Tuesday, August 12, 2025
અલવિદા, તુષારભાઈ
| મુંબઈમાં અશ્વિનીભાઈ-નીતિભાભી સાથે ડો. તુષારભાઈ અને તેમની દીકરી, 2012 |
![]() |
| 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'ના ગુજરાતી અનુવાદ 'ગાંધી પછીનું ભારત'ના પ્રકાશન સમારંભમાં, રામ ગુહાની પાછળ ત્રીજી લાઇનમાં તુષારભાઈ, 2025 |
આજે ડો. તુષાર શાહની વિદાયના સમાચાર મળ્યા. કેટલાક સ્નેહીઓ એવા હોય છે, જેમને મળવાનું ઓછું થયું હોય, પણ જ્યારે મળીએ ત્યારે તેમનો ઉમળકો સ્પર્શ્યા વિના ન રહે. તુષારભાઈ એવા એક જણ હતા.
તેમની જાહેર ઓળખ કાર્ડિયોલોજિસ્ટ તરીકેની, પણ મારા જેવા કેટલાક લોકો માટે તેમની મુખ્ય ઓળખ અશ્વિનીભાઈ (અશ્વિની ભટ્ટ)ના પ્રેમી તરીકેની થઈ. અશ્વિનીભાઈ બહુ મઝાથી અને તેમના અંદાજમાં કહેતા કે તેમને બાય પાસ કરાવવાની હતી અને હોસ્પિટલમાં એડમિટ થવાનું હતું, તેની આગલી સાંજે તેમના બંગલાની ડોરબેલ વાગી. તેમણે જઈને બારણું ખોલ્યું તો કોઈ અજાણ્યા સજ્જન, ઝભ્ભા-લેંઘામાં સજ્જ, બારણે ઊભા હતા. પહેલી નજરે પ્રભાવશાળી ન લાગે. અશ્વિનીભાઈને થયુંં કે હશે કોઈ વાચક. ભાઈએ ઓળખાણ પણ એવી જ આપી કે સાહેબ, તમારો વાચક છું. પછી ધીમે રહીને કહ્યું કે મારું નામ ડો. તુષાર શાહ. ત્યારે ગુરુને થયું, ઓહો, કાલે આપણે જેને ત્યાં જવાનું છે, તે જ આજે આપણે ત્યાં.
પછી તો બંને વચ્ચેનો સ્નેહસંબંધ બહુ ખીલ્યો. તુષારભાઈ અશ્વિનીભાઈની અત્યંત કાળજી રાખતા હતા. અશ્વિનીભાઈ થકી મારે પણ તુષારભાઈ સાથે ક્યારેક ફોન પર વાતચીત ને ક્યારેક રૂબરુ મુલાકાતનો સંબંધ થયો. તુષારભાઈ મૃદુભાષી, એક-બે વાક્યો બોલીને હસે. ઘણી વાર શબ્દોને બદલે હાસ્યથી પણ કામ ચલાવે. તેમની હાજરી વરતાવા ન દે.
અશ્વિનીભાઈ છેલ્લી વાર અમદાવાદ-ભારત આવ્યા અને અવિનાશભાઈ પારેખ દ્વારા આયોજિત 'જો આ હોય મારું છેલ્લું પ્રવચન' માટે મુંબઈ જવાનું થયું, ત્યારે તબિયતની બહુ ગરબડ હતી. તે મુંબઈ જઈ શકશે કે નહીં, એવી શંકા હતી. પરંતુ અશ્વિનીભાઈ એમ હાર માને નહીં. છેવટે, અશ્વિનીભાઈ-નીતિભાભીની સાથે ડો.તુષારભાઈ પણ મુંબઈ ગયા. કાર્યક્રમ સુખરૂપ પાર પડ્યો અને તેના શીર્ષકને કમનસીબ રીતે સાચું ઠેરવતો હોય તેેમ, અશ્વિનીભાઈનું તે છેલ્લું પ્રવચન જ બની રહ્યો.
અશ્વિનીભાઈની સ્મૃતિમાં જે પુસ્તક કરવાનું છે (જેનો મોટા ભાગનો હિસ્સો તૈયાર છે. તેમના પુત્ર નીલ પાસેથી કેટલીક સામગ્રી આવે તેની રાહ છે.) તેમાં પણ તુષારભાઈએ હાથેથી કાગળ પર લખીને આપ્યું હતું. તે વાંચીને મેં કહ્યું હતું કે આ તો બહુ ટૂંકું છે. તમારી પાસે નિરાંતે વાત કરવી પડશે.
પણ એવી નિરાંત કદી આવી નહીં. તેમની સાથેની છેલ્લી મુલાકાત અમારા 'ગાંધી પછીનું ભારત'ના પ્રાગટ્ય-સમારંભમાં થઈ. તે સજોડે આવ્યા હતા, બહુ પ્રેમથી મળ્યા અને શાંતિથી મળવાનું બાકી રહ્યાના અહેસાસ સાથે છૂટા પડ્યા. અગાઉ કેન્સર સાથે ભારે આત્મબળથી ઝઝૂમી ચૂકેલા તુષારભાઈના ઓચિંતા, એકાદ દિવસની ટૂંકી માંદગી પછી અણધાર્યા, અવસાનના સમાચાર નીલ પાસેથી જાણીને આંચકો લાગ્યો અને અત્યાર લગી મનમાં ઝીલાયેલી તેમની અનેક છબીઓ સહેજ ભીનાશમાં તરવરી રહી.
Thursday, December 27, 2012
અશ્વિનીભાઇને દિલથી યાદ કરવાની મહેફિલઃ આકંઠ અશ્વિની
અંજલિ, શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિ, સ્મૃતિસભા..આવા શબ્દો સાંભળીને હવે ફાળ પડે છે. થાય છે કે દિવંગત જણના નિમિત્તે વધુ એક વાર થોડા લોકો ભેગા થશે, તેમાંથી અમુક સ્ટેજ પરથી જાતનો મહિમા કરતાં પ્રવચનો આપશે, જેમાં વચ્ચે વચ્ચે દિવંગતનો ઉલ્લેખ પણ આવશે, એક સંચાલક હશે જે રાબેતા મુજબ 'મને જુઓ , મને જુઓ' કરતો હશે...અને રાબેતા મુજબ, સુજ્ઞ શ્રોતાએ હળવી ફરિયાદો કરતા અને 'કાર્યક્રમોના આવા માળખામાં ફેરફાર થવો જોઇએ' એવો આશાવાદ વ્યક્ત કરતા છૂટા પડશે.
એવા શ્રોતાઓમાં અમારી મિત્રમંડળીનો સમાવેશ થતો હોવાથી એક વાત નક્કી હતી કે અશ્વિનીભાઇને અમારી અંજલિ આવી તો નહીં જ હોય.
શું ન હોય તેની સ્પષ્ટતા આવી જાય, તો ઘણી ગરબડો થતી અટકી જાય છે. એટલે અશ્વિનીભાઇને મન ભરીને યાદ કરવાના કાર્યક્રમમાં એટલું નક્કી ઠર્યું કે કોઇ ભાષણબાજી નહીં થાય. કોઇ વક્તા નહીં. કોઇ સંચાલક નહીં. બસ, સ્ટેજ પર હશે અશ્વિનીભાઇનો શબ્દ-દૃશ્યદેહ અને સામે બેઠા હશે તેમના પ્રેમીઓ-ચાહકો. વચ્ચે કોઇની ખિટપિટ નહીં. કોઇએ તેમના અજવાળામાં પ્રકાશવાનું નહીં. કોઇએ કહેવાનું નહીં કે અશ્વિનીભાઇ તેમને કેટલા ખાસ ગણતા હતા. કોઇએ કહેવાનું નહીં કે અશ્વિનીભાઇએ તો કહ્યું હતું કે મારા પછી તું જ છે. પ્રિય લેખકના મૃત્યુને વટાવી ખાવાની ચેષ્ટાઓ ચંદ્રકાંત બક્ષીના મૃત્યુ પછી ઘણી થઇ હતી.
દરેકમાંથી કંઇક શીખવા મળે છે. શું ન કરવું એ શીખવા મળે તો તેની કિંમત પણ કંઇ ઓછી છે?
સોમવારે (10-12-12)અશ્વિનીભાઇની વિદાયના સમાચાર આવ્યા પછી બધાએ નક્કી તો કરી નાખ્યું કે રવિવારે (16-12-12)કાર્યક્રમ રાખી દઇએ. ધૈવત ત્રિવેદીએ લખેલા વિસ્તૃત લેખનું અમને બહુ ગમતું મથાળું તૈયાર જ હતું- 'આકંઠ અશ્વિની'. એમાં વિદાયનો કે શોકસભાનો કશો સંકેત નહીં, પણ પ્રિય વ્યક્તિ પ્રત્યેનું વહાલ અને તેનો ખુમાર છલકાતો હતો. એટલે કાર્યક્રમનું નામ પડ્યું, 'આકંઠ અશ્વિની'. ત્યાર પછીના ચાર-પાંચ દિવસમાં, બધા મિત્રોની મિટિંગ કર્યા વિના, સૌએ પોતપોતાનું કામ વહેંચી લઇને જે રીતે ડેડલાઇનમાં કામ સરસ રીતે પૂરું કર્યું એમાં ટીમવર્કની તાકાત, એકબીજાની ક્ષમતાઓ વિશેની ખાતરી અને અશ્વિનીભાઇ પ્રત્યેની લાગણી ઝળકતાં હતાં.
કાર્યક્રમનું માળખું એવું નક્કી થયું કે શરૂઆતમાં અશ્વિનીભાઇની નવલકથાઓમાંથી ધૈવત ત્રિવેદી ચાર ટુકડા ચૂંટે, તેની આગળ નાની ભૂમિકા લખે, આશિષ કક્કડ એ ટુકડાના પઠનનો મામલો સંભાળે, હું બાકીના કાર્યક્રમ માટે અશ્વિનીભાઇની અત્યાર સુધી લીધેલી વિડીયોના ખજાનામાંથી પસંદ કરેલા ટુકડા કાઢું અને તેની આસપાસ આછીપાતળી- ફક્ત વિડીયોને આધાર આપે એટલી સ્ક્રીપ્ટ લખું, વચ્ચે અશ્વિનીભાઇના પત્રોમાંથી અને નીતિભાભીએ અશ્વિનીભાઇ વિશે લખેલા એક લેખમાંથી થોડી સામગ્રી પણ પરોવું(જેનું પઠન થાય), અશ્વિનીભાઇની અપ્રગટ નવલકથા 'કડદો'નો થોડો અંશ પણ આવે અને છેલ્લે અશ્વિનીભાઇના અંતીમ પ્રવચનના (કાર્યક્રમમાં નહીં બોલાયેલા, પણ તેમણે લખેલા પ્રવચન પરથી 'નવનીત સમર્પણ'માં છપાયેલા) અંતીમ ભાગથી સમાપન થાય.
એ તો અમારે જોઇતું હતું. એનાથી આશિષનું કામ વધી ગયું. પણ એ તૈયાર હતા. તેમણે, તેમના મિત્રોએ અને અશ્વિનીભાઇના પ્રેમીઓએ જે ઝડપે અને જે ગુણવત્તાથી અશ્વિનીભાઇની નવલકથાઓના અંશોનું વાચન કર્યું, તેનાથી આખો માહોલ બંધાઇ ગયો. દિલ રેડીને વાચન કરનાર મિત્રો હતાઃ આશિષ કક્કડ, અર્ચન ત્રિવેદી, આરજે દેવકી, નિસર્ગ ત્રિવેદી, બિંદુ ઉપાધ્યાય-કડવે, આરજે અંકિત, અંશિની પરીખ અને નૈષધ પુરાણી. આ રેકોર્ડિંગ વિજય દરજીએ નિશીત મહેતાના સ્ટુડિયોમાં કર્યું. વિજયે નવલકથાના ટુકડાને અનુરૂપ સંગીતના ટુકડા ભારે જહેમતથી શોધીને કળાકારોના પઠનને ઓર ઉઠાવ આપ્યો. ઓડિયો સાથે વિઝ્યુઅલનું કામ સચિન દેસાઇએ કર્યું. લગભગ દોઢ કલાકની આખી ઓડિયો-વિડીયોનું કામ રવિવારની બપોર સુધી ચાલતું રહ્યું અને આશિષ કક્કડ સચિન દેસાઇ સાથે લગભગ દોડતાં દોડતાં બપોરે સાડા ત્રણે રંગમંડળ પર આવી પહોંચ્યા. ત્યાં કબીર ઠાકોર જરૂરી સહકાર અને સુવિધાઓ આપવા માટે તત્પર હતા. અશ્વિનીભાઇએ જે નાટકમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું તે 'બિંદુનો કીકો' કબીરભાઇના પિતા અરુણ ઠાકોરે દિગ્દર્શીત કર્યું હતું. એ રીતે પણ રંગમંડળમાં 'આકંઠ અશ્વિની' યોજાય તેનું અલગ ઔચિત્ય હતું. હોલમાં બહારના સાઉન્ડને બદલે કિરણ ત્રિવેદી તેમની મ્યુઝિક સીસ્ટમ લાવ્યા હતા, તે ગોઠવાઇ.
મંગળ-બુધવાર પછી આયોજન પ્રમાણે કામ આગળ વધતું હતું ત્યારે અદભૂત આઇડીયા માટે જાણીતા પ્રણવ અધ્યારુએ કહ્યું કે અશ્વિનીભાઇનાં પોસ્ટકાર્ડ બનાવીએ તો? તેમાંથી વિચારે નક્કર સ્વરૂપ ધારણ કર્યું. કોઇ મિટિંગ નહીં, લાંબીપહોળી ચર્ચા નહીં. પ્રણવ રાયપુર, હું અમદાવાદથી રાજકોટની બસમાં, આશિષ કક્કડ સેટેલાઇટ, અપૂર્વ આશર સીજી રોડ અને કાર્ડનું કામકાજ આગળ વધવા માંડ્યું. સંજય વૈદ્ય અને વિવેક દેસાઇએ જુદા જુદા સમયે લીધેલી અશ્વિનીભાઇની તસવીરો ઉપરાંત અશ્વિનીભાઇના જૂના ફોટામાંથી બધું મળીને કુલ 13 ફોટા પસંદ કરાયા. તે દરેકની આગળ મુકવાનું અવતરણ પ્રણવે કાઢ્યું. પાછળના ભાગમાં તેમની તમામ કૃતિઓની યાદી. ડીઝાઇનની જવાબદારી અપૂર્વ આશરે સંભાળી લીધી.
રવિવારે સવારે અગિયારેક વાગ્યે 13 પોસ્ટકાર્ડની એક શીટ એવી 500 શીટ છપાઇને , કપાઇને પ્રણવના ઘરે આવી ગઇ (જેનો એક નમૂનો બ્લોગના આરંભે મૂક્યો છે). એટલે અમે- પ્રણવ, કેતન રૂપેરા, કિરણ કાપુરે અને હું તેના તેર-તેરના સેટ કરવા બેઠા, તે (જમવાના વિરામ સાથે) બપોરના દોઢ-બે વાગ્યા સુધી. ત્યાર પછી કટિંગ થયેલાં કાર્ડ લઇને અમે હોલ પર પહોંચ્યા- અને કાર્યક્રમ પછી અશ્વિનીભાઇની કાયમી યાદગીરી તરીકે કુટુંબદીઠ તેર કાર્ડનો એક સેટ અમે- અશ્વિની ભટ્ટના ચાહકોએ- વહેંચ્યો.
કાર્ડની પાછળ એ બનાવનારનાં નામ-ક્રેડિટ કશું ન હતું. બસ, એટલું જ લખ્યું હતું, 'આકંઠ અશ્વિની- ફેન્સ ઓફ અશ્વિની ભટ્ટ'. આખા કાર્યક્રમમાં ઓડિયો-વિઝ્યુઅલમાં પોતાની વ્યાવસાયિક કુશળતા, સમય-શક્તિ આપનાર સૌ મિત્રોમાંથી કોઇએ પણ કેશ કે ક્રેડિટ - કશું લીધા વિના, કેવળ હૃદયના ભાવથી આખું કામ પાર પાડ્યું. એટલે સ્ટેજ પર માત્ર ને માત્ર અશ્વિની ભટ્ટ જ રહ્યા. નામ પૂરતું પણ બીજું કોઇ નહીં.
- અને આશિષ કક્કડના કંઠે અશ્વિનીભાઇના અંતીમ પ્રવચનના અંતીમ ફકરા સાથે કાર્યક્રમનું સમાપન થયું, પછી નાનકડા પોઝ સાથે 'જવાય છે હવે...ચા પીને જજો' એ અશ્વિનીભાઇનું ધ્રુવવાક્ય બોલાયું. ત્યાર પછી હોલમાં ઉપસ્થિત આશરે સવાસોથી દોઢસો લોકોમાં થોડી ક્ષણો માટે સ્તબ્ધતા પથરાઇ. અંધારું હતું. ધીમે ધીમે અજવાળું થયું. ત્યારે ખ્યાલ આવ્યો કે મોટા ભાગની આંખો ભીની હતી. ચહેરા ધીમે ધીમે સ્વસ્થ થઇ રહ્યા હતા. એક સાથે અશ્વિની ભટ્ટને પ્રત્યક્ષ મળ્યાનો આનંદ અને તેમને કાયમ માટે ગુમાવ્યાનો તીવ્ર અહેસાસ ઘણા લોકોએ અનુભવ્યાં હશે.
અમને તો એવો અનુભવ થયો જ. એ યાદગાર સમારંભની થોડી તસવીરો. (તસવીરકારઃ લંકેશ ચક્રવર્તી)
![]() |
| (ડાબેથી) કબીર ઠાકોર, સચિન દેસાઇ, આશિષ કક્કડ, કિરણ ત્રિવેદી |
![]() |
| છેક જમણે અશ્વિનીભાઇનાં ત્રણ બહેન, છેક ડાબે અરુણ ઠાકોર |
![]() |
| ખરા અર્થમાં 'આકંઠ અશ્વિની' |
![]() |
| કાર્યક્રમ પછીઃ (ડાબેથી) અશ્વિનીભાઇના પહેલા ધોરણસરના પ્રકાશક 'વોરા'ના શિવજીભાઇ આશર, અપૂર્વ આશર, વિનોદ ભટ્ટ, ભોલાભાઇ ગોલીબાર |
![]() |
| (ડાબેથી) ક્ષમા કટારિયા, પ્રકાશ ન. શાહ, અનિલ દેવપુરકર અને સ્વાતિ દેવપુરકર |
![]() |
| (ડાબેથી) વિશાલ પટેલ અને ઇશાન ભાવસાર સાથે વિનોદભાઇઃ 'વહાલા, એક સેટથી મારે નહીં ચાલે' જેવી મુદ્રામાં |
![]() |
| અશ્વિનીભાઇની યાદ ચા અને સીકેકે વિના અધૂરી જ ગણાય. કાર્યક્રમ પછી એ બન્નેનો દૌર. |
Sunday, December 16, 2012
દંતકથા બની ગયેલા નવલકથાકાર અશ્વિની ભટ્ટની વિદાય
‘મને હોસ્પિટલે કે સ્મશાને પહોંચાડવો હોય તો ભલે, પણ પહેલાં આપણે ચા પી લઇએ’
![]() |
| અશ્વિની ભટ્ટ- નીતિ ભટ્ટ |
હા, ‘લોકપ્રિય’ હોવું એ અઘ્યાપકીય-સાહિત્યિક વર્તુળોમાં ગેરલાયકાત ગણાય છે. તેમના મતે સાહિત્યના મુખ્યત્વે બે પ્રકાર હોય છેઃ સારું અને લોકપ્રિય.
આટલું લખીએ એટલી વારમાં તો, ચોવીસ કલાક અને ત્રણસોપાંસઠ દિવસ પોતાની લોકપ્રિયતાના જાતે જ રાસડા લેનારા કહેવા માંડશે, ‘અમે તો ક્યારના કહીએ છીએ. લોકપ્રિયતા કંઇ ગેરલાયકાત થોડી છે? એ તો જેમને નથી મળતી, એમને અમારી ઇર્ષ્યા આવે છે...’
એટલે, સૌથી પહેલી સ્પષ્ટતા એ કે જીવનમાં તમામ પ્રકારના નશાનો સ્વાદ કરી જોનાર અશ્વિનીભાઇએ લોકપ્રિયતાનો નશો કદી કર્યો હોય એવું જાણમાં નથી. પોતાની લોકપ્રિયતાથી જાતે જ અભિભૂત થઇને, ‘હા સાલું, હું જ એકમાત્ર ગ્રેટ છું. મારા સિવાય ગુજરાતમાં બીજું છે કોણ?’ એવી મઘુર ભ્રમણાઓ અશ્વિનીભાઇએ કદી પોષી ન હતી કે પોતાના વિષે બીજા કોઇને પોષવા દીધી ન હતી. ચાહકોને તે હંમેશાં પોતાના ચમચાવૃંદ તરીકે નહીં, પોતાના જેવા જ વાચનપ્રેમી તરીકે અપાર આદરથી જોતા.
તેમની સફળતા એટલી નક્કર હતી કે તેમની નવલકથાઓને લીધે અખબાર-સામયિકના વેચાણમાં પચીસ-પચાસ હજાર નકલોનો વધારો થાય. તેમ છતાં, છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના કામમાં વેઠ ન કાઢી અને એવું માની ન લીઘું કે ‘આપણા બાંઘ્યા ચાહકો છે. જે લખીશું તે વાંચી જશે.’ લખવું- છેકવું- રદ કરવું એ છેવટ સુધી તેમનો ક્રમ હતો. ‘સંજુ માલવ’ નામની આખેઆખી નવલકથા તેમણે બહુ કામ કર્યા પછી પોટલું વાળીને માળિયે ચઢાવી દીધી હતી. લોકપ્રિયતા તેમને વરી હતી. એ લોકપ્રિયતાની પાછળ લાળ ટપકાવતા ફર્યા ન હતા. લોકપ્રિયતા આ બન્ને રસ્તે મળી શકતી હોય છે,પણ અશ્વિનીભાઇને મળેલી લોકપ્રિયતામાં છીછરાપણાનો સદંતર અભાવ હતો.
અશ્વિનીભાઇની નવલકથાઓ, કનૈયાલાલ મુનશીની નવલકથાઓની જેમ જ, તેની ચુંબકીય પકડ માટે જાણીતી બનીઃ રાત્રે તેમની નવલકથા હાથમાં લેનાર એવું વિચારે કે થોડાં પ્રકરણ વાંચીને બાકીનાં પછી વાંચીશું, તો એવું કદી ન બને. એક વાર હાથમાં લીધેલી નવલકથા મોટે ભાગે તો પૂરી કર્યે જ પાર આવે. સ્થળોનાં લાંબાં, વિગતવાર છતાં રસઝરતાં વર્ણન અને તેજીલાં નારીપાત્રો મુનશીની નવલકથાઓની જેમ અશ્વિનીભાઇની નવલકથાઓની ખાસિયત બની રહ્યાં. અશ્વિનીભાઇની ઘણી નવલકથાઓનાં શીર્ષક તેમની નાયિકાઓનાં નામ પરથી હતાં. એટલે ઘણા સમય સુધી એ પણ તેમની નવલકથાઓની નાની છતાં વિશિષ્ટ ઓળખ ગણાતી હતી.
એકથી વઘુ નવલકથાઓ અઘૂરી મૂકીને, ગયા સોમવારે અમેરિકામાં છેલ્લા શ્વાસ લેનાર અશ્વિની ભટ્ટ ગુજરાતી વાચકોની ત્રણ પેઢી માટે જાદુઇ નામ બની રહ્યા હતા. છેલ્લા એકાદ દાયકામાં તેમની એક પણ નવી નવલકથા પ્રકાશિત થઇ ન હતી. છતાં તેમના નામનો અને તેમની જૂની નવલકથાઓનો જાદુ બરકરાર રહ્યો. ઇન્ટરનેટ-મોબાઇલ યુગ પહેલાં લખાયેલી એ નવલકથાઓ ફેસબુક-ટ્વીટર વચ્ચે ઉછરેલી પેઢીને પણ એટલી જ પોતીકી અને રોમાંચકારી લાગતી હતી.
ગુજરાતી સાહિત્યના અઘ્યાપકો-વિવેચકોએ અને પરિષદો-અકાદમીઓએ અશ્વિનીભાઇની નવલકથાઓને ‘લોકપ્રિય’ના ખાતે નાખી દીધી હોવાથી, તેની ખૂબીખામીઓ વિશે ધોરણસરની ચર્ચા ભાગ્યે જ થઇ. એવા એક અપવાદરૂપ પ્રસંગે શિરીષ પંચાલે ‘લોકપ્રિય નવલકથાઓનું સૌંદર્યશાસ્ત્ર’ એ વિષયના પ્રવચન અને તેને લગતા લેખમાં, (અશ્વિનીભાઇને પોતાને અત્યંત પ્રિય એવી બે નવલકથાઓ) ‘આશકા માંડલ’ અને ‘ઓથાર’ની ઝીણવટથી વાત કરી હતી. અલબત્ત, તેમાં મુખ્ય સૂર પ્રશંસાનો ન હતો. છતાં, તે અશ્વિની ભટ્ટની નવલકથાઓને ‘થ્રીલર’ તરીકે ખતવી કાઢવાને બદલે, આગળ વઘ્યા હતા અને તેમના લેખનની ખૂબીઓની પણ વાત કરી હતી. જેમ કે, ‘ઓથાર’ને તેમણે થ્રીલરનાં લક્ષણ ધરાવતી ‘ઐતિહાસિક નવલકથા’ તરીકે ઓળખાવી હતી. એલીસ્ટર મેકલીન, સિડની શેલ્ડન, રોબર્ટ લુડલુમ, હેરલ્ડ રોબીન્સ જેવા પાશ્ચાત્ય લેખકોનું ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, અર્થકારણ, વિનાશક શસ્ત્રો જેવી બાબતોનું જ્ઞાન અદ્ભૂત હોવાનું નોંધીને તેમણે લખ્યું હતું, ‘અશ્વિની ભટ્ટે આ પાઠ ખાસ્સો આત્મસાત્ કર્યો છે અને વાચકોને એ જ્ઞાન વડે જીતવાનો પ્રયત્ન કર્યો છે.’ ‘ઓથાર’માં તેમણે ‘વાચકોને ન ગમે તેવો અંત યોજીને પડકાર ઝીલ્યો છે’ એવું પણ શિરીષભાઇએ લખ્યું હતું. (‘સમીપે’, જાન્યુ-માર્ચ, ૨૦૧૨, પુસ્તિકા ૨૧)
અશ્વિનીભાઇ પોતે કદી પોતાનાં સર્જનો વિશે ભ્રમમાં ન હતા. નમ્રતાના દંભ વિના પૂરી ગંભીરતા સાથે તે પોતાની જાતને મેકલીન, લુડલુમ, શેલ્ડન જેવા ‘મની રાઇટર’ ગણાવતા હતા. પરંતુ આ લેબલથી તેમની પ્રતિભા કે સિદ્ધિ જરાય ઝંખવાતાં કે ઓછાં થતાં નથી.
લેખક અશ્વિની ભટ્ટ વિશે બહુ ઊંચો અભિપ્રાય ન ધરાવતા હોય એવા લોકો પણ એક વાર તેમને મળ્યા પછી, માણસ અશ્વિની ભટ્ટના પ્રેમી થઇ જાય એવી તેમની પ્રકૃતિ હતીઃ તોફાની, મિત્રભૂખ્યા (મિત્રખાઉ નહીં), બિનશરતી પ્રેમાળ, નિરાંતવા, રાતોની રાતો ગપ્પાંગોષ્ઠી માટે તત્પર- તેમને મળનારને લાગે કે આ માણસ તો આખો દિવસ વાતોનાં વડાં કે અવનવાં તોફાન કરતો હોય છે. તેણે આટલી લાંબી નવલકથાઓ ક્યારે લખી હશે? ને ૧૨૫૦ નકલોને ‘બહુ’ ગણતા ગુજરાતી પ્રકાશનજગતમાં કેવળ લખીને શી રીતે જીવ્યો હશે? અલબત્ત, એ ‘સાહસ’માં તેમનાં પત્ની નીતિ, પુત્ર નીલ તેની પત્ની કવિતા અને અશ્વિની ભટ્ટને ‘દાદા’માંથી ખરેખરા દાદા બનાવનાર પૌત્રો અનુજ-અર્જુન પણ સામેલ હતા.
લેખનમાં આવતાં પહેલાં અવનવા-ચિત્રવિચિત્ર વ્યવસાય અપનાવી ચૂકેલા અશ્વિનીભાઇ બાળપણથી નાટ્યજગત સાથે સંકળાયા. પ્રેમાભાઇ હોલના મેનેજર તરીકે લગભગ એક દાયકાની કામગીરીમાં નાટક સિવાય એ વિસ્તારના ગુંડાઓ સાથે પણ તેમણે, ગુજરાતી લેખકને નહીં પણ તેમના હીરોને છાજે એવી રીતે ઝીંક ઝીલી, તો આસારામના ગુંડા બંગલે મારવા આવ્યા ત્યારે ‘તમારે મને હોસ્પિટલે કે સ્મશાને પહોંચાડવો હોય તો ભલે, પણ આપણે એ પહેલાં ચા પી લઇએ અને તમે આસારામને ફોન જોડો. એ મારા ચાહક છે.’ એમ કહીને તેમણે ટોળાના રોષને ટાઢો પાડ્યો હતો.
ગુજરાતની ૨૦૦૨ની કોમી હિંસા વિશે તેમનું વલણ તથા ‘આક્રોશ અને આકાંક્ષા’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયેલાં તેમનાં લખાણો તેમના ઘણા ચાહકોને દુઃખ પહોંચાડે એવાં હતાં. નર્મદા બચાવો આંદોલન વખતે રાજ્ય અને બહુમતી મતની નારાજગીની પરવા કર્યા વિના, નિર્ભિકપણે પોતાનો મત જાહેર કરનાર અશ્વિની ભટ્ટ કોમી પ્રશ્ને કેમ અમુક રીતે વિચારે છે, એવું ચાહકોને લાગ્યું હતું. પાછલાં વર્ષોમાં ઘણુંખરું પુત્ર સાથે અમેરિકા રહેતા અશ્વિનીભાઇ ડિસેમ્બર ૨૦૦૮માં અમદાવાદ હતા ત્યારે તેમની સાથે આડકતરી રીતે આ વાત નીકળી હતી.
એ વખતે તે ત્રાસવાદની પશ્ચાદભૂ પર આધારિત એક નવલકથાની તૈયારી કરી રહ્યા હતા, જેની નાયિકા તરીકે દલિત આઇપીએસ અફસર હતી. નવલકથાના વિષયવસ્તુમાં ઊંડા ઉતરવા માટે જાણીતા અશ્વિનીભાઇએ ત્યારે કહ્યું હતું, ‘અમેરિકામાં મેં કુરાનનો ચાર મહિના ઉંડો અભ્યાસ કર્યો. તેની મર્યાદાઓ અને ખાસિયતો જાણી. મુસ્લિમોએ જ લખેલાં કુરાન વિશેનાં પુસ્તક વાંચ્યાં. ત્યાર પછી હું અંગ્રેજીમાં લખવા બેઠો કે અત્યારની સ્થિતિમાં આપણે શું કરી શકીએ? લેખનું મથાળું રાખ્યું હતું, ‘વીચ વે લાઇઝ હોપ’ વર્ષો પહેલાં રીચાર્ડ ગ્રેગ નામના માણસે આ મથાળું ધરાવતા પુસ્તકમાં જુદા જુદા વાદની ચર્ચા કરીને છેવટે એવું કહ્યું હતું કે ગાંધીના રસ્તે જ આશા છે...આપણે હાથ પર હાથ જોડીને બેસી રહેવાની વાત નથી અને રીટાલીએટ થવાની (પ્રતિહિંસા આદરવાની) પણ વાત નથી. રીટાલીએશન(પ્રતિહિંસા)થી અંત આવતો નથી અને એનાં પરિણામ વેઠવાની આપણી તૈયારી હોતી નથી. એના સિવાય બાકી રહેલા રસ્તામાં પહેલું પગથિયું સંપર્કનું છે. નિયમિતપણે એકબીજા સાથે સંપર્ક સ્થાપિત થાય એ બહુ જરૂરી છે.’
અનેક નવલકથાઓમાં ન સમાય એવું નાટકીય ઘટનાઓ અને ચઢાવઉતારથી ભરપૂર જીવન જીવીને ૭૬ વર્ષે અશ્વિનીભાઇએ વિદાય લીધી છે, પણ તેમણે લખેલી- કહેલી કથાઓ અને એ કહેનાર આજીવન તેમના ચાહકોના મનમાં જીવંત રહેશે.
નોંધ- આ 'ગુજરાત સમાચાર' માટે લખાયેલી- અને આજે પ્રગટ થયેલી- અંજલિ હોવાથી, તેમાં અંગત પરિચય સાથે સંકળાયેલા પ્રસંગો-વાતો મોટે ભાગે નથી અને જે છે ત્યાં પણ અંગતતા ગાળી નાખેલી છે. જેમ કે, આસારામવાળો કિસ્સો તેમણે આ બ્લોગ માટે જ ખાસ લખીને મોકલ્યો હતો,
http://urvishkothari-gujarati.blogspot.in/2008/07/ashwinee-bhatt-on-asaram-episode-let-us.html
કુરાનના અભ્યાસવાળી વાતો અમારી બેઠકોમાં એક વાર થઇ હતી. પરંતુ છાપાની કોલમ એ બ્લોગ નથી અને તેમાં 'હું'કાર વાળી વાતો ન કરવાની હોય. અંગત વાત કરવી જ પડે તો પણ તેમાંથી 'હું'ની બાદબાકી થઇ શકે છે. કોલમોમાં 'હું'ની ફેશન વધી પડી છે, ત્યારે 'હું' લાવ્યા વિના પણ અંગત વાત લખી શકાય એ તરફ ધ્યાન દોરવું અગત્યનું લાગે છે- ખાસ તો વાચકો અને હજુ લખવાનું શરૂ કરનારા મિત્રો માટે. જેથી 'હું'કારનો ચેપ તે ઇચ્છે તો દૂર રહી શકે.
Tuesday, December 11, 2012
અવિસ્મરણીય અશ્વિની ભટ્ટ
![]() |
| Ashwinee Bhatt- Neeti Bhatt in their legendary bunglow '65' |
![]() |
| Ashwinee Bhatt with reader-cum-doctor Tushar Shah at Mumbai, 2012 |
Friday, March 23, 2012
અશ્વિની ભટ્ટઃ શૂટ એટ સાઇટ
![]() |
દૂરથી ક્લોઝ-અપ?
|
![]() |
વાહ, શું મસ્ત લાઇટ છે.
|
![]() |
થોડા પોઝ, થોડી વાતો-1
|
![]() |
| થોડા પોઝ, થોડી વાતો-2 |
![]() |
| થોડા પોઝ, થોડી વાતો-3 |
![]() |
લેખક લખતા કેવા લાગે?
|
![]() |
રિવોલ્વિંગ ચેર નહીં, પેલી
‘રોયલ’ની ખુરશી જોઇએ
|
![]() |
ઊભા ઊભા પણ લખી શકાય
|
![]() |
લેખકનો લખાણ સાથેનો ‘મગ શોટ’.
અશ્વિનીભાઇ કહે,
‘ઉપર લખી દઉં કે આમાં(લખવામાં) ક્યાં પડ્યા?’
|
![]() |
વિવેક ફોટા પાડતા હોય ત્યારે વચ્ચે આપણને પણ હાથ સાફ કરવાનું મન થઇ જાય
|
![]() |
આ સાયકલ અશ્વિનીભાઇની નથી
|
![]() |
પચીસ વર્ષ પહેલાં અશ્વિનીભાઇને
વિચાર આવ્યો હોત કે
દાદરો ચડવાને બદલે આ વેલો ચડીને બીજે માળ પહોંચાય?
કે પછી આ
વેલા કોણે કર્યા હશે? એનું શું ગણિત હશે? એ ધંધામાં પડાય?
|
![]() |
જુઓ, કેમ લાગે છે?
|
![]() |
યાદગીરી માટે
|
Wednesday, July 13, 2011
અશ્વિની ભટ્ટને ૭૫ વર્ષ પૂરાં : ‘ઓનલાઇન અમૃત મહોત્સવ’



Tuesday, December 21, 2010
અશ્વિની ભટ્ટના ચાહકો-સ્નેહીઓ માટે

Ashwinee Bhatt with mother Sharadkanta Harprasad Bhatt
અશ્વિનીભાઇનાં મા શરદકાન્તા ભટ્ટનું 9 ડિસેમ્બર, 2010ના રોજ અમેરિકામાં અવસાન થયું. ચાર-પાંચ દિવસ પછી તેમણે ફોનથી આ સમાચાર આપ્યા અને ઘણાં વર્ષ પહેલાં તેમણે લખેલો મા વિશેનો લેખ હાથવગો હોય તો મોકલવા કહ્યું. મારા ખજાનામાંથી એ ન મળ્યો એટલે પ્રણવ (અધ્યારુ)ને વાત કરી. તેણે એ શોધી આપ્યો. બાને અંજલિરૂપે એ લેખ જ અહીં મૂક્યો છે.
ચૌદ-પંદર વર્ષ પહેલાં, અભિયાનની મુંબઇ ઓફિસથી નવેનવો અમદાવાદ ઓફિસ આવ્યો ત્યારે અશ્વિનીભાઇના બંગલાના ઉપરના માળે સત્તાવાર ઓફિસ હતી, પણ હકીકતે બંગલા અને ઓફિસ વચ્ચે, ઓફિસ અને પરિવાર વચ્ચે કોઇ ભૌતિક કે માનસિક દીવાલ ન હતી. બપોરે હું મારું ટિફીન લઇને નીચે અશ્વિનીભાઇ સાથે જમવા જતો. એ વખતે ટિફીનની ભાખરીની સાથે ઘણી વાર બાની બનાવેલી ગરમ રોટલી પણ મળતી. એ વખતે બાની ઉંમર 80 તો ખરી જ. માનસશાસ્ત્રી-શિક્ષક-મેડમ મોન્ટેસરીને મળી ચૂકેલા, પચાસ-સાઠના દાયકામાં શેઠિયાઓ સાથે જમવાની ‘ફી’ વસૂલ કરતા અને વટભેર શેઠિયા જેવો બંગલો બનાવનારા શિક્ષક હરપ્રસાદ ભટ્ટનાં જીવનસંગિની એવાં બા સાથે તેમના ચિરંજીવી અશ્વિનીભાઇ વિશે બહુ વાતો કરવાની ન થઇ. પણ તેમનો વૃદ્ધ છતાં ગૌર અને ગરવાઇભર્યો ચહેરો મનમાં અંકાઇ ગયો છે.
(click for larger view)
Wednesday, March 17, 2010
અશ્વિની ભટ્ટ ફરી અમેરિકામાં
૧૧-૩-૧૦. એકાદ વર્ષના અમદાવાદ રોકાણ પછી અશ્વિનીભાઇ-નીતિભાભીનો અમદાવાદમાં છેલ્લો દિવસ હતો. એ રાત્રે તે અમેરિકા જવા નીકળવાનાં હતાં. રાબેતા મુજબ અલકમલકની વાતો થઇ. પેકિંગની મગજમારી ને સામાનની માથાકૂટ પણ સાથે ચાલતી હતી.અમદાવાદમાં અશ્વિનીભાઇએ બે-ત્રણ પુસ્તકોની શરૂઆત કરી. મુખ્યત્વે હાસ્યપ્રધાન, કસબ-કમઠાણ સિરીઝનાં બે અને એક નવલકથા. તેમના ચાહકો જાણે છે કે ઇસવી સન પૂર્વે તેમણે એલિસ્ટર મેકલીનની કથાઓનો અનુવાદ કર્યો હતો. તેમાંની એક ‘ગન્સ ઓફ નેવેરોન’માં સુધારોવધારો કરીને તેમણે ‘નવભારત’માં આપી દીધી. તે ટૂંક સમયમાં બહાર પડશે.
અશ્વિનીભાઇ અમેરિકા જાય એટલે ઘણા લોકો માટે વેળાકવેળા જઇ શકાય એવા એક ઘરની ખોટ સાલે છે. એમના પાછા આવવાની રાહ જોઇએ. ત્યાં સુધી અમેરિકામાં એ તબિયત સાચવે, તેમના અંગ્રેજી લખાણોના સંગ્રહનું કંઇક કરે અને ગુજરાતી લખાણો આગળ વધારે એવી અપેક્ષા.
અશ્વિનીભાઇ-નીતિભાભી હિંચકા પર બેઠાં હોય એ બિલકુલ પિક્ચર-પરફેક્ટ દૃશ્ય છે. બસ, બેમાંથી એકના હાથમાં સૂડી-સોપારીની ખોટ છે.
Thursday, February 04, 2010
કલમ-કેનવાસ યોગ

નોંધઃ
- ચિત્રાબહેન અશ્વિનીભાઇની નવલકથાઓનાં (અને જૂનાં ગીતોનાં પણ) જબરાં પ્રેમી છે.
- સામાન્ય રીતે શર્ટ-પેન્ટ કે જિન્સમાં સદાબહાર મિજાજ સાથે ફરતા અશ્વિનીભાઇનો પોશાક જોઇને અમદાવાદના સુજ્ઞ વાચકો કહી આપશે કે આ તો ‘સપ્તક’નો યુનિફોર્મ છે! હા, પ્રદર્શનમાંથી અશ્વિનીભાઇ ‘સપ્તક’માં જવાના હતા.
- અશ્વિનીભાઇના ચાહકો માટે જાણવાજોગઃ મોટે ભાગે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાં અશ્વિનીભાઇ-નીતિભાભી અમદાવાદથી પાછાં અમેરિકા જવાનાં છે. જેમને મળવું હોય તેમને હજુ મહિનો પડ્યો છે અથવા હવે મહિનો જ છે.
Saturday, June 20, 2009
અશ્વિની ભટ્ટ સાથે એક સાંજ





પણ તેમને મળી ચૂક્યા હોય એવા લોકો કહેશે,’એક જ સાંજ?’
પણ અશ્વિનીભાઇ પાસે બેઠા હોઇએ ત્યારે આવા બધા વિચારો ન આવે. ગયા બુધવારે કેટલાક મિત્રો અશ્વિનીભાઇ-નીતિભાભી સાથે અમારી અનિયતકાલીન બેઠક ‘રૂડું કાઠિયાવાડ’ (વસ્ત્રાપુર તળાવ સામે, અમદાવાદ)માં બેઠા, ત્યારે જમ્યા પછીના પાન-સેશનમાં ‘સાહિત્યવાળાની ઉપેક્ષા’ વિશે સવાલ પૂછાયો ખરો, પણ પૂછનારને અને આજુબાજુ બેઠેલા સૌને ખબર હતી કે આ પૂછવાખાતર પૂછાયેલો સવાલ છે. અશ્વિનીભાઇને સાહિત્યવાળાથી કશો ફરક પડતો નથી. એમને રાજકારણમાં પડવું હોય તો એ સાહિત્ય પરિષદમાં જતા નથી. નર્મદા યોજના અંગેનું પોતાનું અભ્યાસપૂર્ણ વલણ, પોતાની લોકપ્રિયતા જોખમાશે એવી ચિંતા રાખ્યા વિના, અળખામણા થવાની અને માર ખાવાની તૈયારી સાથે પણ, હિંમતભેર તે પ્રગટ કરે છે. એક સાહિત્યકારની છબી સાથે સાચીખોટી રીતે સંકળાઇ ગયેલું પોચટપણું અશ્વિનીભાઇમાં નથી. પ્રેમાભાઇ હોલની મેનેજરી દરમિયાન અમદાવાદના ‘સંવેદનશીલ’ ગણાતા ખાસબજાર વિસ્તારમાં કોઇ ગુંડો છરી લઇને પાછળ દોડ્યો હોય એવા કંઇક વીરરસપ્રચુર કિસ્સા તેમની વાતોમાં નીકળી આવે છે. એવી જ રીતે વિધવિધ પ્રસંગે ‘રાવટી’ થવાના કિસ્સાની પણ તેમની સાથે બેઠેલા લોકો માટે નવાઇ નથી.
બેઠકની શરૂઆત ધીમી છે. ખરો રંગ જમ્યા પછી જામે છે. બિનીત મોદીની ગોઠવણથી, રેસ્ટોરાં બંધ થઇ ગયા પછી પણ તેની અગાસીમાં અમારી બેઠક ચાલુ રહે છે. લગભગ રાતના સાડા અગિયાર સુધી અશ્વિનીભાઇ-નીતિભાભી નિરાંતે બેસે છે. વચ્ચે માણસ આવીને કહી જાય છે કે ‘લિફ્ટ બંધ થઇ જશે.’ બધા કહે છે,’થઇ જવા દો. દાદર ઉતરીને જઇશું.’
લિફ્ટ બંધ. ચાર દાદરા ઉતરવાના. વચ્ચે અંધારું. નીતિભાભી કહે,’આ લોકોને લાઇટ ચાલુ રાખતાં શું જાય છે?’ તરત અશ્વિનીભાઇ કહે છે,’અત્યારે લાઇટ ચાલુ રાખવાનો શો ફાયદો? અનપ્રોડક્ટીવ લાઇટ બાળવાની જરૂર ખરી?’
અશ્વિની ભટ્ટની નવલકથાઓ આકંઠ પીનાર ધૈવત ત્રિવેદી, અમારા જૂના સાથીદાર- ગુજરાતી પત્રકારત્વને જેનો લાભ થોડા સમય માટે જ મળ્યો એ (હવે ‘સાયબરસફર’ ફેઇમ) હિમાંશુ કીકાણી, ‘ગુજરાત ટાઇમ્સ’ના તંત્રી અને એક સમયે ગુજરાતનાં તમામ અખબારોની પૂર્તિને ટક્કર મારે એવી ‘સપ્તક’ પૂર્તિ કાઢનાર રમેશ તન્ના. ‘અભિયાન’નું સંપાદન કરતા પ્રણવ અધ્યારુ અને મેં વિવિધ સવાલો પૂછ્યા. બિનીત ઉપરાંત જયેશ અધ્યારુ, લલિત ખંભાયતા, દિવ્યેશ વ્યાસ, લાલજી ચાવડા, હિંમત કાતરિયા અને તેમના ભાઇ, કેતન રૂપેરા, કિંતુ ગઢવી પણ સામુહિક સંવાદમાં સામેલ થતા રહ્યા. સલિલભાઇ-પ્રશાંત (દયાળ)- અનિલ(દેવપુરકર) જેવા ગેરહાજર મિત્રને પણ યાદ કર્યા. મનીષ મહેતા કોઇ કારણસર આવી શક્યા ન હતા.
નવલકથામાં એડિટિંગના અશ્વિનીભાઇ પ્રચંડ આગ્રહી છે. હપ્તાવાર નવલકથા લખાયા પછી તેને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરતાં પહેલાં તે સંતોષ ન થાય ત્યાં સુધી તેમાં કાપકૂપ-સુધારા કરતા રહે છે અને તેમને જલ્દી સંતોષ થતો નથી. આપણે ત્યાં એડિટર-પ્રથા ન હોવાનું એક કારણ તેમણે મોટું બજાર ન હોવાનું પણ જણાવ્યું. પોતાની નવલકથાઓમાંથી બે-ત્રણ સિવાયની બાકીની કથાઓને તેમણે ‘સ્ટોરીટેલિંગ’ તરીકે ઓળખાવી. સાહિત્યિક માપદંડ પ્રમાણે એવા હવાચુસ્ત વિભાગો પડાય એમ નથી, છતાં તેમને લાગે છે કે ઓથાર, અંગાર, આશકા માંડલ ખરા અર્થમાં નવલકથા છે. કારણ કે તેમાં સ્ટોરીટેલિંગ ઉપરાંત મુખ્ય પાત્રોના માનસપ્રવાહોનું ઊંડાણભર્યું આલેખન છે.
રમેશ સિપ્પી સાથે રામગઢની વાત ન નીકળે તો અશ્વિની ભટ્ટ સાથે ભેડાઘાટની વાત ન નીકળે. ફિલ્ડવર્ક અને ભેડાઘાટ વિશેના સવાલના જવાબમાં અશ્વિનીભાઇએ ભેડાઘાટના નાનકડા વિસ્તારમાં, પૈસાની ભીડ છતાં રૂ.75 આપીને આખી રાતની હોડી ભાડે કરીને, જેડો રાઉતનાં બુંદેલી ગીતોના સૂર વચ્ચે ચાંદની ઝીલતા આરસના ખડકોનો અલૌકિક નજારો યાદ કર્યો. હા, એ નાવિકનું નવલકથાનું જ નહીં, સાચું નામ પણ જેડો રાઉત હતું. ધૈવત ત્રિવેદીએ વતન રાજુલાના એક મિત્રને ટાંકીને કહ્યું કે દીવમાં દરિયા વચ્ચે એક ચોક્કસ ખડક પર અશ્વિનીભાઇની એક હીરોઇને સ્નાન કર્યું હતું, એ જગ્યા હવે અશ્વિની ભટ્ટના રેફરન્સ સાથે ‘જોવાલાયક સ્થળો’ની યાદીમાં સ્થાન પામી છે.
હાજર મિત્રો લખવા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેમણે નવલકથા લખવાની ટીપ્સ આપતાં કહ્યું કે હું કથાનો એન્ડ પહેલેથી વિચારી લઉં છું. કથાને ક્યાં લઇ જવી છે એ મનમાં રાખવું જરૂરી છે. કોઇ નવલકથા લખવા ઇચ્છે તો પ્લોટની કમી નથી અને ‘હું કેટલી નવલકથાઓ લખવાનો!’ એમ કહીને તેમણે પ્લોટ પૂરા પાડવાની તૈયારી બતાવી. નર્મદા યોજના વિશેના તેમના અભ્યાસ અને અનુભવોને આધારે સૂચિત ‘જળકપટ’ નવલકથા અને ત્રાસવાદનો પ્લોટ ધરાવતી-જેના પાંચ હપ્તા લખાઇ ચૂક્યા છે તે નવલકથા વિશે થોડી વાતો થઇ. ચૂંટણી પહેલાં અધૂરી રહેલી ‘કડદો’ નાની સાઇઝની કસબ-કરામત-કમઠાણ ટાઇપની છે. એનું સાઠ-સિત્તેર ટકા કામ થઇ ગયું છે.
જેમની નવલકથાઓએ અખબાર-સામયિકોને જમીની ગુરૂત્વાકર્ષણમાંથી મુક્તિ અને વેચાણના આંકડા આસમાને ચડી જાય એવો વિમોચન-વેગ/એસ્કેપ વેલોસીટી આપ્યો છે, એવા અશ્વિનીભાઇના પગ સદાય જમીન પર રહ્યા છે. એમની બાયપાસ સર્જરી કરનાર ડૉ.તુષાર શાહથી માંડીને તેમની હોસ્પિટલના સફાઇ કામદાર સુધીના સ્તરના લોકોની પ્રચંડ ચાહના પ્રાપ્ત કર્યા પછી મનમાં હવા નથી ભરાતી?
એનો જવાબ આપતાં અશ્વિનીભાઇએ કહ્યું,’હવા ભરાવી જોઇએ, પણ યોગ્ય જગ્યાએ. શેઠિયાની કેબિનમાં વાત કરતી વખતે એ હવા હોવી જોઇએ.’
હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટના ચાહકોનું કિશોરકુમાર અને મહંમદ રફીના ચાહકો જેવું છે. અશ્વિનીભાઇએ હરકિસનભાઇની ખાનદાનીનો એક પ્રસંગ યાદ કરતાં કહ્યું કે હરકિસનભાઇની દીકરીના લગ્નપ્રસંગે મને ખાસ આમંત્રણ આપ્યું. એટલું જ નહીં, અમદાવાદ એક ભાઇને કહી દીધું કે અશ્વિની ભટ્ટને લઇ આવવાની જવાબદારી તમારી. અશ્વિનીભાઇ પહોંચ્યા એટલે હરકિસનભાઇ તેમને પ્રેમથી મળ્યા, એટલું જ નહીં, મહેમાનોનું સ્વાગત કરવા ઉભેલા કુટુંબીઓ સાથે તેમણે અશ્વિનીભાઇને ઉભા રાખ્યા અને જેટલા મહેમાનો આવે એ બધાની સાથે ઓળખાણ કરાવતા જાય,’આ અશ્વિની ભટ્ટ...’ આ સાંભળીને આપણને થાય,’આ હરકિસન મહેતા...’
‘છેલ્લા ઘણા વખતથી વાચકોને કંઇ નવું અપાયું નથી એનો અફસોસ થાય છે’ એવું અશ્વિનીભાઇ કહે છે. બાકી તેમની પાસેથી અફસોસની વાતો અફસોસના સૂરમાં સાંભળવા ભાગ્યે જ મળે. પોતાના એક-બે પેઢી પછીના માણસો સાથે તેમને વધારે ભળે છે. કારણ કે ‘એ લોકો તબિયતની વાતો કરતા નથી. અમારી ઉઁમરનાને ખાલી ‘કેમ છો?’ પૂછીએ એટલે તબિયતનો અહેવાલ આપવા બેસી જાય.’ આવું તેમણે બાર-તેર વર્ષ પહેલાં એક વાર અને પછી વખતોવખત કહ્યું હતું. એ પોતે ‘હેલ્થ બુલેટિન લીગ’માં નથી. 72 વર્ષની ઉંમરે છાતીમાં પેસમેકર સાથે ફરતા અને અમેરિકામાં એક વાર મૃત્યુ સાથે સાવ નજીકનો પરિચય કેળવી આવેલા અશ્વિનીભાઇ સાથેની લાંબી બેઠકમાં એમની તબિયતનો ‘ત’ પણ આવતો નથી.
સાડા અગિયારની આસપાસ બધાને લાગે છે કે હવે અશ્વિનીભાઇને જવા દેવા જોઇએઃ-) થોડી આજુબાજુના બાંકડા પર સૂતેલા હોટેલના વેઇટરની પણ દયા આવે છે. અમારી બેઠકનો ભાગ બે તો આગળ લાંબો ચાલવાનો, પણ અશ્વિનીભાઇ-નીતિભાભી જતાં પહેલાં આગ્રહપૂર્વક ‘હવે હોટેલમાં નહીં, પણ અમારા ઘરે આવો. બોલો ક્યારે આવો છો? નક્કી કરીને કહો.’ એવું આમંત્રણ- આમંત્રણ નહીં, હુકમ જ વળી- આપતાં ગયાં.

































