Thursday, January 30, 2014

‘આપ’ત્તિગ્રસ્ત ભાજપની ચિંતાબેઠક

દિલ્હીમાં આમઆદમી પક્ષની સરકારે ભાજપ-કોંગ્રેસને એક મફલરે બાંધીને યમુનામાં ફેંકી દીધાં હોય સ્થિતિ સર્જાઇ છે. પોતે જે રમત વિશે સાંભળ્યું હોય પણ કદી રમ્યા ન હોય, તેમાં એ જ રમતમાં ચેમ્પિયન ટીમ સામે ઉતરવાનું થાય તો કેવી દશા થાય? કંઇક એવું જ કોંગ્રેસ-ભાજપના નેતાઓ અનુભવી રહ્યા હશે. વ્યાપક માન્યતા એવી છે કે ‘આપ’થી કોંગ્રેસ કરતાં ભાજપને વધારે તકલીફ છે. ‘આપ’ના પડકાર વિશે ભાજપની ચિંતાબેઠક યોજાતી જ હશે, પણ તેના અહેવાલ જાહેર થતા નથી. ધારો કે એકાદ બેઠકનું સ્ટિંગ ઓપરેશન થઇ જાય તો કેવી ચર્ચા સાંભળવા મળે? બેઠકનો કાલ્પનિક અહેવાલઃ

નેતા ૧ : (હાથમાં રહેલું છાપું સામે પડેલા, અખબારોના બે-ચાર મોટા થપ્પામાં મૂકતાં) હું તો થાકી ગયો, પણ ‘સાહેબ’નું કવરેજ પકડાતું નથી.

નેતા ૨ : મોબાઇલ બગડ્યો છે?

નેતા ૧ : ના, ‘સાહેબ’ને શંકા છે કે ભવિષ્ય બગડ્યું છે.

નેતા ૩ : એટલે? ઘડીકમાં કવરેજ, ઘડીકમાં ભવિષ્ય- છે શું આ બઘું?

નેતા ૧ : હું રોજ જેટલાં છાપાં તપાસું છું, એટલાં ગાયને ખાવા આપું તો ‘અખિલ ભારત ગૌઅસ્મિતા મંડળ’ મારું સન્માન કરે, પરંતુ આટલાં બધાં છાપાંમાં પણ ‘સાહેબ’ બહુ દેખાતા નથી.

નેતા ૨ : શું વાત કરો છો? (આંગળીઓથી રૂપિયાનો ઇશારો કરીને) આટલી વ્યવસ્થા કર્યા પછી પણ?

નેતા ૪ : (એકદમ ઉતાવળે) કઇ વ્યવસ્થા? શાની વ્યવસ્થા? આપણે તો ઓફિસ માટે ચાની કીટલી ખરીદવાની હતી એની વાત કરીએ છીએ ને? (સાવ ધીમા અવાજે) વહીવટોની વાતો જરા ધીમેથી કરો. આજકાલ કોઇ પણ સ્ટિંગ ઓપરેશન કરી નાખશે. પેલા મફલરધારીએ છૂટો દોર આપી દીધો છે બધાને.

નેતા ૫ : આ રીતે લોકશાહી અને ગણતંત્ર કેવી રીતે ચાલશે? અરાજકતા ફેલાશે અરાજકતા. પણ આપણે લોકોને ખોંખારીને કહેવું જોઇએ કે અમે છીએ ત્યાં સુધી બીજા કોઇને અરાજકતા ફેલાવવા નહીં દઇએ. બોલો, ભાર..ત માતાકીઇઇઇ...

નેતા ૪ : છાનો રહે ભાઇ. અત્યારે આપણી ચિંતા કરવાની છે. આપણે જ ન રહીએ તો પછી ભારતમાતાને શું કરવાની?

નેતા ૧ : (નિઃસાસો નાખતાં)  કેવા દિવસો હતા એ...

યુવા નેતા : કયા? કટોકટીના?

નેતા ૧ : અરે ના...(સ્વપ્નિલ બનીને) એ દિવસો, જ્યારે ‘સાહેબ’ રોજેરોજ મથાળાંમાં છવાયેલા રહેતા હતા. આહા... સાહેબે દિલ્હીની એક કોલેજમાં જઇને છીંક ખાધી...પટણામાં સાહેબને ઉધરસ આવી...હૈદરાબાદમાં સાહેબે એટલું મોટું બગાસું ખાઘું કે ઉપસ્થિત મેદનીને તેમાં સમગ્ર બ્રહ્માંડનાં દર્શન થઇ ગયાં...મુંબઇમાં...(સુખભર્યાં સંભારણાંમાં મગ્ન થઇને શૂન્યમાં તાકી રહે છે)

નેતા ૪ : આ ભૂતકાળમાં સરી પડવાનો સમય નથી. હજુ આપણે ભવિષ્ય બનાવવાનું છે. એ માટે આપણે મફલર કસીને સજ્જ થવાનું છે.

નેતા ૧,૨,૩ : મફલર?

નેતા ૪ : અરર. શો જમાનો આવ્યો છે? હું કમર બોલું છું ને તમને મફલર સંભળાય છે. પેલો મફલરવાળો બધાના મન પર આટલો બધો ચડી બેઠો છે? ખરેખર મને ચિંતા થાય છે.

યુવા નેતા : કોની? દેશની?

નેતા ૪ : અરે, આપણી - દેશની ચિંતા કરનારાની. મફલરવાળાને કેમ કરીને પાડવો?

નેતા ૧ : મારી પાસે એક જોરદાર આઇડીયા છે. સાહેબ પણ સાંભળશે તો અમિતભાઇની જેમ મારો જેલઇતિહાસ માફ કરીને મને પ્રભારી બનાવી દેશે.

(બાકીના નેતાઓ કતરાતી નજરે જુએ છે)

નેતા ૧ : (ખંઘુ હસીને) પણ ચિંતા ન કરો. મારા માટે પક્ષહિત સર્વોપરી છે. એટલે હું એ આઇડિયા કહી જ દઉં. સાહેબ જેમ કોંગ્રેસ સરકાર માટે ‘દિલ્હી સલ્તનત’ અને રાહુલ ગાંધી માટે ‘શહજાદા’ એવા મુસ્લિમ સંબંધિત શબ્દો વાપરીને એક કાંકરે બે તીર મારે છે, એ જ પ્રકારે આપણે કેજરીવાલનું નામ ‘મફલરમિંયા’ પાડી દઇએ તો? એ જરા ડાયરેક્ટ લાગતું હોય તો ‘મફલરખાન’ પણ રાખી શકાય.

નેતા ૨ : હા, આ તો સાહેબને બહુ ફાવે. ભાષણમાં એક જ વાર ‘મફલરમિંયા’ બોલવાનું. બાકી ‘મિંયા’ આમ ને ‘મિંયા’ તેમ- એવી જ રીતે બેટિંગ...

નેતા ૪ : (ઘુંધવાઇને) તમે લોકો ક્યારે સુધરશો? હવે તો સાહેબ પણ સુધરી ગયા.

નેતા ૩ : એટલે સાહેબ સેક્યુલર થઇ ગયા? મસ્ક્યુલરમાંથી સેક્યુલર?

(નેતા ૪ સિવાયના બધા નેતા તાળીઓ મારીને ખડખડાટ હસે છે. નેતા ૪ને કેવી પ્રતિક્રિયા આપવી એ સમજાતું નથી. એટલે તે સમસમીને, શાંત ચહેરે બેસી રહે છે.)

નેતા ૪ : કોમેડી સર્કસ પૂરું થયું હોય તો આગળ વાત કરીએ?

નેતા ૧ : કરો, કરો..નહીંતર પછી પાંચ વર્ષ એ જ કરવાનો વારો આવશે અને એ વખતે થશે કે જેટલા રૂપિયા વેર્યા એટલા બચાવ્યા હોત તો  પેઢીઓની પેઢીઓ બેઠી બેઠી ખાત.

નેતા ૫ : આપણે સંકુચિત ગણતરીઓ છોડી દેવી જોઇએ. શ્યામાપ્રસાદ મુખરજીએ કહ્યું હતું કે -

યુવા નેતા : કરવું તો ટુ-જી સ્પેક્ટ્રમ જેવું કરવું. સંકુચિત ગણતરીઓમાં શું પડવું?

(નેતા ૪ જોરથી ઉધરસ ખાય છે, જેથી યુવા નેતાનો અવાજ દબાઇ જાય)

નેતા ૧ : આપણી પાસે બીજો પણ આઇડીયા છે. કેજરીવાલનો કેસ અમિતભાઇનો સોંપી દેવો. (જમણી હથેળીની બે આંગળીઓ અને અંગુઠાથી બંદૂક જેવી ચેષ્ટા કરે છે)

નેતા ૪ : ગડકરીજી તમારા કંઇ સગપણમાં થાય?

નેતા ૧ : કેમ?

નેતા ૪ : તમે જે રીતે અને જે જાતના આઇડીયા એક પછી એક આપો છો એ જોતાં ને લાગ્યું કે..

નેતા ૬ : મારી જોડે એક ફ્રેશ આઇડીયા છે.

નેતા ૧થી ૫ : ઓહો, તમે જાગો છો?

નેતા ૬ : ટોણા મારવાનું છોડો. તમે બધાએ જાગતા રહીને શું ઉખાડી લીઘું? અને પેલો ફૂટપાથ પર રજાઇ ઓઢીને સુઇ ગયો ને તમારી ઉંઘ હરામ કરતો ગયો. સાંભળો, મારો આઇડીયા જરા હાઇ ટેક છે. તેમાં સ્ટીવન સ્પીલબર્ગને સાંકળી શકાય એમ છે.

નેતા ૪ : (હસું હસું થતા ચહેરા) એમ? તો તો સાહેબને એ બહુ ગમશે.

નેતા ૬ : જુઓ, અગાઉ સંજય જોશી વખતે જે સીડી બની હતી તેની ક્વોલિટીના બહુ પ્રશ્નો હતા. એચ.ડી.ના જમાનામાં આવી સીડીઓ ન ચાલે.

નેતા ૪ : (દબાતા અવાજે) ધીમેથી બોલો...

નેતા ૬ : એની જરૂર નથી. સ્ટિંગ ઓપરેશન થશે તો હું કહી દઇશ કે આ મારો અવાજ નથી. કોઇએ મારા જેવો અવાજ કાઢ્‌યો છે...હવે મુદ્દાની વાત સાંભળો. તમને બધાને ખબર છે કે જે નથી એ આબેહૂબ બતાવવામાં સ્પીલબર્ગની માસ્ટરી છે. બસ, આપણે મફલરનો કેસ સ્પીલબર્ગને સોંપી દેવાનો. પેમેન્ટનો સાહેબ માટે ક્યાં પ્રશ્ન છે? સ્પીલબર્ગ ડોલરમાં માગશે તો ‘ઓવરસીઝ ફ્રેન્ડ્‌ઝ ઓફ બીજેપી’ને કહીને... બાકી ‘ટાઇમ’વાળો વહીવટ પાડનારી ‘એપ્કો વર્લ્ડવાઇડ’ તો છે જ..

નેતા ૪ : (અક્ષરો છૂટા પાડીને) ધી..મે...થી...

નેતા ૬ : પણ હું ક્યાં કંઇ બોલ્યો જ છું? મેં તો કહ્યું કે ‘ટાઇમ’ મેગેઝીન આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યું છે અને સ્પીલબર્ગ ઉત્તમ ડાયરેક્ટર છે.

નેતા ૪ : સારું. હું સાહેબને વાત કરી જોઇશ..

નેતા ૧ : અને હું મથાળેથી વિસ્થાપિત થયેલા સાહેબનું સંતોષકારક પુનઃવસન થાય એની રાહ જોઇશ.

નેતા ૧થી ૫ : (સામુહિક નારો લગાવે છે) વંદેએએએએ

નેતા ૬ : સ્પીલબર્ગ

(આ નારા સાથે મિટિંગ પૂરી થાય છે)

Tuesday, January 28, 2014

‘આપ’ની નહીં, આપણી વાત

ક્રિકેટના સ્ટેડિયમમાં કબડ્ડીની રમત માટે તખ્તો ગોઠવાયો હોય, કેમ કરીને ખરાબમાં ખરાબ રીતે એકબીજાની ટાંગખીંચાઇ કરવી, લોકોને મનોરંજન આપવું અને પોતે ટ્રોફી જીતી જવી તેની તૈયારીઓ ચાલતી હોય, ત્યાં અચાનક કોઇ માણસ પોતાની ટીમ સાથે સ્ટમ્પ-બેટ-બોલ લઇને આવી પહોંચે અને જાહેરાત કરી દે કે ‘સ્પર્ધા ચાલુ છે ને વિજેતાને ટ્રોફી મળશે, પણ હવે કબડ્ડીની નહીં, ક્રિકેટની મેચ રમવાની છે.’ તો કેવો ખળભળાટ મચે? કંઇક એવું જ વાતાવરણ દિલ્હીમાં આમઆદમી પક્ષના વિજય અને તેની સરકાર બન્યા પછી ઊભું  થયું.

દિલ્હીનાં પરિણામો પહેલાં લોકસભાનો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો ગણાતો હતો. અંગ્રેજીમાં કહે છે તેમ, ડેવિલ એન્ડ ડીપ સી - દૈત્ય અને દરિયા- વચ્ચેની આ પસંદગીમાં નાગરિકો મુંઝાતા હતા. ગાંધી પરિવારના પ્રખર ભક્તો અને એવા જ કટ્ટર મોદીભક્તો સિવાયના સૌ કોઇને આખી સ્થિતિ નિરાશાજનક લાગતી હતી. ક્ષિતિજ પર કોઇ વિકલ્પ દેખાતો ન હતો. સઆમઆદમી પક્ષની જીતથી ઘોર અંધકારમાં પ્રકાશની ટશર ફૂટ્યાનો અહેસાસ થયો. ત્યારથી અત્યાર સુધી એક મહિનાથી પણ ઓછા સમયગાળામાં આશાકિરણો ફરતે વિવાદનાં વાદળ ઘેરાયાં છે. આરોપોનો વરસાદ વરસે છે. ‘ટકે શેર ભાજી, ટકે શેર ખાજાં’ના માપે, દરેક આરોપની તીવ્રતા અને ગંભીરતા એકસરખાં દર્શાવાય છે. ધ્રુવપંક્તિ એક જ છે : ‘આવા લોકો સરકારમાં ન ચાલે. આવા લોકો સરકારમાં ન જોઇએ.’

સતત સિદ્ધાંતચર્ચાઓ અને અવનવા આરોપોનો એક મુખ્ય આશય નાગરિકોને સતત ગુંચવવાનો અને તેમને ફરી પાછા ‘મુખ્ય ધારાના’ - એટલે કે કોંગ્રેસી-ભાજપી- રાજકારણ ભણી વાળવાનો હોય, એવી શંકા જાય છે. બસ, એક વાર આમઆદમી પક્ષ લોકોને કોંગ્રેસ-ભાજપ જેવો - બોલીને ફરી જનારો, સ્ટંટબાજ, જૂઠાડો અને સ્વાર્થી - લાગવો જોઇએ.

ગુંચવાડાના આ ઘુમ્મસમાં, એક નાગરિક તરીકે ‘આપ’ પરના આરોપ અને તેમાં રહેલી લોકલક્ષી રાજકારણની શક્યતાઓ વિશે શું સૂઝે છે? વાત આગળ વધારતાં પહેલાં એટલી સ્પષ્ટતા કરી લઇએ કે કેજરીવાલ કે તેમનો પક્ષ ‘પવિત્ર ગાય’ નથી. તેમની સાથે અસંમત થઇ જ શકાય. તેમની નીતિની કડક ટીકા પણ થઇ શકે. કેજરીવાલ ઉદ્ધારક નથી. તેમણે ઉદ્ધારક હોવાની જરૂર નથી. સાથે એ પણ યાદ રાખીએ કે આપણે ઉદ્ધારકની નહીં, લોકોની સામેલગીરી ધરાવતી લોકશાહીનો માહોલ ઊભો કરે એવા નેતાની જરૂર છે.

ફૂટપટ્ટી : મારવાની અને માપવાની

કેજરીવાલ અને દિલ્હીની ‘આપ’ સરકારનું બે રીતે મૂલ્યાંકન થઇ શકે : ૧) સ્વતંત્ર રીતે ૨) બીજા હરીફો સાથે સરખામણી કરીને. પહેલાં સ્વતંત્ર મૂલ્યાંકનની વાત કરીએ. સઅરવિંદ કેજરીવાલે રાજદીપ સરદેસાઇ તથા બરખા દત્તને આપેલી (યુટ્યુબ પર ઉપલબ્ધ) મુલાકાતોમાં વીસ દિવસમાં ‘આપ’ સરકારે કરેલાં કામની યાદી આપી છે. તેમાં સ્કૂલોમાં લેવાતાં ડોનેશનની ફરિયાદો માટે સ્થાપેલી હેલ્પલાઇનથી માંડીને દિલ્હીની સ્કૂલોનું ‘મેપિંગ’ કરીને તેમાં લેડીઝ ટોઇલેટની અછત સહિતની કેટલી સમસ્યાઓ છે, તેની વિગતનો સમાવેશ થાય છે. કેજરીવાલનો દાવો છે કે ‘આઝાદી પછી કોઇ પણ ચૂંટાયેલી સરકારે વીસ દિવસમાં આટલું કામ કર્યું હોય તો બતાવો.’ બરખા-રાજદીપ તેનો જવાબ આપી શક્યાં નથી. છતાં, આ વિગતોને ‘કેજરીવાલનું સરકારી વર્ઝન’ માનીને હાલ બાજુ પર રાખીએ અને તેમની સરકાર પર થતા આરોપ વિશે વિચારીએ.

સૌથી મૂળભૂત આરોપ તો કોંગ્રેસનો ટેકો લેવાનો હતો. પરંતુ અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે કોંગ્રેસે પોતાની ગરજે ‘આપ’ સરકારને ટેકો આપ્યો છે. ‘આપ’ કોંગ્રેસની ‘બી ટીમ’ છે, એવો બીજો આરોપ છે. પરંતુ કોમનવેલ્થ કૌભાંડની ફાઇલોથી માંડીને કેન્દ્રિય ગૃહમંત્રી શિંદે વિશે કેજરીવાલની ટીપ્પણી જાણ્યા પછી અને ‘કોંગ્રેસ અમને ટેકો આપવા બદલ બહુ પસ્તાશે’ એવાં કેજરીવાલનાં વચન સાંભળ્યા પછી ‘બી ટીમ’વાળો આરોપ ગળે ઉતરે એવો લાગતો નથી.  સકેજરીવાલને ‘આપખુદ’ કહેનારા ‘બળવાખોર’ ધારાસભ્ય બિન્નીની નિવેદનબાજી પછી વઘુ એક વાર ‘આ સરકાર લાંબું નહીં ખેંચે’ એવો પ્રચાર શરૂ થયો હતો.પણ બિન્નીની બળતરામાં જાહેર હિતને બદલે રાજકારણની રમત હોય એવું વધારે લાગતું હતું. કેટલાક તેને દિલ્હીના ભાજપી નેતા હર્ષવર્ધનની ગાંધીનગરની મુલાકાત સાથે પણ સાંકળતા હતા. હવે એ પ્રકરણ ઠરી ગયું છે અને શક્ય છે કે બિન્ની અત્યારે નવો કયો ફટાકડો ફોડવો તેની બ્રીફ મેળવી રહ્યા હોય.

‘આપ’ના  મંત્રી સોમનાથ ભારતીની મધરાતની કાર્યવાહી અને કેજરીવાલે કરેલા તેમના બચાવ વિશે ઘણો વિવાદ થયો છે. આ બાબતમાં પક્ષાપક્ષીની ચશ્મા ન પહેરીએ તો એટલું સમજાય છે કે ‘રેસિઝમના અને ભારતના આંતરરાષ્ટ્રિય સંબંધો બગાડે એવા’ મુદ્દા તરીકે ચગાવાયેલી આ વાતમાં મસાલો ઘણો  વધારે પડી ગયો છે.  સ્થાનિક લોકોની લાંબા સમયની નિરાશા અને નિષ્ફળ પ્રયાસ પછી મંત્રીએ સ્થળ પર જવું પડ્યું અને તેમણે પોતે કાયદો હાથમાં લીધો નથી, એ બે બાબતો નાગરિક તરીકે યાદ રાખવા જેવી છે. ‘આપ’ના યોગેન્દ્ર યાદવે મંત્રીને બોલવામાં સંયમ રાખવા જણાવ્યું, પણ મતવિસ્તારના લોકોની ફરિયાદના આધારે રાત્રે ને રાત્રે પહોંચી જવાના તેમના પગલાને  પ્રશંસાયોગ્ય ગણાવ્યું. અલબત્ત, આ પ્રકારના કિસ્સામાં ભવિષ્યમાં સ્થાનિક સ્તરે જનસુનાવણી યોજાય અને બન્ને પક્ષોને પોતાની વાત રજૂ કરવાની તક મળે, એવું સૂચન પણ યાદવે કર્યું. તે ભૂલમાંથી શીખવાની દાનત દર્શાવે છે. આ કિસ્સો ટાંકીને ‘કેજરીવાલ પણ બીજા પક્ષોની જેમ પોતાના નેતાઓને છાવરે છે’ એવો આરોપ કરવામાં પ્રમાણભાન ચૂકાતું નથી?

ભારતીના મુદ્દે નિષ્ક્રિયતા દેખાડનારા કેટલાક પોલીસ કર્મચારીઓની બરતરફી અંગે કેજરીવાલની ધરણા-પ્રતિક્રિયા આત્યંતિક લાગી શકે છે. ‘મુખ્ય મંત્રીએ સમાધાનથી નીવેડો લાવવાના પ્રયાસ કરવા જોઇએ’ એવું શાણપણ બોલવામાં સારું લાગે છે, પરંતુ આ પ્રયાસ ક્યાં સુધી કરવા અને એ સફળ ન થાય ત્યાં સુધી થતા નિષ્ક્રિયતાના આરોપોનો શો જવાબ આપવો? એ વિચારવા જેવું છે. અત્યાર લગી એવું જોવામાં આવે છે કે કેજરીવાલ રાજકીય પક્ષો દ્વારા સ્થાપિત દંભી-દોગલી રીતરસમોનો વિરોધ કરે ત્યારે ‘તે બંધારણ અને કાયદાનો વિરોધ કરે છે’ એવી હવા ઊભી કરવામાં આવે છે.

શબ્દાર્થમાં સડક પર ઉતરી આવનાર મુખ્ય મંત્રી તરીકે તેમને  ‘અરાજકતાવાદી’(એનાર્કિસ્ટ) ગણાવાયા છે. પરંતુ પક્ષીય વફાદારીઓ ન હોય તો એટલું યાદ રાખવું પડે કે આ ‘અરાજકતાવાદી’એ આવતાં વેંત પાણી અને વીજળી સહિતના મુદ્દે પોતાની સરકારે આપેલાં વચન પાળી બતાવવા જેટલી ગંભીરતા દાખવી છે. એક મહિનો પણ પૂરો ન થયો હોય એવી ‘આપ’ સરકાર માટે ‘નાપાસ’નાં પ્રમાણપત્રો ફાડવાની આટલી બધી ઉતાવળ શા માટે હોવી જોઇએ? સ‘કેજરીવાલની સાથે નહીં તે એમની સામે છે’- એવી વાત નથી અને ન હોઇ શકે, પણ લોકલક્ષી રાજકારણની માંડ એક આછેરી તક ઊભી થઇ હોય ત્યારે, પ્રમાણભાન ભૂલીને દિવસરાત તેની ટીકામાં રાચવું કેટલું ઉપયોગી છે? અને તેનાથી કેજરીવાલ કે ‘આપ’ કરતાં પણ વધારે લોકતરફી રાજકારણની સંભાવનાઓને કેટલું નુકસાન થશે એ વિચારવા જેવું છે.

ત્રણ પોલીસને સસ્પેન્ડ કરાવવા માટે મુખ્ય મંત્રી ફૂટપાથ પર આવી જાય એ કેટલું યોગ્ય કહેવાય? અને મુખ્ય મંત્રી ક્યાં સુધી  એક્ટિવિસ્ટની ભૂમિકામાં રહી શકે? આ બન્ને સવાલ વાજબી અને શાંતિથી વિચારવા જેવા છે. સ્થળ-સંજોગો-ક્ષમતાની દૃષ્ટિએ કેજરીવાલની ગાંધીજી સાથે સરખામણી ન થઇ શકે. છતાં, લડતની વ્યૂહરચનાની દૃષ્ટિએ વાત કરીએ તો, ગાંધીજીએ મીઠાના વેરાનો મુદ્દો ઉપાડ્યો ત્યારે મીઠું તો નિમિત્ત હતું. કંઇક એવી જ રીતે, કેજરીવાલનો આશય દિલ્હી પોલીસની નિષ્ક્રિયતાના મુદ્દે  ‘બૉસ’ એવી ડાયનોસોર છાપ કેન્દ્ર સરકારને હચમચાવવાનો હોય એવું વધારે લાગતું હતું. તેમાં રાજકારણી કેજરીવાલની ચાણક્યબુદ્ધિ પણ ભળેલી હતી.

રહી વાત બીજા પક્ષો સાથે ‘આપ’ના તુલનાત્મક મૂલ્યાંકનની. ‘આપ’ સરકારે ચાર અઠવાડિયાંમાં જે લોકલક્ષી મિજાજનો પરિચય આપ્યો છે, એવું કોંગ્રેસ-ભાજપની એકેય સરકાર કરી શકી છે?  દલિતોની સમસ્યાથી માંડીને આર્થિક નીતિ અને વિદેશ નીતિ જેવી બાબતોમાં ‘આપ’ની નીતિ હજુ સ્પષ્ટ થઇ નથી. એટલે, ઘણાખરા વિષયોમાં ‘આપ’ કેવું સત્યાનાશ વાળી નાખશે, એવી કલ્પનાઓ કરવા માટે મોકળું મેદાન છે. બાકીના બન્ને પક્ષોની નીતિ પણ આ બાબતે બહુ સ્પષ્ટ નથી અને કેટલીક બાબતોમાં તે સ્પષ્ટ હોય તો તેનો કશો અર્થ નથી. કારણ કે તેમની દાનત સાફ નથી એ અત્યાર સુધીમાં સાબીત થઇ ચૂકેલી સચ્ચાઇ છે. કેજરીવાલ પર એવો આરોપ છે કે તેમને બંધારણીય સંસ્થાઓ પર અવિશ્વાસ છે. દલીલ ખાતર તેને સાચો માનીએ તો પણ, કોંગ્રેસ-ભાજપે બંધારણીય સંસ્થાઓના અવમૂલ્યનમાં કોઇ કસર છોડી નથી. કોંગ્રેસે અને ભાજપે તેમના સંકુચિત- લોકવિમુખ રાજકારણથી દેશને જેટલું નુકસાન કર્યું છે તેનાથી વધારે નુકસાન શક્ય છે ખરું?

વ્યક્તિવાદ કે પરિવારવાદનું રાજકારણ ખેલનારા પક્ષો સામે પહેલી વાર નાગરિકોની વાત કરનાર કોઇ વિકલ્પ ઊભો થતો હોય, ત્યારે તેને સાબીત થવા - કે ઉઘાડા પડવા માટે પણ - પૂરતો સમય ન મળવો જોઇએ? નવી આશા જગાડનારા પરિબળના દિશાસુધાર અંગે  ટીકા થાય તે એક વાત છે, પણ પહેલી તકે તેમનો એકડો સાવ કાઢી નાખવાની ઉતાવળ કોંગ્રેસ-ભાજપના લોકવિમુખ રાજકારણને સમર્થન આપવા જેવી લાગે છે. 

Monday, January 27, 2014

પચાસ વર્ષ પહેલાં થયેલી વિજ્ઞાન-આગાહી : કલ્પના અને હકીકત

૧૯૬૪માં આઇઝેક એસિમોવે કરેલી ૨૦૧૪ વિશેની આગાહીઓમાંથી કેટલી સાચી પડી? ને કેટલી ટાઢા પહોરની પુરવાર થઇ છે?

ભવિષ્ય વિશે જાણવું એ માણસજાતની કેટલીક મૂળભૂત જિજ્ઞાસાઓમાંની એક છે. તેના વિશે કૂતુહલથી માંડીને ઘેલછા સુધીની લાગણીઓ માણસમાં હોઇ શકે છે, જેનો ગેરલાભ ઉઠાવવાનો આખો ઉદ્યોગ સદીઓથી ફૂલ્યોફાલ્યો છે. હસ્તરેખાઓથી માંડીને કાચના ગોળા અને ગ્રહોની દશા જોઇને ભવિષ્ય ભાખનારા લોકોની સરખામણીમાં ભવિષ્યવેત્તાઓનો એક નાનો વર્ગ સાવ જુદો છે : વિજ્ઞાનકથાઓ દ્વારા ભાવિની સફર કરાવતા આ લોકો અંધશ્રદ્ધાના નહીં, પણ વિજ્ઞાનના આરાધક હોય છે. તેમની આગાહીઓમાં કલ્પનાની સાથોસાથ વિજ્ઞાનના પ્રવાહો અને તેના સિદ્ધાંતોની સમજણ પણ ભારોભાર ભળેલી હોય છે. જુલ્સ વર્ન, એચ.જી.વેલ્સ, આર્થર ક્લાર્ક જેવા ઘુરંધર વિજ્ઞાનકથાલેખકોની પંગતમાં લેવાતું એક નામ છે : આઇઝેક એસિમોવ/ Isaac Asimov
Isaac Asimov & his predictions (courtesy : freaking news)
જન્મે રશિયન એવા એસિમોવ અમેરિકામાં બાયો-કેમિસ્ટ્રી ભણાવતા હતા, પરંતુ દુનિયાભરમાં તેમની ખ્યાતિ વિજ્ઞાનલેખક તરીકે થઇ. એસિમોવે ૧૯૬૪માં પચાસ વર્ષ પછીની દુનિયા કેવી હશે, તેની કલ્પના કરતો એક લેખ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં લખ્યો હતો. તેનું મથાળું હતું : ‘વિઝિટ ટુ ધ વર્લ્ડ ફેર ઑફ ૨૦૧૪’.(મૂળ લેખની લિન્ક) 

વર્ષ ૨૦૧૪ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે, એસિમોવે પચાસ વર્ષ પહેલાં કરેલી આગાહીઓમાંથી કેટલી સાચી પડી ને કેટલી ટાઢા પહોરની કલ્પનાઓ પુરવાર થઇ, એ તપાસવાનું રસપ્રદ બની રહેશે.

ઘર અને રસોડું

આગાહી : માણસ કુદરતથી વઘુ ને વઘુ દૂર થઇને પોતાને અનુકૂળ એવું કૃત્રિમ વાતાવરણ રચશે. વીજળીની મદદથી દીવાલો અને છતો આપમેળે જુદા જુદા રંગો ચમકાવતી હશે. ઘરમાં બારીઓની જરૂર નહીં હોય ને હશે તો પણ તેમાં સૂર્યપ્રકાશ માટે ‘નો એન્ટ્રી’ હશે. બારીઓના કાચ પર પડતો પ્રકાશ ઓછો વત્તો થાય એમ તેની પારદર્શકતામાં વધઘટ થતી રહેશે. સમોટા ભાગના માણસો જમીનની નીચે - અન્ડરગ્રાઉન્ડ- વસતા હશે. તાપમાન અને પ્રકાશમાં ઇચ્છા મુજબની વધઘટ કરીને અન્ડરગ્રાઉન્ડ ઘરને હવામાનની દખલથી મુક્ત રાખી શકાશે. ખુલ્લી પડેલી જમીનસપાટી પર મોટે ભાગે ખેતી થતી હશે અથવા ઢોર ચરાવવા માટે કે પાર્કિંગ માટે વપરાશે.

અવનવાં ઉપકરણો માણસની મહેનત બચાવશે. જેમ કે, રસોડામાં આપમેળે રસોઇ બનાવી શકે, પાણી ગરમ કરીને કોફી બનાવી શકે, બ્રેડની ટોસ્ટ બનાવી શકે એવાં ઉપકરણ આવી જશે. આગલી રાત્રે ચોક્કસ નાસ્તાનો ‘ઑર્ડર’ આપ્યો હોય તો એ બીજી સવારે નક્કી કરેલા સમયે મશીનો જ તૈયાર કરી રાખશે. એવી જ રીતે, અડધું રાંધેલું ભોજન પણ પ્રોસેસિંગ કરતાં પહેલાં ફ્રીઝમાં સંઘરી શકાશે. જોકે ૨૦૧૪માં પણ રસોડામાં થોડી જગ્યા હાથેથી ભોજન રાંધવા માટે રાખવી જોઇએ, એવું એસિમોવે હળવાશથી સૂચવ્યું હતું.

વાસ્તવિકતા : વિગતે લખવાની જરૂર નથી, પણ મોટા ભાગની માણસજાત હજુ જમીન ઉપર જ રહે છે અને ખેતીની જમીનો ઘટી ચૂકી છે. પાર્કિંગ માટેની જગ્યા દુર્લભ છે. દીવાલો અને ભીંતો એની મેળે પ્રકાશ પાથરતી નથી અને સૂર્યપ્રકાશ સાથે માણસનો નાતો છૂટી ગયો નથી. (કેટલાક અભ્યાસીઓના મતે, ખુદ એસિમોવને સૂર્યપ્રકાશ બહુ સદતો ન હતો. એટલે તેમની આ ભવિષ્યવાણી માટે અંગત પરિબળો જવાબદાર હોઇ શકે.) રસોડાની મહેનત બચાવતાં અનેક ઉપકરણ આવી ગયાં છે, પણ તૈયાર ભાણું પીરસે એવી ટેકનોલોજી હજુ આવવાની બાકી છે. 

કમ્પ્યુટર અને રોબોટ

આગાહી : રોબોટ બહુ સામાન્ય પણ નહીં હોય કે બહુ સારા પણ નહીં હોય, છતાં હશે ખરા. નાનાં કમ્પ્યુટર રોબોટના દિમાગ તરીકે કામ કરશે. આઇબીએમ કંપનીએ બનાવેલું ઘરકામ કરનાર રોબોટનું એક મોટું, ધીમું ને વિચિત્ર મોડેલ નાનાં કામ કરી શકશે. બાગકામ કરતા રોબોટ પણ આવી ગયા હશે.

વાસ્તવિકતા : કમ્પ્યુટર અને રોબોટની ટેકનોલોજી એસિમોવની કલ્પના કરતાં ઘણી આગળ નીકળી ચૂકી છે. માણસનાં અનેક જોખમી, કડાકૂટિયાં અને યાંત્રિક કામ રોબોટ દ્વારા ચોક્સાઇપૂર્વક, અસરકારક રીતે થઇ રહ્યાં છે. 

અણુવીજળી અને સૌરઉર્જા

આગાહી : ૨૦૧૪માં સાધનો સાથે ઇલેક્ટ્રિકના વાયર નહીં હોય. કારણ કે તે લાંબુ આયુષ્ય ધરાવતી અને રેડિયો આઇસોટોપ વડે ચાલતી બેટરીથી કામ કરતાં હશે. રેડિયો આઇસોટોપ સસ્તા ભાવે મળતા હશે કારણ કે વર્ષ ૨૦૧૪ સુધીમાં માણસજાત માટેની અડધાથી પણ વધારે વીજળી અણુવિખંડનથી પેદા થતી હશે. અલબત્ત, આ પ્રકારની બેટરી વપરાઇ ગયા પછી (તે અણુકચરો પેદા કરતી હોવાથી) તેમનો નિકાલ ફક્ત અધિકૃત એજન્ટો થકી જ થઇ શકશે. અણુસંયોજન (ફ્‌યુઝન)થી વીજળી પેદા કરનારા પ્લાન્ટ અજમાઇશી ધોરણે શરૂ થઇ ચૂક્યા હશે. રણપ્રદેશોમાં મોટા સોલર પાવર પ્લાન્ટ ચાલતા હશે. અંતરિક્ષમાં વિદ્યુતમથકો ચાલતાં હશે, જે મોટા અરીસાની મદદથી સૂર્યપ્રકાશ ઝીલીને તેની એકત્ર થયેલી શક્તિને પૃથ્વી પર મોકલી આપતાં હશે. 

વાસ્તવિકતા : ‘વર્લ્ડ ન્યુક્લિઅર એસોસિએશન’ના વર્ષ ૨૦૧૩ના આંકડા પ્રમાણે, વિશ્વની કુલ વીજળીમાંથી ૧૧ ટકા વીજળી અણુવિદ્યુત મથકોમાં (અણુવિખંડન દ્વારા) પેદા થાય છે. એટલે કે એસિમોવનો અંદાજ ઘણો ઉદાર હતો. એવી જ રીતે, અંતરિક્ષમાં વિદ્યુતમથકો સ્થપાયાં હશે, એવો તેમનો આઇડીયા પણ હજુ ફળીભૂત થયો નથી. 

વાહનવ્યવહાર  

કલ્પના : વર્ષ ૨૦૧૪માં હવામાં ચાલતાં વાહનો પર વઘુ પડતો ભાર અપાતો હશે. એરક્રાફ્‌ટ તો હશે જ. ઉપરાંત જમીન પર ચાલતાં વાહનો પણ (યુધિષ્ઠિરના રથની પેઠે) જમીનસપાટીથી એક-બે ફૂટ ઉપર, હવામાં ચાલતાં હશે. ઊંચા દબાણે ભરેલી - કમ્પ્રેસ્ડ- હવાના જોરે વાહનો હાઇ-વે પરથી સીધાં હવામાં ઉંચકાતાં હશે. એટલે હાઇ-વેને અપ-ટુ-ડેટ રાખવાની જરૂર નહીં પડે. સમથળ જમીન કે લોન ઉપરથી પણ વાહનો હવામાં ઉંચકાઇ શકશે. હવામાં ઉડતાં વાહનોને કારણે પુલનું મહત્ત્વ ઘટી જશે, પણ સ્થાનિક કાયદા કદાચ વાહનોના ઉડ્ડયન સામે વાંધા પાડી શકે. ‘રોબોટ બ્રેઇન’ ધરાવતાં વાહન બનાવવાનો ઘણો પ્રયાસ થશે. તે ડ્રાઇવરની જેમ જ ધીમેથી પ્રતિક્રિયા દાખવીને નક્કી કરેલા ચોક્કસ સ્થળે આપમેળે પહોંચી જશે અને ભીડવાળા રસ્તામાં પણ સલામત રીતે ચાલશે.

સરકતી ફૂટપાથો ચલણમાં આવશે, જેની બન્ને કિનારે બાંકડા અને વચ્ચે ઊભા રહેવાની જગ્યા હશે. શેરીઓમાં પાર્કિંગ કરવામાં નહીં આવે. ટ્રકો પરથી માલ ઉતારવા માટે શહેરની ફરતેના વિસ્તારમાં અમુક ઠેકાણાં નક્કી કરવામાં આવશે. ભારે દબાણથી ભરેલી હવા ધરાવતી ટ્યુબ ટૂંકાં અંતરમાં માલવાહક તરીકે કામ આપશે. એ ટ્યુબમાં સ્વિચિંગ ડીવાઇસની મદદથી ચોક્કસ સંપેતરાને ચોક્કસ સ્થળે પહોંચાડવામાં આવશે. 

વાસ્તવિકતા : આપણે જાણીએ છીએ કે હજુ પણ વિમાન સિવાયનાં વાહનો જમીનની સપાટી પર જ ચાલે છે. અલબત્ત ‘રોબોટ બ્રેઇન’ ધરાવતા વાહનની કલ્પના સાથે (૨૦૧૩માં વાસ્તવિકતા બનેલી) ‘ગૂગલ’ની ડ્રાયવર વગરની કારનો મેળ ખાય છે. એવી જ રીતે, ભલે કમ્પ્રેસ્ડ એર ટ્યુબ દ્વારા નહીં, પણ ‘ડ્રોન’ (માનવરહિત ઉડ્ડયન યંત્રો) દ્વારા  એક સ્થળેથી બીજા સ્થળે ચીજવસ્તુઓ મોકલવાના સફળ અખતરા થયા છે. 

સંદેશાવ્યવહાર

આગાહી : સંદેશાવ્યવહારમાં અવાજની સાથે દૃશ્ય ઉમેરાયું હશે. જેમની સાથે વાત કરીએ તેમને જોઇ પણ શકાશે. (ફોનના) સ્ક્રીનનો ઉપયોગ ફક્ત વાત કરવા માટે જ નહીં, ડોક્યુમેન્ટ્‌સ વાંચવા, તસવીરો જોવા અને પુસ્તકના હિસ્સા વાંચવા માટે થઇ શકશે. (જિઓ)સિન્ક્રોનસ (ભૂસ્થિર) ઉપગ્રહોના પ્રતાપે આખી પૃથ્વી પર ગમે ત્યાં ડાયરેક્ટ ડાયલિંગથી વાત થઇ શકશે. હકીકતે ચંદ્ર પર રહેલા મનુષ્યો સાથે પણ વાત થઇ શકશે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે એકસામટા અનેક વાર્તાલાપનું પ્રસારણ લેસરના શેરડાની મદદથી શક્ય બનશે. અલબત્ત, એક છેડેથી બોલાતું વાક્ય બીજા છેડે તરત સંભળાવાને બદલે અઢી સેકન્ડ પછી સંભળાશે. પૃથ્વી પર લેસરના શેરડા સાથે  વાતાવરણનું અને વસ્તુઓનું ઘર્ષણ ટાળવા માટે પ્લાસ્ટિકની પાઇપમાં વહેતા કરવા પડશે. 

વાસ્તવિકતા : ચંદ્ર પર માનવ વસવાટની કલ્પનાને બાદ કરતાં બાકીનું બઘું વર્ણન આજના સ્માર્ટ ફોનને ઘ્યાનમાં રાખીને કરાયું હોય એવું નથી લાગતું? જ્યારે હકીકત એ છે કે એસિમોવે આ લખ્યું ત્યારે ઇન્ટરનેટ પણ શોધાયું ન હતું. 

વસ્તી અને સંબંધિત સમસ્યાઓ

આગાહી : અમેરિકાની વસ્તી ૩૫ કરોડ સુધી પહોંચી હશે. બોસ્ટનથી વોશિંગ્ટન સુધીનો આખો પ્રદેશ ૪ કરોડની વસ્તી સાથે એક આખા શહેરમાં અને વિશ્વના સૌથી વઘુ વસ્તી ધરાવતા વિસ્તારમાં ફેરવાઇ ચૂક્યો હશે. વસ્તી વિસ્ફોટને કારણે લોકો રણમાં અને ધ્રુવપ્રદેશોમાં રહેવા ગયા હશે. એક નવી શરૂઆત તરીકે, ખંડીય છાજલીઓ તરીકે ઓળખાતા, કિનારા નજીકના છીછરું પાણી ધરાવતા વિસ્તારમાં લોકો વસવા લાગ્યા હશે. પાણીમાં- સમુદ્રની સપાટીના તળીયે વસવાટ પણ શરૂ થયો હશે અને વોટર સ્પોર્ટ્‌સમાં રસ ધરાવતા લોકોને તેનું ઘણું આકર્ષણ હશે. તેના લીધે મહાસાગરોમાં રહેલી ખાદ્યસંપત્તિ અને ખનીજસંપત્તિ વધારે અસરકારક રીતે બહાર કઢાતી હશે. ૨૦૧૪ના વર્લ્ડ ફેરમાં સમુદ્રના તળીયે વસતાં શહેરોનાં મોડેલ દર્શાવાયાં હશે. 

સામાન્ય પદ્ધતિથી થતી ખેતી મહાપરાણે ચાલુ રહી હશે. ૨૦૧૪નાં ખેતરોમાં (પરંપરાગત પાકને બદલે) વધારે અસરકારક એવાં માઇક્રો-ઓર્ગેનિઝમ ‘ઉગતાં’ હશે. પ્રોસેસ્ડ યીસ્ટ અને આલ્ગીનાં ઉત્પાદનો છૂટથી બજારમાં મળતાં હશે. સભારે વસ્તીવધારાને લીધે તમામ લોકો સુધી ટેકનોલોજીનો લાભ નહીં પહોંચી શકે. વિશ્વની વસ્તીનો મોટો હિસ્સો આર્થિક રીતે અત્યારના કરતાં વધારે પામતો-પહોંચતો થયો હોય તો પણ, જગતના વિકસિત દેશોની ટેકનોલોજી સાથે તેમની સરખામણી કરતાં, બન્ને વચ્ચેનો તફાવત વઘ્યો હશે. વસ્તીનો બેફામ વધારો થાય તો ટેકનોલોજી પણ તેની સાથે તાલ મિલાવી નહીં શકે. પૃથ્વીની વસ્તી દર ચાળીસ વર્ષે બમણી થાય છે. એ સિલસિલો ચાલુ રહેશે તો ૫૦૦ વર્ષમાં આખું વિશ્વ  ન્યૂયોર્કના મેનહટન જેટલું ગીચ બની જશે. એટલે કે દર ચોરસ માઇલે એક લાખ માણસોની ગીરદી થશે. આવા વિશ્વને ટકાવી રાખવાનું કપરું બનશે અને આ સ્થિતિ આવતાં પહેલાં જ સમાજ નષ્ટ થશે. 

હૃદય અને કીડની જેવાં નુકસાન પામતાં અંગોના સ્થાને યાંત્રિક સાધનોનો ઉપયોગ વધતો હશે. રક્તવાહિનીઓ અને ચેતાઓ પણ બદલી શકાતી હશે. તેના કારણે મૃત્યુદર ઘટ્યો હશે અને વિશ્વના કેટલાક ભાગમાં સરેરાશ આયુષ્ય વધીને ૮૫ વર્ષ સુધી પહોંચ્યું હશે. તેના કારણે પણ વસ્તી વધશે. એટલે વસ્તી પર અંકુશ રાખવા માટેના પ્રયાસ મોટા પાયે હાથ ધરવામાં આવશે. જન્મદર ઘટાડવા માટેની વિવેકપૂર્ણ અને માનવીય પદ્ધતિઓનો જબરદસ્ત પ્રચાર ચાલતો હશે. છતાં તેને કાબૂમાં લેવામાં પૂરેપૂરી સફળતા નહીં મળી હોય. 

વાસ્તવિકતા : વસ્તીના આંકડા વિશે એસિમોવનો અંદાજ સાચો હોવા છતાં બાકીની બાબતોમાં તેમની આગાહી સચ્ચાઇથી ઘણી દૂર છે. રહી છે. દરિયાની નીચે શહેરો બાંધવાનું નજીકના ભવિષ્યમાં પણ કોઇ આયોજન હોય એવું દેખાતું નથી. ખેતીની બાબતમાં ટેકનોલોજી અને યંત્રોનો ઉપયોગ વઘ્યો છે. છતાં, પરંપરાગત ખેતી સિવાય હજુ ઉદ્ધાર જણાતો નથી. હૃદયને કાબૂમાં રાખવા માટે પેસમેકર જેવું યંત્ર વપરાતું થયું છે, પણ કીડનીનું સ્થાન કોઇ યંત્ર લઇ શક્યું નથી. તેમ છતાં, તબીબી વિજ્ઞાનની પ્રગતિને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય બેશક વઘ્યું છે. એસિમોવે ભાખ્યું હતું તેમ, જાપાન - સિંગાપોર- હોંગકોંગ સહિતન ૩૪ દેશ એવા છે, જ્યાંના નાગરિકોનું સરેરાશ આયુષ્ય ૮૦ વર્ષથી ૮૫ વર્ષ જેટલું છે. 

‘ડિજિટલ ડીવાઇડ’ - આ શબ્દ એસિમોવે ભલે વાપર્યો ન હોય, પણ તેમનો ઇશારો એ તરફ જ છે. ફક્ત આર્થિક બાબતમાં જ નહીં, ટેકનોલોજીમાં પણ ‘હેવ્સ’ અને ‘હેવ નોટ્‌સ’ (વંચિતો અને લાભાર્થીઓ) વચ્ચેનો તફાવત વધશે, એવી તેમની આગાહી કમ્પ્યુટરયુગમાં સાચી લાગતી હતી, પણ સ્માર્ટ ફોન ડિજિટલ ડીવાઇડ પુરવાની દિશામાં કામ કરી રહ્યા છે. સવસ્તી જગતની એક સમસ્યા હોવા છતાં, એસિમોવે ધારી હતી એવી કેન્દ્રીય સમસ્યા તે બની નથી. ઉલટું, ભારત કે ચીન જેવા દેશોમાં ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’- (વઘુ વસ્તીના અને સરવાળે કામ કરનાર લોકોના પ્રમાણમાં વધારો)ની વાત થાય છે. 

કમ્પ્યુટર અને શિક્ષણ

આગાહી :  ૨૦૧૪ના વિશ્વમાં રોબોટથી ન થાય અને ફક્ત માણસ જ કરી શકે એવાં બહુ ઓછાં કામ બચ્યાં હશે. માણસજાત મશીન વાપરનારી પ્રજાતિ બની જશે. સ્કૂલોમાં શીખવવાની પદ્ધતિની સાથોસાથ શીખવવાના વિષય પણ બદલાશે. હાઇસ્કૂલના સ્તરે કમ્પ્યુટર ટેકનોલોજીની પ્રાથમિક જાણકારી આપવામાં આવશે અને તેમને કમ્પ્યુટરની વિવિધ ‘લેન્ગ્વેજ’ શીખવવામાં આવશે. 

વાસ્તવિકતા : તાત્ત્વિક રીતે સાચું છે કે હવે રોબોટ દ્વારા થઇ શકે એવાં કામની યાદી લંબાતી જાય છે. ઘણાં જોખમી કામો તેમણે ઉપાડી લીધાં છે. છતાં, માણસજાત કામમાંથી સમૂળગી પરવારી જાય એવી સ્થિતિ બહુ દૂર લાગે છે. હાઇસ્કૂલના સ્તરે કમ્પ્યુટર આવી ગયાં છે ખરાં, પણ હજુ તેમનો અભ્યાસક્રમ સાવ પ્રાથમિક હોય છે. સઆ આગાહીઓ ઉપરાંત એસિમોવે (સચોટ રીતે) એમ પણ કહ્યું હતું કે ૨૦૧૪ સુધીમાં મંગળ પર અમાનવ યાન ઉતરી ચૂક્યાં હશે  અને સમાનવ યાત્રાની તૈયારી ચાલતી હશે અને ૨૦૧૪માં મંગળ પર વસાહતોનાં મોડેલ દર્શાવાતાં હશે. આ બન્ને અટકળો સાચી પડી છે. 

લેખના અંતે એસિમોવે એવી ધારણા રજૂ કરી હતી કે ૨૦૧૪માં માનવસમાજ પરાણે આરામ ભોગવનારો બનશે. એટલે કે યંત્રોએ બઘું કામ ઉપાડી લીઘું હશે, એટલે માણસને આરામ ભોગવ્યા વિના છૂટકો નહીં રહે. ૨૦૧૪માં ‘કામ’ એ સૌથી ભવ્ય શબ્દ બની રહેશે. સપરંતુ તેમની આ આગાહી સદંતર ખોટી પડી છે અને તેમની અગાઉની આગાહી પ્રમાણે, અગાઉ ગરીબ લાગતા વર્ગોમાં થોડી સરખાઇ આવવા છતાં, સમૃદ્ધ વર્ગો સાથેનો તેમનો તફાવત વઘ્યો  છે.  માનવસમુદાયનો બહુ મોટો વર્ગ પેટિયું કૂટવા માટે વૈતરાં કરે છે. 

એસિમોવની છેલ્લી આગાહી સાકાર થાય એ માટે હજુ કેટલાં વર્ષ રાહ જોવી પડશે? ખબર નથી. માણસને પરાણે આરામપ્રિય બનાવી દેવામાં આવે કે તેને કામમાંથી નિવૃત્ત કરી દેવામાં આવે, એ કેટલું ઇચ્છનીય છે? એ પણ ચર્ચાસ્પદ મુદ્દો છે. તેની ચર્ચા હજુ બીજાં પચીસ-પચાસ વર્ષ પછીની આગાહીઓ માટે બાકી રાખવાની થાય. 

Friday, January 24, 2014

માથાની ખંજવાળ : યે અંદરકી બાત હૈ

‘મારું જીવન એ જ મારો સંદેશ’- આવું કહેવા માટે મહાત્મા   બનવું પડે, પણ ‘મારું કર્મ એ જ મારો સંદેશ’ એવું કહેવા માટે ગાંધી બનવાની જરૂર નથી. ફક્ત માથું ખંજવાળવું જ પૂરતું છે. માથું ખંજવાળનારે ‘હું મુંઝાયો છું.’ એવું અલગથી કહેવું પડતું નથી. તેમનું  ઉત્કટ મસ્તિષ્કઉત્ખનન કર્મ જોઇને સુજ્ઞ જનો સંદેશો મેળવી લે છે કે ‘આ ભાઇ (અથવા બહેન) ગુંચવાયાં લાગે છે.’

અઘ્યાત્મ માર્ગના કેટલાક પ્રવાસીઓને મોહમાયાભર્યું જીવન તુચ્છ લાગે, તેથી જીવન તુચ્છ બની જાય છે? એવું જ માથું ખંજવાળવાની ક્રિયા વિશે પણ માની શકાય. અંતરચક્ષુ પર સાંસારિક બુદ્ધિનાં પડળ ચડેલાં હોય, એવા લોકો માથું ખંજવાળવાની ક્રિયાને ક્ષુલ્લક ગણે છે અને તેના કર્તા પ્રત્યે કંઇક ચીડની નજરે જુએ છે. તેમાંથી એવો તુચ્છકાર વરસતો હોય છે કે ‘આ તે કેવો માણસ છે? જાહેરમાં માથું ખંજવાળે છે. વાળ ઘુએ છે કે નહીં? અને ધુએ છે તો પછી આમ વારેઘડીએ જુઓના અડ્ડા પર છાપો મારતો હોય એમ, માથું શા માટે ખંજવાળે છે? સભ્યતા જેવું કંઇ સમજે છે કે નહીં?’

કબૂલ કે સુધરેલા સમાજમાં સભ્યતાના તકાદા આકરા હોય છે. તેમાં ધર્મના કે સંસ્કૃતિના, આબરૂના કે આપદ્‌ધર્મના, ક્રિયાના કે પ્રતિક્રિયાના નામે સરેઆમ (બીજાનાં) માથાં કાપી શકાય છે, પણ (પોતાનું) માથું નિરાંતે ખંજવાળી શકાતું નથી. આ વાંચીને માથું ખંજવાળવા માટે હાથ ઉપડે તો બે ઘડી થોભીને વિચારી લેજો : તમારી ગણતરી પણ શિષ્ટાચારવિહોણા માણસ તરીકે થઇ શકે છે. ‘જાહેરમાં માથું ખંજવાળવું એ અઘૂરી કેળવણીની નિશાની છે’ આવું કોઇ અવતરણ ગાંધીજીના કે બર્નાડ શોના કે ચર્ચિલન નામે હજુ સુધી ચલણી બન્યું નથી, એ જ નવાઇની વાત છે. સપાયાનો સવાલ એ છે કે માણસ માથું ખંજવાળે છે શા માટે?

સંસારી જીવો કહી શકે છે કે માણસ છે તો માથું છે ને માથું છે તો ખંજવાળ છે. પછી તેમાં ઊંડો વિચાર કરવાપણું ક્યાં રહ્યું? પરંતુ ફિલસૂફીના કીડા એમ સસ્તામાં અને સીધી રીતે સંતુષ્ટ થતા નથી. એ વિચારે છે : માથું છે, માટે માણસ તેને ખંજવાળે છે ? કે પછી માણસ ખંજવાળી શકે એટલા માટે માથું છે? આ ગહન સવાલ આદિકાળથી ચિંતકોને પીડતો રહ્યો છે. દેકાર્તે ખરેખર તો એમ કહ્યું હતું કે ‘આઇ સ્ક્રેચ (માય હેડ) ધેર ફોર આઇ એમ.’ પરંતુ લોકો આવી અભિવ્યક્તિ નહીં સમજી શકે એવું લાગતાં, તેમણે સહેલી ભાષામાં કહેવું પડ્યું, ‘આઇ થિન્ક ધેરફોર આઇ એમ’. ચર્ચાસ્પદ ફિલસૂફ નીત્શે ‘ગૉડ ઇઝ ડેડ’ કહેવા જેટલી હિંમત દાખવી શક્યા, પણ ‘ડેન્ડ્રફ ઇઝ ડેડ’ (માથાનો ખોડો નષ્ટ થયો છે) એવું તેમણે કદી કહ્યું નથી.

પાશ્ચાત્ય દર્શનને બદલે ભારતીય ચિંતન ભણી આવવું હોય તો ચાણક્ય સૌથી હાથવગા છે. ‘શિક્ષક કભી સામાન્ય નહીં હોતા’ એવું ચાણક્યનું અવતરણ લોકો એવી રીતે વાપરે છે, જાણે ચાણક્યે  ફેબ્રુઆરી-માર્ચમાં સરકારી ગ્રાન્ટ વાપરવા માટે થતા કોઇ સેમિનારમાં જ એ કહ્યું હોય. સંશોધનવૃત્તિના અભાવે કોઇ એ વિચારતું નથી કે ચાણક્ય શીખા બાંધવાને બદલે વાળ ખુલ્લા શા માટે રાખતા હતા. ‘નંદવંશનો નાશ નહીં થાય ત્યાં લગી શીખા નહીં બાંઘું’ એવી તેમની પ્રતિજ્ઞાની વાર્તા બધાએ સાંભળી છે, પણ ઐતિહાસિક દંતકથાઓ એમ સીધેસીધી થોડી માની લેવાય? કોઇ સંશોધકમાં એટલી ખાંખત નથી કે તે ચાણક્યના વાળમાં ખોડાની સમસ્યા હતી કે કેમ અને શીખા ન બાંધવા સાથે તેને કંઇ સંબંધ હતો કે કેમ, એ વિશે ઊંડા ઉતરે?

પૌર્વાત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આટલા વિહાર પછી સહેલાઇથી કહી શકાય કે માથું ખંજવાળવું એ સંસ્કૃતિકાર્ય છે- અથવા હોઇ શકે છે. છતાં, કોઇ પણ ઘટનાને વિશાળ ફલક પર, સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં ન જોઇ શકતા લોકોનો દુન્યવી સવાલ ઊભો રહે છે : ‘માણસ માથું શા માટે ખંજવાળે છે?’ એ દિશામાં આગળ વધતાં પહેલાં લોકો માથું કેવી રીતે ખંજવાળે છે એ વિશે પણ થોડો વિચાર કરવો જોઇએ.

જાહેરમાં માથું ખંજવાળવાનો પ્રસંગ પડે ત્યારે કેટલાક લોકો, આજુબાજુ જોઇને કોઇ જોતું નથી તેની ખાતરી થયા પછી સિગરેટનો કશ મારી લેતા હોય તેમ, એકાદ આંગળી વડે માથામાં બે-ચાર વાર ખંજવાળી લે છે. આંગળી પર સાયલેન્સર ચડાવ્યું હોય તેમ, તેમની આ ક્રિયા દરમિયાન બિલકુલ અવાજ આવતો નથી. જોનાર સાવધ ન હોય તો, ‘હમણાં પેલા ભાઇએ ખરેખર માથું ખંજવાળેલું કે મને ભ્રમ થયો?’ એ વિચારે તે પોતે માથું ખંજવાળતો થઇ જાય. માથું ખંજવાળવામાં એક સુખ છે : તેનો કોઇ પણ ભાગ જાતે, સ્વહસ્તે ખંજવાળી શકાય છે. પીઠની ખંજવાળની જેમ પરાવલંબી બનવું પડતું નથી.

એ જ કારણથી, માથાની ખંજવાળ ટાળવાનું વધારે અઘરું છે. સહેજ ઇચ્છા થઇ કે આંગળીઓ માથામાં. કેટલાકને જેમ દાળભાત વિના જમ્યાનો સંતોષ થતો નથી, એમ માથામાં બે-ચાર વાર આંગળી આમતેમ કર્યાથી ખંજવાળનો સંતોષ થતો નથી. એ લોકો ભલે એક આંગળી વડે, ધીમેથી પણ સતત ચોક્કસ જગ્યાએ ખંજવાળતા રહે છે. એક જ જગ્યા પર હળવા હાથે ચાલતી તેમની પ્રવૃત્તિ જોઇને એવું લાગે, જાણે પુરાતત્ત્વવાળાનું ખોદકામ-સફાઇકામ ચાલી રહ્યું છે અને હમણાં અંદરથી એકાદ માટીનું સીલ કે જૂનું વાસણ નીકળી આવશે. માથામાં ખોડો થતો હોય અથવા બીજાં કારણ હોય, ત્યારે આવતી ખંજવાળમાં પુરાતત્ત્વ સ્ટાઇલથી નહીં, પણ મ્યુનિસિપાલિટી સ્ટાઇલથી કામ લેવું પડે છે. ખંજવાળનાર તેમાં બન્ને હાથે એટલા જોશથી મચી પડે છે કે જોનારને ચિંતા થાય. તે આખું માથું ખંજવાળતા નહીં, પણ ખેડતા હોય એવું લાગે અને એવો પણ વિચાર આવે કે આ ક્યાંક ટ્રેક્ટર ન બોલાવી લે.

માણસ ખંજવાળે છે શા માટે, તેના જવાબની શોધમાં ટીવી ચેનલો પાસે જતાં સમજાશે કે જગતની દસ મહાન સમસ્યાઓમાંની એક છે : ડેન્ડ્રફ ઉર્ફે ખોડો. (બાકીની નવ સમસ્યાઓમાં ‘રુખી ત્વચા’ અને શ્યામ રંગથી માંડીને શ્વાસમાં દુર્ગંધ અને પરસેવાનો સમાવેશ થાય છે.) ખોડો દૂર કરવાનો દાવો કરતાં શેમ્પુ-કન્ડીશનરોની જાહેરાતોમાં ગાઇ-વગાડીને કહેવામાં આવે છે કે અમારું ઉત્પાદન વાપરો અને ખોડાથી - એટલે કે માથાની ખંજવાળમાંથી- રાહત મેળવો. એ જોઇને માથાની ખંજવાળ તો મટે ત્યારે ખરી, પણ ઘણાની હથેળીમાં અમુક હીરોઇનવાળું કે તમુક હીરોવાળું શેમ્પુ ખરીદવાની ખંજવાળ શરૂ થઇ જાય છે.

દેકાર્તના અવતરણમાં જોયું તેમ, માથું ખંજવાળવું એ વિચારવાનું પ્રતીક છે અને જાહેરખબરોનો આશય એક જ હોય છે : ગ્રાહક વિચારતો બંધ થઇ જાય. એવું થાય તો જ તે નકામી ચીજો ખરીદે ને કંપનીઓ કમાય. આ થિયરી પ્રમાણે વિચારતાં, શેમ્પુ-કન્ડીશનરોની જાહેરખબરો લોકોને ઉપભોક્તાવાદના માર્ગે ધકેલવાના કાવતરાનો ભાગ છે કે કેમ, તેની તપાસ કરવી પડે. સપહેલાંના સમયમાં માતાઓ બાળકોના માથાની ખંજવાળ દૂર કરવા માટે શેમ્પુ-કન્ડીશનર જેવાં રાસાયણિક હથિયારોને બદલે, કાંસકા-કાંસકી જેવાં પરંપરાગત હથિયારો પર વધારે મદાર રાખતી હતી. બાળકોના- ખાસ કરીને છોકરીઓના- વાળ ઓળતી વખતે ઝીણા દાંતાવાળી બેધારી કાંસકી માતાના હાથમાં એવી રીતે શોભતી, જાણે કાલીમાતાના હાથમાં ખડ્‌ગ. દીકરી આગળ બેઠી હોય, તેના વાળ પાછળ પથરાયેલા હોય, તેની પાછળ કાંસકીધારિણી માતા હોય, પછી જુ છટકીને જાય ક્યાં? આઘુનિક માતાઓ આ કવાયત અને તેમાં સમાયેલા ફરજપાલનના આનંદથી વંચિત રહી જાય છે, તો અંગ્રેજી મીડિયમમાં ભણતાં બાળકોની માતા જૂને અંગ્રેજીમાં શું કહેવાય, એ વિચારે પોતે જ માથું ખંજવાળતી થઇ જાય છે.

માથામાં ખંજવાળની સમસ્યા હજુ હળવી બની નથી. પરંતુ તેના નિવારણ પાછળ અઢળક નાણાં ખર્ચાવાને કારણે લોકોને લાગે છે કે તેનો જોરદાર મુકાબલો થઇ રહ્યો છે. હકીકતમાં એ ભ્રમ છે. માથું ખંજવાળવું એ માણસની મૂળભૂત જરૂરિયાત અને તેનો બંધારણદીધો હક છે. બંધારણમાં ભલે એવું ન લખ્યું હોય કે ‘દરેક નાગરિક બેરોકટોક પોતાનું અને યોગ્ય મંજૂરી મળ્યા પછી બીજાનું માથું પણ ખંજવાળી શકે છે.’ પરંતુ લોકોની લાગણી દુભાવાની તીવ્રતા અને અદાલતોની વર્તમાન સક્રિયતા જોતાં એવી આશા રહે છે કે એક જણના જાહેરમાં માથું ખંજવાળવાથી બીજાની લાગણી દુભાશે અને મામલો અદાલતે પહોંચતાં વિદ્વાન ન્યાયાધીશોએ જાહેર કરવું પડશે કે માથું ખંજવાળવું એ વ્યક્તિસ્વાતંત્ર્યનું અભિન્ન અંગ છે.

એક વાર માથું ખંજવાળવા પર લાગેલું કલંક દૂર થાય, તો (ખાસ કરીને ગુજરાતમાં) વિચાર કરવા સાથે સંકળાયેલી શરમ દૂર થાય, એવી આશા પણ રાખી શકાશે.

Wednesday, January 22, 2014

પ્રાણલાલ પટેલ ’દાદા’ : યાદોત્સવ (૨)

પાછલાં વર્ષોમાં પોતાની તસવીરો જેટલાં જ કે તેના પણ વધારે પોતાની ઉંમર માટે જાણીતા, ૧૦૫ વર્ષના ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલનું ૧૮ જાન્યુઆરીની બપોરે અવસાન થયું. તેમની સાથેની વિશિષ્ટ પ્રકારની દોસ્તીના નાતે તેમને અંજલિ આપતી એક પોસ્ટ અગાઉ મૂકી હતી (એ પોસ્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો)  આ તેનો બીજો ભાગ છે. પહેલી પોસ્ટમાં લખ્યું હતું તેમ, દાદા વિશે ગમે તેટલું લખ્યા પછી પણ એ પૂરતું નહીં લાગે. છતાં, પ્રિય વ્યક્તિને લાગણીભીની વિદાય આપવાની- તેમને અલવિદા કહેવાની ચેષ્ટા તરીકે આટલું મૂક્યું છે. 

મહેમદાવાદના અમારા મકાનના નવનિર્માણ પછી યોજાયેલા વિશિષ્ટ ગેધરિંગમાં
(ડાબેથી) આનંદ પટેલ, પ્રાણલાલ પટેલ/ Pranlal Patel, કેતન રૂપેરા/ Ketan Rupera,
રતિલાલ બોરીસાગર/ Ratilal Borisagar અને નગેન્દ્ર વિજય/ Nagendra Vijay
 (photo : Nikunj)
એ જ મેળાવડામાં દાદા સાથે મસ્તીભરી ક્ષણો/
Pranlal Patel & Uvish Kothari
 (photo : Nikunj)
દાદાની સોમી વર્ષગાંઠ નિમિ્તે પૌત્ર પિયુષ પટેલે ઘરે સત્યનારાયણની પૂજા રાખી હતી. આસ્થાની પણ એ જ દિવસે વર્ષગાંઠ હોવાથી સોનલ, આસ્થા અને હું સવારે અમદાવાદ ગયાં હતાં. સૌથી પહેલાં દાદાને ત્યાં પહોંચ્યાં ત્યારે પૂજા ચાલતી હતી અને ફોટોગ્રાફ્સ કે વિડીઓ કોઇ લેતું હોય એવું લાગતું ન હતું. એટલે મને એ કામ કરવાની વિશેષ મઝા આવી અને એ પ્રસંગની એક કાયમી યાદગીરી બની ગઇ.. આ પ્રસંગે દાદાની ચુસ્તી અને સ્ફુર્તિ દર્શાવતી વિડીયો ઝલક પોસ્ટના અંતે મૂકી છે.
દાદાનાં સો વર્ષની ઉજવણી નિમિત્તે
પૌત્ર પિયુષ પટેલે તૈયાર કરેલા નિમંત્રણ
કાર્ડમાં દાદાનાં વિવિધ રૂપ (વચ્ચેની
ફેંટાવાળી તસવીર દાદાના પિતાની છે)

સોમી વર્ષગાંઠના પ્રસંગે યોજેલી સત્યનારાયણની કથામાં પૌત્ર-પૌત્રવધુ સાથે
સહેલાઇથી પલાંઠી વાળીને પૂજામાં બેઠેલા દાદા / Pranlal Patel

સો વર્ષની ઉંમરે સહેલાઇથી પલાંઠી વાળીને બેસી જવું અને એટલી જ ઝડપથી
પલાંઠી છોડીને ઊભા થઇ જવું દાદા માટે સહજ હતું. સોમી વર્ષગાંઠે કથા પછી
આરતી ઉતારતા દાદા 
દાદા પાસે જૂના અને ચાલુ અવસ્થામાં સચવાયેલા કેમેરાનો મોટો સંગ્રહ હતો. એ દરેક કેમેરા માટે તેમને જબરો લગાવ હતો. એ વિશે વાત કરતાં એ પ્રેમિકાની વાત કરતા મુગ્ધ યુવાન જેવા બની જતા હતા. જૂના કેમેરા બતાવતી વખતે તેના વિશે વાત કરતા દાદાની વિડીયો ઝલક છેક છેલ્લે મૂકી છે..
Pranlal Patel with his vintage camera collection

દાદાની તસવીરી કળા જેટલી જ મોટી ખૂબી તેમની સાચવણીમાં હતી. કલાકારો સાથે અવ્યવસ્થિતતાને (ખોટી રીતે) સાંકળી દેવામાં આવતી હોય અથવા તેને કળાકારના ભૂષણ તરીકે ગણવામાં આવતી હોય ત્યારે દાદા પાસે પાંચ-છ દાયકા જૂની તસવીરોની પ્રિન્ટ અને નેગેટિવ એકદમ હાથવગી હોય. તેના એક નમૂના લેખે વિવિધ વિષયો આધારે વર્ગીકૃત કરીને ગોઠવેલી પ્રિન્ટોનાં ખોખાં



દાદાની અસંખ્ય બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં કેવળ વિષય જ નહીં, એ સમયનો ચહેરો જોઇ શકાય છે. જેમ કે, વરાળ છોડતા વરાળીયા એન્જિનની પાસે ઊભેલી પાણીવાળી છોકરીની મુદ્રા. સૌંદર્યનો વ્યાપક અર્થ લઇએ તો આ તસવીરને Beauty & The Beast જેવું શીર્ષક આપી શકાય. 
રવિશંકર રાવળ ગેલેરીમાં યોજાયેલા તેમના તસવીર પ્રદર્શનમાં મારી અત્યંત
ગમતી એક તસવીર સાથે પ્રાણલાલ પટેલ / Pranlal Patel
 ’અહા જિંદગી’ માસિકની ’ગુર્જરરત્ન’ કોલમ માટે બીરેને દાદાનો લાંબો ઇન્ટરવ્યુ કર્યો હતો અને તેનો લાંબા પટે, અઢળક તસવીરો સાથે લેખ પણ કર્યો હતો. એ મુલાકાતની યાદગીરી.
Pranlal Patel & Biren Kothari
કાંચી પંડ્યાએ બીજા મિત્રોની મદદથી અને ફોટોગ્રાફર મિત્ર કેતન મોદીના સહયોગથી, ખાસ્સી જહેમત લઇને, સૂઝપૂર્વક દાદા વિશે એક ડોક્યુમેન્ટરી બનાવી હતી. અમદાવાદના સીઇસમાં તેના પહેલા જાહેર પ્રદર્શનસમારંભનું, નેગેટીવ પર તૈયાર કરાયેલું આ વિશિષ્ટ આમંત્રણ કાર્ડ. ફિલ્મનું નામ છે ’એનું સર્વસ્વ’

દાદા સાથેની છેલ્લી મુલાકાત. સાથે મારી ભાણી નીશા પરીખ પણ હતી. એણે તેના ફોનમાં પાડેલી આ તસવીર. દાદાને મેં હોમાય વ્યારાવાલા વિશેનું પુસ્તક જોવા આપ્યું હતું. મારી એવી તીવ્ર ઇચ્છા હતી કે દાદાના જીવનકાર્યને બે પૂઠાં વચ્ચે સમાવતું આ બરનું એક પુસ્તક તૈયાર થાય. પરંતુ એ શક્ય બન્યું નહીં. 

Pranlal Patel & Urvish Kothari (Photo : Neesha Parikh)

...અને આ દાદાનું જીવંત- જીવનથી છલકાતું સ્વરૂપ, જે કાયમ યાદ રહેશે. 




Monday, January 20, 2014

સૌથી વડીલ મિત્ર પ્રાણલાલ પટેલની વિદાય : વસમી તો લાગે છે પણ...

 બે-એક અઠવાડિયાં પહેલાં મિત્ર વિવેક દેસાઇને મળવાનું થયું ત્યારે રાબેતા મુજબ પ્રાણલાલ પટેલ ’દાદા’ની વાત નીકળી. એટલે વિવેકે કહ્યું, ’દાદાને મળવું હોય તો મળી આવજો. હવે બહુ કાઢે એમ લાગતું નથી.’ સામાન્ય રીતે ૧૦૫ વર્ષની ઉંમર ધરાવતા માણસ વિશે આવું સાંભળીને આઘાત ન લાગવો જોઇએ. ધક્કો પણ નહીં.  પ્રાણલાલદાદા સાથે ૧૬ વર્ષ જૂની દોસ્તીને કારણે એ પણ ખબર હતી કે થોડા વખતથી તેમની જિજિવિષા જતી રહી છે. છતાં વિવેકની વાત સાંભળીને આઘાત અને ધક્કો બન્ને લાગ્યાં. આ વખતે દાદાની સત્તાવાર વર્ષગાંઠે- પહેલી જાન્યુઆરીએ જઇ શકાયું ન હતું, એ તાજું થયું. પણ દાદા સાથેની દોસ્તી તારીખટાણાં કે વ્યવહારમાં સમાઇ જાય કે એમાં જ આટોપાઇ જાય એવી ન હતી. એટલે ન જવાયાનો કશો ચચરાટ ન હતો. થોડા દિવસ પછી શનિવારે ૧૮ જાન્યુઆરી, ૨૦૧૪ની બપોરે મિત્ર કાંચી પંડ્યાનો મેસેજ આવ્યોઃ પ્રાણલાલ દાદા ઇઝ નો મોર.

પુત્ર આનંદભાઇ અને તેમનાં પત્ની સિવાયનાં  કુટુંબીજનો જૂનાગઢ પારિવારિક લગ્નપ્રસંગે ગયાં હતાં. એટલે દાદાની અંતીમ યાત્રા શનિવારે સાંજે નીકળે કે રવિવારે સવારે એ વિશે પણ થોડી અવઢવ હતી. પણ કેતન મોદીના સહયોગથી દાદા પર ફિલ્મ બનાવનાર કાંચી અમારી દોસ્તી સમજતી હતી. એણે સાચી સલાહ આપી, ’અંતિમ યાત્રામાં ન જવાય એમ હોય તો કંઇ નહીં. ખરેખર તો અત્યારે (સાંજે) જઇ આવો. બહુ થોડા લોકો છે. શાંતિથી દાદાને મળાશે.’

હા, મળાશે. દાદાને તો મળવાનું જ હોય. તેમનાં દર્શન થોડાં કરવાનાં હોય?  પ્રિયજનોના મૃતદેહનાં દર્શનથી હું કતરાતો હોઉં છું. બને ત્યાં સુધી એ ટાળું છું. બહુ વસમું લાગે છે. સંયમ જાળવવાનું કઠણ પડી જાય છે. જાતે જ એવું આશ્વાસન લઉં છું કે ’મારે એમને હાલતાચાલતા-પ્રેમાલાપ ને ગપ્પાગોષ્ઠિ કરતા જ યાદ રાખવા છે.’ છતાં, દાદાને મળવા ગયો. કૈલાસ સોસાયટીના ’છાયાચિત્ર’ બંગલાની બહાર સ્કૂટર પાર્ક કરતી વખતે, અંદર જઇને દાદા મળવાના નથી, એ અહેસાસ તીવ્ર રીતે વાગ્યો. વરંડા સુધી પહોંચ્યો. થોડા લોકો હતા. આ જગ્યાએ બેસીને દાદા સાથે અનેક વાર સુખદુઃખની વાતો સાંભળી હતી. જાણવા મળ્યું કે દાદાને તેમના અંદરના રૂમમાં સુવડાવ્યા હતા. હું અંદર ગયો. દાદા તેમની પાટ પર સુતા હતા. માથું ખુલ્લું હતું. નાકમાં રૂનાં પૂમડાં ખોસેલાં અને બાકીના દેહ પર ચાદર ઓઢાડી હતી. હું થોડો વધુ નજીક ગયો. દાદાનો ચહેરો ધ્યાનથી જોયો. તેમનો ટચુકડો દેહ સંકેલાઇ ગયો હતો, પણ આંખોનાં પોપચાં લોખંડી રીતે ભીડાયેલાં લાગતાં ન હતાં. એવું લાગતું હતું કે હમણાં ’દાદા’ કહીશ, એટલે એ ૧૦૫ વર્ષની ઉંમરે આશ્ચર્યજનક - ચમત્કારિક કહેવાય એવી સ્ફુર્તિથી બેઠા થઇ જશે. ખરેખર એવું લાગતું હતું કે દાદા બેઠા થશે ને અમે વાતો ચાલુ કરીશું.

થોડા વખત પહેલાં એવું થયું હતું. હું આવ્યો, અંદરના રૂમમાં ગયો, પણ દાદા સુઇ ગયા હતા. ઢળતી બપોરનો સમય હતો. મારા જવાથી પણ ન જાગ્યા, એટલે હું પાછા પગલે નીકળી ગયો હતો. આ વખતે પણ એવું જ હોત તો? પણ એવું ન હતું. દાદા સાથેની આ છેલ્લી મુલાકાત હતી. એવું કેવી રીતે બને? ૧૦૫ વર્ષ સુધી કડેધડે રહેલા દાદા અમરપટ્ટો લખાવીને આવ્યા હોય એવું જ સમીકરણ મનમાં ગોઠવાઇ ગયું હતું. તેમની તબિયત એકદમ મસ્ત, આપણને લઘુતાગ્રંથિ થાય એવી રહેતી. આનંદભાઇના જણાવ્યા પ્રમાણે, ૯-૧૦-૧૧ના ત્રણ દિવસ તેમને મુન્શી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પણ ત્યાંથી તો એ સાજા થઇને આવી ગયા હતા. એટલે એ છેક સુધી તંદુરસ્તી ભોગવીને ગયા એવું આશ્વાસન હાથવગું હતું. વાજબી, વ્યવહારુ અને વાસ્તવિક પણ હતું. છતાં એ પૂરતું લાગતું ન હતું.

થોડા મહિના પહેલાં દાદાને મળવાનું થયું ત્યારે દાદા ’વિસામો, વિસામો’ કરતા હતા. ’હવે બહુ થયું. વિસામો મળવો જોઇએ.’ એવી તેમની લાગણી હતી. મને જરા નવાઇ લાગી. દાદા થાકે, કંટાળે ને ફોટોગ્રાફીની દુનિયામાંથી, પોતાના તસવીરી જગતમાંથી તેમનો રસ ઓછો થાય, એ શી રીતે બને? ’કેમ આવી વાત કરો છો?’ એ મતલબનું એમને પૂછ્યું, એટલે કહે, ’આ જન્મમાં બહુ થયું. હવે વિસામો મળે તો વેળાસર આવતા જન્મમાં કામ શરૂ થાય.’ શબ્દોમાં ફેરફાર હોઇ શકે છે, પણ આ ધ્વનિમાં મીનમેખ ન હતી. આ માણસને મુક્તિ જોઇતી ન હતી. મૃત્યુ તેમના માટે પૂર્ણવિરામ નહીં, અલ્પવિરામ હતું.

દાદા વિશે ઘણું લખવાનું, ઘણું વહેંચવાનું છે. આ બ્લોગ નિમિત્તે બે ભાગમાં શક્ય એટલી વાત કરીને લાગણીનો ઉભરો હળવો કરવા પ્રયાસ કરીશ. છતાં, ગમે તેટલું લખ્યા પછી મને પૂરો સંતોષ નહીં થાય. તેમના જેવા વડીલ મિત્રો જિંદગીમાં સીધી કે આડકતરી રીતે એટલું બધું આપે છે કે એ જાય ત્યારે આપણા અસ્તિત્ત્વની થોડી પોપડીઓ ખેરવતા જાય. પણ એ તેમનો અધિકાર છે અને આપણા તરફથી અપાયેલી શ્રેષ્ઠ અંજલિ પણ- કે તેમનું સ્થાન મારા જીવનમાં હવેથી હંમેશાં ખાલી રહેશે. એ સ્થાન એક જ હતું ને હવે ત્યાં વ્યક્તિને બદલે ખાલીપો ભરાયો છે.
***
રવિશંકર રાવળ આર્ટ ગેલેરી (લો ગાર્ડન, અમદાવાદ)માં તેમની તસવીરોનું પ્રદર્શન હતું ત્યારે લીધેલી આ તસવીર મારી પ્રિય તસવીરોમાંની એક છે. કારણ કે તેમાં તસવીર અને ચિત્રની વચ્ચથી ડોકિયું કરતો માણસ જાણે કહી રહ્યો છે, ’બધી કળાકૃતિઓ-બધાં કળાસ્વરૂપોને ટપી જાય એવો, અસલી ધબકતો માણસ તો આ રહ્યો.’
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari)

પ્રાણલાલદાદા સાથે સંબંધ બંધાવામાં નિમિત્ત બન્યું ’સીટીલાઇફ ન્યૂઝ’. નગેન્દ્રવિજયના તંત્રીપદે અને હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદે ૧૯૯૮માં શરૂ થયેલું આ પખવાડિક મોલ-મલ્ટીપ્લેક્સ વગરના અમદાવાદનું વિશિષ્ટ અને સમૃદ્ધ સીટીમેગેઝીન હતું. તેના વિચારના તબક્કેથી હું તેમાં સંકળાયેલો હતો.  અમદાવાદના આ સામયિકના છેલ્લા પાના પર ’તબ ઔર અબ’ પ્રકારનો તસવીરી વિભાગ શરૂ કરવાનું વિચાર્યું, એટલે પ્રાણલાલ પટેલને મળ્યા. રાબેતા મુજબ હું ચોક્કસ ઘટનાક્રમ ભૂલી ગયો છું. હું એકલો મળ્યો કે હર્ષલ સાથે હતો એ પણ યાદ નથી. પણ એવું નક્કી થયું કે આખા પાનાની કોલમમાં ઉપર દાદાએ લીધેલો એક સ્થળનો જૂનો ફોટો અને એ જ સ્થળનો અત્યારનો ફોટો મૂકવો, જેનાથી શહેરની બદલાતી તાસીરનો ખ્યાલ આવે. એ એન્ગલથી દાદાના થોડા ફોટા પસંદ કર્યા. પહેલા જ અંકમાં તેમણે પાડેલી નેહરુ બ્રિજ બંધાયા પહેલાંની તસવીર લીધી. તેમાં દેખાતું એક ઘર એ વખતે (૧૯૯૮)માં પણ ઊભું હતું અને બન્ને તસવીરો વચ્ચેનું સીધું સામ્ય તથા તફાવત પણ સ્થાપિત કરી આપતું હતું. એટલે નવી તસવીર મેં પાડી- ભૂલતો ન હોઉં તો નદીના પટમાં ઉતરીને, પહેલા અંકનું માસ્ટ અને દાદાની તસવીરો ધરાવતું છેલ્લું પાનું અહીં મૂક્યું છે. એ વખતે ગુજરાતી સામયિકોમાં લેખકો કે કન્ટ્રીબ્યુટરોની તસવીરો છાપવાનો રિવાજ ન હતો. પણ દાદા માટે અમે અપવાદ કર્યો અને તસવીરો સાથે તેમનો ફોટો પણ છાપતા હતા (અને એ વ્યવસ્થા મહેનતાણાની અવેજીમાં ન હતી.)
Citylife News : City magazine of ahmedabad, 1st issue


એ અરસામાં હું પેન્ટેક્સ કે-૧૦૦૦નો જૂનો અને જાણીતો એસએલઆર કેમેરા લઇને ફરતો હતો. એક દિવસ દાદાને ઘરે ગયો અને થયું કે તેમના ફોટા પાડું. બહાર સરસ લાઇટ હતું. ખુરશી પર તેમને બેસવા કહ્યું, એટલે એ બેઠા તો ખરા, પણ પણ ફોટોગ્રાફરે ’સબ્જેક્ટ’ના હાથ કેવી રીતે રખાવા જોઇએ, એના વિશે સરસ વાત કરી. (જૂના જમાનાના ફોટામાં આ પ્રકારની ગોઠવણને કારણે જ, ભલે ક્યારેક નૈસર્ગિકતાના ભોગે પણ, સૌંદર્યનો અહેસાસ આવતો હતો.) આ તસવીર એમણે જૂની સ્ટાઇલમાં, પોતે પોતાના સબ્જેક્ટને બેસાડતા હતા, એવી મુ્દ્રા સાથે પડાવી.
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari)
એ જ સિરીઝમાં પાડેલાં દાદાનાં કેટલાંક પોર્ટેઇટ, જેમાં મને મઝા આવી હતી. 
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari, 2001)

Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari,,2001)
’સીટીલાઇફ’ના ગાળાથી દાદા સાથે સ્નેહગાંઠ બંધાઇ અને મજબૂત થઇ. તેમની પાસે તસવીરોનો એવો અદભૂત ખજાનો હતો કે મને હંમેશાં એવી ચટપટી રહે કે દાદાના ફોટા ક્યારે વાપરું. તેમાં મુશ્કેલી એક જ હોય- દાદા પોતાની તસવીરોની કિંમત જાણે. એ વખતે દાદાનાં પત્ની દમયંતિબહેન હયાત. એ કાબેલ મેનેજર. દાદા ભોળા છે ને લોકો એમને છેતરી જાય છે, એવું તેમને સતત લાગ્યા કરે અને એ લાગણીમાં તથ્ય પણ ખરું. એટલે તેમની સાથે માફકસરનું બિઝનેસ ડીલીંગ કરવું પડે. વારંવારના ડીલીંગ પછી વિશ્વાસ પડતાં એમની સાથે કામ પાડવાનું મારા માટે ઓછું અઘરું- લગભગ સરળ કહી શકાય એવું બન્યું. છતાં આપણે ત્યાં લેખકોની જેમ બલ્કે લેખકો કરતાં પણ વધારે ફોટોગ્રાફરોને રૂપિયા આપવાના થાય ત્યારે બધાને કીડીઓ ચડે. છતાં, બન્ને પક્ષ નારાજ ન થાય એ રીતે કામ કરવાનો મેં શક્ય ત્યાં સુધી પ્રયાસ કર્યો. અહીં મુકેલી તસવીરમાંથી જૂનો ભાગ મારી બહુ જ ગમતી દાદાની તસવીરોમાંની એક છે. એ ’આરપાર’ના ફિલ્મસંગીત વિશેષાંક માટે અમે વાપરી હતી. એ તસવીરમાં ગ્રામોફોન પ્રત્યે લોકોનું વિસ્મય અને તેમના હાવભાવ જે રીતે ઝીલાયા છે, તે જોનારને એવા જકડી લે છે કે તસવીરમાં તેડેલાં બે બાળકો સાવ સહજતાથી સ્તનપાન કરી રહ્યા છે, એ તરફ ધ્યાન જ ન જાય.


દાદાએ આખા ગુજરાતમાં પિક્ટોરિઅલ ફોટોગ્રાફી કરી, પણ અમદાવાદનું તો તેમણે વ્યવસ્થિ દસ્તાવેજીકરણ કર્યું એમ કહી શકાય. આવો શબ્દ એ કદાચ વાપરતા નહીં, પણ અમદાવાદ નસીબદાર કે તેને પ્રાણલાલ પટેલ જેવા દસ્તાવેજીકરણ કરનાર મળ્યા. અમદાવાદનાં જે સ્વરૂપોને જેટલી માત્રામાં અને જે લાંબા સમયપટ દરમિયાન દાદાએ ઝીલ્યાં છે એટલાં ભાગ્યે જ કોઇએ ઝીલ્યાં હશે.


’દિવ્ય ભાસ્કર’માં એક સમયે એવો મણિકાંચન યોગ સર્જાયો જ્યારે આકાર પટેલ ગ્રુપ એડિટર હતા અને દીપક સોલિયા પૂર્તિ સંપાદક. એ વખતે આકારના કહેવાથી મેં બુધવારની પૂર્તિને આખેઆખી નવેસરથી બનાવવાનું કામ હાથમાં લીધું. ’કળશ’ની જગ્યાએ તેને નામ આપ્યું ’અસ્મિતા’ પૂર્તિ. સોળ પાનાંની ને આકારનાં વળતાં પાણી પછી સંસ્થાકીય કારણોસર કદી નહીં છપાયેલી- ગર્ભમૃત્યુ પામેલી એ પૂર્તિનું છેલ્લું પાનું. તેમાં દાદાની તસવીરી તફાવતની કોલમને અમે આપેલું નામ હતું ’જનરેશન ગેપ’.


’આરપાર’ના અમે તૈયાર કરેલા ’સરદાર વિશેષાંક’ (૨૦૦૪)નો શાહીબાગ સરદાર સ્મારકમાં સમારંભ યોજાયો ત્યારે સરદારની તસવીરો લેનારાં બે તસવીરકાર હોમાય વ્યારાવાલા અને પ્રાણલાલ પટેલ એ સમારંભમાં હાજર હતા. બીજા વર્ષે મેં અંકની સામગ્રીમાં ખાસ્સા ફેરફાર-ઉમેરા-વધારા કરીને ’સરદારઃ સાચો માણસ, સાચી વાત’ પુસ્તક કર્યું. તેનું રાજકોટના હેમુ ગઢવી હોલમાં વિમોચન થયું ત્યારે પણ દાદા ખાસ અમદાવાદથી આવ્યા હતા. વિમોચન સમારંભ પછીની આ યાદગાર તસવીર
L to R : Biren Kothari, Binin Modi, Pranlal Patel, Urvish Kothari
ઘણા સમય સુધી (એકવીસમી સદીમાં પણ) દાદા સાથે પત્રનો વ્યવહાર રહેતો. એ પોસ્ટકાર્ડ અથવા ઇનલેન્ડ લખે. લખવામાં ભારે વ્યવહારુ. મીઠા. વિવેકી. નમૂનાલેખે આ એક પોસ્ટકાર્ડ. એમની ૯૦મી વર્ષગાંઠ પર મેં તેમને કંઇક લખ્યું હશે અને ૧૦૦મી વર્ષગાંઠનો ઉલ્લેખ કર્યો હશે, તેનો એમણે આપેલો  જવાબ સ્વયંસ્પષ્ટ  અને વાંચી શકાય એવો છે. એ વિશે મારે કંઇ લખવાની જરૂર નથી. 


હજુ દાદાની વાત પૂરી થઇ નથી. પણ વધુ તસવીરો- વધુ યાદો બીજા બ્લોગમાં. અત્યારે તો એમનાં સ્મરણનો જલસો.
Pranlal Patel / પ્રાણલાલ પટેલ (photo : urvish kothari)

Sunday, January 12, 2014

‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ’ કેટલો ‘સ્ટાન્ડર્ડ’ છે?

આસામના મુખ્ય મંત્રીએ તેમના રાજ્યની ઘડિયાળ ભારતના સ્ટાન્ડર્ડ ટાઇમ કરતાં એક કલાક આગળ મૂકવાનો નિર્ણય લેતાં, જૂની ચર્ચા ફરી ઉપડી છે : ભારતમાં બે સ્ટાન્ડર્ડ ટાઇમ હોવા જોઇએ? કે સમગ્ર દેશની ઘડિયાળ ૩૦ મિનીટ આગળ કરવાથી ફાયદો થશે? કે પછી જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવું?


(courtesy : bloomberg)
‘ચાયબાગાન ટાઇમ’- આ મિત્રમંડળીની કે વેપારધંધાની વાતચીતમાં વપરાતો શબ્દપ્રયોગ નથી. આ નામ છે આખેઆખા આસામ રાજ્યના ‘સ્ટાન્ડર્ડ ટાઇમ’નું. આસામના મુખ્ય મંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે, તેમનું રાજ્ય ‘બાગાન (કે ચાયબાગાન) ટાઇમ’નો અમલ કરવાનું છે. 

ભારતનો સ્ટાન્ડર્ડ ટાઇમ વૈશ્વિક સ્ટાન્ડર્ડ સમય કરતાં સાડા પાંચ કલાક આગળ છે. પરંતુ આસામના ચાના બગીચાનું સમયપત્રક એના કરતાં જુદી ઘડિયાળ પ્રમાણે ચાલે છે. સંખ્યાબંધ દેશોમાં સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય અને વીજળીની બચત થાય, એ માટે સરકારી રાહે ‘ડે લાઇટ સેવિંગ ટાઇમ/ Day Light Saving Time’નો અમલ થાય છે. એટલે કે વર્ષમાં સુર્ય વહેલો ઉગીને વહેલો આથમી જતો હોય, એવી ૠતુમાં ઘડિયાળના કાંટા આગળ ફેરવી દેવાનો રિવાજ છે. ઉત્તર ગોળાર્ધના દેશોમાં આ સમય માર્ચથી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીનો અને દક્ષિણ ગોળાર્ધના દેશોમાં એ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે.

કંઇક એવી જ રીતે, આસામના ચાના બગીચાના માલિક કે મેનેજર અંગ્રેજ સાહેબો ઘડિયાળ એક કલાક આગળ મૂકી દેતા હતા. સુરજ ચાર વાગ્યામાં ઉગી જતો હોય તો કામનું સમયપત્રક પણ વહેલું શા માટે શરૂ કરી ન દેવું? સવારે પાંચ વાગતાંમાં કામે જવાના ખ્યાલથી માણસોને તકલીફ પડતી હોય તો, તેમની માનસિકતા બદલવાને બદલે ઘડિયાળને એક કલાક આગળ મુકી દેવાનું વધારે સહેલું ન પડે?  

‘બાગાન ટાઇમ’ અત્યાર લગી ફક્ત ચાના બગીચા કે અમુક ફેક્ટરીઓમાં કામ કરતા લોકો પુરતો સીમિત હતો. એટલે, તેમાં સરકારી પરવાનગીની જરૂર નહીં ને સરકારી દખલઅંદાજીનો અવકાશ પણ નહીં. પરંતુ આખા આસામની ઘડિયાળ એક કલાક આગળ મૂકવાની થાય તો ટ્રેનો અને વિમાનોના સમયપત્રકથી માંડીને સરકારી કચેરીઓના સમયના પ્રશ્નો થઇ શકે. 

પૂર્વોત્તર (ઇશાન) ભારતનાં ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં સાત રાજ્યો આમ પણ ભારત પ્રત્યે પોતીકાપણું અનુભવતાં નથી. આસામ આવું પગલું ભરે ને ઇશાન ભારતનાં બાકીનાં રાજ્યો, કંઇ નહીં તો ભારત પ્રત્યેનો વાંધો વ્યક્ત કરવા, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ કરતાં અલગ સમય અપનાવે તો? 

બીજી શક્યતા : એક જ ટ્રેન બે ટાઇમઝોનમાં સફર કરતી હોય ત્યારે તેના સમયપત્રકના ફેરફારોથી માંડીને રેલવે સિગ્નલ જેવી ઓટોમેટિક મશીનરીમાં પણ ગોટાળા થઇ શકે અને અકસ્માતોની સંભાવના ઊભી થાય. પશ્ચિમી દેશોમાં ‘ડે લાઇટ સેવિંગ ટાઇમ’નો અમલ વર્ષોથી થતો હોવા છતાં, એ સમયે અકસ્માતોની શક્યતા સામાન્ય સંજોગો કરતાં વઘુ હોવાનું નોંધાયું છે. 

આમ, ભારતમાં બે ટાઇમઝોનના વિરોધ અને એક જ સ્ટાન્ડર્ડ સમય રાખવા પાછળ વહીવટી સરળતા જેવા દેખીતા પરિબળથી માંડીને રાષ્ટ્રિય એકતા જેવી અમૂર્ત લાગણી કારણભૂત હોઇ શકે છે. પરંતુ આખા દેશની ઘડિયાળને જ અડધો કલાક આગળ મૂકી દેવામાં આવે તો? સુર્યપ્રકાશનો વધારે ઉપયોગ અને વીજળીની બચત થઇ શકે? 

તેનો જવાબ મેળવતાં પહેલાં ભારતના સ્ટાન્ડર્ડ ટાઇમ વિશે   અછડતી જાણકારી મેળવી લઇએ. બીજી ઘણી બાબતોની જેમ ભારતનો સ્ટાન્ડર્ડ સમય બસો વર્ષ પહેલાં અંગ્રેજી રાજના મદ્રાસમાં નક્કી થયો હતો. ત્યાં ભારતની પહેલી વેધશાળા સ્થપાઇ અને ઇ.સ.૧૮૦૨માં જોન ગોલ્ડિંગહેમે મદ્રાસના રેખાંશ ગણી કાઢ્‌યા. ત્યારથી ભારતમાં ‘સ્ટાન્ડર્ડ ટાઇમ’નો ખ્યાલ ઊભો થયો. પરંતુ મોટાં શહેરોમાં પોતપોતાના  ટાઇમ હતા. જેમ કે, મુંબઇ ટાઇમ (ગ્રેનિચ મીન ટાઇમ- વૈશ્વિક સ્ટાન્ડર્ડ સમય-કરતાં ૪ કલાક ૫૧ મિનીટ આગળ), કલકત્તા ટાઇમ (જીએમટી કરતાં ૫ કલાક ૩૦ મિનીટ ૨૧ સેકન્ડ આગળ), મદ્રાસ ટાઇમ (જીએમટી કરતાં ૪ કલાક ૫૭ મિનીટ ૩૨ સેકન્ડ આગળ). 

ઓગણીસમી સદીના અંત સુધીમાં રેલવેનું તંત્ર ‘મદ્રાસ ટાઇમ’ પ્રમાણે ચાલવા લાગ્યું. વીસમી સદીના આરંભે, ૧૯૦૫માં અલાહાબાદ નજીકથી  પસાર થતી ૮૨.૫ અંશ રેખાંશની કાલ્પનિક રેખાને ભારતના સ્ટાન્ડર્ડ સમય માટે આધારરૂપ ગણવામાં આવી અને જાન્યુઆરી ૧, ૧૯૦૬ના રોજ ભારતનો સ્ટાન્ડર્ડ ટાઇમ ગ્રેનિચ મીન ટાઇમ/ Greenwich Mean Timeથી સાડા પાંચ કલાક આગળ નક્કી કરવામાં આવ્યો. (‘ગ્રેનિચ’નો સ્પેલિંગ પ્રમાણે ઉચ્ચાર ‘ગ્રિનવિચ’ વંચાય છે.) એ સમય ભારત ઉપરાંત અંગ્રેજોના તાબામાં રહેલા શ્રીલંકાને પણ લાગુ પડતો હતો. અલબત્ત, અંગ્રેજી રાજની જૂની રાજધાની જેવા કલકત્તાનો અલગ ટાઇમ છેક ૧૯૪૮ સુધી ચલણમાં રહ્યો. આઝાદી પછીનાં ત્રણ વર્ષ સુધી ભારત અને પાકિસ્તાનના સ્ટાન્ડર્ડ સમય સરખા હતા. (૧૯૫૧માં પાકિસ્તાને ગ્રેનિચ મીન ટાઇમ કરતાં પાંચ કલાક આગળનો સમય અપનાવ્યો.) ૧૯૭૨માં ‘ગ્રેનિચ મીન ટાઇમ’નું સ્થાન ‘કો-ઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ’ (યુટીસી)એ લીઘું અને તે વૈજ્ઞાનિક માન્યતા ધરાવતો વૈશ્વિક સમય બન્યો.  

આમ, ભારત જેવા વિશાળ, પૂર્વથી પશ્ચિમ વચ્ચે ૨,૯૦૦ કિલોમીટરનું અંતર ધરાવતા દેશમાં એકથી વઘુ ટાઇમઝોન હોઇ શકે, એ વાત નવી નથી. સાથોસાથ, એ પણ યાદ રાખવું જોઇએ કે દેશમાં  એકથી વઘુ ટાઇમઝોન રાખવા કે નહીં તેનો આધાર દેશોની મુન્સફી પર હોય છે. અમેરિકા-રશિયા જેવા દેશોમાં એકથી વધારે ટાઇમઝોન છે, છતાં અંધાઘૂંધી વિના તંત્ર ચાલે છે. બીજી તરફ, પૂર્વ-પશ્ચિમ છેડા વચ્ચે આશરે ૫,૨૦૦ કિલોમીટરનું અંતર ધરાવતા ચીનમાં ૧૯૪૯થી ફક્ત એક જ સ્ટાન્ડર્ડ ટાઇમ ચાલે છે. છતાં અવ્યવસ્થા સર્જાતી નથી. 

તો પછી ભારતના સ્ટાન્ડર્ડ ટાઇમમાં ફેરફાર કે બે ટાઇમ ઝોનનાં ઉંબાડિયાં કરવાની શી જરૂર? તેનો જવાબ ‘નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ એડવાન્સ સ્ટડીઝ’ના બે સંશોધકોના અભ્યાસલેખમાંથી મળે છે. ‘બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી’ માટે તેમણે કરેલા વિગતવાર અભ્યાસમાં સંશોધકો ડી.પી.સેનગુપ્તા અને દિલીપ આહુજાએ જણાવ્યું છે કે વિશ્વભરના ૯૭ ટકા દેશો વૈશ્વિક સ્ટાન્ડર્ડ ટાઇમ કરતાં કલાકના હિસાબે આગળ કે પાછળ છે. ભારત જેવા માંડ ત્રણ ટકા દેશો જ અડધા કલાકના માપમાં પડ્યા છે. એટલે ભારત સાડા પાંચને બદલે છ કલાક આગળ થઇ જાય તો કશી હરકત નથી. આ નિર્ણયની ઉપયોગીતા સાબીત કરવા માટે તેમણે ઉર્જાબચતનો મુદ્દો આગળ કર્યો છે. 

તેમની દલીલ પ્રમાણે, સવારે સાત વાગ્યે ઉઠનારો માણસ, ઘડિયાળ અડધો કલાક આગળ કરી દીધા પછી સાત વાગ્યે ઉઠે ત્યારે ખરેખર સાડા છ વાગ્યા હોય, પણ સૂર્યપ્રકાશ શરૂ થઇ ગયો હોય. એટલે એ પ્રકાશનો ઉપયોગ થઇ શકે. એવી રીતે રાત્રે દસ વાગ્યે સુનારો માણસ ઘડિયાળના કાંટા આગળ કર્યા પછી દસ વાગ્યે સુએ ત્યારે ખરેખર સાડા નવ વાગ્યા હોય. એટલે તેના વીજવપરાશમાં અડધા કલાકની બચત થઇ શકે. 

સંશોધકોએ ગણતરી માંડીને કહ્યું કે વીજળીમાં રોજ અડધા કલાકની બચત થાય તો દેશભરમાંથી ૨.૩ અબજ યુનિટ વીજળી બચે. તેમણે રાજ્યોમાં થનારી અંદાજિત રોજિંદી બચતના આંકડા પણ આપ્યા હતા. જેમ કે, ઘડિયાળ અડધો કલાક આગળ હોય તો ગુજરાતમાં  રોજની ૩.૩ લાખ યુનિટ વીજળી બચે. આંધ્ર, પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોમાં રોચની પાંચથી સાડા પાંચ લાખ યુનિટ વીજળીની બચત થાય.  તેના લીધે વીજળીમાં અછતની સ્થિતિ, કોઇ મોટા મૂડીરોકાણ વિના, થોડી હળવી બને. ‘ધ એનર્જી એન્ડ રીસોર્સ ઇન્સ્ટિટ્યુટ’ના અહેવાલમાં જોકે એવું સૂચવાયું છે કે સ્ટાન્ડર્ડ ટાઇમમાં ફેરફાર કરવાથી ઝાઝો ફરક પડી જવાનો નથી.  

છેલ્લા એકાદ દાયકાથી સરકાર સ્ટાન્ડર્ડ ટાઇમમાં ફેરફારની સંભાવના અને તેના ફાયદા-નુકસાન વિશે અભ્યાસ કરાવી રહી છે. પરંતુ મુખ્યત્વે વહીવટી અડચણો અને ખાતરીદાયક પરિણામોનો અભાવ આગળ ધરીને સરકાર સ્ટાન્ડર્ડ ટાઇમમાં છેડછાડ કરતાં ખચકાય છે. આસામે આ દિશામાં પહેલ કર્યા પછી કેન્દ્ર સરકાર તેનો વિરોધ કરે છે કે પછી મન કઠણ કરીને આખા દેશને ‘ચાયબાગાન ટાઇમ’ના કાંટે દોરી જાય છે, એ જોવાનું રહે છે.  

Thursday, January 09, 2014

(ચા-કોફીના) ‘ક્રીમી લેયર’ની સમસ્યા

સોફ્‌ટ ડ્રિન્ક અને ચા-કોફી-દૂધ વચ્ચે સૌથી મોટો તફાવત કયો? એવા સવાલના જવાબમાં આરોગ્યપ્રેમીઓ સોફ્‌ટ ડ્રિન્કના અવગુણ અને ચા-કોફીનું માહત્મ્ય વર્ણવવા બેસી જશે. ચા-કોફીને જંતુનાશક તરીકે વાપરી શકાતાં નથી, જ્યારે સોફ્‌ટ ડ્રિન્કનો આવો હાર્ડકોર ઉપયોગ થઇ શકે છે- એવું પણ તે કહેશે. પરંતુ કોઇ મલાઇત્રસ્તને પૂછતાં એ ઝળહળતા ચહેરે કહેશે, ‘સોફ્‌ટ ડ્રિન્કના સો અવગુણ માફ છે. કારણ કે તેમાં મલાઇ થતી નથી.’

વિજ્ઞાનની પરિભાષામાં મલાઇ ‘ફેટ’ હશે, પણ રાજકીય પરિભાષામાં તેને ‘પોલરાઇઝર’-  ધ્રુવીકરણ કરનારી ચીજ- ગણી શકાય. ચાહનારા તેને ખાવાથી માંડીને ચહેરા પર લગાડવાની હદે પ્રેમકરતા હોય અને  ધિક્કારનારા? મલાઇનાં દર્શન તો ઠીક, તેના ઉલ્લેખ માત્રથી તેમનો જીવ ચૂંથાય છે. ચાહનારા તેને ‘ક્રીમ’ કહીને સુંવાળપનું અને સૌંદર્યનું પ્રતીક ગણે છે, તો મલાઇદ્વેષીઓ તેને લગભગ કસ્તર સમકક્ષ, દૂધની આડપેદાશ નહીં, પણ આડઅસર તરીકે ગણાવે છે.

મલાઇનું અસ્તિત્ત્વ આમ નાજુક, પણ આમ એવું નક્કર હોય છે કે તેની ઉપેક્ષા કરી શકાય નહીં. ચા-કોફીના ઘણા પ્રેમીઓ માટે મલાઇ વિલન (કે વેમ્પ)ની ભૂમિકા અદા કરે છે. હોઠ અને પ્યાલા વચ્ચેનું અંતર સાવ ઓછું થઇ ચૂક્યું હોય, મનમાં ચા-કોફીની વરાળ થકી તેની ફ્‌લેવર પ્રવેશી ચૂકી હોય અને ત્યાં જ છલોછલ કપની ઉપરની સપાટી પર મલાઇનું આવરણ દેખાય એટલે મનમાં ધ્રાસ્કો પડે છે. રાણીવાસમાંથી રણમેદાનમાં ધકેલાતા પૃથ્વીરાજ ચૌહાણની જેમ, મનમાંથી ચા-કોફીની સોડમને ખંખેરી નાખીને મલાઇનો શી રીતે નિકાલ કરવો એ દિશામાં મનને પ્રવૃત્ત કરવું પડે છે.

એક તો ચા-કોફીની મઝા માણવામાં થતો વિલંબ અને તેમાં માથે આવી પડેલી મલાઇ દૂર કરવાની જવાબદારી- એવા બેવડા ત્રાસને કારણે જાતજાતના વિચાર આવે છે. સૌથી પહેલાં ખીજ ચડે કે આ મલાઇ થાય છે જ કેમ? બી વગરનાં ફળ હોઇ શકે, તો મલાઇ વગરનાં ચા-કોફી કેમ નહીં? ક્લોનિંગ કરીને ઘેટાંબકરાં ‘ઉગાડવાને’ બદલે, મલાઇ ન જામે એવું દૂધ આપતી ભેંસ બનાવવામાં સંશોધકો કેમ ઘ્યાન નહીં આપતા હોય? હેર રીમુવરથી માંડીને નેઇલ પોલિશ રીમુવર સુધીના મોજશોખ પાછળ અઢળક મહેનત અને નાણાં ખર્ચાય છે, પણ કોઇને ચા-કોફીના કપમાંથી મલાઇ દૂર કરી શકે એવું ‘મલાઇ રીમુવર’ બનાવવાનું કેમ સૂઝતું નથી?

આવી વિચારશૃંખલા દરમિયાન ચાના કપમાં મલાઇનું પડ વઘુ ઘટ્ટ બને છે.‘ઝડપથી કંઇક કરવામાં નહીં આવે, તો કપમાં રહેલી બધી ચાની મલાઇ થઇ જશે’ એવી આશંકા જાગે છે. એટલે ‘આપણા દેશમાં રીસર્ચનો માહોલ જ ક્યાં છે?’ એવો હળવો નિઃસાસો નાખીને, કપમાંથી મલાઇ દૂર કરવા માટે પ્રવૃત્ત થવું પડે છે. મલાઇપ્રેમીઓને સૌથી પહેલો અને તુચ્છકારમિશ્રિત સવાલ થાય છે ઃ ‘મલાઇ કાઢવાની જરૂર જ શી છે? માનવશરીરમાં જે સ્થાન આત્માનું છે, તે દૂધમાં મલાઇનું કહેવાય. કોઇને પણ- ભલે એ પીણું કેમ ન હોય- આત્માવિહીન કરવાનું પાપ શા માટે વહોરવું જોઇએ?’ પરંતુ મલાઇવિરોધીઓને આઘ્યાત્મિક ચર્ચામાં ખાસ રસ હોતો નથી. કોઇ અઘ્યાત્મરંગી વળી એવું પણ કહી શકે છે કે ‘શાસ્ત્રોમાં તોર(મલાઇ)ને ત્યાજ્ય ગણવામાં આવે છે. તોરવાળું પીણું પીને તોરીલા બની જવાય તો?’

અઘ્યાત્મને બદલે કાયદો-વ્યવસ્થાની રીતે જોતાં સવાલ એ ઊભો થાય છે કે ચા-કોફી ભરેલા પ્યાલામાં ગેરકાયદે દબાણ કરીને - અડિંગો જમાવીને બેસી ગયેલી મલાઇને કપમાંથી હટાવવી શી રીતે?
 કાગળ પર એ કહી દેવું બહુ સહેલું છે કે ‘મલાઇ કાઢવામાં શી ધાડ મારવાની? એક ચમચી મંગાવો અને તેને સીધી કે ઊંધી પકડીને સામેના છેડાથી મલાઇના પડને કપમાંથી એકઝાટકે બહાર ફગાવી દો.’ અથવા ‘એમાં શી મોટી વાત છે? મલાઇ જામી ગઇ હોય એવાં ચા-કોફીને ફરી ગાળી નાખો. વાત પૂરી.’

હા, આ બન્ને વિકલ્પો જરાય અઘરા નથી, પણ મુશ્કેલી એ છે કે મલાઇદ્વેષ કોમી દ્વેષ જેટલી સાહજિક સ્વીકૃતિ પામ્યો નથી. ઉઘાડેછોગ મલાઇ વિરુદ્ધ બોલી શકાતું નથી અને આ દેશમાંથી- એટલે કે આ કપમાંથી- મલાઇને તગેડી મૂકવી જોઇએ, એવી ભાવના સાથે સાંસ્કૃતિક કે રાજકીય સંગઠનો સ્થાપી શકાતાં નથી. એટલે મલાઇ કાઢવાનું કામ મોટે ભાગે છાનગપતિયાંની રાહે અથવા ‘અન્ડરગ્રાઉન્ડ’ ધોરણે, કોઇની નજર ન પડે એમ અથવા નજરો ચુકાવીને કરવાનું થાય છે.

કપમાં જામેલી મલાઇ જોઇને ત્રાસ અનુભવતો માણસ મનોમન વિચારે છે, ‘હું છડેચોક, સરેઆમ કપમાંથી મલાઇ કાઢવાની વાત કરીશ તો કેવું અસભ્ય લાગશે? કદાચ ઠપકો પણ મળે કે ભલા માણસ, શું નાનાં છોકરાં જેવું કરો છો?’ એટલે પહેલા પ્રયાસમાં તે આંખના ખૂણેથી આજુબાજુ જોયા પછી, કપમાં હળવી ફૂંક મારે છે. જોનારને એવું લાગે કે જાણે ગરમ ચા-કોફી ઠંડી કરવાની કોશિશ ચાલે છે, પણ હકીકતમાં મલાઇની ચાદરને એક ખૂણે હડસેલવાનું ઓપરેશન ચાલતું હોય.

મોટા ભાગનાં ઓપરેશનની જેમ આ ઓપરેશનનું પરિણામ પણ આવડત અને સંયોગોની જુગલબંદીને આધીન હોય છે. ફૂંક એટલી હળવી ન હોવી જોઇએ કે મલાઇની ચાદર સહેજ સળવળીને પાછી ગોઠવાઇ જાય. તે એટલી જોરદાર પણ ન હોવી જોઇએ કે મલાઇની ચાદરના તાણાવાણા છૂટા પડી જાય. ક્યારેક એક જ ફૂંકના ધક્કે આખી મલાઇની ચાદર એવી સરસ રીતે સંકેલાઇને, ડાહીડમરી થઇને કપની ગોળાઇના એક ખૂણે ચોંટી જાય છે કે પછી આરામથી ચા-કોફીનો આનંદ લઇ શકાય. પરંતુ આવું ભાગ્યે જ બને છે. મોટે ભાગે, એક-બે ફૂંકથી મલાઇ થોડી સળવળે છે અને પાછી યથાસ્થાને સ્થિર થઇ જાય છે. આ સ્થિતિમાં માણસ સહેજ ઉશ્કેરાય અને જોરથી ફૂંક મારી બેસે તો, મલાઇની આખી ચાદર કપ પર એવી વ્યૂહાત્મક જગ્યાએ આવીને ચોંટી જાય છે કે પછી તેને ટાળવા માટે કપની પકડ બદલીને ચા પીવી પડે. જોનારને તેમાં સ્ટાઇલ લાગે, પણ સમજદારો સમજી જાય છે કે નક્કી કપમાં મલાઇનું તોફાન (સ્ટોર્મ ઇન ટી કપ) જાગ્યું હોવું જોઇએ.

જોરથી ફૂંક મારવાની બીજી સંભવિત અસર તરીકે મલાઇની ચાદરનું અનેક નાના ઘટકોમાં વિભાજન થઇ જાય છે. ત્યાર પછી તેને એક લાકડીએ- કે ચમચીએ- હાંકી શકાતી નથી. કચવાતા મને, ધૂંટડાની વચ્ચે વચ્ચે આવતા મલાઇના નાના ઘટકો ગળતા રહેવું પડે છે અને એ વખતે ચહેરા પર સૌમ્ય ભાવ જાળવી રાખવાની કોશિશ કરવી પડે છે. કડવા ધૂંટડા કરતાં પણ મલાઇવાળા ધૂંટડા ગળવાનું વધારે અઘરું છે એ ત્યારે સમજાય છે. આ શક્યતાઓથી વાકેફ મલાઇદ્વેષીઓ ચા-કોફી ભરેલા કપમાં ફૂંક મારતી વખતે એટલી એકાગ્રતા ધારણ કરે છે કે તે યોગ કરતા હોય એવું લાગે. બન્ને હોઠ સંકોચીને, તેના ગોળ પોલાણમાંથી ચોક્કસ માપની, ચોક્કસ બળવાળી ફૂંક મારતા લોકોને જોઇને લાગે કે આટલી અને આવી ફૂંકો તેમણે કપને બદલે વાંસળીમાં મારી હોત તો એ ‘પંડિત’ બની ગયા હોત.

બધા પ્રયાસ પછી પણ કપમાંથી મલાઇ જતી નથી અને ચમચી મંગાવવા જેટલી નૈતિક હિંમત ચાલતી નથી ત્યારે ‘ઘટ સાથે રે ઘડિયાં’ એવું આશ્વાસન લઇને, મલાઇ આવે ત્યારે નાક બંધ કરીને, ઇષ્ટદેવનું સ્મરણ કરીને તેને ઉતારી જવા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી. આવા દરેક પ્રસંગે માણસ ગાંઠ વાળે છે કે ‘આવતી વખતે તો હું શરમ છોડીને ચમચી મંગાવી લઇશ’ પરંતુ ‘આવતી વખત’ કદી આવે છે ખરી? 

Tuesday, January 07, 2014

આમઆદમીનું રાજકારણ : આનંદ પછીનું મંથન

દિલ્હીમાં કેજરીવાલના મુખ્ય મંત્રીપદે આમઆદમી પક્ષની સરકાર બની અને વિશ્વાસનો મત મેળવીને ટકી પણ ખરી. એટલા પૂરતું, જવાબદારીથી ભાગવાનું મહેણું ટળ્યું. લાલ બત્તી, ઝેડ સુરક્ષા વગેરેની મનાઇ કરીને કેજરીવાલે આમઆદમી રાજકારણના રસ્તે સફરનો આરંભ કરી દીધો છે.

‘જેનો વિરોધ કર્યો હતો એ કોંગ્રેસનો ટેકો લીધો’ એવી ભાજપી  દલીલ કેટલી પોકળ છે, એ સામાન્ય નાગરિકોને સમજાવું જોઇએ. ટેકો મેળવવા માટે આઘાપાછા થતા પક્ષ બહુ જોયા, પણ એવું ક્યારે જોયું હતું કે ટેકો આપવા માટે (કોંગ્રેસ જેવો) પક્ષ ગરજ બતાવે? બિનકોંગ્રેસી-બિનભાજપી લોકો આખી સ્થિતિને આ રીતે પણ જોઇ શકે : જે આમઆદમી પક્ષે દિલ્હીમાં કોંગ્રેસના પંદર વર્ષના શાસન પર અણધાર્યું સ્ટીમ રોલર ફેરવી દીઘું, તેનાં ત્રણ મુદતનાં મુખ્ય મંત્રીને ચૂંટણીમાં હરાવીને ધારાસભ્ય પણ ન થવા દીધાં, એવા પક્ષને ટેકો આપવાની કોંગ્રેસને (જખ મારીને) ફરજ પડી છે. આમઆદમી પક્ષે કોંગ્રેસ સાથે ‘હાથ મિલાવ્યા છે’ એવો પ્રચાર વાસ્તવમાં બન્ને પક્ષો માટે પડ્યા પછી ટંગડી ઊંચી રાખવાની કવાયત છે. રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી સામે આંખે પાટા બાંધીને જોનારા ઘણા કેજરીવાલ માટે  એક્સ-રે દૃષ્ટિ વાપરે છે. કેજરીવાલની ભક્તિ કરવાની ન જ હોય, પણ તેમની સરકારને થોડો સમય આપવા જેટલી ધીરજ ન રાખી શકાય? તેમને ‘ઉઘાડા પાડવાની’ ઝનૂની ઉતાવળ પાછળ નાગરિક નિસબત દેખાતી નથી.

કેટલાક વઘુ ચબરાક લોકો ‘સાહેબ’ના રાજકારણ વિશે ટીકાનો હરફ સુદ્ધાં ઉચ્ચાર્યા વિના, આમઆદમી પક્ષની બિરદાવલીઓ ગાય છે. આ મુખ્યત્વે એક ગુજરાતી લલિત કળા (ફાઇન આર્ટ) છે : આમઆદમી પક્ષના સ્વચ્છ-લોકલક્ષી રાજકારણનો જયજયકાર કરવાનો, પણ ‘સાહેબ’ના તેનાથી સાવ સામા છેડાના રાજકારણનો વિરોધ કર્યા વિના. (જેમ ગાંધીનગરના ભ્રષ્ટાચાર ભણી આંખ આડા કાન કરીને, અન્ના હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનનાં ગુણગાન ગવાતાં હતાં.) આવા ‘કળાકારો’નાં બેવડાં ધોરણની વઘુ કસોટી ચૂંટણી નજીક આવે અને આમઆદમી પક્ષ ભાજપ માટે સ્થાનિક સ્તરે પડકાર બની રહે ત્યારે થશે. દિલ્હીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારની યોગ્ય રીતે કડક ટીકા કરનારને ગુજરાતમાં ભાજપનો અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર દેખાતો હોય, તો જ ‘આપ’ની તેમણે કરેલી પ્રશંસા તકવાદી-તકલાદીને બદલે ઠોસ ગણી શકાય.
વચનની કિંમત કેટલી?

રાષ્ટ્રિય સ્તરના ભાજપી નેતાઓ આમઆદમી પક્ષની સરકારને ‘સપનાંના સોદાગરની સરકાર’ તરીકે ઓળખાવે છે- કેમ જાણે, તેમનો પક્ષ વાસ્તવદર્શીઓથી છલકાતો હોય. ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ પક્ષો ચૂંટણીટાણે છૂટા હાથની વાયદાબાજી માટે બદનામ છે. તેમની મથરાવટી એટલી હદે સરાજાહેર મેલી છે કે તેમના ચૂંટણીઢંઢેરાનો શિયાળામાં તાપણું કરવા સિવાય ભાગ્યે જ બીજો કશો ઉપયોગ હોય છે.

ચૂંટણીલક્ષી વચનો ગંભીરતાથી લેવાની ચીજ હોઇ શકે છે, એવું વર્ષો પછી આમઆદમી પક્ષના પ્રતાપે લોકોને લાગ્યું છે. દિલ્હીમાં આમઆદમી પક્ષે મતવિસ્તાર પ્રમાણે તેની સમસ્યાઓને અનુરૂપ ઢંઢેરો તૈયાર કરવાનો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસનો ટેકો લેતાં પહેલાં તેની સામે મુકાયેલા ૧૮ મુદ્દાના કાર્યક્રમમાં પક્ષનાં કેટલાંક મૂળભૂત સર્વસામાન્ય વચનનો સમાવેશ થાય છે. આમઆદમી પક્ષે આપેલાં વચનોની ઇચ્છનીયતા, વ્યવહારુતા અને અમલ થવાની સંભાવના વિશે મતભેદ હોઇ શકે. તેમાંનાં કેટલાંક વચનો ચૂંટણીલક્ષી પોપ્યુલિસ્ટ (લોકરંજની) રાજકારણની યાદ અપાવી શકે. પરંતુ બાકી બધી ચર્ચા પછી. પહેલો મુદ્દો અમલીકરણ માટેની દાનતનો છે.

બીજી રીતે કહીએ તો, વચનો વિશેની તાત્ત્વિક ચર્ચા બીજા નંબરે આવે. પહેલા નંબરનો મુદ્દો વચન આપનારની વિશ્વસનીયતાનો, એ બોલેલું પાળે છે કે નહીં તેનો છે. ભાજપી-કોંગ્રેસી નેતાઓ ‘આજે મંગળવાર છે’ એવું કહે તો પણ કેલેન્ડરમાં જોયા વિના માની ન લેવાય- અને ‘હમણાં તે આ વાતને પોતાના ફાયદામાં વિકૃતપણે વાળી દેશે’ એવી શંકા રહે. આ સ્થિતિમાં બોલેલું પાળવાની દાનત ધરાવતો અને એ માટે પ્રયાસ કરતો કોઇ પક્ષ સત્તા પર હોય, તો પછી તેના ચોક્કસ પગલાનાં ફાયદા-નુકસાન વિશે ચર્ચા થઇ શકે, જરૂર પડ્યે બાકીના મુદ્દે સહયોગ ચાલુ રાખીને ચોક્કસ બાબતે અસંમત થઇ શકાય. પરંતુ એ દરેક તબક્કે એટલી ખાતરી તો હોય કે આ પક્ષને જબાનની કિંમત છે અને જે બોલે છે, એમાંનું ઘણુંબઘું કરવાનો પ્રયાસ તે ખરેખર કરશે. જો આટલી હવા બંધાય - જે અત્યારે તો બંધાતી લાગે છે- તો કોંગ્રેસ-ભાજપ બન્નેને ઠીક ઠીક તકલીફ પડે. ભ્રષ્ટાચારના આરોપી યેદ્દીયુરપ્પાને હરખથી પક્ષમાં પાછા સામેલ કરવા અને આદર્શ કૌભાંડનો તપાસ અહેવાલ ફગાવ્યા પછી સગવડે સ્વીકારવો- આવાં લક્ષણ પરથી હજુ સુધી તો ભાજપ-કોંગ્રેસે કશો ધડો લીધો હોય એમ લાગતું નથી.

ઉત્સાહ અને ઉચાટ 

અહીં એવો સવાલ થાય કે આમઆદમી પક્ષ વચનો પાળવામાં ગંભીર હોય, છતાં તેનાં વચનો જ લાંબા ગાળે દેશના અર્થતંત્રને નુકસાન કરનારાં હોય- ચિંતાજનક આડઅસરો ધરાવતાં હોય તો શું કરવું?
 સંભાવના તરીકે આવું ધારીએ તો પણ, એટલું તો નક્કી છે કે આમઆદમી પક્ષ કોંગ્રેસના હાઇકમાન્ડ (ગાંધીપરિવાર) કે ભાજપના બિનસત્તાવાર હાઇકમાન્ડ (મોદીની મરજી)ની માફક આપખુદ ન થઇ શકે. આ બન્ને પક્ષો અને બાકીના મોટા ભાગના રાજકીય પક્ષો વ્યક્તિકેન્દ્રી બની ગયા છે. એમ તો, આમઆદમી પક્ષ કેજરીવાલ-કેન્દ્રી હોવાનો આરોપ કરી શકાય. પરંતુ પાયાનો તફાવત એ છે કે આમઆદમી પક્ષની અત્યાર સુધીની નીતિ વિકેન્દ્રીકરણની અને સીધી લોકસામેલગીરીની રહી છે. બીજા પક્ષોના મોટા ભાગના નેતાઓનો મતદારો સાથે સીધો સંપર્ક રહ્યો નથી (વિરાટ જાહેર સભાઓ લોકસંપર્ક ન ગણાય), જ્યારે આમઆદમી પક્ષ, ભલે ક્યારેક આત્યંતિક લાગે એ રીતે પણ, મહોલ્લાસભાઓથી માંડીને સોશ્યલ નેટવર્કિંગનો ભરપૂર ઉપયોગ કરે છે- અને એ વિકસી રહેલું મોડેલ છે, જેને સ્થાનિક જરૂરિયાતો પ્રમાણે ઘાટધૂટ આપવામાં જાગ્રત નાગરિકો મદદરૂપ થઇ શકે છે.

આમઆદમી પક્ષની સફળતા થકી થઇ રહેલી સામાન્ય મતદારની પુનઃપ્રતિષ્ઠા લોકશાહીના કોઇ પણ પ્રેમીને હરખ અને ચિંતા ઉપજાવનારી છે. હરખ એ વાતનો કે યોગ્ય દિશામાં આ એક નાની પણ નક્કર શરૂઆત છે અને ઉચાટ એ વાતનો કે તેમાં ડગલે ને પગલે લપસી પડવાનું જોખમ છે. એવું થાય તો સ્થાપિત રાજકીય પક્ષો બમણા ઝનૂનથી ચડી બેસે અને લોકલક્ષી રાજકારણનું બાળમરણ થઇ જાય.

આમઆદમી પક્ષનો વાવટો ફરફરે છે ત્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષો પણ લોકલક્ષી રાજકારણના ખેલાડી તરીકે દેખાવા પ્રયાસ કરી શકે. પરંતુ નાગરિકોએ યાદ રાખવા જેવું છે કે આ પક્ષો લોકલક્ષી રાજકારણના મોટા વિરોધી છે. તેમનો પૂરો પ્રયાસ આમઆદમી પક્ષની સફળતાને કેવળ અપવાદરૂપ પ્રયોગ તરીકે ખપાવવાનો અને વહેલી તકે તેને નિષ્ફળ બનાવવાનો રહેશે. આવું કરવા માટે એ સિદ્ધાંતચર્ચાથી માંડીને જૂઠા આરોપ સુધીની અનેક તરકીબો પ્રયોજશે. એ રીતે ફક્ત આમઆદમી પક્ષ માટે જ નહીં, લોકલક્ષી રાજકારણ ઇચ્છતા સૌ કોઇ માટે આ કસોટીનો સમય છે.

અત્યાર લગી સમયનું બળ આમઆદમીના પક્ષે રહ્યું છે. ધારો કે લોકસભાની ચૂંટણી દિલ્હીની ચૂંટણીઓ પછી બે-ત્રણ વર્ષે આવતી હોત તો? શક્ય છે કે ભાજપને નૈતિકતાનો એટેક ન આવ્યો હોત અને આમઆદમી પક્ષની સરકાર પણ ન બની હોત. પરંતુ અત્યારની સ્થિતિમાં લોકસભાની ચૂંટણી સુધીનો સમયગાળો આમઆદમી પક્ષ માટે ટ્‌વેન્ટી ટ્‌વેન્ટીના ‘પાવરપ્લે’ જેવો છે. તેમાં વઘુમાં વઘુ અનુકૂળતા, વઘુમાં વઘુ તકો અને એટલું જ મોટું જોખમ પણ છે. આ સમય દરમિયાન  આમઆદમી પક્ષે લોકલક્ષી અને લોકરંજક વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે આંકવાનો છે, કુમાર વિશ્વાસ જેવા ‘ઉત્સાહી’ સાથીદારો કશો અણછાજતો બફાટ કરી ન બેસે એ જોવાનું છે, દિલ્હીમાં પોતાની વહીવટી ક્ષમતા શક્ય હોય એટલી બતાવવાની છે અને લોકસભાની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાની છે.

આમઆદમી પક્ષ સામેનો એક મોટો પડકાર પક્ષમાં જોડાવા માટે થઇ રહેલા અને પછી ઉમેદવારી માટે થનારા ધસારાને નાણવાનો અને ખાળવાનો છે. કનુભાઇ કળસરિયા જેવા અપવાદોને બાદ કરતાં, આમઆદમીના લોકલક્ષી રાજકારણ સાથે કે તેનાં લોકશાહી મૂલ્યો સાથે કશી લેવાદેવા ન હોય એવા અનેક નાના-મોટા લોકો, પક્ષની સફળતાથી મોહાઇને પોતાની જાતને ‘આમઆદમી પક્ષને લાયક’ ગણતા-ગણાવતા થઇ ગયા છે. કોંગ્રેસ-ભાજપમાં અસંતુષ્ટ તરીકે બાકીનું જીવન વીતાવવાને બદલે ‘આપ’માં જોડાઇને ચૂંટણી લડવા ઇચ્છતા લોકોએ અત્યારથી પક્ષની ઓફિસે ભીડ જમાવવાનું શરૂ કરી દીઘું હશે. રાજકીય પક્ષ લઇને બેઠા પછી, કોઇને આવતા ટાળી ન શકાય અને પ્રતિનિધિઓ પસંદ કરવામાં ગફલત થાય તો પક્ષનું ફીંડલું વળી જાય- આ દ્વિધાભરી સ્થિતિ આમઆદમી પક્ષ સામેનો મોટો પડકાર બની રહેશે. તેમાં છાપેલાં કાટલાં જેવાં નામોને બદલે કોરી પાટી ધરાવતા, બિનઅનુભવી અને કંઇક કરવાની સાચી ધગશ ધરાવતા જુવાનો ઉમેદવાર તરીકે પસંદગી પામે અને બાકીના લોકોનો ચૂંટણીના મેનેજમેન્ટમાં લાભ લેવાય, તે ઇચ્છનીય જણાય છે.

ભારતની લોકશાહીમાં આવી તકો ઓછી આવી છે અને જે આવી તે પણ જૂના રાજકારણને વધારે દૃઢ બનાવે એ રીતે વેડફાતી રહી છે. આ વખતે એવું ન બને એ જોવાની આમઆદમી પક્ષના - અને લોકલક્ષી રાજકારણ ઝંખતા સૌના -માથે મોટી જવાબદારી છે. 

Monday, January 06, 2014

ડિજિટલ કરન્સી ઉર્ફે સરકારી દખલગીરી વગરની ટંકશાળ : સુવિધા, સંપત્તિ કે સટ્ટો?

‘બિટકોઇન’/Bitcoin તરીકે ઓળખાતું ઇ-ચલણ છેલ્લા થોડા વખતથી ચર્ચામાં અને વિવાદમાં છે. એક બિટકોઇનનો એક્સચેન્જ રેટ એક હજાર ડોલરની સપાટી પાર કરી ચૂક્યો હોય ત્યારે આ ચલણની નક્કરતા, કાયદાની દૃષ્ટિએ તેની સ્થિતિ અને તેના જેવી ડિજિટલ કરન્સીનાં ફાયદા-નુકસાન સમજવાં જરૂરી બની જાય છે.


સરકાર, સરહદ, કાયદા - આ બઘું કૃત્રિમ છે અને દુનિયામાં કોઇ જાતની વાડાબંધી ન હોવી જોઇએ, એવો ખ્યાલ બહુ આકર્ષક છે.  વ્યવહારમાં પહેલી વાર ઘણી હદે તેનો અમલ ઇન્ટરનેટના આગમનથી થયો. ઇન્ટરનેટના કેટલાક ગુણધર્મ નોંધપાત્ર હતા : વાપરનારની ગુપ્તતા અને સામગ્રીનું ખુલ્લાપણું, એક જ નેટવર્કમાં દુનિયાના જુદા જુદા ખૂણે બેઠેલા લોકોની સામેલગીરી, માહિતીનું અસરકારક શૅરિંગ. તેની મર્યાદાઓમાં સૌથી મોટો પ્રશ્ન વિશ્વસનીયતાનો અને સૌથી મોટું જોખમ હેકિંગનું. આ જ લક્ષણો ડિજિટલ કરન્સીને પણ લાગુ પડે છે.

ડિજિટલ કરન્સી એટલે એવું ચલણ, જે બહારની-વાસ્તવિક દુનિયામાં ભૌતિક સ્વરૂપે અસ્તિત્ત્વ ધરાવતું નથી, તેને હાથમાં કે ખિસ્સામાં કે પાકિટમાં લઇને ફરી શકાતું નથી. આ ચલણની પાછળ સરકારનું બળ હોતું નથી. એટલે સરકારની કોઇ જવાબદારી પણ હોતી નથી. કોઇ કાયદા તેને લાગુ પડતા નથી. છતાં અંદરોઅંદરના વપરાશથી તે લોકપ્રિય બને અને લોકો તેની પર ભરોસો મૂકે તો તેની બોલબાલા થઇ શકે છે. મોટા ફાયદાની લાલચે, ટૂંકા ગાળાના રોકાણ તરીકે અથવા માત્ર નવીનતા માટે લોકો અસલી દુનિયામાં, અસલી નાણાં ખર્ચીને આ ચલણ ખરીદે છે. આ ચલણને માન્યતા આપી હોય એવાં સ્થળોએ (દા.ત.સ્ટોર, રેસ્ટોરાં) ડિજિટલ કરન્સીથી બિલ ચૂકવી શકાય છે.

એક્સચેન્જ રેટની દૃષ્ટિએ એક ડોલરથી વઘુ કિંમત ધરાવતી ૧૦થી પણ વઘુ ડિજિટલ કરન્સી અસ્તિત્ત્વ ધરાવે છે. તેમાં ‘બિટકોઇન’ સૌથી લોકપ્રિય અને સૌથી ચલણી છે. અમેરિકા ઉપરાંત બીજા દેશોમાં પણ બિટકોઇન સ્વીકારતાં સ્થળોની સંખ્યા વધી રહી છે. ઓનલાઇન એક્સચેન્જ પરથી (બીજી કરન્સીની જેમ) બિટકોઇનના પણ ડોલર-યુરો-યેનની સામે ભાવ નક્કી થાય છે. તેમાં ભારે ચઢાવઉતાર પણ આવે છે. નવેમ્બર, ૨૦૧૩માં એક બિટકોઇનની કિંમત ૧,૨૦૦ ડોલરને આંબી ગઇ હતી. આટલું ‘મજબૂત’ ચલણ તો કોઇ દેશનું ન હોય.

બિટકોઇનનું સર્જન સાતોશી નાકામોટો જેવું ઉપનામ ધરાવતા માણસે કે સમુહે કર્યું હતું. બિટકોઇન અસલમાં ઇન્ટરનેટની જેમ જ એક પ્રકારનો ‘પ્રોટોકોલ’- નીયત કરાયેલી વિધી- છે. તેને ચલાવવા માટે  વિવિધ સોફ્‌ટવેર ઉપયોગમાં લઇ શકાય અને તેમાં ફેરફાર પણ કરી શકાય. જાન્યુઆરી, ૨૦૦૯માં પહેલા ૫૦ બિટકોઇન અસ્તિત્ત્વમાં આવ્યા. તેના એકાદ વર્ષ પછી બિટકોઇનનો પથારો વિસ્તરવા લાગ્યો. તેનું આખા તંત્રનું માળખું આખું તંત્ર સહિયારા ધોરણે ચાલે છે. દુનિયાભરમાં પથરાયેલાં અને સામાન્ય કમ્પ્યુટર કરતાં ચડિયાતી-વિશિષ્ટ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતાં કમ્પ્યુટર બિટકોઇનનો મહાપેચીદો સોફ્‌ટવેર ચલાવે છે. આ આખી ગાણિતીક પ્રક્રિયા છે, જે સુપર કમ્પ્યુટરની ક્ષમતાને પણ આંટી મારે એવી હોય છે. (બિટકોઇન પેદા કરવા માટે મથતાં બધાં કમ્પ્યુટરના નેટવર્કમાં દરેક સેકંડે સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર  કરતાં આશરે દોઢસો ગણી વધારે ગાણિતીક પ્રક્રિયાઓ ચાલતી હોય છે.) ‘માઇનિંગ’ તરીકે ઓળખાતી આ પ્રક્રિયાના પરિણામે એ કમ્પ્યુટર મશીનના માલિક માટે બિટકોઇન પેદા થાય છે.

ચલણની મજબૂતીનો એક આધાર તેની ખેંચ કે માગ પર હોય છે. કોઇ પણ દેશની સરકારને ચલણી નોટો છાપતી વખતે લોભ પર થોભ રાખવો પડે. નાણાંબજારમાં ચલણી નોટો અઢળક ઠલવાય તો તેમનું મૂલ્ય ઘટે. એ નિયમ બિટકોઇનને પણ લાગુ પડે છે. બિટકોઇનનો પુરવઠો વધી ન જાય તેનું ઘ્યાન પણ બિટકોઇનના પ્રોટોકોલમાં રખાયું  છે. શરૂઆતના તબક્કે બિટકોઇન ઓછી મહેનતે અને વઘુ સંખ્યામાં ‘નીપજતા’ હતા. એ વખતે તેનો ભાવ દસ-બાર ડોલરની આસપાસ હતો. હવે બિટકોઇન પેદા કરવાનું વધારે અઘરું બન્યું છે. તેના કારણે ઇન્ટરનેટ પર બિટકોઇનનો પુરવઠો વધી જતો નથી અને તેના ઊંચા ભાવ ભારે વધઘટ સાથે પણ એકંદરે જળવાઇ રહે છે. નક્કી થયેલા લક્ષ્ય પ્રમાણે, ઇ.સ.૨૧૪૦ સુધીમાં ૨.૧ કરોડ બિટકોઇન ‘છાપવામાં’ આવશે. આ રીતે પેદા થયેલા કે અસલી નાણાં ચૂકવીને ખરીદાયેલા બિટકોઇન કમ્પ્યુટર કે મોબાઇલ ફોનના ‘વૉલેટ’માં રાખવામાં આવે છે. ‘વૉલેટ’ એક પ્રકારની એપ્લિકેશન (એપ) જેવી સુવિધા છે.

બિટકોઇન કે ડિજિટલ કરન્સી એ  ઓનલાઇન કે વાસ્તવિક દુનિયામાં મોબાઇલ ફોનની મદદથી નાણાં ચૂકવવાની સુવિધા છે. ખરીદેલી વસ્તુની કિંમત ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી ચૂકવી શકાય અને બિટકોઇનની મદદથી પણ. કાર્ડથી ચૂકવણી માટે બેન્કના ખાતામાં નાણાં હોવાં જોઇએ અને બિટકોઇનના માઘ્યમથી ચૂકવણી માટે ‘વૉલેટ’માં બિટકોઇન હોવા જોઇએ. આમ, બિટકોઇન જેવી ડિજિટલ કરન્સી નાણાંની અને તેને ચૂકવવાના માઘ્યમની, એમ બેવડી ભૂમિકા અદા કરે છે.

‘બિટકોઇન’નો વધારોનો ‘ગુણ’ એ છે કે તેના થકી ભારે ઉથલપાથલ થતી હોય એવો સટ્ટો પણ રમી શકાય છે. વધારાના રૂપિયા ધરાવતો કોઇ માણસ એક લાખ રૂપિયાની કિંમતના ડોલર ખરીદી રાખે અને એટલી જ કિંમતના બિટકોઇન ખરીદે, તો રૂપિયા સામે ડોલરના ભાવમાં થતો વધારો બહુ મોટો ફાયદો કરાવે એવો નથી હોતો. પરંતુ ‘બિટકોઇન’ સામે ડોલરના ભાવમાં દિવસોમાં બસો-પાંચસો ડોલરની વધઘટ થઇ શકે છે. માત્ર ઉદાહરણ તરીકે ધારીએ કે, એક બિટકોઇનનો એક્સચેન્જ રેટ ૭૦૦ ડોલર હોય ત્યારે કોઇ માણસ બે બિટકોઇન ખરીદે અને એક મહિનામાં બિટકોઇનની કિંમત વધીને એક હજાર ડોલર થઇ જાય, તો બિટકોઇનમાં રોકાણ કરનારને ફક્ત એક જ મહિનામાં ૬૦૦ ડોલરની ચોખ્ખી કમાણી થાય. એટલે જ, બિટકોઇનમાં શરૂઆતના તબક્કામાં કરેલા રોકાણને કેટલાકે સોનામાં કરેલા રોકાણ જેવું, બલ્કે તેનાથી પણ વઘુ વળતર આપનારું ગણાવ્યું હતું.

બિટકોઇન આખો ન ખરીદવો હોય તો એના નાનામાં નાના ભાગ કરી શકાય છે. (શોધકના નામ પરથી બિટકોઇનના નાના ભાગ ‘સાતોશી’ તરીકે ઓળખાય છે.)  આ વ્યવસ્થાને કારણે કોઇ ઇચ્છે તો એક ડોલર કે દસ ડોલર જેવી રકમનો બિટકોઇન પણ ખરીદી શકે.  રોકડ નાણાં ચૂકવીને બિટકોઇન ખરીદવા માટે સોએક એટીએમ મશીન પણ જુદા જુદા દેશોમાં મુકાયાં હોવાના અહેવાલ છે. તેમાં ચલણી નોટો સેરવવાથી એટલી રકમના બિટકોઇન વ્યક્તિના ખાતામાં જમા થઇ જાય છે. બિટકોઇન મોકલવા કે મેળવવા માટે (ઇ-મેઇલ એડ્રેસ જેવું) બિટકોઇન એડ્રેસ હોય છે. બિટકોઇનની લેવડદેવડ જાહેર હોય છે અને કયો બિટકોઇન કયા ખાતામાંથી ઉધર્યો અને કયા ખાતામાં જમા થયો, તે જાહેર હોય છે. એટલે કે, તેની પર દેખરેખ રાખવાની જવાબદારી કોઇ એક વ્યક્તિ કે સંસ્થા પૂરતી મર્યાદિત નથી રહેતી. એ અર્થમાં તે પારદર્શક છે. પરંતુ ઇન્ટરનેટના ઇ-મેઇલની જેમ, બિટકોઇનનાં ખાતાં કોઇ પણ નામે ખોલાવી શકાય છે. એટલે બિટકોઇન ખરીદનાર કે તેના થકી નાણાં મેળવનારની ઓળખ ગુપ્ત રહી શકે છે. આ ગુપ્તતાનો દુરુપયોગ ડ્રગ્સ કે ત્રાસવાદ જેવા ગોરખધંધામાં હવાલાથી ચૂકવણું કરવા માટે થઇ શકે છે. માટે, સરકારો બિટકોઇનને ત્રાંસી આંખે જુએ છે. ભૌગોલિક સરહદો અવગણીને જેટલી સહેલાઇથી ઇ-મેઇલ મોકલી શકાય એટલી જ સરળતાથી બિટકોઇન મોકલી શકાય છે અને આંતરરાષ્ટ્રિય સ્તરે નાણાંની લેવડદેવડમાં પણ ટેક્સની કે સરકારી તંત્રની ઝંઝટ રહેતી નથી. એ બિટકોઇનનું સૌથી મોટું આકર્ષણ છે અને એ સૌથી મોટી મર્યાદા પણ છે.

બિટકોઇનના માલિકો પાસે ચોક્કસ પ્રકારનો કોડ હોય છે, જે પણ બિટકોઇનની સાથે ‘વૉલેટ’માં રાખવામાં આવે છે. બુલેટપ્રૂફ બખ્તરની ઉપર કાપડનું ખિસ્સું હોય એવો ઘાટ ‘વૉલેટ’નો હોય છે. તેને કોઇ ઉસ્તાદ હેકર ‘કાતરી’ શકે છે. કોડ વગરનો બિટકોઇન નકામો હોય છે. તેની લેવડદેવડ થઇ શકતી નથી. એટલે કેટલાક માલિકો બિટકોઇન ‘વૉલેટ’માં અને તેનો કોડ ઇન્ટરનેટ કનેક્શન ન હોય એવા કમ્પ્યુટરમાં કે પછી કાગળની સાદી ચબરખીમાં લખી રાખે છે, જેથી ‘ખિસ્સું કપાવાની’ બીક ન રહે.

‘વૉલેટ’ બિટકોઇનના કડક સલામતી ધરાવતા પ્રોટોકોલનો હિસ્સો નથી. તેનું હેકિંગ થઇ શકે છે. એ રીતે બિટકોઇનની ચોરી થાય તો પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી શકાતી નથી. કારણ કે સરકાર આ ચલણને માન્ય ગણતી નથી. આંતરરાષ્ટ્રિય સ્તરે લેવડદેવડની સરળતા, એ કરનારની ગુપ્તતા, સરકારી તંત્રની સદંતર બાદબાકી- આ બધાં પરિબળોને કારણે બિટકોઇન સિવાયની ડિજિટલ કરન્સીનું બજાર પણ ફૂલીફાલી રહ્યું છે. ભારતમાં ‘લક્ષ્મીકોઇન’ તરીકે ઓળખાતી ડિજિટલ કરન્સીની વાતો થઇ રહી છે. પરંતુ શાણા લોકો હજુ આ મુદ્દે સાવધાની રાખવાની સલાહ આપે છે. સરકારી ખાતરી ન હોય એવા અને જેની પર સરકારની ગમે ત્યારે લાલ આંખ થઇ શકે એવા ચલણમાં રોકાણ કરવું બિલકુલ સલામત નથી, એવો તેમનો મુદ્દો છે. તેને સરકાર તરફથી સલામતી મળશે તો સરકારી ધારાધોરણો-શરતોને કારણે તેની ખાસિયત જેવી સરળતા સમાપ્ત થઇ જાય એવુ બની શકે. ત્યાર પછી તે કેવળ નાણાં ચૂકવવાનું વઘુ એક માઘ્યમ બની જાય. ચલણ તરીકે તેનો ભાવ સ્થિર થઇ ગયો હોય અને તેની પર ચાલતા સટ્ટાનો- તથા નફા માટે તેમાં કરાતા રોકાણનો- અંત આવે.

ટૂંકમાં, ડિજિટલ કરન્સીની ખરી જાહોજલાલી - અને તેમાં રહેલું ખરું જોખમ પણ- સરકારી દખલગીરી ન થાય ત્યાં સુધી જ છે. સરકાર જાગશે ત્યારે તે ડિજિટલ કરન્સી દ્વારા થતી લેવડદેવડને ગેરકાયદે ઠરાવી દેશે અથવા ચૂકવણીનાં બીજાં માઘ્યમોને લાગુ પડનારા બધા નીતિનિયમ-કાયદા તેને લાગુ પાડીને તેને બીજા કોઇ પણ માઘ્યમ જેવું એક ઓનલાઇન માઘ્યમ બનાવી મૂકશે. એવું ન થાય ત્યાં સુધી જેમની પાસે સાવ વધારાનાં નાણાં હોય તે ‘હાઇ રિસ્ક, હાઇ રીટર્ન’ના ધોરણે પોતાના હિસાબે અને જોખમે ડિજિટલ કરન્સીમાં રોકાણ કરી શકે છે.