Monday, May 27, 2013
રિક્ષા અને કારની વચ્ચેનો વિકલ્પઃ ચતુષ્ચક્રી ઉર્ફે ક્વાડ્રીસાયકલ
![]() |
| Bajaj Quadricycle RE 60 |
બજાજના ઉદ્ગારનો સંદર્ભ એ છે કે ટૂંક સમયમાં જ તેમની કંપની એક ચતુષ્ચક્રી-ક્વાડ્રીસાયકલ (બજાજ આરઇ-૬૦) બજારમાં મૂકી રહી છે. ફ્રેન્ચ કંપની રેનોના સહયોગથી તૈયાર થયેલા એ વાહનનું વર્ણન કરતાં જૂની ઉખાણાશૈલી તાજી થાય એમ છે. કારણ કે, એ વાહનનું નામ સાયકલ છે, પણ એ ચાર પૈડાનું છે. ચાર પૈડાં હોવા છતાં એ કાર નથી. ત્રણ પૈડાનું નથી, પણ રિક્ષાની નજીક છે. તેમાં ડ્રાઇવર સિવાય બીજા ત્રણ જ જણ બેસી શકે એમ છે. છતાં એ રિક્ષા તો નથી જ. કંપનીના દાવા પ્રમાણે તે એક લીટર પેટ્રોલમાં ૩૦ કિ.મી. ચાલી શકે છે. પણ કંપની એને કારની હરોળમાં મૂકવાને બદલે ધરાર રિક્ષાની અવેજીમાં ખપાવવા માગે છે.
![]() |
| Bajaj Quadricycle RE 60 |
સ્મોલ કાર સાથેની હરિફાઇ જ ન રહે એ બીજો મોટો ફાયદો. કારણ કે સ્મોલ કારના બજારમાં જબરી હરીફાઇ છે. તાતાની નેનો કારના ઉમેરા પછી સ્મોલ કારની અગાઉની કિંમતો ઘટી છે. આ સંજોગોમાં ફ્રેન્ચ કંપની રેનો સાથે ભાગીદારીમાં બજાજની ‘ક્વાડ્રીસાયકલ’ બજારમાં આવે તો તે સ્મોલ કારના માર્કેટનું વઘુ એક નવું રમકડું બનીને રહી જાય. તેની અલગ મુદ્રા કે ઓળખ ઊભાં ન થાય. પરંતુ જો એ ‘સ્મોલ કાર’ને બદલે ‘ક્વાડ્રીસાયકલ’ હોય તો? તેનો પાટલો નોખો મંડાય અને તેની પાસેથી લોકોની અપેક્ષાઓ પણ એ પ્રમાણેની રહે.
‘નેનો’ તૈયાર થઇ રહી હતી ત્યારે તેની પર લોકોએ મોટી અપેક્ષાઓ બાંધી હતી. ‘રૂ.એક લાખમાં કાર’ના ખ્યાલથી માંડીને તેમાં જડેલાં એન્જિનિયરિંગ અને ડીઝાઇનને લગતાં હીરામોતીને કારણે ‘નેનો’ પ્રચંડ સફળતા મેળવશે એવી ગણતરી હતી. તેનાં આગોતરાં બુકિંગ પણ એટલા જ ઉત્સાહથી થયાં હતાં. સ્કૂટર પર ચાર સવારી જતા એક પરિવારને જોઇને રતન તાતાને એક લાખ રૂપિયાની કારનો વિચાર આવ્યો હતો, એવી કથા પણ ‘નેનો’મહિમા સાથે જોડાઇ ગઇ. ધારણા એવી હતી કે ભારતના લોકો એક લાખ રૂપિયાની ‘નેનો’ પર તાજમહાલ-કુતુબમિનાર ઓવારી જશે અને અનેક દ્વિચક્રીધારકો ‘નેનો’ થકી પહેલી વાર કારમાલિક બનવાનું સામાજિક ગૌરવ પ્રાપ્ત કરશે. (એ ચલાવવાની જગ્યા ક્યાંથી આવશે એ ચિંતા હંમેશાં અસ્થાને ગણવામાં આવે છે.)
એન્જિનિયરિંગની અજાયબી જેવી ‘નેનો’ કાર બજારમાં આવી અને થોડા વખતમાં તેનાં વળતાં પાણી થયાં. એડવાન્સ બુકિંગ રદ થવા લાગ્યાં અને ઉત્સાહનો ઉભરો મહદ્ અંશે શમી ગયો અને વેચાણના આંકડા તળિયે જઇ રહ્યા છે. એપ્રિલ, ૨૦૧૨માં તાતાએ ‘નેનો’નાં ૮,૦૨૮ નંગ વેચ્યાં હતાં, પરંતુ એપ્રિલ, ૨૦૧૩માં ‘નેનો’નાં માત્ર ૯૪૮ નંગ વેચાયાં છે. એક સમયે ‘પીપલ્સ કાર’ તરીકે ઓળખાવાયેલી ‘નેનો’ બજારમાં ન ચાલવાનાં ઘણાં કારણોમાં એક કારણ એ પણ છે કે ભારતના લોકો માટે કાર એ માત્ર ઉપયોગની વસ્તુ કે વાહનવ્યવહારનું સાધન નથી. સામાજિક દરજ્જાનું પ્રતિક છે. એટલે ‘સસ્તી કાર’ ઘણા ભારતીયો માટે વદતોવ્યાઘાત- પરસ્પર વિરોધાભાસી શબ્દો- છે. સસ્તી કાર ખરીદીને કારમાલિક થવામાં ભારતીયોને મઝા નથી આવતી, એવું પણ તાતા ‘નેનો’ની નિષ્ફળતા પછી થયેલા અભ્યાસોમાં સૂચવાયું છે. સંભવતઃ તેમાંથી બોધપાઠ લઇને બજાજે પોતાના નવા વાહનને સસ્તી કાર કે પીપલ્સ કાર તરીકે નહીં, પણ સુધારેલી રિક્ષા- ક્વાડ્રીસાયકલ તરીકે મૂકવાનું નક્કી કર્યું છે.
ક્વાડ્રીસાયકલને રિક્ષાની હરીફાઇમાં મુકવાથી સૌથી મોટી અસર બજાજને જ પડી શકે એમ છે. કારણ કે રિક્ષાના માર્કેટમાં બજાજનો છાકો છે. ફક્ત ભારતમાં જ નહીં, દુનિયાભરમાં બજાજ રિક્ષાના સૌથી મોટા ઉત્પાદક તરીકે જાણીતી છે. ૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષમાં બજાજે ૨ લાખ ૨૬ હજાર રિક્ષા વેચી હતી. ગયા વર્ષના વેચાણની સરખામણીમાં આ પ્રમાણ ૧૧.૪ ટકા વધારે હતું. નવી ક્વાડ્રીસાયકલ રિક્ષાનું બજાર હડપ કરે તો તે બજાજને જ નડે. સાથોસાથ, એ પણ ખરું કે ક્વાડ્રીસાયકલને લગતા સંશોધન અને મહિને પાંચ હજાર ક્વાડ્રીસાયકલ બનાવી શકે એવો પ્લાન્ટ ઊભો કરવા માટે બજાજ અત્યાર સુધીમાં આશરે રૂ.૫૫૦ કરોડ ખર્ચી ચૂક્યા છે. એટલે ક્વાડ્રીસાયકલને બજારમાં મોકળું મેદાન મળી રહે એ માટે બજાજની આતુરતા અને આક્રમક વલણ સમજાય એવાં છે.
સવાલ એ છે કે પોતાના ક્ષેત્રમાં નવું સંશોધન થતું હોય તો તાતા સહિતની બાકીની કંપનીઓના પેટમાં તેલ કેમ રેડાય છે? વ્યાવસાયિક ઇર્ષ્યા તો અલબત્ત ખરી જ. પણ હરીફોને વાંધો એ વાતનો છે કે બજાજે ક્વાડ્રીસાયકલ માટે કાર કરતાં ઉતરતા દરજ્જાનાં ધારાધોરણને મંજૂરી આપવા માટે સરકારમાં રજૂઆત કરી છે. જો આ ધોરણો મંજૂર થાય તો ક્વાડ્રીસાયકલનો નિર્માણખર્ચ ઘણો ઓછો આવે અને સ્મોલ કાર સાથે તેની હરીફાઇ જ ન રહે. આશરે રૂ.૧.૩૫ લાખની રિક્ષાની અવેજીમાં આવનારા આ વાહનની કિંમત બજાજ એકથી બે લાખ રૂપિયાની વચ્ચે રાખે એવો અંદાજ છે. ૪૦૦ કિલો વજન અને ૭૦ કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ઝડપ ધરાવતી ક્વાડ્રીસાયકલ ૨૧૬ સી.સી.ના એન્જિનથી ચાલવાની છે. બજાજ ભલે તેને રિક્ષાના સુધરેલા, સલામત સ્વરૂપ તરીકે રજૂ કરતા હોય, પણ હરીફ કંપનીઓને લાગે છે કે ક્વાડ્રીસાયકલ કારના બજારમાં જ હરીફાઇ કરશે. એટલે તે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે ક્વાડ્રીસાયકલ માટેનાં સલામતી અને બળતણને લગતાં ધારાધોરણ કાર જેવાં જ રાખવામાં આવે.
રાહુલ બજાજ ક્વાડ્રીસાયકલને મંજૂરી માટે યુરોપનાં ધોરણ રખાય એમ ઇચ્છે છે. સામાન્ય સંજોગોમાં યુરોપનાં ધોરણ વધારે કડક હોય, પણ યુરોપમાં આ વાહન મુખ્યત્વે વૃદ્ધો કે લાયસન્સ ન ધરાવતા ચાલકો દ્વારા અને રોજિંદા વ્યવહારમાં નહીં, પણ આનંદપ્રમોદ માટે વપરાય છે. એટલે ભારતના રસ્તા પર અને ભારતીય ટ્રાફિકસેન્સ ધરાવતા ચાલકોની વચ્ચે આ વાહન ઉતારવાનું થાય તો યુરોપીઅન ધોરણો કેટલાં ટકે એવી શંકા થઇ શકે. એક સૂચન એવું પણ છે કે ક્વાડ્રીસાયકલને ફક્ત જાહેર પરિવહન- પબ્લિક ટ્રાન્સપોર્ટના હેતુ માટે વાપરવાની જ મંજૂરી આપવામાં આવે. એવું થાય તો તે ખરા અર્થમાં રિક્ષાનો સુધરેલો વિકલ્પ બની રહે. પણ પોતાની રિક્ષા ખરીદવા ઇચ્છનારને ના કેવી રીતે પાડી શકાય? અને એ જ તર્ક પ્રમાણે, પોતાની માલિકીની ક્વાડ્રીસાયકલ ખરીદતાં પણ કોઇને કેવી રીતે અટકાવી શકાય?
સરકારી તંત્રમાંથી હજુ સુધી ક્વાડ્રીસાયકલ માટે મંજૂરી આવી નથી. બજાજ અને હરીફો અદ્ધર પોતાનાથી બનતા પ્રયાસો કરીને અદ્ધર શ્વાસે સરકારી નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. જોે એ બજાજની તરફેણમાં આવશે તો બહુ ઝડપથી ભારતના રસ્તાઓ પર રિક્ષાઓના સ્થાને ક્વાડ્રીસાયકલ ફરતી જોવા મળશે. તેમાં આગળ પણ બે પૈડાં હોવાથી, રિક્ષાની જેમ ગમે તેવા ટ્રાફિકમાં સાંકડામાં સાંકડી જગ્યામાં તેને ધુસાડી નહીં શકાય. પણ એ મર્યાદાને બાદ કરતાં સલામતીથી માંડીને પ્રદૂષણ જેવી બાબતમાં તે રિક્ષા કરતાં ચડિયાતો વિકલ્પ સાબીત થઇ શકે છે.
Saturday, February 05, 2011
હોમાય વ્યારાવાલા (97) : આજકાલ લોકો સાઠ-સિત્તેર વર્ષે સિનિયર સિટિઝન થઇ જાય છે

26 જાન્યુઆરી, 2011 નિમિત્તે હોમાય વ્યારાવાલાને ‘પદ્મવિભૂષણ’ જાહેર થયો. સરકારી પુરસ્કારો વિશેનો વિગતો આધારિત મારો અભિપ્રાય અગાઉની પોસ્ટમાં મૂક્યો છે. તેમાં કોઇ ફેરફાર વિના, પણ હોમાયબહેન જેવાં વડીલ સ્નેહીની 97 વર્ષે પ્રજાને ખ્યાલ આવે એ રીતે કદર થઇ, તેનો આનંદ. ગયા વર્ષે (24-10-10) વડોદરા ગયો ત્યારે રાબેતા મુજબ બીરેન સાથે હોમાયબહેનને મળ્યો હતો. એકાદ કલાક ગપ્પાંગોષ્ઠિ કરી હતી. બીરેન અને મારો મહેમદાવાદી મિત્ર- હવે વડોદરાસ્થિત- પરેશ પ્રજાપતિ હોમાયબહેનની અત્યંત નિકટ હોવાને કારણે, હોમાયબહેન સાથે અનેક જાતની વાતો થાય, જેની નોંધ વડોદરાથી મહેમદાવાદ પાછા ફરતાં મેં કરી હતી. ત્યાર પછી એ નોંધ મુકવાની રહી ગઇ, તે પદ્મવિભૂષણ પ્રસંગે યાદ આવી. તેનું સ્વરૂપ નોંધનું જ છે. એટલે લેખ જેવી સળંગસૂત્ર નથી.
સી ધ ઓડેસીટી ઓફ ધેટ વુમન
મારો હસબન્ડ બહુ ઓછું બોલે. કોઇની સાથે બહુ લેવાદેવા નહીં. દીકરો નાનો. એટલે સિનેમામાં જવાનું હોય તો પણ એ પહેલાં જઇ આવે અને કહે કે સારી ફિલ્મ છે, એટલે પછી હું અલગથી જોવા જઉં. એક વાર એક સ્ત્રી ફોટોગ્રાફીના કામે બપોરે મારા (દિલ્હીના) ઘરે આવી. પછી મને કહે, ‘તમારા હસબન્ડ કાં રે’ છે?’ મેં કહ્યું, ‘બીજે કાં વલી? અહીં જ.’ તો કહે, ‘તમે તો અલગ નથી રહેતાં?’ સી ધ ઓડેસીટી ઓફ ધેટ વુમન. અમને અલગ જુએ એટલે સીધું ધારી જ લીધું કે અમે સાથે રહેતા નથી. મારો હસબન્ડ એ જ વખતે જમીને ઓફિસે જવા નીકળ્યો હતો. એટલે મેં એ લેડીને કહ્યું,’તમે રસ્તામાં આવ્યા ત્યારે તમે કોઇ માટીરો જોયો?’ ‘હા, હું આવી ત્યારે દાદરમાંથી કોઇ નીચે ઉતરતો હતો...’ ‘એ જ મારો હસબન્ડ...’
હેલ્પ! હેલ્પ!
આપણા લોકોને આવી બહુ ટેવ. અહીં મને મળવા આવે એ લોકો અવનવા સવાલો પૂછે. ‘તમે આ ઘરનું શું કરશો?’ ‘અમે તમને હેલ્પ કરી શકીએ?’ અહીં (ડ્રોઇંગરૂમમાં) બેઠા હોય તો પણ અંદર ડોકીયાં કરીને બધું જોવા પ્રયત્ન કરે. ઘણા તો ઘંટી પણ વગાડ્યા વિના છેક અંદર સુધી આવી જાય. બારણું ખુલ્લું હોય ને હું રસોડામાં હોઉં કે અંદર બેઠી હોઉં તો એ લોકો સીધા મારી પીઠ પાછળ આવીને ઉભા રહે, નમસ્કાર કરે અથવા એકદમ બોલે. હું ભડકી જાઉં. એટલી પણ ગમ ન પડે કે ઘંટી મારીને આવે. એક જણને તો મેં બહાર આવીને બતાવ્યું કે ઘંટી અહીં છે. તો પણ કશી અસર નહીં. કેટલાક ચીટકુઓ આવે તો કેમે કરીને જાય નહીં. તેમની સાથે શું વાત કરવી એ સવાલ થાય. કેટલાકને તો મારે કહેવું પડ્યું હતું તે વિલ યુ પ્લીઝ ગો નાઉ? તેમ છતાં ત્રણ જણ એવા હતા કે એ મારા થોડા વધારે ફોટા માગતા હતા. એટલે હું રસોડામાં જતી રહી તો પણ એ અહીં ઉભા જ રહ્યા. એટલે ન છૂટકે મારે બહાર આવીને કહેવું પડ્યું કે ‘યુ વીશ મી ટુ ફિઝીકલી પુશ આઉટ ઓફ ધ હાઉસ?’ ત્યાર પછી એ ગયા.
થેન્ક્સ? સોરી !
(ફોટોગ્રાફી માટે લાઇફટાઇમ એચીવમેન્ટના નવા સ્થપાયેલા એવોર્ડ) માટે સરકારી ફોટોગ્રાફી વિભાગના હેડ આવ્યા હતા. તેની સાથે એક માણસ આવ્યો હતો એ મારો ફોટો લેવા માટે ટીપોઇ અને બેડની વચ્ચે એવો ઘૂસ્યો કે ઉભા થતી વેળા જોરથી ધક્કો લાગતાં તેનાથી ટીપોઇ પડી, તૂટી ગઇ. તેની પરનો ફ્લાવરપોટ તૂટી ગયો અને ફોટોની ફ્રેમ પણ તૂટી ગઇ. તેમ છતાં ‘સોરી’ પણ કહ્યું નહીં. આપણા લોકો સોરી કે થેન્કયુ શીખ્યા જ નથી.
જુવાનિયા આવું કરે એ તો સમજ્યા, પણ સિનિયર સિટીઝનો પણ વિચિત્ર વર્તન કરે. સીખેલા-ભણેલા માણસો પણ. સિનિયર સિટીઝનોમાં ઘણા લઠ જેવા હોય છે. આજકાલ સાઠ-સિત્તેર વર્ષે લોકો સિનિયર સીટીઝન થઇ જાય છે. એ ઉંમરે તો ખરી જિંદગી શરૂ થાય. મને મળવા કે આમંત્રણ આપવા કે ફોટા પડાવવા આવતા લોકોને મારા થકી પબ્લિસીટી લઇ લેવામાં જ રસ હોય છે. એક વાર સિનિયર સીટીઝન ગ્રુપના લોકો મને આમંત્રણ આપવા આવ્યા હતા. તમારું સન્માન કરવું છે એમ કહીને. મેં કહ્યું, મારી તબિયત ઠીક નથી. એટલે અવાશે તો જ આવીશ. આઠ-દસ દિવસ પછી કાર્યક્રમના દિવસે એ લોકો આવ્યા. મેં કહ્યું કે મારાથી નહીં આવી શકાય. તબિયત ઠીક નથી. એટલે ‘શું થયું છે? અમે કંઇક મદદ કરી શકીએ? એવું કશું પૂછ્યા વિના તે દાદરો ઉતરી ગયા. આવું પણ ઘણા લોકો કરે છે.
બીજા ઘણા લોકો અહીં આવીને અનેક વાયદા કરી જાય. મદદ કરવાની વાતો કરી જાય. તમને ઢીંચણમાં દુઃખે છે? એક સરસ દવા છે. હું તમને મોકલાવીશ. અથવા હું તમને ફલાણી મદદ કરીશ. હું કદી ના ન પાડું. પણ તેમાંથી કોઇ અહીંથી ગયા પછી ફરી દેખાય નહીં. તો પછી શું કામ જબાન વગોવવાની? હું સામેથી મદદ માગતી હોઉં તો જુદી વાત છે. મેં કશું કહ્યું પણ ન હોય, છતાં પોતાની મેળે જ વાત કરે અને પછી તેનો અમલ ન કરે.
શોબાજીનું બ્લેક એન્ડ વ્હાઇટ
દિલ્હીના ફંક્શનની વાત કરી. સિક્યોરિટીવાળાની તુંડમિજાજી વિશે અસંતોષ વ્યક્ત કરીને કહ્યું કે એ લોકો જાણે બધાના સાહેબ હોય એવી રીતે વર્તે છે. ચાર સન્માનિત ફોટોગ્રાફરોમાં હોમાયબહેન સિવાય બીજા બે તો શાંત બેસી રહ્યા હતા, પણ રઘુ રાયનો મોટો ભાઇ એસ.પોલ હોમાયબહેનના કહેવા પ્રમાણે વારેઘડીએ જાતજાતના ઓર્ડર આપીને કે બધાને બોલાવીને બહુ શોબાજી કરતો હતો. સન્માન પામેલા બાકીના ત્રણે ફોટોગ્રાફરોની કારકિર્દી શરૂ થઇ ત્યારે હોમાયબહેનની કારકિર્દી પૂરી થઇ ચૂકી હતી. એ અરસામાં હોમાયબહેનનો દિલ્હીમાં એક શો હતો ત્યારે રઘુ રાય આવ્યા, ‘ફોટોગ્રાફીના જાત જાતના ફન્ડા માર્યા. એ તો ઠીક છે. પછી મારી જોડે શેકહેન્ડ કર્યા. પછી એ ગયો ત્યારે મેં જોયું તો એણે હાથ પર સેન્ટ લગાડેલું જે મારા હાથ પર આવી ગયું હતું. ઇઝન્ટ ઇટ વલ્ગર? તમે તમારા હાથ પર સેન્ટ લગાડો ને બૈરાં સાથે હાથ મિલાવીને તેમના હાથ પર સેન્ટની સુગંધ છોડી જાવ.’
હાલચાલ
હવે કામવાળી ઘરકામ કરે છે. પણ તેને ચિકનગુનિયા થયો હોવાથી હમણાંથી આવતી નથી. એટલે કચરો હોમાયબહેન જ વાળે છે. પણ હવે તેમને થાક લાગે છે.
મિસિસ મિશ્રા તેમનું બહુ ધ્યાન રાખતાં હતાં. અત્યારે છ મહિના માટે અમેરિકા ગયાં છે તો પણ મને બધું પૂછીને બધી જરૂરિયાતો તપાસીને જાય. પહેલાં ત્રણ મહિના માટે ગયાં ત્યારે પણ તે મારા ઘરમાં દાળચોખા બધું જોઇને- ભરીને જાય. જ્યારે બીજા બધા ‘કંઇ કામકાજ હોય તો કહેજો’ એમ કહે ખરા, પણ ‘મારે જારે ગરજ હોય ત્યારે કામ ન લાગે. એટલે બહુ હેલ્પલેસનેસ ફીલ થાય.’ ‘(પરેશ) પ્રજાપતિ પણ વિચારતો હશે કે આ ડોશી હવે જલ્દી જાય તો સારું.’
એમના પાડોશી મુસલમાનોનાં છોકરાં બારીના કાચ તોડે ને ઘણી ધાંધલ કરે. પછી હોમાયબહેન ફરિયાદ કરવા જાય એટલે બિરાદરો કહે, ‘તમારે પોલીસમાં જ કહેવું.’ દાવત થાય તો તેનો એંઠવાડ રસ્તા પર જ નાખે. આ વખતે હોમાયબહેને દાવત વખતે પોલીસને ફોન કર્યો. એટલે પોલીસે આવીને પેલા લોકોને ખખડાવ્યા અને બધું સાફ કરાવ્યું. એટલે એ કહે, ‘પોલીસને કહેવાની શી જરૂર? અમને ન કહેવાય?’
ઘણા લોકો તેમને એક અજાયબી તરીકે જોવા આવે અને એક જીવતાજાગતા, ખુદ્દાર, વૃદ્ધ, એકલાં રહેતાં સ્ત્રીને બદલે એક સંગ્રહસ્થાનની ચીજ ગણીને જ તેમની સાથે વર્તે. તેનાથી હોમાયબહેનને બહુ ખીજ ચડે છે.
આજે (24-10-10) પણ શરબત બનાવીને લાવ્યાં. હવે એક હાથે લાકડી પકડે એટલે ગ્લાસ પકડવા માટે બીરેનને બોલાવ્યો. બાકી, પહેલાં તો એ ટ્રે લઇને આવતાં હોય ને આપણે અધરસ્તે જઇએ તો પણ પાછા બેસાડી દે.
સબીના (ગડીહોકે, હોમાયબહેન વિશેનું પુસ્તક લખનાર) ના રેફરન્સથી એક છોકરો એમના પર થીસીસ લખવા માટે આવ્યો અને રોજ મળતો હતો ત્યારે એક વાર લીધેલી કે ઉથામેલી વસ્તુ પાછી એ જ સ્થિતિમાં નહીં મૂકવાને કારણે હોમાયબહેને તેને ફાયરિંગ આપ્યું હતું. બીજા દિવસે આ જ રીતે શરબત પીધા પછી ગ્લાસ બહાર રાખ્યા. બધું સમેટી લીધું અને છેલ્લે પોતાનો થેલો ઉંચકીને જતાં જતાં પૂછે, ‘આ ગ્લાસનું શું કરીશું?’ હોમાયબહેને કહ્યું, ‘હું મૂકી દઇશ.’ પણ બીજા દિવસે એ માટે પણ તેને ઠપકો આપ્યો. ‘મારે એને ન છૂટકે કહેવું પડ્યું કે તું જ્યારે વાતો કરતો હતો ત્યારે તારા વિશે મારો ઉંચો અભિપ્રાય હતો, પણ તારું વર્તન જોયા પછી મારે અભિપ્રાય બદલવો પડ્યો છે.’
નેનોને ટાટા
છાપાવાળાને લીધે કાંદાપપેટાવાળા પણ મને પૂછતા થઇ ગયા (હાથથી સ્ટીયરીંગની એક્શન કરીને) કે કેવી ચાલે છે તમારી નેનો?...નેનો મોટી ઘોડાના તબેલા જેવી છે. ક્યાં સ્મોલ કાર છે?
છાપાવાળાએ મને એ પણ ન પૂછ્યું કે મેં રૂપિયા આપ્યા છે કે નહીં. એમ જ લખી દીધું કે તાતા મને ગિફ્ટમાં આપવાના છે.
(હોમાયબહેનને નેનોથી ઓળખનારાને જણાવવાનું કે નેનો મળ્યા પછી થોડા જ દિવસમાં તેમણે કાઢી નાખી હતી. વર્ષોજૂની ફિયાટની પ્રેક્ટિસને કારણે અને ઉંમરને કારણે હવે નેનો નહીં ફાવે એવું તેમને લાગ્યું હતું.)
Saturday, October 25, 2008
સ્કેટર્ડ વોઇસીસઃ આ પણ એક ભાવભૂમિ
રતના તાતાની ‘નાનો’ કાર નિમિત્તે ‘દૂધમાં સાકર’ના ગળચટ્ટા ભૂતકાળને ગૌરવથી વાગોળવાની બહુ મઝા છે. કેમ કે, તેમાં નજીકના- અને જેમાં આપણી જવાબદારી હતી એવા- અકળાવનારા ભૂતકાળને ભૂલી જવાની સગવડ મળે છે. માત્ર છ વર્ષ પહેલાં, દૂધમાં સાકરની કથાનું ગૌરવ લેતા ગુજરાતમાં, સાકરને વીણી વીણીને દૂધમાંથી બહાર કાઢવાનો ક્રૂર સિલસિલો ચાલ્યો હતો એ યાદ રહેતું નથી.
સ્કેટર્ડ વોઇસીસ (અંગ્રેજી), કુછ તો કહો યારોં (હિંદી) : આયેશા ખાન,
Thursday, October 23, 2008
ગુજરાતમાં મિની જાપાન : એક ચર્ચા
અફસર ૧: મિત્રો, સાહેબે કહ્યું છે કે ગુજરાતને મિની જાપાન બનાવવાનું છે.
અફસર ૨: અરરર...
અફસર ૧: એમાં અરરર...શું? ગુજરાતની પ્રગતિથી તમે ખુશ નથી? ગુજરાતવિરોધી છો? રાજદ્રોહી છો? હવે તો રાજદ્રોહીઓ પણ ખુશ છે, તો તમને શું થયું?
અફસર ૨: સાહેબ, મને ચિંતા થઇ કે આપણે મિની જાપાન બનાવીશું તો મિની હિરોશીમા અને મિની નાગાસાકી પણ બનાવવાં નહીં પડે?
અફસર ૩: ‘વિનાશ પછી વિકાસ’ના જાપાની મોડેલમાં આપણી તૈયારી બહુ પાકી છે. પાંચ વર્ષ પહેલાં આપણે મિની હિરોશીમા- મિની નાગાસાકી જેવી આગ-બાળઝાળ-માણસોને જીવતા ભૂંજવાની ઘટનાઓ -તારાજી અને એ પણ અણુબોમ્બની મદદ વિના, સંપૂર્ણપણે સ્વાવલંબી રીતે સર્જી કે નહીં? હવે મિની જાપાન બનવા આડે કોઇ અડચણ નથી. (અફસર ૧ સામે જોઇને) એમ આઇ રાઇટ, સાહેબ?
અફસર ૧ (હા પાડવી કે ના, એ બાબતે મૂંઝાયા પછી, ગળું ખોંખારીને): મેં તો સાંભળ્યું છે કે આપણું વિકાસનું મોડેલ જોયા પછી હવે બીજા દેશો પણ પોતાને ત્યાં મિની ગોધરા અને મિની વડોદરા, મિની પાંડરવાડા અને મિની સરદારપુરા, મિની નરોડા પાટિયા અને મિની ગુલબર્ગ સોસાયટી ઊભાં કરવાનું વિચારી રહ્યા છે. વિકાસનું આપણું મોડેલ એવું અનોખું છે કે આઇ.આઇ.એમ.માં ચાની કિટલીના મેનેજમેન્ટના પિરીયડ પછી આપણા મોડેલનો પિરીયડ લેવો હોય તો લઇ શકાય. પણ આપણે મુદ્દાની વાત પર આવીએ. મિની જાપાન બનવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું જોઇએ?
અફસર ૪: જાપાનમાં સમ્રાટ છે. એટલે સાહેબને આપણે સમ્રાટ જાહેર કરવા જોઇએ. તો જ જાપાનનો ફીલ બરાબર આવી શકે.
અફસર ૧ : જે છે, એને જાહેર કરવાની પંચાતમાં પડવાની જરૂર નથી. નહીંતર વાંકદેખાઓ તૂટી પડશે.
અફસર ૩: આમ પણ સાહેબ સમ્રાટ જેવા જ નથી? એમને નથી કોઇ પૂછનાર કે નથી કોઇ કહેનાર. જે પૂછે છે એને જવાબ આપતા નથી, કહે છે એનું ગણકારતા નથી અને કોઇ બહુ આઘુંપાછું થાય તો રાજદ્રોહનો આરોપ ક્યાં નથી?
અફસર ૧: આપણે એજેન્ડાબહારની ચર્ચાઓમાં સમય ન બગાડીએ. ગુજરાતમાં મિની જાપાન બનાવવાની જવાબદારી આપણા સૌની છે.
અફસર ૪ : જાપાનમાં બધાનાં નાક ચપટાં હોય છે. એટલે ગુજરાતમાં મિની જાપાન બનાવવું હોય તો સૌથી પહેલાં સાહેબે નાકની સર્જરી કરાવવી પડે.
અફસર ૩: સૂચન સારૂં છે, પણ આપણે બિચારા સાહેબનો વિચાર કરવો જોઇએ. અગાઉની વાત ન કરીએ તો પણ, હમણાં-હમણાં જ એમણે નાકની બે સર્જરી કરાવી. એક ડો. નાણાવટી પાસે ને બીજી ડો. તાતા પાસે. ડો. તાતાએ તો બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાહેબના નાકની ‘નેનો’ સર્જરી કરી છે. એ તો ઠીક છે કે ડો.તાતા ખમતીધર છે અને પોતાની હોસ્પિટલના લાભાર્થે સર્જરીનો ખર્ચ તેમણે પોતે જ ઉપાડી લીધો. પણ સવાલ ફક્ત રૂપિયાનો નથી. જેના નાક ઉપર વારંવાર સર્જરી થતી હોય એને વીતે કે ન વીતે?
અફસર ૫: સાહેબ, અમારા એક સંબંધીએ ધૂંટણની ઢાંકણીનું ઓપરેશન કરાવેલું. એ બરાબર ન થયું તો એમને એટલી બધી વાર ધૂંટણ ખોલાવવો પડ્યો કે એ કંટાળી ગયા. એક વાર આવી વસ્તુ વંકાય ને પહેલી વારની સર્જરીમાં ફોલ્ટ રહી જાય, તો પછી આવું જ થાય છેઃ વારંવાર ઓપરેશન કરાવવાં પડે છે ને તો પણ ઠેકાણું પડતું નથી.
અફસર ૧: આપણે છેક નાકની સર્જરી સુધી જવાની જરૂર નથી. જાપાનમાં કેવી પાઘડીઓ પહેરાય છે એ હું જાણી લઇશ. પછી એવી પાઘડીઓ સાથે સાહેબનું ફોટોસેશન કરાવી લઇશું. એટલે જાપાનનો ‘ફીલ’ લાવવાનો પ્રશ્ન નહીં રહે.
અફસર ૨ : સાહેબના ફોટા બહુ સરસ આવે છે. હું જ્યારે પણ રોડ પરથી પસાર થતો હોઊં ને સરકારનું હોર્ડંિગ જોઊં એટલે ખાસ સાહેબનો ફોટો જોવા ઊભો રહું. જોડેનું લખાણ વાંચું કે ન વાચું, પણ સાહેબનો ફોટો તો ખાસ જોઊં. મને થાય કે સાહેબનો ‘પોર્ટફોલિયો’ મુંબઇના ફિલમવાળા જુએ તો સાહેબને ઊંચકીને ગાંધીનગરથી દિલ્હી લઇ જાય અને હેમા માલિની જોડે સાહેબની એકાદ ફિલમનું એનાઉન્સમેન્ટ કરી નાખે. અફસર ૩ : (ધીમા અવાજે) એવું થાય તો ફિલ્મ અને રાજકારણ બન્ને ક્ષેત્રોને ફાયદો થાય.
અફસર ૧ (અફસર ૩ ને): તમારી નોકરી પ્રાઇવેટ સેક્ટરમાં નક્કી થઇ ગઇ છે?
અફસર ૪: એક સવાલ છે સાહેબ, અભયવચન આપો તો પૂછું.
અફસર ૧: અભયવચન આપનાર હું કોણ? મને જ અભયવચન નથી, ત્યાં હું તમને કેવી રીતે આપી શકું? છતાં પૂછો.
અફસર ૪ : સાહેબ, સદીઓથી ગુજરાત એની ઉદ્યોગસાહસિકતા માટે દેશવિદેશમાં જાણીતું છે. આપણી અસ્મિતા અને આપણા ગૌરવની કથાઓમાં એ વાત લાખો વાર સાંભળી છે. તો મને એમ થાય કે ગુજરાતમાં મિની જાપાનની શી જરૂર છે? ખરેખર તો જાપાનમાં મિની ગુજરાત ન હોવું જોઇએ?
અફસર ૧ : એ તો સાહેબ કહે જ છે ને કે જ્યાં જ્યાં એક ગુજરાતી, ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત...તમે સાહેબની કવિતાની ચોપડી વાંચી લાગતી નથી. જરા સાંસ્કૃતિક બાબતોમાં પણ રસ લેતા જાવ.
અફસર ૪ : એ પંક્તિ તો, હું ભૂલતો ન હોઊં તો ખબરદાર કવિની છે.
અફસર ૧ : ખબરદાર એટલે તાતાની જેમ પારસી જ ને! એટલે એ બઘું સાહેબનું જ કહેવાય. દૂધમાં સાકર, સમજો ને! ગુજરાતમાં અત્યાર સુધી જે કંઇ સારૂં થયું છે, એ બધો સાહેબનો જ પ્રતાપ છે. આવી સમજણ આખા ગુજરાતના લોકોના મનમાં, દૂધમાં સાકર ભળે એમ ભળી ગઇ છે, ને તમારા દૂધમાં હજુ એ સાકર ઓગળવાને બદલે કેમ ખખડ્યા કરે છે? ગુજરાતનું હિત વહાલું નથી?
અફસર ૬ (અત્યાર સુધી મૌન રહ્યા પછી): ગુજરાતમાં મિની જાપાન ને મિની ચીન, જે બનાવવું હોય તે બનાવવામાં આપણો સહકાર છે. આપણે ફક્ત એટલું કહેવું છે કે સાહેબ એ બઘું બનાવી રહ્યા પછી થોડું ઘ્યાન ગુજરાતમાં ‘મિની ગુજરાત’ બનાવવા ઉપર પણ આપેઃ ગાંધી-સરદારનું ગુજરાત...રવિશંકર મહારાજ-ઇંદુલાલ યાજ્ઞિકનું ગુજરાત...ઠક્કરબાપા અને મામાસાહેબ ફડકેનું ગુજરાત...
Tuesday, October 14, 2008
OTOI : Orphaned Times of India
Monday, October 13, 2008
નાનો- પુરાણ
આંદોલનના સ્વરૂપ, તેની વ્યૂહરચના કે ટાઇમિંગની ટીકા થઇ શકે, પણ તેના કેન્દ્રસ્થાને રહેલો મુદ્દો મહત્ત્વનો છે, જે રતન ટાટા અને નેનો પ્રત્યેના આદરભાવ-અહોભાવમાં વિસરાઇ જાય છે. રતન ટાટાને ‘નેનો’ની ફેક્ટરી માટે જમીન આપવી હોય, તો રાજ્ય સરકાર ખુશીથી આપે. લોકોની જમીન એક્વાયર કરીને આપવી હોય તો પણ આપે. પરંતુ એ જમીનનું માલિકને યોગ્ય વળતર મળવું જોઇએ કે નહીં?
મોટા ઉદ્યોગો સ્થાપવા માટે જમીનોની જરૂર પડવાની જ છે. ખેડૂતો કે તેમના નેતાઓ ગમે તેટલો વિરોધ કરે, પણ સેઝ અને ઔદ્યોગિકરણના ધસમસતા પ્રવાહમાં તેમનો વિરોધ ટકે એમ નથી. એ મુદ્દે મેધા પાટકર જેવું વલણ અખત્યાર કરીને નવા પ્રોજેક્ટનો સદંતર વિરોધ કરવો, એ આદર્શવાદી સ્થિતિ હોઇ શકે- વ્યવહારૂ નહીં. આ સ્થિતિમાં ખેડૂતો પાસેથી તેમની જમીન સરકારી ભાવે પડાવી લેવી, એ જુલમ કહેવાય. આજીવીકાના મુખ્ય - ઘણા કિસ્સામાં એકમાત્ર- આધાર જેવી જમીનનો બજારભાવ મળે, એ તો લધુતમ જરૂરિયાત ગણાય.
સરકારે ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને મૂડીરોકાણ માટે આપવી હોય તો તેણે પણ બજારભાવ ચૂકવવો રહ્યો. એમ કરવામાં ટેકનિકલ પ્રશ્નો હોય તો ઉદ્યોગપતિઓ સરકાર પાસેથી જમીન એક્વાયર કરાવવાને બદલે પોતે જ બજારભાવ અને બીજી શરતોએ ખેડૂતો પાસેથી જમીન મેળવી શકે- જેવું ‘જેએસડબલ્યુ સ્ટીલ’ના કિસ્સામાં બન્યું.
રતન ટાટાએ પત્રકાર પરિષદમાં અસંતોષ વ્યક્ત કર્યો અને મોટા ભાગના લોકોએ તેમના સૂરમાં સૂર પુરાવ્યો, ત્યારે એક સૂર જરા અલગ નીકળ્યો. એ સૂર હતો ‘જેએસડબલ્યુ સ્ટીલ’ના સજ્જન જિંદાલનો. પશ્ચિમ બંગાળમાં મૂડી રોકનારા ઉદ્યોગપતિઓમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા જિંદાલે કહ્યું હતું,‘(ટાટાની જગ્યાએ) હું હોત, તો મેં ખેડૂતોને નજીકમાં ક્યાંક તેમની જમીનથી બમણી જમીન વળતર તરીકે આપીને તેમને રાજી કરી લીધા હોત. હું ખેડૂતનો છોકરો છું. એટલે તેમની લાગણી સમજી શકું છું.’
જિંદાલ-ટાટાના વ્યાવસાયિક સંબંધો જે હોય તો, પણ નક્કર હકીકત એ છે કે પશ્ચિમ બંગાળમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપનાર જિંદાલે ખેડૂતોને અફલાતુન વળતર આપ્યું છે. જિંદાલને પ્રોજેક્ટ માટે ૪,૮૦૦ એકર જમીનની જરૂર હતી. તેમાંથી ૯૦ ટકા જમીન સરકારી માલિકીની હોવાથી તેમાં કોઇ પ્રશ્ન ન હતો. પણ બાકીની ૧૦ ટકા (આશરે ૪૮૦ એકર) જમીન માટે જિંદાલે જમીનમાલિકોને નવા પ્લાન્ટમાં રોજગારી, રોકડ રકમ, જીવન વીમો અને કંપનીના શેર મફત આપવાની જાહેરાત કરી હતી. કંપનીએ આપેલા વચન પ્રમાણે, જમીનની બજારકિંમતની અડધી રકમ રોકડેથી ચૂકવવામાં આવશે અને બાકીની અડધી રકમ વીમા યોજનામાં રોકવામાં આવશે. એ સિવાય જમીનની કિંમત જેટલી કિંમતના કંપનીના શેર પણ જમીનમાલિકોને આપવાની જિંદાલે જાહેરાત કરી છે. આ યોજના ધારણા પ્રમાણે કાર્યરત બને, તો વળતરના મુદ્દે તે નવા માપદંડ સ્થાપી શકે છે.
સિંગુર વિવાદમાં સાદી વાત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની હતી, પણ હવે તેમાં પેચીદું રાજકારણ ભળતાં ઉકેલ હાથવેંતમાં દેખાતો નથી. ધારો કે બંગાળને ‘નેનો’ પ્લાન્ટ ગુમાવવાનો વારો આવે, તો તેમાં મમતા બેનરજીના માથે માછલાં ધોવાની સાથોસાથ રાજ્ય સરકાર અને રતન ટાટાની ભૂમિકાનો તથા જમીનના ભાવ અને વળતરનો મુદ્દો પણ વિચારવો રહ્યો.
છૂટાછેડા થવા બાકી હોય એવી મહિલા સમક્ષ મુકાયેલા લગ્નપ્રસ્તાવની જેમ, સિંગુરમાં વિવાદ અને વાટાઘાટો ચાલતાં હતાં ત્યારે પંજાબ-હરિયાણાએ ‘નાનો’ પ્લાન્ટ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી. ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ જેવાં રાજ્યો પણ લાઇનમાં લગભગ હારોહાર હતાં. રતન તાતાની સ્થિતિ ધર્મસ્થાનમાં પંડા કે ગાઇડથી ઘેરાઇ જતા યાત્રાળુ જેવી થઇ. પણ રતન તાતા ભોળાભાવિક યાત્રાળુ નથી, પાકા બિઝનેસમેન છે. અને શા માટે ન હોય? ‘નાનો’ પ્લાન્ટ એમના માટે કરોડો રૂપિયાનો (જાહેરાત પ્રમાણે, ૧,૫૦૦ કરોડ રૂ.નો) પ્રોજેક્ટ છે. તેના માટે લાળ ટપકાવતાં રાજ્યો ભલે ‘નાનો’ થકી મળનારો રોકડીયો લાભ અને ઉછીનો જશ ખાટવા તલપાપડ હોય, પણ તાતા જેવા બિઝનેસમેન એ જશ મફતમાં ખાટવા દે એમ નથી.
આ લખાય છે ત્યારે ‘નાનો’ પ્લાન્ટ ગુજરાતમાં આવશે એ લગભગ નક્કી થઇ ગયું છે. સત્તાવાર ઉત્સવનો માહોલ છે. ‘નાનો’ જેવો પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ જે રાજ્યમાં ગયો હોત, ત્યાં આવી જ ઉજવણીનો માહોલ હોત. કારણ કે, તેનાથી વાસ્તવિક ફાયદો તો છે જ. પણ એથી અનેક ગણો મોટો ફાયદો રાજકીય છે. ‘નાનો’ જેવી જગવિખ્યાત કાર પોતાના રાજ્યમાં બને, તેનાથી પ્રજાનો મોટો સમુહ ‘ફીલગુડ’ની લાગણી અનુભવે છે, જે સરકાર માટે બહુ ગુણકારી છે. પ્રસાર માઘ્યમો એ લાગણીને મરીમસાલેદાર અહેવાલોથી ઓર બહેકાવે છે
નાનો’ જેવા પ્રોજેક્ટને વગર વિચાર્યે ‘ગરીબવિરોધી’ કે ‘ખેડૂતવિરોધી’ તરીકે ઉતારી પાડવાનું વલણ જડતા કહેવાય. આવા પ્રોજેક્ટ રાજ્યની વ્યાવસાયિક સજ્જતા માટે ‘શો પીસ’નું કામ કરતા હોય છે. તેમના થકી બીજા રોકાણકારો રાજ્ય તરફ આકર્ષાય અને યોગ્ય ધારાધોરણોને આધીન, સામાન્ય પ્રજાનું હિત જોખમાવ્યા વિના રાજ્યમાં રોકાણ કરે, તે સૌના ફાયદાની વાત છે. ચિંતા ત્યારે થાય, જ્યારે રાજનેતાઓ મોટા ઉદ્યોગપતિઓને ખિસ્સામાં રાખવા માંડે અથવા ખુદ એમના ખિસ્સામાં રહેવા માંડે. બન્ને સ્થિતિનાં જોખમ સરખાં છે.
રાજ્યમાં મોટા ઉદ્યોગ સ્થપાય એ બેશક સારૂં લક્ષણ છે. સ્થિર શાસન, માળખાકીય સુવિધાઓ, પ્રજાકીય સહકાર જેવાં ઘણાં કારણ એ માટે જવાબદાર હોય છે. યાદ રાખવા જેવી બાબત એટલી જ કે ફક્ત મોટા ઉદ્યોગોને આકર્ષવામાં સુશાસન સમાઇ જતું નથી. તેના બીજા તકાદા પણ હોય છે, જેને મોટા ઉદ્યોગોરૂપી રેશમી જાજમની તળે સંતાડી શકાય નહીં. ‘નાનો’ પ્લાન્ટના આગમન અંગે ખુશાલી વ્યક્ત કર્યા પછી, તેને કોઇ મલ્ટીસ્ટાર ફિલ્મના પ્રચારની જેમ કેવળ ‘હેઇસો હેઇસો’થી ગજવી મારવાને બદલે, શાંત ચિત્તે કેટલાક મુદ્દા યાદ રાખવા જેવા છે.
દૂધમાં સાકરઃ પારસીઓની કંઇ પણ વાત આવે એટલે અચૂકપણે સંજાણ બંદર અને દૂધમાં સાકરનો સદીઓ પુરાણો પ્રસંગ યાદ કરવામાં આવે છે. એ જ તરાહ પર રતન તાતાના ગુજરાતપ્રેમની વાતોમાં મનગમતો મસાલો ઉમેરતી વખતે એ યાદ રહે કે છેક મે,૨૦૦૬માં ‘નાનો’ પ્રોજેક્ટ માટે તાતાએ ગુજરાતની નહીં, પણ પશ્ચિમ બંગાળના સિંગુરની પસંદગી કરી હતી. દૂધમાં સાકરની કથાઓ ત્રીજા ધોરણના પાઠ્યપુસ્તક માટે ઠીક છે, પણ રતન તાતા જેવા બિઝનેસમેન માટે તેનું શું મહત્ત્વ હોય? તેમના માટે આખો દેશ - હવે તો આખું વિશ્વ- પોતાનું મેદાન છે. તાતા ગુજરાતી ખરા, પણ ‘ગુજરાતની અસ્મિતા’ જેવા રાજકીય એજેન્ડા સાથે તેમને શી લેવાદેવા? તેમનાં તોતિંગ રોકાણ બંગાળમાં પણ હોય ને કર્ણાટકમાં પણ હોય, આસામમાં હોય ને ગુજરાતમાં પણ હોય.
તાતાના પૂર્વજ જમશેદજી તાતાનું સાણંદ કનેક્શનઃ ‘નાનો’ પ્લાન્ટની સાઇટ માટે સાણંદ નજીકની જમીન વિશે ચર્ચા થતાં ઉત્સાહીઓએ એવું શોધી કાઢ્યું કે ત્યાં વર્ષો પહેલાં તાતાના પૂર્વજ જમશેદજી તાતાએ દાન આપ્યું હતું. એટલે હવે તાતાને સત્કર્મનું ફળ મળી રહ્યું છે! હકીકતમાં, જમશેદજી એવા દાનવીર હતા કે તેમનાં દાનની ધારા આખા ભારતમાં વહેતી જોવા મળે. ‘નાનો’ પ્લાન્ટ માટે કર્ણાટક રાજ્યની ઉમેદવારી પ્રબળ ગણાતી હતી, ત્યારે ત્યાં પણ આ જ પ્રકારની વાત વહેતી થઇ હતીઃ જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદ વચ્ચે ૧૮૯૩માં થયેલા આકસ્મિક મુલાકાત પછી, તાતાએ મૈસૂર રાજ્ય (હાલ કર્ણાટક)માં એક સંશોધન સંસ્થા સ્થાપવા માટે દાન આપ્યું હતું. મૈસૂરના મહારાજાએ તેના માટે જમીન પૂરી પાડી અને એ રીતે ‘ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સીસ’ની સ્થાપના થઇ. આ હકીકત ચગાવીને કર્ણાટકમાં કેટલાક લોકોએ પણ તાતા સાથે ૧૦૦ વર્ષ જૂના કનેક્શનનો દાવો કર્યો હતો. પરંતુ અગાઉ કહ્યું તેમ, ધંધાની વાત આવે ત્યારે આ બધાં ભૂતકાળનાં કનેક્શનનું ભાગ્યે જ કંઇ મહત્ત્વ હોય છે. તેમાં વર્તમાન વ્યવસ્થા અને સુવિધા સૌથી અગત્યનો ભાગ ભજવે છે.
‘નાનો’ પ્લાન્ટ, મોટો રાજકીય ફાયદોઃ ઉદ્યોગપતિઓને પોતાના પ્લાન્ટ ક્યાંક તો સ્થાપવાના જ હોય છે. છતાં, સંબંધિત રાજ્યોના મુખ્ય મંત્રીઓ તેમાંથી શક્ય એટલો રાજકીય માઇલેજ મેળવીને, પોતાની નેતાગીરીના તેજવર્તુળમાં નવો ઝગમગાટ ઉમેરવાનો પ્રયત્ન કરે છે. મે, ૨૦૦૬માં પશ્ચિમ બંગાળમાં લાગલગાટ સાતમી વાર ડાબેરી પક્ષો વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા. તેના પગલે મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ જાહેરાત કરી કે તાતાની પીપલ્સ કાર ‘નાનો’નું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થશે.
૧૮ મે, ૨૦૦૬ના રોજ બુદ્ધદેવ અને તાતાએ સંયુક્ત પત્રકાર પરિષદ ભરી. તેમાં તાતાએ કહ્યું હતું,‘આપણે માનીએ છીએ કે રોકાણકારો માટે પશ્ચિમ બંગાળ દેશભરમાં સૌથી વઘુ અનુકૂળ (ધ મોસ્ટ ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી) રાજ્ય છે. એ માન્યતાને કોઇકે તો હકીકતમાં બદલવી પડશે. અમારૂં રોકાણ એ બાબતનું પ્રતિબિંબ છે કે તાતા ગુ્રપને રોકાણકારો માટે અનુકૂળ આબોહવા અને પશ્ચિમ બંગાળની સરકાર પર ભરોસો છે.’ ‘નાનો’ પ્લાન્ટને કારણે દસેક હજાર જેટલા માણસોને સીધી કે આડકતરી રોજગારી મળશે એવી જાહેરાત તાતાએ બુદ્ધદેવ સાથેની પત્રકાર પરિષદમાં કરી હતી. એ ફાયદો હવે ગુજરાતને- ગુજરાતની પ્રજાને મળશે, પણ ગુજરાત સરકારને- તેના સત્તાધીશોને થનારા ફાયદાની સરખામણીમાં તે ગૌણ લાગશે.
Monday, October 06, 2008
ગાંધીનગરમાં ‘નેનો’ : નેનોમેં સપના
એવી જોરદાર હવા છે કે નેનો કારનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં આવી રહ્યો છે. આ લખાય છે ત્યારે તો ભેંસ ભાગોળે, છાશ છાગોળે (વલોણામાં) ને ઘેર ધમાધમ છે, પણ ખરેખર એ પ્લાન્ટ ગુજરાતમાં આવી જાય અને ગાંધીનગરમાં તેની સ્થાપના કરવામાં આવે તો? સવાલ એ નથી કે પહેલી નેનોનું લોકાર્પણ કોણ કરે (એ તો નેનોના આવતાં પહેલાંથી નક્કી હશે) પણ રસનો વિષય એ છે કે એ પ્લાન્ટને કારણે ઠંડાગાર ગાંધીનગરમાં કેવું વાતાવરણ સર્જાશે અને પ્લાન્ટના આરંભે તેની સાઇટ પર કામ કરતાં વાહનો વચ્ચે આરામના સમયમાં કેવા સંવાદ થતા હશે? 
