Showing posts with label moraribapu/મોરારિબાપુ. Show all posts
Showing posts with label moraribapu/મોરારિબાપુ. Show all posts
Wednesday, February 23, 2011
કોઇનું પ્રવચન, કોઇના માથે
આર.કે.લક્ષ્મણના એક કાર્ટૂનમાં નેતાશ્રી પોતાનું પ્રવચન ત્રણ વાર વાંચી જાય છે. કારણ? સેક્રેટરીએ સરકારી રીત પ્રમાણે તેમને પ્રવચનની ત્રણ નકલ (ટ્રિપ્લિકેટ) આપી હતી.
ભારતભૂમિ એવી પ્રતાપી છે કે ત્યાં જૂના જમાનામાં ઋષિમુનિઓ સ્વરૂપે અને નવા જમાનામાં કાર્ટૂનિસ્ટ સ્વરૂપે આર્ષદૃષ્ટાઓ પ્રાપ્ત થતા રહે છે. થોડા દિવસ પહેલાં ભારતના વિદેશી બાબતોના મંત્રી એસ.એમ.કૃષ્ણાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં પોતાના ભાષણને બદલે પોર્ટુગલના એક પ્રધાનનું પ્રવચન વાંચવાનું શરૂ કરી દીઘું. પાછળથી એવો ખુલાસો કરવામાં આવ્યો કે ‘બધાં પ્રવચનોની શરૂઆત એકસરખી ઔપચારિક (અર્થહીન) હોય છે કે આવી ચૂક થઇ જાય એમાં નવાઇ પામવા જેવું નથી.’ સાર એટલો કે પાંચમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીથી થાય તે ભોપાળું અને મંત્રીથી થાય તે સરતચૂક.
‘કોઇનું મીંઢળ કોઇના હાથે’ એવો પ્રયોગ તો જાણીતો છે, પણ કોઇનું પ્રવચન કોઇના માથે મારવામાં આવે- અને એ વાગી પણ જાય તો?
***
રાહુલ ગાંધીઃ કોંગ્રેસની બેઠકમાં
આપણે ભલે બહુ મળવાનું ન થાય, પણ હું જાણું છું કે એક મહિલાને કારણે તમારી હાલત કેટલી ખરાબ છે. એ પોતાની જાતને સર્વેસર્વા સમજે છે અને લોકશાહી હોવા છતાં સરમુખત્યારશાહી ચલાવે છે. એ માને છે કે પોતે જ પક્ષ છે અને પોતે જ સરકાર છે. પોતાના ગણ્યાગાંઠ્યા સલાહકારો સિવાય બીજા કોઇનું એ સાંભળતાં નથી. આવું કેવી રીતે ચલાવી લેવાય?
મને ખબર છે કે તમે મારી પર બહુ મોટી આશા બાંધીને બેઠા છો. હું મારી રીતે એ મહિલાનો પ્રતિકાર કરવા કોશિશ કરી રહ્યો છું, પણ સત્તા આગળ શાણપણની જીત એમ ઝડપથી થોડી થઇ જાય? આટલાં વર્ષથી એક મહિલાનું એકહથ્થુ અને મનસ્વી રાજ ચાલતું હોય ત્યાં વૈકલ્પિક માળખું ઊભું કરવાનું કેટલું અઘરૂં છે, એ તમે સૌ સમજી શકો છો. પણ તમારે હિંમત હારવાની જરૂર નથી. કોઇનું રજવાડું અમર તપતું નથી. દરેકનો ક્યારેક અંત આવે છે. મારે તમને એટલું જ કહેવાનું કે તમે લોકો અંતની રાહ જોઇને બેસી રહ્યા વિના, તમારી જાતે એ દિશામાં સક્રિય બનો અને ફગાવી દો એ મહિલાની ગુલામીને....
...સોરી...પ્રવચન બદલાઇ ગયું લાગે છે...આ તો મારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસીઓ સમક્ષ કહેવાનું હતું અને હું માયાવતીની વાત કરતો હતો. ખબરદાર જો કોઇએ ગેરસમજણ કરી છે તો...
નીતિન ગડકરીઃ કર્ણાટકની જાહેરસભામાં
તમે સૌ જાણો છો કે અમારો પક્ષ ભય,ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડનારો છે. અમારાં ચાલ, ચરિત્ર અને ચહેરાથી તમે વાકેફ છો. આ સરકાર તમને લૂંટવા બેઠી છે. તેનાં કૌભાંડોનો પાર નથી. તેના પરિણામે દેશની તિજોરીને કરોડો-અબજો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. છતાં સરકાર બેશરમીથી સત્તાને ચીપકી રહી છે. હું પૂછું છું ઃ આ તે સરકાર છે કે ગરોળી?
મારી તમને લોકોને અપીલ છે કે આવી સરકારને તમારે, અમારે, આપણે સૌએ ભેગા થઇને રવાના કરવી જોઇએ. તેના બોરિયાબિસ્તરા ફગાવી દેવા જોઇએ. માનનીય વાજપેયીજીએ ભ્રષ્ટાચારની સામે લડવામા સક્રિય જીવન વીતાવી દીઘું અને માનનીય અડવાણીજીએ વડાપ્રધાનપદની રાહ જોવામાં...એટલે, સત્તાલાલસાની રીતે નહીં, પણ દિલ્હીની ગાદી પર પોતાના નેતૃત્વ હેઠળ સ્વચ્છ સરકાર આવે એવી અભિલાષા સાથે. આવા મહાનુભાવોના પક્ષપ્રમુખ તરીકે હું તમને સાફ શબ્દોમાં કહેવા માગું છું કે ભ્રષ્ટાચાર કરનાર જ નહીં, તેને પોષનાર- છાવરનાર પણ ભ્રષ્ટાચારી કહેવાય. કોઇ પણ સ્વરૂપનો ભ્રષ્ટાચાર ઇમમોરલ જ નહીં, ઇલલીગલ પણ છે....
...એક મિનિટ...આ ક્યાંથી આવી ગયું? આ પ્રવચન તો ચૂંટણીપ્રચાર વખતે મનમોહનસિંઘ સરકાર સામે કરવાનું હતું. (મનોમન) કર્ણાટકમાં અમારા પક્ષની સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ છે અને મુખ્ય મંત્રીના બચાવમાં મેં કહેલું કે તેમનું કામ ઇમમોરલ હોઇ શકે, ઇલલીગલ નહીં.
ગુજરાતના મુખ્ય મંત્રીઃ અમેરિકાના વિઝા મળવાની ઉજળી શક્યતા અંગે નિવેદન
અમેરિકામાં સેંકડો ગુજરાતીઓ વસે છે. આપણા કવિ ‘ખબરદારે’ કહ્યું છે કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’ મને આ પંક્તિ બહુ ગમે છે. કારણ કે તેમાં ગુજરાતનો મહિમા થાય છે અને બીજું ખાસ કારણઃ જ્યાં જ્યાં એક ગુજરાતી વસતો હોય, ત્યાં ગુજરાત હોવાથી મારે ત્યાંના અલગ વિઝા રહેવાની જરૂર રહેતી નથી.
મને કવિની પંક્તિ જ નહીં, તેમનું ઉપનામ પણ બહુ ગમે છે. કવિનું કામ જનતાને ખબરદાર કરવાનું છે- પોતાની કવિતાથી નહીં, તો પોતાના નામથી. હું કવિ છું, પણ હું મારા કામથી લોકોને ‘ખબરદાર’નો સંદેશો આપું છું. કવિ તરીકે મારૂં કોઇ ઉપનામ નથી. મારાં બધાં ઉપનામ શાસક તરીકે છે અને મારા વિરોધીઓએ પાડેલાં છે. પણ હું એટલે કે ગુજરાત વિરોધીઓની પરવા કરતા નથી.
અમેરિકા દુનિયભરના સરમુખત્યારોને, હત્યારાઓને અને આપખુદ શાસકોને વિઝા આપે છે, તો મને વિઝા આપવામાં તેનું શું જાય છે? તેમને બીક છે કે હું અમેરિકામાં ચૂંટણી લડીશ તો ત્યાંના ગુજરાતીઓના જોરે જીતી જઇશ..કારણ કે જ્યાં જ્યાં એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અને જ્યાં જ્યાં સદાકાળ ગુજરાત, ત્યાં ત્યાં મારો જયજયકાર.
...મને ક્યારની કંઇક ગરબડ લાગતી હતી...આ તો અમેરિકાના વિઝા હજુ ન મળે, તો પછી જાહેરસભામાં કરવાના ભાષણના મુદ્દા છે...
ગુજરાતી સાહિત્યકારઃ સાહિત્યસંસ્થાનું પારિતોષિક સ્વીકારતી વખતે
આજે મને કેટલી ધન્યતાની લાગણી થાય છે, તે હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. આ દિવસ માટે મેં સાહિત્યસાધનાનો આરંભ કર્યો હતો એવું તો સાવ નથી, પણ ઘણા સમયથી મનમાં એવી ઊર્મિ આકાર લઇ રહી હતી ખરી કે આ દિવસ જરૂરથી આવશે. આ પવિત્ર સ્થળે, આટલા પવિત્ર વાતાવરણમાં ઉપસ્થિત રહેવાનો અને આટલી ઉમદા મહેમાનગતિ માણવાનો મોકો મળ્યો, એ મારા માટે ન ભૂલાય એવો લહાવો છે. મારા પહેલાં બીજાં ઘણાં મોટાં નામ અહીં આવીને ધન્યતા અનુભવી ગયાં છે એ હું જાણું છું અને એટલા માટે હું વધારાની ધન્યતા અનુભવી રહ્યો છું. અહીં આવીને મને એ વાતની પણ ખાતરી થઇ કે ગુજરાતી ભાષા-સાહિત્યનું અને મારા જેવા તેને સેવકોનું ભવિષ્ય સલામત છે, જ્યાં સુધી પૂજ્ય...
....ના, ના...ભૂલ્યો..આ તો અસ્મિતાપર્વમાં વાંચવાનું પ્રવચન આવી ગયું.
Tuesday, January 18, 2011
‘પૂજ્ય’ મોરારિબાપુ અને રેશનાલિઝમ
(‘નિરીક્ષક’ અને ‘વૈશ્વિક માનવવાદ’માં પ્રગટ થયેલો લેખ)
રમણભાઇ પાઠકનાં રેશનાલિઝમ વિષયક લખાણોના વિજય ભગતે કરેલા સંકલન ‘વિવેકવિજય’નું લોકાર્પણ ૧૨ ડિસેમ્બર,૨૦૧૦ના રોજ સુરતમાં મોરારિબાપુના હસ્તે થયું. તેનાથી થોડો વિવાદ પણ થયો. મોરારિબાપુ અને રેશનાલિઝમના સંબંધ અંગેનો આ પહેલો વિવાદ નથી અને છેલ્લો પણ નહીં જ હોય. છતાં, આ મુદ્દે વધારે સ્પષ્ટતા માટે જેની પર વિચાર કરી શકાય, બલકે વિચાર કરીને પ્રામાણિક જવાબો મેળવવાના રહે, એવા કેટલાક મુદ્દા અહીં નોંઘ્યા છે.
૧) મોરારિબાપુ સહિત કોઇ પણ ધાર્મિક વ્યક્તિની આભડછેટ રાખવી ન પાલવે, એ વાત સાથે સો ટકા સંમત. સવાલ અંધશ્રદ્ધાવિરોધી પ્રચાર કે મંદિરની જગ્યાએ શૌચાલયો બનાવવા જેવા જાહેર હિતનો હોય ત્યારે તો ખાસ નહીં. અમસ્તો પણ સ્વસ્થ માણસ અંતિમવાદી કે કોઇ પણ પ્રકારની આભડછેટ પાળનારો ન હોઇ શકે.
વાંધો કોઇની સાથે હાથ મિલાવવા સામે નહીં, કોઇને માથે ચડાવવામાં હોય છે. દા.ત. પાઠકસાહેબ જેવા વડીલ અને ઘણા બધાની નજરમાં આદરણીય જણ તેમના ઊંમરમાં અને જ્ઞાનમાં ઘણા નાના મોરારિબાપુનો ઉલ્લેખ ‘પૂ.મોરારિબાપુ’ તરીકે શા માટે કરતા હશે, એવો સહજ સવાલ થાય. સંબોધન તરીકે મને મિત્ર દીપક સોલિયાનું ‘મોરારિભાઇ’ વધારે ગમે છે, છતાં ‘મોરારિબાપુ’ તેમનું પ્રચલિત નામ ગણીને એ નામે તેમનો ઉલ્લેખ કરવામાં જરાય વાંધો નથી. પણ પૂજ્ય? શા માટે?
મોરારિબાપુ અંધશ્રદ્ધાનો વિરોધ કરે છે કે મંદિરની જગ્યાએ શૌચાલયો બાંધવાનો પ્રચાર કરે છે, એ કારણ હોય તો મારે ‘પૂજ્ય’ લગાડવાની શરૂઆત પાઠકસાહેબથી કરવી પડે અને એવું થાય તેની સાથે જ એક નવો પંથ-નવો ફિરકો-નવું ભક્તમંડળ શરૂ.
અહીં એવી દલીલ થઇ શકે કે ‘મોરારિબાપુ’ની જેમ ‘પૂ.મોરારિબાપુ’ને તમનું પ્રચલિત નામ ગણી લેવું જોઇએ. ‘પૂજ્ય’ શબ્દથી આખરે ફરક શું પડે છે? આપણે આપણે જ રહેવાના છીએ અને મોરારિબાપુ મોરારિબાપુ જ રહેવાના છે. તેનો જવાબ છેઃ ‘પૂજ્ય’ શબ્દથી સ્વસ્થ માણસોને ફરક પડે કે ન પડે, ધાર્મિક માણસોને બહુ ફરક પડે છે. મોરારિબાપુને ‘પૂજ્ય’ ગણવાથી સેંકડો શ્રોતાઓ-ભક્તોનો મોરારિબાપુ પ્રત્યેનો પૂજ્યભાવ રેશનાલિઝમ-અપ્રુવ્ડ/રેશનાલિઝમ માન્ય બની જાય છે. ‘રમણભાઇ જેવા વયોવૃદ્ધ રેશનાલિસ્ટ પણ બાપુને પૂજ્ય ગણે છે’ એ વાક્યનું વજન અને સમાજના મોટા વર્ગ પર તેની અસર- તેના સૂચિતાર્થો વિશે સૌ કલ્પના કરી શકે છે.
૨) મોરારિબાપુ સાથે ‘હાથ મિલાવનારા’ કેટલી હદે સમતા-સમભાવ જાળવી શકે છે? મોરારિબાપુ રેશનાલિઝમનાં અમુક અંગોનો પ્રચારપ્રસાર કરતા હોય, તેને આવકારતી વખતે બહુમતિ ‘રેશનાલિસ્ટો’ કઇ લાગણી અનુભવે છે? આનંદની કે ધન્યતાની? પાઠકસાહેબે ‘ગુજરાતમિત્ર’ના તેમના લેખમાં કહ્યું છે કે ‘વિશ્વની તમામ વિચારસરણીઓને...‘સહાનુભૂતિકાર’ હોય જ છે અને કોઇનેય એવા ‘સહાનુભૂતિકારો’ માટે તિરસ્કાર નથી. સામ્યવાદનો સૂર્ય ભારતમાં જ્યારે સોળે કળાએ પ્રકાશતો હતો, ત્યારે એના આવા અનેક સહાનુભૂતિકારો હતા (પંડિત નેહરૂ સહિત) જે બદલ સામ્યવાદીઓ ગૌરવ અનુભવતા. પુ.મોરારિબાપુ આજે રેશનાલિઝમના એવા જ સહાનુભૂતિકાર છે. એ બદલ રેશનાલિસ્ટોએ કટ્ટરતા છોડી ગૌરવ જ અનુભવવું જોઇએ.’
સામ્યવાદીઓ નેહરૂ માટે ગૌરવ અનુભવતા હશે કદાચ, પણ નેહરૂને તેમણે પોતાના માથે બેસાડ્યા ન હતા અને બેસાડ્ય હોત તો પણ એ તેમનો પ્રોબ્લેમ ગણાત. રેશનાલિસ્ટોના વર્તનમાંથી ‘સિમ્પેથાઇઝર’ અને ‘ઉદ્ધારક’ વચ્ચેનો ભેદ મોરારિબાપુના મામલે ઘણી વાર ભુંસાઇ જતો લાગે છે.
મોરારિબાપુ ધર્મકથા રૂપી અફીણમાં ઠીક ઠીક પ્રમાણમાં રેશનાલિઝમ રૂપી તુલસીનો ઉકાળો ભેળવતા હોય, તેથી તેમને વૈદકના પદવીદાન સમારંભોના મુખ્ય અતિથી બનાવીને આશીર્વચન આપવા નિમંત્રવા કે કેમ, એ પોતાને રેશનાલિસ્ટ ગણતા મિત્રોએ વિચારવા જેવું છે. જન્મગત અથવા કૌટુંબિક સંસ્કારોથી દોરવાઇને, મોરારિબાપુના સંપર્કમાં આવેલા, તેમની સરળતાથી આકર્ષાયેલા ઘણા મિત્રો મોરારિબાપુ સાથેના વર્તનમાં કે તેમના ઉલ્લેખમાં ધડો જાળવી શકતા નથી એવું હંમેશા લાગ્યા કરે છે. મોરારિબાપુ રેશનાલિઝમની કેટલીક પ્રવૃત્તિઓનો પ્રચારપ્રસાર કરતા હોય તો એટલા પૂરતા તેમને જરૂર આવકારી શકાય. તે સખાવત કરતા હોય તો એક દાતાને અપાતા હોય એટલા માનસન્માનના તે ચોક્કસ અધિકારી છે. પરંતુ કેટલા રેશનાલિસ્ટો દિલ પર હાથ મૂકીને કહી શકશે કે મોરારિબાપુ વિશેનો તેમનો આદર મોરારિબાપુના રેશનલ કાર્યોના સપ્રમાણમાં છે? અને તેમાં ‘પાયલાગણ’ની લાગણી ભળેલી નથી? મોરારિબાપુ જેવા પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા ‘રામકથાના શાહરૂખખાન’ની સરળ-પ્રેમાળ અને ઘણી વાર મદદગાર વર્તણૂકથી કેટલા ‘રેશનાલિસ્ટો’ કચડાયા વિના રહી શક્યા છે?
૩)પાઠકસાહેબે મોરારિબાપુને ‘ભારતીય સંસ્કૃતિનાં બે મહાન એપિક (મહાકાવ્યો)ના કથાકાર, પ્રચારક’ ગણાવીને તેમનો બચાવ જ નહીં, મહિમા કરવો પડે એને ‘રેશનાલિઝમ’ તરીકે ગળે ઉતારવું અઘરૂં છે. ‘રામાયણ’ ભારતીય સંસ્કૃતિનું મહાકાવ્ય છે એમાં બેમત નથી. પણ મોરારિબાપુ એનો મહાકાવ્ય તરીકે પ્રચાર કરે છે કે ધાર્મિક મહાગ્રંથ તરીકે- એ બાબતે જરા વધારે પ્રામાણિક થવા જેવું નથી લાગતું? એ જ રીતે મોરારિબાપુ ગરીબો-દલિતોને ત્યાં જઇને જમે તેનાથી અંજાઇ જતા મિત્રો મોરારિબાપુની કર્ણાવતી ક્લબમાં થતી કથા વિશે કંઇક કહે એવી અપેક્ષા રહે છે.
૪) અત્યાર લગીના મુદ્દા, સૌએ નોંઘ્યું હશે કે, મોરારિબાપુને નહીં, ‘રેશનાલિસ્ટ’ મિત્રોને લાગુ પડે છે. હજુ મોરારિબાપુનું પુરાણ તો ખૂલ્યું જ નથી. ના, અહીં પેલા નામજોગ આવતા નનામા પત્રોની વાત નથી. કેવળ જાહેર જીવનનાં થોડાં ઉદાહરણ બસ થઇ પડશે. થોડાં વર્ષ પહેલાં ગાંધી આશ્રમમાં યોજાયેલી માનસ-મહાત્મા કથામાં મોરારિબાપુએ ગુજરાતના મુખ્ય મંત્રી અને ગુજરાતના નં.૧ તંત્રી વચ્ચે ‘સેતુકાર્ય’ ની જાહેર કોશિશ કરી હતી. (અંગ્રેજીમાં સેતુકાર્યનો એક સમાનાર્થી શબ્દ છેઃ ફિક્સિંગ.) સેતુકાર્યના ઉત્સાહમાં મોરારિબાપુએ કથામાં એ મતલબનું કહી દીઘું કે ‘રામાયણ પણ આખરે સેતુબંધની જ કથા છે.’ આને ‘મૌલિક’ અર્થઘટન ગણવું કે ‘સગવડિયું’ એ નિર્ણય વાચકો પર છોડું છું. એ જ કથામાં મોરારિબાપુએ ગુજરાતના મુખ્ય મંત્રીની પ્રશંસાનાં ગાડાં ઠાલવતાં એ મતલબનું કહ્યું હતું કે મુખ્ય મંત્રીને સત્તાની જરાય પરવા નથી. એ તો આમ કરીને આમ સત્તા ફગાવી શકે.’ એમ કહીને તેમણે બાજુમાં પડેલો તકિયો ઉંચકીને એક તરફ ફેંક્યો હતો.
નજીકના ભૂતકાળની વાત કરીએ તો, દુનિયાભરના ગુજરાતીઓમાં જેમને કારણે મહુવા જાણીતું છે તે મોરારિબાપુ મહુવાના પ્રજાકીય આંદોલનને ‘રાજકીય ’ ગણીને તેનાથી સલામત અંતરે રહ્યા છે. અગાઉ કર્ણાવતી ક્લબમાં થયેલી રામકથામાં તેમણે ભારત-શ્રીલંકા વચ્ચે આવેલો ‘કહેવાતો રામસેતુ’ તોડવો ન જોઇએ, એ મતલબનાં ફોર્મ શ્રોતાઓ પાસે ભરાવ્યાં હતાં. એ સેતુ ખરેખર રામસેતુ ન હોઇ શકે, એવું ગુજરાતી પુરાતત્ત્વવિદ હસમુખ સાંકળિયા સહિત મોટા ભાગના અભ્યાસીઓ માને છે. ‘નાસા’એ સમુદ્રતળેની એ ખડકરચના ‘રામસેતુ’ છે એવું કોઇ પ્રમાણપત્ર આપ્યું નથી. તેમ છતાં, મોરારિબાપુ એ ‘રામસેતુ’ને બચાવવા માટે કથાના અંતે કથારસિક શ્રોતાઓ પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ફોર્મ ભરાવી શકે છે.
આ મોરારિબાપુ છે અથવા મોરારિબાપુ આ પણ છે એ વાતનો શો ધોખો કરવો? પ્રશ્ન એક જ થાય છેઃ મોરારિબાપુનું ‘જેટલું સારૂં છે તેટલું સ્વીકારવાની’ વાતો કરનારા ઉપર જણાવ્યા છે એ પ્રકારના પ્રસંગોએ મોરારિબાપુની ટીકા કરવા જેટલી સ્વસ્થતા બતાવી શક્યા છે? બતાવી શકશે? કે પછી લાભાર્થી-અહોભાવાર્થી બનીને ‘આપણા નસીબમાં આવા માણસનો સ્નેહભાવ ક્યાંથી! મારા કહેવાથી એમણે અમુકતમુક કામ નહોતું કરી દીઘું!’ એમ વિચારીને ચૂપ રહેશે?
સવાલ મોરિરાબાપુનો નથી. પોતાની જાતને રેશનાલિસ્ટ ગણાવતા લોકોનો છે. એ કેટલી સ્પષ્ટતા સાથે મોરારિબાપુ સાથે જાય છે અને તેમની સમક્ષ બેઠા પછી કેટલીક સ્વસ્થતા ટકાવી શકે છે, એ સૌથી અગત્યની અને વિચારવા જેવી વાત છે.
મોરારિબાપુના ટીકાખોર ટીકાકાર થયા વિના કે તેમની પાંખમાં બેસીને અહોભાવથી ભીના ભીના થયા વિના, તેમની અંધશ્રદ્ધાવિરોધી વાતોને બિરદાવતાં ખચકાવાની જરૂર નથી. એટલી પ્રશંસાથી ‘રેશનાલિઝમ ખતરેમેં’ નહીં આવી જાય. સાથોસાથ, તેમની પ્રશંસા કરતી વખતે ‘એરણની ચોરી ને સોયનું દાન’ જેવી કહેણીઓમાંથી મળતો, ધડો રાખવાનો બોધ પણ ભૂલવા જેવો નથી.
Subscribe to:
Posts (Atom)