએ તેને હેપ્પી બર્થડે વિશ કરી. તે પત્રકાર ચોંકી ઉઠ્યો કે અને કહ્યું કે, આજે તો મારો જન્મદિન નથી. જે. ડેએ જવાબમાં કહ્યું કે, તમે અલગ કપડાં પહેર્યા તો મને લાગ્યું બર્થડે હશે. કેમ કે બર્થ ડેના દિવસે જ લોકો કંઇક અલગ પહેરે છે ને. કંઇ નહીં, તમારી વર્ષગાંઠ જ્યારે પણ હોય, આ મારી એડવાન્સમાં વિશ સમજી લેજો...
ખાસ મિત્રોને મળતા તો બે ઉચ્ચ પોલીસ અધિકારી કમર પાસે મુઠ્ઠીવાળીને સાવધાનની મુદ્રામાં એકબીજાને સેલ્યુટ કરે તે રીતે, સેલ્યુટ કરતાં હતા. મિત્રો અને પત્રકારોમાં તેઓ ‘કમાન્ડર’ તરીકે જાણીતાં હતાં. સામેવાળાને જે. ડે સરજી, સરજી કહીને બોલાવતાં. તો કેટલાક તેમને જે. ડે દાદા (વડિલ તરીકે) સંબોધતાં. ગુજરાતમાં પણ તેઓ ઘણી વાર ઇન્વેસ્ટીગેશન અને તેમજ સામાજિક કામો માટે આવેલા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે અહીંની પગી (ગામનું રક્ષણ કરતા પગી) પરંપરા વિશે જાણ્યું હતું અને તેના વિશે આર્ટિકલ પણ કર્યો હતો. 12 વર્ષ પહેલા તેમના મિત્રના લગ્નમાં બે દિવસ અમદાવાદના મહેમાન બન્યા હતા અને જાનમાં કલોલ ગયા હતા. એ લગ્નની જ્યોતિર્મય ડેએ ભરપૂર ફોટોગ્રાફી કરી હતી. ફોટોગ્રાફી તેમનો શોખ હતો. જોકે તેમના પોતાના બહુ જૂજ ફોટા (ઇન્ટરનેટ પર) જોવા મળે છે..
ક્રાઇમ રીપોર્ટર ઉપરાંત અને સંવેદનશીલ-મદદગાર માણસ તરીકે મિસાલ કાયમ કરનાર જે.ડે.ને અલવિદા અને છેલ્લી સલામ.
Tuesday, May 18, 2010
સોરાબુદ્દીન માટેનો હોબાળોઃ ન્યાય કે નાઇન્સાફી?
Sunday, March 28, 2010
આ પણ એક રંગ છે
ઉપરના મકાનનો રંગ જોઇને ત શાનું હશે એની કલ્પના કરી શકાય? એનો ફુલગુલાબી અને જાંબલી વચ્ચેનો રંગ જોઇને બ્યુટી પાર્લરથી માંડીને આઇસક્રીમ પાર્લર સુધીની કલ્પનાઓ આવી શકે છે. પરંતુ આ મકાન પોલીસ-પાર્લર - એટલે કે પોલીસ સ્ટેશન- છે. તેનો આવો રંગ કોના સૌજન્યને કે કોની પસંદગીને આભારી છે, એ જાણવાનો પ્રયત્ન કર્યો નથી. જોવાની મઝા આવી એટલું જ પૂરતું છે.
Wednesday, January 27, 2010
ઝારખંડનું ગાંધીસદન, સરકારી ત્રાસવાદ અને હિમાંશુકુમાર
(ઝારખંડ જેવા નક્સલવાદગ્રસ્ત વિસ્તારોમાં, રાજ્ય સરકાર એમ ઠસાવે છે કે ફક્ત બે જ પક્ષ છેઃ એક તરફ સરકાર અને બીજી તરફ નક્સલવાદીઓ તથા તેમને ટેકો કરનારી સ્થાનિક પ્રજા. હકીકતે, પક્ષો ત્રણ છેઃ નક્સલવાદીઓ, સરકાર અને સ્થાનિક પ્રજા. તેમાં પ્રજાનો બન્ને બાજુથી- વધારે પડતો સરકારની બાજુથી- મરો થાય છે. ઝારખંડની સ્થિતિનો વાસ્તવિક ખ્યાલ આપતા હિમાંશુકુમારના પ્રવચનનો અહેવાલ. તેમનું પ્રવચન ૨૫ જાન્યુઆરી,૨૦૧૦ની ઢળતી બપોરે અમદાવાદના મહેંદીનવાઝ જંગમાં યોજાયું હતું.)
બંધારણની ષષ્ઠિપૂર્તિની પૂર્વસંઘ્યાએ, તા.૨૫ જાન્યુઆરીના રોજ અમદાવાદ આવેલા હિમાંશુકુમારે નક્સલપ્રભાવિત વિસ્તારોમાં પોતાના અનુભવની વાત કરી. નક્સલવાદી હિંસા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવ્યા વિના કે તેને વાજબી ઠરાવ્યા વિના, તેમણે સ્થાનિક લોકોની સમસ્યા અને સરકારી ત્રાસવાદનો ચિતાર આપ્યો.
ખનીજસમૃદ્ધ ઝારખંડ બિહારમાંથી અલગ પડ્યું ત્યાર પહેલાંથી, ૧૭ વર્ષથી હિમાંશુકુમાર ઝારખંડના બસ્તર વિસ્તારમાં આદિવાસીઓ વચ્ચે કામ કરે છે. તેમના મતે, આદિવાસીઓ સરકાર પાસેથી એટલું જ ઇચ્છે છે કે ‘સરકાર અમને મારી ન નાખે.’ સ્વતંત્ર અને પ્રજાસત્તાક દેશના નાગરિકની આટલી અપેક્ષા વધારે પડતી કહેવાય? છતાં, સરકાર એ અપેક્ષા પણ પૂરી કરી શકતી નથી તે હકીકત છે.
નક્સલવાદી હિંસાનો મુકાબલો કરવા માટે ઝારખંડ સરકારે વિચિત્ર નીતિ અપનાવી છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે નક્સલવાદનો ફેંસલો ન આવે, ત્યાં સુધી આદિવાસીઓએ પોતાનાં ગામનાં ઘર ખાલી કરીને, પોલીસચોકીઓ અથવા સરકારી ઇમારતોની આસપાસ ઉભી કરાયેલી ટીનની રાહતછાવણીઓમાં રહેવા આવી જવું. નક્સલવાદ દૂર થઇ ગયા પછી તેમને પાછા પોતપોતાના ગામમાં વસાવવામાં આવશે. ત્યાં સુધી જે લોકો સરકારી રાહતછાવણીમાં રહેવા નહીં આવે, તેમને નક્સલવાદી ગણી લેવામાં આવશે.
આદિવાસીઓને રેશનથી માંડીને આરોગ્ય સુધીની તમામ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલી ઝારખંડની રાજ્ય સરકાર એક કામ અસરકારક રીતે કરે છેઃ આદિવાસીઓને તેમનાં ઘર-ગામમાંથી હાંકી કાઢવાનું કામ. હિમાંશુકુમારના આંકડા પ્રમાણે, અત્યારે સુધી ઝારખંડ સરકારે આશરે ૩.૫ લાખ આદિવાસીઓની વસ્તી ધરાવતાં ૬૪૪ ગામ ખાલી કરાવ્યાં છે.
ટાટા કંપની સાથે ઝારખંડ સરકારના એમઓયુ થયા તેના બીજા જ દિવસે, ૫ જૂન, ૨૦૦૫ના રોજ સાલ્વા જૂડુમ (શાંતિ સેના) તરીકે ઓળખાતું દળ અસ્તિત્ત્વમાં આવ્યું. પોલીસ, અર્ધસરકારી દળો અને સ્થાનિક ગુંડાઓ ધરાવતા આ દળને સરકાર તરફથી સત્તાવાર ગુંડાગીરીનું જાણે લાયસન્સ મળેલું છે. સાલ્વા જુડુમના લોકો આદિવાસીઓને રાહતછાવણીમાં પકડી જવા માટે ગામ પર ત્રાટકે છે. ખુલ્લામાં પ્રકૃતિના ખોળે રહેવાયેલા આદિવાસીઓને પતરાંની રાહતછાવણીમાં રહેવું ફાવતું નથી. એટલે સાલ્વા જુડુમના હલ્લા વખતે કેટલાક આદિવાસીઓ જંગલમાં નાસી જાય છે, કેટલાક માર્યા જાય છે અને થોડાને પરાણે છાવણીમાં લઇ જવામાં આવે છે. જેમ્સ કેમેરૂનની ફિલ્મ ‘અવતાર’માં આવાં કાલ્પનિક દૃશ્યો જોઇને પ્રેક્ષકોને અરેરાટી છૂટી જાય છે, પણ વાસ્તવિક જીવનમાં ભજવાતાં દૃશ્યો તરફ લોકોનું ઘ્યાન જતું નથી.
ગામ ખાલી કરાવવાની (સરકારી ભાષામાં ‘સેનીટાઇઝ’ કરાવવાની) ધમાચકડીમાં સાલ્વા જુડુમના માણસો ભાગતા આદિવાસીઓ પર આડેધડ ગોળીબારો કરે છે, સ્ત્રીઓ-છોકરીઓ પર બળાત્કાર કરે છે, જંગલમાં ભાગી છૂટેલા આદિવાસીઓનાં ઘર અને તેમની ફસલ સળગાવી દે છે, જેથી તે પાછા રહેવા ન આવે. તેમ છતાં, આદિવાસીઓ થોડા વખત પછી ફરી ગામમાં રહેવા આવે, ત્યારે ફરી આ જ સિલસિલો ચાલે છે. હિમાંશુકુમારના જણાવ્યા પ્રમાણે, ૧૫ થી ૨૦ વાર સળગાવી દેવાયાં હોય એવાં પણ ગામ ઝારખંડમાં છે.
સાલ્વા જુડમ તરીકે ઓળખાતા સરકારી ત્રાસવાદી દળથી લપાતાછૂપાતા જે આદિવાસીઓ ગામમાં પાછા રહેવા આવે, તે નજીકના બજારમાં ધાન લેવા પણ જઇ શકતા નથી. તેમને બીક લાગે છે કે સાલ્વા જુડુમના કોઇ ગુંડાની નજરે ચડી જઇશું, તો મારી નાખશે, આબરૂ લેશે કે પકડીને રાહતછાવણીમાં લઇ જશે. તેને કારણે આદિવાસી સ્ત્રીઓ મહુડાં વેચીને ચોખા ખરીદવા માટે, એંસી-એંસી કિલોમીટર દૂરનાં બજારમાં જાય છે, જ્યાં બે દિવસ જવાના અને બે દિવસ આવવાના થાય છે. ખરેખર થવું એવું જોઇએ કે આદિવાસીઓને સરકાર-પોલીસ રક્ષક લાગે અને નક્સલવાદીઓ ભક્ષક. એને બદલે અત્યારે સરકારી ત્રાસવાદથી એવું વાતાવરણ સર્જાયું છે કે આદિવાસીઓને નક્સલવાદીઓ રક્ષક અને પોલીસ તથા સરકાર ભક્ષક લાગે છે.
બસ્તરની કલેક્ટર કચેરીને ‘ગાંધીસદન’ નામ અપાયું છે. ત્યાં ગાંધીજીની મોટી તસવીરો લટકે છે અને ‘વૈષ્ણવજન’ની ધૂન થાય છે. આદિવાસીઓ પર હુમલાની યોજનાઓ પણ તેની સાથે જ ઘડાય છે. નક્સલવાદ સામેની લડાઇમાં પ્રજાનો સાથ લેવાને બદલે, પ્રજાને જ નક્સલવાદી ગણીને તેમનો ખાતમો થતો હોય, ત્યાં સુધી ઝારખંડના આદિવાસીઓ માટે ૨૬ જાન્યુઆરી હોય કે ૧૫ ઓગસ્ટ, બધા દિવસો સરખા રહેવાના છે
- આપણે શહેરી લોકો સુખસુવિધા, જીવનશૈલી માટે ગ્રામીણ જનતાનાં સંસાધનો છીનવતા રહીશું, સરકાર પણ એવું કરશે, પોલીસ તેમાં સાથ આપવા અપરાધી બની જશે. તો દેશમાં શાંતિ, પ્રેમ, સદભાવ વધશે? અદાલત, પોલીસ, સરકાર, વહીવટી તંત્ર- આ બધા જ રસ્તા આદિવાસીઓ માટે બંધ થઇ જશે, તો આદિવાસીઓ ક્યાં જશે? આ સ્થિતિમાં નક્સલીઓ આદિવાસીઓને કહે કે અમે તમારી તરફથી લડીએ છીએ, ત્યારે કયા મોઢે નક્સલીઓને કહીએ કે તમે ખોટા છો?- માઓવાદીઓ જ્યારે એમ કહેતા હતા કે ‘આ સીસ્ટમ ચાલે એવી નથી. એને ફગાવી દો.’ ત્યારે અમે શાંતિપૂર્ણ માર્ગે સીસ્ટમ સામે લડીને, આદિવાસીઓને નાની નાની જીત અપાવતા હતા, જેથી લોકશાહીમાં તેમનો વિશ્વાસ ટકી રહે.
- એંસીના દાયકામાં એક ભારો લાકડાં માટે આદિવાસી મહિલાઓની આબરૂ લેવાતી હતી. જંગલમાંથી ખપજોગું લાકડું કાપનાર પુરૂષોને કડકડતી ઠંડીમાં આખો દિવસ નદીમાં ઉભા રાખવામાં આવતા હતા. પટવારી રૂ.૩ લગાન માટે રૂ.૩૦૦ વસૂલ કરતો હતો. પોલીસ આવે તો આખા ગામમાં ઉઘરાણી કરે. ફોરેસ્ટ ગાર્ડ આવે તો લોકોને ઝાડ સાથે બાંધીને મારે. આ સ્થિતિમાં માઓવાદીઓ આવ્યા અને તેમણે હિંસા દ્વારા પહેલી વાર લોકોને તાકાતનો અહેસાસ કરાવ્યો. ‘આ ફોરેસ્ટ ગાર્ડ તમને મારે છે? લો, તમે એમને મારો.’ લોકોને તાકાતનો અહેસાસ કરાવવાનું કામ ભારત સરકારનું હતું, પણ એ કામ માઓવાદીઓ હાથમાં લીઘું અને એમની રીતે કરવા લાગ્યા.
- માનવ અધિકાર પંચના લોકો એક કેસના સિલસિલામાં દાંતેવાડા આવ્યા, ત્યારે અમે ગામલોકોને તેમની સમક્ષ રજૂઆત માટે તૈયાર કર્યા. પણ રજૂઆત થઇ ગયા પછી, પોલીસે ગામલોકોને અંદર કરી દીધા અને સાંજ સુધીમાં એમની પાસેથી ‘અમે જબરદસ્તીથી નિવેદનો આપવા આવ્યા હતા’ એવાં નિવેદન પર અંગુઠા મરાવી લીધા. ગામલોકોને પોલીસે ગોંધી રાખ્યા, ત્યારે હિમાંશુકુમારના સાથીદારોએ માનવ અધિકાર પંચના સાહેબોને ફોન કર્યો. એ લોકો હજુ ઝારખંડમાં જ હતા, પણ એમણે કહ્યું,‘અમારૂં કામ તપાસ કરવાનું છે. વચ્ચે પડવાનું નહીં.’
- ગાંધીની વાત કરવી બહુ સહેલી છે. પણ ત્યાં અમારી લાચારી ઉપર અમને ગુસ્સો અને શરમ બન્ને આવે છે. નેન્ડ્રા ગામે અમે માનવઢાલ (હ્યુમનશીલ્ડ)નો પ્રયોગ કર્યો. અમે ઉજડેલા ગામને નવેસરથી વસાવીને લોકો સાથે રહ્યા. પણ અમારી સાથે શાંતિથી કામ કરનાર, વિનોબા ભાવેનાં પુસ્તક વાંચનાર યુવાનને પોલીસે જેલમાં ખોસી દીધો છે.
- નક્સલવાદીઓનો યુનિફોર્મ લીલા રંગનો હોવાથી, લીલા રંગનું શર્ટ પહેરનાર કોઇ પણ વ્યક્તિ પર પોલીસ બેરોકટોક ગોળીબાર કરી શકે છે અને કરે છે.
- સર્વોચ્ચ અદાલતે અત્યાર સુધી ખાલી કરાવાયેલાં બધાં ગામડાં ફરી વસાવીને વળતર આપવાનો આદેશ કર્યો છે. પણ હજુ સુધી એક પણ ગામમાં સર્વોચ્ચ અદાલતના આદેશનો અમલ થયો નથી.



