Showing posts with label પત્રકારત્વની સફર. Show all posts
Showing posts with label પત્રકારત્વની સફર. Show all posts

Wednesday, August 10, 2022

1700મી પોસ્ટ : 'મારી પત્રકારત્વ-લેખનની સફર'ની પ્રક્રિયા અને પ્રકાશન-જલસો-1

વર્ષ 2008થી શરૂ થયેલી બ્લોગની સફરને જૂન, 2022માં પંદર વર્ષ પૂરાં થયાં અને આ તેની 1,700મી પોસ્ટ છે. આટલાં વર્ષ પછી હવે આંકડાનો મહિમા પહેલાં જેટલો નથી લાગતો. બ્લોગમાં લેખોની સંખ્યા ઘટી છે. તેના માટે ખાસ લખવાનું ખાસ્સું ઘટી ગયું છે. છતાં પંદર વર્ષમાં કદી એવો વિચાર નથી આવ્યો કે બ્લોગિંગ હવે અપ્રસ્તુત બની ગયું છે. માટે બંધ કરી દઉં. નિરાંતે અને મલ્ટીમિડીયા સામગ્રી સાથે, મને ગમે તે રીતે અને હું ઇચ્છું તે રીતે  વ્યક્ત થવા માટે બ્લોગનો વિકલ્પ જડ્યો નથી. વેબસાઇટ બનાવવાનું વચ્ચે વિચાર્યું હતું. પણ તેના ડિઝાઇનિંગથી માંડીને બીજી બાબતોમાં રૂપિયા ખર્ચવાનું વસૂલ ન લાગ્યું. એટલે, અત્યારે તો, 'અભિયાન'ના આર્ટ ડિરેક્ટર મનસુખ ઘાડિયાના યાદગાર શબ્દોમાં કહું તો, 'જે છે, તે આ જ છે.'  

***

બ્લોગની 1700મી પોસ્ટ નિમિત્તે જેનો લસરકા-અહેવાલ લખવાનો છે, તે કાર્યક્રમ એટલે મારા પુસ્તકનો પ્રકાશન સમારંભ. 'મારી પત્રકારત્વ-લેખનની સફર'--એ પુસ્તકનાં પ્રકરણો, જરા જુદા સ્વરૂપે, પહેલાં બ્લોગ પર લખાયાં. એ અર્થમાં કહી શકાય કે બ્લોગ મારા એક અત્યંત મહત્ત્વના અને ગુજરાતી પત્રકારત્વ-લેખન વિશેના વિશિષ્ટ પુસ્તકની સામગ્રીનો પહેલો ઝીલણહાર બન્યો. બ્લોગ પર મેં 'મારી પત્રકારત્વની સફર' એ નામે શ્રેણી શરૂ કરી ત્યારે જરાય ખ્યાલ ન હતો કે એક અત્યંત મહત્ત્વના પુસ્તકનું બીજ રોપાઈ રહ્યું છે. પરંતુ 49 ભાગની એ શ્રેણી પૂરી થઈ ત્યારે સમજાઈ ગયું કે હું ધારું છું એવું પુસ્તક થશે, તો તે ગુજરાતી પુસ્તકોની દુનિયામાં અને પત્રકારત્વ-લેખનનાં પુસ્તકોની દુનિયામાં સાવ જુદા પ્રકારનું અને અભૂતપૂર્વ બની રહેશે. 

કોઈને થશે કે પોતાના પુસ્તકનાં જાતે ને જાતે આટલાં વખાણ સારાં નહીં. સામાન્ય સંજોગોમાં હું પણ તે વાતમાં હોંશથી સંમત થાઉં, પણ 'મારી પત્રકારત્વ-લેખનની સફર'--પ્રકારનું કોઈ પુસ્તક ગુજરાતીમાં અગાઉ મારા જોવામાં આવ્યું નથી. 'સંભારણાં અને દસ્તાવેજીકરણના સંપૂર્ણ સંગમ જેવા તે પુસ્તકમાં  આશરે 95 હજારથી પણ વધારે શબ્દો હતા અને  આશરે 450-500 જેટલા વિઝ્યુઅલ્સ. (ગણ્યાં નથી), તેમની સાથે શી રીતે પનારો પાડવો, તે પડકાર હતો. એવું પુસ્તક શી રીતે તૈયાર થાય, તેમાં વિઝ્યુઅલ સામગ્રી કેવી રીતે મુકાય, તેનો લે-આઉટ કેવો હોય--એ બધું જાતે શીખવા-સમજવાનું હતું.  કેમ કે, અગાઉ ગુજરાતીમાં એવું કોઈ મોડેલ મારી સામે ન હતું. તે વિગતમાં જતાં પહેલાં, થોડી વાત બ્લોગની શ્રેણીના લખાણમાં થયેલા ઉમેરા અને ફેરગોઠવણો વિશે. 

બ્લોગ પર શ્રેણી પૂરી થયાના થોડા મહિના પછી, પુસ્તકની કામગીરી શરૂ કરી. ત્યારે સૌથી પહેલાં તો, શ્રેણીમાં જે લખ્યાં ન હતાં, તે 'અભિયાન' વિશેનાં પ્રકરણો લખવાનું શરૂ કર્યું. લખભૂંસ આરંભી. ચારસો-પાંચસો-છસો શબ્દો લખું. બીજા દિવસે ફરી વાંચું. કાપકૂપ કરું, જુદી રીતે લખું, વિગત ઘટાડું કે વધારું. એ લખતી વખતે સાથે 'અભિયાન'ના સમયગાળામાં બીરેનને લખેલા પત્રોનો જથ્થો, તે સમયની રિપોર્ટિંગની નોટબુક અને તે સમયના 'અભિયાન'ના બધા અંક સાથે રાખતો હતો. કશાક સંદર્ભ માટે એક પત્ર શોધવા માટે બીજા પણ પત્રો ફેંદવાના થાય. ક્યારેક થાય કે 'હમણાં તો એ બે લીટી જોઈ હતી ને હવે ક્યાં ગુમ થઈ ગઈ?'

મુંબઈથી ઘરે લખેલા અને કાર્યપદ્ધતિનો ખ્યાલ આપતા એક પત્રનો અંશ

'મારી હકીકત' નાટક જોયા પછી, તેના વિશેના લખાણની સાથે બીરેનને ખ્યાલ આપવા માટે પત્રમાં દોરેલું સ્ટેજની ગોઠવણનું ચિત્ર. આ પત્ર પણ પુસ્તકમાં સમાવ્યો નથી.

એકથી વધારે વાર બધા પત્રો વાંચ્યા પછી તેમાંથી લઈ શકાય એવી વિગતો તારવી હોય. તેમાંથી પણ લખતી વખતે અમુક પડતી મુકવી પડે, અમુક વાર આખું અવતરણ ઉતારવાને બદલે એકાદ લીટી ઉતારીને બાકીની વાત ટૂંકમાં કરવી પડે. શ્રેણી લખવાનું શરૂ કર્યું ત્યારે સ્પષ્ટતા ન હતી, પણ 49 ભાગ પૂરા થયા ત્યારે તેની લખાવટ અને તેનો ટોન (સૂર) ખાસ્સાં નક્કી થયાં હતાં. એટલે 'અભિયાન' વિશેનાં નવાં લખેલાં પ્રકરણોમાં એ ટોન જળવાઈ રહે તે જરૂરી હતું. એવું થાય છે કે નહીં, તે તપાસવા માટે નવાં લખેલાં પ્રકરણ દીપક સોલિયાને અને બીરેન કોઠારીને વાંચવા મોકલતો હતો.  

1996ના દીવાળી અંક માટે દીપક સોલિયાએ મુંબઈથી કરેલો ફેક્સ. (ફોટો પર ક્લિક કરીને વાંચી શકાશે) તે પણ પુસ્તકમાં લઈ શકાયો નથી.

તે વખતે એવો ખ્યાલ હતો કે પછીનાં પ્રકરણોમાં તો બહુ એડિટ નહીં કરવું પડે. પણ 'અભિયાન' પછીનાં પ્રકરણ જેમ જેમ હાથમાં લેતો ગયો અને ઝીણવટથી તપાસતો ગયો, તેમ નાનુંમોટું નકશીપ્રકારનું ઘણું એડિટિંગ કરવાનું થયું. ઉપરાંત, કેટલાંક પ્રકરણ ટૂંકાં હતાં, કેટલીક ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની હતી. તેના કારણે ઘણાં પ્રકરણ ભાંગવાં પડ્યાં. પરિણામે, જૂનાં 49 પ્રકરણોમાં નવાં પાંચ પ્રકરણ ઉમેરવા છતાં, ફેરગોઠવણીને લીધે પુસ્તકમાં આખરે 47 પ્રકરણ થયાં. 

બીજું મહત્ત્વનું કામ એ કરવાનું હતું કે બ્લોગ પરની શ્રેણીમાં દરેક ભાગના અંતે હું એક તાંતણો લટકતો રાખતો હતો, જેનું અનુસંધાન પછીના ભાગમાં પહેલા ચાર-પાંચ ફકરા પછી આવતું હતું. આવું ઘણાં પ્રકરણોમાં હતું. બ્લોગ પર વચ્ચે વચ્ચે બ્રેક સાથે પ્રકરણો વાંચવાનાં હોય તો તે રીત ચાલી જાય, પણ પુસ્તકમાં સળંગ વાચન વખતે, એક પ્રકરણના અંતે લટકતો તાંતણે બીજા પ્રકરણના આરંભે આવે નહીં, તો રસભંગ થાય . તે બાબતનું દીપકે દોર્યું. એટલે એ રીતે પણ બ્લોગ પરના લખાણમાં-તેના ક્રમ અને ગોઠવણમાં ફેરફારો કરવાના થયા. એમ કરતાં, છેવટે 47 પ્રકરણમાં પુસ્તક પૂરું થયું. ત્યાર પછી બ્લોગમાં લખેલો દસ્તાવેજીકરણ વિશેનો ભાગ પુસ્તકમાં ન લીધો. પરિશિષ્ટમાં એક ટૂંકો લેખ હું પત્રકારત્વમાં શી રીતે આવ્યો, તેનો મુક્યો. પુસ્તકનાં પ્રકરણોમાં 2006 સુધીની વાત હતી. એટલે, બીજું અને મહત્ત્વનું તેમ જ માથાકૂટિયું કામ 2006થી 2022 સુધીના મારા પત્રકારત્વ-લેખન વિશેના કામની ઝલક આપવાનું હતું. તે તૈયાર કરતાં ઘણી વાર લાગી. સાથોસાથ, ઘણું એવું પણ યાદ આવ્યું, જે મનમાંથી સાવ નીકળી ગયું હતું. 

પરિશિષ્ટોનું કામ તો સાવ છેલ્લે રાખ્યું હતું. કારણ કે પુસ્તકમાં પાનાંની સંખ્યાના મેળ  પ્રમાણે પરિશિષ્ટ લેવાનાં કે બાકાત રાખવાનાં હતાં. તે સિવાયનાં પ્રકરણો એડિટ થઈને ફાઇનલ તૈયાર થયાં, એટલે હાશકારો થયો. ત્યાર પછી શરૂ થયું તેના માટેની વિઝ્યુઅલ સામગ્રી શોધવાનું કામ. બ્લોગ પર શ્રેણી લખતી વખતે તેમાં વિઝ્યુઅલ સામગ્રી મુકી જ હતી. છતાં, પુસ્તકમાં છાપવા માટે હાઇ રેઝોલ્યુશન ફોટા જોઈએ. કેટલીક વસ્તુઓના ફોટા પાડીને મુકી દીધા હોય. તેનું સ્કેનિંગ કરવું પડે. નીલેશ રૂપાપરા, જગદીશ પાટડિયા, હિમાંશુ કીકાણી, વિક્રમભાઈ વકીલ, મનીષા જોષી જેવાં એ સમયનાં સાથીઓના તે અરસાના ફોટા ન હતા. એ તેમની પાસેથી આગ્રહપૂર્વક મંગાવ્યા. વિલક્ષણ પત્રકાર સંજય ઠાકોર ('ભમરડો' અને 'પ્રહાર' જેવાં સામયિકોના તંત્રી)નો ફોટો છાપવાની મારી બહુ ઇચ્છા હતી. ઠેકઠેકાણે તપાસ કર્યા પછી, જાણીતા પત્રકાર અને વડીલ મિત્ર મુકુંદ પંડ્યાએ મને સંજયભાઈનો એક જૂનો, પણ છાપી શકાય એવો ફોટો મેળવી આપ્યો. પુસ્તક મારી આત્મકથાનું હોત તો આ બધી કડાકૂટની જરૂર ન હતી. પણ મારા મનમાં બહુ સ્પષ્ટ હતું કે પુસ્તકનો મુખ્ય સૂર દસ્તાવેજીકરણનો હોવો જોઈએ.  હું તેમાં નાયક તરીકે નહીં, ઘટનાક્રમમાં ભાગ લેતા છતાં, તેને દૂરથી જોઈ શકતા કથનકાર-નેરેટર તરીકે આવી શકું, તો મારો પ્રયાસ સફળ થયો ગણાય.  

મુકુંદભાઈ પંડ્યાએ મેળવી આપેલો, પણ ઓછા રેઝોલ્યુશનને કારણે પુસ્તકમાં નહીં વાપરેલો સંજય ઠાકોરનો ફોટો

ફોટા શોધવાના કામમાં થોડા દિવસ સુધી રાતના બે-ત્રણ વગાડ્યા, પણ એ કામ કરતી વખતે એ સમયમાં પાછા જવાનો આનંદ અવર્ણનીય હતો. તેમાં ઉજાગરો વસૂલ લાગતો હતો. ઉપરાંત, એમ કરવાથી ધારેલી ડેડલાઇનમાં છતાં આનંદપૂર્વક કામ થઈ રહ્યું હતું, તેનાથી સારું લાગતું હતું. પ્રકરણો અને તેમાં સમાવવાની વિઝ્યુઅલ સામગ્રીના ફોટા ફાઇનલ થઈ ગયા, એટલે લે-આઉટ વિશે નક્કી કરવાનો વખત આવ્યો. 

કેટલાંક ગમતાં અંગ્રેજી પુસ્તકો જોતાં જોતાં લે-આઉટનો પ્રાથમિક વિચાર મનમાં આવ્યો. પરમ મિત્ર અને કાયમી સલાહકાર અપૂર્વ આશર સાથે વાતચીત થઈ. બીરેને પણ કેટલાંક સરસ સૂચનો આપ્યાં. તે બધું મનમાં રાખવા છતાં, પ્રિય મિત્ર અને ડીઝાઇનર મણિલાલ રાજપૂતની ઓફિસે પહેલી વાર પહોંચ્યો, ત્યારે મનમાં અવઢવનો પાર ન હતો. પરંતુ 'સાર્થક જલસો'નું ઉત્તમ રીતે ડીઝાઇનિંગ કરતા ભાઈ રણજિતની સાથે પહેલી વાર બેઠો અને દોઢ-બે કલાક પછી ઊભો થયો, ત્યારે પાંચ પ્રકરણનો લે-આઉટ થઈ ચૂક્યો હતો અને આગળની દિશા સ્પષ્ટતાપૂર્વક દેખાવા લાગી હતી. મણિલાલની ઓફિસના વાતાવરણમાં, રણજિત સાથે કામ કરવાની મઝા અને નિરાંત બહુ જુદાં હોય છે. એટલા પ્રેમથી અને એટલી લાગણીથી રણજિત લે-આઉટ કરે અને એકેેએક સૂચન-વિકલ્પો-ફેરબદલીનો એટલી ઝડપથી અમલ કરી બતાવે કે જરાય ટેન્શન ન થાય. ઉલટાનું, ટેન્શન હોય તો પણ તે ધીમે ધીમે દૂર થવા લાગે. 

એક વાર લે-આઉટની સ્પષ્ટતા થઈ અને તે મનમાં ધારેલી રીતે ગોઠવાવા લાગ્યો, એટલે કામ ઝડપભેર આગળ ચાલવા લાગ્યું. વચ્ચે વચ્ચે રણજિતને અનુકૂળતા ન હોય ત્યારે ખાડો પડે, પણ જરાય ચિંતા ન થાય. બાકી, લે-આઉટનું કામ શરૂ થયું, તે પહેલાં ઊંધી ગણતરી કરીને જુલાઇ 16 માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલ બુક કરાવી લીધો હતો. એટલે, મનમાં ઘડિયાળની ટીક ટીક તો ચાલુ થઈ ચૂકી હતી. 

280ની બેઠકક્ષમતા ધરાવતો એચ.ટી.પારેખ હોલ

મિત્ર જિતેન્દ્ર મેકવાને જેમનો પરિચય કરાવ્યો હતો તે અજિતભાઈ મકવાણા ઝડપભેર છતાં ચોક્સાઈથી પ્રૂફ વાંચી રહ્યા હતા. એટલે એક તરફ પ્રકરણોનો લે-આઉટ થતો હતો, સાથોસાથ પછીનાં પ્રકરણોનાં પ્રૂફ પણ ચાલુ હતાં. થોડાં પ્રકરણોના ફોટા શોધવાનું કામ સમાંતરે ચાલતું હતું. એટલે લે-આઉટના કામમાં વચ્ચે ખાડો પડે ત્યારે, પછીના દિવસોમાં કરવાનાં કામની સામગ્રી ભેગી કરવામાં અને અગાઉ થયેલા લે-આઉટ તપાસીને, તેમાં જરૂરી ફેરફારની નોંધ કરવામાં સમય જતો હતો. 

એમ કરતાં, ધાર્યા સમયમાં તમામ 47 પ્રકરણોના લે-આઉટનું કામ પૂરું થયું. ટુકડે ટુકડે બધાં પ્રકરણ ફરી જોયાં હતાં. પણ તે થઈ ગયાં પછી, ફરી એક વાર સળંગ તપાસી ગયો. મુખ્યત્વે લે-આઉટ અને ફોટોલાઇનની રીતે. પછી બાકી રહ્યાં બે પરિશિષ્ટ, પુસ્તકનાં આગળનાં પાનાં અને ટાઇટલ-બેક ટાઇટલ. સૌથી મોટો પ્રશ્ન હતો ટાઇટલનો. તેમાં શું કરવું તેનો વિચાર મહિનાઓથી મનમાં ચાલતો હતો. થોડી કાચીપાકી ડીઝાઇન બનાવી રાખી હતી. પણ ગુંચવાડો મટતો ન હતો. એક રાત્રે રાબેતા મુજબ બીરેન સાથે ફોન પરની વાતચીતમાં તેણે એક સૂચન કર્યું અને આગળનો રસ્તો મળી ગયો. 

(ટાઇટલ-બેક ટાઇટલ, આગળનાં પાનાં અને પુસ્તકના પ્રકાશન સમારંભ વિશે હવે પછી)

 

Friday, July 15, 2022

'મારી પત્રકારત્વ-લેખનની સફર' : પ્રકાશનના ચોવીસ કલાક પહેલાં

કેટલાંક કામ પૂર્વઆયોજિત હોય છે ને કેટલાંક આવી પડેલાં. પહેલેથી નક્કી કરી રાખેલાં કરવાનાં કામની મારી યાદી લાંબી છે. ઝડપથી ખૂટે એમ નથી. પરંતુ વર્ષ 2020માં એક કામ જૂનાં કામોની યાદી ચાતરીને, સીધું સામે આવી ગયું. 

પત્રકારત્વમાં પચીસ વર્ષ પૂરાં થયાં, તે નિમિત્તે બિનીત મોદીએ સૂચવ્યું કે મારે કંઈક લખવું. મને પણ થયું કે પચીસ વર્ષમાં અનેક દિશામાં અનેક પ્રકારનાં કામ થયાં છે. તેની એક યાદી બને તો સારું. કારણ કે ઘણાં કામ એવાં હતાં કે એક સાથે મને પણ યાદ ન આવે--યાદ કરવા જેવાં ને યાદ રાખવા જેવા હોવા છતાં. આમ, નિર્દોષભાવે, એવાં કામની અછડતી યાદી કરવાના ઇરાદા સાથે બ્લોગ લખવા બેઠો. તેમાં 'અભિયાન'કાળની (1995-96) કેટલીક તસવીરી યાદગીરી મૂકી અને બીજા ભાગમાં, 'અભિયાન'માંથી શું શીખવા મળ્યું તે થોડું લખ્યું. 

વિચાર્યું હતું કે દરેક કામ વિશે આવું એકાદબે ભાગમાં લખીને પૂરું કરી દઈશ.  પણ 'સંદેશ'ના સમય વિશે લખવાનું શરૂ કર્યું અને જે પ્રકારના પ્રતિભાવ મળવા માંડ્યા, તેનાથી લાગ્યું કે આગલા સ્ટેશને જવા માટે ઉપડેલી ગાડી એમ અટકે એવું લાગતું નથી. પછી 'સીટીલાઇફ' આવ્યું. વર્ષોથી સાચવી રાખેલી દસ્તાવેજી સામગ્રી, ડાયરી, નોંધો બધું એક પછી એક આવતું ગયું અને ગોઠવાતું ગયું. 

સામાન્ય રીતે કોઈ પત્રકાર પાસે હોય તેના કરતાં મારું દસ્તાવેજીકરણ બહુ મજબૂત. છતાં મને ખ્યાલ નહીં કે આટલી બધી સામગ્રી નીકળશે અને કટકે કટકે સળંગસૂત્ર દસ્તાવેજીકરણનો ઘાટ આવતો જશે. ધીમે ધીમે સફર આગળ વધતી ગઈ અને શરૂઆતના થોડા ભાગ પછી હું પણ લંબાણની ચિંતા મુકીને પૂરી ગંભીરતાથી અને લિજ્જતથી લખતો ગયો. લાંબું ન થઈ જાય તેની સભાનતા સતત હતી, તેમ અકારણ ટૂુંકું ન થઈ જાય તેની પણ ચીવટ રાખી. એમ કરતાં કુલ 49 ભાગ લખાયા. કુલ 90 હજારથી એક લાખ જેટલા શબ્દો થયા હશે. 

લેખમાળા પૂરી થયા પછી પચાસમો ભાગ મારી દસ્તાવેજીકરણની સફર વિશે લખ્યો (જે બ્લોગ પર વાંચી શકાશે). લેખશ્રેણીમાં દસ્તાવેજીકરણનો જે ઘાટ ઉપસ્યો, તેના પરથી એટલું તો સમજાયું કે આ પુસ્તકનો  મામલો છે. સાથોસાથ, એ પણ સમજાયું કે પુસ્તક કરતાં પહેલાં સારુંએવું કામ કરવું પડશે. કારણ કે લેખમાળામાં શરૂઆતથી સભાનતા ન હતી. એટલે 'અભિયાન' વિશે સાવ ટૂંકમાં પૂરું થઈ ગયું હતું.  પછીનાં પ્રકરણોમાં પણ ક્યાંક કાલાનુક્રમના પ્રશ્નો ધ્યાને આવ્યા હતા. ઉપરાંત ,દરેક ભાગના છેડે એક અધૂરી વાત મૂકીને, બીજા ભાગમાં અધૂરી વાતનું અનુસંધાન શરૂઆતના ત્રણ-ચાર ફકરા પછી આવે, એવું રાખ્યું હતું. પુસ્તકમાં માણસ સળંગ વાંચતો હોય, ત્યારે એવું ન ચાલે. 

થોડા સમય પછી પુસ્તકનું કામ હાથ પર લીધું ત્યારે વર્ષોથી બાકી રહેલાં પુસ્તકનાં કામ જાણે મારી સામે ડોળા કાઢતાં હોય એવું લાગતું હતું,પણ આ કામ પૂરું કર્યે જ પાર હતો. એવું પણ લાગ્યું કે ગુજરાતી પત્રકારત્વના બસોમાં વર્ષમાં  જુલાઈ 2022 પૂરો થતાં સુધીમાં પૂરું થઈ જાય તો સારું. એ પ્રમાણે આખી લખાયેલી શ્રેણીમાં ઘણો સમય આપ્યો. શરૂઆતનાં 'અભિયાન'નાં પ્રકરણ તો સાવ નવાં જ લખ્યાં. પછીનાં પ્રકરણોમાં નવેસરથી એડિટિંગ કર્યું. પરિણામે, મેટર જરા પણ કાપ્યા વિના, એડિટિંગના કારણે, (નવાં ચાર પ્રકરણ ઉમેર્યાં છતાં) પુસ્તકનાં કુલ 47 પ્રકરણ થયાં. તેનું પ્રૂફ અજિતભાઈ મકવાણાએ સરસ રીતે અને સમયસર કરી આપ્યું. 

પછી શરૂ થયું તેના ડિઝાઇનિંગનું કામ. 'આર્ટ મણિ'ના મિત્ર, મણિલાલ રાજપૂત સાથે અને તેમની ઓફિસે કામ કરતા તેમના ભત્રીજા રણજિત સાથે મનમેળ એવો છે કે કામનો જરાય બોજ ન લાગે. એટલે કામ સપાટાબંધ આગળ ચાલવા લાગ્યું. દરેક પ્રકરણમાં સમાવવાના હોય એવા ફોટોને હું અલગ ફોલ્ડરમાં સેવ કરતો હતો અથવા જરૂર લાગ્યે તો નવેસરથી સ્કેન કરીને મુકતો હતો. ફક્ત વિઝ્યુઅલ સામગ્રી ભેગી કરવાનું કામ ઘણા કલાક માગી લેનારું હતું. કારણ કે ભાગ્યે જ કોઈ પુસ્તકમાં હોય એટલા જથ્થામાં વિઝ્યુઅલ સામગ્રી હતી. પણ તે કામ કરતી વખતે જૂના સમયમાં જવાના આનંદને લીધે થાક લાગતો ન હતો. 

પુસ્તકનું કામ આગળ વધતું ગયું તેમ સમજાયું કે આ ફક્ત મારી કથા હોત તો તેને 'સાર્થક જલસો'ની જેમ બ્લેક એન્ડ વ્હાઇટમાં સહેલાઈથી છાપી શકાત, પણ મારી વાતની સાથોસાથ ગુજરાતી પત્રકારત્વના 1995-2005 સુધીના સમયગાળાનું તેમાં દસ્તાવેજીકરણ છે અને એ પણ ફક્ત શબ્દોસ્વરૂપે નહીં, વિઝ્યુઅલ સ્વરૂપે.  વ્યક્તિગત સિવાય ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસના એક નાનકડા ખંડના, અગાઉ કદી ન થયા હોય એવા દસ્તાવેજીકરણ તરીકે તેનું મહત્ત્વ મને સ્પષ્ટ દેખાયું. એટલે  મન કઠણ કરીને નક્કી કર્યું કે આખું પુસ્તક ફોર કલરમાં કરવું જોઈએ. 

એ જ રીતે, પુસ્તકનું કામ ક્યારે પૂરું થશે તેનો અંદાજ માંડ્યા પછી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો હોલ બુક કરાવ્યો. એટલે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. તેનો છેલ્લો દિવસ આવતી કાલે (16 જુલાઇ, 2022) છે, જ્યારે સાંજે પોણા છ વાગ્યાથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એચ.ટી.પારેખ ઓડિટોરિયમમાં 'મારી પત્રકારત્વ-લેખનની સફર' પ્રકાશિત થશે. 

પત્રકારત્વ-લેખનની અત્યાર સુધીની સફરની જેમ પુસ્તક તૈયાર કરવાની સફર પણ પૂરો કસ કાઢનારી અને એવી જ રીતે, પૂરો સંતોષ આપનારી રહી છે. હવે પત્રકારત્વ-લેખનની સફર તો ચાલુ રહેશે, પણ પુસ્તકસર્જનની સફરનું છેલ્લું પ્રકરણ આવતી કાલે, ઘણા સ્નેહીમિત્રોની હાજરીમાં લખાશે. તેની માટે ઇંતેજારી અને સૌને આમંત્રણ. 

Saturday, July 24, 2021

પત્રકારત્વ-લેખનને પૂરક એવી દસ્તાવેજીકરણની સફર

(ભાગ-૧) (ભાગ-૨) (ભાગ-૩) (ભાગ-૪) (ભાગ-૫) (ભાગ-૬) (ભાગ-૭) (ભાગ-૮) (ભાગ-૯) (ભાગ-૧૦) (ભાગ-૧૧)  (ભાગ-૧૨) (ભાગ-૧૩) (ભાગ-૧૪) (ભાગ-૧૫) (ભાગ-૧૬) (ભાગ-૧૭) (ભાગ-૧૮) (ભાગ-૧૯) (ભાગ-૨૦) (ભાગ-૨૧) (ભાગ-૨૨) (ભાગ-૨૩) (ભાગ-૨૪) (ભાગ-૨૫) (ભાગ-૨૬) (ભાગ-૨૭) (ભાગ-૨૮) (ભાગ-૨૯) (ભાગ-૩૦) (ભાગ-૩૧) (ભાગ-૩૨) (ભાગ-૩૩) (ભાગ-૩૪) (ભાગ-૩૫) (ભાગ-૩૬) (ભાગ-૩૭) (ભાગ-૩૮) (ભાગ-૩૯) (ભાગ-૪૦) (ભાગ-૪૧) (ભાગ-૪૨) (ભાગ-૪૩) (ભાગ-૪૪) (ભાગ-૪૫) (ભાગ-૪૬) (ભાગ-૪૭) (ભાગ-૪૮) (ભાગ-૪૯)

પત્રકારત્વની સફરની શ્રેણી વાંચતી વખતે કેટલાંક મિત્રોએ એવી જિજ્ઞાસા પ્રગટ કરી કે ‘તમે આટલું બધું, જરૂર પડ્યે હાથમાં આવે એ રીતે સાચવ્યું કેવી રીતે? તમે દસ્તાવેજીકરણ શી રીતે કરો છો?’ દસ્તાવેજીકરણની ખાસિયતને કેટલાક લોકો મારું ‘ટ્રેડ સિક્રેટ’ પણ માનતા હોય છે. એ વિશે હું ન લખું અને તે ‘રહસ્ય’ જ રહે, તો તેના નામે ભવિષ્યમાં જેવી વાર્તાઓ કરવી હોય તેવી કરી શકાય. પણ એ વિકલ્પ જતો કરીને દસ્તાવેજીકરણ વિશે લખવાનો પ્રયાસ કરી જોઉં. તેમાં ઘણી અંગત અને પત્રકારત્વની સફરમાં અપ્રસ્તુત લાગે એવી વાતો હશે. પણ તેની બાદબાકી કરીને લખવું શક્ય નથી.

વસ્તુઓ સાચવવાની, ઠેકાણે મુકવાની આદતની શરૂઆત કૌટુંબિક પરંપરાથી થઈ. ઘરમાં મમ્મી, કદાચ દાદી અને અમારા કૌટુંબિક વડીલ કનુકાકા—આ લોકો સાચવણીનાં બહુ આગ્રહી. ઝીણામાં ઝીણી ચીજો સાચવીને સંઘરે. એ જમાનાના રિવાજ પ્રમાણે, ક્યારેક તો વસ્તુઓ વાપરે પણ નહીં. ફક્ત સાચવે. એ રીતે ઘરમાં ઘણું સચવાયેલું. જૂનાં વાસણ, દાદાનું નામ ધરાવતી ક્રૉકરી, દાદાના નામના પ્રથમાક્ષરો CCK ધરાવતી શેતરંજીઓ, પતરાની મોટી પેટીઓ, પપ્પા-કાકાઓ-ફોઈના લગ્નની કંકોત્રીઓ, તેમાં આવેલા ચાંલ્લાની નોટો, જૂનાં પ્રમાણપત્રો…

મમ્મી-પપ્પાનાં લગ્ન વખતની નોટ
દાદાજીના સમયની કીટલી
મારાં મમ્મી ચોક્સાઈનાં જબરાં આગ્રહી. ભારે કામગરાં પણ ખરાં. અત્યારે ૮૨ વર્ષની ઉંમરે પણ તે ખાલી બેઠેલાં ભાગ્યે જ જોવા મળે. જે વસ્તુ જ્યાંથી લીધી ત્યાં જ મૂકવી, એ તેમની પદ્ધતિ. તે બાબતમાં સ્કૂલકાળમાં હું ભારે અવ્યવસ્થિત. તેમને મારી ઘણી ચિંતા થાય. બીરેન મારી સરખામણીમાં ખાસ્સો વ્યવસ્થિત. છ વર્ષ મોટો. વધારે ઠરેલ. તેનામાં પણ સાચવવાના કૌટુંબિક સંસ્કાર હતા. નાનપણમાં તે એક વાર વૅકેશનમાં મુંબઈ કાકાને ઘેર ગયો, ત્યારે પિતરાઈ ભાઈઓ સાથે તેણે જોયેલી અઢળક ફિલ્મોની ટિકિટો ક્યાંય સુધી એક પાકિટમાં સંઘરી રાખી હતી. (એમ તો મેં પણ ‘હેલ્લારો’ની ટિકિટ રહેવા દીધી છે.)

વાચન અને ફિલ્મસંગીતમાં રસ પડવાનું શરૂ થયા પછી મારામાં ખાસ્સો બદલાવ આવ્યો. ફિલ્મસંગીત વિશે ત્યારે ઉપલબ્ધ ટાંચાં સંસાધનો અને આર્થિક મર્યાદાઓ વચ્ચે અમે શોખ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. તેમાંથી નાના પાયે દસ્તાવેજીકરણ શરૂ થયું. રેડિયો પર જૂનાં ગીત સાંભળતી વખતે, જે ગીત ગમે અને અજાણ્યાં લાગે તેની પહેલી લીટી અને બીજી જે કંઈ વિગત સંભળાઈ હોય, તે અમે એક ચબરખીમાં નોંધી લઈએ. એમ કરતાં ઘણી ચબરખીઓ થાય ત્યાર પછી તેમાંથી સંગીતકાર કે ગાયક પ્રમાણે એક કાગળમાં યાદી બનાવીએ. શા માટે? એક આશય એવો કે ભવિષ્યમાં એ ગીતો મેળવવાનાં છે એવી ખબર પડે. એ વખતે ગુગલ નહીં. ફિલ્મી સાહિત્ય નહીંવત્. એટલે આવી યાદીઓ બનાવવાનો ભારે મહિમા હતો. અમારાથી બમણી-ત્રણ ગણી ઉંમરના લોકો પણ મુકેશની ને કિશોરકુમારની ને રફીની ને શંકર-જયકિશનની ને એવી યાદીઓ બનાવતા. બીજો આશય ફક્ત જાણકારીનો. ત્રણ દાયકા પછી પણ, રેડિયો સિલોનની યુટ્યુબ ચેનલ પર ક્યારેક કોઈ ગીતના શબ્દો કાને પડે, ત્યારે અચાનક બત્તી થાય છે, ‘ઓહ, આ તો ચબરખીમાં લખેલું તે.’

ગરમીની રાત્રે બીરેન અને હું પતરાંની અગાસીમાં સૂતા હોઈએ, સાથે રેડિયો હોય. અંધારામાં કાગળ-પેનથી લખતાં ફાવે નહીં. એટલે ચોક સાથે રાખીએ અને કોઈ ગીતની વિગત લખવા જેવી લાગે તો ભીંત પર લખી દઈએ. સવારે ઉઠ્યા પછી તે ચબરખીમાં નોંધી લેવાની. એક વાર તો રાત્રે ભીંત પર એક ગીતના શબ્દો લખ્યા હતા ને અડધી રાત્રે વરસાદ પડતાં ગાદલાં વાળીને અંદર દોડવું પડ્યું. તેમાં ભીંત પર લખેલા ગીતના શબ્દો ભૂંસાઈ ગયા. એ વાત વર્ષો પછી ‘ગુજરાત સમાચાર’ની નીચે કીટલી પર લલિત લાડ સાથે અનાયાસે નીકળી. ત્યારે તે વિભાવરી વર્મા નામે રવિવારની પૂર્તિમાં નવલકથા લખતા હતા અને કદાચ તેમાં આર.જે.ની સ્ટોરી હતી. લખેલું ગીત વરસાદથી ધોવાઈ ગયાની વાતમાં તેમને એટલો રસ પડ્યો કે મને કહીને નવલકથામાં તેમણે એ વાતનો ઉપયોગ કર્યો હતો.

ચાહક-વાચક તરીકે રજનીકુમાર પંડ્યાના સંપર્કમાં આવ્યા પછી તેમની પાસેથી બીજી ઘણી બાબતો ઉપરાંત દસ્તાવેજીકરણ અને ચોક્સાઈના વધુ પાઠ જોઈને શીખવા મળ્યા. તેમને રૂબરૂ મળ્યા પણ ન હતા, ત્યારે એસ.ડી. બર્મન વિશેના અમારા એક પત્રના જવાબમાં તેમણે એસ.ડી.બર્મનનું સંગીત ધરાવતી ફિલ્મોની આખી ફિલ્મોગ્રાફી (ફિલ્મવાર ગીતોની સૂચિ)ની ઝેરોક્સ અમને મોકલી આપી. ત્યારે અમને જાણ થઈ કે હાથે બનાવેલાં લિસ્ટ ઉપરાંત સુવ્યવસ્થિત ફિલ્મોગ્રાફી જેવું પણ હોય છે. રજનીભાઈ પાસેથી જ અમને હરમંદિરસિંઘ ‘હમરાઝે’ સંપાદિત કરેલા ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ વિશે માહિતી મળી. ૧૯૩૧થી ૧૯૮૦ સુધી પાંચ દાયકાના પાંચ ખંડમાં આશ્ચર્યચકિત થઈ જવાય એવું તે દસ્તાવેજીકરણ હતું. તેનો એક નમૂનો અહીં આપું છું. (ફોટો એન્લાર્જ કરીને ઝીણવટથી જોશો તો વધુ ખ્યાલ આવશે.)

ગીતકોશ જોયા પછી ચબરખીઓ બનાવવાની જરૂર ન રહી. ‘હમરાઝ’ છેક ૧૯૭૧થી ‘લિસ્નર્સ બુલેટિન’ નામે એક ત્રૈમાસિક કાઢતા હતા. તેનું અમે લવાજમ ભર્યું. એટલું જ નહીં, ચારસો-સાડા ચારસો રૂપિયા જેટલી, ત્યારે માતબર લાગતી રકમ ખર્ચવાનું નક્કી કરીને તેના બધા જૂના અંક મંગાવી લીધા. અંક તો આવી ગયા, પણ તેમાં ક્યાં શું છે તે શોધવાની બહુ તકલીફ પડતી હતી. એટલે મેં ખપ પૂરતું શું ક્યાં છે તેની યાદી બનાવવાનું શરૂ કર્યું. હું જે કરતો હતો તેને સૂચિ કહેવાય, એ પણ મને ખબર ન હતી. (વર્ષો પછી ‘હમરાઝે’ પોતે ‘લિસ્નર્સ બુલેટિન’ની સંપૂર્ણ સામગ્રીની છાપેલી સૂચિ તૈયાર કરી, ત્યારે અમે તેમને અમારી આદિસૂચિ વિશે વાત કરી હતી.)

રજનીભાઈ પાસે જૂનું ઘણું સચવાયેલું જોવા મળે. તેમાંથી જરૂર પડ્યે બધું મળે જ એવું જરૂરી નહીં. તે હંમેશાં ઉમાશંકર જોશીને ટાંકીને કહે, ‘અહીંથી કશું ખોવાતું નથી ને અહીં કશું જડતું નથી.’ તેમને ત્યાં કામ કરતા હરગોવિંદભાઈ માટે તેમણે એક જોડકણું બનાવ્યું હતું, ‘કરે શું જગતનો નાથ, ફરે જ્યાં હરગોવિંદનો હાથ’. છતાં, હરગોવિંદભાઈના કારણે ઘણું મળી આવતું હતું. રજનીભાઈની પોતાની સાચવણ અને તેમાં નવી ટૅક્નોલોજિનો ઉપયોગ કરવાની તત્પરતા ઘણી. એટલે ડિજિટલ ડાયરી અને રેકોર્ડરવાળા ફોન જેવી સામગ્રી અને દસ્તાવેજીકરણ માટે ટૅક્નોલોજિના ઉપયોગો તેમની પાસે જોયા-જાણ્યા.

લેખન-વાચન-સંગીતની બાબતમાં મારું સંપૂર્ણ ઘડતર બીરેનની સાથે થયું. બીરેન વડોદરા રહેવા ગયો ત્યારે એ ભાગ પૂરો થઈ ચૂક્યો હતો. ત્યાર પછી અમારી વચ્ચેનો સતત સંવાદ અને આદાનપ્રદાન ચાલુ રહ્યાં. પણ મહેમદાવાદનું ઘર મોટું હોવાથી પુસ્તકો, કેસેટ, રેકોર્ડ વગેરે બધું ત્યાં રહ્યું. મારા પત્રકારત્વમાં પ્રવેશ પછી, મારે એની જરૂર વધારે પડશે, એવી સમજથી પણ અમારો સહિયારો ખજાનો મહેમદાવાદમાં રહ્યો. બીરેન નોકરી કરતો હતો ત્યારે ઘરે હોવાને કારણે તેની જાળવણીનું કામ પહેલેથી મારું જ હતું.

હું બીએસ.સી.માં ભણતો હતો ત્યારે બીરેને ‘ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’નું લવાજમ ભર્યું. ત્યાર પહેલાં ઘરમાં અંગ્રેજી છાપું સુદ્ધાં કદી આવતું ન હતું. ગુજરાતી છાપું પણ ખાસ્સો સમય બંધ રહ્યું હતું અને એક પાડોશીને ત્યાંથી વાંચવા લાવવું પડતું હતું. ‘વિકલી’ આવ્યું અને અમારી નવી ઘડાતી સમજમાં મૂલ્યવાન ઉમેરા લાવ્યું. ફોટોગ્રાફી, કળા અને કાર્ટૂનની અમારી જે કંઈ સમજ ખીલી, તેમાં પ્રીતિશ નાંદીના તંત્રીપદ હેઠળના ‘વિકલી’નો બહુ મોટો ફાળો છે. ‘વિકલી’માંથી રસ પડે એવા વિષયનાં પાનાં અમે ફાડી લેતા અને તેની ફાઇલ કે દેશી રીતે ગુંદરથી ચોંટાડીને બાઇન્ડિંગ તૈયાર કરતા. મારિયો મિરાન્ડા અને હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનાં અમે અમારી દેશી રીતે બાઇન્ડિંગ તૈયાર કર્યાં હતાં, જેથી સાચવવામાં અને ઉપયોગ કરવામાં સુવિધા રહે. શરૂઆતની મુલાકાતોમાં એક વાર એ બાઇન્ડિંગ અમે મોરપરિયાને બતાવ્યું, ત્યારે તે પણ ચકિત થઈ ગયા હતા. ત્યારે તે રેડિયોલોજિસ્ટ તરીકે ચોપાટી પર એન.એમ. મેડિકલમાં બેસતા હતા. ત્યાં કામ કરતા એક ભાઈને તેમણે ઉત્સાહથી અમારું બાઇન્ડિંગ બતાવતાં કહ્યું હતું, ‘આ લોકોએ મારા કાર્ટૂનનાં કમ્પાઇલેશન કર્યું છે.’
હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનું અમે તૈયાર કરેલું સંકલન અને તેની પર મોરપરિયાએ તેમના કૅરિકેચર સાથે કરી આપેલા હસ્તાક્ષર, ૧૯૯૨
મોરપરિયાની જેમ 'વિકલી'માંથી જ તૈયાર કરેલું મારિઓ મિરાન્ડાનાં કાર્ટૂનનું સંકલન
સૌથી પહેલાં ક્રિકેટમાં ઘણો રસ હતો. ત્યારે છાપાંમાંથી ક્રિકેટને લગતા સમાચારનાં કટિંગ કરીને એક ફાઇલમાં રાખતા. ‘દૂરદર્શન’ પર ‘બૉડીલાઇન’ સિરીઝ શરૂ થઈ ત્યારે ‘ગુજરાત સમાચાર’માં બૉડીલાઇનની ટેસ્ટ સિરીઝ વિશે લેખમાળા આવી હતી. તેનાં પણ કટિંગ રાખ્યાં હતું. તેમાં લેખકનું નામ છેલ્લા ભાગમાં આવ્યું હોવાથી તે મનમાં નોંધાયું ન હતું. પણ પછી નગેન્દ્રભાઈ સાથે કામ કરતી વખતે જાણ થઈ કે એ લેખમાળા તેમણે લખી હતી.  ‘આવું બધું રાખીને શું કરવાનું?’ એવો સવાલ કોઈએ કર્યો ન હતો અને અમને થયો ન હતો. મઝા આવતી હતી. કંઈક સાર્થકતા લાગતી હતી. એટલું પૂરતું હતું. કટિંગ ભેગાં કરવાનુ્ં વાતાવરણ ઘરમાં ન હતું. એ અમારાથી શરૂ થયું
નગેન્દ્ર વિજયે ગુજરાત સમાચારમાં લખેલી ત્રણ ભાગની શ્રેણીનો પહેલો ભાગ
જુદી જુદી ક્રિકેટ ટીમના ક્રિકેટરોની જન્મતારીખની બીરેને તૈયાર કરેલી યાદી. તેમાં પાછળથી મેં કેટલાક ઉમેરા કર્યા હતા. આ પાનાંની પાછળ વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનના ક્રિકેટરોની જન્મતારીખો લખેલી છે.
વાંચવાનું શરૂ થયા પછી અમારું પત્રલેખન શરૂ થયું. ગમતા અને નહીં ગમતા કટારલેખકો સાથે પત્રવ્યવહાર થયો. બીરેન આઇ.પી.સી.એલ.માં કામ કરે અને વડોદરાથી મહેમદાવાદ આવ-જા કરે. એટલે ઘણી વાર પત્રોનો ખરડો હું લખી રાખું. પછી અમે બંને મળીને તેને ફાઇનલ કરીએ અને અમારાં સંયુક્ત નામથી પત્ર જાય. એવા પત્રોના ખરડા પણ ફાડીને ફેંકી દેવાને બદલે અમે તે એક ફાઇલમાં રાખતા હતા. (ફાઇલ એટલે કાણાં પાડીને ફાઇલ કરવાનાં એમ નહીં, પણ તેમાં છૂટા કાગળ સ્વરૂપે રહેવા દેવાના.) એ ફાઇલ હજુ છે. એવી જ રીતે, ઘરે આવતા મિત્રોના પત્રો પણ સાચવીને રાખવાનું શરૂ કર્યું. આશય એટલો જ કે ભવિષ્યમાં ક્યારેક વાંચવાની મઝા આવે. બિનીત મોદીના અને હરીશભાઈ રઘુવંશીના ત્રણેક દાયકા પહેલાંના પત્રોનો મોટો જથ્થો અને બીજા ઘણા પત્રો હજુ સચવાયેલા છે. નવા બનેલા મિત્રોમાં ટૅક્નોલોજિને કારણે પત્રલેખન લગભગ બંધ થયું. છતાં નિશા કે આરતી જેવાં મિત્રોએ ચહીને પત્ર લખ્યો હોય અથવા ક્યાંકથી કાર્ડ મોકલ્યું હોય તો તે પણ આ ખાનામાં જમા છે.
પત્રકારત્વમાં આવ્યા પછી સાચવણીની સામગ્રીનો વ્યાપ વધ્યો. ઘર જૂનું અને મોટું હતું. એટલે જગ્યાની અનુકૂળતા પણ હતી. બરાબર યાદ છે, ‘અભિયાન’ના ગાળામાં કે તે છોડ્યા પછી તરતના અરસામાં એક વાર દીપક (સોલિયા) અને હેતલ (દેસાઈ) મહેમદાવાદના ઘરે આવ્યાં હતાં. ઘરના ઉપરના માળે જૂના દાદર પર ‘અભિયાન’ના અંકોની થપ્પી પડેલી હતી. તે જોઈને દીપકે હસતાં હસતાં પૂછ્યું, ‘ક્રમમાં ગોઠવેલાં તો નહીં જ હોય ને?’ મેં કહ્યું, ‘બિલકુલ ક્રમમાં જ છે. એમાં મેં કશું કર્યું નથી. હું તો નવો અંક આવે એટલે તેને જૂના અંકની ઉપર મૂકતો હતો, બસ.’ તેમાં એક ઉમેરો એટલો કે વચ્ચેથી કોઈ અંક લીધો હોય અને તે પાછો મૂકવાનો થાય, ત્યારે તેની જગ્યાએ જ મૂકવાની પદ્ધતિ રાખી હતી.
 
પત્રકારત્વમાં આવ્યા પછી શરૂઆતમાં ફક્ત જૂનાં ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’નાં કટિંગ હતાં. વિષયોની પણ કમી રહેતી. રસના વિષય મર્યાદિત હતા. પરંતુ ‘સીટીલાઇફ’માં નગેન્દ્રભાઈ સાથે કામ કર્યા પછી વિષયો સૂઝવા લાગ્યા. અનેક બાબતોમાં, કમ સે કમ લખવા પૂરતો, રસ પડતો થયો. તે વખતે મેં જોયું કે નગેન્દ્રભાઈ પાસે તેમનાં અને તેમના પિતા વિજયગુપ્ત મૌર્યના સમયનાં કટિંગનો મોટો ખજાનો હતો. ત્યારે પણ મને એટલું સમજાતું હતું કે કટિંગ તો કાંતિ ભટ્ટ પાસે પણ હતાં ને નગેન્દ્ર વિજય પાસે પણ. ફક્ત કટિંગથી ઉત્તમ પત્રકારત્વ ન થઈ શકે. માહિતી અને વિગતો બેશક જોઈએ. પણ ઘણું મહત્ત્વ તેને સમજવાની, સરળતાથી સમજાવવાની અને સારી રીતે લખી શકવાની આવડતનું હોય છે, જે નગેન્દ્રભાઈની હતી. એટલે તેમની નકલ ખાતર કે અંજાઈને નહીં, પણ એક પદ્ધતિ તરીકે-અભિગમ તરીકે મને થયું કે મારે મુખ્યત્વે લેખો લખવાના હોય (રિપોર્ટિંગ કરવાનું ન હોય) તો મારી પાસે કટિંગ હોવાં જોઈએ.

એ અરસામાં, ‘સંદેશ’ની બીજી ઇનિંગ વખતે, મારી પાસે દેશનાં સાત સારાં અંગ્રેજી પેપર આવતાં હતાં. ઉપરાંત, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ઘરે આવતાં. તેમાંથી મેં કટિંગ રાખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે જથ્થો વધતો ગયો, તેમ હું વિષયવાર કાગળની કોથળીઓમાં કટિંગ મુકતો ગયો. એક તબક્કો એવો આવ્યો કે મારી પાસે આશરે સવાસોથી દોઢસો વિષયનાં કટિંગ હતાં. તેમાં આઇ.ટી.ને લગતી જ પંદર-વીસ કોથળીઓ હશે. જેમ કે, સર્ચ એન્જિન, સર્વિસ પ્રોવાઇડર, ઇ-કોમર્સ, વાયટુકે, ડૉટ કૉમ બબલ, અવનવી વેબસાઇટો, ‘હિંદુ’માં આવતી ‘નેટસ્પીક’ કોલમ… ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’માં એ વખતે ICE નામની પૂર્તિ આવતી હતીઃઇન્ટરનેટ, કમ્યુનિકેશન, એન્ટરટેઇનમેન્ટ. તે આખેઆખી પૂર્તિઓ હું રાખી મૂકતો હતો. છાપાંમાં સમાચારની આસપાસ હું લીટીઓ દોરી દેતો. મમ્મી કે સોનલ તે કાપીને તેની પર તારીખ લખીને પ્લાસ્ટિકની એક કોથળીમાં મુકી દેતાં. એવો મોટો જથ્થો ભેગો થાય, બે-ત્રણ કોથળીઓ ભેગી થાય, એટલે એક દિવસ સવારથી હું કટિંગ ગોઠવણીનું મહાઅભિયાન આદરતો. તેના વિશે પત્રકારત્વની સફરમાં લખ્યું છે. એટલે પુનરાવર્તન કરતો નથી.

સમાચારો ઉપરાંત છાપાંની ઑફિસમાં અને જીવનમાં પણ બનતી ઘણી બધી ઘટનાઓનો રેકોર્ડ રાખવાની મને ટેવ હતી. તેનો સીધો ઉપયોગ કરવાનો કશો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયામાં રસ પડે અને પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ આપણે ત્યાં મોટે ભાગે ન હોય. એટલા માટે પણ હું પ્રક્રિયા સાથે સંકળાયેલી, મામુલી લાગતી ચીજો જાળવી રાખવા પ્રયાસ કરું. કોઈ વ્યક્તિ, સંસ્થા કે ક્ષેત્રની લાક્ષણિકતા વ્યક્ત કરતું કંઈ હાથમાં આવે અને મને તે રાખવા જેવું લાગે, તો તે પણ રાખી મુકું. તેની મહાનતાનો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયાની યાદગીરીનો આશય હોય.

તે અભિગમને કારણે ‘સીટીલાઇફ’ના અંકો કાઢતી વખતે ડાયરીમાં બનાવેલાં શીડ્યુલ કે ‘આરપાર’ના વિશેષાંકોના વિચાર વખતે કરેલી રાઇટિંગ પૅડમાં કરેલી કાચી નોંધો સચવાઈ રહ્યાં છે. એવું જ કેટલીક ચિઠ્ઠી-ચબરખીઓ વિશે. અમુક રસપ્રદ ચિઠ્ઠી-ચબરખીઓને જાળવી રાખવા જેવી લાગે, એટલે તેમને રાખી લઉં. તેમને અમુક સમયગાળાના ફોલ્ડરમાં મુકી દઉં. જેમ કે, અભિયાન, સીટીલાઇફ, સંદેશ એવા સમયગાળાનાં એક કે વધુ ફોલ્ડર હોય. ‘અભિયાન’માં થોડો સમય રિપોર્ટિંગ કરેલું તે વખતની નોટો પણ છે. ડાયરી, પૅડ, નોટો બધું જાળવી રાખ્યું હોય અને ચોક્કસ ઠેકાણે તેનો થપ્પો મૂક્યો હોય. જરૂર પડે ત્યારે એ થપ્પામાંથી થોડું ફેંદતાં મોટે ભાગે મળી આવે. ૨૦૦૫ પછી ઑફિસોમાં અંતરંગ રીતે કામ કરવાનું બંધ કર્યું. એટલે ત્યાર પછીની એવી ચીજો ખાસ નથી.
પાંચેક વર્ષની રોજનીશીઓ અને પત્રકારત્વમાં અંદરથી કામ કરતો હતો ત્યારની નોટો-પેડ અને બીજી સામગ્રી
રોજિંદી ડાયરી લખવાનું શરૂ કર્યું, તે પણ દસ્તાવેજીકરણ માટે બહુ ઉપયોગી બન્યું. તે ટેવ વાચનના અને પત્રલેખનના પ્રેમની સાથે આવી હતી. તે સમયે ઘણા લોકો ડાયરી રાખતા હશે. એટલે તેમાં કશી મૌલિકતા ન હતી. પણ લખવાની વૃત્તિને લીધે હું વિગતવાર લખતો હતો. ૧૯૯૧માં ગુજરાત રિફાઇનરીના એપ્રેન્ટિસ તરીકે તાલીમ લેવા માટે છ મહિના મુંબઈ રહ્યો હતો, ત્યારે અમે થોડા મિત્રો બે દિવસ માટે માથેરાન ગયા હતા. તે પ્રવાસની ઘણી વિગતો નોંધાયેલી છે. એક વાર અમે એલિફન્ટા ગયા હતા. તે પ્રવાસની ટિકિટ પણ યાદગીરી માટે ડાયરીના પાછળના ફોલ્ડમાં રહેવા દીધી હતી.

પત્રકારત્વમાં આવ્યા પછી પ્રિય લોકોને વારંવાર મળતો હતો, પત્રકારત્વમાં અને જીવનમાં ઘણું બનતું હતું. તે થોડુંઘણું ડાયરીમા નોંધાયું. તેમાંથી ઘણુંખરું પ્રગટ પણ નહીં થાય. છતાં, મારા માટે તે જૂના પત્રો જેવું જ, રોમાંચપ્રેરક અને ટાઇમટ્રાવેલ કરાવનારું છે.

સાચવણ-દસ્તાવેજીકરણ પાછળ રહેલો વધુ એક અભિગમ એ કે વ્યક્તિની મહત્તા સમજવા માટે હું તેમના મૃત્યુ સુધી રાહ જોતો ન હતો. ચાલુ વર્તમાનકાળમાં મને જે મહત્તાપૂર્ણ કે ગુરુજન કે ગાઢ મિત્ર પણ લાગે, તેમની સહજતાથી મળતી ચીજોમાંથી કેટલીક હું સાચવવાની કોશિશ કરું. રજનીકુમાર પંડ્યાનું વ્યક્તિત્વ ઉજાગર કરતી કોઈ ચિઠ્ઠી, ‘સીટીલાઇફ’માં જાહેરખબર મેળવવા માટે નગેન્દ્ર વિજયે અંગ્રેજીમાં તૈયાર કરેલું લખાણ કે તેમણે લખીને ચેકો મારેલું કોઈ ગુજરાતી લખાણ, ‘અભિયાન’ જૂથના બપોરના અખબાર ‘સમાંતર’માં હસમુખ ગાંધીએ લખેલો અને પછી વધુ પડતો અંગત પ્રહારાત્મક હોવાથી રદ કરાયેલો તંત્રીલેખ… આવું ઘણું મને મળે તો હું તે સાચવી રાખું.

આઇ.પી.સી.એલ.માં બીરેનના પહેલા પગારમાંથી છ પુસ્તકો અને પછી બે ઑડિયો કૅસેટ ખરીદી, તે પુસ્તક અને સંગીતના સંગ્રહની શરૂઆત. પહેલેથી નક્કી હતું કે સંગ્રહ ખાતર સંગ્રહ કે ‘અમારી પાસે આટલા હજાર પુસ્તકો છે કે તેટલા હજાર ગીતો છે’—એવા ફાંકા મારવા માટે કશું કરવાનું નથી. સંગ્રહના આંકડા ફેંકનારા પ્રત્યે મને હંમેશાં અભાવ રહ્યો. ધીમે ધીમે અમારી પાસેનાં પુસ્તકો વધતાં ગયાં, તેમ કબાટ ઉમેરાતાં રહ્યાં. એવું જ ઑડિયો કેસેટ, એલ.પી. અને સીડીનું. મોટા ભાગનું વીણીચૂંટીને ખરીદેલું. ઘણું સેકન્ડ હેન્ડમાંથી. કોઈની પાસેથી મળ્યું, તેમાં પણ બને ત્યાં સુધી પસંદગી જાળવી. એટલે સાવ નકામું હોય એવું તો બહુ ઓછું. કેટલોક કચરો કચરાના નમૂના તરીકે રાખેલો ખરો.

બધાં પુસ્તકોનું વિષય પ્રમાણે અને લૉજિક પ્રમાણે જાડું વિભાગીકરણ કર્યું હતું. કેસેટોમાં સંગીતકારો પ્રમાણે, ગાયકો પ્રમાણે. ફિલ્મોમાં પણ એક સંગીતકારની ફિલ્મોની કેસેટ-રેકોર્ડ એક સાથે હોય એવી પદ્ધતિ રાખી. એટલે મોટો જથ્થો થયા પછી પણ, જોઈતી વસ્તુ મોટે ભાગે મળી રહે. વસ્તુ સાચવવી તે એક વાત છે અને જોઈએ ત્યારે મળે તે બીજી. તેના માટેની મુખ્ય ચાવી એ જ હોય છે કે તેને મૂળ જગ્યાએ પાછી મૂકવામાં આળસ ન કરવી. થોડી તસ્દી લઈને તેને જ્યાંથી લીધી ત્યાં જ મુકીએ તો, બીજી વાર તે તેની જગ્યાએથી જ નીકળે. તેમાં કશું સંશોધન નથી. બધા જાણે જ છે. સવાલ આળસને કામચલાઉ ધોરણે કોરાણે મુકવાનો હોય છે.

વધુ પુસ્તકો થયા પછી, કબાટનાં ખાનાં પ્રમાણે પુસ્તકોની સૂચિ કરવાની રીત વધારે વૈજ્ઞાનિક હોય છે. તેના થકી, કમ્પ્યુટરની યાદીમાં પુસ્તકનું નામ જોઈને, એ પુસ્તક કયા કબાટના કયા ખાનામાં હશે, તે શોધી શકાય. પણ હું પહેલેથી ‘ઑર્ગેનિક’ રીતમાં ગયો. એટલે ચોક્કસ પ્રકાર, લેખકો અને તર્ક પ્રમાણે પુસ્તકો ગોઠવાતાં ગયાં. ત્યાર પછી વૈજ્ઞાનિક રીત અપનાવવાનું ન થયું. થોડાં વર્ષ પહેલાં એક વાર રતિલાલ બોરીસાગરના ઘરે ગયો, ત્યારે તેમણે કબાટોમાં ગોઠવેલાં પુસ્તક દેખાયાં. બધાં પુસ્તક પર તેમણે ખાખી પૂઠાં ચડાવ્યાં હતાં અને પુસ્તકની પીઠ પર નામ લખેલાં હતાં. ગોઠવણની રીતે એ બહુ વ્યવસ્થિત લાગતું હતું. છતાં, મેં બોરીસાગરસાહેબ સાથે શિષ્યભાવે એવો ધોખો કર્યો હતો કે પુસ્તકનાં ટાઇટલ ઢાંકીને તેમને વ્યવસ્થિત રાખવાનો શો અર્થ? પુસ્તકના દેખાવનો પણ એક અહેસાસ હોય છે. ઘણી વાર કોઈ પુસ્તક કે કોઈ ચીજવસ્તુ શોધવાની થાય ત્યારે સૌથી પહેલાં મનમાં તેનો દેખાવ આવે છે—ઘણી વાર તો તેની સંભવિત જગ્યા સહિત.

ક્યારેક એવું પણ થાય કે પુસ્તક કે કટિંગ મનમાં દેખાતું હોય, પણ બહાર મળે નહીં. તે વખતે બહુ અકળામણ થાય. જૂનું ઘર ઉતાર્યું અને એ જ જગ્યાએ નવું ઘર થયું, તેની હેરફેરમાં કેટલીક ચીજો ગઈ તે ગઈ. પ્લાસ્ટિકની પારદર્શક સફેદ કોથળીમાં પૅક કરેલું માચિસની જૂની છાપોનું બંડલ, નાનપણમાં જેનાથી રમતા હતા તે ફિલ્મના ફોટા, નાની પટ્ટીઓ, છેક માથા સુધી લખોટીઓથી ભરેલો ‘નાયસિલ’નો વાદળી રંગનો ભૂરા ઢાંકણાવાળો ઊભો ડબ્બો, તેની અંદર રહેલી રંગબેરંગી લખોટીઓ, જેને અમે ‘કંચા’ કહેતા હતા… આ બધું મનમાં દેખાય છે, પણ ઘરમાં મોજૂદ નથી.

કૌટુંબિક પરંપરા સાચવણીની હતી. બીરેને અને મેં તેમાં દસ્તાવેજીકરણનું પડ ઉમેર્યું. તે પ્રક્રિયા પ્રકૃતિ બની હોવાથી હજુ ચાલુ જ છે અને ચાલુ રહેશે. આ કામમાં રોમેન્ટિક કશું નથી. તે વૃત્તિ ઉપરાંત મહેનત અને સમય માગે છે. તે કરવામાં કે ન કરવામાં કશી ધાડ મારવાની નથી. એટલે કે, કરનારા કશી કમાલ નથી કરતાં અને ન કરનાર કશો ગુનો નથી કરતાં. એવી જ રીતે, આ કરનારા બધા નવરા નથી થઈ જતા અને ન કરનાર ક્રિએટીવ નથી થઈ જતા. આ કામ કરવામાં રસ, પ્રાથમિકતા, કરનારના મનમાં વસેલી તેની મહત્તા, પરિપ્રેક્ષ્ય, ચોક્કસ દૃષ્ટિ, તેનો યોગ્ય ઉપયોગ...આ બધાં પરિબળો બહુ અગત્યનાં છે. તે સિવાયનો નકરો સંગ્રહ બીજા કોઈ પણ સંગ્રહ જેવો, અહમ્ પુષ્ટ કરનારો પણ સરવાળે નિરર્થક ઢગલો બની રહે. પરંતુ આગળ જણાવેલી રીતે સંગ્રહ કર્યો હોય તો તેમાંથી આનંદ મેળવવા માટે કોઈનાં વખાણની કે કોઈની પીઠથાબડની જરૂર નથી પડતી. પુસ્તકોના આંકડા કે ફિલ્મોની સંખ્યા કે કેસેટ-સીડી-ડીવીડીનો જથ્થો ફેંકવાની પણ જરૂર નથી પડતી. તે ચીજો પોતે જ આનંદ અને રોમાંચ આપવા સક્ષમ છે. 

સંદેશાવ્યવહારનાં અને કામકાજનાં માધ્યમો ડિજિટલ થયા પછી પુસ્તકો સિવાય બીજી ચીજો ઉમેરાવાનું પ્રમાણ ઘટ્યું છે. દસ્તાવેજીકરણ ડિજિટલ સ્વરૂપે ચાલુ જ છે, પણ હાથથી સ્પર્શી શકાય એવી ચીજોનો અહેસાસ જુદો હોય છે. આ લેખ હાથેથી લખ્યો હોત તો તેના એકાદ-બે ડ્રાફ્ટ થયા હોત અને કાગળ પર પડેલા હસ્તાક્ષરની પણ એક મઝા હોત. વીસ વર્ષ પછી તે જોવાનો રોમાંચ હોત. હસ્તાક્ષરની મઝા ચાલુ રહે તે માટે ક્યારેક ડાયરી લખું છું, જેથી ક્યારેક વીસ વર્ષ પહેલાંની ડાયરી જોતાં નીપજે છે, એવો રોમાંચ ભવિષ્યમાં પણ મળી શકે.