Showing posts with label Archeology. Show all posts
Showing posts with label Archeology. Show all posts
Sunday, June 24, 2012
જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનાર બહુમુખી પ્રતિભાવાન પુરાતત્ત્વવિદ્ : ભગવાનલાલ ઇન્દ્રજી
![]() |
| ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indraji |
પુરાતત્ત્વ જેવી ‘શુષ્ક’ વિદ્યાશાખા અને તેના અભ્યાસીઓ સાથે સામાન્ય માણસને શી લેવાદેવા? એવી માન્યતા પ્રચલિત છે. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજી (૧૮૩૯-૧૮૮૮) જેવા અભ્યાસી-સંશોધકના કામ વિશે જાણ્યા પછી એ ખ્યાલ કેટલો ખોટો છે તે સમજાય.
ઉદાહરણ તરીકે જૈન ધર્મના ઇતિહાસની વાત કરીએ. ધર્મપ્રેમી જૈનોમાંથી કેટલા જાણતા હશે કે જૈન ધર્મ એક સમયે બૌદ્ધ ધર્મની શાખા ગણાતો હતો? ભગવાનલાલના સમકાલીન અભ્યાસીઓ માનતા હતા કે જૈન ધર્મ ઇસુ પૂર્વે બે સદીથી વધારે જૂનો નથી. પરંતુ ભગવાનલાલે ઉદયગિરિ (ઓરિસ્સા)ની જૈન ગુફાઓ અને મથુરાના જૈન સ્તૂપના અભ્યાસ પછી દર્શાવી આપ્યું કે શરૂઆતનાં વર્ષોમાં જૈન અને બૌદ્ધ ધર્મોની ઘણી બાબતો મળતી આવતી હતી. બૌદ્ધોની જેમ જૈનો પણ સ્તૂપની પૂજા કરતા હતા. તેને કારણે ઘણા જૈન સ્તૂપોને બૌદ્ધ સ્તૂપ માની લેવામાં આવતા હતા. એવી જ રીતે ઉદયગિરિની ગુફાઓમાં રહેલા રાજા ખારવેલના લેખને પણ વિદ્વાનો સાચી રીતે વાંચી શક્યા ન હતા.
ભગવાનલાલે સ્તૂપ સાથેના લખાણની મદદથી અને ખારવેલનો લેખ યોગ્ય રીતે વાંચીને જૈન ધર્મની પ્રાચીનતા દર્શાવી આપી. આ વિગતો ‘ભગવાનલાલ ઇન્દ્રજીઃ પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદ્યપુરૂષ’ એ પુસ્તકમાં નોંધતાં વીરચંદ ધરમસીએ લખ્યું છેઃ ‘જૈન ઇતિહાસ લખનારા હાલના મોટા ભાગના વિદ્યાવંતો એ વાતથી અજાણ દેખાય છે કે ભગવાનલાલ જૈન અઘ્યયના અગ્રિમ વિદ્યાવંત હતા.’
ભગવાનલાલની અભ્યાસનિષ્ઠા કોઇ ધર્મ-સંપ્રદાય કે વિસ્તાર-પ્રદેશ પૂરતી મર્યાદિત ન હતી. ૧૮૭૩-૭૪માં પાંચ મહિના માટે તે નેપાળ ગયા હતા. ત્યાં જવાનો હેતુ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરીને શક્ય એટલી વિગતો મેળવવાનો- શોધી કાઢવાનો હતો. એ માટે તે નેપાળી ભાષા પણ શીખ્યા હતા. નેપાળમાં તેમણે કેટલાંક પ્રાચીન સ્મારકો શોધી કાઢ્યાં. તેમાં ચાંગુનારાયણનો ગરુડ-સ્તંભ મુખ્ય છે. બૌદ્ધ ધર્મની ગુપ્ત ગણાતી હસ્તપ્રતો ત્યાંના ધર્માચાર્યો કોઇને બતાવતા નહીં, પણ ભગવાનલાલની વિદ્વત્તાથી પ્રભાવીત થયેલા ધર્માચાર્યોએ તેમને એ હસ્તપ્રતો બતાવી.
નેપાળમાં ભગવાનલાલે પ્રાચીન સ્મારકો અને હસ્તપ્રતોથી માંડીને સાંપ્રત સમાજ અને જીવન વિશેની ઘણી નોંધો કરી. તેને કારણે નેપાળના ઇતિહાસમાં પણ ભગવાનલાલ ઇંદ્રજીનું પાયાનું પ્રદાન સર્વસ્વીકૃત બન્યું. વીરચંદ ધરમસી લિખિત ભગવાનલાલના ચરિત્રની ગુજરાતી આવૃત્તિમાં લગભગ સવા સો છપાયેલાં પાનાંમાં તેમણે નેપાળ સહિતના વિવિધ પ્રવાસો દરમિયાન કરેલી નોંધો સમાવવામાં આવી છે. પુસ્તકની દળદાર અંગ્રેજી આવૃત્તિની સરખામણીમાં ગુજરાતી ચરિત્ર પ્રમાણમાં ટૂંકું હોવા છતાં, ભગવાનલાલની નોંધોને કારણે તે અત્યંત મૂલ્યવાન બન્યું છે.
જૂના લેખો વાંચવાનું કામ કેટલું કઠણ હતું અને ભગવાનલાલ તેમાં કેટલા નિષ્ણાત હતા તેનો એક જ નમૂનોઃ મોહેં-જો-દડોના શોધક રાખાલદાસ બેનરજી અને મુનિ જિનવિજયજી- આ બન્નેએ (ભગવાનલાલના મૃત્યુના દાયકાઓ પછી) ખારવેલનો લેખ ઉકેલવા માટે પૂરી સાધનસુવિધા સાથે પોતપોતાની રીતે પ્રયાસ કર્યા હતા. બેનરજીની મદદે બે કુશળ કલાકારો અને એક વિદ્વાન ઉપરાંત સરકારી સંસાધનો હતાં, જ્યારે મુનિ જિનવિજયજી પટના મ્યુઝિયમમાં એક અભ્યાસી સાથે રોજ ત્રણ-ચાર કલાક એમ એક અઠવાડિયા સુધી એ લેખના અક્ષરો બેસાડવા પ્રયાસ કરતા હતા. આ બન્ને મહાનુભાવોએ ભગવાનલાલ પ્રત્યે અપાર આદર સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે પૂરતી સુવિધા વિના, સ્થળ પર જઇને નરી આંખે ફક્ત બે જ દિવસમાં ભગવાનલાલ આ લેખની આટલી ઉત્તમ નકલ શી રીતે ઉતારી શક્યા હશે?
પુરાતત્ત્વવિદ્ તરીકે ખ્યાતિ મેળવનાર ભગવાનલાલે પોતાની અભ્યાસી દૃષ્ટિથી ઇતિહાસમાં કરેલું કામ ઇતિહાસકારો પણ યાદ કરતા નથી. જે સમયે ઇતિહાસના નામે અભ્યાસીઓ દંતકથા અને મૌખિક ઇતિહાસથી કામ ચલાવી લેતા હતા, ત્યારે ભગવાનલાલે જૂના અભિલેખો, સ્થાપત્યો-સ્મારકો અને સિક્કા જેવી નક્કર સામગ્રીના આધારે ગુજરાતનો આરંભિક ઇતિહાસ રજૂ કર્યો. ‘અર્લી હિસ્ટરી ઓફ ગુજરાત’ તેમનો પહેલો વ્યવસ્થિત અભ્યાસગ્રંથ હતો.
ભગવાનલાલ ભારતીય સંસ્કૃતિના પ્રેમી હોવા છતાં, તથ્યોના અર્થઘટનની બાબતમાં તે સંસ્કૃતિના મિથ્યાભિમાનથી દોરવાતા નહીં. ભારતીય માનસની મર્યાદાઓથી તે બરાબર પરિચિત હતા. એ માનસને રૂચે અને પચે એવાં તારણો કાઢી આપતા સરકારી કે લોકપ્રિય ઇતિહાસકારો જેવો ધંધો ભગવાનલાલે કદી ન કર્યો. ગુજરાતના અને કાઠિયાવાડનાં ઘણાં રજપૂત કુટુંબોનું પગેરું સાધારણ અથવા અજાણ્યા કુળ સુધી પહોંચતું હોવાનું તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું હતું. (તેમના ચરિત્રકાર વીરચંદ ધરમસીએ લખ્યું તેમ, જુદાં જુદાં જૂથો પોતાને જાણીતાં કુળ સાથે જોડતાં હોય ત્યારે ભગવાનલાલનું આ વિધાન ઘણું હિંમતભર્યું ગણી શકાય.) ૧૮૬૨માં તે અજંટાની ગુફાઓના અભ્યાસ માટે ગયા ત્યારે સ્થાનિક રહેવાસીઓ ગુફાને પાંડવની ગુફા તરીકે ઓળખતા હતા. એ સમયે ભગવાનલાલે નોંઘ્યું હતું કે ‘જેટલે ઠેકાણે ગુફાઓ છે તેને લોકો ઘણું કરીને પાંડવોના ગુફા જ કેહે છે.’
સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂતને વશ કરેલો એવી કથા વિશે ભગવાનલાલે લખ્યું હતું કે ‘બર્બરોનો એક સમુદાય દક્ષિણ સૌરાષ્ટ્રમાં વસેલો. એ વિસ્તાર આજે બાબરિયાવાડ તરીકે જાણીતો છે. તેની પર સિદ્ધરાજે જીત મેળવી હતી.’ સિદ્ધરાજના યુગમાં ચાલેલી ગાદીના વારસા માટેની ખટપટની પણ તેમણે નોંધ લીધી હતી. ધાર (મઘ્ય પ્રદેશ)ની એક મસ્જિદમાં ૨૪ ફૂટ લાંબો અને ૧૧ ઇંચનો ચોરસ એવો લોઢાનો સ્તંભ હતો. એ સ્તંભ વિશે એવી દંતકથા હતી કે સ્તંભ બહાર કરતાં જમીનમાં ઘણો લાંબો છે અને તેનો છેડો દોઢ માઇલ દૂર એક વાવમાં નીકળે છે. સ્થાનિક અમલદારો સુદ્ધાં આ વાત માનતા હતા, પણ ભગવાનલાલે જઇને સ્તંભ ખોદાવ્યો ત્યારે ખબર પડી કે જમીનમાં તે ફક્ત દોઢ ફૂટ ઊંડો જ હતો.
પ્રાચીન સ્મારકો-શિલાલેખો-સિક્કા જેવી નિર્જીવ સામગ્રી સાથે કામ પાડનાર ભગવાનલાલ સામાજિક રીતરિવાજો અને તેના ઇતિહાસમાં પણ જીવંત રસ ધરાવતા હતા. ૧૮૭૧-૭૨માં પ્રવાસ દરમિયાન, ઉત્તર પ્રદેશના સહારનપુર -કાલસી નજીક આવેલી પહાડીમાં તે ગયા હતા. ત્યાં બધા સગા ભાઇઓ એક જ સ્ત્રીને પરણે એવો રિવાજ હતો. એ વિશે ભગવાનલાલે વિગતે નોંધ કરી હતી. તેમણે લખ્યું હતું,‘દીકરીનાં માબાપ પણ શાદી કરતી વખતે મુખ્ય કરીને તપાસે છે કે તેઓ કેટલા ભાઇઓ છે. જો એકલો હોય તો તે ને દીકરી દેવાનું કોઇ પસંદ કરતું નથી. તેનું મુખ્ય કારણ એ બતાવે છે કે તેને રાંડવું પડશે...ચાર કે પાંચ ભાઇ હોય તેમાંથી જે ઓલાદ થાય તે સઘળી મોટા ભાની કહેવાય. તેઓમાંયના કોઇને પુછીએ કે તારા બાપનું નામ શું? તો તેના બાપો માંહેલા મોટા ભાઇનું નામ લે, પણ બોલવામાં સઘળાને બાપ કહે છે અને બધાને બાપની પ્રમાણે માન આપે છે.’ (જોડણી-ભાષા અસલ પ્રમાણે)
મુંબઇમાં ‘શેઠ અને ગુરુ’ ડૉ. ભાઉ દાજી ઉપરાંત અનેક અંગ્રેજ અફસરો-અભ્યાસીઓએ ભગવાનલાલના કામની કદર કરી. ભાઉ દાજીના મૃત્યુ પછી સ્વતંત્ર અભ્યાસી તરીકે ભગવાનલાલના નામ અને કામની, તેમના ગુજરાતી અભ્યાસલેખોના અંગ્રેજી અનુવાદની ઘણી પ્રશંસા થઇ. યુરોપના ઘણા વિદ્વાનો સાથે ભગવાનલાલની મિત્રાચારી થઇ હતી. તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ ચાલતો. ભગવાનલાલ મુંબઇના વાલકેશ્વરમાં જે ઘરમાં રહેતા હતા, એ તેમને ભાટિયા અને વાણિયા લોકોએ ભેટમાં આપ્યું હતું. જન્મે પ્રશ્નોરા નાગર એવા ભગવાનલાલને વૈદકનું જ્ઞાન કુટુંબ પરંપરામાંથી મળ્યું હતું. એમાં પણ તેમણે વિકાસ સાઘ્યો હતો. નેપાળ ગયા ત્યારે તે રક્તપિત અને કોઢના રોગ માટે ઓસડિયાં લાવ્યા હતા. વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ભગવાનલાલના શિષ્ય હતા. નાસિકની ગુફાઓના અભ્યાસ વખતે જયકૃષ્ણ ભગવાનલાલની સાથે જોડાયા હતા.
ગરીબ દર્દીઓને મફત દવા આપનારા આ પુરાતત્ત્વવિદ્ના એક મિત્ર-ચાહક હતાઃ બોમ્બે ગેઝેટીયરના સંપાદક જેમ્સ કેમ્પબેલ. તેમણે ગેઝેટીયરનું કામ કરતા ભીમભાઇ કિરપારામ અને ઝવેરીલાલ યાજ્ઞિકને ભગવાનલાલનાં સ્મરણોની નોંધ કરવાનું સૂચવ્યું હતું. પરંતુ એ કામ માંડ શરૂ થયું ત્યાં ૪૯ વર્ષની વયે, થોડી બિમારી પછી ભગવાનલાલના સભર-સમૃદ્ધ-સાર્થક જીવનનો અંત આવ્યો. છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું,‘મને મરણનો કોઇ ભય નથી. મારું મોટા ભાગનું જીવન એક સુંદર, પ્રામાણિક અને સત્ત્વશીલ કાર્યને મેં અર્પણ કર્યું છે.’ કેમ્પબેલે તેમને મૃત્યુનાં ત્રણ અઠવાડિયાં પહેલાં એક પત્રમાં લખ્યું હતું, ‘તમારું જીવન હવે લગભગ પૂરું થવામાં છે એ વિચારે ખિન્ન થઇ જવાય છે.આટલાં બધાં વર્ષોથી ગરીબોની માંદગી પાછળ તમે જે સમય અને નાણાં ખર્ચ્યાં છે, એ તમને તમારી કામગીરીનાં છપાયેલાં પરિણામો (અભ્યાસ-સંશોધન લેખો) કરતાં વધારે આશ્વાસન આપનારાં થઇ પડશે.’
કેમ્પબેલને શંકા હતી કે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીની પાછળ તેમની વિદ્વત્તા અને બૌદ્ધિક પ્રદાનની થોડી વિગતો સિવાય બાકી બઘું ભૂંસાઇ જશે. ગુજરાતના અને ભારતના અભ્યાસી સહિતના લોકોએ કેમ્પબેલની આશંકાથી આગળ વધીને, ભગવાનલાલના બૌદ્ધિક પ્રદાનને પણ વિસારે પાડી દીઘું હતું. એક સદી પછી ભગવાનલાલનું જીવન-કાર્ય ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં, પૂરા કદના પુસ્તક તરીકે ઉપલબ્ધ બન્યું છે, એ દર્શક ઇતિહાસ નિધિ અને વીરચંદ ધરમસીએ ભગવાનલાલ ઇન્દ્રજીને આપેલી સાચી અંજલિ છે.
Labels:
Archeology,
Bhagwanlal Indraji,
history/ઇતિહાસ,
religion
Monday, June 18, 2012
ઇતિહાસ-પુરાતત્ત્વ-કળા-સંસ્કૃતિની મહત્ત્વની કડીઓ જોડી આપનાર અભૂતપૂર્વ ગુજરાતી: ભગવાનલાલ ઇન્દ્રજી
શિલાલેખોનું વાચન, જૂના સિક્કાની ઓળખ, મૂર્તિઓનો અને સ્થાપત્યોનો અભ્યાસ, પ્રાચીન લિપી અને આંકડા ઉકેલવા- આ બધી પ્રવૃત્તિઓમાં ‘શું મળે?’ અથવા ‘એનાથી શો ફાયદો?’ એવા સવાલનો જવાબ આપવાનું અઘરૂં છે. પૂછનારના મનમાં ફાયદાની ગણતરી રૂપિયાપૈસાના કે સ્થૂળ પ્રસિદ્ધિના અર્થમાં થતી હોય ત્યારે તો ખાસ. પરંતુ અત્યારે સામાજિક મૂલ્ય ગણાતી વૈચારિક સંકુચિતતાની બહાર નીકળીને વિચારીએ તો, પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indrajiનું જીવનકાર્ય દંતકથા જેવું લાગે.
જૂનાગઢનો એક ગુજરાતી જણ ફક્ત ૪૯ વર્ષના જીવનકાળમાં એવું માતબર કામ કરીને જાય કે એ થકી ફક્ત ગુજરાતના જ નહીં, ભારતના ઇતિહાસમાં રહેલાં ગાબડાં પુરાય, ભારતની અસલી સંસ્કૃતિના દસ્તાવેજ જેવાં અનેક શિલાલેખ-શિલ્પ-સ્થાપત્યો તેનાં અર્થઘટન અને તસવીરો સહિત પ્રકાશમાં આવે, પરદેશી અભ્યાસીઓ- યુનિવર્સિટીમાં તેના અભ્યાસ-સંશોધનોની ભરપૂર કદર થાય, લેઇડન યુનિવર્સિટી તેમને માનદ્ ડોક્ટરેટની પદવીથી સન્માને, પ્રિન્સેપ-કનિંગહામ-બર્જેસ-બ્યૂલર જેવા પરદેશી વિદ્વાનો-અફસરોની હરોળમાં અંગ્રેજી ભાષાથી અલ્પપરિચિત એવા ગુજરાતી ભગવાનલાલને બરાબરીનું અને ઘણી વાર ચડિયાતું સ્થાન મળે
- અને આ બઘું થયા પછી પણ ગુજરાતમાં ‘ભગવાનલાલ ઇન્દ્રજી? એ કોણ?’ એવો સવાલ પૂછાતો હોય.
નર્મદના દેશાભિમાન-યુગથી લઇને ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સુધીનાં સવાસો- દોઢસો વર્ષમાં, ભગવાનલાલ ઇન્દ્રજીની ઉપેક્ષા એકંદરે ગુજરાતનો સ્થાયી ભાવ રહ્યો છે. ઉમાશંકર જોશીએ ૧૯૩૯ના એક લેખમાં ‘ગુજરાતના સીમાડા ભેદીને જેમની કીર્તિ બીજા પ્રાંતો અને દેશોમાં પ્રસરી છે અને પ્રસરતી રહેશે એવા ગુજરાતી સપૂતો’માં મહાત્મા ગાંધી, જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીની હરોળમાં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ મૂક્યું હતું. ‘હૃદયમાં પડેલી છબીઓ’ પુસ્તકમાં ઉમાશંકરે પહેલી જ છબી ભગવાનલાલની આલેખી હતી. તેમાં એમણે લખ્યું હતું,‘જે પ્રજા સાચા પૂજાર્હોને (પૂજનીયોને) ઓળખી શકતી નથી તે ક્રમે ક્રમે પૂજ્ય પુરૂષોને પેદા કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. પૂજ્યોમાંથી પ્રથમ કક્ષાનાઓને પડતા મૂકીને ઊતરતી કક્ષાના ઠીંગુજીઓને જે પ્રજા પૂજે, તે પોતાના આદર્શોને પણ એ ધોરણ પર લાવી મૂકે છે.’
ઉમાશંકરનું આ વિધાન ગુજરાતીઓ માટે ફક્ત નિદાન નહીં, સચોટ આગાહી પણ બન્યું છે. ભગવાનલાલ જેવાં વિરાટ વ્યક્તિત્ત્વોને વિસારે પાડીને ગુજરાતની અસ્મિતાનાં બણગાં ફૂંકવામાં કશો વિરોધાભાસ ગણાતો નથી. અત્યાર લગી ભગવાનલાલ વિશેની સામગ્રીમાં દુર્ગાશંકર શાસ્ત્રીએ લખેલું, ગુજરાત વિદ્યાસભાએ ૧૯૪૫માં પ્રકાશિત કરેલું ભગવાનલાલનું જીવનચરિત્ર (કિંમત રૂ.૧, ૧૮૦૦ નકલ) હતું. એ સિવાય ઉમાશંકરનો લેખ કે ધોરાજીના ડૉ.હસમુખ વ્યાસ લિખિત પુસ્તિકા ‘પૂર્વના પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી’ (૨૦૦૯) જેવી છૂટીછવાયી સામગ્રી ખાંખાખોળા કરવાથી મળતી હતી. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજીની પ્રતિભા અને તેમના પ્રદાનને પૂરો ન્યાય આપે એવું જીવનચરિત્ર તેમના મૃત્યુની એક સદી પછી પણ મળ્યું ન હતું.
એ મહેણું જાણીતા અભ્યાસી વીરચંદ ધરમસી અને ‘દર્શક ઇતિહાસ નિધિ’એ આખરે ભાંગ્યું છે. ૭૭ વર્ષના વીરચંદભાઇએ વીસ વર્ષની મહેનત પછી, ખંત અને અભ્યાસપૂર્વક અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષાઓમાં ભગવાનલાલ ઇન્દ્રજીનું ઉત્તમ જીવનચરિત્ર તૈયાર કર્યું છે. અંગ્રેજી ચરિત્ર પાંચસો પાનાંનું અને કેટલીક તસવીરો સાથેનું છે, જ્યારે ગુજરાતી ચરિત્ર કુલ ૨૯૬ પાનાંનું છે. પરંતુ ગુજરાતી ચરિત્રમાં સમાવાયેલી ભગવાનલાલ ઇન્દ્રજીની લગભગ સવા સો પાનાં જેટલી અસલ નોંધો એ પુસ્તકને અત્યંત મૂલ્યવાન અને ઐતિહાસિક રીતે મહત્ત્વનું બનાવે છે.
કોણ હતા ભગવાનલાલ ઇન્દ્રજી? સંસ્કૃતના વિદેશી વિદ્વાન તરીકે જાણીતા મેક્સમૂલરે તેમને મેક્સમૂલરે તેમના માટે ‘કોનશ્યન્શ્યસ સ્કોલર’ જેવું વિશેષણ વાપર્યું હતું. ઉમાશંકરે એ વિશેષણનું ગુજરાતી ‘પ્રામાણિક હૃદયબુદ્ધિના અભ્યાસી’ એવું કરીને લખ્યું હતું, ‘અભ્યાસીની કદર માટે આના કરતાં મોંઘો શબ્દ ભાગ્યે જ બીજો કોઇ હશે.’ જે સમયે ‘પંડિત’ શબ્દનો અર્થ ‘અંગ્રેજ સંશોધકો-પુરાતત્ત્વવિદોને મદદ કરનાર સહાયક-આસિસ્ટન્ટ’ થતો હતો, ત્યારે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી ખરા અર્થમાં પુરાતત્ત્વની વિવિધ શાખાઓના પંડિત તરીકે ઊભરી આવ્યા. જૂનાગઢમાં નવેમ્બર ૯, ૧૮૩૯ના રોજ જન્મેલા ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટે ફક્ત ૧૪ વર્ષની ઉંમરથી પડખે આવેલા ગિરનારના શિલાલેખો ઉકેલવાની મથામણ શરૂ કરી દીધી હતી.
ગિરનારના શિલાલેખ લાંબા સમયથી અભ્યાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાવ્યાસંગી અંગ્રેજ અફસરો કે મિશનરીઓ આ શિલાલેખોની નકલ કરાવીને તેની લિપિ ઉકેલવા પ્રયાસ કરતા હતા. તેમાં જેમ્સ પ્રિન્સેપ અને ‘લેન્ગ લાયબ્રેરી’ થકી હજુ રાજકોટમાં જાણીતા એવા કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વિલિયમ લેન્ગ મુખ્ય હતા. લેન્ગને પોતાને પુરાતત્ત્વમાં રૂચિ હોવાથી પ્રાચીન બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોનો એક ચાર્ટ તેમણે જૂનાગઢની સંસ્કૃત પાઠશાળામાં મોકલી આપ્યો હતો. ભગવાનલાલ એ પાઠશાળાના વિદ્યાર્થી. એટલે મૂળાક્ષરોના ચાર્ટથી જાગ્રત થયેલી જિજ્ઞાસા તેમને ગિરનારના શિલાલેખો ભણી ખેંચી ગઇ. બે વર્ષમાં તેમનો અભ્યાસ એટલો આગળ વઘ્યો કે કર્નલ લેંગ તેમનો ઉલ્લેખ ‘નાનકડા પુરાતત્ત્વવિદ્’ તરીકે કરતા હતા.
સામાન્ય સંજોગોમાં ભગવાનલાલ તેમની બધી પ્રતિભા સહિત જૂનાગઢ-કાઠિયાવાડના મર્યાદિત વર્તુળમાં સીમિત બનીને રહી ગયા હોત. પણ એલેક્ઝાન્ડર ફાર્બસે ફરી એક વાર ગુજરાતની મોટી સેવા કરી. દલપતરામને પ્રોત્સાહન-આશ્રય આપનાર ફાર્બસ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે નિમાતાં તે જુવાન ભગવાનલાલના પરિચયમાં આવ્યા. ‘નાનકડો પુરાતત્ત્વવિદ્’ ત્યારે જુવાન બની ચૂક્યો હતો. ફાર્બસે તેમનો પરિચય મુંબઇના અગ્રણી ડો.ભાઉ દાજી સાથે કરાવ્યો. ડો.ભાઉ અને ભગવાનલાલનો વિશિષ્ટ સંબંધ એ બન્ને ઉપરાંત પુરાતત્ત્વવિદ્યાની અનેક શાખાઓ માટે ભારે ફળદાયી પુરવાર થયો.
કવિ નર્મદ જેમને પોતાના ‘વડીલભાઇ જેવા અને પરમ સ્નેહી’ ગણતા હતા એ ડો.ભાઉ (સાચું નામઃ રામકૃષ્ણ વિઠ્ઠલ) કળા-સાહિત્ય ઉપરાંત પુરાતત્ત્વના પણ અચ્છા અભ્યાસી હતા. ફાર્બસની ભલામણથી તેમણે ભગવાનલાલની ચકાસણી કરી લીધા પછી લખ્યું, ‘તમે મુંબઇ આવી જાવ અને મારી સાથે કામ કરો. પુરાતત્ત્વકીય સંશોધનના નવા ક્ષેત્રમાં તમને જે સગવડો જોઇશે એ મળી રહેશે.’ ભાઉનું આમંત્રણ સ્વીકારીને ભગવાનલાલ ૨૨ વર્ષની વયે, એપ્રિલ ૨૪, ૧૮૬૨ના રોજ મુંબઇ આવી ગયા. તેમનો અને ભાઉનો સાથ ભાઉના મૃત્યુ સુધી ટક્યો.
ભાઉએ પૂરી પાડેલી સુવિધાઓનો ઉપયોગ કરીને ભગવાનલાલ અભ્યાસ કરે, લેખો ઉકેલે, પ્રવાસો કરે, નવી શોધો કરે અને ડો.ભાઉ તેના આધારે સંશોધનલેખો રજૂ કરે. આ જાતની ગોઠવણ અત્યારે અજૂગતી લાગી શકે, પરંતુ એ સમયે ભગવાનલાલ એ ગોઠવણથી રાજી અને સંતુષ્ટ હતા. ૧૮૭૪માં લાંબી બિમારી પછી ડો.ભાઉનું અવસાન થયું, તેનાં ચાર વર્ષ પહેલાં ભાઉએ પહેલી વાર પોતાના શોધનિબંધમાં ભગવાનલાલના નામનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ એ ક્ષેત્રના જાણકારો ભાઉના લેખોમાં ભગવાનલાલના પ્રદાનથી બરાબર વાકેફ હતા.
અંગ્રેજ સરકારે ૧૮૬૧માં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેના પહેલા વડા કનિંગહામને મહિને રૂ.૨૦૦૦ પગાર મળતો હતો અને તેમની કામગીરીનું વાર્ષિક ખર્ચ રૂ.૫૪ હજાર આવ્યું હતું.
એવું જ કામ કરવા માટે ભગવાનલાલને મહિને રૂ.૨૦૦ મળતા હતા. આ રકમ જૂનાગઢના નવાબ તરફથી તેમને ડો.ભાઉ દાજીના ‘પંડિત’ તરીકે ચૂકવાતી હતી. કનિંગહામના પગારની સરખામણીમાં આ રકમ મામૂલી લાગે, પણ ૧૮૬૦ના દાયકાને ઘ્યાનમાં રાખતાં ભગવાનલાલને આ પગારમાં શોષણનો અહેસાસ ન થયો હોય, એ બનવાજોગ છે. ઉપરાંત, ડો.ભાઉ દાજીએ પોતાને તક આપી એ વાતનો ગુણ ભગવાનલાલના મનમાં છેવટ સુધી રહ્યો હતો. એટલે, પોતાનો હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ મુંબઇની રોયલ એશિયાટિક સોસાયટીને આપતાં તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે એ સંગ્રહને પોતાના ગુરૂ અને શેઠ ડો.ભાઉ દાજીનાં સંસ્કૃત પુસ્તકો જે કબાટમાં છે, તેની બાજુના કબાટમાં રાખવો અને તેની પર ‘ડો.ભાઉ દાજીના શિષ્ટ ભગવાનલાલ ઇન્દ્રજીનો સંગ્રહ’ એમ લખાવવું.
(મુંબઇ આવ્યા પછી ભગવાનલાલે મઘ્ય-ઉત્તર ભારતના ભ્રમણની સાથોસાથ, જૈન ધર્મના ઇતિહાસથી માંડીને ‘કામસૂત્ર’ની પહેલી આલોચનાત્મક આવૃત્તિ- તેના ગુજરાતી અનુવાદ સુધીનાં અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યાં. ઇતિહાસમાંથી દંતકથા ગાળીને તેનાં સ્વસ્થ-તટસ્થ અર્થઘટન આપ્યાં. તેની વિગતો આવતા સપ્તાહે.)
![]() |
| ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indraji |
![]() |
| ભગવાનલાલ ઇન્દ્રજીની ગુજરાતી અને અંગ્રેજી સહી |
- અને આ બઘું થયા પછી પણ ગુજરાતમાં ‘ભગવાનલાલ ઇન્દ્રજી? એ કોણ?’ એવો સવાલ પૂછાતો હોય.
નર્મદના દેશાભિમાન-યુગથી લઇને ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સુધીનાં સવાસો- દોઢસો વર્ષમાં, ભગવાનલાલ ઇન્દ્રજીની ઉપેક્ષા એકંદરે ગુજરાતનો સ્થાયી ભાવ રહ્યો છે. ઉમાશંકર જોશીએ ૧૯૩૯ના એક લેખમાં ‘ગુજરાતના સીમાડા ભેદીને જેમની કીર્તિ બીજા પ્રાંતો અને દેશોમાં પ્રસરી છે અને પ્રસરતી રહેશે એવા ગુજરાતી સપૂતો’માં મહાત્મા ગાંધી, જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીની હરોળમાં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ મૂક્યું હતું. ‘હૃદયમાં પડેલી છબીઓ’ પુસ્તકમાં ઉમાશંકરે પહેલી જ છબી ભગવાનલાલની આલેખી હતી. તેમાં એમણે લખ્યું હતું,‘જે પ્રજા સાચા પૂજાર્હોને (પૂજનીયોને) ઓળખી શકતી નથી તે ક્રમે ક્રમે પૂજ્ય પુરૂષોને પેદા કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. પૂજ્યોમાંથી પ્રથમ કક્ષાનાઓને પડતા મૂકીને ઊતરતી કક્ષાના ઠીંગુજીઓને જે પ્રજા પૂજે, તે પોતાના આદર્શોને પણ એ ધોરણ પર લાવી મૂકે છે.’
ઉમાશંકરનું આ વિધાન ગુજરાતીઓ માટે ફક્ત નિદાન નહીં, સચોટ આગાહી પણ બન્યું છે. ભગવાનલાલ જેવાં વિરાટ વ્યક્તિત્ત્વોને વિસારે પાડીને ગુજરાતની અસ્મિતાનાં બણગાં ફૂંકવામાં કશો વિરોધાભાસ ગણાતો નથી. અત્યાર લગી ભગવાનલાલ વિશેની સામગ્રીમાં દુર્ગાશંકર શાસ્ત્રીએ લખેલું, ગુજરાત વિદ્યાસભાએ ૧૯૪૫માં પ્રકાશિત કરેલું ભગવાનલાલનું જીવનચરિત્ર (કિંમત રૂ.૧, ૧૮૦૦ નકલ) હતું. એ સિવાય ઉમાશંકરનો લેખ કે ધોરાજીના ડૉ.હસમુખ વ્યાસ લિખિત પુસ્તિકા ‘પૂર્વના પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી’ (૨૦૦૯) જેવી છૂટીછવાયી સામગ્રી ખાંખાખોળા કરવાથી મળતી હતી. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજીની પ્રતિભા અને તેમના પ્રદાનને પૂરો ન્યાય આપે એવું જીવનચરિત્ર તેમના મૃત્યુની એક સદી પછી પણ મળ્યું ન હતું.
એ મહેણું જાણીતા અભ્યાસી વીરચંદ ધરમસી અને ‘દર્શક ઇતિહાસ નિધિ’એ આખરે ભાંગ્યું છે. ૭૭ વર્ષના વીરચંદભાઇએ વીસ વર્ષની મહેનત પછી, ખંત અને અભ્યાસપૂર્વક અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષાઓમાં ભગવાનલાલ ઇન્દ્રજીનું ઉત્તમ જીવનચરિત્ર તૈયાર કર્યું છે. અંગ્રેજી ચરિત્ર પાંચસો પાનાંનું અને કેટલીક તસવીરો સાથેનું છે, જ્યારે ગુજરાતી ચરિત્ર કુલ ૨૯૬ પાનાંનું છે. પરંતુ ગુજરાતી ચરિત્રમાં સમાવાયેલી ભગવાનલાલ ઇન્દ્રજીની લગભગ સવા સો પાનાં જેટલી અસલ નોંધો એ પુસ્તકને અત્યંત મૂલ્યવાન અને ઐતિહાસિક રીતે મહત્ત્વનું બનાવે છે.
કોણ હતા ભગવાનલાલ ઇન્દ્રજી? સંસ્કૃતના વિદેશી વિદ્વાન તરીકે જાણીતા મેક્સમૂલરે તેમને મેક્સમૂલરે તેમના માટે ‘કોનશ્યન્શ્યસ સ્કોલર’ જેવું વિશેષણ વાપર્યું હતું. ઉમાશંકરે એ વિશેષણનું ગુજરાતી ‘પ્રામાણિક હૃદયબુદ્ધિના અભ્યાસી’ એવું કરીને લખ્યું હતું, ‘અભ્યાસીની કદર માટે આના કરતાં મોંઘો શબ્દ ભાગ્યે જ બીજો કોઇ હશે.’ જે સમયે ‘પંડિત’ શબ્દનો અર્થ ‘અંગ્રેજ સંશોધકો-પુરાતત્ત્વવિદોને મદદ કરનાર સહાયક-આસિસ્ટન્ટ’ થતો હતો, ત્યારે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી ખરા અર્થમાં પુરાતત્ત્વની વિવિધ શાખાઓના પંડિત તરીકે ઊભરી આવ્યા. જૂનાગઢમાં નવેમ્બર ૯, ૧૮૩૯ના રોજ જન્મેલા ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટે ફક્ત ૧૪ વર્ષની ઉંમરથી પડખે આવેલા ગિરનારના શિલાલેખો ઉકેલવાની મથામણ શરૂ કરી દીધી હતી.
ગિરનારના શિલાલેખ લાંબા સમયથી અભ્યાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાવ્યાસંગી અંગ્રેજ અફસરો કે મિશનરીઓ આ શિલાલેખોની નકલ કરાવીને તેની લિપિ ઉકેલવા પ્રયાસ કરતા હતા. તેમાં જેમ્સ પ્રિન્સેપ અને ‘લેન્ગ લાયબ્રેરી’ થકી હજુ રાજકોટમાં જાણીતા એવા કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વિલિયમ લેન્ગ મુખ્ય હતા. લેન્ગને પોતાને પુરાતત્ત્વમાં રૂચિ હોવાથી પ્રાચીન બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોનો એક ચાર્ટ તેમણે જૂનાગઢની સંસ્કૃત પાઠશાળામાં મોકલી આપ્યો હતો. ભગવાનલાલ એ પાઠશાળાના વિદ્યાર્થી. એટલે મૂળાક્ષરોના ચાર્ટથી જાગ્રત થયેલી જિજ્ઞાસા તેમને ગિરનારના શિલાલેખો ભણી ખેંચી ગઇ. બે વર્ષમાં તેમનો અભ્યાસ એટલો આગળ વઘ્યો કે કર્નલ લેંગ તેમનો ઉલ્લેખ ‘નાનકડા પુરાતત્ત્વવિદ્’ તરીકે કરતા હતા.
સામાન્ય સંજોગોમાં ભગવાનલાલ તેમની બધી પ્રતિભા સહિત જૂનાગઢ-કાઠિયાવાડના મર્યાદિત વર્તુળમાં સીમિત બનીને રહી ગયા હોત. પણ એલેક્ઝાન્ડર ફાર્બસે ફરી એક વાર ગુજરાતની મોટી સેવા કરી. દલપતરામને પ્રોત્સાહન-આશ્રય આપનાર ફાર્બસ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે નિમાતાં તે જુવાન ભગવાનલાલના પરિચયમાં આવ્યા. ‘નાનકડો પુરાતત્ત્વવિદ્’ ત્યારે જુવાન બની ચૂક્યો હતો. ફાર્બસે તેમનો પરિચય મુંબઇના અગ્રણી ડો.ભાઉ દાજી સાથે કરાવ્યો. ડો.ભાઉ અને ભગવાનલાલનો વિશિષ્ટ સંબંધ એ બન્ને ઉપરાંત પુરાતત્ત્વવિદ્યાની અનેક શાખાઓ માટે ભારે ફળદાયી પુરવાર થયો.
કવિ નર્મદ જેમને પોતાના ‘વડીલભાઇ જેવા અને પરમ સ્નેહી’ ગણતા હતા એ ડો.ભાઉ (સાચું નામઃ રામકૃષ્ણ વિઠ્ઠલ) કળા-સાહિત્ય ઉપરાંત પુરાતત્ત્વના પણ અચ્છા અભ્યાસી હતા. ફાર્બસની ભલામણથી તેમણે ભગવાનલાલની ચકાસણી કરી લીધા પછી લખ્યું, ‘તમે મુંબઇ આવી જાવ અને મારી સાથે કામ કરો. પુરાતત્ત્વકીય સંશોધનના નવા ક્ષેત્રમાં તમને જે સગવડો જોઇશે એ મળી રહેશે.’ ભાઉનું આમંત્રણ સ્વીકારીને ભગવાનલાલ ૨૨ વર્ષની વયે, એપ્રિલ ૨૪, ૧૮૬૨ના રોજ મુંબઇ આવી ગયા. તેમનો અને ભાઉનો સાથ ભાઉના મૃત્યુ સુધી ટક્યો.
![]() |
| ડો.ભાઉ દાજી/ Bhau Daji |
અંગ્રેજ સરકારે ૧૮૬૧માં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેના પહેલા વડા કનિંગહામને મહિને રૂ.૨૦૦૦ પગાર મળતો હતો અને તેમની કામગીરીનું વાર્ષિક ખર્ચ રૂ.૫૪ હજાર આવ્યું હતું.
એવું જ કામ કરવા માટે ભગવાનલાલને મહિને રૂ.૨૦૦ મળતા હતા. આ રકમ જૂનાગઢના નવાબ તરફથી તેમને ડો.ભાઉ દાજીના ‘પંડિત’ તરીકે ચૂકવાતી હતી. કનિંગહામના પગારની સરખામણીમાં આ રકમ મામૂલી લાગે, પણ ૧૮૬૦ના દાયકાને ઘ્યાનમાં રાખતાં ભગવાનલાલને આ પગારમાં શોષણનો અહેસાસ ન થયો હોય, એ બનવાજોગ છે. ઉપરાંત, ડો.ભાઉ દાજીએ પોતાને તક આપી એ વાતનો ગુણ ભગવાનલાલના મનમાં છેવટ સુધી રહ્યો હતો. એટલે, પોતાનો હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ મુંબઇની રોયલ એશિયાટિક સોસાયટીને આપતાં તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે એ સંગ્રહને પોતાના ગુરૂ અને શેઠ ડો.ભાઉ દાજીનાં સંસ્કૃત પુસ્તકો જે કબાટમાં છે, તેની બાજુના કબાટમાં રાખવો અને તેની પર ‘ડો.ભાઉ દાજીના શિષ્ટ ભગવાનલાલ ઇન્દ્રજીનો સંગ્રહ’ એમ લખાવવું.
(મુંબઇ આવ્યા પછી ભગવાનલાલે મઘ્ય-ઉત્તર ભારતના ભ્રમણની સાથોસાથ, જૈન ધર્મના ઇતિહાસથી માંડીને ‘કામસૂત્ર’ની પહેલી આલોચનાત્મક આવૃત્તિ- તેના ગુજરાતી અનુવાદ સુધીનાં અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યાં. ઇતિહાસમાંથી દંતકથા ગાળીને તેનાં સ્વસ્થ-તટસ્થ અર્થઘટન આપ્યાં. તેની વિગતો આવતા સપ્તાહે.)
Labels:
Archeology,
Bhagwanlal Indraji,
Gujarat/ગુજરાત
Subscribe to:
Posts (Atom)