Showing posts with label jnu. Show all posts
Showing posts with label jnu. Show all posts

Tuesday, March 15, 2016

‘રમતના નિયમો’ સાથે રમત

સ્ટેડિયમમાં ક્રિકેટમેચ ચાલી રહી છે. બેટ્‌સમેન ફટકો મારીને રન દોડે છે, પણ ફિલ્ડર બોલ રોકે અને પાછો ફેંકે તે પહેલાં નજીક ઊભેલા બે ફિલ્ડરો જઇને દોડતા બેટ્‌સમેનના પગે ચોંટી પડે છે અને તેને ગબડાવીને તેની ઉપર ચડી બેસે છે. બીજા ફિલ્ડરો પણ ધસી આવે છે ને  ભોંય પર પડેલા બેટ્‌સમેનની ઉપર ખડકાય છે. સામે છેડે રહેલો બેટ્‌સમેન રમતના નિયમોની આણ આપીને ફરિયાદ કરે છે, ત્યારે ફિલ્ડરો બેશરમીથી કહે છે,‘અમે નિયમ પ્રમાણે જ રમીએ છીએ--કબડ્ડીના નિયમ પ્રમાણે. એમાં તો ખેલાડીને આવી રીતે જ આઉટ કરવાનો હોય.’

એવામાં બોલ રોકનાર ફિલ્ડર દોડતો આવીને સ્ટમ્પ ખેરવી નાખે છે. એટલે ફિલ્ડરો ફરી કપડાં ખંખેરીને ઊભા થાય છે અને કહે છે, ‘તમે નિયમોની વાત કરતા હતા ને? લો, હવે તો ક્રિકેટના નિયમ પ્રમાણે પણ આઉટ ખરો કે નહીં?’ ઘણા પ્રેક્ષકો ફિલ્ડરોની ‘રમત’ પર ફીદા થઇ જાય છે અને ‘ભલે કબડ્ડીના તો કબડ્ડીના, પણ નિયમ તો પાળ્યા ને. તેમણે જે કંઇ કર્યું તે જીતથી રાષ્ટ્રનું ગૌરવ વધારવા માટે જ છે ને’ એમ કહીને ફિલ્ડિંગ ટીમની રાષ્ટ્રભક્તિનાં વખાણે ચડી જાય છે. ‘ક્રિકેટની રમતમાં કબડ્ડીના નિયમથી આઉટ ન કરાય’ એવી દલીલ કરનાર લોકોને રાષ્ટ્રવિરોધી કે દેશદ્રોહી ગણવામાં આવે છે. કારણ કે ‘તેમનાથી દેશની ટીમ જીતે એ સહન થતું નથી.’

આ વાત લાગે છે એટલી કાલ્પનિક નથી. કનૈયાકુમારનો કિસ્સો તેનું તાજું ઉદાહરણ છે. તેની સાથે સંકળાયેલો લાગણીનો વંટોળ શમ્યા પછી ખરેખર શું બન્યું, એ વિશે સ્વસ્થતાથી વિચારવા જેવું છે. જાહેર જીવન માટે એ જરૂરી પણ છે.

કનૈયાકુમારનું નામ આવતાં જ ઘણાની ફેણ ચડી જશે.  ‘આ દેશદ્રોહનો મામલો છે. ક્રિકેટની રમત નથી. એને હળવાશથી ન લેવાય.’ એવી દલીલ વીંઝાશે. પરંતુ શાંત ચિત્તે વિચારજો : સવાલ દેશભક્તિનો હતો કે સરકારભક્તિનો? દેશ એટલે દેશના કાયદાકાનૂન-બંધારણ કે સત્તાધારી પક્ષ? દેશભક્તિ એટલે પોતાના વિચારવિરોધીઓને દેશદ્રોહી ઠેરવવા તે?

કનૈયાકુમાર સામેનો મૂળ આરોપ એ હતો કે તેણે દેશની બરબાદીનાં અને દેશથી અલગ થવાનાં- દેશથી આઝાદીનાં સૂત્રો પોકાર્યાં. તેન વિડીયો પુરાવા રજૂ કરાયા. આ પ્રકારનો સૂત્રોચ્ચાર કનૈયાકુમારે કર્યો હોય તો રાજદ્રોહનો આરોપ લાગે કે નહીં, એ વિશે સન્માન્ય ન્યાયવિદો વચ્ચે મતભેદ હતો. (અલબત્ત, નિર્ણય તો અદાલતે કરવાનો હતો.) ત્યારે પોતાની જાતને દેશભક્ત ગણાવતું ટોળું અદાલતને બાજુ પર હડસેલીને કનૈયાકુમારને ‘પાઠ ભણાવવા’ અધીરું બન્યું હતું. કારણ? ‘અમે દેશવિરોધી સૂત્રો પોકારનારને નહીં સાંખી લઇએ.’

પરંતુ કનૈયાકુમારને દેશવિરોધી સૂત્રોચ્ચારમાં દેખાડતો વિડીયો છેડછાડગ્રસ્ત (ડૉક્ટર્ડ) હોવાનું જણાયું. તેની ભાષણ આપતી તસવીરમાં પાછળ વિભાજિત ભારતનો નકશો ગોઠવીને એને કનૈયાકુમારની દેશદ્રોહી વૃત્તિની સાબિતી તરીકે ખપાવવામાં આવ્યો. પતિયાલા હાઉસ કૉર્ટના પ્રાંગણમાં, પોલીસની હાજરીમાં વકીલો અથવા વકીલોના વેશમાં રહેલા ગુંડાઓએ કનૈયાકુમારની મારઝૂડ કરી. ‘રમતના નિયમો’નો આવો ભંગ રાજદ્રોહ જેવી ગંભીર નહીં, રમત જેવી હળવી બાબતમાં પણ કોઇ ચલાવી ન લે. છતાં, જે આરોપનો કશો પ્રથમદર્શી પુરાવો ન હતો--બલ્કે, એના ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા--એ આરોપ આગળ ધરીને બધી ગુંડાગીરી વાજબી ઠરાવવામાં આવી.

નવાઇની વાત એ હતી કે ધરપકડ પહેલાં કનૈયાકુમારના ભાષણની એકમાત્ર ઉપલબ્ધ વિડીયોમાં તો તેણે દેશવિરોધી નારાબાજીની ટીકા કરી હતી. સાથોસાથ, ભાજપ-સંઘ પરિવારના રાજકારણનાં  આક્રમક શૈલીમાં છોતરાં કાઢ્‌યાં હતાં. વાંધો ખરેખર અને માત્ર સૂત્રોચ્ચાર સામે જ હોત તો, કનૈયાકુમારની રાષ્ટ્રદ્રોહના આરોપ હેઠળ ધરપકડ થઇ ચૂકી હતી ને પોલીસ એની પૂછપરછ કરતી હતી. કહેવાતા ‘રાષ્ટ્રવાદીઓ’ રાહ જોઇ શક્યા હોત. પણ અહીં તો ભાજપ-સંઘ પરિવારનો આકરો વિરોધ કરનાર વિદ્યાર્થી સંગઠનો અને તેમને મોકળાશ આપનાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પર દાંત ભીંસીને હુમલો કરવાની તક મળી હતી. એ છોડાય?

ફરી ક્રિકેટની રમતમાં કબડ્ડીના દાવપેચ શરૂ થયા. જે કૅમ્પસમાં ચહેરા પર કપડું ઢાંકીને થોડા લોકો દેશવિરોધી સૂત્રો બોલ્યા એ આખેઆખી યુનિવર્સિટીને ‘બંધ કર દેવી જોઇએ’ એવું બૂમરાણ મચ્યું.  ધરપકડ પહેલાંની અસલી વિડીયોમાં કનૈયાકુમાર દેશવિરોધી સૂત્રોનો વિરોધ કરતો સંભળાયો ત્યારે કબડ્ડીના ખેલાડીઓએ દલીલ કરી કે ‘કનૈયા પોતાના માટે બચાવ માટેની ભૂમિકા ઊભી કરી રહ્યો હતો.’ તેની સીધી સામેલગીરીની વિડીયો પોકળ નીકળતાં કહેવાયું કે ‘કનૈયાકુમાર ભલે સૂત્રો ન બોલ્યો હોય, પણ સાથે તો ઊભો જ હતો અને આવાં સૂત્રો અટકાવવાની તેની જવાબદારી હતી.’ ટૂંકમાં, કનૈયાકુમાર સૂત્રો ન બોલ્યો હોય- વિડીયો જૂઠી હોય તો પણ એ દેશદ્રોહી છે. કારણ? અમે એવું કહીએ છીએ. જે અમારી દલીલોની અતાર્કિકતા ભણી આંગળી ચીંધશે એને પણ અમે દેશદ્રોહીઓના સમર્થક ગણાવીશું.

જામીન મળ્યા પછી બહાર આવીને કનૈયાકુમારે ફરી એક ભાષણ કર્યું. જોશીલું, ડાબેરી વિદ્યાર્થીનેતાને છાજે એવું ભાષણ. સ્મૃતિ ઇરાનીના ને નરેન્દ્ર મોદીના ભાષણોની અસર ભૂંસીને આ ભાષણ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની ગયું. એટલે ‘ફિલ્ડરો’ ફરી નિયમ બદલવાના કામે લાગી ગયા. ભાજપી નેતાગીરીનો ગઢ ગણાતી ભાષણબાજીમાં કનૈયાકુમાર ટક્કરનો ખેલાડી પુરવાર થયો એટલે ‘વક્તૃત્વકળાથી અભિભૂત થવું નહીં’ એવા શાણપણનો વરસાદ વરસવા લાગ્યો. આવી ઠાવકાઇ દેખાડનારા સહેલાઇથી ભૂલી ગયા કે અઠવાડિયા પહેલાં નકરી વક્તૃત્વકળાથી છલકાતા સ્મૃતિ ઇરાનીના ભાષણનો તેમનામાંથી ઘણાએ જયજયકાર કર્યો હતો. ખુદ વડાપ્રધાન પણ લોકરંજક વક્તૃત્વના અઠંગ ખેલાડી અને અઢળક લાભાર્થી છે.

લોકપ્રિય વક્તાઓની હરોળમાં જેવો કનૈયાકુમારનો ઉમેરો થયો એ સાથે જ, દેશવિરોધી સૂત્રોચ્ચારનો આરોપ ગૌણ, નકલી વિડીયોની હકીકત ગૌણ, વકીલોએ કરેલો હુમલો ગૌણ અને ચોટદાર ભાષણ આપવાનો ‘ગુનો’ જાણે મુખ્ય બની ગયો. તેના પરિવાર, આવક અને અભ્યાસ વિશે ઉશ્કેરાટભર્યા સવાલ પૂછાવા લાગ્યા. ‘આટલી મોટી ઉંમરે અને આટલી ગરીબ સ્થિતિમાં તે જેએનયુમાં શું કરે છે?’  ભાજપની પણ વિદ્યાર્થીપાંખ છે એ હકીકત બાજુ પર રાખીને, ‘વિદ્યાર્થીઓએ રાજકારણથી દૂર રહેવું જોઇએ’ એવી સલાહો અપાવા લાગી.

કનૈયાકુમારને સામાન્ય વિદ્યાર્થીનેતામાંથી કામચલાઉ નાયક બનાવવા માટે તેના પ્રશંસકો કરતાં વધારે તેના વિરોધીઓ કારણભૂત છે. એમાંથી જે લોકો પોતે વિચારધારામાં કે વ્યક્તિભક્તિમાં હકીકતો પ્રત્યે આંખ આડા કાન કરતા હોય અને બીજાને વ્યક્તિપૂજાનાં કે વક્તવ્ય પર મોહી પડવાનાં નુકસાન સમજાવે, એ લોકો (ખેલાડી તરીકે) અંચઇ કરતાં કરતાં અમ્પાયર બની ગયા હોય એવા લાગે છે.

Thursday, March 10, 2016

એક ‘રાષ્ટ્રવાદી’ની ડાયરીનાં પાનાં

દેશમાં આજકાલ બીજાને દેશદ્રોહી ગણાવીને પોતાના દેશપ્રેમનો છાકો પાડવાની સીઝન ચાલે છે-- આવું એક વાક્ય લખવા બદલ તો ઠીક, વાંચવા બદલ પણ ‘દેશદ્રોહી’ કે ‘દેશદ્રોહીના સમર્થક’ તરીકેનો ઠપકો સાંભળવો પડે એવી સ્થિતિ છે. પોતાના દેશપ્રેમનો ઝંડો ૨૦૭ ફૂટ ઊંચાઇએ ફરકાવવાની આનાથી વધારે સહેલી રીત કઇ હોઇ શકે? આવા, અવતરણ ચિહ્ન સાથેના રાષ્ટ્રવાદીની કાલ્પનિક ડાયરીનાં વાસ્તવિક લાગી શકે એવાં કેટલાંક પાનાં.
***

આજે ભારતમાતાનું મસ્તક શાનથી ઊંચું થઇ ગયું. (આજકાલ  ભારતમાતા સાથે આપણું ડાયરેક્ટ ડાયલિંગ ચાલે છે) ફેસબુક પર મેં ૧૭ જણને દેશદ્રોહી કહીને ખખડાવી માર્યા. બિચારા કશો જવાબ ન આપી શક્યા. ‘તમારી જોડે વાત કરવાનો કશો અર્થ નથી’ એવી કાયરતાપૂર્ણ દલીલ કરીને એ જીવ બચાવીને નાસી છૂટ્યા. આવા દેશદ્રોહી કાયરોને લીધે જ આપણો દેશ વિદેશી આક્રમણો સામે હારતો રહ્યો છે. બાકી, શહાબુદ્દીન ઘોરી ચઢી આવ્યો ત્યારે અમારા જેવા રાષ્ટ્રભક્તો હોત ને ફેસબુક હોત, તો ઘોરીને એવો પાઠ ભણાવ્યો હોત કે તેને સોશ્યલ મિડીયા છોડીને નાસી  જવું પડ્યું હોત.

જોયું? અમારી તાલીમની આ જ ખૂબી છે. અમારો ઇતિહાસ બહુ પાકો. અમે કોઇ પણ ઘટનાને ઇતિહાસ સાથે જોડી પાડીએ અને તેમાંથી એવો બોધપાઠ તારવીએ કે સેક્યુલરિયાઓની છૂટ્ટી થઇ જાય. અમારા ઇતિહાસમાં તો એવું જ આવે છે કે આ દેશ આટલો બધો પાછળ રહ્યો તે સેક્યુલરિસ્ટોને લીધે. જ્ઞાતિના ભેદભાવ બદમાશ સેક્યુલરિસ્ટો લાવ્યા. વિદેશી આક્રમણો પણ સેક્યુલરિસ્ટોનું જ કાવતરું હતાં. એમાં સીધી સામેલગીરી નહીં હોય તો પણ, નૈતિક જવાબદારી તો એ લોકોની જ કહેવાય. (હા, અમારા કોર્સમાં ‘નૈતિક જવાબદારી’ એ શબ્દ ચોક્કસ સંદર્ભમાં આવે છે ખરો) અમારું ચાલે તો આ સેક્યુલરિસ્ટોને મારી મારીને એમની મનપસંદ સરહદેથી દેશની બહાર કાઢી મૂકીએ...‘એમની મનપસંદ સરહદેથી’ એટલા માટે કે અમે કંઇ સેક્યુલરિસ્ટો ચીતરવા માગે છે એવા અસહિષ્ણુ નથી. અમે તો ફક્ત રાષ્ટ્રવાદી છીએ ને એનું અમને ગૌરવ છે. 

***

અત્યાર સુધી અમારી રાષ્ટ્રવાદી લાગણી વ્યક્ત કરવામાં અમને બહુ મર્યાદા નડતી હતી. કારણ કે અમારું કાર્યક્ષેત્ર નાનું હતું. ફક્ત લઘુમતીઓના રાષ્ટ્રપ્રેમ ઉપર જ અમે જાહેરમાં શંકા કરી શકતા હતા અને તેમને દરેક વખતે પોતાની રાષ્ટ્રભક્તિ પુરવાર કરવાની ફરજ પાડી શકતા હતા. JNUયુવાળી બબાલથી મોટો ફાયદો એ થયો કે અમારી પ્રવૃત્તિનો મોટા પાયે વિસ્તાર થયો છે. હવે ન ગમતા હિંદુઓને પણ અમે લાઇનમાં ઊભા કરી દઇએ છીએ અને એમનો કાંઠલો પકડીને દેશપ્રેમનાં પ્રમાણપત્રો માગી શકીએ છીએ. એ લોકો JNUની તરફેણમાં કે પછી કનૈયાકુમારની તરફેણમાં કે કાયદા-બંધારણ વિશે કંઇ પણ બોલવા જાય, તો એમને ગદ્દાર, દેશદ્રોહી, દેશદ્રોહીઓના સમર્થક--એવું બઘું કહેવાની બહુ મઝા આવે છે. જોકે, એ લોકો એવા નફ્‌ફટ છે કે તેમને કશી અસર જ નથી થતી. એ જ તેમના દેશદ્રોહી હોવાનો પુરાવો નથી? બાકી, અમને કોઇ દેશદ્રોહી કહે તો અમે સહન ન કરી લઇએ...અમે એમને દેશદ્રોહી ઠરાવીને જંપીએ. 

અમારામાં પણ કેટલાક દોઢડાહ્યા હોય છે. એક જણો કહે કે આમ આપણે હિંદુઓને એક કરવાની વાત કરીએ છીએ, તો અત્યારે આપણે જે ધંધા આદર્યા છે તેનાથી હિંદુઓમાં વિભાજન નહીં થાય? એમને કોણ સમજાવે કે આવું બધું વિચારવાનું કામ ‘ઉપરવાળા’નું છે. આપણે બધા વિચારતા થઇ જઇશું તો દેશ માટે કાર્ય કોણ કરશે? તર્ક, બંધારણ ને કાયદાની વાતો કરવી એ તો દેશદ્રોહી, ડાબેરી, સેક્યુલરિસ્ટ, JNUતરફીઓનું કામ છે.

બહુ મોડું થયું છે...આજે સૂવામાં તો ખરું જ, પણ આ બધા દેશદ્રોહીઓને ડામવામાં પણ. JNUને ક્યારની બંધ કરી દીધી હોત અને એ જગ્યા પર (રક્ષાશક્તિની જેમ) દેશભક્તિ યુનિવર્સિટી ખોલી દીધી હોત, તો આ દિવસ જોવાનો ન આવ્યો હોત.

***

આજે બપોરે એક લારીવાળો ફ્‌લેટની નીચે કેળાં વેચવા આવ્યો હતો. એની બૂમથી મારી ઉંઘ ઉડી ગઇ અને હું જોવા ઉઠ્યો કે કયો દેશદ્રોહી મારી ઉંઘ બગાડીને, મારી તબિયત અને સરવાળે દેશની તબિયત બગાડવાનું કાવતરું કરી રહ્યો છે. બાલ્કનીમાંથી જોયું, તો એનાં કેળાં પણ પીળાં ઓછાં ને લીલાં વધારે હતાં. મને થયું કે દેશહિતમાં જાતતપાસ કરવી પડે એવો મામલો છે.

નીચે જઇને મેં કેળાવાળાને ઝાલ્યો. મને જોઇને એ સામે જોઇને હસ્યો, નમસ્તે કર્યા અને પૂછ્‌યું,‘કેમ આજે તમારે આવવું પડ્યું સાહેબ? કેટલાનાં કરું?’ મેં જરાય હસ્યા વિના, કડક ચહેરે કહ્યું,‘એ બધી વાત પછી. પહેલાં તું એ પુરવાર કર કે તું દેશદ્રોહી નથી.’ એ મૂંઝાઇ ગયો. એટલે મારી શંકા વધારે દૃઢ બની. મેં કહ્યું,‘આમ ગાલાવેલા થવાની જરૂર નથી. સીધેસીઘું કહી દે. તો કદાચ તને ક્ષમા આપીશ. પણ એક વાર ના પાડ્યા પછી તું દેશદ્રોહી પુરવાર થશે તો તને ફાંસીની સજા અપાવવાની તજવીજ મારે કરવી પડશે.’

એનો ચહેરો જોવા જેવો થઇ ગયો. કહે, ‘સાહેબ, હું ગરીબ માણસ છું. દેશદ્રોહી નથી. મને આવી બધી બાબતોમાં ખબર ન પડે. કેળાં તમે કહો એટલાં કરી દઉં. તમે કહેતા હો તો રૂપિયાનું પણ નહીં પૂછું.’ મેં ઉપરથી એને તતડાવ્યો,‘દેશદ્રોહી થઇને મને લાંચ આપવાની વાત કરે છે? અને એવું સમજે છે કે તારાં કેળાની લાંચ લઇને હું તારા દેશદ્રોહ ઉપર ઢાંકપિછોડો કરીશ? તારી ભૂલ થાય છે. હું હાડોહાડ દેશપ્રેમી છું. દેશદ્રોહીઓને હું આકરામાં આકરી સજા અપાવીને જંપીશ.’

એણે લારી પાછી વાળવાની તૈયારી કરી. એટલે મેં એને ઉભો રાખ્યો, ‘સારું, ડઝન કેળાં કરી દે--પણ એક મિનીટ, આ કેળાં દેશદ્રોહી નથી ને? મને દેશદ્રોહીઓની સખત એલર્જી છે.’

***

વચ્ચે બે દિવસ ડાયરી લખવામાં ખાડો પડ્યો. તબિયત નરમગરમ હતી. ઝીણો તાવ, પેટમાં ગરબડ અને મનમાં અસુખ લાગતું હતું. અમારા ફૅમિલી ડૉક્ટર બહુ હુંશિયાર છે. એમણે મને તપાસ્યો અને તબિયત સિવાયની આડીઆવળી વાતો શરૂ કરી. મેં કહ્યું,‘ડૉક્ટર, અહીં મારો જીવ જાય છે ને તમે બીજી વાતો કરો છો?’


ડૉક્ટરે હસીને કહ્યું,‘તમને કશું નથી થયું, એ પાકું કરવા માટે જ હું બીજી વાતો કરતો હતો. એમાંથી તમારા અસુખનું કારણ પકડાઇ ગયું. છેલ્લા બે દિવસથી તમે કોઇને દેશદ્રોહી કહ્યા નથી, એટલે તમારું પેટ ચડ્યું છે. ઘરે જઇને સૌથી પહેલાં ફેસબુક ખોલજો અને જે ઝપટમાં આવે એવા બે-ચાર જણને દેશદ્રોહી કહી દેજો. પછી પણ તકલીફ ચાલુ રહે તો મને કહેજો.

Tuesday, March 08, 2016

‘રાષ્ટ્રવાદી’ મિટિંગનો કાલ્પનિક અહેવાલ

શાયરે પાંચવા મૌસમ ‘પ્યારકા’ એવું ગીત લખ્યું હતું, પણ આજકાલ છઠ્ઠી મોસમ ચાલે છે : રાષ્ટ્રવાદની મોસમ. સામાન્ય રીતે યુદ્ધ, ચૂંટણી જેવા સમયે જગાડાતો રાષ્ટ્રવાદનો મુદ્દો અત્યારે દેશમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યો છે--એવું કેન્દ્ર, જેના કારણે રૂપિયાના અવમૂલ્યનથી માંડીને પઠાણકોટ ત્રાસવાદી હુમલાથી માંડીને વ્યાપમં જેવાં કૌભાંડો કેન્દ્રની બહાર નીકળી ગયાં છે. બીજાના રાષ્ટ્રપ્રેમ પ્રત્યે શંકા ને સવાલો ઉઠાવ્યા વિના, સ્વતંત્ર રીતે રાષ્ટ્રપ્રેમી હોય એવા લોકોની વાત નથી. હાલની ચર્ચા એવા રાષ્ટ્રવાદીઓ વિશેની છે, જે રાષ્ટ્રવાદનાં લાયસન્સ ઇચ્છા મુજબ આપી કે રદ કરી શકે છે. વર્તમાન સંજોગોમાં તેમની બેઠક ભરાઇ હોય તો તેમાં કેવી ચર્ચા થાય?

***

(મોટા ટેબલની આસપાસ ખુરશીમાં બધા ગોઠવાયેલા છે. બહાર ‘ઝિંદાબાદ’ના પોકાર સંભળાય છે.
‘રાષ્ટ્રવાદી’ ૧ (આક્રમકતાથી) : દેવીયોં ઔર સજ્જનોં, આપણો દેશ આજે આફતમાં છે. આપણા રાષ્ટ્ર સામે આજે પડકાર આવીને ઊભો છે. આપણે જોયેલું સ્વપ્ન આજે ખતરામાં છે...જુઓ, આપણી ઑફિસની બહાર પણ ‘ઝિંદાબાદ’ના નારા સંભળાય છે...દેશદ્રોહીઓ છેક અહીં સુધી પહોંચી ગયા. આપણી ઑફિસ સામે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા બોલવાની એમની હિંમત કેવી રીતે ચાલી? (ટેબલ પર મુઠ્ઠી પછાડે છે)

રા. ૨-૩-૪-૫-૬ : હા..હા.. કેવી રીતે ચાલી? આપણે બંગડીઓ પહેરી છે? હમણાં એમને...

રા.૭ : ના, આપણે બધાએ બંગડીઓ નહીં, વિદેશી બ્રાન્ડનાં મોંઘાં કાંડા ઘડિયાળ પહેર્યાં છે. આપણે કાયર નથી. પણ બહાર જે બૂમો પડે છે તે ‘હિંદુસ્તાન ઝિંદાબાદ’ની છે...‘ઝિંદાબાદ’ની બધી બૂમો પાકિસ્તાન ઝિંદાબાદની જ ન હોય.

રા.૨ : આ ભાઇની વાત સાચી હોય તો પણ પરિસ્થિતિ ચિંતાજનક છે. આપણા સૌ સાથીદારોને મારો ભારપૂર્વક અનુરોધ છે કે જ્યાં પણ ‘ઝિંદાબાદ’ કે ‘મુર્દાબાદ’ કે ‘આઝાદી’ જેવો શબ્દ નારામાં સંભળાય, ત્યાં તમે સાતેય કામ પડતાં મૂકીને ધસી જજો. ત્યાં શું બોલાયું તે અગત્યનું નથી. તમને શું સંભળાયું અથવા ત્યાં શું બોલાતું હોય એવું લાગ્યું, એ સૌથી અગત્યનું છે. કારણ કે રાષ્ટ્રની રક્ષા કરવાની મહાન જવાબદારી આપણી છે.

બધા (સમૂહમાં) : ભારતમાતાકી...... જય

રા.૩ : રાષ્ટ્રદ્રોહીઓ છેક દિલ્હી સુધી પહોંચી ગયા છે..

રા.૭ : (તોફાની સ્મિત સાથે) આ કબૂલાત છે? કે પછી આરોપ?

રા.૩ : ખબરદાર...તમારી જગ્યાએ બીજા કોઇએ આવું કર્યું હોત તો તેની સામે રાજદ્રોહનો કેસ બનાવી દીધો હોત...

રા.૭ : હું તો ખાલી પૂછું છું...અને આપણે ૩૪૪મી કલમની માફક રાજદ્રોહના કેસો કરીશું, તો લોકો એનાથી પણ બીતા બંધ થઇ જશે.

રા. ૨ (વિજયી સ્મિત સાથે) : એવું નહીં થાય...અને થશે તો પણ આપણને એની ચિંતા નથી. હવે લોકો રાજદ્રોહના કેસથી જેટલા નહીં ડરે, એટલા કૉર્ટોમાં પગ મૂકતાં બીશે--અદાલતની સજાના ડરથી નહીં, પણ આપણા વકીલમિત્રોએ આ વખતે જે રંગ રાખ્યો છે તેનાથી...

બધા (સમુહમાં) : આપણા ધારાશાસ્ત્રીઓ...ઝિંદાબાદ,  ભારતમાતાકી...જય

રા. ૭ : પણ બાર કાઉન્સિલે તો જે વકીલ મારામારીમાં સામેલ હોય તેનું લાયસન્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

રા.૨ : એમ તે કંઇ થોડું ચાલે? એમના બાપનું રાજ ચાલે છે?

રા.૭ : (આજ્ઞાંકિતતાથી, ડોકું ઘુણાવીને) ના, બિલકુલ નહીં. રાજ તો આપણા...

રા. ૩ : બસ, બસ. આપણે હુલ્લડબાજીમાં પકડાયેલા લોકોને જેલમાં ટેકો કરતા હોઇને ને ટિકિટો પણ આપતા હોઇએ તો પછી આ તો રાષ્ટ્રભક્તિના આવેશમાં થયેલું કાર્ય છે. ચાણક્યે પણ કહ્યું હતું કે...

રા.૨ : આર્ય કૌટિલ્ય...અમર રહો, ભારતમાતાકી....જય

રા.૭ : વાત તો સાચી અને એમાં તો કૉંગ્રેસે પણ પાછલા બારણે આપણા જેવું જ કરીને આપણને મજબૂત સાથસહકાર આપ્યો હતો.

રા. ૩ : ખરેખર તો આ જેએનયુને તાળાં મારી દેવાં જોઇએ અને બધા ડાબેરીઓને પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં મોકલી આપવા જોઇએ.

રા.૨ : મને તો કોઇને પણ પાકિસ્તાન મોકલવાની વાતમાં જ મઝા આવી જાય છે...ખરેખર, જે કોઇ આપણે વિરોધ કરે ને જે આપણને ન ગમતા હોય એ બધાને પાકિસ્તાન જ મોકલી આપવા જોઇએ. એ બધા પાકિસ્તાનના એજન્ટ છે. દેશદ્રોહીઓનું આ દેશમાં કોઇ સ્થાન ન હોઇ શકે...બોલો, ભારતમાતાકી...

રા.૬ : મને યુનિવર્સિટીઓની હવે બિલકુલ ચિંતા નથી. હવે આપણાં શિક્ષણમંત્રીએ જાહેર કરી દીઘું છે કે કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા લેતી દરેક યુનિવર્સિટીએ ૨૦૭ ફીટ ઊંચી કાઠી પર ભારતનો રાષ્ટ્રધ્વજ લગાડવો...

રા.૨ : યુનિવર્સિટીની વચ્ચોવચ, માથું ઊંચું કરીને જોવો પડે એવી રીતે રાષ્ટ્રધ્વજ લગાડવાથી દરેકેદરેક વિદ્યાર્થીનું માથું દેશ વિશે વિચાર કરતી વખતે આપોઆપ ઊંચું થઇ જશે અને યુનિવર્સિટીઓમાં ઘૂસી ગયેલાં દેશદ્રોહી તત્ત્વોના હાથ હેઠા પડશે. કેવો જબરદસ્ત આઇડીયા છે...મને તો આપણા શિક્ષણમંત્રીના માનમાં કવિતા રચવાનું મન થઇ જાય છે.

રા.૭ : રહેવા દો સાહેબ. કોઇ યુનિવર્સિટીના વીસી બનો ત્યાર પછી એ કરજો. મારે એટલી ચોખવટ કરી લેવી છે કે આ ધ્વજની કાઠી શિક્ષણમંત્રીએ નક્કી કરેલા માપ કરતાં ઓછી હોય તો?

રા.૨ : રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગશે...હજુ સમજતા નથી? ખરેખર, તમારા જેવા લોકોને તો કૉર્ટમાં આપણા વકીલો પાસે જ મોકલી આપવા જોઇએ કે પછી અર્નબ ગોસ્વામીની ચર્ચામાં...તમે એને જ લાયક છો.

રા. ૮ : તમે ખોટા ગરમ થઇ ગયા, સાહેબ. આ તો આપણો જ માણસ છે. એના કહેવાનો મતલબ એમ હતો કે યુનિવર્સિટીઓ એક વાર આ આદેશનો અમલ કરે, પછી આપણે આપણી વિદ્યાર્થીપાંખને માપપટ્ટીઓ આપીને રાષ્ટ્રધ્વજની કાઠીનું માપ કાઢવાનું કામ ન સોંપવું જોઇએ?  કાઠી એક ઇંચ પણ નાની હોય તો કેવી રીતે ચલાવી લેવાય? રાષ્ટ્રના ગૌરવનો સવાલ છે.

રા.૩ : અને બીજી યુનિવર્સિટીઓ સરકારનું ફંડ નહીં લેતી હોય, પણ સરકારનાં પાણી-ગટર-વીજળી તો વાપરે જ છે ને? તેમને, એવું હોય તો કાઠીની લંબાઇમાં થોડા મીટર બાદ આપીને, પણ રાષ્ટ્રધ્વજ લગાડવાની ફરજ તો પાડવી જ જોઇએ. ભારતમાં કામ કરવું ને રાષ્ટ્રધ્વજ ન લગાડે, એવું તે કેમ ચાલે?

રા.૨ : બરાબર છે. રાષ્ટ્રધ્વજ ન લગાડવો હોય તો પાકિસ્તાનમાં જઇને યુનિવર્સિટી ખોલે. અહીં ગદ્દારોને કોઇ સ્થાન નથી. જે ધ્વજ લગાડવાની ના પાડશે તેમને પણ આપણે કેસ દાખલ કરીને આપણા વકીલો પાસે મોકલી આપીશું... બોલો. ભારતમાતાકી....જય...વંદે...માતરમ્‌...


(રાષ્ટ્રહિતચિંતન સંપન્ન થતાં મિટિંગ પૂરી થાય છે.)