Showing posts with label international affairs. Show all posts

Wednesday, May 17, 2017
ભારતને ભીંસમાં લેતો ચીનનો મહાપ્રૉજેક્ટ
કમ્પ્યુટર-ઇન્ટરનેટના ચલણ પછી એવું લાગતું હતું કે દેશોના ભૌગોલિક સીમાડા ગૌણ બની ગયા અને હવે કોઈ દેશે બીજા દેશો પર પ્રભુત્વ જમાવવા માટે સૈન્ય લઈને આક્રમણ નહીં કરવું પડે. એ દેશનું બજાર કબજે કરવાથી કામ થઈ જશે. પરંતુ જેમ ઇન્ટરનેટના ખુલ્લાપણા વિશેનો અને તેની પર પાબંદી શક્ય નથી-- એવો ખ્યાલ ચીને ખોટો પાડ્યો, તેમ એકવીસમી સદીમાં ફક્ત બજાર સર કરવાનું મહત્ત્વનું છે અને ભૌગોલિક વર્ચસ્વ ગૌણ—એવી સમજ પણ ચીન ખોટી પાડી રહ્યું છે. તિબેટને દાયકાઓ પહેલાં ગળી ચૂકેલું ચીન અરૂણાચલ પ્રદેશના અમુક વિસ્તારો પર માલિકીહક કરતું રહ્યું છે. દક્ષિણી ચીની સમુદ્રમાં આધિપત્ય માટે પણ ચીનની દાંડાઈ ચાલુ છે.
--અને ચીનની વિસ્તારભૂખ આ બે વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. તેનો પ્રૉજેક્ટ 'વન બેલ્ટ, વન રોડ' (OBOR) – હવે 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ' (BRI)-- ભારે મહત્ત્વાકાંક્ષી છે. એ અંગે સૌથી વધુ ચિંતા હોય તો એ વાતની કે ચીનની મહત્ત્વાકાંક્ષા શેખચલ્લીનાં ખ્વાબ જેવી નહીં, અમાપ લશ્કરી બળ અને અઢળક નાણાંના પાયા પર ઊભેલી છે. ચીન એશિયા, આફ્રિકા અને યુરોપના આશરે 60થી પણ વધુ દેશોને જમીનમાર્ગે અથવા દરિયાઈ માર્ગે સાંકળવા ઇચ્છે છે, જેથી તેમની સાથે વ્યાપાર કરવાનું (ચીનમાં ઢગલામોઢે બનતો માલ ખડકવાનું) ચીન માટે આસાન બની જાય. હાલમાં યુરોપ-આફ્રિકા-અખાતી દેશોમાંથી ચીન જતાં-આવતાં જહાજોને મલકની સામુદ્રધુની/ Strait of Malaccaમાંથી પસાર થવું પડે છે. કાલે ઉઠીને તણખો થાય અને અમેરિકી નૌકાદળ ત્યાં ચીની જહાજો માટે 'નો એન્ટ્રી' જાહેર કરી દે તો? 'વન બેલ્ટ, વન રોડ' પ્રોજેક્ટ અંતર્ગત ચીનને પાકિસ્તાનના ગ્વાદર બંદર થકી હિંદ મહાસાગરનું થાણું મળી જાય છે. ત્યાંથી તે અમેરિકાની દખલગીરીની સંભાવના વિના દરિયાઈ માર્ગે બેરોકટોક વેપાર કરી શકે છે.
આટલે સુધીના વર્ણનમાં ભારતને કશો વાંધો પડે એવું નથી. પોતાના રૂપિયાથી કોઈ દેશ પોતાનો વેપાર વધારવા ઇચ્છતો હોય અને તેના માટે માળખાકીય સુવિધા ઊભી કરતો હોય, તો બીજાને (આ કિસ્સામાં ભારતને) શું? પરંતુ ધૂર્તતા અને વિસ્તારની ભૂખ માટે જાણીતા ચીનની વાત પર એમ વિશ્વાસ મૂકાય નહીં. ચીની પ્રવક્તાઓ અને લેખકો ગાઈવગાડીને કહે છે કે ચીનનો હેતુ વિશુદ્ધપણે આર્થિક છે અને જે દેશોમાંથી OBORનું માળખું પસાર થાય છે, એ દેશોના સાર્વભૌમત્વને કોઈ ખતરો નથી. આવું એક સ્થળ છે પાકિસ્તાનના અંકુશ હેઠળનું કાશ્મીર. તેના ગિલગિટ અને બાલ્ટીસ્તાનના પ્રદેશો ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર (CPEC) નો હિસ્સો બન્યા છે અને આ કૉરિડોર પોતે OBORનો મહત્ત્વનો હિસ્સો છે.
ભારતના મતે, કૉરિડોર (CPEC) સામે વાંધો ન ઉઠાવવો એટલે કાશ્મીરના પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશ પર તેનો કબજો આડકતરી રીતે કબૂલ રાખવો. ચીન આવા અર્થઘટનનો ઇન્કાર કરીને ભારતને OBOR પ્રૉજેક્ટમાં સાંકળવા પ્રયત્નશીલ છે. તેની દલીલ છે કે કૉરિડોર માત્ર ને માત્ર આર્થિક હેતુથી વિચારાયેલો પ્રૉજેક્ટ છે અને તેમાં સાથ આપવાથી કાશ્મીર અંગે ભારતની વર્તમાન સ્થિતિમાં કશો ફરક પડવાનો નથી.
OBOR અંગે 14-15મેના રોજ યોજાયેલા સંમેલનને ચીને વૈશ્વિક સહકાર-કમ-શક્તિપ્રદર્શનનું પ્રતીક બનાવી દીધો. તેમાં બીજા દેશો ઉપરાંત સૌથી નોંધપાત્ર હાજરી જાપાન અને અમેરિકાની હતી. ચૂંટણીપ્રચાર વખતે ચીની માલના બહિષ્કારની શેખી મારનાર ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે આર્થિક સમજૂતી કરવી પડી. અમેરિકા ચીનમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ અને ગોમાંસ સહિતની કેટલીક ચીજવસ્તુઓની નિકાસ કરે. સામે ચીની બૅન્કોને અમેરિકામાં ધંધો કરવા મળે, એવો કડદો થયો. તેના પગલે અમેરિકાના પ્રતિનિધિઓએ OBORના સંમેલનમાં હાજર રહીને ચીનનું માન જાળવી લીધું. એવી જ રીતે, જાપાનને ચીન સાથે સીધી હરીફાઈ હોવા છતાં અને જાપાન પોતે પોતાની રીતે આવો પ્રૉજેક્ટ હાથ ધરી રહ્યું હોવા છતાં, તેનું સત્તાવાર પ્રતિનિધિ મંડળ બેજિંગના સંમેલનમાં હાજર રહ્યું. જાપાનના બેલ્ટ એન્ડ રોડ પ્રૉજેક્ટનું નામ 'પાર્ટનરશીપ ફોર ક્વૉલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ છે, જેમાં તે બીજા દેશોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેમની સાથે વેપાર વધારવા માગે છે. (જાપાને ભારતને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે આપેલી લોન આ પ્રૉજેક્ટ અંતર્ગત હતી.)
પરંતુ મહત્ત્વનો ફરક દાનતનો છે. આજનું જાપાન ભૂતકાળનું સામ્રાજ્યવાદી જાપાન રહ્યું નથી, જ્યારે ચીનના મનમાં પોતાની પ્રાચીન ભવ્યતાનો અને તેને ફરી સાકાર કરવાનો ખ્યાલ છે. તે માટે ખર્ચવાં પડે એટલાં નાણાં તેની પાસે છે. (ઉપરાંત એશિયાઈ અને વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓની લોન પણ ખરી.) ચીનનો મુકાબલો કરવાનું આજે ભારતને જ નહીં, અમેરિકા જેવા અમેરિકાને કાઠું પડે તેમ છે. ઘણા સમયથી ચીને ભારતના પાડોશી દેશોમાં યેનકેનપ્રકારે પોતાનાં થાણાં જમાવવાનો વ્યૂહ અપનાવ્યો છે અને તેમાં ભારે સફળતા પણ મેળવી છે. આજે ભારતના તમામ સાખપાડોશી દેશોના મોટા માળખાકીય પ્રૉજેક્ટ ચીનની લોનથી ચાલે છે કે પછી લોન ભરપાઈ નહી કરી શકવાને કારણે ચીનને તેમાં ભાગીદાર બનાવી દેવાયું છે. નેપાળ છેલ્લો પાડોશી દેશ હતો, જે ચીન કરતાં ભારત સાથે વધારે સંબંધ ધરાવતો હતો. આ સંબંધો કથળી રહ્યા હતા, પણ વર્તમાન વડાપ્રધાનના રાજમાં ચીન નેપાળ સાથે સંયુક્ત લશ્કરી કવાયતો કરતું અને પોતાના અગત્યના પ્રૉજેક્ટ ચીનને સોંપતું થઈ ગયું.
નેપાળ ચીનના ખોળે ગયું, તેમાં બધો દોષ વર્તમાન વડાપ્રધાનનો નથી. પરંતુ ભૂકંપગ્રસ્ત નેપાળને કરેલી મદદ બાબતે વડાપ્રધાન મોદી તેમની કુખ્યાત પ્રચારપટુતા બતાવવા ગયા. તેનાથી સંબંધોને વણસવાનું વધુ એક મજબૂત કારણ મળ્યું. નેપાળના અપવાદને બાદ કરતાં, ચીનના ભરડા બાબતે વડાપ્રધાનની વિદેશનીતિ યથાયોગ્ય રહી છે. તેમણે બાંગલાદેશ, શ્રીલંકા, મોંગોલિયા અને જાપાન જેવા દેશો સાથે સંબંધ વધારીને, જરૂરતમંદ દેશો માટે શક્ય હોય ત્યાં આર્થિક મદદ કરીને ચીનનો ઘેરો હળવો કરવાનો પ્રયાસ કર્યો છે. હમણાં તે શ્રીલંકાની મુલાકાતે જઈ આવ્યા. કારણ કે ચીન ત્યાં પણ પેસી ચૂક્યું છે અને કેટલાંક મહત્ત્વનાં સ્થાનો-માળખાકીય સુવિધામાં હાજરી ધરાવે છે.
આમ, વર્તમાન સરકારની ચીનવિષયક નીતિ અને તે અંગેની જાગ્રતતા સારાં છે, પરંતુ ચીનના ખેલનો પથારો એટલો મોટો છે કે તેમાં એક સપને સવાર પડે એમ નથી. વડાપ્રધાન તેમના કાર્યકાળની શરૂઆતમાં ચીન ગયા ત્યારે જે રીતે ઘરઆંગણે 'છાકો પાડી દીધો'નું વૃદગાન ચાલ્યું હતું, તેની બાલિશતા પછીના દિવસોમાં સમજાઈ જવી જોઈએ. સાથોસાથ, એ પણ સમજવું પડે કે OBOR પ્રૉજેક્ટ અને એકંદરે ચીન દુશ્મન હોવા છતાં તેની સાથે ખુલ્લેઆમ દુશ્મનાવટ રાખવાનું શક્ય નથી. માટે, ચીનની કુટિલ નીતિઓ સાથે પનારો પાડવા માટે પક્ષીય નહીં, રાષ્ટ્રિય નીતિ નક્કી કરવાનું જરૂરી છે. તેને પાઠ ભણાવવા કામચલાઉ વટ પાડી દેનારાં લોકરંજની પગલાં લેવાને બદલે, લાંબા ગાળાના ભવિષ્યની રીતે સાતત્યપૂર્ણ એવી રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવાનું વધારે ઉપયોગી છે.

Labels:
China,
international affairs
Wednesday, May 10, 2017
વ્હાઇટ હેલ્મેટ્સઃ સિરીયાના ઇસ્લામી બચાવસૈનિકો
ગુજરાતના વિસ્તાર કરતાં પણ ઓછો વિસ્તાર ધરાવતો દેશ સિરીયા છેલ્લાં છ વર્ષથી ભયાનક આંતરિક યુદ્ધનો શિકાર છે. પહેલી કઠણાઈ એ કે સિરીયા/Syriaમાં સરકારના નામે સરમુખત્યાર-પ્રમુખ અસદનું રાજ છે. પોતાના નાગરિકો પણ ઝેરી વાયુ છોડવા માટે નામીચા અસદને પુતિનના રશિયાનો અડીખમ ટેકો છે. તેમની સામે પડેલા વિદ્રોહી સૈનિકો પણ મોટા પ્રદેશો પર કબજો ધરાવે છે. અલબત્ત, દેશના વસ્તી ધરાવતા વિસ્તારોમાં સૌથી મોટો પ્રદેશ કુર્દ દળોને હસ્તક છે. આટલો ડખો ઓછો હોય તેમ, ISIS અને અલ-કાઈદામાંથી છૂટું પડેલું એક જૂથ—એમ બબ્બે ત્રાસવાદી જૂથો સિરીયાના કેટલાક હિસ્સા પર કબજો જમાવીને બેઠાં છે. તેમાં સૌથી બળુકું અને ઘાતકી ISIS છે, જે ધર્મપાલનના નામે આતંક મચાવે છે અને લોકોની કતલ કરે છે. સિરીયાનો કેટલાક હિસ્સા પર પાડોશી દેશ તુર્કીની પકડ છે. અમેરિકા પ્રમુખ અસદની સામેની છાવણીમાં છે. એટલે જૂજ વિસ્તારો અમેરિકી સૈન્યના પ્રભાવમાં છે.
માલિકી માટેની આવી હિંસક ખેંચતાણમાં સૌથી વધારે મરો કોઈનો થતો હોય, તો એ સ્થાનિક લોકોનો. લાખો લોકો સિરીયામાં પોતાનાં ઘરબાર છોડીને નિરાશ્રિત તરીકે બીજા દેશોમાં જાય છે. એક અંદાજ પ્રમાણે આશરે ત્રણેક લાખ બાળકોનો તો જન્મ જ નિરાશ્રિત તરીકે થયો છે. બીજા અનેકો (સરકાર સહિતનાં) હિંસક જૂથોની લોહીયાળ લડાઈમાં રહેંસાઈ જાય છે. પ્રમુખ અસદનાં દળો કે તેમનાં જોડીદાર એવાં રશિયાનાં વિમાનો વિદ્રોહીઓના પ્રદેશો પર બૉમ્બમારો કરે ત્યારે મકાનોનાં મકાનો કડડભૂસ થાય છે, તેની નીચે લોકો દટાય છે અને વગર ધરતીકંપે માનવસર્જિત ધરતીકંપ જેવાં કરુણ દૃશ્યો સર્જાતાં રહે છે. પોતાનો જીવ બચાવવાનાં ફાંફાં હોય, એવા દેશમાં બીજાનો જીવ બચાવવાની કોને ફુરસદ હોય? ને એવી વૃત્તિ પણ કોની હોય?
આ સવાલનો જવાબ છેઃ એવા એક-બે નહીં, ત્રણેક હજાર લોકો છે, જે પોતાના જીવનું જોખમ ખેડીને, અવનવા આરોપોનો સામનો કરીને, ધર્મના નામે માનવતાનું કામ કર્યે રાખે છે. આ લોકો માથે સફેદ રંગની હેલ્મેટ પહેરીને કાટમાળમાંથી લોકોને બચાવવાનું કામ કરતા હોવાથી તેમનું નાગરિકજૂથ 'વ્હાઇટ હૅલ્મેટ્સ’/ White Helmetsના નામથી ઓળખાય છે (જેમ આઝાદી પહેલાં સરહદ પ્રાંતમાં બાદશાહખાનની આગેવાની હેઠળ અહિંસક લડત આદરનારા લડવૈયા- ‘ખુદાઈ ખિદમતગાર’-- 'રેડ શર્ટ'ના નામે ઓળખાતા હતા.) ખૂબીની વાત એ છે કે જે ઇસ્લામને આગળ કરીને ISISના ત્રાસવાદીઓ ઘાતકીમાં ઘાતકી કૃત્યો આચરે છે, એ જ ઇસ્લામમાંથી 'વ્હાઇટ હૅલ્મેટ્સ’ લોકોના જીવ બચાવવાની પ્રેરણા મેળવે છે. ઇસ્લામમાંથી તેમણે ગ્રહણ કરેલો બોધપાઠ છેઃ 'એક વ્યક્તિની પણ જિંદગી બચાવો, તે આખી માનવતાને બચાવ્યા બરાબર છે.’ આ જૂથમાં મહિલાઓ પણ સામેલ છે.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું કામ કેવું ખતરનાક છે તેનું તાજું ઉદાહરણઃ ઍપ્રિલ29, 2017ના રોજ થયેલા એક હવાઈ હુમલામાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથના આઠ સભ્યો માર્યા ગયા. જ્યાં શબ્દાર્થમાં આટલાં લશ્કર લડતાં હોય ત્યાં હુમલો કોણે કર્યો, એ વિવાદનો વિષય છે. પરંતુ નોકરીના કે સરકારી આદેશના ભાગરૂપે નહીં, ધર્મકાર્ય લેખે બીજાની જિંદગી બચાવવા જનારા આ બહાદુરોમાંથી આઠ ઓછા થયા એ નક્કર હકીકત છે. અત્યાર લગી જૂથે 140થી પણ વધુ સભ્યો ગુમાવ્યા છે. છતાં તેમની નિષ્ઠા મોળી પડી નથી.
સિરીયામાં સૈન્યના એક હિસ્સાએ સરમુખત્યાર અસદ સામે સશસ્ત્ર બળવો પોકાર્યો અને દેશના વિસ્તારો કબજે કર્યા, ત્યારે બળવાખોરો સામેની જવાબી કાર્યવાહી તરીકે અસદે હવાઈ હુમલા કર્યા. 2012ના અંત-2013ની શરૂઆતમાં અસદનાં દળો દ્વારા થતા હુમલા અને તારાજીનું પ્રમાણ વધવા લાગ્યું, ત્યારે બળવાખોરોની નહીં, પણ સ્થાનિક લોકોની પહેલથી 'સિરીયન સિવિલ ડીફૅન્સ'નામે નાગરિકજૂથની સ્થાપના થઈ. તે સમય જતાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ તરીકે વધુ જાણીતું બન્યું. તેમનો આશય હતોઃ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના, ભોગ બનેલા સૌના જીવ બચાવવાની કોશિશ કરવી. આ પ્રયાસમાં અત્યાર લગીમાં આશરે સાઠેક હજારથી પણ વધુ માણસોના જીવ તે બચાવી ચૂક્યા છે.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું ઉમદા કામ છાનું કે અછતું રહ્યું નથી. અહેવાલો પ્રમાણે, નૉબેલ શાંતિ પારિતોષિક માટે તેમનું નામ યાદીમાં હતું અને એ સિવાયનાં કેટલાંક મોટાં સન્માન આ જૂથને મળ્યાં છે. તેમની કામગીરી પરથી ગયા વર્ષે બનેલી દસ્તાવેજી ફિલ્મ ‘ધ વ્હાઇટ હૅલ્મેટ્સ’ને આ વર્ષે શ્રેષ્ઠ ડૉક્યુમૅન્ટરી તરીકેનો ઑસ્કાર ઍવોર્ડ પણ મળ્યો. અલબત્ત, રાજકીય વક્રતા એ હતી કે આ ડૉક્યુમૅન્ટરીના સિનેમૅટોગ્રાફર ખાલેદ ખાતિબને ટ્રમ્પનીતિ અંતર્ગત અમેરિકાનો વિઝા મળ્યો નહીં. એટલે તે ઑસ્કારના સમારંભમાં હાજર ન રહી શક્યા. આ વર્ષે રજૂ થયેલી દસ્તાવેજી ફિલ્મ 'લાસ્ટ મૅન ઇન અલેપ્પો’ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ના પ્રેરણાદાયી કામને ઉજાગર કરે છે.
પરંતુ બધા ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’થી રાજી નથી. સિરીયાના પ્રમુખ અસદ અને તેમના મળતીયા વારેઘડીએ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ની ટીકા કરે છે. તેમને પેટમાં એ દુઃખે છે કે બળવાખોરોનો કબજો ધરાવતા વિસ્તારોમાં આ લોકો સેવાકાર્ય કરે છે. વાસ્તવમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ આવો કશો ભેદભાવ રાખતા નથી. પરંતુ અસદનું શાસન ધરાવતા વિસ્તારોમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને કામ કરવાની છૂટ નથી. એવી જ રીતે, અસદને ટેકો આપનારા રશિયાના રાજનેતાઓ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ વિશે અવનવા આરોપો કરે છે. ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ અલ-કાઈદા જેવા ત્રાસવાદી જૂથના મળતીયા છે અને તે ખુવારીની તથા બચાવની ખોટેખોટી તસવીરો રજૂ કરીને--અથવા એકની એક તસવીર વારંવાર વાપરીને--અસદને બદનામ કરવાની કોશિશ કરે છે, એવી થિયરી અને તેની પરથી લખાયેલા લેખ ઇન્ટરનેટ પર મોટા પ્રમાણમાં મળી રહે છે. તેની સામેનો કુપ્રચાર એટલો વૈવિધ્યપૂર્ણ અને વ્યાપક રીતે ચાલ્યો કે ટૅકનૉલોજીના ખ્યાતનામ સામયિક ‘વાયર્ડ’ની વેબસાઇટ પર આ કુપ્રચાર વિશે એક લેખ પ્રગટ થયો છે. તેમાં એ હકીકત પર ભાર મૂકવામાં આવ્યો છે કે માહિતીવિસ્ફોટ અને સોશ્યલ મિડીયાના જમાનામાં એક સાચકલી વસ્તુ વિશે કેટલી અસરકારકતાથી અને કેટલા મોટા પાયે જૂઠાણાં ફેલાવી શકાય છે. એક જૂઠાણાંબાજે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને ઑસ્કાર મળ્યો ત્યારે ઓસામા બિન લાદેન માથે સફેદ હૅલ્મેટ અને હાથમાં ઑસ્કાર ઍવોર્ડની પ્રતિમા સાથે ઊભો હોય એવું કાર્ટૂન બનાવ્યું હતું.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથની તકલીફ એક જ છે કે તેને કોઈ રાજકીય ગઠબંધન નથી. તેની વેબસાઇટ પર જાહેર કરાયેલો તેનો ધ્યેયમંત્ર છેઃ 'અમે નિષ્પક્ષ રીતે, વહેરાઆંતરા વગર અને સિરીયાના બધા લોકો માટે કામ કરીએ છીએ.’ પરંતુ સત્તાની આંતરરાષ્ટ્રીય સોગઠાંબાજીમાં અસલી સિરીયાની--એટલે કે સિરીયાના લોકોની વાત કોને ગમે? શરૂઆતમાં ધરતીકંપમાં બચાવકામનો અનુભવ ધરાવતી સંસ્થા પાસેથી તાલીમ મેળવનાર ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ સિરીયામાં બૉમ્બમારો અને યુદ્ધ અટકાવીને સામાન્ય માણસને તેની સામાન્ય જિંદગી પાછી આપવા માગે છે. તેમનો રસ્તો ઘણો લાંબો છે--અને ઇરાદાપૂર્વક પાથરવામાં આવતા જૂઠાણાંના કાંટાથી આચ્છાદિત. પરંતુ આટલી કારુણી વચ્ચે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ ઇસ્લામનો જે પેગામ આપે છે, તે મુસ્લિમોએ અને બીજા ધર્મીઓએ પણ અંકે કરવા જેવો છે.

film/ફિલ્મ,
international affairs,
muslims
Wednesday, April 19, 2017
અશાંતિના 'અપશુકન' કરાવતું મહાસત્તાઓનું ત્રેખડ
જેમ્સ બોન્ડની ફિલ્મોના વિશ્વનું એક સુખ હતુંઃ બીજા વિશ્વયુદ્ધ પછી રશિયા-અમેરિકા વચ્ચેના શીતયુદ્ધનો જમાનો, પરમાણુ હથિયારોથી સજ્જ માથાભારે મહાસત્તા રશિયાની વિલનગીરી અને ત્રીજું વિશ્વયુદ્ધ-દુનિયાની તબાહી અટકાવવા મેદાને પડેલાં બ્રિટન-અમેરિકા. સોવિયેત રશિયાના વિઘટન પછી તેના મહાસત્તા તરીકેના દબદબાનો અંત આવ્યો. દ્વિધ્રુવી વિશ્વમાં ફક્ત એક જ ધ્રુવ રહી ગયોઃ અમેરિકા. ત્યાર પછીની બોન્ડ ફિલ્મોમાં ઉત્તર કોરિયા જેવા દેશોનો વિલન તરીકે પ્રવેશ થયો, જેના ઘાતકી અને સત્તાલોભી સરમુખત્યારો આધુનિક ટેકનોલોજીની મદદથી વિનાશ વેરવા માગતા હોય.
પરંતુ હવે જેમ્સ બોન્ડ પણ ગુંચવાઈ જાય એવા સંજોગો વાસ્તવિક વિશ્વમાં પેદા થયા છે. બોલ્યા પ્રમાણે કરી બતાવવું એ હંમેશાં સદગુણ નથી હોતો--એવો બોધપાઠ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ઉપરથી મળ્યો છે. ટ્રમ્પનું ચરિત્ર જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વિલન તરીકે આબાદ બંધ બેસે એવું છેઃ ફક્ત બેફામ બોલવાની રીતે નહીં, રીઆલીટી ટીવી સ્ટાર અને અબજોપતિ તરીકે સાવ નજીકના ભૂતકાળમાં તેમનાં કારનામાંથી પણ.
જેમ કે, રેસલિંગ (કુસ્તી)ના નામે ચાલતા ફારસમાં દસ વર્ષ પહેલાં ટ્રમ્પ અને બીજા અબજપતિ મેકમોહને શરત મારી કે તેમના પહેલવાનો લડે અને જેનો પહેલવાન જીતે તે અબજપતિએ સામેવાળા અબજપતિનો ટકો કરવાનો. ટ્રમ્પનો પહેલવાન જીતી ગયો. એટલે ટ્રમ્પ અને તેમના પહેલવાને ભેગા મળીને મેકમોહનને ખુરશી પર બાંધીને અસ્ત્રા વડે તેમનો જે રીતે ટકો કર્યો, તે દૃશ્યો જોવાલાયક છે. એમ કરતાં પહેલાં ટ્રમ્પ જે રીતે મેકમોહન પર ધસી જાય છે અને તેમને પછાડીને મુક્કા મારે છે એ દૃશ્ય, જોયા પછી પણ માનવાનું મન ન થાય એવું છે. કબૂલ કે અમેરિકાના મનોરંજન જગતમાં આવું બધું ચાલતું હોય છે, પણ છીછરી હરકતોમાં આટલી હોંશથી ભાગ લેનાર ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ છે એ ગળે ઉતારવું અઘરું છે. (Youtubeમાં Trump, Macmohan, Shaving આ ત્રણ શબ્દો નાખવાથી એ ધન્ય ક્ષણો જોવા મળશે.)
જેમ્સ બોન્ડની ફિલ્મોમાં વિલનગીરીના મજબૂત દાવેદાર તરીકે ટ્રમ્પ એકલા નથી. પુતિનના શાસન હેઠળ રશિયા ફરી એક વાર બોન્ડ ફિલ્મોમાં વિલનનો પાઠ મેળવી શકે એવું બન્યું છે. રશિયા અમેરિકા જેટલું સમૃદ્ધ નથી, પણ તેના પ્રમુખ પુતિન દાંડાઈ, મહત્વાકાંક્ષા અને ચબરાકીના કાતિલ સંયોજન ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘ(UN)માં 'વીટો' ધરાવે છે. તે ગમે તેવા દાંડ દેશનું ઉપરાણું લઈને, તેના વિરોધમાં થતા આંતરરાષ્ટ્રીય ઠરાવોનો વીંટો વાળી શકે છે. માથાભારે પુતિને સોવિયેત રશિયાના ભૂતપૂર્વ ઘટક જેવા યુક્રેન અને ક્રિમીયામાં લશ્કરી જોરજબરદસ્તીથી અડિંગા જમાવ્યા છે. ઓબામાના શાસન હેઠળ અમેરિકાએ તેમની સામે પ્રતિબંધો લાદ્યા હતા. ત્યાર પછી પ્રમુખપદની ચૂંટણી વખતે પુતિન (સ્વાભાવિક કારણોસર) ટ્રમ્પના પ્રશંસક હતા. તેમને લાગતું હતું કે ટ્રમ્પ સાથે તેમનું બરાબર ભળશે અને રશિયા-અમેરિકાની વર્ષોજૂની હુંસાતુંસી સમાપ્ત થશે. ટ્રમ્પના પુતિન સાથેના સંબંધ હંમેશાં આરોપોનો વિષય રહ્યા છે. પુતિને અમેરિકાની ચૂંટણીમાં રસ લઈને દૂરથી શક્ય એટલો દોરીસંચાર કર્યો હોવાનો આરોપ છે. ટ્રમ્પ અને પુતિનની જુગતજોડી શરૂઆતમાં તો જામી હોય એવું લાગ્યું હતું. સિરીયના આંતરિક યુદ્ધે તેમને જાહેર દોસ્તી માટેની તક પૂરી પાડી.
સિરીયામાં 2011થી શરૂ થયેલા આંતરયુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા છે, લાખો જીવ બચાવવા માટે પહેરેલા કપડે સિરીયા છોડીને નિરાશ્રિત તરીકે ભાગ્યા છે. છતાં હજુ યુદ્ધનો અંત આવતો નથી. તેમાં એક તરફ સરમુખત્યાર-પ્રમુખ અસદ છે. તેની સામે વિરોધ કરનાર સ્થાનિક વિદ્રોહીઓ છે અને ત્રીજો પક્ષ છે ત્રાસવાદી સંગઠન ISIS. આ ત્રણે પક્ષો એકબીજા સામે લડે છે અને તેમાં નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય છે. આટલો ગુંચવાડો ઓછો હોય તેમ, વિશ્વના દેશોએ સિરીયાને પોતાની ચોપાટનું મેદાન બનાવી દીધું છે. કારણ કે અખાતી દેશો પાસે જે નથી, તે દરિયાકિનારો અને એ રસ્તે યુરોપ સાથે વેપાર કરવાની તક સિરીયા પાસે છે.
ભૂમધ્ય સમુદ્રમાં પોતાનો પગદંડો રાખવા માટે રશિયાને સિરીયામાં રસ છે. તે પહેલેથી અસદની પડખે રહ્યા છે અને સક્રિય લશ્કરી ટેકો પૂરો પાડ્યો છે. ઇરાન-ઇરાક-સિરીયાની શિયા મુસ્લિમ ધરી સાથે રહેલા પુતિન ઇરાનના ગેસભંડારોને યુરોપ સુધી પહોંચાડતી પાઇપલાઇનમાં રસ ધરાવે છે, ગેસના મોટા ભંડાર ધરાવતું રશિયા પણ યુરોપના દેશોને મોટા પ્રમાણમાં ગેસનો પુરવઠો પૂરો પાડે છે. ઇરાન-ઇરાક-સિરીયાની ધરી તેમની સાથે મળી જાય, તો તેમની તાકાત અનેક ગણી વધી જાય. આ ઉપરાંત ISIS અને ઇસ્લામના નામે ચાલતો આતંકવાદ ઘરઆંગણે ન પહોંચે તેનો પણ ખ્યાલ પુતિનને હોવાનું કહેવાય છે.
અલબત્ત, સિરીયામાં રહેલાં રશિયાનાં દળો ફક્ત ISISની જ નહીં, અસદવિરોધી બળવાખોરોની પણ સામે છે. અસદ પર પોતાના નાગરિકો સામે રાસાયણિક શસ્ત્રો વાપરવાનો આરોપ પહેલી વાર મુકાયો, ત્યારે તત્કાલીન પ્રમુખ ઓબામાએ કહ્યું હતું કે અસદે 'હદ (રેડ લાઇન) ઓળંગી છે.’ ત્યારે રશિયાએ સિરીયાનાં રાસાયણિક શસ્ત્રો મૂકાવીને, વૈશ્વિક મહાસત્તા તરીકે નવેસરથી ઊભી થઈ રહેલી પોતાની ભૂમિકાને ઘાટી કરી આપી હતી. સિરીયાના મુદ્દે ટ્રમ્પ-પુતિન એક થવાની હવા બંધાઈ હતી, પણ ટ્રમ્પે રાસાયણિક શસ્ત્રો વાપરવાના આરોપસર સિરીયા પર મિસાઇલ હુમલો કરાવ્યા પછી, બન્ને વચ્ચેના સંબંધ તળીયે પહોંચ્યા છે--અને બન્ને પક્ષો તરફથી એ મતલબનાં જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યાં છે. આમ, જે સિરીયાના મુદ્દે રશિયા-અમેરિકા ભેગાં થાય તેમ હતાં, એ જ સિરીયાને આગળ કરીને રશિયા-અમેરિકા લડી પડે એવી સંભાવના ઊભી થઈ છે.
અને આ કમઠાણમાં હજુ ઉત્તર કોરિયા-ચીનની વાત તો કરી જ નથી. અમેરિકાને ગાંઠ્યા વિના પરમાણુશસ્ત્રોના માર્ગે આગળ વધી રહેલું ઉત્તર કોરિયા ફક્ત ચીનનું થોડુંઘણું સાંભળતું હોવાની છાપ છે. એટલે, ટ્રમ્પ ઉત્તર કોરિયાને કાબૂમાં રાખવા માટે તે ચીનનો સાથ ઇચ્છે છે. આમ કરીને તેમણે બે મોટા નીતિપલટા માર્યા છેઃ એક તો, ચૂંટણીપ્રચાર વખતે તેમણે ચીન પર અમેરિકાની નોકરીઓ છીનવી લેવાનો આરોપ મૂક્યો હતો અને બીજો વધારે ગંભીર આરોપ અમેરિકાની ચીજવસ્તુઓની નકલનો હતો. તેના માટે તે ચીનને કોર્ટમાં ઢસડી જવાની શેખી મારી ચૂક્યા હતા. બીજું, આંતરરાષ્ટ્રીય શતરંજમાં પણ તે રશિયા સાથે દોસ્તીની અને ચીનને દૂર રાખવાની વાત કરતા હતા. તેને બદલે હવે તે ચીન સાથે દોસ્તી અને રશિયા સાથે દુશ્મની ઊભી કરી રહ્યા છે.
ટ્રમ્પ અને પુતિનની સરખામણીમાં ચીન તેમના જેટલું જ બળુકું, પણ તેમનાથી ઘણું વધારે ખંધું પુરવાર થયું છે. તેની પાસે પરમાણુશસ્ત્રોનો જ નહીં, વિદેશી હુંડિયામણનો અઢળક ભંડાર છે અને તેની વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાનો પાર નથી. ઉત્તર કોરિયાને કાબૂમાં રાખવા ચીનનો સહકાર ઇચ્છતા ટ્રમ્પે ચીનનાં બીજાં અનેક આંતરરાષ્ટ્રીય દુઃસાહસો સામે આંખ આડા કાન કરવાના થાય. આમ, વિશ્વની ત્રણ મહાસત્તાઓ અત્યારે એકબીજાની સામે ને સાથેના પેંતરા બદલી રહી છે, પણ તેમની રમતમાં વિશ્વનો ખો નીકળે એ નક્કી છે.

Wednesday, June 22, 2016
રાજન અને બ્રિટન : લોકશાહીનો તફાવત
કેટલીક ઘટનાઓ લાંબાંલચક
નામને બદલે ટૂંકા અને મૌલિક શબ્દપ્રયોગોથી જાણીતી બને છે. જેમ કે, રીઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજનની વિદાય પહેલાં, તે બીજી મુદત માટે રહેશે કે નહીં તેની ઘણી ચર્ચા ચાલી. આ
બન્ને વિકલ્પો માટે એક જ મૌલિક પ્રયોગ બન્યો : Rexit/‘રૅક્ઝિટ’-- ‘રીઅપોઇન્ટમૅન્ટ’(પુનઃનિયુક્તિ) અને ‘ઍક્ઝિટ’(વિદાય).
આંતરરાષ્ટ્રિય ખ્યાતિ
ધરાવતા અર્થશાસ્ત્રી રાજન સામે સુબ્રમણિયન્ સ્વામી જેવા બેફામ બોલનારા ભાજપી
નેતાથી માંડીને એસ.ગુરુમૂર્તિ પ્રકારના ‘સ્વદેશી’
આગેવાનોને વાંધા હતા. સ્વામીએ રાજન વિશે બખાળા કાઢવાનું
ચાલુ રાખ્યું,
ત્યારે વડાપ્રધાન કે તેમની છાવણીમાંથી કોઇએ આ બાબતે રાજનની
પડખે ઊભા રહેવાપણું જોયું નહીં. સ્વતંત્ર મિજાજ ધરાવતા રાજને વિદાયની જાહેરાત કરી, ત્યાર પહેલાં વડાપ્રધાન આ મુદ્દાને ‘વહીવટી નિર્ણય’ ગણાવી ચૂક્યા છે.
આવા કિસ્સામાં જે દેખાય છે, તેની પાછળ ખરેખર
શું રંધાયું હશે,
એ કલ્પવું અઘરું હોય છે. પરંતુ રાજનને જવા દેવામાં
સરકારપક્ષે દેશહિતની કોઇ ગણતરી કામ કરતી હોય, એવું અત્યારે લાગતું નથી.
‘રાજનની વિદાય પછી બધું રસાતાળ થશે ને અર્થતંત્ર ખાડે જશે’--એવું સરળીકરણ કરવાની અને ‘અરર...આપણું શું થશે?’ એવી મુદ્રામાં
સરી પડવાની જરૂર નથી. છતાં એ થઇ રહ્યું છે, એનાં ઘણાં કારણોમાં રાજનની સારી કામગીરીથી માંડીને તેમની શૈક્ષણિક લાયકાત અને
સારો દેખાવ સુદ્ધાં કારણભૂત હોઇ શકે છે. ઉપરાંત, વ્યક્તિપૂજાની આપણી સંસ્કૃતિ તો ખરી જ. રાજનના પ્રદાનને ઓછું આંક્યા
વિના-તેમની કામગીરીની મહત્તામાં ઘસરકો પાડ્યા વિના, એટલું સમજવું પડે કે તેમનાં કામ હવે પછીના ગવર્નર પણ આગળ વધારી શકે છે. પરંતુ
જે રીતે રાજનની વિદાય જણાય છે, એ ચિંતાનો ખરો
મુદ્દો છે.
કાર્યકુશળતા અને
ગુણવત્તાનાં ગુણગાન ગાવામાં ઉત્સાહી વડાપ્રધાન રાજન જેવા તેજસ્વી અને સારી કામગીરી
કરનારા માણસના પડખે કેમ ન રહી શકે? પોતાના પક્ષના
માણસો રાજન વિશે એલફેલ બોલતા હોય, ત્યારે વડાપ્રધાન
રાજનને સુરક્ષાછત્ર પૂરું પાડી ન શકે? રાજનના જવાથી
ભારત ડૂબી નહીં જાય, એવું કહેતી વખતે એ પણ
વિચારવું જોઇએ કે રાજનની કામગીરીમાં કશી કસર ન હોવા છતાં, તેમને જવું શા માટે પડ્યું? જશ લેવાની બાબતમાં એકલપેટા વડાપ્રધાનને રાજનની લોકપ્રિયતા ખટકતી હતી, એવું એક અનુમાન છે. આવી બીજી અટકળો પણ થવાની--અને
વડાપ્રધાનનો ‘હું કરું, હું કરું’પ્રેમ ઘ્યાનમાં રાખતાં, એ તાર્કિક પણ લાગવાની.
રાજન જેવા તેજસ્વી
માણસને સાથે રાખવાથી વડાપ્રધાનની આબરૂ વધે કે ઘટે? એનો આધાર વડાપ્રધાન પોતાના જયજયકાર માટે કામ કરે છે કે દેશ માટે--એની પર છે.
ભાષણોમાં ને અવનવી યોજનાઓમાં ગવર્નન્સના-ગુણવત્તાના દાવા કરવા એક વાત છે અને ખરેખર
એવા એવા માણસો મળે ત્યારે તેમને દેશહિતમાં જીરવવા એ બીજી વાત છે. રાજનના કિસ્સામાં
વડાપ્રધાન એ કસોટીમાં ઉઘાડા પડી ગયા છે.
વડાપ્રધાનની માનસિકતા
માટેની આશંકા સાચી પડી, એ બાબતે ટીકાકારોએ ખુશ નહીં, દુઃખી જ થવાનું રહે છે. તેનાથી ફરી એક વાર અહેસાસ થાય છે કે
વિદેશોમાં ડહાપણની ગંગા વહાવનારા વડાપ્રધાન ઘરઆંગણે અગત્યના નિર્ણયોમાં સ્વ-મોહ કે
સંકુચિત રાજકારણ કે બન્નેથી ઉપર ઉઠી શકતા નથી. પરિણામે, ‘રૅક્ઝિટ’ જેવા મુદ્દા ઊભા
થાય છે.
‘રૅક્ઝિટ’ શબ્દ ‘બ્રૅક્ઝિટ’(બ્રિટનની
ઍક્ઝિટ)ના અનુકરણમાં આવ્યો છે. ૨૮ દેશોના સમુહ ‘યુરોપીઅન યુનિઅન’માંથી બ્રિટને નીકળી
જવું કે રહેવું,
એ સવાલ Brexit/ ‘બ્રૅક્ઝિટ’ તરીકે જાણીતો બન્યો છે. અગાઉ ગ્રીસની યુરોપીઅન યુનિઅનમાંથી
બહાર નીકળવાની સંભાવના માટે Grexit/ ‘ગ્રૅક્ઝિટ’ જેવો શબ્દ પ્રયોજાયો હતો. હવે આ ગુરુવારે ‘બ્રૅક્ઝિટ’ના મુદ્દે
બ્રિટનમાં લૉકમત યોજાવાનો છે. યુરોપીઅન યુનિઅનમાં હોવા છતાં, બ્રિટને પોતાનું જુદું ચલણ (પાઉન્ડ) જાળવી રાખ્યું હતું.
પરંતુ બ્રિટનનાઘણા લોકોને લાગે છે કે આટલું પૂરતું નથી અને બ્રિટને યુરોપીઅન
યુનિઅન જોડેથી સદંતર છેડો ફાડી નાખવો જોઇએ. વડાપ્રધાન ડૅવિડ કૅમેરૉને યુરોપીઅન
યુનિઅનથી અલગ થવાના મુદ્દે લોકમત યોજવાનું વચન ગઇ ચૂંટણી વખતે આપ્યું હતું, જેનો અમલ આખરે થઇ રહ્યો છે.
બ્રિટનમાં એક પ્રબળ મત
એવો છે કે યુનિઅનમાં રહેવાથી બ્રિટનને ફાયદા કરતાં નુકસાન વધારે છે. બ્રિટન દર
વર્ષે જે આપે છે એના કરતાં ઘણું ઓછું મેળવે છે (કેમ કે, યુનિઅનના બીજા ગરીબ દેશો તેનો લાભ લઇ જાય છે) બહારથી આવતા
લોકોની મોટી સમસ્યા છે. યુરોપના કોઇ એક દેશમાં સત્તાવાર પ્રવેશ મળી જાય, એટલે એ બ્રિટનમાં પણ આવી શકે છે. બ્રિટનની અલાયદી મહત્તા
રહેતી નથી. તે ૨૮ દેશોના ટોળામાંનું એક બની રહે છે. તો આવો ધંધો શા માટે કરવો જોઇએ?
બ્રિટનના વડાપ્રધાન
કૅમેરોન સહિત ઘણા માને છે કે યુનિઅનમાં રહેવામાં બ્રિટનને લાભ છે. કારણ કે
બ્રિટનનો માલ બીજા યુરોપી દેશોમાં બેરોકટોક વેચાય છે. બીજા દેશોમાંથી કામ માટે
આવતા લોકો બ્રિટન અર્થતંત્રની ગતિમાં ઊંજણ-બળતણ રેડે છે. યુરોપીઅન યુનિઅનમાં ખાસ, અલાયદો દરજ્જો મેળવવા બ્રિટન વાટાઘાટ કરી રહ્યું છે અને તે
યુરોનું ચલણ સ્વીકારવાનું નથી. તો પછી શા માટે અલગ થવું? અમેરિકા જેવો સાથી દેશ અને ફ્રાન્સ-જર્મની જેવા યુરોપીઅન
યુનિઅનના દેશો પણ બ્રિટનનો વિચ્છેદ ઇચ્છતા નથી.
નોંધપાત્ર બાબત એ છે કે
આ ચર્ચા રાજકીય પક્ષોની છાવણીઓમાં વહેંચાયેલી નથી. મુખ્ય પક્ષોના સાંસદો-આગેવાનો આ
મુદ્દે વિભાજિત છે. માટે, લોકમતને લગતો
પ્રચાર પક્ષઆધારિત નથી. આવા મુદ્દે લોકોની ઇચ્છા જાણીને તે મુજબ નિર્ણય લેવામાં
આવે,
એવું ભારતમાં તો બનતું નથી. પણ લોકશાહીની ઊંડી પરંપરા
ધરાવતા બ્રિટનમાં એ શક્ય છે. થોડા વખત પહેલાં ગ્રેટ બ્રિટનથી અલગ પડવાના મુદ્દે
સ્કૉટલૅન્ડમાં લોકમત યોજાયો હતો. તેમાં ૫૪ ટકા લોકોએ ગ્રેટ બ્રિટનની સાથે રહેવાનું
પસંદ કરતાં,
સ્કૉટલૅન્ડ બ્રિટનથી અલગ પડતાં રહી ગયું. એવી જ રીતે, ગુરુવારના લોકમતમાં યુરોપીઅન યુનિઅનમાં રહેવા અંગે બ્રિટનના
લોકોની મરજી વિશે ખબર પડશે. બંધારણીય દૃષ્ટિએ, લોકમતનું પરિણામ બંધનકર્તા હોતું નથી. તેને ખરડા તરીકે સંસદમાં પસાર કર્યા પછી
જ અમલી બનાવી શકાય. પરંતુ સ્પષ્ટ લોકમત મળ્યા પછી તેનો અમલ ન થાય, તો સરકાર વિશ્વસનીયતા ગુમાવી બેસે છે અને તેના માટે રાજ કરવું
અઘરું બને. એટલે,
લોકમતને ચૂંટણી જેટલી જ ગંભીરતાથી લેવામાં આવે છે.
બ્રૅક્ઝિટ અને રૅક્ઝિટ-
આ બન્ને ઘટનાઓ અર્થતંત્ર પર સીધી અસર પાડનારી છે, પરંતુ બન્નેમાં લોકશાહીનાં જુદાં જુદાં પાસાં છતાં થાય છે : એકમાં શાસકોની
મનમાની અને બીજામાં લોકોની ઇચ્છા.
Labels:
Brexit,
international affairs,
Rexit
Monday, November 23, 2015
ISIS, પેરિસહુમલો અને પુતિન : ‘અણધાર્યાં પરિણામો’નું ખંધું રાજકારણ
ઇંદિરા ગાંધીએ લાદેલી
કટોકટીનો સૌથી વધારે રાજકીય ફાયદો કોને થયો? આ સવાલ કોઇ પણ અભ્યાસીને પૂછવામાં આવતાં તેનો એક જ જવાબ મળશે : ‘સંઘ પરિવારને.’ ઉઘાડેછોગ કોમવાદી
વલણ માટે કુખ્યાત સંઘ પરિવાર અને તેની સંબંધિત
સંસ્થાઓને ગાંધીહત્યા પછી ક્યાંય સુધી મુખ્ય ધારાના રાજકારણમાં સ્વીકૃતિ
મળી ન હતી. પરંતુ ૧૯૭૫માં કટોકટી લદાયા પછી તેની સામેની સહિયારી લડાઇના નામે
જયપ્રકાશ નારાયણ સહિત બીજા અગ્રણી નેતાઓ અને પક્ષોએ સંઘને-તેના રાજકીય પક્ષ જનસંઘને
અને બિહારમાં કાર્યરત તેની વિદ્યાર્થી પાંખને સાથે રાખ્યાં. જયપ્રકાશને એ વખતે
ઘણાએ ચેતવ્યા હતા,
પરંતુ તેમને એવી આશા હતી કે સંઘ પરિવારની કોમવાદી નીતિઓને
અંકુશમાં રાખી શકાશે. તેમની ધારણા ખોટી પડી અને કટોકટી પછી સંઘ પરિવારનાં સંગઠનોને
પહેલી વાર મુખ્ય ધારાના રાજકારણમાં પહેલી
વાર સન્માનજનક સ્થાન મળ્યું.
આ પ્રકારનાં અણધાર્યાં
પરિણામની રાજકારણમાં નવાઇ નથી. પેરિસમાં ત્રાસવાદી હુમલા પછી અમેરિકાના પ્રમુખ
બરાક ઓબામાએ કહ્યું કે ISISનો ઉપાડો
અમેરિકાના ઇરાક પરના આક્રમણમાંથી પેદા થયો છે. તે ‘અનઇન્ટેન્ડેડ કોન્સીક્વન્સીસ’ (અણધાર્યા પરિણામ)નું ઉદાહરણ છે.’ પેરિસહુમલા પછી
પહેલી વાર ISIS સામે જંગનું સમુહગાન શરૂ થયું છે.
ફ્રાન્સના પ્રમુખ ફ્રાંસવા ઓલાંદેએ તેમનો દેશ યુદ્ધે ચડ્યો હોવાનું જાહેર કર્યું
છે અને ISIS ને પરાસ્ત કરવામાં અમેરિકાની સાથોસાથ રશિયાની
સહાય માગી છે. પેરિસહુમલા પછી રશિયાના પ્રમુખ પુતિને સિરીયામાં ISIS નાં કેટલાંક ઠેકાણાં પર હુમલા કરીને, ત્રાસવાદ સામેના વૈશ્વિક યુદ્ધમાં અમેરિકાની હારોહાર જગ્યા
મેળવી લીધી છે અને હવે તે ISIS
સામેના જંગમાં મોખરે રહેલા દેશોની અગ્ર
હરોળમાં દેખાઇ રહ્યા છે.
રશિયાના માથાફરેલ અને
અત્યાર લગી વિશ્વમતની પરવા ન કરનારા વડા પુતિન ISIS સામેની લડાઇમાં વિશ્વનેતા તરીકેનાં માનપાન પામે, એ પેરિસહુમલાનો ‘અનઇન્ટેન્ડેડ કોન્સીક્વન્સ’ હોઇ શકે છે. બાકી, પુતિનના ચરિત્રની અછડતી જાણકારી હોય તો પણ તેમના વિશે એટલું
કહી શકાય કે તેમને પોતાના સ્વાર્થ અને પોતાના હિત સિવાય બીજા કશાની પરવા નથી. એ
ફ્રાન્સ માટે કે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે ISIS સામે યુદ્ધ વહોરી લે, એવું કોઇ રીતે
માની લેવાય નહીં.
રશિયા હવે પહેલાં જેવી
મહાસત્તા ભલે ન રહ્યું હોય, પણ તેનો
શસ્ત્રભંડાર અને પુતિન જેવા માથાભારે પ્રમુખના મગજમાં ભરેલી રાઇને કારણે વખતોવખત
રશિયા ધરાર યુરોપ-અમેરિકાની સામે પડતું રહ્યું છે. હજુ ગયા વર્ષે રશિયાના પાડોશી
(અને અગાઉ સોવિયેત રશિયાનો હિસ્સો એવા) યુક્રેનમાં પુતિને પરાક્રમ દાખવ્યું હતું.
દાયકાઓ પહેલાં સામ્યવાદી સોવિયેત રશિયાએ ક્રિમીઆનો પ્રદેશ યુક્રેનને ભેટમાં આપ્યો
હતો. રશિયાના વિઘટન પછી પણ ક્રિમીયા યુક્રેન પાસે રહ્યું. કાળા સમુદ્રના કાંઠે
આવેલું ક્રિમીઆ સમુદ્રી વેપારની દૃષ્ટિએ અને ખાસ તો ગેસના ધંધાની રીતે મહત્ત્વનો
પ્રદેશ છે. રશિયાથી યુરોપમાં ગેસ પહોંચાડતી તમામ પાઇપલાઇનો ક્રિમીઆમાંથી પસાર થાય
છે. એટલે ક્રિમીઆ રશિયાના હાથમાં જતું ન રહે અને ત્યાં યુરોપ-અમેરિકાને અનુકૂળ
સરકાર હોય,
એવું ફ્રાન્સ સહિતના યુરોપી દેશો ઇચ્છતા હતા. ક્રિમીઆના સ્થાનિક લોકોને પણ રશિયાની તાબેદારી
સ્વીકારવામાં વાંધો હતો. ક્રિમીઆના એક પ્રમુખે યુરોપ સાથેના વ્યાપારી સંબંધો
તોડીને પુતિનના રશિયા સાથે સંબંધ ગાઢ કર્યા. બદલામાં પુતિને તેમનું ૧૫ અબજ ડોલરનું
દેવું માફ કર્યું. પણ ક્રિમીઆમાં એ પ્રમુખ સામે લોકઆંદોલન થયું. ફ્રાન્સ સહિતના
યુરોપી દેશો મધ્યસ્થી થયા. પણ સમાધાન પછી એ પ્રમુખ રશિયા જતા રહ્યા. ત્યાર પછી
અમેરિકા સહિતના વિશ્વમતની ઐસીતૈસી કરીને પુતિને રશિયાની સંસદમાં ઠરાવ પસાર કરાવી
લીધો,
ક્રિમીઆમાં રશિયન સૈન્ય મોકલી આપ્યું અને બળજબરીથી ક્રિમીઆ
પર કબજો જમાવી લીધો.
પુતિનના આવા વર્તન સામે
અમેરિકા-યુરોપના દેશોએ વિરોધ નોંધાવ્યો. અમેરિકાએ ‘લવિંગ કેરી લાકડીએ’ રશિયાને મારવા માટે
કેટલાક હળવા પ્રતિબંધો લાદ્યા. એથી વધારે તો કશું કરી શકાય એમ ન હતું. કારણ કે
મનમાની કરવા માટે જાણીતા પુતિનને ધમકાવવાની કોશિશ કરતાં મામલો વધારે વણસે એવી
સંભાવના હતી. રશિયાને જી-૮ દેશોના સમુહમાંથી બરખાસ્ત કરવામાં આવ્યું, પણ પોતે અમેરિકાને કે વિશ્વમતને ગણતા નથી, એવું દર્શાવવાની એકેય તક પુતિન જતી કરતા નથી. અમેરિકાનાં
અનેક કરતૂતો અને ખાનગી સંદેશાવ્યવહારો જાહેર કરનાર એડવર્ડ સ્નોડેનને પુતિનના
રશિયાએ જ આશરો આપ્યો અને અમેરિકા હાથ ઘસતું-દાંત ભીંસતું રહી ગયું હતું.
સિરીયામાં આઇએસઆઇએસના
વધતો વ્યાપ હોય કે ઇરાનનો ચિંતાજનક પરમાણુકાર્યક્રમ, પુતિન હંમેશાં અમેરિકાના અસહકારમાં અને તેને ચિંતા ઉપજાવે એવું વલણ ધરાવતા
રહ્યા છે. અને પેરિસહુમલા પછી હવે પુતિન આઇએસઆઇએસના ત્રાસવાદ સામે વૈશ્વિક
મોરચામાં સામેલ થઇ ગયા છે. તેમના નામે એવા અહેવાલ ફરતા થયા છે કે ‘વિશ્વના ૪૦ દેશો ત્રાસવાદીઓને ભંડોળ પૂરું પાડે છે. તેમાં
જી-૨૦ સમુહના કેટલાક દેશો પણ સામેલ છે.’ આ અહેવાલના આરોપમાં તથ્ય હોય તો પણ, પુતિને દેશો પર ત્રાસવાદીઓને મદદ કરવાનો આરોપ મૂક્યો નથી. તેમનું સત્તાવાર
નિવેદન એવું હતું કે આ દેશો નહીં, પણ એ દેશોના
કેટલાક લોકો વ્યક્તિગત ધોરણે ત્રાસવાદીઓને ભંડોળ પૂરું પાડે છે.
પુતિને એમ પણ જાહેર
કર્યું છે કે ગયા મહિને ઇજિપ્તના આકાશમાં રશિયાનું યાત્રીવિમાન ફુંકી મારવાનું
કાવતરું આઇએસઆઇએસનું હતું અને જવાબદારોને તેની યોગ્ય સજા કરવામાં આવશે. રશિયાનું
વિમાન ત્રાસવાદી હુમલાનો ભોગ બન્યું હતું, એવી કબૂલાત પુતિને પહેલી જ વાર અને તે પણ પેરિસહુમલા પછી કરી. ગયા વર્ષે
ભરાયેલી જી-૨૦ દેશોની બેઠકમાં અમેરિકા, બ્રિટન,
કેનેડા સહિતના દેશો યુક્રેનના મુદ્દે પુતિનને ઠમઠોરી રહ્યા
હતા,
જ્યારે આ વર્ષની જી-૨૦ બેઠકમાં એ બધા સિરીયામાં પુતિનના
સહકાર માટે તેમની સાથે વાટાઘાટો કરતા જોવા મળ્યા. અમેરિકાએ પણ સિરીયાના મુદ્દે
પુતિન સાથે સહકારી વલણ અપનાવ્યું અને ફ્રાન્સના પ્રમુખે સંસદમાં કરેલા પ્રવચનમાં
રશિયાનો સહકાર માગ્યો. પુતિન અત્યાર લગી સિરીયાના પ્રમુખ બશર અલ-અસદની તરફેણમાં
રહ્યા છે અને હવે અમેરિકા સહિતના દેશો પણ સ્થિતિ સુધરે નહીં ત્યાં લગી અસદને ટેકો
આપવા કબૂલ થયા છે. ટૂંકમાં, ક્રિમીઆ પુતિનના
પંજામાં છે,
અસદને પુતિનનો ટેકો છે અને છતાં, યુરોપ-અમેરિકાના દેશો હવે પુતિનને ભીલ્લુ બનાવવા માટે
તલપાપડ છે. ISIS ના હુમલાનું યુરોપ-અમેરિકા માટે
અણધાર્યું પરિણામ અને ચબરાક પુતિન માટે અણધાર્યો ફાયદો છે.
Labels:
international affairs,
us
Thursday, September 25, 2014
સ્કૉટલેન્ડની ‘સ્વતંત્રતા’ : ઝંખના અને વાસ્તવિકતા
એને ‘કવિન્યાય’ નહીં, વિરોધાભાસ જ કહેવાય કે ભારત-પાકિસ્તાન, ઇઝરાઇલ-પેલેસ્ટાઇન જેવા લોહીયાળ ભાગલા પડાવનાર બ્રિટનના પોતાના ભાગલા પડતા સહેજ માટે ટળી ગયા. એમ થયું હોત તો પણ એમાં હિંસાની શક્યતા નહીંવત્ હતી.
બ્રિટન ઉર્ફે યુનાઇટેડ કિંગ્ડમ/ U.K.ના ચાર ભાગ. અડધા ઉપરાંતના વિસ્તારમાં પથરાયેલું ઇંગ્લેન્ડ, લગભગ ત્રીજા ભાગમાં આવેલું સ્કૉટલેન્ડ અને એ સિવાય બે નાના પ્રદેશ : વેલ્સ તથા ઉત્તર આયર્લેન્ડ. તેમાંથી સ્કૉટલેન્ડ/ Scottland સાંસ્કૃતિક અને રાજકીય રીતે બાકીના બ્રિટન કરતાં- એટલે કે બીજા ત્રણે ભાગ કરતાં- ઘણો જુદો. સ્કૉટિશ લોકોમાં બ્રિટનવિરોધી નહીં એવી અને બ્રિટિશ દેશભક્તિમાં સમાઇ રહે એવી, સ્કૉટિશ ‘અસ્મિતા’ની ભાવના પ્રબળ. પરંતુ તેમને બ્રિટનની સામે ખડા કરનારી બાબત એટલે રાજકીય મતભેદ.
૩૦૭ વર્ષથી બ્રિટનનો હિસ્સો રહેલા સ્કૉટલેન્ડમાં ઉદારમતવાદી રાજકારણની બોલબાલા, જ્યારે ઇંગ્લેન્ડ સહિતના સમૃદ્ધ પ્રદેશોમાં રૂઢિચુસ્તોનો ડંકો વાગે. કેવી રીતે રાજ ચલાવવું અને કેવી રીતે આર્થિક નીતિઓ નક્કી કરવી, એની ચર્ચામાં એક બાજુ સ્કૉટલેન્ડ હોય અને બીજી બાજુ બાકીના ત્રણ પ્રદેશ.
બ્રિટનના તંત્રમાં સ્કૉટલેન્ડ, વેલ્શ અને ઉત્તર આયર્લેન્ડ પાસે પોતાની સ્થાનિક ધારાસભાઓ છે. (સ્કૉટલેન્ડની ધારાસભા તો ‘પાર્લામેન્ટ’ જ કહેવાય છે.) દેશની સંસદે આ ધારાસભાઓને સ્થાનિક બાબતોમાં નિર્ણયો લેવાની સત્તા આપેલી છે. એટલે ધારો કે સ્કૉટલેન્ડને લગતો કોઇ સ્થાનિક મુદ્દો હોય તો એ સ્કૉટલેન્ડની સંસદમાં જ મુકાય, ચર્ચાય અને નક્કી થાય. બીજા કોઇ તેમાં દખલ કરી શકે નહીં. સૌથી મોટો વિસ્તાર ધરાવતું ઇંગ્લેન્ડ પણ નહીં. સામા પક્ષે, ઇંગ્લેન્ડ પાસે સ્થાનિક નિર્ણયો માટે આવી ધારાસભા નથી. તેને પોતાની બધી બાબતોની ચર્ચા દેશની સંસદમાં જ કરવી પડે. ત્યાં બાકીના ત્રણ પ્રદેશના પ્રતિનિધિઓ હોય. એટલું જ નહીં, ઇંગ્લેન્ડને લગતા વિષયોમાં એ લોકો દખલ પણ કરી શકે. આવી અસંતુલિત સ્થિતિ બ્રિટનના રાજકારણમાં ‘વેસ્ટ લોધિયન ક્વેશ્ચન’ તરીકે ઓળખાય છે. (કારણ કે એ વિસ્તારના મજૂર પક્ષના એક સભ્યે ૧૯૭૭માં પહેલી વાર આ મુદ્દો ઉઠાવ્યો હતો.)
આ અસંતુલનની સામે એ પણ નોંધવું જોઇએ કે બ્રિટનની ‘લોકસભા’ (હાઉસ ઑફ કૉમન્સ)માં કુલ ૬૫૦ બેઠકમાંથી ઇંગ્લેન્ડની ૫૩૩, સ્કૉટલેન્ડની ૫૯, વેલ્સની ૪૦ અને ઉત્તર આયર્લેન્ડની ૧૮ બેઠકો છે. (૨૦૧૦ની ચૂંટણીના આંકડા) એટલે દેખીતું છે કે જે પક્ષનું ઇંગ્લેન્ડમાં વર્ચસ્વ હોય, એ સંસદમાં પણ સર્વોપરિતા ભોગવે અને સ્થાનિક બાબતો ઉપરાંત રાષ્ટ્રિય મહત્ત્વની બાબતોમાં પણ એ પક્ષની જ પીપૂડી વાગે. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે ત્યારે થોડી મુશ્કેલી પડે. કારણ કે વિપક્ષો સાથે મળીને સ્કૉટલેન્ડના ૫૯ સભ્યો ઠીક ઠીક અડચણો પેદા કરી શકે.
બ્રિટનમાં મુખ્ય ત્રણ પક્ષો : લેબર (મજૂર પક્ષ), કન્ઝર્વેટીવ (રૂઢિચુસ્ત પક્ષ- ‘ટોરીઝ’) અને લીબરલ ડેમોક્રેટ. એ સિવાય નાના પક્ષોના કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટાયેલા સભ્યો પણ ખરા. ઇંગ્લેડન્માં રૂઢિચુસ્ત પક્ષની પકડ, જ્યારે સ્કૉટલેન્ડ બીજો વિકલ્પ ન હતો ત્યારે લીબરલ ડેમોક્રેટિક પક્ષ તરફ ઢળેલું. ત્યાં રૂઢિચુસ્તોની એવી ખરાબ હાલત હોય કે ૫૯ બેઠકોમાંથી માંડ એકાદ બેઠક પર તેમનો ઉમેદવાર જીતે.
કપરી પસંદગી
ઇંગ્લેન્ડની વિશિષ્ટ સ્થિતિ ઘ્યાનમાં રાખતાં, જૂથ એવાં પડવાં જોઇએ કે એકતરફ સ્કૉટલેન્ડ-વેલ્શ-ઉત્તર આયર્લેન્ડ અને બીજી તરફ ઇંગ્લેન્ડ. એને બદલે થયું છે એવું કે એક તરફ સ્કોટલેન્ડ છે અને બીજી તરફ બાકીના ત્રણે પ્રદેશ. કારણ? રાજકારણ.
અંગ્રેજોની ભાગલાવાદી નીતિ અંગે ટીપ્પણી કરતાં સરદાર પટેલે એક વાર એ મતલબનું કહ્યું હતું કે મને થોડા દિવસ માટે બ્રિટનનું રાજ આપવામાં આવે તો હું ઇંગ્લેન્ડ- સ્કૉટલેન્ડ- વેલ્શ- આયર્લેન્ડને એવાં લડાવી મારું કે એ કદી ઊંચાં ન આવે. પરંતુ એવા કોઇ બાહરી પ્રયાસ વિના સ્કૉટલેન્ડ અને બ્રિટન વચ્ચેનું અંતર વધી રહ્યું હતું. સ્કૉટલેન્ડના લોકોના મનમાં આગવી ઓળખના અને રૂઢિચુસ્ત બ્રિટનથી સ્વતંત્ર થઇને પોતાની રીતે પોતાના પ્રદેશનું રાજ ચલાવવાના ખ્યાલ જોર પકડી રહ્યા હતા.
ઘણીખરી બાબતોમાં સર્વોપરિતા ભોગવતી બ્રિટનની સંસદે ૧૯૯૯માં સ્કૉલેન્ડની ધારાસભાને કેટલીક વઘુ બાબતોમાં સ્વતંત્રપણે નિર્ણય લેવાની સત્તા આપી. બ્રિટનની ગણતરી એવી હતી કે આ રીતે સ્કૉટલેન્ડના લોકોેનો અસંતોષ હળવો બનશે અને અલગાવ પ્રેરનારી બેચેની ઘટશે. પરંતુ બન્યું એનાથી ઉલટું. જેમ સ્કોટલેન્ડની ધારાસભાને વઘુ છૂટછાટ મળતી ગઇ, તેમ બ્રિટનના રૂઢિચુસ્ત રાજકારણ પ્રત્યે સ્કૉટલેન્ડના ઉદાર મતવાદીઓનો અસંતોષ વધતો ગયો. બધા ઉદાર મતવાદીઓ બ્રિટનથી છેડો ફાડી નાખવાના મતના ન હતા. છતાં, રાષ્ટ્રિય સ્તરના ત્રણ પક્ષને બદલે સ્કૉટલેન્ડના અલગ અસ્તિત્ત્વની હિમાયત કરનાર સ્કૉટિશ નેશનલ પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું હતું. વર્ષ ૨૦૧૧ની ચૂંટણીમાં લીબરલ ડેમોક્રેટિક પક્ષ અને મજૂર પક્ષને બદલે, અલગતાની વાત કરતી સ્કૉટિશ નેશનલ પાર્ટીએ ચૂંટણીમાં ફતેહ મેળવી. ત્યારથી અલગ સ્કૉટલેન્ડના મુદ્દે લોકમતની માગણી જોર પકડી રહી હતી.
ત્રણ વર્ષની મથામણો પછી ગયા સપ્તાહે લોકમત લેવાયો. ત્યાર પહેલાં થતા ઓપનિયન પોલમાં બન્ને પક્ષોનું પલ્લું સરભર દેખાતું હતું અને પાતળા તફાવતથી હારજીત થશે એવું લાગતું હતું. સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતાઓ અને શૉન કૉનરી (જેમ્સ બૉન્ડ પહેલો) જેવી પ્રખ્યાત સ્કૉટિશ હસ્તીઓએ અલગ સ્કૉટલેન્ડની તરફેણમાં પ્રચાર કર્યો, જ્યારે હેરી પૉટર સિરીઝનાં સ્કૉટિશ લેખિકા જે.કે.રોલિંગ અને પ્રખ્યાત ફૂટબોલ સ્ટાર ડેવિડ બૅકહમ સહિતના લોકોએ અખંડ બ્રિટનની હિમાયત કરી. બન્ને પક્ષો પાસે પોતપોતાની દલીલો હતી, પરંતુ સુખદ નવાઇ લાગે એવી વાત એ હતી કે બન્નેમાંથી કોઇ પક્ષે આ અતિસંવેદનશીલ મુદ્દાને ‘દેશપ્રેમ વિરુદ્ધ દેશદ્રોહ’નો મુદ્દો ન બનાવ્યો. બ્રિટનના ત્રણે મુખ્ય પક્ષોએ અને વડાપ્રધાને પણ સ્કૉટિશ લોકોને અપીલ કરી, વઘુ સ્વાયત્તતા માટેનાં વચન આપ્યાં, પણ એનાથી વધારે બીજું કંઇ નહીં. જોવાની વાત એ પણ સ્કૉટલેન્ડ છૂટું પડે તો તેની સીધી અસર બ્રિટન પર થાય એમ હતી. છતાં, આ મુદ્દે ‘હા’ કે ‘ના’નો મત ફક્ત સ્કૉટિશ લોકોએ જ આપવાનો હતો અને બાકીના બ્રિટને તે નતમસ્તકે સ્વીકારી લેવાનો હતો.
ઉગ્ર ભાષણબાજી જરૂર થઇ, પણ તેમાં હિંસકતા ન હતી. ઉશ્કેરણી ન હતી. સમજાવટ અને સંવેદનાને સંકોરવાના પ્રયાસ હતા. સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતા ઍલેક્સ સૅલમન્ડ કહેતા હતા કે બ્રિટનથી અલગ થયા પછી સ્કૉટલેન્ડ પાઉન્ડનું ચલણ ચાલુ રાખશે, યુરોપીઅન યુનિઅનનું સભ્યરાષ્ટ્ર બની જશે, બ્રિટન સાથે મુક્ત સરહદો રાખશે અને વિશ્વના સૌથી ધનવાન દેશોની યાદીમાં વીસમા નંબરે આવી જશે. ઉત્તરી સમુદ્રમાં રહેલા ઑઇલના ભંડાર આર્થિક બાબતોમાં સ્કૉટલેન્ડની મુસ્તાકીનું એક કારણ છે. પરંતુ એ બાબતે બે મુખ્ય દલીલો હતી : ૧) ઑઇલ સ્કૉટલેન્ડમાં ખરું, પણ તેને કાઢવાની કડાકૂટ અને ખર્ચ બ્રિટને કર્યો છે. ૨) ઑઇલનો પુરવઠો ઝડપભેર ઘટી રહ્યો છે.
જે.કે.રોલિંગ જેવાં સ્કોટિશ લેખિકાએ અખંડ બ્રિટનને ટેકો આપતો ખુલ્લો પત્ર લખ્યો. તેમના જેવા ઘણાની દલીલ એ હતી કે અખંડ બ્રિટનના ભાગ તરીકે રહેવામાં સ્કૉટલેન્ડની ભલાઇ છે. તેનાથી અલગ થયા પછી પોતાનું ફોડી લેવા જેટલી સ્કૉટલેન્ડની ક્ષમતા છે કે નહીં, એ વિશે તેમને શંકા હતી. બલ્કે ઘણી હદે ખાતરી હતી કે સ્કૉટલેન્ડને બહુ અઘરું પડશે. મુદ્દો પાઉન્ડનું ચલણ ચાલુ રાખવાનો હોય કે પછી યુરોપીઅન યુનિઅનમાં સમાવેશનો, આ બન્ને બાબતોનો નિર્ણય સ્કૉટલેન્ડના હાથમાં નહીં હોય. ઉલટું, બ્રિટનમાંથી ભૌગોલિક રીતે- જરા અતિશયોક્તિ કરીને કહીએ તો- બ્રિટનનું અંગછેદન કરીને, અલગ પડેલા સ્કૉટલેન્ડ માટે બ્રિટનના લોકોને સદ્ભાવ નહીં રહે. એટલે સદ્ભાવ ન ધરાવતા પાડોશીઓ વચ્ચે સ્કૉટલેન્ડને રહેવાનું આવશે.
પસંદગી અઘરી હતી : એક તરફ આઝાદ થવાની વર્ષોજૂની ઝંખના અને નેતાઓ દ્વારા બતાવાતી ગુલાબી સંભાવનાઓ, બીજી તરફ સ્વતંત્ર થયા પછીની કઠણાઇઓનું ચિત્ર. છેવટે, ઓપિનિયન પોલની ધારણાઓ ખોટી પાડીને અખંડ બ્રિટનના પક્ષનો વિજય થયો. સ્કૉટલેન્ડના ૫૪ ટકા લોકોએ બ્રિટનની સાથે રહેવાનું પસંદ કર્યું છે. જોકે, ૪૬ ટકા જેટલા મોટા પ્રમાણમાં સ્કૉટિશ લોકો અલગ સ્કૉટલેન્ડ ઇચ્છે છે, એ અહેસાસ અલગ સ્કૉટલેન્ડ માગનારા લોકો માટે આશ્વાસનકારી છે. લોકમતનાં પરિણામ સ્વીકાર્યા પછી સ્કૉટિશ નેશનલ પાર્ટીના નેતા સૅલમન્ડે ભવિષ્યમાં લોકમતની માગણીનાં બારણાં ખુલ્લાં રાખ્યાં છે.
આખેઆખો એક પ્રદેશ દેશથી છૂટો પડે કે નહીં, એવા અત્યંત જ્વલનશીલ મુદ્દે બ્રિટિશ પ્રજાએ એકંદરે જે સભ્યતાથી કામ લીઘું છે તે ભારે સુખદ છે. સાથોસાથ એ પણ નક્કી છે કે સ્કૉટલેન્ડ માટે આ લોકમતમાં બન્ને હાથમાં લાડુ હતા : જીતે તો સારું. ન જીતે તો વધારે સારું. જીતે તો અલગ અસ્તિત્ત્વ - અને તેની સાથે આવતી માથાકૂટો- મળે. હારે તો બ્રિટન જેવા મોટા દેશના હિસ્સા તરીકેનો મોભો જતો કર્યા વિના, આંતરિક રીતે વઘુ ને વઘુ સ્વાયત્તતા મળે.
સ્કૉટલેન્ડ જીત્યું હોત તો બ્રિટન માટે કઠણ પરિસ્થિતિ સર્જાત. સ્કૉટલેન્ડના ઑઇલ ભંડાર અને કાંઠે રહેલી બ્રિટિશ અણુસબમરીનોથી માંડીને સ્કૉટલેન્ડમાં રહેલા અનેક બ્રિટિશ વ્યાપારગૃહોના પ્રશ્નો આવત. તેમણે કદાચ સ્કૉટલેન્ડ છોડ્યું હોત. બ્રિટને પણ સ્કૉટલેન્ડમાં આર્થિક મદદ કે રોકાણો બંધ કર્યાં હોત. દુનિયાના વઘુ એક ભાગમાં તનાવને સત્તાવાર સ્વરૂપ મળ્યું હોત અને વિશ્વવ્યાપી ઉચાટમાં નાના પાયે વધારો થયો હોત.

Subscribe to:
Posts (Atom)