Showing posts with label humor-satire/હાસ્ય-વ્યંગ. Show all posts
Showing posts with label humor-satire/હાસ્ય-વ્યંગ. Show all posts

Monday, September 28, 2026

લોકશાહી રાજાશાહી

‘એક રાજા હતો’—થી શરૂ થતી વાર્તાઓમાં શ્રોતાઓ-વાચકો મોટે ભાગે રાજાનાં પરાક્રમો કે મહાનતાથી અંજાતા હોય છે. વાર્તારસનો પ્રવાહ એવો વેગીલો હોય છે કે લોકો વાર્તાના પહેલા વાક્ય તરફ ધ્યાન આપવાનું ચૂકી જાય છે. તે વાક્ય છેઃ એક રાજા 'હતો’. તેમાં છેલ્લા શબ્દ પર ભાર આપવાથી, તેને વજનપૂર્વક વાંચવાથી, સમજાશે કે રાજા ગમે તેવો પરાક્રમી, પ્રતાપી, મહાન, દુષ્ટ, આતતાયી, આત્મમુગ્ધ... પણ છેેવટે તો એ 'હતો’ જ—’છે’ નહીં. તેની બધી મહાનતા કે દુષ્ટતા સહિત તે એક દિવસ માણસની જેમ જ મરી ગયો. આમ, ‘એક રાજા હતો’ પ્રકારની વાર્તામાં કથા ગમે તે હોય, પણ તેનો એક મહત્ત્વનો બોધપાઠ છેઃ કોઈ ગમે તેટલા ધમપછાડા કરે, છેવટનો અંત તો સરખો જ આવવાનો. તે 'છે’માંથી 'હતો’ જ થવાનો.

નવા જમાનામાં રાજાઓનું સ્થાન ચૂંટાયેલા કે ચડી બેઠેલા કે ચૂંટાયા પછી ચડી બેઠેલા શાસકોએ લીધું છે. ધારો કે જૂના રાજાઓનાં લાખ અપલક્ષણ હતાં (ને ઘણા કિસ્સામાં તો તે ધારવાનાં પણ ન હતાં--ખરેખર હતાં) તેમ છતાં, તે કદી એવું કહેેતા નહીં કે 'અમે પ્રજાના સેવક. અમે તો સબકા સાથ, સબકા વિકાસમાં માનીએ છીએ. અમે તમારું કલ્યાણ કરી દઈશું. અમે વીસ વર્ષ પછી તમારો વિકાસ કરી નાખીશું, રાજ્યનાં 50 શહેરોને સ્માર્ટ કરી દઈશું’ વગેરે. એ રાજાઓ પ્રજા પાસેથી આકરા વેરા લેતા હતા, ને સૌથી હાસ્યાસ્પદ રીતે ક્રૂર વેરા કુંવરના જન્મ પેટે કે રાજા માટે નવી રોલ્સ રોયસ કાર લાવવા માટે રહેતા. હવેના રાજાઓનો વેરા નાખવાનો ઉત્સાહ રાજાશાહીના રાજાઓને સારા કહેવડાવે એવો છે. ગરીબમાં ગરીબ પ્રજાના વપરાશની વસ્તુ પર વેરો નાખતાં તેમને જરાય ખચકાટ થતો નથી. બલ્કે, તેમના દરબારીઓ એવા વેરાનો 'માસ્ટર સ્ટ્રોક’ તરીકે પ્રચાર કરીને રાજાના શાસનનાં ગુણગાન ગાય છે..

રાજાશાહીનાં વખાણ કેમેય કરીને થાય એવાં નથી, પણ વર્તમાન સ્થિતિ સાથે તેની સરખામણી કર્યા વિના રહેવાતું નથી. રાજાશાહીમાં રાજા કે રાજપરિવારના થોડા લોકો રાજાશાહી દબદબો ભોગવતા--જેમ કે, રસ્તા પર તેમની સવારીઓ નીકળતી ત્યારે બાકીનો ટ્રાફિક અટકી જતો.  લોકશાહીમાં મુખ્યપ્રધાન કે વડાપ્રધાન તો ઠીક, ધારાસભ્યો-સાંસદો ને તેમનાથી પણ નીચેના, પક્ષના હોદ્દેદારો "ખબર છે, હું કોણ છું?”ની લાલ લાઇટ સાથે ફરતા હોય છે. રાજાશાહીમાં ગામનો સૂબો ગામનો રાજા, પણ રાજાનો નોકર. એવું લોકશાહીમાં છે, પણ એવા લોકોની સંખ્યા બહુ મોટી છે. એટલે પ્રજાને રાજાશાહીની જરાય ખોટ સાલતી નથી.

વર્તમાન રાજાઓ જે વિસ્તારની મુલાકાત લેવાના હોય ત્યાંના રસ્તા રાતોરાત સરખા કરી દેવામાં આવે છે, જેથી રાજાને તો ઠીક, તેમના રથને પણ તકલીફ ન પડે. રાજાઓના સ્વાગત માટે પ્રજાને રાજાના આવવાના સમયથી કલાકો પહેલાં ઊભી કરી દેવાય છે, જેથી રાજા પસાર થાય ત્યારે પ્રજા હાથ હલાવીને તેમનું અભિવાદન કરીને રાજાને દેખાડી શકે કે તેમના રાજમાં કેટલી લીલાલહેર છે અને રાજાના પસાર થઈ ગયા પછી, ધક્કામુક્કી કરીને, ફૂડપેકેટ લઈને પોતપોતાના ઘરે પાછી જઈ શકે.

પહેલાંના જમાનામાં એમ્બ્યુલન્સો ન હોવાથી, રાજાઓ શાહી સવારી વખતે પોતાનો હાથી બાજુ પર ઊભો રખાવીને, કોઈ એમ્બ્યુલન્સને આગળ જવા દે, એવું શક્ય બનતું ન હતું. એ રીતે, પોતાની પ્રજાવત્સલતા બતાવવાની અમૂલ્ય તકોથી તે વંચિત રહી જતા હતા. એકઠી થયેલી ભીડમાંથી કોઈ રાજાનું ચિત્ર બનાવીને લાવ્યું હોય અને રાજા તેની પર સહી કરી આપીને, ચિત્ર લાવનારને ધન્ય કરી દે-ચિત્ર લાવનારની આંખમાંથી માવઠું થઈ જાય, એવું ત્યારે બનતું ન હતું. કારણ કે, ચિત્ર પર સહી કરાવવાનો-ઓટોગ્રાફ લેવાનો રિવાજ 'નામ તેનો નાશ’ની માન્યતા ધરાવતી આપણી સંસ્કૃતિને અનુરૂપ ન હતો.

લોકશાહી થકી બની બેઠેલા રાજાઓ આ બધી બાબતમાં રાજાશાહી કરતાં પણ વધારે સગવડ ભોગવે છે. કારણ કે, અસલી રાજાઓ પાસે સોશિયલ મિડીયા ન હતું. લોકશાહી રાજાઓ પાસે હાથીને ઉંદર ને ઉંદરને હાથી તરીકે ખપાવી શકે એવી સોશિયલ મિડીયા અને ગોદી મિડીયાની સેનાઓ છે. હાલના રાજાઓ ગરીબી દૂર કરવાના દાવા કરે છે, પણ તેમની મુલાકાત વખતે ગરીબી નહીં, ગરીબોને દૂર કરી દેવાય છે. તેમનાં ઝૂપડાંને આગળ કાપડના પટ્ટા લગાડીને તેમને ઢાંકી દેવામાં આવે છે. તેની પાછળનો આધ્યાત્મિક આશય એ છે કે રાજાની નજરે ભૂલેચૂકે ગરીબી ન પડી જાય અને રાજકુમાર સિદ્ધાર્થની જેમ તેમને જીવનનાં પાયાનાં સત્યો વિશે સવાલો ન જાગે. 

જૂની રાજાશાહી અને નવી લોકશાહી રાજાશાહીમાં ચૂંટાઈને સિંહાસન મેળવવા સિવાયનો બીજો એક મોટો તફાવત રહી ગયો હતોઃ જૂની રાજાશાહીમાં રાજાને પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર પડતી ન હતી. કારણ કે સવાલ પૂછનારા પત્રકારો હતા જ નહીં. નવી રાજાશાહી ગમે તેવી તોય લોકશાહી રાજાશાહી હતી. એટલે એવી રીતે રાજા બની બેઠેલાને પ્રેસ કોન્ફરન્સ કરવી પડતી અને પત્રકારોના અઘરા સવાલનો સામનો કરવો પડતો હતો.  પણ વર્ષ 2014થી એ તફાવત પણ રહ્યો નથી. જૂની રાજાશાહીમાં જે સવાલ પૂછે તેને રાજદ્રોહી જાહેર કરીને જેલમાં ખોસી દેવામાં આવતા હતા. આ વાક્યમાંથી 'જૂની’ શબ્દ કાઢી નાખીએ તો પણ ખાસ વાંધો આવે એવો નથી.

રાજાશાહીની પ્રજા લોકશાહીમાં પણ નાગરિકને બદલે 'પ્રજા' તરીકે વર્તતી રહે, ત્યાં સુધી લોકશાહી રાજાશાહીનું ભવિષ્ય સુરક્ષિત છે.

Sunday, August 30, 2026

લાઇટ જાય ત્યારે...

ગુજરાતનાં ઘણાં ગામ એવાં છે, જ્યાં વરસાદની સીઝનમાં લાઈટ જતી નથી--તે સિવાય પણ વારંવાર જાય છે. લાઇટ જવી તે પ્રચલિત શબ્દપ્રયોગ છે. તેની અસરો એટલી જીવનસ્પર્શી હોય છે કે તેના અર્થવિચલનની પંચાતમાં કોઈ પડતું નથી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે વીજપ્રવાહ રુંધાય છે અથવા ખોટકાય છે. કારણ કે, ‘લાઇટ જાય’ ત્યારે ફક્ત લાઇટ જ નહીં, પંખો, ફ્રિજ, એસી બધું જતું રહે છે. તો પછી ફક્ત લાઇટ પર જ જવાનું આળ શા માટે? પણ પ્રચલિત પ્રયોગો શબ્દકોશોને કે નિયમોને ગાંઠતા નથી. એટલે, ઘરની લાઇટ (બત્તો) જ્યાંની ત્યાં જ રહેતી હોવા છતાં, કહેવાય તો એમ જ છે કે લાઇટો ગઈ.

ઘણા લોકો લાઇટો જાય તેનાથી દુઃખી થઈને સરકારી વીજકંપનીઓની ટીકા કરે છે. એવા લોકો દેશદ્રોહી છે ને તેમણે પાકિસ્તાન જતા રહેવું જોઈએ—એવું હજુ સુધી કહેવાયું નથી, પણ કહેવાય તો નવાઈ ન લાગવી જોઈએ. કારણ કે આવાં વિધાનો ગામોમાં લાઇટ જવા જેટલાં જ સામાન્ય છે. લાઇટ પહેલાં પણ જતી હતી. તે આ સરકારની વિશેષ સિદ્ધિ નથી. ફરક એટલો કે પહેલાં લાઇટો જતી હતી ત્યારે લોકો તે માટે વીજકંપનીનો અને સરકારનો દોષ કાઢી શકતા હતા. હવે સૌ જાણે છે કે વર્ષ 2014 પછી દેશમાં જે કંઈ ન થવાનું થાય તેમાં સરકારની કોઈ જવાબદારી હોતી નથી. કુશાસન, દુશાસન ને અશાસનથી સરકાર જે હદે અલિપ્ત રહે છે તે જોતાં, આ સરકારને જલકમલવત્ અથવા ખરેખર તો ‘જલ-કમલમ્-વત્’ પણ કહી શકાય. વારેવારે લાઇટ જવા પાછળ (પણ) તે જવાહરલાલ નહેરુનો વાંક કાઢે તો તેની વાત હોંશે હોંશે માની લે, એવો એક સમુદાય તેણે પાળેલો છે. પહેલી નજરે એવું લાગે કે એ સમુદાયની વિચારપ્રક્રિયા શરીરના જે ખંડમાં ચાલવી જોઈએ, ત્યાંની લાઇટ જતી રહી હશે, પણ થોડા વધારે અનુભવે સમજાય કે ત્યાં તો વાયરિંગ જ થયું નથી. એટલે લાઇટ આવવાની કોઈ સંભાવના નથી.

એટલું નોંધવું જોઈએ કે લાઇટ જાય તેને હંમેશાં ખરાબ કે નકારાત્મક ન કહી શકાય. સૂર્ય જેવો સૂર્ય, આટલી બધી ઊર્જા સાથે, ઉગે છે તેમ આથમી પણ નથી જતો? અને ચોમાસામાં તો દિવસ દરમિયાન ગમે ત્યારે વાદળો ચડી આવે ત્યારે સૂર્યની ‘લાઇટ’ જતી રહેતી નથી? તો પછી માનવસર્જિત લાઇટની શી વિસાત? તેનું આવવું-જવું એ તો સંસારનું ચક્ર અટકી પડ્યું નથી, તેની નિશાની છે.

અંધકાર અને પ્રકાશ એક સિક્કાની બે બાજુ છે, એવું કોઈકે તો કહ્યું જ હશે—જ્ઞાનની ઉચ્ચ અવસ્થામાં નહીં, તો લાઇટ ગયા પછી અંધારામાં બેઠાં બેઠાં પણ કહ્યું હશે. એટલે, લાઇટ જાય તો તેની બહુ હાય હાય કરવી ન જોઈએ. આપણો તો ચિંતકોનો પ્રદેશ છે. કોલમેકોલમે ને કલમેકલમે ચિંતકો લહેરાય છે. તેમનું વાચકવૃંદ સમજે છે કે જે આવે છે, તેનું જવાનું નક્કી છે. એટલું જ નહીં, તેનાથી પણ ઊચ્ચ ભૂમિકા એ છે કે આવવું એ પોતે જ જવાનું કારણ છે. તેને ટાઢા પહોરની ફિલસૂફી ગણી લેવાને બદલે વિચાર કરોઃ કોઈ ઘરમાં લાઇટ આવી જ ન હોય, વીજળીનું કનેક્શન જ ન હોય, તો ત્યાં કદી લાઇટ જવાની અગવડ પડે ખરી? કહેવત છે ને કે મડાને વીજળીનો ભો ન હોય. મૃતદેહ જોખમ શું ને સલામતી શું?

એ દૃષ્ટિએ જોતાં લાઇટ જવાની ફરિયાદ ભરેલા પેટના ચાળા લાગે. લાઇટ જવાની બૂમો પાડતા લોકોએ ખરેખર તો તેમની પાસે જઈ શકે એવી લાઇટ હોવા બદલ આનંદ મનાવવો જોઈએ અને સરકારમાઇબાપનો આભાર માનવો જોઈએ. આટલું કહ્યા પછી એ નોંધવું જોઈએ કે લાઇટ જવાની ફરિયાદની ગંભીરતા છેક કાઢી નાખવા જેવી પણ નથી. આધુનિક જીવનપદ્ધતિમાં માણસ લાઇટ પર એટલો આધારિત અને તેનો ગુલામ બની ગયો છે કે લાઇટ જતી રહે તો તેના જીવનમાં ધોળા દિવસે અંધારું સર્જાઈ શકે. ઘર કે ઓફિસ કે દુકાનમાં ભાગ્યે જ એવું કશું હોય છે, જે લાઇટ વિના ચાલતું હોય. એમાં પણ લાઇટ લાંબો સમય માટે જતી રહે અને મોબાઇલ ફોનનું ચાર્જિંગ થયેલું ન હોય તો, લાઇટ અને ચાર્જર વિના માણસની સ્થિતિ જલ બિન મછલી જેવી થઈ શકે છે અને માણસના મગજની બત્તી પણ ગુલ થઈ શકે છે.

એ જ તર્કને આગળ વધારતાં એવું પણ લાગે કે એક રીતે લાઇટ જાય તે આપણી સ્વતંત્રતા માટે સારું જ છે. લાઇટ જતાં નવરો પડી ગયેલો માણસ એ કરવા બેસે છે, જે કરવાનું તેણે છોડી દીધું છેઃ વિચાર. તે કંઈ પણ કર્યા વિના, પગ વાળીને શાંતિથી બેસે છે અને વિચારે છે કે પહેલાં લાઇટો ક્યાં હતી? છતાં માણસો જીવતા જ હતા ને? લાઇટે આવીને આપણને પરાધીન બનાવ્યા. હવે અંગ્રજોની ગુલામી ગઈ તો પણ લાઇટની ગુલામી ચાલુ છે અને તેનો અહેસાસ સુદ્ધાં આપણને થતો નથી. ભલું થજો ગયેલી લાઇટનું કે જેથી આપણી પરાધીનતાનું ભાન થયું અને લાઇટ જવાની ઘટનામાં સ્વતંત્રતા મળ્યાના આનંદનો અહેસાસ થયો.

આમ પણ, સ્વતંત્રતાના અને લોકશાહી મૂલ્યોનો આનંદ હવે ઘણુંખરું બંધારણીય સંસ્થાઓ અને સરકાર પાસેથી તો મળવાનો નથી, તો પછી એવા ક્ષણિક આનંદ માટે ગયેલી લાઇટ પણ શું ખોટી?

 

Tuesday, August 25, 2026

કૃતિ અને આસ્વાદ

લોકગીતોના કોઈ કવિ નથી હોતા. લખનાર કોઈક તો હોય, પણ પછી તે એટલું પ્રચલિત થઈ જાય કે તે લોકોનું બની જાય. ઘણી વાર એનાથી ઉલટું પણ થાય. લોકગીતને કોઈ પોતાના નામે ચડાવી મારે ને પોતાનું બનાવી દે. આપણી વાત એક તાજા લોકગીત વિશેની છે, જે એટલું તાજું છે કે હજુ તેને કોઈ લોકગીત પણ કહેતું નથી. છતાં, તે જે રીતે પ્રચલિત થયું અને તેના રચનાકાર જે રીતે અજાણ રહ્યા, એ બંને કારણોસર તેને લોકગીત કહેવામાં બહુ અતિશયોક્તિ નહીં થાય. ઝડપથી રચાતા સોશિયલ મિડીયાના ઇતિહાસમાં તો તેને લોકગીત-સમકક્ષ દરજ્જો મળી જ ચૂક્યો છે. લોકગીતની જેમ તેની બધી પંક્તિઓ એક જ ઢાળમાં ગવાય છે. લોકગીતના જ અંદાજમાં તેના શબ્દોના પાઠફેર પણ જોવા મળે છે. છતાં, વ્યાપક સ્વીકૃતિ પામેલા તેના શબ્દો આ પ્રમાણે છેઃ

છપ્પન ઇંચકા છોટા બંદર

પેપર લીક કર ગયા બંદર

દેખો કૈસે છિપ ગયા બંદર

દલીલ ખાતર કોઈ કહી શકે કે આ ક્યાં ગીત છે? આ તો સૂત્રો કે નારા છે. કોઈ કાવ્યરસિકને તે ત્રિપદી લાગે, તો કોઈને આખી ચોપાઈમાં એક કડી કે છપ્પામાં ત્રણ કડી ખૂટતી પણ લાગે. એ બધી સ્વરૂપલક્ષી ચર્ચા દિવસો સુધી ચલાવી શકાય. તેમ છતાં, તેનો સર્વમાન્ય અંત ન આવે એવું બને અથવા તેના વિશે બે દિવસનો સેમિનાર યોજી શકાય, જેના અંતે છેવટે સૌને ભોજનનો સ્વાદ જ યાદ રહે..એટલે, તે પિંજણ બાજુ પર રાખીને, કૃતિના આસ્વાદ તરફ આગળ વધીએ.

કેટલાક અવળચંડા લોકો કહેશે કે આ કડીઓની વચ્ચે વચ્ચે આવતી ધ્રુવપંક્તિ અહીં કેમ નથી લખી? તેમને એટલું જ કહેવાનું કે એમ કરવા જતાં ધ્રુવપંક્તિની જ ગરમાગરમ ચર્ચા એટલી ચાલે કે બીજી પંક્તિઓની સાહિત્યિક ચર્ચા કરવાનું અશક્ય બની જાય અને કૃતિ સાથે અન્યાય થાય. માટે, અહીં ફક્ત કૃતિના નક્કર સાહિત્યપદાર્થની-- કેટલાક લોકો જરા વજન ઉમેરવા કહે છે તેમ, સાહિત્યપદારથની—જ વાત કરીએ.

કૃતિની પહેલી કડીથી ગુજરાતી કાવ્યરસિકોને તરત ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ યાદ આવે તો નવાઈ નહીં. “ચૌદ વરસની ચારણકન્યા”  હવે વિચારો. તેની સાથે નવા લોકગીતની પહેલી કડીને કેટલું સામ્ય છે. બંને પંક્તિમાં કવિએ મુખ્ય પાત્રનો સાવ સ્થૂળ પરિચય એકદમ સાદી રીતે આપી દીધો છે.

આસ્વાદમાં આગળ વધતાં પહેલાં એક સ્પષ્ટતાઃ કોઈ મેઘાણીપ્રેમી એવું ન માને કે તેમની ‘ચારણકન્યા’ની નવા લોકગીત સાથે સરખામણી થઈ રહી છે. બંને સાવ જુદાં સ્થળ, સમય, હેતુ અને મિજાજ આલેખતી કૃતિઓ છે. બંનેમાં રહેલા મૂળભૂત જુસ્સાની સરખામણી કરવી હોય તો થઈ શકે, પણ તે જરૂરી નથી.

અગાઉ નોંધ્યું તેમ, બંનેમાં પાત્રોની પરિચય-પંક્તિ છેતરામણી સાદગી ધરાવે છે. છતાં, આખી કૃતિમાંથી પસાર થયા પછી નવેસરથી તે પંક્તિ વાંચતાં સમજાય છે કે તેમાં ઠાંસીને વ્યંજના ભરેલી છે. કવિ બંદર માટે બે વિશેષણ વાપરે છેઃ છોટા અને છપ્પન ઇંચકા. આ બંને વિશેષણ પરસ્પર પૂરક છે કે વિરોધી, તે કવિએ ભાવકો પર છોડ્યું છે. એટલે તેનાં બે અર્થઘટન થઈ શકેઃ બંદર સાવ નાનું, માંડ છપ્પન ઇંચનું છે અથવા બંદર વાતો છપ્પન ઇંચની કરે છે, પણ છે સાવ નાનું. અર્થ ગમે તે લઈએ, પણ એટલું નક્કી કે આ પંક્તિ થકી ભાવકના ચિત્તરૂપી મંચ પર એક પાત્ર ખડું થઈ જાય છેઃ છપ્પન ઇંચ કા છોટા બંદર.

ઘણા કવિતાપ્રેમીઓ આ પંક્તિનું કાવ્યતત્ત્વ સમજવાને બદલે, તેનો શબ્દાર્થ પકડીને આનંદ લે છે, પણ સૂફી કવિતા-ગઝલોનો પરિચય ધરાવનારાને યાદ હશે કે તેમાં કવિ પ્રિયતમાને કહેતા હોય એવું લાગે, પણ તે કહેતા હોય ઈશ્વરને. એવી રીતે ઊંડાણથી નવા લોકગીતનો અર્થ સમજવો હોય તો તેના માટે કેટલાક ગુજરાતી કથાકારો ને તેમના ભક્તવર્તુળો જેવી મૌલિક અર્થઘટન શક્તિ જોઈએ. એવી શક્તિથી કામ લેતાં પ્રથમ પંક્તિનો સાવ નવો જ અર્થ મનમાં ઉઘડે છે. અને એ છેડો ઉકલ્યો, એટલે પછી આખી કૃતિ સડસડાટ ઉકલતી ચાલે છે.

કવિ કહેવા એવું માગે છે કે માણસનું દિલ બંદર જેવું છે. તેને છપ્પન ઇંચનું કહ્યું છે, કારણ કે તે માણસની (છપ્પનની) છાતીમાં રહેલું હોય છે. સૌ જાણે છે કે આપણી પરંપરામાં મનને મર્કટ સાથે સરખાવ્યું છે. એ જ પરંપરાની આ વાત છે. તો છપ્પન ઇંચનું આ બંદર શું કરે છે? તે પેપરો લીક કરી નાખે છે.એટલે કે, માણસની પરીક્ષા થવાની હોય તે પહેલાં, અંદરના અવાજ રૂપે તેને આગોતરી ચેતવણીઓ આપે છે. પણ સૌ જાણે છે કે અંતરાત્માના અવાજને કોઈ ગણકારતું નથી. આવું વારંવાર થયા પછી અંદરનો અવાજ બંધ આવતો બંધ થઈ જાય છે, જાણે એ અવાજ પેદા કરતું દિલ ક્યાંક છુપાઈ જાય છે. એ વાતને રમતિયાળ સ્વરૂપે કવિએ છેલ્લી પંક્તિમાં મુકી આપી છેઃ દેખો કૈસે છિપ ગયા બંદર.

આમ, દેહધારી અને તેના આત્માના અવાજ વચ્ચેના સંઘર્ષ અને તેમાં થતી અંતરાત્માની હારને માર્મિક રીતે વર્ણવતી આ કૃતિ ભારતની આધ્યાત્મિક પરંપરાને આગળ ધપાવનારી છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત તેને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો રજૂ કરતી કૃતિ તરીકે અભ્યાસક્રમમાં સ્થાન આપવું જોઈએ. 

Tuesday, May 26, 2026

કરકસરની ચર્ચા

એવું કહેવાય છે કે મહંમદ તઘલકના રાજમાં અધિકારીઓ રાત્રે સૂઈ જાય ત્યારે તેમના મનમાં એ જ વિચારો ચાલતા કે કાલે સવારે સાહેબ કયું નવું ગતકડું કાઢશે? આ વાત સાચી છે કે નહીં તેનો કોઈ આધારપુરાવો નથી, પણ હવે આપણે એવા યુગમાં પ્રવેશી ગયા છીએ, જેમાં ઘણી પ્રજાને આધારપુરાવા સાથે કશી નિસબત રહી નથી. તેમનો આરાધ્ય બાવો બળાત્કારી હોય તો પણ તેમનો ભક્તિભાવ ઓછો નથી થતો, ને તેમનો આરાધ્ય નેતા ઝેરીલો, આત્મમુગ્ધ અને બેજવાબદાર હોય તો પણ તેના બચાવમાં તે જરાય પાછા પડતા નથી. એકાદ દાયકા પહેલાં 'પોસ્ટ-ટ્રુથ સોસાયટી'નો ખ્યાલ ચલણી બન્યો હતો--એક એવો સમાજ, જેમાં સચ્ચાઈ અપ્રસ્તુત છે. એવી જ રીતે હવે ઘણા લોકો માટે 'પોસ્ટ-વેલ્યુઝ' જેવો કોઈ શબ્દપ્રયોગ બનાવવો પડે--જેમને મૂલ્યો સાથે કશી નિસબત નથી.  તેમના સાહેબો મૂલ્યોને ફાંસીએ ચડાવે કે ગોળીએ દે, તેમને મન સાહેબ મહાન છે એટલે છે એટલે છે જ.

પણ વાત મહંમદ તઘલકની ચાલતી હતી. તઘલકને તો આપણે જોયો નથી, પણ વર્તમાન શાસન આપણે જોયું છે--વેઠ્યું છે ને વેઠીએ છીએ. તો તેના અમલદારોને તઘલકના અમલદારો જેવું થતું હશે? એ તો ભવિષ્યમાં કોઈ અમલદાર સરકારની સ્તુતિઓ ગાવામાંથી પરવાર્યા પછી પોતાના સાચા અનુભવો લખે તો ખબર પડે. સાહેબનો લેટેસ્ટ આદેશ છે કે કરકસર કરવી. જ્યોતીન્દ્ર દવેના વિખ્યાત હાસ્યનિબંધ 'મારી વ્યાયામસાધના’માં કર્તા અધ્યાહાર રાખવાની વાત આવે છે. (‘દંડબેઠક કર્યા?’ ‘હા કર્યા.’ પણ કર્તા અધ્યાહાર. કોઈકે તો કર્યા જ હશે ને.) સાહેબની વાતમાં કર્તા તો નક્કી હોય--જે કરવાનું હોય તે સામેવાળાએ જ કરવાનું હોય. તેમની વાતોમાંથી તેમની પોતાની જવાબદારી કાયમી ધોરણે અધ્યાહાર હોય છે.

સાહેબની કરકસરની અપીલ સાંભળીને અધિકારીઓનો એક વર્ગ વિચારમાં પડી ગયો. તેમને થયું કે સાહેબની અપીલ આપણે ઝીલી છે, એ દેખાડવા શું કરવું જોઈએ? તેનો પહેલો જવાબ રાબેતા મુજબ એ મળ્યો કે મિટિંગ યોજીએ. એ કાલ્પનિક મિટિંગની કાર્યવાહીનું વર્ણન.

અધિકારી 1: સાહેબો, આજે આપણે જે કામ માટે મળ્યા છીએ...

મુખ્ય સાહેબઃ એક મિનીટ. આ રૂમમાં કેટલાં એસી ચાલે છે? તેમાંથી અડધાં બંધ કરો.

અધિકારી 2: પ્યૂન એસી બંધ કરતો હોય એની વિડીયો ઉતારવાની છે સાહેબ? કદાચ કાલે ઉઠીને દરેકે એવી વિડીયો અપલોડ કરવાની આવે...

મુખ્ય સાહેબઃ ચાલો, તમને આટલી સૂઝ પડતી થઈ ગઈ, એ સારી નિશાની છે. (બધા તરફ જોઈને) તમે બધા જાણો છો કે સાહેબે કરકસરનું દેશવ્યાપી, ગગનભેદી આહ્વાન કર્યું છે.

અધિકારી 2: કોઈ દેશમાં ધરતીકંપના હળવા આંચકાના સમાચાર હતા, તે એના લીધે તો નહીં હોય ને?

અધિકારી 3: મેં તો બાળપણમાં એવું સાંભળ્યું હતું કે રાજા જૂઠું બોલે તો ધરતી ડોલે.

અધિકારી 4: એ તો નકરો વહેમ. બાકી આપણે ત્યાં રોજ ઉઠીને ધરતીકંપ ન થતા હોત?

મુખ્ય અધિકારી (આંખો કાઢીને): આપણે આટલી અગત્યની ચર્ચા માટે ભેગા થયા છીએ, એમાં તમે ધરતીકંપનું પુરાણ ક્યાં ખોલ્યું? વિચાર એ કરવાનો છે કે આપણે કરકસરનાં એવાં કયાં પગલાં લઈ શકીએ જે સાહેબને બતાવી શકાય? (નરમાશથી) એમને તમારો દેખાડો ગમશે તો સીધું દિલ્હી પણ પોસ્ટિંગ મળી શકે છે.

અધિકારી 2: આ ધમકી છે, સાહેબ?

અધિકારી 4:  એ તો પ્રમોશનની વાત કરે છે. ત્યાં ગયા પછી મોટી જવાબદારી લેવાની.

અધિકારી 3: એટલે, મોટો દેખાડો કરવાની?

અધિકારી 4: ના ભાઈ, ના. દિલ્હીમાં કોઈકે તો જવાબદારીથી કામ કરવું પડે કે નહીં? એ કોઈક એટલે આપણે બધા. સાહેબને તો આખો દિવસ ફોટોશૂટ, ઝંડીઝુલણ, રેલી, રોડ શો ને બીજું કેટકેટલું ચાલતું હોય? એ કંઈ દેશનો વહીવટ કરવા નવરા થોડા હોય?

મુખ્ય અધિકારી (ગુંચવાઈને) હમણાં અંદરોઅંદર ચર્ચા કરવાને બદલે આપણે ફરી મુદ્દા પર આવીએ. કઈ બાબતમાં આપણે ઉડીને આંખે વળગે એવી કરકસર કરવી જોઈએ?

અધિકારી 3:  આપણે વર્ક ફ્રોમ હોમ કરી શકીએ. ક્લાર્કોએ ને પટાવાળાએ આવવાનું. બાકી આપણે બધા પોતપોતાના વતનમાં ને ત્યાં રહીને ઓફિસનું કામ કરીશું. કેવો આઇડીયા છે સાહેબ?

(મુખ્ય અધિકારીએ જવાબ ન આપીને જવાબ આપી દીધો.)

અધિકારી 2: આપણે એક દિવસના ખાવાનો ત્યાગ કરવો જોઈએ.

બેઠેલામાંથી મોટા ભાગના અધિકારીઓ (ઉશ્કેરાઈને): એય, આ શું માંડ્યું છે? આમને આપણા વતી બારોબાર બોલવાની સત્તા કોણે આપી? મગજબગજ જેવું કંઈ છે કે નહીં?

અધિકારી 2: (ક્ષણિક મુંઝવણ પછી સ્મિત સાથે) અરે મિત્રો, હું તો જમવાનાની-ભોજનની-એ ખાવાની વાત કરતો હતો. તમે નકામા ઉશ્કેરાઈ ગયા.

અધિકારી 4: આપણે કેટલી બધી બાબતોમાં ઓલરેડી સાહેબને અનુસરીને કરકસર કરીએ જ છીએ. તેમને ફક્ત જાણ કરવાની જ વાર છે.

મુખ્ય અધિકારી: દાખલા તરીકે?

અધિકારી 4: આપણે માહિતી અધિકાર હેઠળ આવતી નાગરિકોની અરજી પર વિગતો આપવામાં કરકસર નથી કરતા? લોકો કરકસર કરીને પ્રામાણિકતાથી જીવે છે, જ્યારે આપણે પ્રામાણિકતા આચરવામાં ભારે કરકસર નથી કરતા? અને સાચું બોલવાની કરકસરમાં... ભલે આપણે સાહેબને પહોંચી ન શકીએ, પણ પ્રયાસ તો એવો જ રહે છે ને...

(આટલું સાંભળીને, ફિલ્મોમાં ટેબલ પર હથોડી પછાડતા ન્યાયાધીશની અદામાં, મુખ્ય સાહેબે ટેબલ પર હાથની મુઠ્ઠી પછાડી ને ઊભા થઈને જતા રહ્યા.)

Friday, March 27, 2026

અરીસાની અંદરબહાર

‘તમે દિવસમાં કેટલી વાર અરીસામાં જુઓ છો?’—આવું કોઈને પૂછવામાં આવે, તો શક્ય છે કે તેમને માઠું લાગે. એમ પણ થાય કે ‘તમારે શી પંચાત? મારો અરીસો, મારું મોં. મારે જેટલી વાર જોવું હોય એટલી વાર જોઉં.’ પછી તેમને સમજાવીએ કે 'આ તો એક સમાજશાસ્ત્રીય સર્વેક્ષણના ભાગરૂપે તમને પૂછીએ છીએ' એટલે સરકારની કરવેરા નાખવાની મૌલિકતા વિશે ખાતરી ધરાવતા લોકો કહેશે,‘એક મિનીટ. એટલે સરકાર હવે અરીસામાં મોં જોવા ઉપર પણ ટેક્સ નાખવા માગે છે? એવું કરતાં પહેલાં તે પોતે એક વાર જરા અરીસામાં જુએ...’

અરીસામાં જોવું એ આમ તો તદ્દન નિર્દોષ પ્રવૃત્તિ છે.  કેટલાક લોકો સવારે ઉઠતાં વેંત સૌથી પહોલાં અરીસા આગળ જઈને વીંખાયેલા વાળ સરખા ન કરે, ત્યાં સુધી તેમને ઉઠ્યાનો અહેસાસ અને સંતોષ થતાં નથી અથવા પોતે ઉઠેલા હોવાનું તે જાહેર કરતા નથી. છેલ્લાં વીસ-ત્રીસ વર્ષમાં, શહેરી વિસ્તારોમાં તો ખાસ, મોં ધોવા-બ્રશ કરવાની જગ્યા સામે જ એક અરીસો મુકી દેવાય છે, જેથી અરીસામાં અલગથી જોવા જવાની તસ્દી ન લેવી પડે. એ વખતે અરીસો માણસની જાગૃતિનું પ્રતિક બની જાય છે.

વિજ્ઞાનકથાની રીતે વિચાર કરી જુઓઃ એક માણસ રાત્રે કોઈ દવા પીને સૂઈ ગયા પછી, સવારે ઉઠે ત્યારે તે દવાની અસરથી અદૃશ્ય બની ગયો હોય, તો તેને એ વાતની પહેલવહેલી ખબર ક્યારે પડે? સીધી વાત છે. અરીસામાં જોઈને. ત્યારે અરીસો તેના અસ્તિત્વનો પુરાવો બની જાય અને માણસને અસ્તિત્ત્વવાદી સવાલો થવા માંડે કે 'હું છું એટલે છું? કે પછી હું અરીસામાં દેખાઉં છું એટલે છું?

દરેક માણસ ઓછેવત્તે અંશે પોતાના પ્રેમમાં હોય, પણ આપણા વડાપ્રધાન—અને કેટલાક ગુજરાતી કટારલેખકો--પોતાના પ્રેમમાં એટલા માથાબૂડ હોય છે કે તે ચોવીસે કલાક ચોતરફ અરીસાથી વીંટળાયેલા રહેતા હશે, એવું લાગે. ત્યારે પહેલી વાર શીશમહલ જેવી ઇમારત પાછળ રહેલું શિલ્પકળા ઉપરાંતનું મહત્ત્વનું કારણ સમજાય. રાજાને એક અરીસામાં જોયે થોડો સંતોષ થાય? તેને તો સહસ્ત્ર અરીસામાં પ્રતિબિંબ દેખાય ત્યારે જ હાંઉ થાય. આપણા વડાપ્રધાન રાજા નથી (એ મુદ્દે તેમની વર્તણૂંક અને તેમાંથી પ્રગટ થતી માનસિકતા જુદાં છે. છતાં કમ સે કમ, બંધારણીય રીતે તો એ રાજા નથી). એટલે તેમને શીશમહલ તો નહીં, પણ મંદિરે દર્શન કરવા જાય ત્યારે સુદ્ધાં બાર-પંદર કેમેરા આજુબાજુ ન હોય ત્યાં સુધી ચાલતું નથી. તેમના માટે કેમેરા અરીસાની ગરજ સારે છે.

બીજાના હિસાબે ને જોખમે પોતાના ફોટા-વિડીયો ઉતરાવવાની-ઉતરાવ્યા જ કરવાની સુવિધા બધા પાસે હોતી નથી. એવા 'વંચિત' આત્મમુગ્ધો માટે 'અરીસા શ્રી’, 'અરીસા ભૂષણ’ અને 'અરીસા વિભૂષણ’ જેવાં વિશેષ સન્માન બનાવવાં જોઈએ. મોરારીબાપુએ કથામાં કરેલા ઉલ્લેખને ગળામાં લટકાવીને ફરી શકતા લોકોને આવાં તાજ્જાં કાઢેલાં સન્માન લેવામાં કશી શરમ ન હોવી જોઈએ. આમ પણ, વડાપ્રધાન જેવા વડાપ્રધાન ઇઝરાઇલનું તાજ્જું બનાવેલું સન્માન હોંશે હોંશે ગળામાં પહેરી આવ્યા હોય, તો બીજાએ શા માટે ક્ષોભિત થવું અથવા અરીસો જોવો?

અરીસો જોવો કે અરીસો બતાવવો, એ ઠપકાના કે અસલિયત બતાવવાના ભાવ માટે વપરાતો શબ્દપ્રયોગ છે, પણ તેમાં એક મૂળભૂત વાંધો છે.   જેમને એ બતાવવાની જરૂર હોય એવા લોકોમાંથી ઘણા માટે તો અરીસો વશરામ ભૂવાના કૂવા જેવો હોય છે. એવા લોકો અરીસાની સામે ઊભા રહીને, દલા તરવાડી બનીને પૂછે છે, ‘અરીસા રે અરીસા, હું કેવો સરસ લાગું છું?’ તો અરીસો તેમને કહેવાનો જ છે,‘અરે, આ વિશ્વમાં તમારાથી સરસ બીજું કોઈ નથી લાગતું. તમે જ અરીસા-રત્ન છો. અહીં તો તમે જ વિશ્વગુરુ છો.’ વર્તમાન ભારતમાં કેટલાક લોકોને આંખ સામે જે દેખાય, તે પણ જોવું નથી હોતું. તે અરીસામાં શું અસલિયત જોવાના? એ તો અરીસામાં જે દેખાય તે નહીં, જે જોવું હોય તે જ જોશે. તેમને કશું અપ્રિય દેખાશે, તો તે કહેશે,‘આ અરીસો છે જ નક્કામો, નકારાત્મક. તેને બદલી નાખવો પડશે.’

માનવજાતની ઉત્ક્રાંતિમાં મહત્ત્વની શોધોની વાત થાય તેમાં અરીસાનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. જરા વિચારો, પાંચ-છ હજાર વર્ષ પહેલાં અરીસા નહીં હોય ત્યારે લોકો પોતાના વાળ શામાં જોઈને ઓળતા હશે? મેક-અપ શી રીતે કરતા હશે? દાઢી તો સો-દોઢસો વર્ષ પહેલાં સુધી બીજા પાસે કરાવવાનો રિવાજ હતો. તેમ છતાં, દાઢી કરાવી લીધા પછી એ બરાબર થઈ કે નહીં, તેની ખાતરી શી રીતે કરતા હશે? પ્રિયતમ કે પ્રિયતમાની આંખમાં જોવાની વાત કવિતા પૂરતી બરાબર છે, પણ પ્રિયતમાની આંખમાં જોઈને વાળ ઓળી શકાતા નથી કે દાઢી કરી શકાતી નથી.

અરીસા ન શોધાયા હોત તો માણસજાત કેટલી પ્રાથમિક અને મહત્ત્વની ક્રિયાઓ તથા તેનાં પરિણામ બાબતે પરાવલંબી રહી જાત. આ વિચાર કોઈ વડાપ્રધાન સુધી પહોંચાડે તો તે એકાદ રાષ્ટ્રવ્યાપી દર્પણસપ્તાહ કે દર્પણોત્સવ જરૂર ઉજવી પાડે અને પહેલો આયનો ભારતમાં શોધાયો હતો, એવું પણ એનસીઇઆરટીનાં પાઠ્યપુસ્તકોમાં ઉમેરાવી શકે. સરકારે 'સુધારેલાં' પાઠ્યપુસ્તકોમાં હલદીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપ જીતી શકતા હોય, તો ભારત પહેલો અરીસો કેમ ન બનાવી શકે?

મૂળ વાત તો અંદરના-અંતરના અરીસામાં જોવાની છે, પણ તેની પરનું આવરણ શી રીતે હટે? કોણ હટાવે? કોણ હટાવવા દે?

 

Wednesday, March 18, 2026

પાર્કિંગઃ વાહનસિદ્ધ અધિકાર?

લોકમાન્ય ટીળક સો વર્ષ મોડા--અને ગુજરાતમાં--જન્મ્યા હોત તો તેમણે કદાચ કહ્યું હોત,‘પાર્કિંગ મારો વાહનસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ.’ પણ લોકમાન્યનાં નસીબ કે તે વહેલા જન્મી ગયા. એ હકીકતથી જરાય હિંમત હાર્યા વિના ગુજરાતીઓએ નક્કી કરી લીધું કે આ બાબતમાં કોઈ લોકમાન્ય પાકે તેની રાહ જોવી નહીં અને 'દરેક પોતાનો નેતા'--એવી સ્વરાજી ઢબે, આત્મનિર્ભર બની જવું. એટલે, મુંબઈ જેવાં શહેરોમાં તો પાર્કિંગ ઓઇલ ને ડેટા જેટલું કિમતી લાગે એવી સ્થિતિ હતી અને હવે ગુજરાતનાં શહેરો-નગરોમાં પણ એ સ્થિતિ આવી ગઈ છે.

અર્બન પ્લાનિંગ અને રસ્તાની ડીઝાઇનનું શાસ્ત્ર ભણાવતા મિત્રો ગમે તે કહે, લોકો એવું માને જ છે કે જેમ દાંત આપનાર (ડેન્ટિસ્ટ નહીં, ઇશ્વર) ચાવણું (ખાવાનું) આપે છે,  તેમ વાહન આપનાર પાર્કિંગ પણ આપશે. આ વાત વધારે આસ્તિકતાપૂર્વક કહેવી હોય તો, દાંત મળ્યા તેને ખાવાનું મળી રહેશે ને વાહન મળ્યું તેને પાર્કિંગ મળી રહેશે. આ બંને ખ્યાલ ખોટા હોઈ શકે છે તે સત્ય આંખ-કાન ખુલ્લાં રાખનાર કોઈને સમજાવવું પડે એમ નથી. તેનો સૌથી પહેલો ખ્યાલ મર્યાદિત જગ્યા ધરાવતી સોસાયટી કે ફ્લેટમાં રહેનારા ચતુષ્ચક્રી-ધારકોને આવે છે. હોંશે હોંશે કાર ખરીદી લાવ્યા પછી ઘરની બહાર કે નીચે ખડી ક્યાં કરવી, એ સવાલ થાય છે. 

જેમ પાણી વેચાય તે એક સમયે આઘાતજનક ગણાતું હોવા છતાં હવે તેની નવાઈ નથી રહી તેમ, ઘરથી અલગ પાર્કિંગની જગ્યા વેચાય અને એક રહીશ બીજા રહીશની પાર્કિંગની જગ્યા ખરીદે કે ભાડે રાખે, એવી ઘટનાઓથી કોઈને નવાઈ લાગતી નથી. પહેલાં પાર્કિંગની જગ્યાની છત ધરાવતાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો આવુંબધું સાંભળીને કકળી ઉઠતા હતા, પણ હવે ધીમે ધીમે તેમના સુધી પણ વિકાસનો સ્વાદ પહોંચી રહ્યો છે.  દાંત અને ચાવણાની કહેણી પાર્કિંગના કિસ્સામાં જરા જુદી રીતે લાગુ પડે છે. અહીં તો, ઘર વેચનાર પાર્કિંગ પણ વેચે છે. એટલે કે, પાર્કિંગ ઘરથી અલગ ખરીદવું પડે છે અને તે પણ એકાદ વાહન પૂરતું.  કેટલાંક ફ્લેટ અને સોસાયટીમાં પાર્કિંગની જગ્યા માટે એવી કાયમી ખેંચતાણ હોય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાર્કિંગના મુદ્દે થશે એવું કમ સે કમ ત્યાં ઊભા હોઈએ ત્યારે તો લાગે. તે નિવારવા માટે ફાળવેલા પાર્કિંગ પર ફ્લેટ નંબર લખીને, જાણે યુ્દ્ધને ખાળવાની કોશિશ થાય છે. તેના કારણે થોડીઘણી સફળતા મળે છે, છતાં કોઈ પણ સમયે તે યુદ્ધ ફાટી નીકળશે, એવી ભીતિ ઓસરતી નથી.

પાર્કિંગની સમસ્યા ઘરઆંગણે છે, તેનાથી પણ વધારે વિકરાળ સ્વરૂપે રસ્તા પર અને જાહેર સ્થળોએ જોવા મળે છે. દાયકાઓ સુધી જાહેરમાં, રસ્તાની કોરે વાહન પાર્ક કરીને જતા રહેવાની સતયુગી ટેવવાળાને હવે પહોંચવાનું હોય એ સ્થળથી દૂર, પાર્કિંગની જગ્યા જ્યાં મળે ત્યાં વાહન ઊભું રાખીને ચાલતાં આવવું પડે, ત્યારે તેને હળાહળ કળિયુગનો અહેસાસ થાય છે. મુંબઈ જેવાં શહેરોમાં વર્ષોથી વાહન પાર્ક કર્યા પછી મુખ્ય સ્થાને પહોંચવા માટે અલગથી રિક્ષા કરવાનો રિવાજ એટલો સામાન્ય ગણાય છે કે તે વિશે કોઈને આશ્ચર્ય પણ થતું નથી.

રસ્તાની બાજુ પર પાર્કિંગ કરવું કે નહીં, તે કાયદાની દૃષ્ટિએ સ્પષ્ટ હોય તો પણ, વ્યવહારમાં તકરારી મુદ્દો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણા ઠેકાણે, કાચા અંગ્રેજીને કારણે નહીં, પણ પાકી વ્યવહારબુદ્ધિને કારણે, લોકો 'નો પાર્કિંગ'ના પાટિયાનો અર્થ કાઢે છેઃ 'અહીં પાર્કિંગ કરો’.  'નો પાર્કિંગ'ના પાટિયાને અઢેલીને કે તેની આસપાસ ખડકાયેલાં વાહનો જોઈને 'સવિનય કાનૂનભંગ' અને 'ગાંધીનું ગુજરાત' જેવા શબ્દપ્રયોગો તેમની યથાર્થતા સહિત સાંભરે છે. એ મુદ્દે ટ્રાફિક પોલીસ સાથે ચણભણનો પ્રસંગ ઊભો થાય ત્યારે પણ વાહનચાલકો મોળા પડ્યા વિના, યથાશક્તિ ઝીંક ઝીલીને દંડમાંથી બચવાની કોશિશ કરે છે.

ઘણી વાર 'નો પાર્કિંગ'નું પાટિયું ન હોવાથી, વાહન રસ્તા પર છે કે નહીં, તે વિશે અર્થઘટનના વિવાદ સર્જાય છે. ટ્રાફિક પોલીસ માને છે કે અડધું વાહન રસ્તા પર છે, જ્યારે વાહનચાલક માને છે કે અડધું વાહન રસ્તાની બહાર છે. એ તો સ્પષ્ટ છે કે આ મતભેદ 'પ્યાલો અડધો ભરેલો ગણાય કે અડધો ખાલી?’ તે પ્રકારનો તાત્ત્વિક છે. એવા મતભેદનો ઉકેલ, આપણી પરંપરા પ્રમાણે, શાસ્ત્રાર્થથી કરવાનો હોય, પરંતુ ટ્રાફિક પોલીસની પસંદગીની પરીક્ષામાં શાસ્ત્રાર્થને લગતા સવાલ આવતા ન હોવાથી તે દંડની પાવતી ફાડવા માટે તલપાપડ થાય છે.  તેમને વારવા માટે પોલીસખાતામાં રહેલા કે કોઈ ઉપરી પોલીસને ઓળખતા એવા સગાવહાલા, મિત્ર કે પરિચિતનું મોબાઇલ પર આહ્વાન કરવામાં આવે છે. એવી રીતે થયેલી વાતચીત પછી દંડ માફ થાય કે ન થાય, પણ મૂળ તાત્ત્વિક સવાલનો નીવેડો આવતો નથી અને ભવિષ્યમાં પાર્કિંગને લગતી તકરારોની સંભાવના ઊભી રહે છે.

લાયસન્સ આપતી વખતે વાહન, ખાસ કરીને ચતુષ્ચક્રી (ફોર વ્હીલર) પાર્ક કરતાં આવડે છે કે નહીં તે જોવાતું હોય છે. પરંતુ નજીકના ભવિષ્યમાં લાયસન્સ આપતી વખતે, વાહનની સાથે ચાલકે પાર્કિંગની જગ્યા પણ ખરીદી છે એવી ખાતરી આપવી પડશે ને તેનાં પ્રમાણપત્ર રજૂ કરવાં પડશે. આવી કલ્પનાઓ કલ્પના રહેતી નથી અને ઝડપથી વાસ્તવિકતામાં ફેરવાઈ જાય છે, તે હાસ્ય-વ્યંગની સૌથી મોટી કરુણતા રહી છે.

Friday, March 13, 2026

ડીજેઃ બહુમાળી ઘોંઘાટ

‘અત્યારે આ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે. ગમે ત્યાં સ્થળ-સમય જોયા વિના ચાલુ પડી જાય છે ને લોહી પી જાય છે.’—આવું વિધાન કશા સંદર્ભ વગર કરવામાં આવે તો કવિઓ અને ડાયરાવાળાથી માંડીને મંત્રીઓ સુધીના કોઈ પણ બંધબેસતી પાઘડી પહેરી શકે. એટલે સ્પષ્ટતા કરવી પડે કે હાલ પૂરતી વાત ડીજેની થાય છે.

‘આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો/ ખળખળતી નદીયું રે સાહેલી મારા સપનામાં’—એવું એક લોકગીત હતું. તેમાં સહેજ ફેર કરીને ડીજે માટે કહી શકાય, ‘આજ રે આંગણામાં મેં તો બોલતો ડુંગર દીઠો/ધણધણતી શેરીયું રે સાહેલી મારા સપનામાં’. અહીં કવિ જે ડુંગરની વાત કરવા માગે છે, તે છે રાક્ષસી સાઇઝનાં સ્પીકરનો ડુંગર. એકની ઉપર એક ગોઠવાયેલાં બહુમાળી સ્પીકરોનું કદ અને તેમની ઊંચાઈ એવાં હોય છે કે દૂરથી અને નિર્જીવ-બંધ અવસ્થામાં પણ તે ભયપ્રેરક લાગે. તે જોઈને માણસની છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થઈ જાય અને તેને ઇશારો આપે,’અહીંથી બને એટલો દૂર ભાગવા માંડ. એક વાર આ શરૂ થશે તો તારી ને તારી શ્રવણેન્દ્રીયની ખેર નથી.’

ગુજરાતમાં આમ પણ સાદા, મોટિવેશનલ અને એક વાર મોટિવેશનલ તરીકે પ્રખ્યાત થઈ ગયા પછી એ બિરુદ છોડવા તત્પર—એમ તમામ પ્રકારના સ્પીકરોનો ત્રાસ પૂરતો હતો. ઘણા લોકોને વિધાનગૃહોના સ્પીકરો સામે પણ ભારે ફરિયાદ હતી. એટલું ઓછું હોય તેમ, સ્પીકરોની એ યાદીમાં ડીજેનાં સ્પીકરોનો ઉમેરો થયો. મોટિવેશનલ સ્પીકરોની જેમ ડીજેનાં સ્પીકરોને પણ, તે એક વાર ‘બોલવાનું’ શરૂ કરે, ત્યાર પછી શાંત કેમ પાડવાં, એ સમસ્યા હોય છે. ડીજેનાં સ્પીકર શ્રવણેન્દ્રીયને બહેરી કરીને મગજને સુન્ન કરી નાખે છે, જ્યારે બીજા પ્રકારના સ્પીકર શ્રોતાઓની સામાન્ય બુદ્ધિ પર હુમલો કરીને, તેમની હાલત ખરાબ કરી નાખે છે.

ગીતસંગીત રેલાવતાં સ્પીકરો માટે ‘વાગ્યાં’ એવો શબ્દપ્રયોગ સામાન્ય છે, પણ ડીજે તરીકે વાગતાં સ્પીકરો સાંભળીને ‘વાગ્યાં’ શબ્દની યથાર્થતા સ્પષ્ટ થાય છે. કારણ કે, એવી રીતે વાગતાં સ્પીકરો માથું, કાન, દિલ અને આખા શરીર પર હથોડાની જેમ વાગે છે અને આખું ચેતાતંત્ર, સ્નાયુતંત્ર અને કંકાલતંત્ર સુદ્ધાં હચમચાવી મુકે છે. પરદેશમાં આવતાં નોઇઝ કેન્સલેશનનાં મોંઘામાં મોંઘાં સાધનો પણ દેશી ડીજે આગળ નબળાં ને અપૂરતાં પુરવાર થાય છે. કેમ કે, ડીજેના અવાજને ‘નોઇઝ’ ગણવો તે અમેરિકાની દાદાગીરીને ‘અવિવેક’ ગણાવવા જેવી અલ્પોક્તિ (અન્ડરસ્ટેટમેન્ટ) છે. અમેરિકા પરથી યાદ આવ્યુઃ કોઈ પરદેશી જાસુસ ભૂલેચૂકે આપણે ત્યાં નીકળેલા ડીજેધારી વરઘોડાને જોઈ લે તો તેને ચોક્કસ એવી શંકા જાય કે ભારત પાસે મોટી સંખ્યામાં ‘વેપન્સ ઓફ માસ ડીસ્ટ્રક્શન’ છે, એટલું જ નહીં, તે એને છુપાવવાને બદલે, સરેઆમ પોતાના જ નાગરિકો પર છૂટાં મૂકે છે.

સંગીત સામાન્ય રીતે રેલાયું એમ કહેવાય છે, પણ ડીજેમાંથી સંગીત રેલાતું નથી, એ તો છૂટ્ટું ફેંકાય છે અને સામેવાળો ઝીલવા તૈયાર છે કે નહીં તેની પરવા કર્યા વિના, તેના આખા અસ્તિત્ત્વને અદૃશ્ય રીતે ધ્રુજાવી મુકે છે. બાળપણમાં રાક્ષસની કથાઓ સાંભળતી વેળા તેમનું અસ્તિત્વ કાલ્પનિક લાગતું હતું, પણ ડીજેમાંથી નીકળતી ધણધણાટી સાંભળ્યા પછી ‘રાક્ષસી’નો ખ્યાલ સંપૂર્ણપણે વાસ્તવિક લાગે છે. એવું લાગે છે, જાણે સ્પીકરનો ખડકલો ધરાવતો ટેમ્પો કે ટ્રક ચોપગા રાક્ષસનું શરીર છે અને તેના આખા અસ્તિત્વનું જોર અવાજ દ્વારા પ્રગટ થઈને આસપાસનાં સૌને આતંકિત કરી રહ્યું છે. સમાજશાસ્ત્રના નવા નવા રવાડે ચડેલા લોકો દરેક બાબતમાં ગંભીર, સમાજશાસ્ત્રીય મુદ્દો શોધીને તેની થિયરી ઘડવાની કોશિશ કરતા હોય છે. એવા લોકો એમ પણ કહી શકે કે ડીજે એ ભારતની ધબકતી, રણકતી, ધ્રુજાવતી ને હણહણતી લોકશાહીનું પ્રતીક છે. કારણ કે, પહેલાં અંગત પ્રસંગમાં જાહેર ઘોંઘાટ કરવાનો એકાધિકાર ફક્ત પૈસાદારોનો હતો. કારણ કે, બેન્ડવાજાંનો ખર્ચ ફક્ત તેમને પોસાતો હતો. ડીજેના આગમન પછી એ અધિકારનું લોકશાહીકરણ થઈ ગયું છે અને હવે ગરીબમાં ગરીબ માણસ પણ થોડા હજાર રૂપિયા ખર્ચીને મન ફાવે ત્યાં, મન ફાવે એટલો ઘોંઘાટ ફેલાવીને લોકશાહીનો આનંદ માણી શકે છે. એ તર્ક મુજબ ડીજેના આસુરી ઘોંઘાટ સામે ફરિયાદ કરનારને લોકશાહીવિરોધી તરીકેનો ઠપકો મળે તો પણ નવાઈ નહીં.

જોકે, અદાલતનો ચુકાદો એમ કરતાં રોકે છે—ના, ડીજેને ઘોંઘાટ ફેલાવતાં નહીં, ડીજેવિરોધને લોકશાહીનો વિરોધ ગણાવતાં. સર્વોચ્ચ અદાલતે ડીજેના ઘોંઘાટ માટે માપદંડ અને સમયમર્યાદા જાહેર કરેલાં છે. પણ શેરીમાં વાગતા ડીજેને સુપ્રીમ કોર્ટ સાથે કોઈ સંબંધ હોઈ શકે અથવા દિલ્હીમાં બેઠેલી સુપ્રીમ કોર્ટને શેરી ધ્રુજાવી મુકતા ડીજે વિશે કંઈક કહેવાનું હોય, એવું કોઈની કલ્પનામાં આવતું નથી. શેરી કે સોસાયટી માટે તો સ્થાનિક પોલીસ સ્ટેશન એ જ સુપ્રીમ કોર્ટ બરાબર હોય છે. ત્યાં મોડી રાત્રે ડીજેની ફરિયાદ નોંધાવવા જતાં, રાતની ઉંઘ બગાડવા બદલ સૌથી પહેલો સીધો કે આડકતરો ઠપકો ફરિયાદીને સાંભળવો પડે એવી સંભાવના પણ રહે છે.

ધાર્મિક વરઘોડામાં વાગતું ડીજે ધર્મ અને સંસ્કૃતિ સમકક્ષ થઈ જાય છે. તેનો વિરોધ કરવા જતાં વિવાદમાં ઉતરવું પડે, પણ સૌથી મોટી મુશ્કેલી એ છે કે ડીજે વાગતું હોય ત્યારે વાદવિવાદ શી રીતે થાય? એ માટે પહેલાં ડીજે બંધ કરવું પડે. એટલે મોટે ભાગે ઇંડુ-મરઘી ન્યાયે ડીજેનું કંઈ થઈ શકતું નથી અને જૂઠાણાં-વાદી સરકારોની જેમ ત્રાસ-વાદી ડીજેની પણ ધીમે ધીમે લોકોને ટેવ પડી જાય છે. 

 

Monday, February 23, 2026

શ્વાન-સર્વેક્ષણઃ શિક્ષકોના અહેવાલ

થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે શિક્ષકોએ શ્વાન-સર્વેક્ષણનું કામ કરવાનું થશે. આવા મહત્ત્વના સામાજિક-સાંસ્કૃતિક કાર્યને કેટલાક દેશવિરોધી વિધ્નસંતોષીઓએ 'કૂતરાં ગણવાનું કામ' કહીને તેના પ્રત્યે તુચ્છકાર પ્રગટ કર્યો.   'કૂતરાં ગણવાના' કામથી શિક્ષક આલમમાં અસંતોષ વ્યાપ્યો હોવાના અહેવાલ છપાયા. (શ્વાન આલમની એ વિશેની પ્રતિક્રિયા જાણવા મળી શકી નથી.) પરંતુ આ કામને બિનશૈક્ષણિક ધારી લેવાની જરૂર નથી.  વિવિધ વિષયોના શિક્ષકોના શ્વાન-સર્વેક્ષણ-અહેવાલ કેવા હોઈ શકે? થોડી કલ્પનાઃ

ગુજરાતીના શિક્ષકનો અહેવાલ

શ્વાન એટલે કૂતરું. તેમાં લિંગભેદ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. તો નર અને માદા બંને પ્રકારના શ્વાનોનું સર્વેક્ષણ કરવું? બાળ-શ્વાનોને કે શ્વાન-બાળોને તેમાં સામેલ કરવાં કે નહીં?  સક્ષમ અધિકારીશ્રીને તે વિશે પૂછતાં આ બાબતે તેમણે પોતાની અક્ષમતા જાહેર કરી અને કહ્યું કે ગાંધીનગર પૂછવું પડશે. પછી ઓફિસનું બારણું બંધ છે તેની પાકી ખાતરી કરીને એમ પણ કહ્યું કે ગાંધીનગરમાં શ્વાનોનું વિપુલ વૈવિધ્ય જોવા મળે છેઃ લાલચુ, સ્વાર્થી, હિંસક, આજ્ઞાંકિત, આળસુ, ખાઈ બદેલા,  ગળે ખેસ (પટ્ટો) બાંધેલા, અદૃશ્ય પટ્ટો ધરાવતા, પટ્ટો પહેરવા ઉત્સુક, પટ્ટો બદલવા તત્પર, લાળ ટપકાવતા, પૂંછડી પટપટાવતા, હાંફતા, દોડતા, દોડ્યા વિના હાંફતા, હાંફ્યા વિના દોડતા, કારણ વગર ભસતા, ચેતવણી વગર કરડતા, ભસવાનો જવાબ કરડવાથી આપતા, હડે હડે કરવાથી કાબૂમાં રહેતા... ટૂંકમાં, આ વિષય બાબતે ગાંધીનગર જ માર્ગદર્શન આપવા માટે સક્ષમ ગણાય.

તેમની વાતમાંથી નવો પ્રશ્ન ઊભો થયોઃ કમિશનરશ્રીના આદેશમાં સર્વેક્ષણની વ્યાખ્યા કરવામાં આવી નથી, તો સર્વેક્ષણ કેવળ વસતી ગણતરી પૂરતું સીમિત રહેશે કે પછી રંગ-રૂપ-ગુણ-લક્ષણઆધારિત વર્ગીકરણ પણ તેમાં સમાવિષ્ટ છે?

આવું બધું સાંભળીને ઉપરી અધિકારી ઊભા થયા, બારણું બંધ હોવા છતાં, તેમણે એક વાર ખોલીને ફરી તેને બંધ કર્યું, સ્ટોપર મારી અને પછી ગંભીરતાથી આદેશ આપ્યો, ‘જો ઉચિત સમજો, વો કરો.’

સામાજિક વિજ્ઞાનના શિક્ષકનો અહેવાલ

ભારતના બંધારણમાં શ્વાનોને મતાધિકાર આપવામાં આવ્યો નથી. એટલે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રીવીઝન (સર)થી શ્વાનસમુદાયને કોઈ જોખમ નથી.  અલબત્ત, તેમના સર્વેક્ષણની જોગવાઈ કાયદામાં છે.  શું શ્વાન-સર્વેક્ષણનો આદેશ એવું કહેવા માગે છે કે શ્વાનોના અસ્તિત્વને ગણવાનું છે અને દેશના ઘણા નાગરિકસમુદાયોની જેમ કે મણિપુર જેવાં આખેઆખાં રાજ્યોની જેમ અવગણવાનું નથી?

માનનીય સોલિસિટર જનરલ કદાચ કોઈ શ્વાનના પૂંછડી ન પટપટાવવાથી નારાજ થઈ જાય અને તેને દેશવિરોધી કે બાંગ્લાદેશી ઘૂસણખોર જાહેર કરી દેતો?  સોનમ વાંગ્ચૂક જેવા નાગરિક વિશે સોલિસિટર જનરલે અદાલતમાં કરેલી દલીલો જાણ્યા પછી એવું લાગે કે તમામ શ્વાનોને સોલિસિટર જનરલ તરફથી ક્લિન ચીટ મળવી જરૂરી છે.  બાકી,  તેમને એવી શંકા જાય કે કોઈ સર્વેક્ષકે દેશવિરોધી શ્વાનને દેશી શ્વાનોની યાદીમાં ઘુસાડી દેવાનું કાવતરું કર્યું છે તો?   આ અંગે માનનીય સર્વોચ્ચ અદાલત સોલિસિટર જનરલને સ્પષ્ટ નિર્દેશ આપે ત્યાર પછી કામ આગળ વધારી શકાય.

તર્કશાસ્ત્રના શિક્ષકનો અહેવાલ

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. શ્વાન પણ એક સામાજિક પ્રાણી છે. એટલે ઘણી વાર મનુષ્યો શ્વાન જેવું ને શ્વાન મનુષ્યો જેવું વર્તન કરે છે. શ્વાનો મનુષ્યોને ગણતા નથી, એટલે મનુષ્યોએ શ્વાનોને ગણવા પડે છે. શ્વાનોને મનુષ્યોને ઉતરતા ગણે છે. કારણ કે તેમનામાં ઊંચનીચના ભેદભાવ ને જ્ઞાતિવ્યવસ્થા હોતાં નથી. ઘણા શ્વાનો દેખાવમાં એકસરખા લાગે છે. એટલે ધારો કે કોઈ સંસ્થાના કેમ્પસમાં 10 શ્વાન હોય તો, તેમાંથી એક જ શ્વાન 10 વાર દેખાય એવી સંભાવના પણ લક્ષમાં લેવી પડે.  આમ, શ્વાનોની કુલ સંખ્યા જેટલી લાગે, તેનાથી દસ ગણી ઓછી કે દસ ગણી વધુ હોવાની સંભાવના રહે છે.

ગણિતશિક્ષકનો અહેવાલ

શ્વાન-સર્વેક્ષણની કામગીરીનો ઉપયોગ ભલે સામાજિક હોય, પણ તેને સમજવા માટે ગણિત અનિવાર્ય છે. ધારો કે બધા શ્વાનોની ગણતરી થઈ જાય અને તેમની સંખ્યા a  હોય;  બીજા ઘણા શ્વાન ગણતરીમાંથી બાકાત રહી ગયા હશે અથવા સંતાઈ ગયા હશે અથવા નાસી ગયા હશે અથવા સર્વેક્ષક આવ્યા ત્યારે ઉંઘી ગયા હશે, એમ ધારીને તેમની સંખ્યા b ગણવામાં આવે, તો પણ તેમનો આખરી આંકડો એ પ્લસ બી કરવાથી ન મળે.  કારણ કે, તેમાં આ બંને પ્રકારના શ્વાનોની એ સંતતિનો સમાવેશ થતો નથી, જે સર્વેક્ષણ પૂરું થાય, સોંપાય અને પ્રગટ થાય ત્યાં સુધીમાં જન્મશે. તેમનો અંદાજ બાંધવા માટે એ પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુએબી--વાળું સમીકરણ કામ લાગશે. તેમાં એકસ્ટ્રા ટુએબી ક્યાંથી આવ્યા, એવું કોઈ પૂછે તો કહેવાનું કે તે શ્વાનોની નહીં જન્મેલી સંતતિ હશે. આ રીતે ફક્ત એક સંસ્થાના કેમ્પસના નહીં, આખા દેશમાં વસતા શ્વાન પરિવારોના આંકડા કાઢી શકાશે અને વડાપ્રધાનને નવેસરથી શોધેલો એકસ્ટ્રા ટુએબીનો ચમત્કાર અનુભવી શકાશે.

ઇતિહાસના શિક્ષકનો અહેવાલ

સાંભળ્યું છે કે મહંમદ તઘલકે રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડતાં પહેલાં દિલ્હીના શ્વાનોની વસ્તી ગણતરીનો આદેશ આપ્યો હતો. આવા આદેશોને કારણે જ તે તરંગી કહેવાયો હશે. જોકે, દિલ્હીના શ્વાનો ખાતરીપૂર્વક ગણાઈ રહે તે પહેલાં જ રાજધાની દોલતાબાદથી પાછી દિલ્હી આવી ગઈ. એમ તો અકબર બાદશાહે પણ એક વાર બીરબલને દિલ્હીના કાગડાનું સર્વેક્ષણ કરવા કહ્યું હતું.  ત્યારે બિરબલે અડસટ્ટે એક આંકડો ગબડાવી દીધો અને કહ્યું હતું કે જેને અવિશ્વાસ હોય તે ગણતરી કરીને મારો આંકડો ખોટો સાબિત કરી બતાવે. શ્વાન સર્વેક્ષણમાં પણ એ પદ્ધતિ ખપમાંલઈ શકાય?


Tuesday, February 10, 2026

શંખ, ચક્ર અને પદ્મ(શ્રી)

‘પદ્મશ્રી’ની પસંદગીની પ્રક્રિયા ઘણાને અદૃશ્ય સ્વયંવર જેવી લાગે છે, જેમાં તે પોતાની જાતને ચોસઠ કળામાં જાણકાર, બત્રીસલક્ષણા મુરતિયા તરીકે કલ્પે છે. આ પ્રક્રિયા ચાલુ થયા પછી તેમને એવાં ‘વિઝન’ આવે છે કે તે રાજસી પોષાકમાં સજ્જ થઈને, લાંબી લાઇનમાં ઊભા રહીને મોરારાબાપુના આશીર્વાદ મેળવ્યા પછી, સ્વયંવરસ્થળે પહોંચે છે. ત્યાં હાથમાં વરમાળા સાથે મરક મરક કરતી પદમણી (પદ્મશ્રી)ની અને તેમની વચ્ચે એક મોટું ધનુષ્ય પડ્યું છે. તેની પર ઝીણા અક્ષરે કેટલાક શબ્દો કોતરેલા છેઃ ચાપલુસી, સંપૂર્ણ શરણાગતિ, નિર્વ્યાજ ભક્તિ, વફાદારી... જોકે, આ શબ્દો દૂરથી વંચાતા નથી. મુરતિયો હોંશે હોંશે એ ધનુષ્ય ઉપાડવા જાય છે અને...

 ...અને ‘વિઝન’ અચાનક અદૃશ્ય થઈ જાય છે. એટલે ધનુષ્ય ઉપાડવામાં સફળતા મળી કે નહીં, તે સસ્પેન્સ ખુલતું નથી અને અજંપો થાય છે. તે ટાળવા માટે માણસ આત્મનિર્ભર હોય તો જાતે ને વધારે શાણો હોય તો બીજા લોકો દ્વારા પ્રયાસો આદરે છે. પદ્મશ્રી માટેની પોતાની ભડભડતી આકાંક્ષાઓની કાગળની હોડી તે સંસારના આ અફાટ, તોફાની સાગરમાં તરતી મુકે છે કે મુકાવે છે.

કેટલાક પદ્મપીપાસુઓની રીત છાશ લેવા જતી વખતે દોણી સંતાડવાની હોય છે. પોતાના પદ્મશ્રી માટે શી રીતે પ્રચારઝુંબેશ આદરવી તેનું વિગતવાર માર્ગદર્શન ઓનલાઇન અને ઓફલાઇન જૂથોને આપ્યા પછી તે બહાર પડે છે અને માસુમિયતથી કહી શકે છે,‘પદ્મશ્રી તો એક નામ છે. ખરો સંતોષ તો દેશ માટે-સમાજ માટે કંઈક કરી છૂટ્યાનો છે. હું એવું નહીં કહું કે મારે પદ્મશ્રી નથી જોઈતો. હું એવું પણ નહીં કહું કે મારે પદ્મશ્રી જોઈએ છે. હું ફક્ત એટલું કહીશ કે મને પદ્મશ્રી મળશે તો એ મારું નહીં, મેં જેમના માટે કામ કર્યું છે તે લોકોનું સન્માન હશે અને દેશના લોકોનું સન્માન થાય તે કોને ન ગમે? ટૂંકમાં, મારે પદ્મશ્રી જોઈએ છે, પણ મારા માટે નહીં, મારા રાજ્યના, દેશના લોકો માટે.’

છેલ્લા ઘણા સમયથી આવી દોણીસંતાડ પદ્ધતિ આઉટ ઓફ ફેશન છે. મોટા ભાગના લોકોને તે માફક આવતી નથી અને અકસીર પણ લાગતી નથી. છાપરે ચડીને, શરમાયા વિના, બરાડા પાડીને જૂઠું બોલવું જાહેર વ્યવહારનું અનિવાર્ય અંગ બની ચૂક્યું હોય, ત્યાં દોણી સંતાડવાનું તો બાજુ પર રહ્યું, તેનો સૌથી ઊંચો ખડકલો કરો તો કંઈ થાય. એવા લોકો ‘આતી ક્યા ખંડાલા?’ અભિગમના આરાધકો હોય છે. તે કહે છે,‘છેલ્લા અમુક વર્ષથી આપણો ટ્રાય ચાલુ જ છે. ગાંધીજીએ કહેલું કે જ્યાં સુધી સ્વરાજ નહીં મળે ત્યાં સુધી આશ્રમ પાછો નહીં આવું. આપણું બી એવું જ છેઃ જ્યાં સુધી પદ્મશ્રી નહીં મળે ત્યાં સુધી દિલ્હીના આંટાફેરા નહીં છોડું. આપણે બદ્ધાને કહી રાખ્યું છે કે કોઈ જેક હોય તો કહેજો. સાહેબની ભક્તિ તો વર્ષોથી કરીએ જ છીએ, પણ લાઇન એટલી લાંબી છે કે ફક્ત એટલી લાયકાત પૂરતી નથી. લાગવગો લગાડવી જ પડે. અમિતાભ બચ્ચનથી માંડીને આસારામ સુધી ને મુકેશભાઈ-ગૌતમભાઈથી માંડીને સાહેબનો સુટ ખરીદનારા સુધી ક્યાંય પણ તમારી ઓળખાણ હોય તો કહેજો. આપણને ઇગો-પ્રોબ્લેમ નથી. આપણે સામેથી મળવા જઈશું અને આપણને મળી જશે તો આપણા સન્માન સમારંભમાં તેમને સ્ટેજ પર પણ બેસાડીશું. આપણે કશું એકલા ખાટી લેવું નથી.’

જોકે, બધા લોકો આ પદ્મેચ્છુકોનો ઉત્સાહ સમજી શકતા નથી અને તેમને અસ્તિત્વવાદી સવાલો પૂછે છે. જેમ કે, ‘ધારો કે તમને પદ્મશ્રી મળી ગયો, તો પછી તમે શું કરશો?’ આ મતલબના સવાલની પાછળ જિજ્ઞાસા છે કે મજાક, એ નક્કી કરવું ઘણી વાર અઘરું હોય છે, પણ સાચા પદ્માકાંક્ષીઓ એવી લપમાં પડતા નથી. કોઈ વળી ચહેરા પરના હાવભાવ જરાય બદલ્યા વિના કહી શકે છે,‘કેમ? પછી પદ્મભૂષણ નથી?’ કેટલાક જવાબ આપવાને બદલે, ‘પદ્મશ્રી મળી ગયો, તો?’નાં સપનાંમાં ખોવાઈ જાય છે. તેમને મનમાં ‘પદ્મશ્રી કખગ માર્ગ/ચોક’ લખેલાં પાટિયાં દેખાય છે. તેમને પૂરા જોશથી કહેવાનું મન થાય છે કે ‘પદ્મશ્રી લટકાવીને હું શાક લેવા જઈશ, પેટ્રોલ પુરાવવા જઈશ, પાન ખાવા જઈશ, અરે...નહાવા ને સુવા પણ જઈશ. મારો પદ્મશ્રી છે.’ જ્યોતીન્દ્ર દવેને વાંચ્યા હોય તે એવું પણ કહી શકે કે ‘પદ્મશ્રીએ મને આટલાં વર્ષ લટકાવ્યો છે. હવે હું તેને લટકાવી-લટકાવીને ફરીશ.’ કેટલાક પદ્મવિરહીઓને લાગે છે કે પદ્મશ્રી મળ્યા પછી ટ્રાફિકના સિગ્નલે રોકાવું નહીં પડે, ટોલ બૂથ પર ટોલ નહીં ભરવો પડે, લોકો આપણા સર્જનથી નહીં, તો કમ સે કમ પદ્મથી પ્રભાવિત થઈને આપણને મહાન ગણવા લાગશે.

‘પદ્મશ્રી અંગ્રેજોના જમાનાનો ખિતાબ નહીં, પણ લોકશાહી દેશનું નાગરિક-સન્માન છે’—આવી ટેકનિકલ માહિતી તેમને સ્પર્શતી નથી. એમાં તેમનો એક હદથી વધારે વાંક કઢાય એમ પણ નથી. કારણ કે, અત્યારે ઘણાં સન્માનો બિલકુલ રાજાશાહી અંદાજમાં વહેંચાય છે. પહેલાં રાજાઓ પ્રસન્ન થાય ત્યારે ‘લે, મારો સોનાનો હાર’ એમ કહીને પોતાના ગળામાંથી હાર ઉતારીને આપી દેતા હતા. હવે લોકશાહી છે. એટલે રાજાએ પોતાના ગળામાંથી કશું ઉતારવાનું હોતું નથી. તેણે ફક્ત પોતાની મહાનતાની વાર્તાઓ લોકોના ગળે ઉતારવાની હોય છે.

અને એક દિવસ પદ્મશ્રીની યાદી જાહેર થઈ જાય છે. તેમાં નામ ન દેખાતાં એક જ આશ્વાસન બાકી રહે છેઃ ‘હું તો પદ્મશ્રીથી આગળ નીકળી ચૂક્યો છું.‘ આ જ્ઞાન ક્ષણિક નથી હોતું. છેક બીજા વર્ષની પસંદગી પસંદગી પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી તે પદ્મવંચિતનો પથ અજવાળતું રહે છે.

Tuesday, February 03, 2026

પદ્મશ્રી પુરાણ

એક સમયે ‘પદમણી નાર’ બનવું ઘણી સ્ત્રીઓનું સપનું રહેતું, એવી જ રીતે, છેલ્લા ઘણા સમયથી પદમશ્રી (પદ્મશ્રી) લેખક થવું એ ઘણા લખનારાની મહત્ત્વાકાંક્ષા હોય છે. રવીન્દ્રનાથ ટાગોર પછી બીજા ભારતીય કોઈ સાહિત્યકારને નોબેલ મળ્યો નથી. તે જાણતા ગુજરાતી કવિ-લેખકો એટલા તો વાસ્તવદર્શી છે કે નોબેલની આશા ન રાખે. જો કોઈ મોરારીબાપુ પાસે ચિઠ્ઠી લખાવીને નોબેલ કમિટી પર મોકલાવી ચૂક્યું હોય, તો આ લખનારનું અજ્ઞાન ક્ષમ્ય ગણવું. નોબેલ-સમકક્ષ ગુજરાતી સાહિત્ય પારિતોષિક શરૂ કરવાની દરખાસ્ત મોરારીબાપુ સમક્ષ નહીં મુકાઈ હોય, એવું માની લેવાનું પણ કોઈ કારણ નથી.

આટલું વાંચીને ગુજરાતી કવિ-લેખકોને સાંભળવા ટેવાયેલા લોકોને એવો સવાલ જરાય નહીં થાય કે સાહિત્યની વાતમાં મોરારીબાપુ આટલા બધા કેમ આવે છે. કેમ કે, ઘણા લખનારાને તો ભાષણમાં વારંવાર મોરારીબાપુનું નામ લેવાનું જાણે ડોક્ટરે કહ્યું હોય, એટલી ચુસ્તીથી તે બાપુસ્મરણ કરતા રહે છે. મોરારીબાપુને પૂજ્ય કહેવા કે પ્રિય, એ વિશે ગુજરાતીમાં નિબંધ, કાવ્ય અને વક્તૃત્વની સ્પર્ધા યોજવામાં આવે અને તેના આયોજક મોરારીબાપુ હોય, તો કવિ-લેખકો-વક્તાઓનો ધસારો ખાળવા માટે પોલીસની મદદ લેવી પડે. તેમનો અને બાપુનો પરસ્પર પ્રેમ કોઈની ટીકાટીપ્પણીનો વિષય ન હોઈ શકે, પણ પોતે મોરારીબાપુના કેટલા ખાસ છે તેનું જાહેર પ્રદર્શન કરવા જતાં, તે બીજી પણ કેટલીક બાબતોનું પ્રદર્શન કરી બેસે છે.

એક તરફ એવું લાગે કે ગુજરાતીમાં લખનારામાંથી ઘણાનું જીવનધ્યેય મોરારીબાપુ સાથેની નિકટતા દેખાડવાનું, તેમણે સ્વહસ્તે પીરસેલો કેરીનો રસ આરોગવાનું અને મોરારીબાપુએ કઈ કથામાં, પોતાનાં કેટલા ગ્રામ/કિલો/મણ વખાણ કર્યાં તે લોકોને જણાવતા રહેવાનું હશે. પરંતુ એક સીઝન એવી પણ આવે છે, જ્યારે તેમની નજર મોરારીબાપુથી આગળ વધે છે—અને ‘પદ્મશ્રી’ પર જઈને ઠરે છે. વર્ષ 2026ની ‘પદ્મશ્રી’ની યાદીમાં સ્થાન ધરાવતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર જેવા ગુજરાતી લેખકો જૂજ હશે, જેમણે પોતે એ મેળવવા માટે કશો પ્રયત્ન કર્યો કે કરાવ્યો ન હોય. બાકી, ગુજરાતીમાં લખનારા ઘણા લોકો માટે ‘પદ્મશ્રી’ મેળવવો એ ‘કરતાં જાળ કરોળિયો’ન્યાયે, હિંમત હાર્યા વિના સતત પ્રયાસ કરતા રહેવાનો મામલો છે. તેના માટે ઉત્તમ સર્જન આવશ્યક પણ નથી ને પર્યાપ્ત તો બિલકુલ નથી.

કયા લખનારને પોતાનું સર્જન ઉત્તમ ન લાગે? મનમાં તો તેમને એવું જ હોય કે આપણે અંગ્રેજીમાં લખ્યું હોત તો કે ‘દીનો નોબેલ ઝાપટી લીધો હોત, પણ નોબેલવાળાને ગુજરાતી આવડે નહીં ને બાપુનું ત્યાં ચાલે નહીં. એટલે આપણે વાસ્તવિકતા સ્વીકારીને, જે મળવાપાત્ર છે તેને વિસરી જઈને, ‘પદ્મશ્રી’થી જ ‘હલાવવું’ (ચલાવવું) પડશે. જેવાં ગુજરાતનાં નસીબ.

આટલા વાસ્તવદર્શન પછી બીજો તબક્કો આબોહવા જમાવવાનો શરૂ થાય છે. તેમાં અનુચરોથી માંડીને વોટ્સએપ ગ્રુપમાં રહેલા લોકો છૂટુંછવાયું ગાન શરૂ કરે છે, જેની ધ્રુવપંક્તિ હોય છે, ‘તેમને તો પદ્મશ્રી મળવો જોઈએ.’ પછી ગમે તે સ્થિતિસંજોગોમાં આ ધ્રુવપંક્તિ ટપકી પડે છે, જે ધીમે ધીમે સમૂહગાનનું સ્વરૂપ ધારણ કરે છે અને સમયાંતરે ગવાયા કરે છે. બીજી તરફ, પોતાના વિશે આવું માનતા અને તે માન્યતાને સાચી પાડવા માટે કંઈ પણ કરવા તૈયાર લોકો (જો પહેલેથી ન કરતા હોય તો) સરકારની પ્રશંસા શરૂ કરે છે. ઘણા લોકોની પ્રશંસા એકદમ જાડી, બજારુ અને ભદ્દી હોય છે. તેને જોઈને એક કિલોમીટર દૂરથી ખબર પડી જાય કે ‘પદ્મશ્રી’ લેવા માટેનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. તેનો અર્થ એવો નહીં કે ગુજરાતી લખનારા-બોલનારામાંથી શિષ્ટતા, સજ્જતા મરી પરવારી છે. કેટલાક એવા પણ હોય છે, જે ચમચાગીરી ન લાગે એ રીતે (‘મુગલ-એ-આઝમ’માં દિલીપકુમાર મધુબાલાના ચહેરા પર પીંછું ફેરવતા હતા એ રીતે) સરકાર પ્રત્યેનો અનુરાગ પ્રગટ કરે છે.

સરકારને પ્રિય થવા માટેની પહેલી શરત એ છે કે તેને અપ્રિય થવાય એવું ભૂતકાળમાં કંઈ પણ કર્યું હોય—અથવા સરકારને તમારા વિશે એવી શંકા હોય—તો તેના ખુલાસા કરવા અને સેન્ટીમીટરમાં શંકા થઈ હોય તો કિલોમીટરમાં તેનું નિવારણ કરવું. તે પછીનો તબક્કો ભલામણકર્તા શોધવાનો છે. જેનું વજન પડે (અને જેને પોતાને લેવાનો બાકી ન હોય, લેવાની ઇચ્છા ન હોય કે મળવાની સંભાવના ન હોય) એવી વ્યક્તિ પાસેથી ભલામણ લખાવવામાં આવે છે. ભલામણપત્ર અમિત શાહ પાસે લખાવવાનો હોય તો, ‘આ પત્ર લઈને આવનાર મારા માણસ છે. તેમને પદ્મશ્રી આપી દેશો.’ એટલું જ પૂરતું થઈ પડે, પણ બીજા લોકોએ ઘણું લખવું ને જોડવું પડે છે.

તે બધા સાથેની દરખાસ્ત મોકલાઈ જાય પછી શરૂ થાય છે સૌથી અઘરો, પ્રતીક્ષાનો દૌર. વાહન પર ઘરની બહાર નીકળ્યા પછી, ચાર રસ્તે સિગ્નલ લાલને બદલે લીલો મળે તો પણ એવું લાગે છે કે આ વખતે આપણા પાસા સવળા પડી રહ્યા છે. હવે પદ્મશ્રી મળ્યે જ પાર છે. રાજકીય ઉમેદવારો ચૂંટણીનાં પરિણામ આવતાં પહેલાં ફટાકડા ને મીઠાઈનો જથ્થો ખરીદી રાખે તેમ, કોઈ ઉત્સાહી રાષ્ટ્રપતિભવનમાં જતી વખતે પહેરવાનાં કપડાં પણ સીવડાવી શકે છે. ‘પદ્મશ્રી ફલાણા ઢીકણા—એવું લખવાથી લોકો ક્યાંક એવું તો નહીં સમજે ને કે મારું નામ પદ્મશ્રી છે ને ફલાણા એ મારા પિતાનું નામ છે?’ આવો મોળો વિચાર ફગાવીને તે પોતાના નામ આગળ પદ્મશ્રી લખીને, આખું નામ વાંચીને રોમાંચિત થઈ જુએ છે.

--અને તેને થાય છે કે આપણો પદ્મશ્રી પાકો છે. .

(પદ્મશ્રીપુરાણનો ઉત્તરાર્ધ આવતા સપ્તાહે)

Monday, January 19, 2026

ભોજનાગ્રહઃ શસ્ત્ર અને શાસ્ત્ર

‘ભોજનાગ્રહ’ જેવો નવો શબ્દ વાંચીને કોઈને ‘સત્યાગ્રહ’ જેવો જૂનો શબ્દ યાદ આવે તો ભલે. તે બંને વચ્ચે કેટલુંક સામ્ય છેઃ તે અહિંસક આગ્રહો છે. સત્યાગ્રહની જેમ ભોજનાગ્રહમાં પણ છેવટે સામેવાળાનું મન-પરિવર્તન કરવાનું હોય છે. સત્યાગ્રહ અને ભોજનાગ્રહ બંને વ્યક્તિગત તેમ જ સામુહિક રીતે કરી શકાય છે. બંને આગ્રહો જેની સામે કરવામાં આવે, તેની દશા કફોડી થાય છે. કારણ કે, તે સામેના પક્ષ પર દ્વેષ કે હિંસાનો આરોપ મુકી શકતા નથી. આગ્રહી પક્ષે રહેલા પ્રેમનો સ્વીકાર તેમણે કચવાતા મને કરવો પડે છે અને એવું કરવા જતાં, સત્યાગ્રહીઓની થોડી અને ભોજનાગ્રહીઓની અડધી જીત થઈ જાય છે. સામેવાળાનો આગ્રહ તેની જગ્યાએ સાચો હોવા છતાં, પોતે શા માટે તેને વશ નહીં થઈ શકે, તે સમજાવવાનું અને લોકલાગણી પોતાના પક્ષે કરવાનું કઠણ હોય છે.

ગાંધીજીએ સત્યાગ્રહ જેવું અહિંસક શસ્ત્ર અને તેનું શાસ્ત્ર શોધ્યાં, પણ તેનો પ્રતિકાર શી રીતે કરવો તેનું કોઈ શાસ્ત્ર નથી. ભોજનાગ્રહ એ બાબતમાં સત્યાગ્રહ કરતાં અલગ પડે છે. ભોજનાગ્રહનો અહિંસક મુકાબલો કરવાનું બાકાયદા શાસ્ત્ર ભલે ન હોય, પણ ઘણા અનુભવીઓએ વખતોવખત જે પ્રકારે ભોજનાગ્રહનો મુકાબલો કર્યો--અને તેમાં ઓછીવત્તી સફળતા મેળવી--તેના આધારે કેટલીક વ્યૂહરચનાઓ તારવી શકાય.

આરોગ્ય-વ્યૂહ

ભોજનાગ્રહીઓના અહિંસક હુમલા નિષ્ફ્ળ બનાવવા માટે કેટલાક લોકો આરોગ્યને લગતાં કારણોનો સહારો લે છે. જેમ કે,‘હું સહેજ પણ વધારે ખાઉં તો મને એસિડીટી થાય છે.’ અથવા 'ડોક્ટરે કહેલું કે તમારી હોજરી બહુ નાની છે. એટલે વધારે ખાશો તો તકલીફ પડશે.’ અથવા '(ભૂખપૂરતું ખાઈ લીધા પછી) મને અચાનક પેટમાં ચૂંક આવવા લાગી છે. એટલે હવે મારે ઊભા થવું પડશે.’

આ કારણોને એકધારી સફળતા મળતી નથી, તે પણ નોંધવું જોઈએ. તબીબી જાણકારીમાં ઉત્સાહી હોય એવો એકાદ જણ ભોજનાગ્રહીઓના પક્ષે હોય તો એ કહી શકે છે,’અરે, તમતમારે દબાવો. પછી ગોળી લઈ લેજો. એટલે એસિડીટી નહીં થાય. ફલાણાભાઈ કાયમ એવું જ કરે છે.’ અથવા 'ડોક્ટરો તો બધા વહેમ ઘાલે. તેમનું ગણકારવું નહીં. ડોક્ટરનો વ્હેમ વધે કે અમારો પ્રેમ?’ પેટમાં દુઃખવાના બહાનામાં પણ એક્ટિંગની જેમ યોગ્ય ટાઇમિંગ ન જળવાય, તો અવળાં પરિણામ મળવાની ભીતિ રહે છે અને ભૂખપૂરતા ભોજનથી પણ વંચિત રહેવાનો વારો આવી શકે છે.

પ્રસંગ-વ્યૂહ

કેટલાક લોકો આગ્રહ ટાળવા માટે જ્ઞાનપરંપરાને બદલે કથાપરંપરાનો આશ્રય લે છે. મીઠાઈ પીરસવા આવેલા લોકોને અંતરિયાળ રોકીને તે કહે છે,'તમે ભલે પીરસવા આવ્યા, પણ તમને એક વાત કહું. અમારા એક મિત્રના પાડોશી હતા. તેમની દીકરીનું સગપણ કેનેડા કરેલું. લગન વખતે જમાઈ દેશમાં આવ્યા ને મિત્રને ત્યાં જમવાનું રાખ્યું. મિત્રને થયું કે જમાઈને બરાબર ખવડાવીને તેમના માટેનો પ્રેમ વ્યક્ત કરું. જમાઈને પણ થયું કે નવું નવું નક્કી થયું છે ને ક્યાં ના પાડવી? એટલે તેમણે પણ ના પાડ્યા વિના ઠાંસ્યું. પછી રાત્રે ઘરે જતાં જ...'

કથાપ્રવાહમાં પીરસનારનો હાથ અટકી ગયો હોય, પણ હવે વાતનો છેડો લટકતો રહેતાં તેમની ઉત્સુકતા ઉછાળા મારવા લાગે ને તેમને પણ પોતે નવી વાસ્તવિકતાઓથી અજાણ નથી એવું સૂચવવા માટે, કંઈક ઉમેરવાનું મન થાય. એટલે તે કહેશે, ‘હવે આવા કિસ્સા બહુ બને છે. અમારા એક સગા છે. તેમના છોકરાનો ફ્રેન્ડ એક દિવસ ક્રિકેટ રમવા ગયો ને રમતાં રમતાં મેદાન પર જ...’

તે સાંભળીને કથાનો છેડો લટકતો રાખનાર કહેશે, ‘એમ તો જમાઈને કંઈ થયું નહીં. રાત્રે ઘરે જતાં પેટમાં બહુ ગડગડાટી થઈ. એટલે રસ્તામાં એક ઠેકાણે ઊભા રહીને સોડા પી લીધી ને ઠીક થઈ ગયું, પણ ત્યારથી તે ચેતી ગયા છે. આ તો ઠીક છે, પેટમાં દુઃખાવો હતો. છાતીમાં થયો હોત તો?’

આટલે સુધી પહોંચતાં ભોજનાગ્રહી ભૂલી ચૂક્યા હોય છે કે તે અસલમાં ભોજનનો આગ્રહ કરવા આવ્યા હતા. હવે વાતે લીધેલા ગંભીર વળાંક પછી 'જાન બચી તો લાખોં પાયે’નો માહોલ બની જાય છે ને આગ્રહ કરવાનું અવિધિસર રીતે પડતું મૂકવામાં આવે છે.

જ્ઞાન-વ્યૂહ

નવા જમાનામાં જેમની પાસે મોબાઇલ છે તે બધા જ આરોગ્ય-નિષ્ણાતો છે. એટલે કેટલાક લોકો આગ્રહ ટાળવા માટે પ્રસંગ-વ્યૂહને બદલે બીજો રસ્તો અપનાવે છે. તે કહે છે,’મેં હમણાં જ એક રીલ જોઈ હતી. તેના અઢી મિલિયન વ્યૂઝ હતા. તેમાં કહ્યું હતું કે પેટ હંમેશાં સાડા સોળ ટકા ઊણું રાખવું. તે આરોગ્ય માટે બહુ ફાયદાકારક છે. બીજી એક રીલમાં કોઈ યુનિવર્સિટીવાળાએ રીસર્ચ કર્યું હતું કે 100 ટકા ભૂખ હોય તો 82 ટકા જેટલું જ ખાવું. એનાથી વધારે ખાવામાં આવે, તો આગામી દાયકાઓમાં માણસ મૃત્યુ પામી શકે છે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. બોલો, હવે તમે જ કહો, શું કરવું?’

બૂમરેન્ગ-વ્યૂહ

આગળ વર્ણવેલા વ્યૂહમાં વાચાળતા મહત્ત્વનું પરિબળ છે, પણ કેટલાક લોકો કર્મયોગી હોય છે. તે બાંયો ચડાવીને તૈયાર હોય છે. જેવા ભોજનાગ્રહીઓ નીકળે, તે સાથે જ તે લોકો બમણા જોશથી વળતો આગ્રહ શરૂ કરી દે છે અને પીરસનારના મોંમાં મીઠાઈ ઠાંસવા માંડે છે. આક્રમણના જોશ સાથે આવેલો ભોજનાગ્રહી અચાનક વળતા હુમલાથી ડઘાઈ જાય છે અને જોતજોતાંમાં બંનેમાંથી ભોજનાગ્રહી પક્ષ કયો છે, તે નક્કી કરવું અઘરું થઈ પડે છે.

Tuesday, December 30, 2025

(વજન)કાંટા લગા..

કોઈ પણ સમસ્યાની જેમ વધેલું વજન ઉતારવા માટેનું પહેલું પગથીયું, વધેલા વજનના સ્વીકારમાં છે. ઘણા લોકો તે બાબતે બીજાને અને ખાસ તો જાતને છેતરવામાં રાચે છે. કોઈ સહેજ ટકોર કરે કે તરત તે કહેશે, ‘ના રે, મારું તો સિમેટ્રિકલ બોડી છે.’ સામેવાળી વ્યક્તિ કહે કે ‘હું તમારું બોડી શેમિંગ નથી કરતી, ફક્ત તમારું ધ્યાન દોરું છું.’ તો તે કહેશે,‘વાંધો નહીં. પણ હું જે હકીકત છે એ કહું છું. મારું શરીર જરા સરખું છે. હકીકતમાં, મારો બાંધો એવો છે.’ ક્યારેક આ બધી દલીલોને બદલે તે એક જ નિવેદન આપીને ચર્ચાનો અંત આણી દે છે,’મારું વજન પહેલેથી આટલું જ છે. એ મને ખબર હોય કે તમને?’ જમણા પગમાં દુઃખાવો હોવા છતાં ડાબા પગે ઓપરેશન શરૂ કરતા ડોક્ટર છાંછિયું કરીને ‘ડોક્ટર હું છું કે તમે?’ પૂછે, એવી આ વાત છે.

તેમ છતાં, કોઈ એક ચોઘડિયે વજન વધ્યાની વાત જોર પકડે, એટલે સૌથી પહેલાં ‘વિવાદાસ્પદ માળખા’નું સાચું વજન, અને ખાસ તો, તેમાં થઈ રહેલી વૃદ્ધિ માપવા માટે વજનકાંટો ખરીદવાનો નિર્ણય લેવાય છે. મૂળ યોજના તો દર અમુક દિવસે ઓળખીતા ડોક્ટરને ત્યાં જઈને વજન કરવાની હોય છે, પણ તેમાં નિયમિતતા જળવાતી ન હોવાથી, ચાઇનીઝ બનાવટના વજનકાંટાનું બજેટ મંજૂર કરવામાં આવે છે અને એક દિવસ ઘરમાં નવા સભ્યનું આગમન થાય છે,

ગામમાં ચોમેર સ્વદેશીનાં હોર્ડિંગ વાગ્યાં હોય ત્યારે ઘરમાં ચાઇનીઝ વજનકાંટો આણવાથી દેશદ્રોહ તો નહીં થાય? એવો વિચાર આવી જાય છે, પણ જીવનજરૂરી ન હોય એવી ચીજો પણ વિદેશી બનાવટની વાપરતા વડાપ્રધાનને જોઈને થોડું સાંત્વન મળે છે. વજનકાંટો ચાઇનીઝ હોવાથી, કેટલાક ચાઇનીઝ ભોજનપ્રેમી સભ્યો એવી આશા રાખે છે કે ખોખામાંથી કાંટાની સાથે સોયા સોસની એકાદ બોટલ પણ નીકળે તો સારું. પરંતુ તેમને સોસ નહીં, નિરાશા મળે છે. કેમ કે, વજનકાંટો આણવાનું અંતિમ પ્રયોજન ભોજનની માત્રા વધારવાનું નહીં, પણ ઘટાડવાનું હોય છે.

વજનકાંટાને બેટરી નાખીને ચાલુ કર્યા પછી, પહેલી વાર વજનકાંટા પર ઊભા રહેવાની ક્ષણ ‘મોમેન્ટ ઓફ ટ્રુથ’—સચ્ચાઈનો સામનો કરવાની ક્ષણ હોય છે. દિલની ધડકન વધી જાય છે. ઇશ્વરમાં ન માનનારાના મનમાં પણ ઘડીક ઇશ્વરસ્મરણનો ઝબકારો આવી જાય છે. છેવટે, યાહોમ કરીને પડવાના જુસ્સા સાથે કાંટા પર ‘બડે અરમાનસે’ પહેલો પગ અને પછી બીજો પગ મુકવામાં આવે છે. તે સાથે જ કાંટો ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ, શૂન્યના આંકડાથી અપાકર્ષણ અનુભવતો હોય તેમ, તેના સામા છેડે જઈને ઊભો રહે છે. વજન કરાવનાર અને આસપાસ ઊભેલાં કુટુંબીજનો ઉચ્ચકજીવે કાંટો ક્યાં જઈને ઠરે છે તેની રાહ જુએ છે. ઘણાખરા કિસ્સામાં કાંટો અપેક્ષા કરતાં થોડે આગળ જ પહોંચ્યો હોય છે. એટલે, વજન કરાવનાર કાંટો તૈયાર કરનારની ઉલટતપાસ કરે છે. ‘તેં કેલિબરેશન તો કર્યું હતું ને? મારો પગ મુકાવતાં પહેલાં કાંટાને ઝીરો પર તો આવવા દીધો હતો ને? કાંટો ડીફેક્ટિવ-બગડેલો તો નહીં હોય ને?’ પરંતુ બધી શક્યતાઓને એક પછી એક નાબૂદ કર્યા પછી, કાંટાએ ચીંધેલું વજન, કોઈ ઋષિમુનિએ આપેલા શ્રાપની જેમ, ન છૂટકે સ્વીકારવું પડે છે.

નામને સાર્થક કરતા કાંટાએ દર્શાવેલા વજનના આંકડાની અણી એવી ભોંકાય છે કે તેની અસર હેઠળ આકરા સંકલ્પ લેવાય છે. સૌથી પહેલાં, વજન પર ચાંપતી નજર રાખવા માટે રોજ વજન કરવાનું ઠરે છે, પણ પછી કોઈ સમજાવે છે કે મહિને એક વાર વજન કરવાનું પૂરતું છે—બાકીના દિવસોમાં યાદ રાખવાનું કે મહિને એક વાર વજનનો દિવસ આવવાનો છે.

એકાદબે મહિના આ રીતે વજન કર્યા પછી, ધીમે ધીમે વજન કરવાનો દિવસ કયામતના દિવસ જેવો લાગવા માંડે છે. વજન કરવાનું હોય તેના આગલા દિવસે ઉપવાસ કરીને કાંટાની સાન ઠેકાણે લાવવાનું મન થાય છે, પણ એવું શક્ય બનતું નથી. બીજા દિવસની સવાર પડે અને કાંટા પર વજન કરવાનું આવે, એટલે માણસ વિચારે છે કે કાંટાને શી રીતે મહાત કરવો? શરીરની અંદરનું વજન ઓછું કરવાના વિકલ્પે, તે એટલા સમય પૂરતું શરીરની ઉપર રહેલું વજન ઘટાડવાના પ્રયાસ કરે છે. શરીર જાણે ડૂબતી નાવ હોય એમ, તે ઓછુંવત્તું વજન ધરાવતી તમામ વસ્તુઓને ફગાવવા માંડે છે. જીન્સના પેન્ટને બદલે સુતરાઉ લેંઘો પહેરીને, ચશ્મા કાઢીને, પટ્ટો ઉતારીને, ભૂલથી ખિસ્સામાં પેન કે મોબાઇલ ન રહી જાય તેની ચીવટ રાખીને, તે કાંટાનું આરોહણ કરે છે. પરંતુ કાંટો પોતાની નિર્જીવતા પુરવાર કરતાં, અગાઉની એકેય ચેષ્ટાથી પ્રભાવિત થતો નથી અને વજનના અણગમતા આંકડે જઈને ઊભો રહે છે.

આવું દરેક વખતે થતાં, વજન કરાવનાર કાંટાની બેવફાઈથી હતાશા અનુભવે છે અને વિચારે છે કે હવે આ કાંટાનો કાંટો શી રીતે કાઢવો? કાંટામાં કિલોગ્રામ ઉપરાંત બીજા એકમોમાં વજન માપવાનો વિકલ્પ હોય છે. છતાં, તેનાથી આશ્વાસન મળતું નથી. ભારતના નાગરિકો એવું પણ શોધી જુએ છે કે કાંટામાં ક્યાંય છૂપો સ્લોટ (ખાંચો) છે, જેમાંથી રૂપિયા અંદર સેરવીને કાંટા પાસેથી વજનનો ધાર્યો આંકડો મેળવી શકાય?

પરંતુ જેમ કફનને ખિસ્સાં હોતાં નથી, તેમ કાંટાને ખાંચા હોતા નથી. એ ફક્ત કાંટાનું નહીં, વજનનું—અને જીવનનું--પણ સત્ય છે. તે કાંટા પાસેથી સમજવા મળે તો, ગમે તેટલા વાંધા છતાં, કાંટા માટે ખર્ચેલા રૂપિયા વસૂલ લાગે છે. 

Thursday, December 25, 2025

વજનનો ‘વિકાસ’

પહેલી વાર ડોક્ટર કહે કે ‘તમારું વજન વધારે છે’, ત્યારે મોટા ભાગના લોકો મૂછમાં હસીને મનોમન વિચારે છે, ‘ખબર છે. અત્યાર સુધી એના માટે તો આટલી મહેનત ને દોડાદોડ કરી છે. હવે નહીં વધે તો ક્યારે વધશે?’ આ જવાબ બોલાય નહીં તો પણ હોંશિયાર ડોક્ટરોને તે સંભળાઈ જતો હોય છે. એટલે તે કહે છે,’વજન એટલે તમારા મોભાની વાત નથી કરતો—એ તો વધ્યો જ છે ને એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું તો તમારા શારીરિક વજનની વાત કરું છું.’

મોટા ભાગનાં માતાપિતાને તેમનું સંતાન ક્યારે મોટું થઈ જાય, તેની ખબર પડતી નથી. તે વિચારે છે કે હજુ હમણાં તો આપણે એને તેડીને ફરતા હતા, એકડીયું-બગડીયું શીખવાડતા હતા, સાયકલ તો હમણાં શીખવાડી, ને આ હવે પ્રેમમાં પડવાની ને પરણવાની વાત કરે છે? જેમ સંતાનો ધીમે ધીમે મોટાં થવા છતાં, તે અચાનક મોટાં થઈ ગયાં હોય એવું લાગે છે, તેમ શારીરિક વજન પણ ધીમે ધીમે વધવા છતાં, તે અચાનક વધ્યું હોય એમ લાગે છે. વજનધારકને તો એમ જ થાય છે કે હજુ તો મારા લગ્ન વખતનાં શર્ટ હું આરામથી પહેરી શકું છું. એવું કંઈ વજન વધી ગયું નથી. હા, થોડું શરીર ભરાયું છે ને ગાલ થોડા વધારે ભરાયા છે, પણ એ તો સુખની નિશાની. એને કંઈ વજન વધ્યું ન કહેવાય. આ ડોક્ટરો તો અમથા...
ડોક્ટરો અને એલોપથી પ્રત્યેની અશ્રદ્ધા જાહેર કરીને થોડા સમય સુધી વજનવધારા પ્રત્યે આંખ આડા કાન કરી શકાય છે, પરંતુ મન કોને કહ્યું છે? એક વાર ડોક્ટરે ‘વહેમ ઘાલ્યો’, પછી અરીસામાં જોતી વખતે વધેલા વજનના છૂટાછવાયા પુરાવા નજરે પડવા લાગે છે. ખ્યાલ આવે છે કે શરીર ફક્ત ભરાયું નથી, ઠીક ઠીક ભરાયું છે. લગ્ન વખતે લીધેલું શર્ટ જરા ખુલતું હતું, એટલે હવે આવી રહે છે. પણ વચ્ચેનું બટન ક્યારેક આપમેળે ખુલી જાય છે. પહેલાં લાગતું હતું કે તેનો ગાજ ઢીલો થઈ ગયો હશે, પણ ડોક્ટરની ટકોર પછી સમજાય છે કે ગાજ ઢીલો નથી થયો, શર્ટ ફીટ થયું છે. પહેલાં પેટ ટેકરી જેવું હતું, તે ધીમી પણ મક્કમ ગતિએ વધીને ડુંગરા જેવું થયું છે અને ડોક્ટરને ચિંતા છે કે તે પહાડ જેવું ન થઈ જાય.
ડોક્ટરો ખોટેખોટું ભડકાવે છે, એવું આશ્વાસન ઘણા દિવસો સુધી લીધા પછી પણ, બધી વખત મન માનતું નથી. ક્યારેક અંતરાત્માનો અવાજ આવે છે કે ‘હે જીવ, ક્યાં સુધી તું જાતને છેતર્યા કરીશ? અત્યાર લગી તે વધતા વજનની સતત અવગણના કરી છે, પણ તારું પેટ હવે પોકારી પોકારીને કહે છે કે મને વધતું રોકો, મને અટકાવો.’ સંદર્ભ ભલે જુદો હોય, પણ ‘જેને કોઈ ન પહોંચે, તેને તેનું પેટ પહોંચે’—એ વાત વજનવધારાની બાબતમાં પણ સાચી પુરવાર થાય છે. અત્યાર લગી કુટુંબીજનો, હિતેચ્છુઓ, ડોક્ટરો અને સ્વઘોષિત
આરોગ્યનિષ્ણાતો સહિતના લોકોના ટોકવા છતાં ન ગાંઠતો માણસ, છેવટે વધતા પેટમાંથી ઉઠતા અવાજ ભણી ધ્યાન આપવા પ્રેરાય છે. તેને થાય છે કે બીજી ચર્ચા જવા દઈએ તો પણ, પેટ અને વજન વધ્યાં છે એ તો હકીકત છે.
આટલો સ્વીકાર આવ્યા પછી પણ રસ્તો સહેલો નથી. ઘણા લોકોના મનમાં તો આ સ્વીકાર તે વ્યાપક નકારનો હિસ્સો હોય છે. કેમ કે, તે વિચારે છે, ‘જેમ સારો કોલેસ્ટેરોલ અને ખરાબ કોલેસ્ટેરોલ હોય છે, તેમ સારું વધેલું પેટ અને ખરાબ વધેલું પેટ પણ નહીં હોય?’ પછી ડોક્ટર હળવાશથી સમજાવે છે કે સગર્ભા સ્ત્રીઓ સિવાયના કિસ્સામાં બીજી સંભાવના જ લાગુ પડે છે. એટલે હવે પેટ તમને અટકાવી દે, એ પહેલાં તમે પેટને આગળ વધતું અટકાવો.
આરોગ્યને હળવાશથી લેનારા વિચારે છે,‘એમાં શી ધાડ મારવાની છે?’ અત્યાર સુધી જેટલી સહજતાથી તે વધ્યું, એટલી જ સહેલાઈથી તેને ઉતારી દઈશું. પણ ટ્રેકિંગ કરનારા લોકો જાણે છે કે સલામત રીતે ચડવા કરતાં સલામત રીતે ઉતરવાનું વધારે અઘરું નીવડી શકે છે. એવું જ પેટના મામલે થાય છે. તે વધતાં વધી તો જાય છે, પણ તેને ઉતારવાનું ભારે કામ છે. જેમ સંતાનપ્રાપ્તિ માટે, તેમ પેટ ઉતારવા માટે પણ લોકો ‘પથ્થર એટલા પૂજે દેવ’ કરે છે, કંઈક પાઉડરો ને પ્રવાહીઓ અજમાવે છે, અવનવા ટુચકા કરે છે ને ઓસડિયાં ખાય છે. વ્યાવસાયિક ચાલતાં કસરતાલયો (જીમ)ના સભ્ય બને છે. આ બધું તે એટલા માટે કરે છે, જેથી ડોક્ટરે જે કહ્યું છે તે કરવું ન પડે. ડોક્ટરો ખાવાપીવા પર ખાસ્સો અંકુશ મુકવાની અને નિયમિત કસરત કરવાની વાત કરે છે.
સામાન્ય માણસની ભાવના બને ત્યાં સુધી એવી હોય કે આવું કશું કર્યા વિના, થોડું આમતેમ કરવાથી, કસરત-બસરત કરવાથી કે જિમમાં જવાથી કે અમુક પાઉડરો પીવાથી વજન કાબૂમાં આવી જતું હોય તો પહેલાં એ પ્રયત્ન કરી જોવો જોઈએ. તેમાં ખાસ્સો સમય વીતે છે, પણ ધાર્યું પરિણામ મળતું નથી. બધી બાજુથી હાર્યા પછી તે ફરી એક વાર ડોક્ટરને મળે છે અને પહેલી વાર તેમણે શું કહ્યું હતું તે, આ વખતે અમલ કરવાના પવિત્ર ઇરાદા સાથે, સાંભળે છે.
પણ એ તો હિમાલય ચઢવા માટે ઘરેથી ટ્રેનમાં બેસવા જેવું પહેલું પગથીયું હોય છે.

Tuesday, December 02, 2025

કેટલાક ઇન્ટર્નશીપ આઇડિયા

સરકારી જાહેરાતોના શબ્દો જોઈને તેમની પર ફિદા થવું એ નેતાઓની મુલાકાત વખતે ઝૂંપડાંને ઢાંકતા લીલા પટ્ટા જોઈને લીલોતરી વિશે રાજી થવા જેવું છે. સરકાર જેને નવી શિક્ષણનીતિ કહે છે, તે પણ આવી જ એક બાબત છે. વાંચવામાં ઉત્તમ લાગે એવી વાતો અમલની ચિંતા કર્યા વિના મુકી દેવાય, તેને કવિતા ગણીએ તો નવી શિક્ષણનીતિ એ સરકારનું ખંડકાવ્ય છે—તેની લંબાઈ ઉપરાંત, વાસ્તવિકતા વિચાર્યા વિના (વાતાનુકૂલિત) ખંડમાં બેસીને રચાયેલા કાવ્યના અર્થમાં પણ. તેનો વાસ્તવિક અર્થ વૈશ્વિક સ્તરનો દાવો કરવાની સાથે હકીકતમાં શિક્ષણની રહીસહી ગુણવત્તા પર બુલડોઝર ફેરવી દેવાનો લાગે છે. નવી શિક્ષણનીતિ વાસ્તવમાં અનેક કરુણ હાસ્યલેખોનો વિષય છે, પરંતુ તેમાંથી આજે વાત ફક્ત ઇન્ટર્નશીપની.

પહેલાં જાહેરાત કરવી અને પછી તેના અમલનું માળખું તથા અમલથી સર્જાનારી અરાજકતા વિશે વિચાર કરવો, એ વર્તમાન સરકારની વિશેષતા છે. તે વિશેષતા આગળ ધપાવતાં, નવી શિક્ષણનીતિમાં વિજ્ઞાનપ્રવાહ ઉપરાંત આર્ટ્સ અને કોમર્સમાં ભણતા કોલેજિયન વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી છે, આટલા બધા વિદ્યાર્થીઓ ઇન્ટર્ન તરીકે કેવી રીતે, ક્યાં જશે અને શું કરશે, તેનું કશું આયોજન નથી. એટલે નવી શિક્ષણનીતિની સાથે જૂની વહીવટી નીતિનું મિશ્રણ કરીને, સરકારે જાહેર કરવું પડ્યું છે કે વિદ્યાર્થી તેના પિતાની દુકાનમાં કે બ્યુટી પાર્લરમાં કામ કરશે અને પ્રમાણપત્ર લઈ આવશે તો પણ ચાલશે.

સરકારની આવી ઉદાર જાહેરાત વાંચીને ઇન્ટર્નશિપ માટેના કેટલાક મૌલિક વિચાર આપવાનું મન થયું, જેનાથી સરકાર નવી શિક્ષણનીતિના અમલનો (રાબેતા મુજબ, લોકહિતના ભોગે મળતો) આનંદ લઈ શકે અને જેમને માથે ઇન્ટર્નશિપ આવી પડી છે, તેમને કંઈક રસ્તો સૂઝે. ભરાઈ પડેલી સરકાર કોઈ પણ બાબતને ઇન્ટર્નશીપ તરીકે ગણી લેવા તૈયાર છે—બસ, પ્રમાણપત્ર હોવું જોઈએ.

ઇન્ટર્નશીપ આઇડિયા 1

દૈનિક ક્રિયાઓ કરવી તે પણ ઇન્ટર્નશીપનો જ એક પ્રકાર છે. તેના પ્રમાણપત્ર અને અહેવાલમાં સામેલ કરી શકાય એવા કેટલાક મુદ્દાઃ સવારે સૌથી પહેલાં મોંની, દાંતની, જીભની સફાઈ કરી. પછી પથારીની સફાઈ કરી. પછી પેટની અને સમગ્ર શરીરની સફાઈ કરી. ત્યાર પછી મોબાઇલ ફોનનાં રોજ ખડકાઈ જતા ડેટાની થોડી સફાઈ કરી. પછી વાહનમાંથી પેટ્રોલની સફાઈ કરી. બપોરે સમય થયે થાળીમાંથી ખાદ્યપદાર્થોની સફાઈ કરી. બપોરે થોડા કલાક વધારાના હતા. એટલે દિવસના કુલ કલાકોમાંથી તેમની સફાઈ કરી. સાંજે બીજા સહપાઠીઓ મળ્યા. તેમને પણ તેમની કોલેજમાંથી ઇન્ટર્નશીપ કરવા કહ્યું હતું. એટલે અમે સાથે મળીને, અમારા કેટલાક મિત્રો, શિક્ષકો, કોલેજ, પાડોશીઓ, ઇન્ફ્લુએન્સરો વગેરેની સામુહિક ધોરણે ધૂળ ખંખેરીને, તેમની થોડી સફાઈ કરી. આમ, ઇન્ટર્ન તરીકે આખો દિવસ વ્યસ્તતામાં વીત્યો. આ વ્યસ્ત આયોજનને રાષ્ટ્રીય સફાઈ અભિયાનમાં મારી ઇન્ટર્નશીપ તરીકે માન્ય રાખવામાં આવશે અને વડાપ્રધાનના પ્રિય અભિયાનને આગળ ધપાવવાના વિદ્યાર્થીઆલમના પ્રયાસોને હતાશા નહીં સાંપડે એવી આશા.

ઇન્ટર્નશીપ આઇડિયા 2

આજે સવારે ઉઠ્યો. ઊંડો શ્વાસ લીધો. પછી તે બહાર કાઢ્યો. ત્યારથી મારી ઇન્ટર્નશીપના વ્યસ્ત દિવસની શરૂઆત થઈ. સવારે ઉઠવાથી સ્નાન કરવા સુધી, તૈયાર થવાથી માંડીને મિત્રોને મળવા પહોંચતાં સુધી, મિત્રો સાથે ચર્ચાઓના વ્યસ્ત સમય દરમિયાન, ત્યાંથી નીકળીને એક મિત્રની હોસ્ટેલે પહોંચતાં સુધીમાં, બધા મિત્રો સાથે કીટલીએ અભ્યાસની ચર્ચા કરવા દરમિયાન, ત્યાંથી પાછા ઘરે પહંચીને જમવા સુધી અને જમીને સુઈ જવા સુધીમાં 23,395 વાર મેં શ્વાસ લીધો અને 23,390 વખત શ્વાસ (એટલે કે ઉચ્છવાસ) બહાર કાઢ્યો. પાંચેક વાર એવી કંઈક વાત થઈ હતી કે તત્કાળ મારો શ્વાસ અટકી ગયો. એટલે તે તાલ ખોરવાયો અને પાંચ ઉચ્છવાસ ઓછા નીકળ્યા.

આ પ્રકારના વિગતવાર અહેવાલ પાવર પોઇન્ટ અથવા બીજા કોઈ પણ સ્વરૂપે રોજ બનાવીને આપીશ અને હું ખરેખર, પ્રામાણિકતાપૂર્વક રોજ શ્વાસ લઉં છું-ઉચ્છવાસ કાઢું છું અને તેમાં કોઈ પ્રકારનાં ગાબડાં પાડતો નથી, તેનાં પ્રમાણપત્ર પણ પૂરાં પાડીશ. આશા છે કે મારી આ નિયમિત પ્રવૃત્તિને ઇન્ટર્નશીપ ગણીને તેની ચાર ક્રેડિટ આપવામાં આવશે.

ઇન્ટર્નશીપ આઇડિયા 3

સવારે ઉઠીને સ્વદેશી બ્રશ અને સ્વદેશી ટુથપેસ્ટનો ઉપયોગ કર્યો. પછી સ્વદેશી ચા પીને સ્વદેશી શેવિંગ ક્રીમથી દાઢી કરી, સ્વદેશી સાબુથી નાહ્યો અને સ્વદેશી ટુવાલથી શરીર લૂછ્યું. પછી સ્વદેશી બનાવટનું જિન્સ ધારણ કરીને સ્વદેશી બનાવટના દ્વિચક્રી પર બહાર નીકળ્યો, સ્વદેશી પેટ્રોલ પમ્પ પર સ્વદેશી બનાવટની ચલણી નોટો ન હોવાથી જી-પે કર્યું. ગુગલ વિદેશી કંપની છે એ સાચું, પણ આપણા માટે અમેરિકા વિદેશ થોડું કહેવાય? એ તો હમણાં જરા સખળડખળ ચાલે છે. બાકી, અમારો મમ્મીની સાઇડનો અડધો પરિવાર અમેરિકા છે. મામા-માસીનો દેશને સ્વદેશ ગણવો એ તો ભારતીય સંસ્કાર છે.

સ્વદેશી પેટ્રોલ પુરાવ્યા પછી રસ્તામાં એક ઠેકાણે ઊભા રહેવું પડ્યું. કારણ કે, મોટા સાહેબની ઇમ્પોર્ટેડ ગાડીઓનો કાફલો પસાર થઈ રહ્યો હોવાથી બધાને રોકી પાડવામાં આવ્યા હતા. પણ મને ખબર છે કે સાહેબો કરે એવું નહીં, તે કહે એવું કરવાનું હોય. એટલે મેં તો સ્વદેશીનો આગ્રહ ચાલુ રાખ્યો અને મારા દિવસનો અંત સ્વદેશી ગાદલા પર પાથરેલી સ્વદેશી ચાદર અને સ્વદેશી ઓશિકા પર સુઈને આવ્યો. બે મહિના દરમિયાન મેં આ રીતે કરેલી પ્રવૃત્તિને ‘વોકલ ફોર લોકલ’ અથવા ‘મેઇડ ઇન ઇન્ડિયા’ જેવા રાષ્ટ્રીય (સરકારી) કાર્યક્રમ અંતર્ગત કરેલી ઇન્ટર્નશીપ ગણીને, મને ચાર ક્રેડિટ માટે લાયક ગણવામાં આવે એવી વિનંતી.