Showing posts with label Corona. Show all posts
Showing posts with label Corona. Show all posts

Saturday, May 29, 2021

વૅક્સિન મૈત્રી : ૮૪ ટકા જૂઠાણું, ૧૬ ટકા સચ્ચાઈ

એપ્રિલ-મે, ૨૦૨૧માં કરપીણ રીતે નિષ્ફળ પુરવાર થયેલી સરકારનાં તેવર થોડા વખત પહેલાં સુધી સાવ જુદાં હતાં. નવા શબ્દપ્રયોગો અને સ્લોગનમાં માહેર સરકાર તરફથી મુકાયેલો નવો ઘુઘરો હતોઃ 'વૅક્સિન મૈત્રી.' કેટલાકને વાસ્તવિકતા કરતાં સ્લોગનબાજી વધારે અનુકૂળ આવે છે. કરૂણ વાસ્તવિકતા ભૂલાવીને 'દવાઈ ભી, કડાઈ ભી'  કેવું મહાન સૂત્ર છે તેની વાત કરતાં તે ઓળઘોળ થઈ શકે છે. વેક્સિન મૈત્રીનો મામલો પણ કંઈક એવો જ થયો. 

કોવિશિલ્ડ અને કોવેક્સિન--એ બંને વિશે કેટલીક પાયાની વિગતો આપતી એક પોસ્ટ જાન્યુઆરીમાં મુકી હતી. તેમાંથી સ્પષ્ટ થતું હતું કે સિરમ ઇન્સ્ટિટ્યૂટને ભારત સરકારે કશી મદદ કરી નથી. પણ રસીકરણને લગતી વૈશ્વિક કામગીરી કરતી સંસ્થા 'GAVI'એ તેને ૩૦ કરોડ ડૉલર ફાળવ્યા છે. માટે, સ્વાભાવિક રીતે જ સિરમ ઇન્સ્ટિટ્યૂટની પણ કોઈ વળતી જવાબદારી હશે. 

પરંતુ જોતજોતાંમાં 'વેક્સિન મૈત્રી'ની ડુગડુગી વાગવાની ચાલુ થઈ. સરકાર તરફથી એવા દાવા થવા લાગ્યા કે વેક્સિન મૈત્રી કાર્યક્રમ અંતર્ગત ૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ મોકલવામાં આવ્યા છે. (તેના એક નમૂના તરીકે એપ્રિલ ૯, ૨૦૨૧ના રોજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ જારી કરેલી આ પ્રેસનોટ) 'વિશ્વગુરુ' તરીકે ભારતનો જયજયકાર કરવાનો અને દુનિયાની મદદે આવેલા ભારતની છાપ ઊભી કરવાનો કાર્યક્રમ જોરશોરથી ચાલ્યો.

ત્યાર પછી ભારતમાં કોરોનાનો ક્રૂર સપાટો ચાલ્યો. કદી ન જોઈ હોય એવી કરુણ પરિસ્થિતિ..દવા-ઇન્જેક્શન-ઑક્સિજનથી માંડીને અનેક બાબતોમાં અભૂતપૂર્વ અરાજકતા સર્જાઈ. આટલી નિષ્ફળતા ઓછી હોય તેમ, અલગ પ્રકારના મિસમૅનેજમૅન્ટના પરિણામે રસીનો પુરવઠો ખૂટી પડ્યો અને રસીકરણ કાર્યક્રમ ધીમો પાડવાનો વારો આવ્યો. 

ઘરઆંગણે રસી ખૂટી ગઈ એટલે સ્વાભાવિક રીતે જ, પૂરતી ગણતરી વિના પરદેશમાં રસી મોકલવા બદલ સરકારની આકરી ટીકા થઈ. કેમ કે, સરકારે પોતે જ 'વેક્સિન મૈત્રી'ના વાવટા ખોડ્યા હતા અને 'વેક્સિન મૈત્રી' અંતર્ગત '૮૫ દેશોમાં રસીના ૬.૪૫ કરોડ ડોઝ'ના દાવા કર્યા હતા. 

પગ તળે રેલો આવ્યો, એટલે સરકારે વેક્સિન-મૈત્રીના વાવટા ધીમે રહીને સંકેલ્યા. સરકાર તરફથી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો તરફથી) આ સ્પષ્ટતા ક્યારે થઈ, એ તો ખ્યાલ નથી. પણ ભાજપના પ્રવક્તાએ પંદરેક દિવસ પહેલાં (મે ૧૨, ૨૦૨૧ના રોજ) કહ્યું કે ભારતે પરદેશ મોકલેલા ૬.૬૩ કરોડથી પણ વધુ ડોઝમાંથી ૮૪ ટકા હિસ્સો તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારીઓનો હિસ્સો હતો. (લિન્ક) 

ઉપરના વિધાનનો સ્પષ્ટ અર્થ એટલો થાય કે-

૧. સરકારની વેક્સિન મૈત્રીની વાતોમાં ૮૪ ટકા જૂઠાણું અને ૧૬ ટકા સચ્ચાઈ હતાં. 

૨. વેક્સિન મેત્રીના રૂપાળા નામ હેઠળ ગણાવાતા રસીના કુલ જથ્થામાંથી ૮૪ ટકા હિસ્સો મોકલવામાં ભારત સરકારનો કોઈ હિસ્સો ન હતો. એ ભારત સરકારનો નિર્ણય પણ ન હતો. એ તો કંપનીઓની વ્યાવસાયિક અને લાઇસન્સિંગને લગતી જવાબદારી (commercial and licensing liabilities) હતી.

એટલે જ, આ સરકાર કંઈ પણ કહે--અને લેખિતમાં કહે--તો પણ તેની પર વિશ્વાસ નહીં, શંકા જ પડે છે અને દેશના કમનસીબે ઘણુંખરું એ શંકા સાચી જ પડે છે.

Tuesday, May 25, 2021

મિટિંગ-ગંગા, ઇમેજ-ચંગા

એક મિટિંગ ભરાઈ છે. તેમાં મહત્ત્વના મુ્દ્દા અંગે ચર્ચા ચાલે છે.  

અફસર: આ પેલું શબવાહિનીનું શું કરીશું?

કર્મચારી ૧: હવે તો મરણાંક ઓછો થયો છે. એટલે કહેવામાં વાંધો નથી કે હવે તો શબવાહિનીની ખરેખર અછત નથી.

કર્મચારી ૨: પણ કહેતી વખતે જરા ધ્યાન રાખવું પડે. ‘હવે’ અને ‘ખરેખર’ જેવા શબ્દો કહીશું તો લોકો તૂટી પડશે કે પહેલાં ખરેખર શબવાહિનીની અછત હતી. 

અફસર: તમને શું લાગે છે? આપણે શબવાહિની જેવા વિષય પર આટલો સમય બગાડવા ભેગાં થયાં છીએ? હું તો પેલી શબવાહિની ગંગાની વાત કરતો હતો.

કર્મચારી ૩: અરે હા, એ કવિતાએ તો જબરો ઉપાડો લીધો ને કાંઈ. મને તો એમ કે ગુજરાતમાં ગળપણવાળી કવિતા જ ખપે.

કર્મચારી ૧: આપણે એ લાઇનના ઘણા લોકો જોડે દોસ્તી છે. આપણે એમને ક્લબમાં બોલાવીએ ને એટલે. તેમાંથી એક જણે મને જવાબ આપવાને બદલે સામું પૂછ્યું કે પેલું ‘કોલાવરી કોલાવરી ડી’ ગાયન કેમ ચાલ્યું હતું?

કર્મચારી ૩: (માથું ખંજવાળીને) કેમ ચાલ્યું હતું?

કર્મચારી ૧: એમને પણ ખબર ન હતી. એટલે કહે, એવું જ છે. અમુક વસ્તુ કેમ ચાલે છે, એની ચૂંથમાં નહીં પડવાનું . એ ચાલતી હોય ત્યારે એની અડફેટે આવી ન જવાય એટલું જ ધ્યાન રાખવાનું. 

અફસર: લોકલાગણી?

કર્મચારી ૧: ના. ધંધાનું ધ્યાન.
અફસર: પણ ઘણાએ તો એનો બહુ વિરોધ કર્યો. 

કર્મચારી ૨: કેમ સાહેબ? ધંધાનું ધ્યાન એક જ રીતે રખાય?

કર્મચારી ૩: પણ મારા હિસાબે, કવિતાની તરફેણ કરનારા બધા ચોખ્ખા ન હોય ને વિરોધ કરનારા બધા વેચાયેલા પણ ન હોય. ખરું કે નહીં?

કર્મચારી ૧: ચોક્કસ વળી. ઘણા માટે આ ધંધાનો નહીં, ધાર્મિક લાગણીનો મુદ્દો બની ગયો.

અફસર: ગંગાને શબવાહિની કહી એટલે? 

કર્મચારી ૧: ના ભઈ ના. એવું હોત તો ગંગામાં વહેતા મૃતદેહોથી જ તેમની લાગણી ન દુભાઈ ગઈ હોત? પણ સાહેબધર્મીઓ માટે તો ધાર્મિક લાગણી એટલે સાહેબની ટીકા.

કર્મચારી ૩: પણ એક વિદ્વાને તો મને એવું સમજાવ્યું કે ગંગામાં મૃતદેહો વહેતા મુકવા એ તો આપણી પરંપરા છે. એ તો સનાતન ધર્મ ને આપદ્ ધર્મ ને યુગ ધર્મ ને એવું બધું ભારેભારે કહેતા હતા ને કંઈક નામો પણ ગબડાવતા હતા. 

કર્મચારી ૧: પછી?

કર્મચારી ૩: હું તો તેમના પગે પડી ગયો. મેં કહ્યું કે મહારાજ, તમારા શાસ્ત્રજ્ઞાન આગળ મારી શી વિસાત? તમે કહેતા હો તો તમારા માટેની આવી વ્યવસ્થાની જવાબદારી હું ઉપાડી લઉં. હું તો ઇચ્છું કે તમે સવા સો વરસ જીવો ને પછી વિદાય લો. ત્યારે હું તો ન હોઉં. એ વખતે તમને આવી શાસ્ત્રોક્ત ગતિ પ્રાપ્ત થાય એની જવાબદારી મારા વારસોને ચીંધતો જાઉં.

અફસર: શું વાત કરો છો. 

કર્મચારી ૩: ભઈ, આપણે આનાથી વધારે શું કરી શકીએ? 

કર્મચારી ૧: તેમણે શું કહ્યું?

કર્મચારી ૩: મને એમ કે મારી વાત સાંભળીને તે રાજી થશે. પણ એ તો નારાજ થઈ ગયા અને ધુંધવાતા રામ..રામ..બોલતા ચાલ્યા ગયા. એમના ગયા પછી મને કોઈકે સમજાવ્યું કે કે એ રામ..રામ.. નહીં, નથુરામ..નથુરામ...બોલતા હતા. ફરી ધ્યાન રાખજો. 

કર્મચારી ૨: વાહ, શી એમની ધાર્મિકતા ને શી એમની શાસ્ત્રસમજ. 

અફસર: પણ આપણી ચર્ચા તો ઊભી જ છે. એ કવિતાનું કરવાનું શું?

કર્મચારી ૩: સૉરી સાહેબ, પણ મારે પહેલાં તો એક ચોખવટ પૂછવી છેઃ કવિતા એ રાજ્યનો વિષય ગણાય કે કેન્દ્રનો? 

કર્મચારી ૧: એવી કોઈ માર્ગદર્શિકા નથી. વત્તા કવિતા ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ એક્ટમાં આવે કે નહીં, એ પણ સ્પષ્ટ થતું નથી. 

અફસર: કવિતા નબળી હોય તો ડિઝાસ્ટર એક્ટમાં ન આવે. પણ કવિતા સબળી હોય ને સરકાર માટે ડિઝાસ્ટર જેવી પુરવાર થાય તો કદાચ આપણે તેને એક્ટમાં આવરી શકીએ. 

કર્મચારી ૨: અને આપણી તરફેણમાં બોલનારા આટલા બધા લોકોની સેવાઓનું શું?

અફસર: સેવાઓ? (મોટેથી હસે છે) તમે આટલા બધા ભોળા રહેશો તો કેમ ચાલશે?... પણ મૂળ સવાલ એ છે કે આ કવિતાનું શું કરવું?

કર્મચારી ૧: સાહેબ, આ તો જંગલમાં સિંહ સામે મળે તો શું કરવું, એના જેવો સવાલ છે. જે કરવાનું હતું એ તો કવિતાએ કરી જ લીધું છે. 

અફસર: તમને શું લાગે છે? લોકો ખરેખર આટલા દુઃખી હશે? કે આ દેશને બદનામ કરવાનું કાવતરું છે?

કર્મચારી ૧: સાહેબ, મને તો બિલ્લા-રંગાને બદનામ કરવાનું કાવતરું લાગે છે.

અફસર: શીઇઇઇઇઇશ...એ બે નામ તો આપણે ચર્ચામાં લાવવાનાં જ નથી. મારા સવાલનો જવાબ વિચારવાનો છે. 

કર્મચારી ૧: સાહેબ, મેં આ લાઇનના કેટલાક લોકો જોડે વાત કરી. એમને તો લાગે છે કે લોકો જરાય દુઃખી નથી અને હોય તો પણ એમાં આપણી કશી જવાબદારી નથી. જે થયું એના માટે લોકો જ જવાબદાર છે. એટલે મને તો લાગે છે કે કવિતા લખનારને છોડો, લોકો સામે જ રાજદ્રોહની કાર્યવાહી અંગે વિચારવું જોઈએ—અને શક્ય હોય તો શબવાહિની બની ગયેલી ગંગામાં તરતા મૃતદેહોને પણ તેમાં સામેલ કરવા અંગે વિચારવું જોઈએ. આખરે તો આપણી એટલે કે દેશની ઇમેજનો સવાલ છે, સાહેબ.

Monday, May 17, 2021

મોટિવેશનની મહામારી

વર્તમાન મહામારીમાં સૌથી મોટી, ગંભીર અને અક્ષમ્ય જવાબદારી સરકારની જ છે. 

પરંતુ અફસોસ અને ગુજરાતી તરીકેની શરમ સાથે જણાવવાનું કે--
નપાવટ, ચાપલૂસ, ખોળે બેઠેલા કે ખોળે બેસવા ઉત્સુક, આત્મકેન્દ્રી, વક્તા તરીકેનો ધંધો ધમધમતો રાખવા માટે સત્તાનો વિરોધ કરવાની પ્રામાણિકતા ગુમાવી કે વેચી બેઠેલા મોટિવેશનલિયાઓ આપણું જ પાપ છે. 

પ્રજા તરીકે આપણે જ તેમને માથે ચડાવ્યા છે. તેમની ૯૯ અપ્રામાણિકતાઓ નજરઅંદાજ કરીને, 'ગમે તે કહો, પણ એમનો પેલો લેખ બાકી ટૉપ હતો'--એવાં ઓવારણાં લીધાં છે. તેમના એક સારા લેખના બદલામાં સો હલકાઈઓ હોંશે હોંશે માફ કરતા રહ્યા છીએ. 

તે વણઝારાના ખોળે બેસે કે નરેન્દ્ર મોદીના-- એ તો તેમનાં લખ્ખણ બતાવતાં જ રહ્યાં છે. આપણે, ગુજરાતીઓ, દોડી દોડીને તેમની પાસે મૂરખ બનવા ધસી જઈએ છીએ અને મૂરખ બન્યા પછી સંસ્કારિતાનો-ધન્યતાનો અનુભવ કરીને રાજી થઈએ છીએ. 

પ્રજામાં કેટલાક તો વળી એવા હોય છે, જે મોઢે ટીકા કરતા જાય અને અંદરથી આવા નમૂનાઓને સેલિબ્રિટી ગણીને પ્રભાવિત થતા જાય. તો કેટલાક બંને બાજુ 'વાહ, વાહ' કરીને સંબંધો સાચવી આવે. આવા પ્રજાકીય પ્રતિભાવથી નવા લખનારા પણ લોકોને મૂરખ બનવાના જ રવાડે ચડ્યા છે. 

આવું લખનારી પ્રજાતિની ટીકા કરવામાં આવે ત્યારે તેમનો કાયમી આરોપ: 'લોકોને અમારી લોકપ્રિયતાની ઇર્ષ્યા આવે છે.'  ના બાબા કે બેબી, એવું ન હોય. તમારા રસ્તે મળતી, તમને મળી છે એવી લોકપ્રિયતાની ઠેકાણાસરના કોઈ માણસને ઇર્ષ્યા ન આવે. (તમને અંદરોઅંદર એકબીજાની ઇર્ષ્યા આવે એ જુદી વાત થઈ) એવી લોકપ્રિયતા વિશે અરેરાટી કે અનુકંપા જ થાય. ખેદ ઉપજે છે આપણી પ્રજા માટે,  જે ખોળને ગોળ ગણીને ધન્યતામાં જીવન કાઢી નાખે છે. 

આવા લેખકો અને આવી પ્રજાની જુગલબંદીને કારણે, આજની કારમી ઘડીમાં પ્રેરણાનાં આ બારમાસી ખાબોચિયાં લોકોનાં દુઃખદર્દથી નથી છલકતાં,  સરકારની ટીકા માટેનાં આંસુથી છલકે છે. 

મોટિવેશનલિયાઓમાંથી કેટલાંક સાવ સામે છે ને કેટલાક બંને બાજુ હાજરી પુરાવીને ધંધો સાચવી લે છે. બોલવાનો સ્વભાવ ન હોય તો મૌન નથી રહેતા. પણ કૂદી કૂદીને સરકારના બચાવમાં ઉતરી પડે છે  તે લોકો આજે પીડીત લોકોની સાથે નથી. હોય પણ ક્યાંથી? એવી અપેક્ષા રાખનારાનો જ વાંક છે. 

મહામારીમાં કોની કેટલી જવાબદારી, એ વિશેની લિન્ક તો છેક છેલ્લે આપી છે, પણ તળિયા વગરના, લોકવિરોધી, ચાપલૂસ મોટિવેશનલિયાઓની મહામારી માટે પ્રજા તરીકે આપણી જવાબદારી સૌથી મોટી છે. 

તમારા અણગમતા એક-બે લખનારાને ગાળ દઈને સંતોષ માની લેવાને બદલે આવી આખી પ્રજાતિ માટે વિચારી જોજો. તેમના ઉપદ્રવમાં આપણી ભૂમિકા કેટલી મોટી છે, એ પણ વિચારજો અને જાતે વિચારી જોજો.

જાતે વિચારવાનું શરૂ નહીં કરો તો આ મોટિવેશનલિયાઓની મહામારી હજુ વકરશે. વકર્યા જ કરશે.

Friday, May 14, 2021

રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા: પારૂલ ખખ્ખરની કવિતા નિમિત્તે

ફેસબુક પર પારૂલબહેન ખખ્ખરની કવિતા મુકાયા પછી ઘણી શૅર થઈ, શરૂઆતમાં ઘણી વખણાઈ અને પછી ટ્રોલિંગ પણ શરૂ થયું. સમર્થનમાં અને વિરોધમાં પ્રતિકાવ્યો લખાયાં. સવારે એ કવિતા મુકાયા પછી, મેં તે કવિતા અને ઇલિયાસ શેખે કરેલો તેનો હિંદી અનુવાદ શૅર તો કર્યાં. ઉપરાંત, ફેસબુક પર એ મુદ્દે જે કંઈ લખ્યું તે રેકોર્ડ પૂરતું અહીં મુકું છું.

***

મે ૧૧, ૨૦૨૧ (બપોરે)

અમુક પ્રકારની પ્રજા એટલી 'સંસ્કારી' હોય છે કે તેમને કશુંક પદ્યમાં લખાઈને આવે તો જ અડે.
તો લો, તમારા માટે Parul Khakhar ની આ કવિતા.
આભાર પારૂલબહેન, આ લખવા બદલ.
*
બીજી વાતઃ અત્યારે સાચી પરિસ્થિતિનું બયાન કરનારાની હિંમતને બિરદાવીને છટકી જશો નહીં. પારૂલબહેન કે બીજા કોઈ લોકો આગળ બહાદુરીના સીન નાખવા માટે ન લખતાં હોય. (બતાવવાની બહાદુરી માટે લખતી પ્રજા જુદી હોય છે. એ તો અત્યારે કેમ કરીને બધા છેડા સાચવવા, એમાં વ્યસ્ત હોય.)
 

તેમણે આપણા સમાજમાં વ્યાપેલી ભયંકર વ્યથાનું પ્રતિબિંબ પાડ્યું છે અને તેમાં સરકારની સીધી જવાબદારી-આવામાં પણ હેડલાઇનો મૅનેેજ કરવાની સરકારની વૃત્તિ સામે આયનો બતાવ્યો છે. આ તેમની પ્રતિબદ્ધતા છે.
તેમની પ્રતિબદ્ધતાને સલામ કરીને નીકળી જવાને બદલે, આ સમજ ઉગે-વધે-વિસ્તરે એ માટેના પ્રયત્નોમાં આપણાથી બનતું કરી છૂટીએ.
 

પારૂલબહેને સર્જકધર્મ અદા કર્યો. આપણે નાગરિકધર્મ અદા કરીએ.
ફરી એક વાર પારૂલબહેનને ધન્યવાદ સાથે તેમની કવિતા.
*
એક અવાજે મડદા બોલ્યાં 'સબ કુછ ચંગા-ચંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.


રાજ, તમારા મસાણ ખૂટયા, ખૂટયા લક્કડભારા,
રાજ, અમારા ડાઘૂ ખૂટયા, ખૂટયા રોવણહારા,
ઘરેઘરે જઈ જમડાંટોળી કરતી નાચ કઢંગા
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારી ધગધગ ધૂણતી ચીમની પોરો માંગે,
રાજ, અમારી ચૂડલી ફૂટે, ધડધડ છાતી ભાંગે
બળતું જોઈ ફીડલ વગાડે 'વાહ રે બિલ્લા-રંગા'!
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.

રાજ, તમારા દિવ્ય વસ્ત્ર ને દિવ્ય તમારી જ્યોતિ
રાજ, તમોને અસલી રૂપે આખી નગરી જોતી
હોય મરદ તે આવી બોલો  'રાજા મેરા નંગા'
રાજ, તમારા રામરાજ્યમાં શબવાહિની ગંગા.
-પારુલ ખખ્ખર
***

મે ૧૧, ૨૦૨૧ (રાત્રે)

આજે બપોરે Parul Khakharની કવિતા અને પછી તેનો Iliyas Shaikhએ કરેલો હિંદી અનુવાદ વાંચીને બહુ સારું લાગ્યું. વાસ્તવિકતાને ઉજાગર કરતા અવાજોમાં એક કવયિત્રીનો અવાજ પણ ઉમેરાયો તેનો આનંદ થયો. મૂળ કવિતા અને અનુવાદ ફેસબુક અને ટિ્વટર પર ભાવથી શૅર પણ કર્યાં.

- સાથોસાથ, એવું પણ થયું કે જેમને અત્યાર સુધી આટઆટલા અહેવાલો, કરુણ પ્રસંગો, સરકારનું ગુનાઈત મિસમૅનેજમૅન્ટ, લોકોની વ્યથાવેદના--એ કશું અડ્યું ન હોય અને ફક્ત એક કવિતાથી જ વેદનાનો સણકો આવ્યો હોય, તેમણે પોતાનું સંવેદનતંત્ર વેળાસર ચૅક કરાવી લેવું જોઈએ. તેના વાયરિંગમાં નક્કી ગરબડ હોવી જોઈએ. 

- લોકોની વેદનાને વાચા આપનાર-તે માટે સરકારની કે સ્થાપિત હિતોની ટીકા કરનારને મૂક કે બોલકો સાથ આપવો જ જોઈએ. પરંતુ 'તેજાબી કલમ'થી માંડીને એવાં બીજાં નિરર્થક વિશેષણો વાપરવાથી બચવું જોઈએ. એમ કરવાથી ઘણાં નુકસાન થઈ શકે છે. 

- ગુજરાતી લેખનમાં તેજાબી કલમના નામે બહુ ધુપ્પલ ચાલ્યાં છે. લખનારનું કામ સહેતુક તેજાબી લખાણની નાટકીયા પટાબાજી ખેલીને ઉત્તેજનાપૂર્ણ મનોરંજન પૂરું પાડવાનું નથી. તેનાથી વાંચનારને કામચલાઉ કીક મળી શકે--વિચાર નહીં. ઉલટું, ઘણી વાર તો એ વાંચનારની સ્વતંત્ર વિચારશક્તિ હણી લેવાનું કામ પણ કરી શકે છે. એ જોતાં તેમના માટે 'તેજાબી'ને બદલે 'અફીણી' વિશેષણ વધારે યોગ્ય ન ગણાય? અને લખનાર સાવધ ન રહે (જેવું ફેસબુક જેવાં માધ્યમમાં બહુ બનતું હોય છે) તો તે ખુદ પોતાની 'તેજાબી' છબીના પ્રેમમાં પડીને અવગતે જઈ શકે છે. 

- પારૂલબહેનની કવિતા કે એ પ્રકારનાં બીજાં અનેક લખાણોનો આશય એ જ હોય છે કે લોકો એક યા બીજા પક્ષે તાળીઓ વગાડીને, 'વાહ, વાહ ક્યા બાત હૈ' કરીને, ખંખેરીને જતા રહેવાને બદલે જાતે વિચારતા-સંવેદન અનુભવતા થાય. અભિવ્યક્તિ સૌ પોતપોતાની પ્રકૃતિ ને આવડત પ્રમાણે કરે કે ન પણ કરે, પરંતુ આટલી મોટી મહામારી અને આટલી કરુણ માનવસર્જિત ગેરવ્યવસ્થા ચાલતાં હોય ત્યારે, કહેવાતી તટસ્થતા છોડીને વાસ્તવિકતા સ્વીકારવા-સમજવા-અનુભવવાનું જરૂરી છે. 

માટે, જે ગમે તેની પ્રશંસા જરૂર કરવી. પણ મુશાયરમાં છીછરી દાદ આપનારા જેવા ન બની જવું, વિશેષણોનો અતિરેક ટાળવો અને ફક્ત વખાણ કરીને અટકી ન જવું.  ત્યાંથી કામ પૂરું નહીં, શરૂ થાય છે.

***

કેટલાક પ્રાથમિક મુદ્દા અને નિરીક્ષણો~
મે ૧૨, ૨૦૨૧ (બપોરે)
૧. ભૂતકાળમાં જેમણે મોદીનું-ભાજપનું (કે વણઝારા સહિતની મોદીની ઇકો-સિસ્ટમનું) સમર્થન કર્યું હોય એવી કોઈ પણ વ્યક્તિ અત્યારે મોદીની-ભાજપની ટીકા કરી જ શકે. દરેક વ્યક્તિને સમજ વિસ્તારવાનો અને સમજ પ્રમાણે વિચાર બદલવાનો કુદરતી અધિકાર છે.

૨. ‘અમે તો મુદ્દા-આધારિત સ્ટેન્ડ લઈએ છીએ.’ તે આમ તો બહુ આદર્શ લાગે એવું વિધાન છે. પણ ગુજરાતીમાં લખનારાની વાસ્તવિકતા ધ્યાનમાં રાખતાં, તે 'મુદ્દા-આધારિત' નહીં, 'વહેણ-આધારિત' વધારે હોય છે. તેમના ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નું ગુજરાતી એવું થાય કે ‘વહેણ જોઈને અમે વણઝારાની આરતી પણ ઉતારીએ ને વહેણ જોઈને મોદીની ટીકા પણ કરી લઈએ. હા, અમે તો સખ્ખત મુદ્દા-આધારિત.’

અત્યારના સમયની વાત કરીએ તો, તેમાં ‘મુદ્દા-આધારિત સ્ટેન્ડ’નો મતલબ છેઃ ‘અમારે સરકારને છાવરવી છે. પણ માત્ર એવું કરીએ તો લોકોની નજરમાંથી સાવ ઉતરી જવાય. એટલે અમે અક્ષમ્ય રીતે નિષ્ફળ ગયેલી સરકારનો બચાવ કરતા રહીને, વચ્ચે વચ્ચે સરકારને ચૂંટલીઓ ખણતા રહીશું ને સરકારની વર્ચ્યુઅલ સોડમાં રહેતાં રહેતાં તટસ્થતાનો ખેલ પાડતાં રહીશું. મુદ્દા-આધારિત. સમજ્યા કે નહીં?

૩. અત્યારના સંજોગોમાં સરકારની ચમચાગીરી (બીજો હળવો શબ્દ જડતો નથી) કરવી હોય અથવા સરકારની ગુડ બુકમાં રહેવું હોય એ જ માણસ, સરકારની ઘોર નિષ્ફળતા-નઠોરતાને ‘બૅલેન્સ કરવા માટે’ સરકારનાં વખાણ કરી શકે. (એવા ‘બૅલેન્સ’ માટે તલ જેવડી સરકારી કામગીરીને તરબૂચ જેવડી ચિતરીને લોકોને મૂરખ બનાવવા પડે એનો વાંધો નહીં.) સરકારના બચાવકારો કે સમર્થકોનો ત્રીજો પ્રકાર કોઈ લાભ વિના, કોમવાદી કે બીજા પ્રકારના દ્વેષથી સરકારની પડખે રહેવાનો છે. આ સિવાયના કોઈ પ્રકારો જાણમાં નથી.

૪. આપણી સાથે અંગત નિકટતા ધરાવતી વ્યક્તિ આપણા વિચારની વિરોધી હોઈ જ શકે. અને તેમ છતાં તે અંગત રહી જ શકે. આવા સંજોગોમાં વૈચારિક બાબતે તેમની ટીકા કે પ્રશંસા કશું કરવાની જરૂર નથી. તે વ્યક્તિગત કારણોસર અંગત હતાં, છે ને રહેશે. પરંતુ એક તરફ સરકારનો વિરોધ કરવો અને બીજી તરફ, તેના બચાવકારો-'બૅલેન્સવાદીઓ'ને વૈચારિક સમર્થન આપવું, એ હળાહળ વૈચારિક અપ્રામાણિકતા છે. સંબંધ અને પ્રામાણિકતાને એકબીજાની અવેજીમાં રાખવાની જરૂર નથી. આપણી ઘણી પ્રજા મૂરખ બનાવનારની શોધમાં રહેતી હોય છે. એટલે લોકો તો આ રીતે પણ મૂરખ બની જશે. પરંતુ  લખનાર તેની જાણબહાર તેની વૈચારિક અપ્રામાણિકતા બતાવી બેસશે.

૫. ગઈ કાલે પણ લખ્યું હતું કે લખનારા માટે તેજાબી કલમને એવી બધી અતિશયોક્તિઓ ન કરવી. સિંહ-સિંહણ જંગલમાં હોય ને ત્યાં જ શોભે. કંઈ પણ લખવા માટે સિંહ કે સિંહણના કલેજાની નહીં કે છપ્પનની છાતીની કે એવી બધી ફિલ્મી જરૂરિયાતો નથી હોતી. (એ બધી જરૂરિયાતો સીન નાખવા માટે જ હોય છે). ચમચાગીરી કે 'સરકારી તટસ્થતા' સિવાયનું લખવા માટે મૂળભૂત રીતે સંવેદનશીલતાની અને પ્રતિબદ્ધતાની જ જરૂર હોય છે.

૬. એક નાગરિક તરીકે મારા માટે તો, પારૂલબહેને આ કવિતા લખી એટલું પૂરતું છે. લોકોની વ્યથા જોઈને, લોકો વતી સરકારની સામે ઉઠતા કડક ટીકાના સૂરમાં વધુ એક સૂર ઉમેરાયો તેનો આનંદ છે. પણ એ પહેલો સૂર નથી ને છેલ્લો પણ નહીં. પારૂલબહેને પણ એવો કશો દાવો કર્યો નથી. આવા વખતે ‘સિંહણનું કલેજું’ વગેરે ઠાલાં વિશેષણો લખવાથી એવો સંદેશો જાય છે કે ‘આ તો ભઈ, આપણું કામ નહીં. સિંહ/સિંહણનું કલેજું જોઈએ.’

ખરેખર તો, એવું ન હોય. આ દરેક નાગરિકનું અને તેની પહોંચમાં આવે એવું કામ છે. કેટલાક કિસ્સામાં એવી પણ શંકા જાય કે કશી બહાદુરી વિના, માત્ર પ્રતીતિથી લખનારને સિંહ/સિંહણ સાથે સરખાવવાનો હેતુ પોતાનું નમાલાપણું ઢાંકવાનો તો નહીં હોય?

૭. પારૂલબહેનની કવિતા પરિસ્થિતિનું બયાન છે. તે કવિતા બને છે કે નહીં, તેની પંડિતાઈભરી ચર્ચા આવતા વર્ષે રાખવી. તે અત્યારે લખાઈ તે પ્રશંસાને પાત્ર છે. અત્યારે એટલું જ વિચારવું-કહેવું કે તેમાં આલેખાયેલી વાત હકીકત છે કે નહીં? સાહેબની ટીકાથી મૂળીયાં બળી ગયાં હોય, તો સાહિત્યનો ને કાવ્યશાસ્ત્રનો માપદંડ લઈને કવિતાને ઝૂડવાની જરૂર નથી.

૮. ‘આ કવિતા રાજકીય નથી’ અથવા તો ‘તેની ફલાણી કડીનો અર્થ ખરેખર તો આવો નહીં, પણ તેવો થાય છે’—આ બધું માત્ર ને માત્ર સરકારની ચાપલૂસીમાં ખપશે. કેમ કે, કવિતાનો એક જ અર્થ થાય છે અને તે સાફ સમજાય એવો છે.

૯. પારૂલબહેન વિશે પણ ચુકાદા ફાડવાની જરૂર નથી. હું તેમને ઓળખતો નથી ને તેની જરૂર પણ નથી. તેમણે કશો દાવો કર્યો નથી. કવિતાને મળેલા બંને પ્રકારના પ્રચંડ પ્રતિસાદથી કોઈ પણ માણસ ડઘાઈ જાય. ટ્રોલિંગ વગેરેથી ન ટેવાયેલો સામાન્ય માણસ ભક્તોના આક્રમણથી ડીફેન્સિવ પણ બની જાય. તેમણે બહાદુરીના કશા દાવા વિના, પ્રતીતિપૂર્વક કવિતા લખી. એ આપણા માટે પૂરતું હોવું જોઈએ.

આપણે જ એમને સિંહણનાં કલેજાવાળાં જાહેર કરીએ ને આપણે જ એમની કથિત પીછેહઠની ટીકા કરીએ, તો એ બંને આપણા પ્રોબ્લેમ છે—એમના નહીં. તેમને નાયિકા કે ખલનાયિકા બનાવવાથી બચવા જેવું છે. તેમની કવિતામાં પ્રતિબિંબિત થતી કરુણતા અને વેદનાને યાદ રાખવા જેવી છે. અસલી ચીજ એ છે.
(મુદ્દા શાંતિથી વિચારજો અને યોગ્ય લાગે તો શૅર કરી શકો છો)

Tuesday, May 11, 2021

કળીયુગની ભક્તસંહિતા

--પછી શિષ્યોએ પૂછ્યું કે ‘હે ગુરુદેવ, મધ્યકાળમાં ભક્તોની ઓળખ સરળ હતી. તે ભજનો રચતાં, ગાતાં અને ભવિષ્યનાં પાઠ્યપુસ્તકો માટે સામગ્રી પૂરી પાડવાની કોઈ સભાનતા વિના, દુનિયાદારીનું ભાન ભૂલીને ઈશ્વરની ભક્તિમાં લીન રહેતાં. પરંતુ ઘોર કળીયુગમાં ભક્તોની પિછાણ શી રીતે કરવી? અમારા સંશયનું છેદન અને જિજ્ઞાસાનું શમન કરો.’

ગુરુ બોલ્યા,
‘હે શિષ્યો, ઘોર કળીયુગમાં જ્યારે વિદ્યાને બદલે અવિદ્યાનો મહિમા છે, ત્યારે તમારાં સંશય અને જિજ્ઞાસા વિશે જાણીને હું પ્રસન્ન થયો છું. તેથી જેટલું બોલીને હું પૉઝિટિવિટીના કે પ્રેરણાના કે લાઇફ-કોચિંગના વર્ગોમાંથી તગડી રકમ પ્રાપ્ત કરી શકું, તેટલું જ્ઞાન હું તમને—મારા ટ્યૂશનાર્થીઓને—વધારાની કોઈ ફી વિના આપીશ.’

 ‘હે શિષ્યો, જેમ વરસાદ વિશે જાણવા માટે વાદળાં વિશે જાણવું આવશ્યક છે, તેમ કળીકાળમાં ભક્તોના પ્રકાર વિશે જાણતાં પહેલાં તેમના આરાધ્ય વિશે જાણવું અનિવાર્ય છે. અલબત્ત, વર્તમાન કાલખંડમાં ગુર્જરદેશ અને સમગ્રતયા ભારતવર્ષમાં એક જ આરાધ્ય વિદ્યમાન હોવાનું પ્રતીત થાય છે. એટલે તેમના ભક્તોને લક્ષ્યમાં રાખીને હું મીમાંસા કરીશ.’

‘ભક્તોના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે. પહેલો અને મુખ્ય પ્રકાર ભારતની પ્રાચીન ભક્ત પરંપરા સાથે સીધું સામ્ય ધરાવે છે. પ્રાચીન ભક્તો પોતાની ભક્તિ છુપાવવાને બદલે તેને બેધડક જાહેર કરતા હતા. સંજોગો વિપરીત હોય કે અનુકૂલ, ભક્તિથી નુકસાન થવાનો સંભવ હોય કે ફાયદો, તે આવો કશો વિચાર કરવાને બદલે, લોકલાજથી ડર્યા વિના કે લોકનિંદાથી ડગ્યા વિના, ‘એવા રે અમે એવા’ કહેતા હતા. વર્તમાનમાં પણ આ પ્રકારના ભક્તો નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે. તે લાભાલાભ જોવાને બદલે, પ્રતિષ્ઠાનું કે સન્માનનું બલિદાન આપીને પણ ભક્તિમાર્ગેથી ચળતા નથી. વાસ્તવિકતાનાં ગમે તેટલાં પ્રમાણપુરાવા કે આલેખન તેમને ભક્તિમાર્ગેથી પાછા વાળી શકતાં નથી. આરાધ્ય સાથે તેમનું મનોસંધાન એ હદે એકરૂપ થયેલું હોય છે કે બ્રેઇન સ્ટ્રોકને પણ તે માસ્ટર સ્ટ્રોક ગણીને તેનો ઉત્સવ મનાવી શકે છે.’

‘આવા ભક્તોની ઓળખ જરાય કઠણ નથી. તમારું ધ્યાન ન હોય તો તે તમને સામેથી ઢંઢોળીને પોતાની ભક્તિના પુરાવા અને નિદર્શન આપ્યા કરશે. એક ચૂકી ગયા તો બીજું ને બીજું ચૂક્યા તો ત્રીજું. હા, એટલું ખરું કે આટલી પ્રખર ભક્તિ માટે કયાં પરિબળ જવાબદાર છે તે દરેક પ્રસંગે જાણવું શક્ય નથી હોતું. પરંતુ સામાન્ય રીતે વિધર્મીદ્વેષ અને વિચારદોષથી માંડીને આર્થિક પ્રલોભન જેવાં કારણોમાંથી તે જન્મે છે અને પોતાની ઓળખના પર્યાય તરીકે તે સ્થિર થાય છે. ત્યાર પછીનો તબક્કો ભક્ત અને આરાધ્યના--જીવ અને શિવના—એકપક્ષી એકત્વનો છે. તેમાં આરાધ્યના અપમાનમાં ભક્તને પોતાનું અપમાન લાગે છે અને આરાધ્યની અક્ષમ્ય ભૂલ અભૂતપૂર્વ ઐતિહાસિક સિદ્ધિ લાગે છે. સંસારમાં આવા ભક્તોના વિચરણથી ભક્તિમાર્ગ ફૂલેફાલે છે.’

આટલું કહીને ગુરુજી અટક્યા, કપાળ પર એકઠી થયેલી રેખાઓને વેરવિખેર થવા થોડી ક્ષણો આપી, પછી પાણીના બે ઘૂંટ પીને, ઊંડો શ્વાસ લઈને તેમણે આગળ ચલાવ્યું.

‘બીજા પ્રકારના ભક્તો સંસારના સામાન્ય વ્યાપારો પૂરી સ્વસ્થતાથી પાર પાડે છે. પોતે ભક્ત છે એવું જાહેર કરવું તેમને ગમતું નથી. પોતાના આરાધ્યની છબી ચિત્તમાં સ્થાપીને તે આશ્વસ્ત અને સંતુષ્ટ હોય છે. ભક્ત તરીકે ઓળખાવાની તેમને કોઈ એષણા હોતી નથી. ઉલટું તે પોતે સંસારીઓને છેતરવા માટે એવો સ્વાંગ ધરે છે, જાણે તે ભક્ત નથી. કેમ કે, તેમને મન આ તેમના અને તેમના આરાધ્ય વચ્ચેનો સંબંધ છે. તેને દુનિયા સમક્ષ છતો કરીને એ સંબંધની નજાકતને શા માટે આંચ આવવા દેવી? પરંતુ કસોટીની ઘડીમાં આરાધ્ય પર પ્રહારો થાય ત્યારે આવા ભક્તો પાછા પડતા નથી. તે આરાધ્યના સીધા કે આડકતરા સમર્થનમાં તર્કાભાસી દાખલાદલીલો કરે છે, આરાધ્યના ટીકાકારોની સમજશક્તિ વિશે શંકા વ્યક્ત કરે છે અને ઠાવકાઈ છોડ્યા વિના, અંતરમાં રહેલી આરાધ્યની છબી છતી થઈ ન જાય એ રીતે, આરાધ્યના આક્રમક કે રક્ષણાત્મક બચાવમાં પ્રવૃત્ત રહે છે. તેમને ભક્ત કહેવામાં આવે, તો તે અંદરથી ટાઢક અનુભવતા હોવા છતાં સંસારીઓને અંધારામાં રાખવા માટે હળવો રોષ પણ વ્યક્ત કરે છે.’

‘અને ત્રીજો પ્રકાર?’ એક શિષ્યે અધીરાઈથી પૂછ્યું.

‘એ પ્રકારની ઓળખ ઘણા માટે કસોટીરૂપ બની રહે છે. પહેલા બંને પ્રકારના ભક્તો બરાબર સમજે છે કે પોતે ભક્ત છે. પરંતુ ત્રીજા પ્રકારના ભક્તો પોતાની જાતને પણ એવું જ ઠસાવે છે કે તે ભક્ત નથી. કુદરતની લીલા એવી છે કે આ કિસ્સામાં જાતને છેતરવી સહેલી છે, પણ બીજાને છેતરવાનું અઘરું છે. કોઈને જ્યારે તેમના આરાધ્યના પહાડ જેવડા દોષ રજકણ જેવા લાગતા હોય, એ દોષની ટીકા કરનારા દિશા ભટકી ગયેલા કે સમાજના-દેશના હિતશત્રુ લાગતા હોય, આરાધ્યના ગૌરવ અને આરાધ્યની પીડા સામે બાકીના લોકોની પીડા અને ગૌરવ તેમને ગૌણ લાગતાં હોય, તે હકારાત્મકતા, ચિંતન, આશા, પ્રેરણાની પીંછીથી આરાધ્યના ટીકાકારોને હલકા ચીતરીને, આરાધ્યને આંચમુક્ત રાખવા પ્રવૃત્ત હોય, ત્યારે તેમને આ પ્રકારના ભક્ત જાણવા. જો તે સ્વીકારતા હોત તો બીજા પ્રકારમાં હોત. એટલે આ કિસ્સામાં તેમનો અસ્વીકાર એ પણ તેમની ભક્તિનું પ્રમાણ છે. અસ્તુ.’

આ સાંભળીને જેમ શિષ્યોની જિજ્ઞાસાનું શમન થયું, તેમ વાચકોની જિજ્ઞાસાનું પણ થાઓ.

Saturday, May 08, 2021

એક નેતાની કોરોના ડાયરી

આ તે કંઈ જીવન છે? ચોમેર જ્યાં જુઓ ત્યાં અવ્યવસ્થાના, લાઇનોના અને મોતના જ સમાચાર. આપણે આવું કશું કરાવ્યું ન હોય છતાં આ બધું થાય ત્યારે સમજાય છે કે આપણાથી મોટી પણ કોઈ શક્તિ હશે. ‘લોકશક્તિ’ તો, મને કોઈએ કહેલું કે ટ્રેનનું નામ છે. એટલે બીજી કોઈ શક્તિ હોવી જોઈએ.

કોરોનાએ જબરી કસોટી કરી લીધી. ના, આ તો ખાનગી ડાયરી છે. એટલે લોકોને પડેલી હાડમારીની વાત નથી કરતો. પણ ક્યાંય બહાર જવાય નહીં. લોકોને મોં તો આમ પણ ક્યાં બતાવતા હતા? પણ આડા દિવસે લોકો ચલાવી લેતા હતા. અને પાંચ વર્ષે વોટ તો સાહેબના નામે જ માગવાના હતા. રૂપિયાની આત્મનિર્ભરતા પણ આવી ગઈ હોય. હવે તકલીફ એ થઈ છે કે બહાર નીકળીને જાહેરમાં દેખાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું પડે છે.

મારું સોશિયલ મિડીયા સંભાળનારો છોકરો કહેતો હતો કે લોકો બહુ ગુસ્સામાં છે. જોકે તેણે એમ પણ કહ્યું કે આવા વાતાવરણમાં પણ આપણો બચાવ કરનારા લોકો નીકળી આવે છે. એટલું જ નહીં, એ લોકો આપણો એવી રીતે બચાવ કરે છે કે આપણે પણ નવાઈ પામી જઈએ. એણે મને કેટલાંક લખાણ દેખાડ્યાં. તે જોઈને મને યાદ આવ્યું. બી.એ.માં ભણતો હતો ત્યારે એક સાહેબ ભક્તિયુગની કવિતાઓ ભણાવતા હતા. મને થાય છે કે એક વાર કોરોના પતી જાય ને બધાનાં મગજ ઠેકાણે આવી જાય, પછી સાહિત્યના પાઠ્યપુસ્તકમાં અત્યારના ભક્તિયુગનાં લખાણ મુકવાં જોઈશે, જેથી નવી પેઢી વંઠી જઈને સ્વતંત્ર રીતે વિચાર કરવાને બદલે આપણા દેશની ભક્તિની પરંપરાના રસ્તે ચાલે.

હું તો આવી બધી બાબતોમાં બહુ એડવાન્સ ચાલુ છું. સાહેબમાંથી પ્રેરણા લેવી પડે કે નહીં? હજુ તો મારે બહુ આગળ જવાનું છે. એટલે મેં એક વીસી જોડેથી નંબર લઈને એક પ્રોફેસરને ફોન કર્યો. એ તો મારી વાત સાંભળીને રાજી થઈ ગયો. કહે, કેમ નહીં, સાહેબ? આપણે અભ્યાસક્રમમાં તેને ‘ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનમાં અનુઆધુનિક ભક્તિયુગ’ એવા વિષય તરીકે દાખલ કરી દઈશું. પછી કહે, ‘સાહેબ, આ વિષય પર હું આજથી જ ચોપડી લખવાની શરૂઆત કરી દઉં છું. આ વિષય જાહેર થશે ત્યારે બજારમાં ફક્ત મારી એકલાની જ ચોપડી હશે. તમે જો એને ટેક્સ્ટ બુક તરીકે કરાવી આપો તો...’

હું સમજી ગયો. કહ્યું, ‘માસ્તર, ચિંતા ના કર. ટેક્સ્ટ બુક તારી ને ગાઇડેય તારી, બસ?’ બિચારો ખુશ ખુશ થઈ ગયો. કેટલા બધા આશીર્વાદ આપ્યા—અને લોકો કહે છે, અમે ખોવાઈ ગયા છીએ. કામ નથી કરતા. તેમને કોણ સમજાવે કે બધાં કામ માટે દેખાવું જરૂરી નથી.
***
રોજ દહાડો ઉગે ને કંઈક નવું સળગતું લાકડું આવે છે. આ કોરોનાએ તો જિંદગી ઝેર કરી દીધી છે. ના, ઘરમાં કોઈને ઓક્સિજનની તંગી નથી નડી કે દવાખાને-દવાખાને ફરવું નથી પડ્યું. પણ હવે કહે છે કે રાજકીય રેલી નહીં કાઢવાની. ચૂંટણી સરઘસ નહીં કાઢવાના. સભા નહીં ભરવાની. આ તે કોરોના છે કે આચારસંહિતા? અરે, આચારસંહિતાનો તો હવે આચાર બનાવીને ભાખરી જોડે ખાઈ ગયા,પણ કોરોનાનું શું કરવું? સભા-સરઘસ-રેલી-યાત્રા ના કાઢીએ, તો જનતાની સેવા કેવી રીતે કરવી? લોકસંપર્કનું એ એક તો માધ્યમ રહ્યું હતું. તે પણ છીનવાઈ જાય તો આપણી લોકશાહી શી રીતે ધબકતી રહેશે?

હું જરા લાગણીમાં તણાઈ ગયો. મારે આટલા સ્વાર્થી ન બનવું જોઈએ. એમ તો સાહેબ પણ બિચારા કેટલા બધા મહિનાથી પરદેશ નથી ગયા વિશ્વગુરુના રોલ માટે તેમણે દાઢી વધારી હશે, પણ એ તો શરૂ થતાં પહેલાં જ ઘાંચમાં પડ્યું. માણસને કેટલું વીતતું હશે? એની સામે મારા દુઃખની શી વિસાત? કમ સે કમ, મને એ વાતનું તો અભિમાન છે કે ચાલુ કોરોનાએ બંગાળની રેલીઓમાં ભીડની હાજરીના વિક્રમો તૂટ્યા. કોરોનાના વિક્રમની ચિંતા શા માટે કરવી? એ તો આમ પણ કુદરતી આફતમાં જ ગણાય છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે (આવું મને એક ચેનલવાળાએ કહેલું) કે માણસની ખરી કસોટી મુશ્કેલીના સમયમાં થાય છે. મને જોકે એવું થયું કે આવું તો હું પણ કહી શકું. એમાં શી મોટી વાત છે? પણ સવાલ કસોટીનો છે અને હું જ નહીં, મારા બીજા સાથીદારો પણ કસોટી આપવા તૈયાર છીએ, બલકે આપી જ રહ્યા છીએ. લોકોને એવું લાગે છે કે અમે આ કસોટીમાં ઊંધા પડી જઈશું. એમને ક્યાં ખબર છે કે આવા સમયમાં કસોટીઓનું દબાણ કામચલાઉ હોય છે. એટલો સમય હેમખેમ નીકળી જાય તો પછી માસ પ્રમોશનની ગોઠવણ હાથવગી રાખેલી જ હોય છે. લોકો એટલું બધું અને એટલી ઝડપથી ભૂલી જાય છે કે તે અમને માસ પ્રમોશનવાળાને ડિસ્ટિંક્શનવાળા માની લે છે. કોરોના તો મટી જશે, પણ રાહત એ વાતની છે કે લોકોની ખરાબ યાદશક્તિ ટકી રહેવાની છે.

ગમે તે કહો, આખરે છે તો લોકશાહી. લોકો છે, તેમની ખરાબ યાદશક્તિ છે, તેમનાં સંકુચિત સમીકરણો છે...આ બધું છે તો અમે છીએ ને અમે છીએ તો લોકશાહી છે. જય હિંદ.

Tuesday, May 04, 2021

એક કોરોના-મિટિંગ

કોરોનાની વણસેલી પરિસ્થિતિને જોતાં સાહેબ અને અધિકારીઓ વચ્ચે મિટિંગ યોજાઈ છે. એક પછી એક માસ્કધારીઓ આવે છે અને લાંબા ટેબલની ફરતે ગોઠવાય છે.

અધિકારી ૧ (પ્યૂનને): ભાઈ, એસી વધાર જરા. પરસેવો છૂટી ગયો છે. 

પ્યૂન: સાહેબ, એસી વધારે જ છે. ક્યારનું ઠંડું કરી રાખ્યું છે. પણ તમને લોકોના ગુસ્સાને લીધે કદાચ...

(અધિકારી ડોળા કાઢે છે. એટલે પ્યૂન બોલતો અટકી જાય છે.)

અધિકારી ૨: આવા વખતે માસ્ક કેટલા સારા પડે, નહીં? 

અધિકારી ૩: હાસ્તો, ઇન્ફેક્શનની ચિંતા નહીં

અધિકારી ૨: ને ઓળખાઈ જવાની પણ. 

(સાહેબની પધરામણી થાય છે. સાહેબ પણ પરસેવો લૂછે છે. અધિકારી ૧ પ્યૂન સામે જુએ છે. પ્યૂન નીચું જોઈ જાય છે.)

સાહેબ: તમે લોકો શું કરો છો? આ બધું શું છે?

ખૂણામાંથી અવાજ: આ સવાલ પહેલાં તમારે તમારી જાતને પૂછવો જોઈએ એવું નથી લાગતું?

(સાહેબ ચમકીને અવાજ તરફ જુએ છે, પણ કંઈ દેખાતું નથી.)

સાહેબ (અધિકારી ૧ને) : તમે હમણાં કંઈ સાંભળ્યું?

અધિકારી ૧: તમે સાંભળ્યું, સાહેબ?

સાહેબ: ના.

અધિકારી ૧: બસ તો પછી, સાહેબ. તમે જે ન સાંભળી શકો, એ મેં શી રીતે સાંભળ્યું હોય? મારાથી સંભળાય જ શી રીતે? હું તો રાજ્યનો એટલે કે પક્ષનો એટલે કે આપનો...

ખૂણામાંથી અવાજ: ટૂંકમાં રાજ્યના લોકો સિવાય બધાનો...

(સાહેબ અવાજને અવગણીને ખોંખારો ખાય છે અને કપાળેથી પરસેવો લૂછીને ફરી શરૂ કરે છે. આ વખતે પ્યૂન મૂછમાં હસતો પાણી લાવવાના બહાને બહાર જતો રહે છે)

સાહેબ: તમને ખબર છે, આવું ને આવું ચાલશે તો શું થશે?

અધિકારી ૪: હા, સાહેબ. આપણે ચૂંટણી હારી જઈશું.

અધિકારી ૫: અહીં લોકોના જીવ જાય છે, સ્મશાનમાં ભઠ્ઠીઓ ને લાકડાં ખૂટી પડ્યાં છે ને તમને ચૂંટણીની પડી છે?

ખૂણામાંનો અવાજ: કોણે બોલવાના ડાયલોગ કોણ બોલે છે....

(સાહેબના હાવભાવ પરથી જણાય છે કે તેમણે અવાજ સાંભળ્યો તો છે. પણ તે અકળામણથી અવગણે છે.)

સાહેબ (અધિકારી ૪ને): પરિસ્થિતિ આટલી ગંભીર છે—વાત ચૂંટણીમાં ખરાબ અસર પડવા સુધી આવી ગઈ છે અને તમે લોકો કંઈ કરતા નથી? તમને સમજાતું નથી કે દેશના ભવિષ્યનો સવાલ છે? 

અધિકારી ૪: એવું નથી સાહેબ, અમે થાય એટલું બધું કરીએ છીએ. (એમ કહીને આખા રાજ્યમાં આટલા બેડ છે, આટલો ઓક્સિજન છે, આટલી રેમડેસિવિર છે એવા આંકડા બોલવાના ચાલુ કરે છે.)

સાહેબ : તમે લોકો મને મૂરખ સમજો છો? આ તો કાલે આપણી જાહેરખબરમાં છાપવાના આંકડા છે. 

અધિકારી ૧ : સૉરી સાહેબ. ભૂલથી બીજું કાગળ આવી ગયું હતું. અમારો ઇરાદો તમને ગેરરસ્તે દોરવાનો કે તમારા સવાલનો ઉડાઉ જવાબ ન હતો. રીઅલી સૉરી.

સાહેબ: ઇટ્સ ઑલ રાઇટ. આગળ વધો. બોલો. તમે શું કર્યું?

અધિકારી ૧ : સાહેબ, પેલું રેમડેસિવિરનાં ઇન્જેક્શનવાળું થયું હતું ને? 

સાહેબ (સહેજ ચિઢાઈને) : હા, તે એનું શું છે? એવાં સળગતાં લાકડાં શું કરવા યાદ કરાવો છો?

અધિકારી ૧ : ના સાહેબ. એ જ કહેવા માટે કે એ સળગતું લાકડું કેવું એક જ દિવસમાં ઓલવી નાખ્યું? પછી એના વિશે કોઈએ કંઈ લખ્યું?

સાહેબ: ઠીક છે. પણ આ તો ડૅમેજ કન્ટ્રોલ થયો. પૉઝિટિવ કામ શું કર્યું?

અધિકારી ૨ : હોય સાહેબ? સૂચના મુજબ સોશિયલ મિડીયા પર કેટલા બધા લોકોને પૉઝિટિવ લખવા અને પૉઝિટિવિટી ફેલાવવા લગાડી દીધા છે. બીજા કેટલાકને એવું સોંપી દીધું છે કે તમે મહારાષ્ટ્ર અને બંગાળની, રેલી સિવાયની, વાતો લાવતા રહો. ત્રીજો વર્ગ ‘દેશે તમારા માટે શું કર્યું એ નહીં, તમે દેશ માટે શું કર્યું એ કહો.’—એવું બધું લખીને રોષે ભરાયેલા લોકોને શરમમાં નાખવા કોશિશ કરે છે. તમે કહેતા હો તો ટીકાકારો પર યુએપીએ કે રાજદ્રોહ...?

સાહેબ (પ્રસન્નતા માંડમાંડ ખાળીને) : હમણાં એ રહેવા દો. પછી જોઈશું. અત્યારે આપણે મુખ્ય કામમાં ધ્યાન આપો. 

ખૂણાનો અવાજ: મુખ્ય કામ એટલે મેટ્રો કે કોઈ નવું વિશ્વનું વધુ મોટામાં મોટું સ્ટેડિયમ કે સ્ટેચ્યુ ઑફ કૅલેમિટી કે એવું કંઈ? 

સાહેબ (ગિન્નાઈને, અધિકારી ૧ને) : સૌથી પહેલાં તો, આવતી વખતથી તમે મિટિંગનું સ્થળ બદલી નાખજો. અને બીજો મિટિંગ હૉલ ન હોય તો તે બંધાવી દેજો. આ જગ્યામાં કંઈક લાગે છે. ભૂત-પ્રેત-આત્મા...તમે માનો છો એવું કંઈ?

અધિકારી ૧ : બિલકુલ નહીં સાહેબ. હું તો આત્મામાં કે આત્માના અવાજમાં—કશાયમાં નથી માનતો. 

સાહેબ: વેરી ગુડ. દેશ આવી રીતે વિજ્ઞાનના રસ્તે ચાલશે તો જ આગળ આવશે. 

અધિકારી ૧ : પણ અગાઉના અધિકારી કહેતા હતા કે આ રૂમમાં ઘણાને આત્માનો ખોવાયેલો અવાજ સંભળાય છે.

સાહેબ: છોડો એ વાત. આપણે એટલું કરી દો કે જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, ગામડે ગામડે આપણા કાર્યકરો નીમી દો. 

અધિકારી ૧ : એ લોકોને કોરોના-મૅનેજમૅન્ટ ફાવશે?

સાહેબ : એની કોણ વાત કરે છે? એ લોકો સ્થાનિક લોકોનો ગુસ્સો ઉતરે, એટલે તેમને ફરી આપણી બાજુ વાળી લેશે. એક વાર આવતી ચૂંટણી આપણે જીતી જઈએ તો કોરોના-ફોરોનાને તો જોઈ લઈશું. 

(ગુજરાતમિત્ર, રવિવારની પૂર્તિ, ૨૫-૪-૨૧. લખ્યા તા. ૨૧-૪-૨૧)

Monday, May 03, 2021

સરકારની જવાબદારી કેટલી?

વર્તમાન મહામારીમાં સરકારની ફરજનાં મુખ્યત્વે આટલાં ક્ષેત્રો ગણાય.

૧) આગોતરું આયોજન અને તૈયારી કરવાં. 

૨) આવી મહામારી સંપૂર્ણપણે ટળી ન હોય ત્યાં સુધી નિષ્ણાતોને સાથે રાખવા, તેમની સલાહ સાંભળવી અને રાજકીય અનુકૂળતા પ્રમાણે નહીં, લોકોના હિતમાં જરૂરી હોય તે બધાનો અમલ કરવો. 

૩) વાઇરસ ફરી ત્રાટકે ત્યારે તેનો ફેલાવો ઘટાડવાના પ્રયાસ કરવા. 

૪) મેળાવડા ટાળવા-નિયમો પાળવા-ધાર્મિક લાગણીઓ પંપાળવાની લાલચ ટાળવી-ચૂંટણીઓ પાછી ઠેલવી. 

૫) ટેસ્ટિંગ માટેની શક્ય એટલી વધુ સુવિધા અને ક્ષમતા ઊભાં કરવાં. 

૬) લોકોને સાચી માહિતી અને સાચું માર્ગદર્શન મળી રહે તે માટેનાં ઠેકઠેકાણે કેન્દ્રો, હેલ્પલાઇન, સોશિયલ મિડીયા કે બીજી  ટૅક્નોલોજીની મદદથી સંવાદ સાધવો. 

૭) સરકારે હાથ ઊંચા નથી કરી દીધા, પણ તે લોકોની સાથે છે—અને કેવળ પ્રસિદ્ધિ મેળવવા કે પોતે કેવાં મહાન પગલાં લીધાં તેના દાવા કરવા માટે નહીં, લોકોને વાસ્તવિક રીતે મદદરૂપ થવા માટે—તેનો અહેસાસ કરાવવો.

૮) બીમારોને યોગ્ય સારવાર મળી રહે તે માટેની અસરકારક વ્યવસ્થા ગોઠવવી. 

૯) જરૂરી દવાઓ, ઑક્સિજન અને મૅડિકલ સાધનોની અછત ન સર્જાય અને તે દર્દીઓને મળી રહે તે જોવું. મોટાં શહેરોમાં તે લેવા માટે બહુ દૂર દૂર સુધી ન જવું પડે તેવું ગોઠવવું.

૧૦) તેનાં કાળાં બજાર ન થાય તે જોવું અને શક્ય હોય તો દર્દીને તે રાહત ભાવે આપવા પ્રયત્ન કરવો.

૧૧) આટલી મોટી આફતમાં પહોંચી વળવા માટે શક્ય એટલી સંસ્થાઓ-સંગઠનો-લોકોને જોતરવા પ્રયાસ કરવો. એ માટે પોતાનો અહંકાર બાજુ પર મુકવો અને વિચારધારાના વિરોધી હોય તેમની પણ મદદ માગવી.

૧૨) જૂઠાણાં ફેલાવવાં નહીં. ગૌરવ લેવાના અને પ્રસિદ્ધિ ખાટવાના ઉધામા થોડા સમય માટે બંધ કરવા.  દરેક બાબતને વડાપ્રધાન-મુખ્ય મંત્રીના જયજયકારમાં ઝબકોળીને રજૂ કરવી નહીં.
***

આ યાદી હજુ ઘણી લંબાઈ શકે. તેમાં પેટામુદ્દા ઉમેરી શકાય. પરંતુ સરકારની કામગીરીના વ્યાપનો અંદાજ આપવા માટે આટલું પૂરતું છે. 

કોઈ પણ સરકાર આટલું કરે ત્યાં સુધી એ કશી ધાડ નથી મારતી. આ બધું તેની ફરજમાં આવે છે. સરકાર પ્રત્યે ભક્તિભાવ ન હોય એવી કોઈ પણ વ્યક્તિને સમજાઈ જશે કે ઉપરની લગભગ તમામ બાબતોમાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. 

ફક્ત બે જ ઉદાહરણઃ એક મહિના પછી પણ હજુ રેમડેસિવિરનાં ઇન્જેક્શન સહેલાઈથી મળતાં થયાં નથી અને હજુ પણ ઑક્સિજનના અભાવે લોકો મૃત્યુ પામે છે. 

***

સરકારી તંત્રમાં થયેલો વ્યક્તિગત સારો અનુભવ કોઈ શૅર કરે કે તે બાબતનો આનંદ કરે, તે સરકારની ભક્તિ નથી. પરંતુ એ વ્યક્તિ પોતાના અનુભવનું સામાન્યીકરણ કરીને, સરકારની એકંદર કામગીરીને બિરદાવવા બેસી જાય ત્યારે તે ભક્તિ બની જાય છે. કારણ કે, તેમાં બીજા અસંખ્ય લોકોની પીડા-વેદના-સ્વજનમૃત્યુની કારમી વાસ્તવિકતાનો ઇન્કાર કે અસ્વીકાર થાય છે.  

ઉપરની યાદીમાંથી સરકાર કશુંક, થોડુંઘણું કરે કે તરત તેનાં ગીતડાં ગાવા બેસી જવું કે પછી સરકારનું ઉપરાણું તાણીને ‘ઓચિંતી આફત આવે તો સરકાર પણ બિચારી શું કરે’—એમ કહેવું, એ ભક્તિનો પોઝિટિવ ટેસ્ટ છે. સરકારની મુશ્કેલી સમજવા માટે પારાવાર ઉત્સુક અને સરકારના ટીકાકારોને ઉપદેશ આપવા તલપાપડ લોકો પોતાની જાતને 'તટસ્થ', 'પોઝિટિવ', ‘બંને બાજુનું જોનાર’ કે બીજું જે ગણતા હોય તે, પણ સાદા શબ્દોમાં તે ભક્તિમાર્ગી ગણાય. સામાન્ય રીતે આ માર્ગે કોઈ ભૂલથી ચઢતું નથી. છતાં, જેને એવું લાગતું હોય કે ભૂલથી કુંડાળામાં પગ પડી ગયો, તેમના માટે પાછા ફરવાનો સહેલો રસ્તો છેઃ સરકારની ટીકાને બદલે નાગરિકોની મુશ્કેલીઓ અંગે વધુ જીવ બાળવો-વધુ દુઃખી થવું.

જે ભક્તો કહેતા હોય કે 'અણધારી આફત આવી પડી, તેમાં સરકાર શું કરે' અને 'આવી તો કોઈને કલ્પના પણ નહીં' તેમને અહીં આપેલી લિન્ક અથવા ગુગલ પર શોધીને એ પ્રકારની બીજી લિન્ક આપવી. તેમાં ચોખ્ખું લખ્યું છે કે  નવેમ્બર 2020માં સંસદીય સમિતિએ કેવી ચિંતા કરી હતી અને  ઑક્સિજનના ઉત્પાદન અંગે પણ કેવી ભલામણ કરી હતી. શોધતાં આવા બીજા પણ ઘણા પુરાવા મળશે.

https://www.newindianexpress.com/nation/2021/apr/24/covid-19-parliamentary-panel-asked-govt-in-november-last-to-augment-oxygen-production-cap-price-2294406.html 

ઑક્સિજનના ઉત્પાદન અંગેની તૈયારીમાં સરકારી ગેરવહીવટ કેવો હતો તેનો ખ્યાલ આપતી આ લિન્ક પણ સાથે આપી શકાય.

https://www.barandbench.com/columns/10-things-to-know-about-oxygen-regulation-in-india

***

વાઇરસનો ચેપ આટલો વકર્યો તેના માટે લોકોની બેદરકારી બેશક એક મોટું પરિબળ છે. સાથોસાથ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી માંડીને નેતાઓની ફાંકાફોજદારી સુધી સરકાર પક્ષે લોકોને કયો સંદેશો આપ્યો છે? વડપ્રધાન લાખ-લાખ માણસની રેલીઓ કાઢતા હોય, રાજ્યના પક્ષપ્રમુખ માસ્ક વગર દાદા થઈને ફરતા હોય...

તેમ છતાં, બે ખોટાનો સામસામો છેદ નથી ઉડાડી શકાતો. લોકોની ભૂલ છે તે છે જ. પરંતુ તે વાઇરસનો ચેપ ફેલાવાના તબક્કા સુધી. (ઉપરની યાદીમાં તબક્કો ૩ અને ૪)  એ સિવાયના બધા જ તબક્કામાં લોકો નથી આવતા. એટલે, જવાબદારીનો આળિયોગાળિયો લોકોના માથે નાખીને સરકારને બેકસૂર ઠરાવવાની અથવા સરકારનો દોષ ઓછો કરવાની ભરમાવું નહીં. 

**

આ ઉપરાંત બીજા બે જવાબદારો છેઃ અફસરશાહી  અને નફાખોરો-કાળાં બજારિયા-કૌભાંડીઓ-સંઘરાખોરો. બીજો વર્ગ મહદ્ અંશે સામજિક દૂષણ છે. તેમાં કોઈ સત્તાધીશની સામેલગીરી ન હોય તો તે સરકારનો દોષ નથી. 

બાકી રહી અફસરશાહી. કોરોના જેવી પરિસ્થિતિમાં અફસરો શું કરી શકે? સરકારને ઢંઢોળી શકે, આગોતરું આયોજન કરી શકે, તેને અણગમતી વાસ્તવિકતા બતાવી શકે, તેનો મુકાબલો કરવાનું આયોજન રજૂ કરી શકે, તેમાં આવતી અડચણોના પોતાની આવડતથી ઉકેલ કાઢી શકે, આયોજનને અમલી બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે. આઇ.એ.એસ. થયેલા લોકોની આવડત ધ્યાનમાં રાખતાં, તેમની પાસેથી આટલી અપેક્ષા રાખવાનું જરાય વધુ પડતું નથી.

તેમણે કમ સે કમ શું ન કરવું જોઈએ? સરકારને છાવરવી ન જોઈએ, તેના વતી જૂઠું ન બોલવું જોઈએ, તેના ઇમેજ મૅનેજમૅન્ટ અને હેડલાઇન મૅનેજમૅન્ટની લોકવિરોધી કામગીરી કરવી ન જોઈએ. ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા અહીં લખવાની જરૂર નથી. એ તો કાયમી છે.

બીજા વેવના ખતરનાક સ્વરૂપના એક મહિના પછી પણ જે ભયંકર સ્થિતિ છે, તે ધ્યાનમાં રાખતાં કરવા જેવાં કામમાંથી બહુ ઓછાં થઈ શક્યાં હશે, એવું સહેજે માની શકાય. અફસરોનાં સારાં કામનો જશ સરકાર લે છે-તે પોતાની દેખરેખ-સૂચના-આગેવાની તળે થયેલાં ગણાવે છે. માટે જે કંઈ ન થયું તેની નિષ્ફળતાનો અપજશ પણ સરકારનો જ ગણાય. 

મોટા ભાગના અફસરો નેતાઓની મરજીથી ઉપરવટ જઈને કંઈ કરતા નથી અથવા કરી શકતા નથી. એટલા માટે પણ અફસરશાહીના અપજશની સંપૂર્ણ જવાબદારી સરકારની ગણાય. એને બદલે સરકાર 'સિસ્ટમ' કહેતાં અફસરશાહીના માથે દોષનો ટોપલો ઢોળીને પોતે સાફ છટકી જવાની ફિરાકમાં રહે છે.
***

જાહેર-ખાનગી, સેવાભાવી-વ્યાવસાયિક, એમ હોસ્પિટલના તમામ પ્રકારના સ્ટાફથી માંડીને સ્વૈચ્છિક પ્રયત્નો દ્વારા દર્દીઓને મદદરૂપ થનારા તબીબી કર્મીઓ પોતપોતાની આવડત અને મર્યાદા પ્રમાણે કામ કરતા રહ્યા છે. બધાં માણસ સરખાં ન હોય—અને ખાસ કરીને આવા સંજોગોમાં ભલભલાની કસોટી થઈ જાય. તેમ છતાં જે કંઈ થઈ શક્યું તેમાં તબીબી સેવાકર્મીઓની કામગીરીનો મોટો ફાળો છે. આવા કપરા સંજોગોમાં કામ કરનારાં સૌ કોઈ તબીબી કર્મીઓને સલામ.

Thursday, April 29, 2021

આવો, સરકારી અરાજકતાની અને મિસમૅનેજમૅન્ટની ટીકા કરનારાઓને ઉપદેશ આપીએ

જાણીતા સાહિત્યકાર રઇશ મણિયારની એક પોસ્ટ આજે વાંચવામાં આવી. સામાન્ય રીતે વ્યક્તિ તેની વૉલ પર લખે તો એ તેનો અભિપ્રાય છે એમ માનીને ચર્ચામાં ઉતરવું પસંદ કરતો નથી. પરંતુ તેમણે એકંદર સ્થિતિ વિશે વિશ્લેષણાત્મક લખ્યું છે અને તે ગેરમાર્ગે દોરનારું છે એવું લાગવાથી, મને જે સચ્ચાઈ લાગે છે તે દર્શાવવા માટે આ લખવાની ફરજ પડી છે.

રઈશભાઈ જોડે મિત્રાચારી કહેવાય એવી નિકટતા તો નથી. બે-ત્રણ વાર મળ્યા હોઈશું. તેમના માટે સ્વાભાવિક સદ્‌ભાવ છે. એટલે તેમને ટૅગ કરીને જ આ લખું છું. કમેન્ટ કરનાર સૌને વિનંતી કે વાજબી આક્રોશ કે રોષ વ્યક્ત કરતી વખતે પણ સભ્યતા ન ચૂકવી.

તેમની આખી પોસ્ટના કેટલાક મુખ્ય મુદ્દાઃ

- અત્યારની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર વાઇરસ પોતે છે

- એક આખો ફકરો તેમણે સરકારના ટીકાકારો માટે સમર્પીત કર્યો છે. લખ્યું છે, ‘સરકારે પણ પોતાની સક્રિતા અને વિશ્વસનિયતા પુરવાર કરવાની જ છે. સરકાર આ પરિસ્થિતિમાં ય મજા લેનારા ટ્રોલરોની ચિંતા તો ન જ કરે, પણ આમજનતાનો વિશ્વાસ ઉઠી ન જાય એનું ચોક્કસ ધ્યાન રાખશે. સરકારની ફરજ છે કે હાથ ઊંચા કરી દેવાને બદલે સુચારુ વ્યવસ્થા જલદી સ્થાપે. સ્વજનો ગુમાવી રહેલી પ્રજાની ધીરજની વધુ કસોટી ન થાય. અહંકારમાં રાચતા અમુક રાજકારણીઓ આમાંય ભ્રષ્ટાચાર કે લાગવગને ઉત્તેજન આપતા હોય તો એમને કાબૂમાં લે. સક્ષમ આઇએએસ અધિકારીઓને કઠપૂતળી બનાવી રાખવાને બદલે એમને સત્તા સોંપે.’

- તેમણે સુરતનું અંદાજિત આંકડાકીય ઉદાહરણ આપીને લખ્યું છે કે કોઈ બિમારી એવી ફાટી નીકળે કે જરૂરિયાત પાંચ કે દસ ગણી થઈ જાય તો ભલભલી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય...

- આખી વાતમાં સરકારની કે સિસ્ટમની ટીકા વિશે તેમણે આટલું લખ્યું છે, ‘સિસ્ટમ કે સરકારની કોઈ ભૂલ નથી—એવી ક્લીનચીટ અપાય એમ નથી. દેખીતી અવ્યવસ્થા છે. પણ એમાં સૌથી વધુ જવાબદાર આ આપત્તિ પોતે છે.’ અને પછી તરત તે લખે છે, ‘આટલું કહ્યા પછી આપણે જોઈએ છીએ કે ઝડપથી ઓક્સિજનના પ્લાન્ટ શરૂ થયા. ટેંકરોની હેરફેર શરૂ થઈ.’

***
મારા મતે આ પોસ્ટમાં રહેલી કેટલીક મૂળભૂત વાંધાજનક અને મને ખોટી લાગેલી બાબતોઃ

- આ પોસ્ટ પક્ષાપક્ષીથી પર રહેવાની વાત કરે છે, પણ તેનો સીધો અને દેખીતો હેતુ અત્યારની અરાજકતા માટે સરકારને જવાબદાર ઠેરવનારા લોકોની ટીકા કરવાનો-તેમને શાંત પાડવાનો છે. આ કામ સરકારી પ્રવક્તાનું હોઈ શકે. સ્વતંત્ર નાગરિકનું નહીં. નાગરિકોને ટાઢા પાડવાનું કામ બેશક થઈ શકે, પણ તે નાગરિકોની લાગણીનો વિચાર કરીને. સરકારનો બચાવ લાગે એ રીતે નહીં.

- આમ તો હેતુનું આરોપણ કરતાં પહેલાં વિચાર કરું, પણ ઉપરની શંકા ઘુંટાવાનું બીજું મહત્ત્વનું કારણઃ
‘સિસ્ટમ કે સરકારની કોઈ ભૂલ નથી—એવી ક્લીનચીટ અપાય એમ નથી’—આટલી લવિંગ કેરી લાકડીએ સરકારને સ્પર્શી લીધા પછી તરત તે સરકારે ફટાફટ શું કરવા માંડ્યું તે દર્શાવવા લાગે છે. (ઓક્સિજનના પ્લાન્ટ-ટેંકરોની હેરફેર) તેમની વાતનો સ્પષ્ટ ધ્વનિ એવો છે કે 'સરકારે કે સિસ્ટમે ભૂલ કેવી તરત સુધારી લીધી? તમે બધા નાહકના પાછળ પડી ગયા છો.'

- સરકારની સીધી જવાબદારીવાળી અને સરકારનો જ સંપૂર્ણ વાંક કાઢવો પડે એવી અવ્યવસ્થા કેવી અને કઈ કઈ છે, તેની લાંબી યાદી કરી શકાય એમ છે. અને એમાં વોટ્સએપ યુનિવર્સિટીવાળા જે ઘરમાં દસ જાજરૂવાળી દલીલ કરતા હતા, એ પ્રકારની દલીલ (પાંચ-દસ ગણી જરૂરિયાત..સિસ્ટમ કોલેપ્સ) જરાય ટકે એમ નથી. તે હવે ઘણુંખરું માત્ર ને માત્ર આયોજનની આવડત કે તેના અભાવનો જ સવાલ છે. મારી વાત તમને સરકારવિરોધી લાગતી હોય તો, છેલ્લા દિવસોમાં હાઇકોર્ટે જે કંઈ કહ્યું છે તે તપાસી જુઓ.

હાઇકોર્ટ દ્વારા અપાતા ઠપકા પછી જ સરકાર 'કંઈક કરવુ પડશે' ની મુદ્રામાં આવે છે--અને તે પણ બધી વાતમાં નહીં. હાઇકોર્ટે ઠપકો આપ્યા પછી કેટલાં સરકારી પગલાં અમલમાં આવ્યાં, તે જોવાથી મારી વાત તરત સમજાઈ જશે.

અને એ યાદ રાખીએ કે રઈશભાઈને જેમની સામે બહુ વાંધો છે એવા ટીકાકારોને કારણે જ આ શક્ય બને છે. આટલા ઊહાપોહ પછી સરકાર માંડ હાલે છે, તો 'આ આપત્તિ માટે સૌથી વધુ જવાબદાર આપત્તિ પોતે જ છે'--એવી ઠાવકાઈ રાખીને બેસી રહીએ તો શું થાય?

.- બંગાળની અને બીજાં રાજ્યોની ચૂંટણી, કુંભમેળાનું આયોજન અને એ બધા પહેલાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને રઈશભાઈએ એટલી હળવાશથી આલેખી છે અને સરકારી એડવોકેટ જનરલની ભાષા યાદ આવી જાય તેમ લખ્યું છે કે ‘તે ટાળી શકાયું હોત, પણ...’

રઈશભાઈ લખે છે કે માર્ચ મહિનામાં કોઈને ચોક્કસ ખબર નહોતી કે એપ્રિલ આવો આવશે.અત્યારે ડહાપણ ડહોળવું સહેલુ છે. (અહીં ટીકાકારો પ્રત્યેની ખીજ જરા બિનઠાવકા શબ્દોમાં પ્રગટ થઈ છે. પણ વાંધો નહીં.)

ચોક્કસ ખબર એટલે શું? આ જગતમાં આગોતરી તૈયારી જેવી પણ એક ચીજ હોય છે, જે મૅનેજમૅન્ટનો ભાગ હોય છે. હું શાની વાત કરું છું, તેનું એક ઉદાહરણ આજના 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં છે. તેમાં લખ્યું છે કે ગત સપ્ટેમ્બરમાં કોરોના ઓસરી ગયા પછી ત્યાંના કલેક્ટરને થયું કે કેસમાં ફરી વધારો થઈ શકે છે. એટલે તેમણે જિલ્લા સ્તરે ઓક્સિજનનો એક પ્લાન્ટ સ્થાપ્યો.

સરકાર પાસેથી આવા મૅનેજમૅન્ટની અપેક્ષા છે અને ઉઘાડી આંખે કેસો વધતા દેખાતા હોય, છતાં સરકાર ઇમેજ મૅનેજમૅન્ટમાં જ મોટા ભાગનું ધ્યાન આપતી હોય અને રઈશભાઈને જેવા તેનો બચાવ કરે એ તો...

- તે લખે છે, 'ટીકામાં તથ્ય હોય તો પણ ટીકા મુદ્દાસર અને માપસરની હોવી જોઈએ.' ભાઈ મારા, હોસ્પિટલમાં ૧૦૮ વિના પ્રવેશ ન મળતા હોય, ઓક્સિજન માટે દર દર ભટકવું પડતું હોય, ઇન્જેક્શનનાં ઠેકાણાં ન હોય, (આ લખતો હતો ત્યારે જ રેમડેસિવિરની જરૂર છે અને વ્યવસ્થા ક્યાંયથી થતી નથી--એ મતલબનો એક ફોન અમદાવાદથી આવ્યો). અરે, ટેસ્ટ કરાવવા માટે બબ્બે-ચચ્ચાર કલાક આવી ગરમીમાં ઊભા રહેવું પડતું હોય, ત્યારે લોકોએ કેટલી ને કેવી ટીકા કરવી એનું માપ તમે નક્કી કરશો? અને એ પણ ઠપકાના ભાવથી?

એટલું યાદ રાખવું જોઈએ કે અત્યારે થઈ રહેલી સરકારની ટીકા ભાજપના સાયબર સેલની જેમ સુઆયોજિત અને કોઈના ઇશારે થતી નથી. અત્યારે થઈ રહેલી મોટા ભાગની ટીકા, કાયમ ફાંકાફોજદારી કરતી અને કાયમ ફોટા-પ્રચાર-જાહેરખબરો અને જૂઠાણાં દ્વારા ક્ષુલ્લક બાબતોમાં જશ લેવા દોડતી સરકારની અસલિયતમાંથી પેદા થઈ છે. આવી, પ્રામાણિકતાથી ભૂલકબૂલ કરીને સુધરનારી નહીં, પણ ઇમેજને જ સર્વસ્વ ગણનારી સરકારની વાસ્તવિકતા અંગે લોકોની વ્યથા અને આક્રોશમાંથી પેદા થયેલી છે.

- છેલ્લે તેમણે લખ્યું છે કે સરકારે આમ કરવું જોઈએ, સરકારે તેમ કરવું જોઈએ (આઇપીએસને કઠપૂતળી બનાવવાનું છોડવું જોઈએ)... ભલા માણસ, સરકાર પોતાના ઇમેજ મૅનેજમૅન્ટ સિવાય બીજું કશું કરવામાં રસ ધરાવતી નથી, એ સાદું સત્ય હજુ નથી સમજાતું તો ક્યારે સમજાશે? એના માટે ટીકાકાર કે ટ્રોલર હોવાની જરૂર નથી. ફક્ત શાંતિથી સરકાર જે કરે છે અને જે નથી કરતી તે જોવાની જ જરૂર છે.

લખવાનું ઘણું છે, પણ મુખ્ય મુદ્દા આટલામાં આવી જાય છે. એટલે રઈશભાઈની ગઝલના જ બે શેરથી વાત પૂરી કરું.

દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે

જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ, કલાકાર ઉપરછલ્લા છે

Monday, April 26, 2021

સાહેબના બચાવની છેલ્લી છેલ્લી દલીલો

નરેન્દ્ર મોદીના તમામ સમર્થકો ખડી પડે એવા, નાગરિકો માટે કરુણ અને અરાજકતાભર્યા માહોલમાં, કેટલાક ભક્તોની ભક્તિ હજુ અવિચળ તપે છે. તે એક યા બીજી રીતે નરેન્દ્ર મોદીના-કેન્દ્ર સરકારના-ગુજરાતની રાજ્ય સરકારના બચાવમાં-પ્રશંસામાં લખ્યા કરે છે. તેમની ભક્તિપૂર્ણ દલીલો સામે અસલિયત મુકતાં પહેલાં નરેન્દ્ર મોદીના ભક્તો અને તેમના ટીકાકારો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજી લેવો જરૂરી છે.
***
ભક્તો નરેન્દ્ર મોદીની ભક્તિની બાબતમાં એક જ પ્રકારની લાગણીથી દોરવાતા હોય છે. એક સમયે મોદી-સમર્થકોમાં પણ જુદા જુદા પ્રકાર હતા. જેમ કે, ડાબેરીઓના વિરોધી, કોંગ્રેસના વિરોધી, ગાંધી-નહેરુના વિરોધી, મુસલમાનોના વિરોધી… ઘણાખરાનો વિરોધ ધિક્કારની કક્ષાનો હતો. પરંતુ આટલા વખતમાં ધ્રુવીકરણનું વલોણું એવું ફર્યું છે કે મોદીના બધા સમર્થકો એકરસ (સમરસ) થઈ ગયા છે. તેમની વચ્ચેના ભેદ મટી ગયા છે. તે મહદ્ અંશે એક જ પ્રકારની ચાવીથી, એક જ ચીલે હંકાનારા અથવા હંકારનારા થઈ ગયાં છે.

બીજી તરફ છે નરેન્દ્ર મોદીના ટીકાકારો. તેમનામાં હજુ પણ અનેક પ્રકાર છે. કોંગ્રેસી, ડાબેરી, ‘આપ’વાળા, ગાંધીવાદી, આંબેડકરવાદી, મધ્યમ માર્ગી, મોદીમોહમાંથી નિર્ભ્રાંત થયેલા, નાગરિક ભૂમિકાએ રહીને ટીકા કરનારા…હજુ બીજા હશે. દેખીતું છે કે આટલા બધા જુદા જુદા વિચારવાળા લોકોને એક રીમોટ કન્ટ્રોલથી ન હંકારી શકાય. ધ્રુવીકરણનું વલોણું ફરતું રહ્યું તેમ ભક્તોની તીવ્રતાની સાથે મોદીવિરોધીઓની તીવ્રતા બેશક વધી છે. ઘણી વાર તેમાં અસ્વસ્થતા અને આત્યંતિકતા પણ ભળી જાય છે. છતાં, તેમનો કોઈ એક સમુહ નથી, જેને સાયબર સેલની માફક કે આર.એસ.એસ.ની માફક એકજથ્થે મેદાનમાં ઉતારી શકાય. તેમાંથી ઘણા બધા તો મોદીવિરોધ સિવાયની સારી એવી બાબતોમાં એકબીજાના ટીકાકાર કે વિરોધી પણ હોઈ શકે છે. પરંતુ મોદીભક્તો એવો પ્રચાર કરે છે કે મોદીનો વિરોધ કરનારા બધા એકરૂપ-એકજૂથ છે.
***
દેશ માટે સર્જાયેલી અભૂતપૂર્વ કરુણતાના માહોલમાં વડાપ્રધાન મોદીની અને તેમની સરકારની જવાબદારી એટલી સીધી છે કે તેમના ભક્તોને કદાચ પહેલી વાર તેમનું કામ અઘરું લાગી રહ્યું છે. પહેલી વાર તે આક્રમણને બદલે મોટા પાયે બચાવની, મૌનની કે કામચલાઉ સ્વીકારની ભૂમિકામાં જોવા મળે છે.

મોદી અને તેમની સરકારની જવાબદારી અંગ્રેજીમાં જેને ‘કમિશન એન્ડ ઓમિશન’ કહે છે, એવી બંને પ્રકારની છે. એટલે કે, તેમણે જે કર્યું છે—ફાંકાફોજદારી, ઇમેજ મૅનેજમૅન્ટ, ચૂંટણી રેલીઓ, ક્રિકેટ મેચ, કુંભમેળો, કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન વગેરે—
અને જે નથી કર્યું—કોરોના તરફથી એક વારની ચેતવણી મળ્યા પછી કરવી જોઈતી તૈયારીઓ, આફત આવ્યા પછી બધું લક્ષ્ય તેના ઉકેલમાં પરોવવાની સન્નિષ્ઠતા, ભૂલોનો સ્વીકાર કરીને તેમાંથી શીખવાની-સુધરવાની તત્પરતા વગેરે—

આ બંને બાબતો વર્તમાન કરુણ પરિસ્થિતિના અને અરાજકતાના સર્જનમાં મોટા પાયે જવાબદાર છે. લોકોની બેદરકારીનો મુદ્દો ચોક્કસપણે છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં. પરંતુ લોકોની બેદરકારી તળે સર્વસત્તાધીશ સરકારની આગવી બેદરકારી કોઈ રીતે સંતાડી શકાય એમ નથી.
***
એટલે છેલ્લા ઉપાય તરીકે, બધું ભૂલાવી દેનારું કશુંક મોટું ગતકડું ન મળે ત્યાં સુધી, કપરો સમય કાઢવા માટે ભક્તો અવનવી દલીલો રજૂ કરી રહ્યા છે. તેમની સાથે સંવાદ કે ચર્ચાની કોઈ ભૂમિકા જ બનતી નથી. એટલે ચર્ચાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ અનુમાન નથી, ભૂતકાળના અનેક પ્રયાસોની નિષ્ફળતામાંથી મળેલો બોધપાઠ છે.

પરંતુ સોશિયલ મિડીયા પર હજુ પણ સાહેબની તરફેણમાં અવનવી દલીલો રજૂ થઈ રહી છે. ઢચુપચુ માનસિકતા ધરાવતા લોકોને તેમ જ ન્યાયના ભોગે ‘તટસ્થ’ દેખાવાના શોખ ધરાવતા લોકોને ખેંચવાનો અથવા કમ સે કમ વિમુખ થતા અટકાવવાનો તેમનો પ્રયાસ છે. આવી દલીલ કરનારા સાથે ગંભીર ચર્ચામાં ઉતરવું એ સમયનો સંપૂર્ણપણે બગાડ છે. પરંતુ તેમની દલીલો વાંચીને મનમાં જરા જેટલી પણ અવઢવ જાગે નહીં એટલા પૂરતી, એ દલીલો વિશે પ્રાથમિક ટિપ્પણીઓ. આવા કપરા સમયે ભક્તો કેવી કેવી દલીલો કરતા હતા તેના દસ્તાવેજીકરણ તરીકે પણ એ ભવિષ્યમાં ખપ લાગશે.
***

૧. ‘આમાં નરેન્દ્ર મોદી શું કરે? આ તો સિસ્ટમની નિષ્ફળતા છે.’
સાહેબે પોતાના જયજયકાર, વિરોધીઓ વિશેનાં જૂઠાણાંના પ્રચાર, ચૂંટણીઓની જીત અને ખરીદવેચાણ સિવાય બીજી કેટલી સિસ્ટમ દેશમાં ધબકતી રાખી છે? ઘણીખરી સિસ્ટમોને પંગુ બનાવીને સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ કરી નાખ્યું. બધાં સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં અને હવે અચાનક સિસ્ટમ ક્યાંથી આવી ગઈ? અને સિસ્ટમ સરકારના કાબૂની બહાર હોય તો પછી સરકાર થઈને શાના ફરે છે?

૨. ‘દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, મોદી મહાન યુદ્ધ લડી રહ્યા છે. આ કપરી ઘડીમાં અમે એમની સાથે છીએ. જય હિંદ.’

દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં વડાપ્રધાન અને તેમની સરકારના મહાન પ્રદાન વિશે તો કંઈક કહો. ભરકોરોનાએ બંગાળમાં સભાઓ પર સભાઓ ગજવતા, તક મળ્યે સુફિયાણી ભાષણબાજીમાં સરી જતા સાહેબ માટે પોતાની ઇમેજ સિવાય બીજું કોઈ યુદ્ધ મહાન નથી. આટલી સાદી સમજ કોઈ નહીં આપી શકે. એ તો જાતે જ ઉગાડવી પડશે. આ કપરી ઘડીમાં કાં પેઇડ હોય કાં સામે ઊભેલો હાથી નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય, તે જ આવી કરપીણ રીતે કાલી જાહેરાત કરી શકે. અત્યારે તેમની સાથે હોવાનું એનું ગુજરાતી એટલું જ થાય કે તેમના ઇમેજ મૅનેજમૅન્ટમા તેમની સાથે છો અને લોકોની દુર્દશાથી નહીં, તેમની ઇમેજને પડતા ઘસરકાથી તમને વધારે અકળામણ થાય છે. જય હિંદ બોલવાથી વ્યક્તિભક્તિ દેશપ્રેમ નથી બની જતી.

૩. ‘તમારે તો બેઠાં બેઠાં ટીકા કરવી છે. કામ કરો તો ખબર પડે.’
અચ્છા? તો દુનિયાભરની એકહથ્થુ સત્તા ગજવામાં ઘાલીને ફરતી સરકાર રાજીનામું આપી દે, જે જે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ગળાં દબાવ્યાં છે એ બધાને મુક્ત રીતે શ્વાસ લેવા દે અને બધી રાજકીય ગણતરીઓ છોડી દે. પછી જુઓ, લોકો કામ ઉપાડી લે છે કે નહીં. પણ સત્તા જરાય છોડવી નથી. લોકોને અંતિમ સંસ્કાર માટે લાકડાં મળતાં નથી ત્યારે કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરવાના અભરખા હજુ જતા નથી. અને બીજાને કામ કરવાની શીખામણ આપતાં શરમ નથી આવતી?

૪. 'કોંગ્રેસનું રાજ હોત તો આથી પણ ખરાબ સ્થિતિ હોત.'
આ દેશે આનાથી વધારે ખરાબ સ્થિતિ ક્યારેય જોઈ નથી, એવું ઘણી હદે નરેન્દ્ર મોદીના ‘શાણા’ સમર્થક મનાતા શેખર ગુપ્તાએ ગઈ કાલે લખ્યું, ત્યારે અનુપમ ખેર ‘આયેગા તો મોદી હી’ લખીને પોતાની અસલિયત વધુ એક વાર બતાવી ગયા. સાહેબોએ લોકશાહીનાં અનેક સત્તાકેન્દ્રોને, નાગરિક સંગઠનોને, સ્વૈચ્છિક સંસ્થાઓને નષ્ટ કર્યાં અથવા ભક્ત બનાવ્યાં અને પોતાના સિવાય કોઈ રહે જ નહીં, એવી આપખુદશાહી તરફ દેશને લઈ ગયા, તેનું આ પરિણામ છે. એટલે બીજું કોઈ હોત તો આનાથી ખરાબ સ્થિતિ હોત એવી દલીલ અસ્થાને જ નહીં, ખોટી છે. આટઆટલું થયા પછી પોતાની ઇમેજને જ્યાં પહેલા ક્રમે મુકવામાં આવતી હોય, એનાથી વધારે ખરાબ સ્થિતિ દેશના નાગરિકો માટે શી હોવાની?

૫. 'બધી ટીકા સાચી, પણ બીજું છે કોણ? વિપક્ષો પણ નિષ્ફળ ગયા છે.'
રાજકારણમાં વિકલ્પો રેડીમેડ નથી આવતા. સંજોગો વિકલ્પ ઊભા કરે છે. વિપક્ષોમાંથી સભ્યો ખરીદ કરવાના, વિરોધીઓને યેનકેનપ્રકારેણ દબાવવાના અને પછી ભોળા થઈને કહેવાનું કે બીજું છે કોણ? એક વાર ગાળીયો છૂટો તો કરો. બહુ બધા આઝાદ થશે ને વિકલ્પો ઊભા થશે. અને વિપક્ષોની નિષ્ફળતાની વાત સાચી હોવા છતાં સરકારની નિષ્ફળતા સામે તેનું કશું વજૂદ નથી. આટલા પ્રચંડ મિસમૅનેજમૅન્ટ પછી અને વ્યક્તિગત વેદના-સ્નેહીસ્વજનોની વિદાય વેઠ્યા પછી પણ, ‘આ તો ન જ જોઈએ’—એટલી લાગણી મનમાં ન જાગતી હોય તો તમે પણ એમના સાગરીત જ છો. પછી કાલા થઈને ફરિયાદ કરવા ન બેસશો.
 
૬. ‘હા, ખોટુ થયું છે, પણ વિરોધીઓ ઉછળી ઉછળીને રાજી થઈ રહ્યા છે.’
કેટલાંય સ્વજનો-સગાં-સ્નેહીઓ-અડોશીપડોશીઓ પીડાય છે. તેનાં રોષ-પીડા-વેદના-ત્રાસમાં રાજી થવા કોણ નવરું છે? પણ બહુ ફુલાવેલો રંગીન ફુગ્ગો ફુટી ગયો એ તો માણસ કહે કે ન કહે? અને તે એક વાર નહીં, તેને મનમાં ઉભરો થાય એટલી વાર કહેશે અને ફુગ્ગો ફૂટ્યો એનો હાશકારો પણ વ્યક્ત કરશે. એનાથી બીજી બધી બાબતોનો શોક મટી જતો નથી. પણ એ લોકોના હાશકારાથી તમને આટલી તકલીફ કેમ પડે છે?

૭. ‘બધી વાત સાચી, પણ અત્યારે સરકારની ટીકા કરવાનું ટાણું નથી. અત્યારે આ સમય કાઢી નાખીએ. ટીકા પછી કરીશું.’
વર્તમાન કટોકટીમાં કોઈ પણ રીતે મદદરૂપ થવું એનો અર્થ એવો હરગીઝ નથી કે સરકારની ટીકા ન કરવી. એ બંને સાથે થઈ જ શકે છે. પણ સરકારની ટીકાથી લ્હાય અનુભવતા ભક્તો આખી વાતને એ રીતે રજૂ કરે છે, જાણે આ બંનેમાંથી એક જ બાબત શક્ય હોય.
કોઈક વળી ‘બધો રોષ ચૂંટણીમાં ઠાલવજો’ એવું સૂચવવા પણ ઇચ્છતું હોય. છતાં આપણી માનસિકતામાં ‘પછી’નું ગુજરાતી થાય છે ‘ક્યારેય નહીં’. અને સરકારની ટીકા અત્યારે ચાલુ વર્તમાનકાળમાં, ચોતરફ હાલાકી છે ત્યારે જો કરવાની ના પડાતી હોય, તો બધું સામાન્ય થઈ ગયા પછી આ જ લોકો એમ નહીં કહે કે ‘ગઈગુજરી ભૂલી જાવ?’ ત્યારે એ લોકોને ભૂતકાળની હાલાકી યાદ કરાવીને તેમનો રોષ જગાડવામાં-લોકશાહી ઢબે રોષ ઠાલવવામાં મદદરૂપ થવાના છે? માટે, સરકારની ટીકા કરવાની ના પાડે, એવી કોઈ પણ સલાહને શંકાની નજરે જોવી. એ માટેનાં પૂરતાં કારણ છે.

Saturday, April 24, 2021

નરેન્દ્ર મોદીની ટીકાઃ વર્તમાન અને ભવિષ્ય

હમણાંથી મનમાં થોડાંઘણાં રોજિદાં કામકાજ-દિનચર્યા અને એટલી જ રોજિંદી બનેલી કરુણતા ઉપરાંત બીજા જે કેટલાક ટ્રેક ચાલે છે, તેમાંનો એક નરેન્દ્ર મોદી વિશે ટીકા કરતા થયેલા લોકો વિશેનો પણ છે.

દરેક વ્યક્તિને બદલાતી સમજ પ્રમાણે તેના વિચાર બદલવાનો અધિકાર છે. માણસ જેમ સમજણો થાય તેમ તેની માન્યતાઓ, માનસિકતા, દૃષ્ટિબિંદુ અને ઉપલબ્ધ માહિતીમાં ફેરફાર થઈ શકે. જીવનને તે નજીકથી જુએ. કદાચ થોડું વધારે સમજે અને દૃષ્ટિ વિસ્તરે, તો વિચાર સારી રીતે બદલાઈ શકે. કોઈ કાળે કદાચ ગાંધીજી બકવાસ લાગતા હોય ને નથુરામ ગોડસે મહાન લાગતો હોય. પછી ઇતિહાસની બધી આંટીઘૂંટીઓ બાજુ પર રાખીને, પ્રેમ અને ધિક્કાર વચ્ચેનો પાયાનો ભેદ સમજાતો થાય, તો ખ્યાલ આવે કે ગાંધીજી ભગવાન નથી, પણ ગોડસે કોઈ રીતે મહાન નથી.

બધી વખતે સમજના અભાવનો સવાલ ન પણ હોય. સમજ ઘણી વાર સ્થાપિત હિતની ગણતરીઓમાં, પૂર્વગ્રહોમાં, ધિક્કારમાં કે ડાબેરી-જમણેરી વિચારધારાઓમાં કેદ થઈ ગઈ હોય. એવી સ્થિતિમાં માણસ મોટો તો થાય, પણ સમજણો ધરાર ન થાય અથવા તેને ગોડસેમહિમા પ્રકારની વૃત્તિ-પ્રવૃત્તિઓમાં જ પોતાની ‘સમજ’નું માહત્મ્ય ને સાર્થક્ય લાગે.
***

બીજા પ્રકારમાં, માણસ નરેન્દ્ર મોદી પ્રત્યે ભાવ ધરાવતો હોય. પછી ધીમે ધીમે અસલિયત સમજાતી જાય, તેમ તેનો પ્રેમ ઓસરે. પ્રગટ ટીકાકાર ન બને, તો પણ તે પ્રેમી ન રહે. કોરોના લેવલની નિષ્ફળતા પછી તે પ્રગટ ટીકાકાર પણ બની શકે. ત્યાર પછી તે પાછળ જુએ તો તેને પોતાને સમજાય કે નરેન્દ્ર મોદીએ દરેક તબક્કે, દરેક પગથીયે પોતે શું છે તે જણાવ્યુ્ં જ હતું—અસલિયત છુપાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ (જેમ કે, સદ્‌ભાવના ઉપવાસ) અને ઘણું ખરું તો, એવો કોઈ પ્રયાસ ન કર્યો ત્યારે પણ.

સવાલ જોનારનો હતો. ત્યારે એ ન જોઈ શકવા બદલ માણસને અફસોસ થઈ શકે. તેને સમજાય કે કોંગ્રેસનો કે ડાબેરી આત્યંતિકતાનો (એ અલગ બાબતો છે) વાજબી વિરોધ કરતાં કરતાં ક્યારે ધિક્કારકેન્દ્રી અને વ્યક્તિપૂજાકેન્દ્રી પ્રવાહમાં તણાઈ જવાયું તેનો ખ્યાલ જ ન રહ્યો. વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોરનારા લોકો તો હતા. તેમાંથી કેટલાકનાં સ્થાપિત હિત હશે-કોંગ્રેસ પ્રત્યેની રાજકીય વફાદારી હશે, તો કેટલાક આવી કોઈ ગણતરી વગર પણ સાચી વાત કરતા હશે. છતાં આપણે નરેન્દ્ર મોદીનો વિરોધ કરનાર બધાને કોંગ્રેસી, હિંદુવિરોધી વગેરે ગણીને ઉતારી પાડ્યા. ધિક્કારમોહની કે વ્યક્તિમોહની કે બંને પટ્ટી ઉતારીને, જાતે જોવા-વિચારવાનું ન સૂઝ્યું કે ન ફાવ્યું. હવે એ બરાબર દેખાય છે- સમજાય છે.

આ પ્રકારના વિચાર પરિવર્તન માટે હાલમાં ૧૮ વર્ષથી ૨૮-૩૦ વર્ષના હોય એવા લોકો સૌથી લાયક ગણાય. કારણ કે તેમનો જન્મ/ઉછેર મોદીરાજમાં જ થયો. તે સિવાયની દુનિયા જોતાં-સમજતાં તેમને વાર લાગી શકે. પછી ખુલ્લી આંખે-ખુલ્લા મને જોતાં બધું સમજાવા લાગ્યું હોય. ૧૮-૩૦ના વયજૂથમાં જેમનું આવી રીતે વિચાર પરિવર્તન થયું હોય અને મોદીની નીતિરીતિઓના ટીકાકાર બન્યા હોય તે સૌને અભિનંદન—જાતે વિચાર કરતા અને સાચાખોટાની પરખ કરત થયા એ બદલ. એ વિચારશક્તિ બીજા પક્ષના શાસકો માટે અને એ સિવાય જીવનમાં પણ કામ લાગશે.
***
૨૦૦૨માં જે લોકો ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય (અત્યારે લગભગ ૩૫ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના), એ લોકોનું કોરોનાઈ મિસમૅનેજમૅન્ટ પછી વિચાર પરિવર્તન થાય અને તે મોદીના ટીકાકાર બને તો તેમણે જાતે વિચારવું રહ્યું કે હમણાં સુધી તે કયાં કારણોસર નરેન્દ્ર મોદીના ચાહક, સમર્થક, પ્રેમી કે ભક્ત હતા? એ માટે તેમના મનમાં ઉગી શકે એવાં કેટલાંક સંભવિત કારણો અને તેના આધારે આવા ટીકાકારોના ભવિષ્યના વલણનું અનુમાન.

સંભાવના ૧: ‘તેમણે મુસલમાનોને સીધા દોર કરી દીધા. આપણે તો બૉસ આવો જ માણસ જોઈતો હતો. હિંદુઓનો ઉદ્ધારક.’
ભવિષ્યની સંભાવનાઃ આ પ્રકારે વિચારનારા લોકો અત્યારે ટાઢા પડેલા હશે અથવા કદાચ ટીકા કરતા હશે. પણ એક વાર સ્થિતિ સામાન્ય થઈ જશે, એટલે તે ફરી મોદીભક્તિમાં જોડાઈ જશે. મોદીની નોટબંધી સહિતની અનેક અરાજકતાઓને તેમણે ભૂલાવી દીધી, તેમ આને પણ ભૂલાવી દેશે. મોદીપ્રેમના તેમના પ્રબળ કારણમાં ચાલુ અરાજકતાથી પડેલું ગાબડું કામચલાઉ જ નીવડશે.

સંભાવના ૨: ‘કાંકરિયા લેકફ્રન્ટ, રીવરફ્રન્ટ, બીઆરટીએસ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, મૅટ્રો, સૅન્ટ્રલ વિસ્ટા...આપણે તો આવો વિકાસપ્રેમી માણસ જોઈએ...અને હા, કૌંસમાં પેલું મુસલમાનોવાળું તો ખરું જ.’

ભવિષ્યની સંભાવનાઃ આ રીતે વિચારનારાના મનમાં લોકોને શાની વધારે જરૂર છે, શાની હમણાં જરૂર નથી ને શાના વિના સદંતર ચાલી શકે એમ છે, એ વિશેની સમજની ભારે ગડબડ છે. તેમને વડાપ્રધાનના ‘વૅનિટી પ્રોજેક્ટ’ (તેમનો જયજયકાર થાય એવા પ્રોજેક્ટ) અને ઘણાખરા દેશવાસીઓની જરૂરિયાત વચ્ચેનો તફાવત બહુ સમજાતો નથી. ઝાકઝમાળ, ચમકદમક અને ભવ્યતાથી તે અંજાઈ જાય છે. એ અંજામણીમાં તેમનું ખિસ્સું કાપીને કોઈ તેમના લોકશાહી અધિકારો લઈ જાય તો પણ તેમને ખબર પડતી નથી કે ખબર પડે તો બહુ વાંધો પડતો નથી. અત્યારની મહાઅરાજકતા પછી તેમની પ્રાથમિકતાઓની સમજમાં ફરક પડ્યો હોય અને એ ફરક સ્મશાનવૈરાગ્ય જેવો બની રહેવાને બદલે તેમના મનમાં ઠરે, તો અર્થ સરે. બાકી, તે પણ ભક્તિમાં પાછા ફરી જશે.

આવું લખવામાં કોઈ કડવાશ નહીં, વ્યાપક માનસિકતાનું બયાન છે. અદાલતે જેને બળાત્કારના આરોપમાં દોષી ઠરાવીને સજા ફટકારી, એવા જેલગ્રસ્ત આશારામને અનુયાયીઓ મળી રહેતા હોય ને તેમના જૂના અનુયાયી ખડતા ન હોય, તો પછી અહીં તો એકહથ્થુ રાજ્યસત્તા અને વડાપ્રધાનનો હોદ્દો ધરાવતા નરેન્દ્ર મોદી છે. 

સંભાવના ૩: ‘આપણે તો ભાઈ, ધંધાદારી છીએ. લોકલાગણીના પૂરમાં નાવ હંકારવાની છે ને આપણા વાવટા ફરકાવવાના છે. પૂર મોદીતરફી, તો આપણે એ તરફ. આપણે તો ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ, ચિંતનાત્મક, પોઝિટિવ, હકારાત્મક દુકાનનો સવાલ છે. મોદીજી તો શું, તેમના અનુચરના અનુચરની પણ બાંય પકડી લઈએ ને તેની આરતી ઉતારી લઈએ. અત્યારે જુવાળ મોદીવિરોધી છે? તો આપણે તેમના ટીકાકાર...મોદીજી પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ વિચારે છે? તો આપણે પણ આપણા સ્વાર્થ સિવાય નીતિ-અનીતિ જેવું કંઈ શા માટે વિચારીએ?’ 

ભવિષ્યની સંભાવનાઃ લોકલાગણીનો પ્રવાહ મોટા પાયે અને લાંબા સમય સુધી મોદીવિરોધી રહેશે, તો આ લોકોનો મોદીવિરોધ ટકી રહેશે. કારણ કે તેમની મોદીભક્તિમાં પણ મુખ્ય કારણ સત્તાધીશની ચાપલૂસીનું ને લોકપ્રવાહ સાથે વહેતા રહેવાનું હતું. અલબત્ત, તેમની માનસિકતામાં પહેલું કે બીજું કારણ પણ અંશતઃ જવાબદાર હોઈ શકે, જે તેમનું મોદી માટેનું ખેંચાણ ઘણી હદે જળવાયેલું રાખે.

સંભાવના ૪: ‘અમને એમ હતું કે દેશના અર્થતંત્રનો ઉદ્ધાર/સરહદો પર છાકો/આતંકવાદ-નક્સલવાદનો ખાત્મો/ઢીલુંપોચું નહીં, પણ નિર્ણાયક નેતૃત્વ મોદી જ આપી શકશે.’  

ભવિષ્યની સંભાવનાઃ નિર્ણાયક નેતૃત્વ કહેતાં સરમુખત્યારી માનસિકતા મળી અને તે પણ લગભગ બધા મોરચે નિષ્ફળ નીવડી, એવો અહેસાસ તેમને થયો? એ ન થયો હોય અને ફક્ત કોરોના સમયની અરાજકતાથી જ તે દુઃખી થયા હોય, તો તેમની પણ ભક્તિમાર્ગે પાછા વળી જવાની શક્યતા વધારે. 

સંભાવના ૫: ‘ધીમે ધીમે સમજાવા તો લાગ્યું હતું કે દાવા કરતાં બધું બહુ જુદું છે. પછી તો એ પણ સમજાવા લાગ્યું કે આમાં તો નકરાં ભોપાળાં છે. પણ અમે એટલા આગળ વધી ગયા હતા કે પાછા શી રીતે ફરવું? પોકળતાનો અહેસાસ થઈ ગયા પછી પણ, પાછા ફરવા માટે એક મોટા આંચકાની જરૂર હતી. તે આ મળ્યો.’

ભવિષ્યની સંભાવનાઃ આવું જેમને થયું હશે તે મોદીની નીતિરીતિઓના ટીકાકાર તરીકે ટકી રહેશે. ફક્ત મોદી પર જ નહીં, કોઈની પણ ઉપર નહીં મોહાવાનું તે શીખી શકે તો ઉત્તમ. કારણ કે, સરકાર ગમે તે હોય, તેને માથે ન ચડાવાય, ઉદ્ધારક તરીકે ન સ્થપાય. એવું કરીએ તો શું થાય એ કમ સે કમ અત્યારે તો કહેવાની જરૂર નથી.
***

આ તો મુખ્ય પ્રકારો છે. અત્યાર લગી મોદીની તરફેણ કરતા અને હવે વિરોધમાં આવેલા લોકોના એ સિવાયના પ્રકાર પણ હોઈ શકે છે અથવા એક જ વ્યક્તિમાં એકથી વધુ પ્રકારોના અંશ હોઈ શકે છે.  

કોઈને થાય કે મુકોને આ બધી પંચાત. ગમે તે કારણે, પણ લોકો ટીકા કરતા થયા, એટલું પૂરતું નથી? 

તેનો સ્પષ્ટ જવાબ છેઃ ના, એટલું જરાય પૂરતું નથી. કટોકટીની ટીકા કરનારામાં ગાંધીવાદી-સમાજવાદી-સામ્યવાદી-જૂના કોંગ્રેસી એવાં કંઈક જૂથોની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ પણ હતાં. નરેન્દ્ર મોદી પોતે કટોકટીના વિરોધની તેમની કામગીરીની ગાથાઓ લખી ચૂક્યા છે. પણ નરેન્દ્ર મોદીના રાજમાં જણાયું કે તેમનો અને જમણેરી વિચારધારાવાળા બીજા લોકોનો વિરોધ કટોકટી સામે નહીં, ઇન્દિરા ગાંધીની કટોકટી સામે હતો. તેમનો વારો આવ્યો ત્યારે તેમણે ઘણીખરી બાબતોમાં કટોકટીથી પણ ખરાબ પરિસ્થિતિ લાવીને મુકી દીધી. એટલા માટે, ફક્ત મોદીના વિરોધથી રાજી થઈ જવાને બદલે, એ વિરોધ કરનારની માનસિકતા અને વિરોધ માટેનાં તેમનાં કારણો જાણવા-સમજવાનું જરૂરી છે.  
***

વર્તમાન કટોકટીમાં પણ જે લોકો મોદીનો બચાવ કરવાનું, ઉપરાણું લેવાનું, તેમને ટેકો આપવાનું છોડી શકતા નથી અથવા તેમની નિષ્ફળતાઓ પર ઢાંકપિછોડો કરવા માટે લાગેલા રહે છે, તેમની સમજ માટે કોઈ શબ્દો નથી. તેના માટે બે મિનીટનુ મૌન.

Monday, January 18, 2021

કોરોના વેક્સિનને લગતા ફેક ન્યૂઝથી બચો

૧. 'આપણી વેક્સિન સૌથી સુરક્ષિત'--એવો દાવો તદ્દન અવૈજ્ઞાનિક અને સત્યથી વેગળો છે. કારણ કે

  • એક દિવસમાં રસીની આડઅસર વિશે ખાતરીપૂર્વક કશું કહી શકાય નહીં નહીં અને તેના આધારે રસીની સુરક્ષિતતાના દાવા કરી શકાય નહીં.
  • 'સૌથી સુરક્ષિત' કહેવા માટે બીજી વેક્સિનોની સુરક્ષિતતાના આંકડા આપવા પડે. તેમાં આપણી વેક્સિનના આંકડા સૌથી વધારે હોય-આડઅસરનું પ્રમાણ સૌથી ઓછું હોય, ત્યારે તે સૌથી સુરક્ષિત કહેવાય.

૨. 'કોરોના સામેની લડતમાં ભારત આગેવાન દેશ બની ગયો છે અને દેશને આ સ્થાન આપણા સક્ષમ વૈજ્ઞાનિકોએ અપાવ્યું છે'-- આ દાવો પણ સત્યથી વેગળો છે.

  • હાલ અપાઈ રહેલી બે રસીમાંથી કોવિશિલ્ડ આશરે ૭૦ ટકા અસરકારક ગણાય છે અને પ્રમાણમાં સલામત છે. તે રસીનું ઉત્પાદન ભારતમાં થાય છે ખરું, પણ તેના સંશોધનમાં 'આપણા સક્ષમ વૈજ્ઞાનિકો'નો કોઈ ફાળો નથી. આ રસી બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેઝેનેકા કંપનીએ તૈયાર કરેલી છે અને ભારતની ખાનગી કંપની એવી સિરમ ઇન્સ્ટિટ્યુટમાં તેનું જથ્થાબંધ ઉત્પાદન થઈ રહ્યું છે, જે માટેની સજ્જતા કેળવવાનાં નાણાં  સિરમ ઇન્સ્ટિટ્યુટને ભારત સરકારે નહીં, બિલ ગેટ્સ ફાઉન્ડેશને આપ્યાં હતાં. 
  • બીજી રસી 'કોવેક્સિન'ના પહેલા અને બીજા ટ્રાયલના આંકડા ઉપલબ્ધ નથી. તેનો ત્રીજો ટ્રાયલ ચાલે છે.  કોવેક્સિન આપતાં પહેલાં રસી લેનાર પાસેથી સંમતિપત્ર ભરાવવામાં આવે છે, તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે "ક્લિનિકલ ટ્રાયલ મોડ"માં મંજૂરી આપવામાં આવી છે.  (for restricted use in emergency situation in public interest as an abundant precaution, in clinical trial mode)
  • મતલબ, કોવેક્સિન અપાય તે રસીકરણનો નહીં, ક્લિનિકલ ટ્રાયલનો હિસ્સો ગણાય.

માટે, 'વિક્રમસર્જક' ને 'દુનિયામાં અગ્રેસર' ને 'આપણી સૌથી ઉત્તમ' ને એવાં બધાં મથાળાંથી સાવધાન રહેજો. એ નાગરિકોને સાચી માહિતી આપતાં નહીં, સરકારની આરતી ઉતારતાં હોય એવી સંભાવના વધારે હોઈ શકે છે.

છેલ્લે-

  1. રસીને લગતી ટૅક્નિકલ-તબીબી  બાબતો નિષ્ણાતો પર છોડવી જોઈએ, પણ એ સિવાયની સામાન્ય સમજની  બાબતોમાં વ્યક્તિએ પોતાની સમજ વાપરવી પડે. વિચારવાની બાધા લઈ લેવાથી ભક્ત બનાય, નાગરિક નહીં.
  2. પૂરક માહિતી આપનાર તબીબોને વિનંતી કે પોસ્ટમાં કઈ વાત ખોટી છે તે પણ જણાવે. તે અહીં નમ્રતાપૂર્વક અને પ્રેમથી સુધારી લેવામાં આવશે. અને પોસ્ટમાં કશું ખોટું ન હોય તો એટલું કહેવા જેટલી ખુલ્લાશ પણ બતાવતા જાય.
  3. સાચી માહિતીની અવેજીમાં પોઝિટિવ થિંકિંગની વાતો કરનારાએ તસ્દી લેવી નહીં.

Wednesday, January 13, 2021

કોરોનાની રસીકરણઃ જાણવા જેવી માહિતી, પૂછવા જેવા સવાલ

ઉર્વીશ કોઠારી

ઉત્તરાયણ પછી દેશભરમાં કોરોનાની રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. તે માટેના ડોઝ જુદાં જુદાં રાજ્યોમાં પહોંચી ચૂક્યા છે. પ્રસાર માધ્યમોમાં મંગળ-મંગળ મથાળાં બની ચૂક્યાં છે. વડાપ્રધાને માનવજાતને બચાવવા માટેની કટીબદ્ધતા વ્યક્ત કરી દીધી છે. આરોગ્ય-સુવિધાઓમાં અવ્વલ ગણાતા પશ્ચિમી દેશોમાં રસીનાં ઠેકાણાં નથી, ત્યારે ભારતમાં રસીકરણ શરૂ થઈ જશે, એ વાતે પણ ગૌરવની છોળો ઉછળી રહી છે. ત્યારે રસી વિશે કેટલીક માહિતી જાણી લેવી સારી.

ભારતના રસીકરણ અભિયાનમાં બે પ્રકારની રસી અપાશે. ૧) બ્રિટનમાં શોધાયેલી કોવિશિલ્ડ અને ૨) ભારતીય કંપની ભારત બાયોટેકે શોધેલી કોવેક્સિન.

કોવિશિલ્ડ

  • આ રસીનું સંશોધન યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ અને તેમાંથી ઊભી થયેલી કંપની વૅક્સિટૅકે આરંભ્યું હતું. એપ્રિલ ૩૦, ૨૦૨૦ના રોજ આ બંને સંસ્થાઓ રસી વિકસાવવાની કામગીરી તેમ જ તેના મોટા પાયે ઉત્પાદન અને વિતરણ માટે બ્રિટિશ કંપની એસ્ટ્રાઝેનેકા સાથે હાથ મિલાવ્યા. બ્રિટિશ સરકારે ઑક્સફર્ડ યુનિવર્સિટીને સંશોધન અને ટ્રાયલ માટે ૨ કરોડ યુરોનું ભંડોળ આપ્યું. 
  • વર્ષની મધ્યમાં એસ્ટ્રાઝેનેકાએ રસીના ઉત્પાદન-વિતરણ માટે ભારતની ‘સિરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા’ (SII) સાથે ભાગીદારી કરી. કેમ કે, તે રસીના જથ્થાબંધ ઉત્પાદનમાં વિશ્વસ્તરે નંબર વન ગણાય છે. સિરમ ઇન્સ્ટિટ્યુટ ખાનગી કંપની છે અને તેની સ્થાપના ૧૯૬૬માં થઈ હતી. 
  • સિરમ ઇન્સ્ટિટ્યુટ કોરોનાની રસીનું ઝડપથી અને અસરકારક રીતે ઉત્પાદન કરી શકે, તે માટે બિલ ગેટ્સના ફાઉન્ડેશને બે તબક્કે થઈને ૩૦ કરોડ ડોલર ફાળવ્યા. પંદર-પંદર કરોડ ડોલરના બે ભાગમાં વહેંચાયેલી આ રકમ રસીકરણ માટેની વૈશ્વિક ભાગીદારી કરતી સંસ્થા ‘ગેવી’ થકી સિરમ ઇન્સ્ટિટ્યુટને ફાળવાઈ. (ગેવીઃ ધ ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન્સ) 
  • ‘ગેવી’ સિરમ ઇન્સ્ટિટ્યુટને તેની ઉત્પાદનક્ષમતા વધારવા માટે આગોતરું ભંડોળ પૂરું પાડે. તેના બદલામાં સિરમ ઇન્સ્ટિટ્યુટે ‘ગેવી’ માટે ૨૦ કરોડ વેક્સિન તૈયાર કરવાની. એક વેક્સિનની કિંમત ૩ ડોલર રાખવાની અને તેને ‘ગેવી’ના સભ્ય એવા મધ્યમ અને ઓછી આવકવાળા ૯૨ દેશોને ૩ ડોલર પ્રતિ રસીના ભાવે જ આપવાની. ભારત પણ ‘ગેવી’નું સભ્ય છે. (સંદર્ભઃ સપ્ટેમ્બર ૨૯,૨૦૨૦, SII વેબસાઇટ)  ‘ગેવી’એ આપેલું લક્ષ્યાંક પૂરું થઈ ગયા પછી સિરમ ઇન્સ્ટિટ્યુટ ભારતમાં રસી તેને ઠીક લાગે તે બજારભાવે વેચી શકે. 
  • જાન્યુઆરી ૧૧ના રોજ સરકારે સિરમ ઇન્સ્ટિટ્યુટને આપેલા ૧.૧ કરોડ રસીના ઓર્ડરમાં રસી દીઠ રૂ. ૨૦૦ કિંમત વત્તા ૧૦ રૂ. જીએસટી એક રસીની કિંમત રૂ.૨૧૦ ઠરાવવામાં આવી છે. સિરમ ઇન્સ્ટિટ્યુટને અપાયેલો ઓર્ડર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વતી, ભારતના સરકારના જાહેર સાહસ The HLL Lifecare Limited તરફથી અપાયો છે.

એ વખતે એસ્ટ્રાઝેનેકાની વૅક્સિન ઉપરાંત નોવાવેક્સ નામની વેક્સિન પણ સંશોધનના તબક્કે હતી. જો તેને મંજૂરી મળે તો, તેનું પણ ઉત્પાદન ‘ગેવી’ અને ગેટ્સ ફાઉન્ડેશન સાથેની ભાગીદારી અંતર્ગત સિરમ ઇન્સ્ટીટ્યુટે કરવાનું હતું. પરંતુ હજુ નોવાવેક્સ મંજૂરીના તબક્કે પહોંચી નથી.

ટૂંકમાં

  • કોવિશિલ્ડ રસીની શોધ ભારતમાં થઈ નથી. તેની શોધ માટેનાં નાણાં બ્રિટિશ સંસ્થાને બ્રિટિશ સરકારે આપ્યાં છે. 
  • તેના જથ્થાબંધ ઉત્પાદન માટે ક્ષમતામાં વધારો કરવો પડે. તેનાં નાણાં સિરમ ઇન્સ્ટિટ્યુટને ભારત સરકારે નહીં, ગેટ્સ ફાઉન્ડેશને આપ્યાં છે. 
  • આ કામ ભારતીય કંપની એવી સિરમ ઇન્સ્ટિટ્યુટને મળે તે બેશક ગૌરવની વાત છે. પણ તે ખાનગી માલિકીની કંપની છે અને તેની સ્થાપના ૧૯૬૬માં થઈ હતી. માટે તેમાં સરકારે કશું ગૌરવ લેવાપણું નથી.

 કોવિશિલ્ડની અસરકારકતાઃ કંપનીએ જાહેર કરેલી માહિતી

  • એસ્ટ્રાઝેનેકાની રસી તેના બીજા ડોઝના ૧૪ દિવસ પછી, સિમ્પ્ટોમિક કોવિડ-૧૯નો ચેપ અટકાવવામાં સરેરાશ ૭૦.૪ ટકા કિસ્સામાં અસરકારક નીવડી છે. રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલ બ્રિટન અને બ્રાઝિલમાં હાથ ધરવામાં આવ્યા હતા અને ઉપરનું પરિણામ ડિસેમ્બર ૨૩, ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવ્યું. 
  • બ્રિટન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં યોજાયેલા ચાર ક્લિનિકલ ટ્રાયલમાં ૨૦ હજારથી વધુ લોકોએ ભાગ લીધો. તે કોઈને રસીના બે ડોઝ લીધા પછી ગંભીર ચેપ કે દવાખાનામાં દાખલ થવું પડ્યું હોય એવું બન્યું નથી. 
  • અમેરિકા અને બીજા દેશોમાં મંજૂરી મેળવવા માટે એસ્ટ્રાઝેનેકા તરફથી મોટા પાયે ટ્રાયલ (પ્રયોગો) ચાલી રહ્યા છે. રસીની અસરકારતા વિશેના પ્રયોગો અને તેની આંકડાકીય માહિતી પીઅર-રીવ્યૂડ (એટલે કે બીજા નિષ્ણાતો દ્વારા ચકાસાયા બાદ પ્રકાશિત થતા) ‘લાન્સેટ’ જર્નલમાં છપાઈ હતી. તે એસ્ટ્રાઝેનેકા કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 
  • ડિસેમ્બર ૩૦, ૨૦૨૦ના રોજ બ્રિટનની નિયંત્રક સંસ્થાએ એસ્ટ્રાઝેનેકાને ઇમરજન્સી સપ્લાય તરીકે માન્યતા આપી. ત્યાર પછી કંપનીએ યુરોપમાં આવી માન્યતા માટે અરજી કરી છે અને અમેરિકામાં મોટા પાયે ટ્રાયલ ચલાવી રહી છે. પરંતુ ત્યાં તેને હજુ આવી માન્યતા મળી નથી.

કોવિશિલ્ડની અસરકારકતાઃ કંપનીએ આપેલી માહિતીનો સાદી ભાષામાં અર્થ

  • રસીના બે ડોઝ પછી પણ તે  ૭૦.૪ ટકા કિસ્સામાં કોવિડ-૧૯નો બાહ્ય લક્ષણો દર્શાવતો ચેપ રોકવામાં અસરકારક બની છે. (…the vaccine was 70.4% effective at preventing symptomatic COVID-19 occurring more than 14 days after receiving two doses of the vaccine). 
  • યાદ રહે કે બે ડોઝ વચ્ચેનો સમયગાળો એક મહિનાથી ત્રણ મહિના સુધીનો હોઈ શકે છે. માટે બીજો ડોઝ ન મળી જાય ત્યાં સુધી તો એમ જ માનવાનું છે કે રસી લીધી નથી અને એ રીતે સાવચેતીનું પાલન કરવાનું છે.   
  • રસી બંને ડોઝ પછી પણ ૭૦.૪ ટકા લોકો પર તેની અસર કરે છે અને ૨૯.૬ ટકા લોકો પર તેની અસર થતી નથી. એટલે કે (અત્યારે ઉપલબ્ધ પરિણામો મુજબ), દર ૧૦૦૦માંથી ૭૦૪ લોકો પર રસી અસર કરે છે અને ૨૯૬ લોકો પર અસર કરતી નથી. માટે, રસીના બંને ડોઝ મળ્યા પછી પણ એવી આશા રાખવાની કે આપણો સમાવેશ પેલા ૭૦.૪ ટકામાં થાય.  
  • આ વાતને એ રીતે પણ મુકી શકાય કે ૧૦૦૦ લોકોમાંથી ૨૯૬ લોકોને રસીના બંને ડોઝ લીધા પછી પણ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા રહે છે.  
  • બ્રિટનની નિયંત્રક સંસ્થાએ ડિસેમ્બર ૩૦, ૨૦૨૦ના રોજ એસ્ટ્રાઝેનેકાની રસીને ઇમરજન્સી સપ્લાય (કટોકટીકાળના પુરવઠા) તરીકે માન્યતા આપી. તે ૧૮ વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને જ આપી શકાય છે. તેમાં રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો એક મહિનાથી ત્રણ મહિના સુધીનો રાખવાનું જણાવાયું છે.

પણ ફાઇઝર અને મોડર્નાની ૯૦ ટકા અસરકારકતા ધરાવતી રસી મોજૂદ છે, છતાં બ્રિટને ૭૦.૪ ટકા અસરકારકતાવાળી રસીને મંજૂરી શા માટે આપી?

  • ફાઇઝર અને મોડર્ના અમેરિકાની કંપનીઓ છે. તેમની રસીની જાળવણીમાં અત્યંત નીચું તાપમાન જરૂર છે. એટલે તેના માટે નવેસરથી સુવિધાઓ ઉભી કરવાની થાય. તેના જથ્થાની ઉપલબ્ધિના પણ પ્રશ્નો થાય. કારણ કે અમેરિકા પોતે રસીની તાતી જરૂરિયાત ધરાવે છે. 
  • બીજી તરફ, એસ્ટ્રાઝેનેકાની રસી માટે બ્રિટનની સરકાર ૨ કરોડ યુરો આપી ચૂકી છે. તેની જાળવણીમાં ઓછા તાપમાનની કે વધારાની સુવિધાની કશી માથાકૂટ નથી. માટે, એસ્ટ્રાઝેનેકાની રસીની અસરકારકતા ૧૦૦ ટકા સુધી પહોંચે ત્યાં સુધી રાહ જોવાને બદલે, બ્રિટનની સરકારે તેને ઇમરજન્સી સપ્લાય તરીકે માન્યતા આપવાનું પસંદ કર્યું છે.

બ્રિટનની સરકારે ડિસેમ્બર ૩૦ના રોજ એસ્ટ્રાઝેનેકાની રસીને ઇમરજન્સી સપ્લાય તરીકે માન્યતા આપી, તેની પાછળ ને પાછળ જાન્યુઆરી ૧,૨૦૨૧ના રોજ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી સિરમ ઇન્સ્ટિટ્યુટમાં ઉત્પાદિત થનારી કોવિશિલ્ડને ઇમરજન્સી યુઝ અપ્રુવલ આપવામાં આવ્યું છે. 

બ્રિટનમાં એ રસીને ૧૮ વર્ષની ઉપરનાં લોકો માટે વાપરી શકાશે, જ્યારે ભારતમાં ૧૨ વર્ષની ઉપરનાં સૌને એ રસીના બે ડોઝ આપવાના છે. એક જ રસીની વયમર્યાદા ભારતમાં ઘટાડીને ૧૨ વર્ષ કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

કોવેક્સિન અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા

ખાનગી કંપની ‘ભારત બાયોટેક’ દ્વારા તૈયાર થઈ રહેલી કોવિડ-૧૯ની રસી ‘કોવેક્સિન’ તરીકે ઓળખાય છે. ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટમાં બનનારી બ્રિટનની કોવિશિલ્ડને ભારતના નિયંત્રકે જાન્યુઆરી ૧, ૨૦૨૧ના રોજ મંજૂરી આપી, તેના બીજા જ દિવસે ‘ભારત બાયોટેક’ની કોવેક્સિનને પણ મંજૂરી આપી દેવામાં આવી. 

ભારતમાં રસીને મંજૂરી આપવાનું કામ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)નું છે. તેમણે વિષયનિષ્ણાત સમિતિની ભલામણના આધારે મંજૂરી આપી હોવાનું જણાવ્યું. 

DCGIના જોઇન્ટ ડ્રગ્સ કન્ટ્રોલર ડૉ. સોમાણીએ કોવિશિલ્ડને મંજૂરી આપતી વખતે તેના ટ્રાયલ (પ્રયોગો)ને લગતા આંકડા આપ્યા, પરંતુ ‘ભારત બાયોટેક’ની કોવેક્સની વાત કરતી વખતે કહ્યું કે તે સલામત છે અને ‘રોબસ્ટ ઇમ્યુન રીસ્પોન્સ’ આપે છે. (રોગપ્રતિકારતાના મામલે મજબૂત પ્રતિભાવ આપે છે). તેમણે એમ પણ કહ્યું કે બંને વેક્સિન ૧૧૦ ટકા સેફ છે. બાકી, જરા પણ અવઢવ હોય તો અમે પરવાનગી આપીએ નહીં.

  • ડૉ. સોમાણીની વાતમાં પહેલો મુદ્દો એ છે કે વિજ્ઞાનના પ્રયોગોમાં ‘રોબસ્ટ ઇમ્યુન રીસ્પોન્સ’ જેવાં વિશેષણોનું કશું મહત્ત્વ નથી. તેના આંકડા આપવા પડે. રોબસ્ટ એટલે કેટલા ટકા? 
  • બીજો મુદ્દોઃ કોઈ પણ વેક્સિન ૧૧૦ ટકા સેફ ન હોઈ શકે. DCGI તરફથી વિજ્ઞાનની વાત થતી હોય ત્યારે ‘૧૧૦ ટકા’ જેવા બોલચાલના પ્રયોગો ન ચાલે. 
  • ત્રીજો મુદ્દોઃ ભારત બાયોટેકના કૃષ્ણ એલ્લા ખુદ કહે છે કે તેમની રસીના ટ્રાયલમાં ૧૦ ટકા કરતાં ઓછા કિસ્સામાં સાઇડ ઇફેક્ટ્સ થાય છે. તો પછી DCGI ૧૧૦ ટકા સલામતીની ખાતરી કયા આધારે આપી શકે?

કોવેક્સિનઃ અધકચરી અને શંકાસ્પદ માહિતી

કોવેક્સિનના ત્રણ તબક્કાના ટ્રાયલના સમયગાળા અને કેટલા લોકો પર પ્રયોગો હાથ ધરાયા તેના વિશેની માહિતી પણ ચિંતા ઉપજાવનારી છે. સાકેત ગોખલેએ દસ્તાવેજો ટાંકીને રજૂ કરેલી માહિતી પ્રમાણે, ભારત બાયોટેકની કોવેક્સિનનો--

  • પહેલો તબક્કો ઑગસ્ટ ૧, ૨૦૨૦થી માર્ચ, ૨૦૨૧ સુધીનો હતો. આ વિગત કંપનીએ લેખિતમાં જુલાઇ ૧, ૨૦૨૦ના રોજ રજિસ્ટર કરી. તેમાં જણાવ્યા પ્રમાણે, પહેલા તબક્કામાં ૧૧૨૫ લોકો પર પ્રયોગ થવાના હતા. 
  • બીજો તબક્કો સપ્ટેમ્બર ૮, ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ સુધીનો હતો. આ વિગત કંપનીએ સપ્ટેમ્બર ૮, ૨૦૨૦ના રોજ રજિસ્ટર કરાવી. તેમાં કુલ ૧૨૪ લોકો પર પ્રયોગ થવાના હતા. 
  • ત્રીજો તબક્કો નવેમ્બર ૨૦, ૨૦૨૦થી શરૂ થઈને નવેમ્બર, ૨૦૨૧ (એટલે કે બીજો તબક્કો પુરો થવાના એક મહિના પહેલાં) પૂરો થવાનો હતો. તેમાં કુલ ૨૫,૮૦૦ લોકો પર પ્રયોગ થવાનો હતો.

આ બધી વિગતો કંપનીએ લેખિતમાં આપેલી છે.

કોવેક્સિનને સરકારે ઇમરજન્સી મંજૂરી આપી દીધી, ત્યારે કોવેક્સિનનો પહેલો અને બીજો બે તબક્કા પૂરા થયા હોવાનું કંપનીએ જણાવ્યું છે. મતલબ, કુલ ૧૧૨૫ + ૧૨૪ = ૧,૨૪૯ લોકો પર જ કોવેક્સિનનો પ્રયોગ થયો છે. અને તેનાં પરિણામો કંપનીએ વિગતવાર, પીઅર-રીવ્યૂ ધરાવતા જર્નલમાં પ્રમાણિત રીતે જાહેર કર્યાં નથી. કંપનીના માલિક કૃષ્ણ એલ્લાનો દાવો છે કે તેમની કંપનીએ '૨૦૦ ટકા પ્રામાણિક રીતે' ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે.
  • ફરી એ જ વાત. આમાં ૨૦૦ ટકા ક્યાંથી આવ્યા? ૧૦૦ ટકા જ પૂરતા થાય, પણ એ બીજા નિષ્ણાતો ચકાસીને કહે ત્યારે. જાતે ને જાતે ૨૦૦ ટકાનાં પ્રમાણપત્રો ફાડ્યાનો શો અર્થ? 
  • ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે કૃષ્ણ એલ્લાએ જ કહ્યું છે કે તે પરિણામો માર્ચ,૨૦૨૧માં આવશે. 
  • મતલબ, સરકારે કોવેક્સિનનાં પહેલા બે તબક્કાના, માત્ર ૧,૨૪૯ લોકો પરના પ્રયોગો અને તેના નિષ્ણાતો દ્વારા પ્રમાણીત નહીં એવાં પરિણામોના આધારે કોવેક્સિનને મંજૂરી આપી દીધી છે. 
  • આરોગ્યમંત્રી હર્ષવર્ધને તો જાન્યુઆરી ૪ના રોજ એવું પણ જાહેર કરી દીધું કે ભારત બાયોટેકની વેક્સિન બ્રિટનમાં આવેલા કોરોનાના નવા સ્વરૂપ સામે પણ અકસીર નીવડી શકે છે. હજુ પ્રચલિત કોરોના સામે જેની અસરકારકતા પુરવાર થવી બાકી હોય, દેશના આરોગ્યમંત્રી ટાઢા પહોરે આવી બડાઈ મારે છે.

આજના અખબારી અહેવાલ પ્રમાણે, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે જાન્યુઆરી ૧૪ સુધીમાં કોવિશિલ્ડના ૧.૧ કરોડ ડોઝ અને કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ મળી જશે.

મતલબ, જેની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થ છે એવી કોવેક્સિનના ૫૫ લાખ ડોઝ ટૂંક સમયમાં દેશભરમાં ફરતા થઈ જશે. પીટીઆઇના અહેવાલ પ્રમાણે, એક કોવેક્સિનની કિંમત રૂ.૨૯૫ છે. (કોવિશિલ્ડની કિંમત રૂ. ૨૧૦ છે.)

જો તમે એમ વિચારતા હો કે ‘કંઈ વાંધો નહીં, મારે રસી લેવાની આવશે ત્યારે હું ૭૦.૪ ટકા અસરકારકતાવાળી પણ કમ સે કમ પ્રમાણીત પરિણામોવાળી કોવિશિલ્ડ જ લઈશ.’ તો એ વાત પણ મનમાંથી કાઢી નાખજો. કેમ કે, આરોગ્ય સચિવે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું છે કે વેક્સિન લેનારને બેમાંથી કઈ વેક્સિન લેવી છે તે નક્કી કરવાની પસંદગી નહીં મળે.

રાજેશ ભૂષણે કહ્યું કે 'દુનિયાના કોઈ દેશમાં આવી પસંદગી નથી મળતી.' પણ ભાઈ, અહીં સવાલ દુનિયાના દેશોનો કે શોખ ખાતર પસંદગીનો નથી. અહીં તો પ્રમાણીત પરિણામો ધરાવતી અને પ્રમાણીત પરિણામો વગરની-ફક્ત ૧,૨૪૯ લોકો પર પ્રયોગ થયેલી રસી વચ્ચેની પસંદગીનો છે. 

સરકાર શા માટે પૂરતી ચકાસણી વિનાની, શંકાસ્પદ ગુણવત્તા ધરાવતી કોવેક્સિન ઠોકી બેસાડવા માગે છે?

સરકારે તો કારણ કહ્યું નથી. કેટલાક જવાબની કલ્પના કરી શકાય.

  • આત્મનિર્ભરતાની બડાઈ મારવા. (વડાપ્રધાને જાન્યુઆરી ૩ના રોજ ટિ્વટમાં લખ્યું કે ‘આ આપણા વિજ્ઞાની સમુદાયની આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂરું કરવાની આતુરતા સૂચવે છે, જેના પાયામાં કાળજી અને કરુણા છે.’) 
  • બ્રિટનમાં સંશોધનથી તૈયાર થયેલી કોવિશિલ્ડથી અમે કંઈ પાછળ નથી,એવું દર્શાવવાની ઉત્સુકતા. 
  • પોતાનો ગેરવહીવટ ઢાંકવા માટે, કંઈ પણ સારું થાય જશ ખાટી લેવાની વડાપ્રધાનની પ્રકૃતિ.

સિરમ ઇન્સ્ટિટ્યુટ વિરુદ્ધ ભારત બાયોટેકઃ સમાધાન થતાં પહેલાંની સ્થિતિ

જાન્યુઆરી ૩, ૨૦૨૦ સિરમ ઇન્સ્ટિટ્યુટના માલિક અદાર પૂનાવાલાએ કહ્યું કે ‘ફક્ત ત્રણ રસી બધાં વૈજ્ઞાનિક પરીક્ષણોમાંથી પાર ઉતરી છે. ફાઇઝર-બાયોએનટેક, મોડર્ના અને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા. બાકીની બધી પાણી જેટલી સલામત છે, પણ તેમની અસરકારકતાની ચકાસણી થવી હજુ બાકી છે.’

જાન્યુઆરી ૪, ૨૦૨૦  ભારત બાયોટેકના કૃષ્ણ એલ્લાએ કહ્યું, ‘અમે ૨૦૦ ટકા પ્રામાણિક ક્લિનિકલ ટ્રાયલ કર્યા છે. છતાં અમને નકારાત્મક પ્રતિક્રિયાઓ મળે છે. કેટલીક કંપનીઓ અમારી રસીને પાણી જેવી કહે છે.’

ઉપરાંત, કૃષ્ણ એલ્લાએ કોવિશિલ્ડના ડોઝના પ્રમાણમાં વાંધો કાઢ્યો. એમ પણ કહ્યું કે કોવિશિલ્ડ બનાવનાર એસ્ટ્રાઝેનેકા કંપની ટ્રાયલ દરમિયાન રસી લેનાર દરેકને સાથે ચાર ગ્રામ પેરાસિટામોલ આપતી હતી, જેથી વેક્સિનની આડઅસર દબાઈ જાય. તેમણે કહ્યું કે રસીની બિલકુલ આડઅસર ન હોય તે માનવાજોગ નથી. તેને બદલે અમારી કોવેક્સિનમાં ૧૦ ટકાથી ઓછા પ્રમાણમાં આડઅસર થાય છે, જે વાસ્તવિક લાગે છે.

કોવિશિલ્ડને મંજૂરી મળતાં અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે તેમણે લીધેલું (રસીઓનું આગોતરું ઉત્પાદન કરી રાખવાનું) જોખમ ફળ્યું.

કોવેક્સિનના કૃષ્ણા એલ્લાએ કહ્યું કે ‘આખા દેશમાંથી જોખમ તો અમે જ લીધું હતું. અમને ગેટ્સ ફાઉન્ડેશનના રૂપિયા નથી મળ્યા.’  તેમણે એમ પણ કહ્યું કે ‘હું એસ્ટ્રાઝેનેકાની જેમ ટ્રાયલ કરું તો (મારી) કંપની બંધ થઈ જાય.’ અને ‘મારી કંપની ભારતીય છે એટલે તેને નીચી પાડવામાં આવે છે.’

બે દિવસની લડાઈ પછી, સંભવતઃ સરકારી દરમિયાનગીરી પછી, પૂનાવાલા અને એલ્લાએ સહિયારું, ડાહ્યુંડમરું નિવેદન બહાર પાડીને મામલો આટોપી લીધો. પરંતુ નાગરિકો માટે તો પ્રશ્નો ઊભા રહે જ છે.

છેલ્લે

  • સરકારે સિરમ ઇન્સ્ટિટ્યુટને આપેલો ૧.૧ કરોડ રસીનો ઓર્ડર ઇન્સ્ટિટ્યુટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને 'ગેવી' સાથે કરેલા ૨૦ કરોડ રસી આપવાના કરારનો હિસ્સો છે? કે ભારત સરકારે તેનો અલગથી ઓર્ડર કર્યો છે? 
  • કોવિશિલ્ડ માટે વડાપ્રધાને રસીનું સંશોધન કરનાર (ઓક્સફર્ડ યુનિ.-એસ્ટ્રાઝેનેકા) અને ઉત્પાદન માટે આગોતરાં નાણાં આપનાર (બિલ ગેટ્સ ફાઉન્ડેશન)નો આભાર માન્યો છે કે પછી આત્મનિર્ભરતાનાં જ બિલ ફાડ્યાં છે? 
  • પ્રમાણીત આંકડા અને ટ્રાયલ પરિણામો તથા ૭૦ ટકા અસરકારકતા ધરાવતી કોવિશિલ્ડની એક રસી સરકારને રૂ.૨૧૦માં મળશે. (થેન્ક્સ ટુ બિલ ગેટ્સ ફાઉન્ડેશન). પ્રમાણીત ન હોય એવા આંકડા અને ફક્ત ૧,૨૪૯ લોકો પર જેનો ટેસ્ટ થયો છે એવી રસી સરકારને રૂ. ૨૯૫માં પડશે. 
  • પૂરતા ક્લિનિકલ ટ્રાયલ વગર, ઇમરજન્સી અપ્રુવલની જોગવાઈનો (ગેર)લાભ લઈને કોવેક્સિનને અપાયેલી ઇમરજન્સી મંજૂરી પછી, તેની સંભવિત આડઅસરો કે બીજાં પરિણામોની જવાબદારી કોણ ઉપાડશે અને કેવી રીતે, એ અંગે સ્પષ્ટતાપૂર્વક જાણવા મળ્યું નથી.

માટે, વેક્સિનની ઝળહળતી સફળતા બદલ તોરણીયાં બાંધવા ને વાજાં વગાડવા મંડી પડતાં મથાળાંથી ચેતજો. સરકારનાં ગીત ગાનારાને તો બક્ષિસ મળશે, પણ આપણને કાચાપાકા પરીક્ષણવાળી કોવેક્સિન મળે એવી પૂરતી સંભાવના છે. 

--અને કોવિશિલ્ડ મફત મળે તો સરકારને થેન્ક્સ કહેજો-માપસરનો આભાર માનજો. સાથોસાથ, તેની કિંમત રૂ.૨૦૦ સુધી આણી દેનારા બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને ખાસ તો, એ રસીની શોધ કરનાર યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ, તેને ર કરોડ પાઉન્ડ આપનાર બ્રિટન સરકાર, એસ્ટ્રાઝેનેકા કંપની અને ઉત્પાદક સિરમ ઇન્સ્ટિટ્યુટને યાદ કરવાનું ભૂલતા નહીં. 

તમને કોવિશિલ્ડ મળી ગઈ, એટલે જેમના ભાગે કોવેક્સિન આવવાની છે તેમના વતી અને દેશના જાગ્રત નાગરિક તરીકે સવાલો કરવાનું ભૂલતા નહીં.

--અને ૭૦ ટકા અસરકારકતાને બદલે (૧૧૦ કે ૨૦૦ ટકા નહીં) ૧૦૦ ટકાની નજીકની અસરકારકતા ધરાવતી રસી આવે તેની રાહ જોજો.