Showing posts with label robot. Show all posts
Showing posts with label robot. Show all posts
Sunday, February 24, 2013
રોબોટ, તારાં કામ છે હજાર...
રોબોટ/Robot ની ઉત્ક્રાંતિઃ સિદ્ધિ કે સમસ્યા? (૨)
અમેરિકાની ‘જ્યોર્જિયા ટેક સેન્ટર’માંથી ‘પાસ’ થયેલો શિમોન નવોદિત સંગીતકાર છે. સંગીતનાં ઢાળ, તાલ, સૂરની એને બરાબર સમજણ પડે છે. નવો હોવા છતાં એ તાલિમી સંગીતકારોનું સંગીત સાંભળીને તેનું પૃથક્કરણ કરી શકે છે અને તેમની સાથે વગાડી પણ શકે છે. ઉપરાંત, સાચા સંગીતકારની માફક તે પોતાનું ‘મૌલિક’ સંગીત સર્જી શકે છે. તેનો એક સાથી હેઇલ ડ્રમ વગાડવામાં નિષ્ણાત છે, જ્યારે ‘ક્રેઝી જે’ જેવું નામ ધરાવતો બીજો ગિટારિસ્ટ છે.
એક શીખાઉ પત્રકાર છે. એને પત્રકાર પોપટલાલ કહો તો પણ વાંધો નથી. મેચ વિશેની આંકડાકીય માહિતી પરથી તે મેચનો બીજા દિવસે છાપામાં છપાય એવો અહેવાલ ફટાફટ તૈયાર કરી નાખે છે. એવી જ રીતે, કંપનીની રોજેરોજની કામગીરીને લગતા આંકડા પરથી તે બિઝનેસના પાને મુકી શકાય એવો અહેવાલ પણ તૈયાર કરી શકે છે. એની કંપની ‘નેરેટીવ સાયન્સ’નો દાવો છેઃ ‘વી ટ્રાન્સફોર્મ ડેટા ઇનટુ સ્ટોરીઝ એન્ડ ઇનસાઇટ’. (અમે માહિતીને અહેવાલોમાં ફેરવીએ છીએ અને તેમાંથી અર્થ તારવી આપીએ છીએ.)
બેક્સ્ટર હમણાં જ ફેક્ટરીમાં લાગ્યો છે, પણ નવું કામ શીખવાની એની વૃત્તિ અને તેજ ગ્રહણશક્તિને લીધે આજુબાજુ કામ કરતા લોકોમાં તે વહાલો થઇ પડ્યો છે. એને બઘું આવડતું નથી, પણ એનું સુખ એ છે કે એ બીજાનું જોઇને તરત જ શીખી જાય છે. કોની પાસેથી શીખાય ને કોની પાસેથી નહીં, એવી કશી એની મગજમારી નથી. કોઇ પણ માણસ એને હાથ પકડીને પહેલેથી છેલ્લે સુધી શું કરવાનું છે એ શીખવાડી દે, એટલે એ નવું કામ કરવા મંડી પડે છે.
રુબી ૨૦૦૪માં કેલિફોર્નિયાના એક બાળમંદિરમાં જોડાઇ ત્યારે તેનું કામ હતુંઃ ટેણિયાંને નવા શબ્દો શીખવવાનું. રુબી માટે આ પહેલી નોકરી હતી, પણ બાળકોને તેની સાથે મઝા પડી. તેણે ફક્ત બે અઠવાડિયાં કામ કર્યું, પણ એ સમયમાં બાળકોની શબ્દો શીખવાની ઝડપ વધી ગઇ હતી.
નામ જરા વિચિત્ર લાગે, પણ કમ્પ્યુટરયુગમાં એની સામે વાંધો ન પડવો જોઇએ. એનું નામ છેઃ ‘ડેટા’. એ સ્ટેન્ડ અપ કોમેડીઅન તરીકે લોકપ્રિય છે. ગુજરાતી કાર્યક્રમોના સંચાલકોની જેમ ‘ડેટા’ને સેંકડો જોક્સ, રમૂજો અને વન લાઇનર્સ કંઠસ્થ છે. તેમાંની એકેય એણે સર્જેલી નથી. છતાં એના જોરે ‘ડેટા’નું કામ, ગુજરાતી સંચાલકોની જેમ જ, ધમધોકાર ચાલી જાય છે. લોકરંજની કરવામાં પણ એ સંચાલકોની હરીફાઇ કરે એવો છે. જે પ્રકારની રમૂજ પર ઓડિયન્સની તાળીઓ વધારે પડે એ ચાલુ રાખવાની અને શ્રોતાઓને ‘બમ્પર’ જતી લાગે, એવી જોક્સ છોડી દેવાની. સીએનએન અને ‘ટેડ’ કોન્ફરન્સ જેવા મોટા મંચ પરથી ‘ડેટા’ કાર્યક્રમો આપી ચૂક્યો છે.
ગુજરાતી સંચાલકો માટે સારા સમાચારઃ નજીકના ભવિષ્યમાં ગુજરાતી ભાષા તરફ વળવાનો ‘ડેટા’નો કોઇ ઇરાદો નથી.
***
આગળ જેમની વાત કરી એ બધા ‘સજ્જનો-સન્નારીઓ’ વિશે એક વાત લખવાની રહી ગઇઃ એ બધા રોબોટ છે. ગયા સપ્તાહે વાત થયા પ્રમાણે તેમને ‘યંત્રમાનવ’ને બદલે ‘યંત્રસાથી’ કે ‘યંત્રમિત્ર’ કહેવાનું યોગ્ય ગણાશે.
![]() |
| સંગીતકાર શિમોન |
![]() |
| સ્ટેન્ડ અપ કોમેડીઅન ડેટા |
![]() |
| સાથીદારો પાસેથી શીખી શકતો ફેક્ટરી કામદાર બેક્સ્ટર |
બીજી અને વધારે મહત્ત્વની વાતઃ યંત્રસાથીઓની કામગીરીનાં વર્ણન પરથી જણાશે કે તેમની ખૂબીઓ અને મર્યાદાઓ વિશે, તેમના ફાયદા અને તેમનાથી ઊભી થનારી સંભવિત સમસ્યાઓ વિશે નવેસરથી વિચાર કરવાનો સમય આવી ગયો છે. કેમ કે, આ બધા કઠપૂતળીની માફક ફક્ત સાંધામાંથી વળીને ચાલતા ને યાંત્રિક ભાષા બોલતા - નક્કી કરાયેલું લોઢાલાકડાનું કામ કરતા ‘યંત્રમજૂર’ નથી. તે ખરા અર્થમાં ‘યંત્રમાનવ’ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઘણીબધી બાબતોમાં તે કદી મનુષ્યના બરાબરીયા થઇ શકવાના નથી, પણ હકીકત એ છે કે મનુષ્યને પછાડવા અથવા નવરો કરવા રોબોટે પૂરેપૂરા મનુષ્ય જેવા થવાની જરૂર પણ નથી. પોતાની ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ’ સાથે તે સોંપાયેલું કામ તે સારી રીતે કરે, એટલું જ પૂરતું છે.
લેખના આરંભે જણાવેલાં કામ તો લાંબી યાદીની ઝલક માત્ર છે. એ સિવાયનાં અનેક ક્ષેત્રોમાં રોબોટનો પગપેસારો ભવિષ્યની કલ્પના નહીં, વર્તમાનની વાસ્તવિકતા બની ચૂક્યો છે. ઓપરેશન થિએટરમાં ડોક્ટરના સૌથી મોટા સહાયક રોબોટ છે, ભૂકંપ કે બીજી કુદરતી આફતોના પ્રસંગે ફસાયેલા લોકોને બચાવવા રોબોટની મદદ લેવામાં આવે છે, બોમ્બનું સૂરસૂરિયું કરવા માટેની બોમ્બ સ્ક્વોડમાં રોબોટ હોય છે, ધીમો વિકાસ ધરાવતાં બાળકો સાથે કામ કરવા માટે રોબોટનો ઉપયોગ થાય છે, હોટેલમાં વેઇટર તરીકે રોબોટનો ઉપયોગ ટૂંકા ગાળે મોંઘો પણ લાંબા ગાળે સસ્તો પડતો હોવાથી ચીનમાં એ દિશામાં શરૂઆત થઇ છે, જિમનેશ્યમમાં કસરત કરાવવાની સાથોસાથ બ્લડ પ્રેશર, ધબકારા જેવાં પરિબળોનું ઘ્યાન રાખવાનું કામ રોબો ઇન્સ્ટ્રક્ટર કરે છે, દવા આપવા-લેવા જેવાં કામ માટે આખી હોસ્પિટલના ધક્કાફેરા ખાતી નર્સોની જગ્યાએ, અમેરિકાની આશરે દોઢસો હોસ્પિટલમાં રોબોટનો ઉપયોગ ચાલુ થઇ ચૂક્યો છે. સેન્સર (‘ઇન્દ્રિયો’) ધરાવતો રોબોટ પોતાની જરૂર પ્રમાણે લિફ્ટ બોલાવી શકે છે, બીજા સાથે લાઇનમાં ઉભો રહી શકે છે અને સિરીયસ દર્દીને રસ્તો આપવા માટે બાજુ પર પણ ખસી શકે છે.
| ધીમેથી વિકસતાં બાળકોનો મિત્ર |
‘વાન ગો બોટ’ જેવું કળાત્મક નામ ધરાવતો રોબોટ કેનવાસ પર ૧૮ જાતની જુદી જુદી પીંછીઓથી ચિત્ર બનાવી શકે છે. એક વાર તેને કોઇ પણ ચિત્ર કે ફોટો કે ચીજ ‘બતાવી’ દેવામાં આવે, એટલે તે કોઇ પણ શૈલીમાં એ ચિત્ર બનાવી શકે છે. એટલું જ નહીં, જીવતાજાગતા ચિત્રકારની જેમ ચિત્રની નીચે પોતાની સહી પણ કરે છે.
રોબોટને માણસ જેવું શરીર કે એકાદ અંગ હોવું પણ જરૂરી નથી. તે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતી કોઇ પણ ચીજને રોબોટ કહી શકાય. એ અર્થમાં ‘ગુગલ’ સર્ચ એન્જનિ એક પ્રકારનો રોબોટ જ છે, જે વેબસાઇટોના દરિયામાંથી આપણને જોઇતાં મોતી-શંખ-છીપલાં અને સાથે ઢગલાબંધ રેતી લાવી આપે છે. કૃત્રિમ બુદ્ધિની મદદથી રોબોટ મનોચિકિત્સકનું કામ કરતો હોવાના પણ દાખલા છે. ‘માઇન્ડમેટર’ નામની એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વેબસાઇટ પર માનસિક મુશ્કેલી ધરાવતા દર્દીઓનો કેસ સાંભળીને, તેમની તકલીફ સમજીને રીતસર સવાલજવાબનાં ‘સિટિંગ’ થતાં હતાં. તેમાં સામે પક્ષે કોઇ વ્યક્તિ નહીં, યંત્ર જ હતું. છતાં, આ પ્રકારનાં ‘સિટિંગ’ પછી લગભગ અડધા અડધ દર્દીઓની ફરિયાદો દૂર થતી હોવાનું ‘વાયર્ડ’ સામયિકના અહેવાલમાં નોંધાયું હતું.
ઘણાખરા ક્ષેત્રોમાં પગપેસારો કરી ચૂકેલા રોબોટ યુદ્ધ અને પ્રેમના મૂળભૂત માનવીય ક્ષેત્રમાંથી શી રીતે બાકાત રહે? પાકિસ્તાનમાં ધૂસીને તરખાટ મચાવતાં અમેરિકાનાં પાઇલટરહિત ‘ડ્રોન’ વિમાનો રોબોટનો જ એક પ્રકાર છે. યુદ્ધભૂમિમાં થતી માનવખુવારી ટાળવા માટે અમેરિકા જેવા સમૃદ્ધ દેશો વઘુ ને વઘુ પ્રમાણમાં યંત્રો પર આધાર રાખતા થયા છે. પુખ્ત વયના લોકોની અતૃપ્ત ગુલાબી વૃત્તિઓ સંતોષવા માટે પૂરા કદનાં ‘રમકડાં’ પણ મળતાં થયાં છે, જે પ્રોગ્રામિંગ પ્રમાણે વાતચીત કરી શકે અને દિલ બહલાવી શકે.
સવાલ એ નથી કે રોબોટ શું કરી શકે. રોબોટનાં કામની યાદી સતત લાંબી થઇ રહી છે. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે રોબોટ પાસે શું કરાવવું જોઇએ? અથવા ન કરાવવું જોઇએ? ચિત્ર દોરવાથી માંડીને રસોઇ કરવાથી માંડીને યુદ્ધ કરવા સુધીનાં બધાં કામ રોબોટ કરશે, તો નવરોઘૂપ થઇ ગયેલો માણસ શું કરશે? તેની રોજીરોટીનું શું થશે?
પહેલી ઔદ્યોગિક ક્રાંતિ થઇ ત્યારે ખેતરોમાં કામ કરતા લાખો લોકોનું કામ છીનવાઇ ગયું હતું. પણ તેની સામે નવાં ખુલેલાં કારખાનાંમાં તેમને રોજી મળી. એટલે કામનો પ્રકાર બદલાયો, પણ બેકારી વેઠવાની ન આવી. ભવિષ્યમાં રોબોટ ક્રાંતિ થાય તો તેના પરિણામે બેકાર બનેલા માણસો શું કરશે? અને આવી ક્રાંતિ થાય તે ઇચ્છનીય છે? કે રોબોટને ‘માપમા’ જ રાખવા જોઇએ? એની ચર્ચા આવતા સપ્તાહે.
Monday, February 18, 2013
યંત્ર મટીને મિત્ર બનતા ‘સામાજિક રોબોટ’
રોબોટની ઉત્ક્રાંતિઃ સિદ્ધિ કે સમસ્યા? (૧)
ચારેક વર્ષ પહેલાં અંગ્રેજીમાં એક પુસ્તક આવ્યું હતું : ‘લવ એન્ડ સેક્સ વિથ રોબોટ્સઃ ધ ઇવોલ્યુશન ઓફ હ્યુમન-રોબોટ રીલેશનશિપ’. ડેવિડ લેવીએ લખેલું આ પુસ્તક વાંચવાનું બન્યું નથી, પણ એ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર હતોઃ માણસ અને રોબોટ વચ્ચે વધતી નિકટતા. (આડચેતવણીઃ આ કે બીજી કોલમોમાં ઉલ્લેખાતાં પુસ્તકો લેખકોએ હંમેશાં વાંચ્યાં જ હોય - અને વાંચ્યા પછી પણ તે સમજ્યા જ હોય- એવું માની લેવું નહીં.)
‘રોબોટ’ની અસલ કલ્પના માણસના આકારના બુદ્ધિશાળી યંત્રની હોવાથી, અત્યાર લગી રોબોટ ‘યંત્રમાનવ’ તરીકે ઓળખાતા રહ્યા છે. તેમનો બાહ્ય દેખાવ, નાકનકશો અને અંગોપાંગો પણ માણસ જેવાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. એમાં કશું ખોટું નથી. કારણ કે માણસનાં વિવિધ અંગ ઉત્ક્રાંતિની આકરી પરીક્ષામાંથી પાસ થઇને વર્તમાન આકાર પામ્યાં છે. સમસ્યા એ છે કે માણસની કામગીરીને લગતી ઘણી જરૂરિયાતો માટે રોબોટનો ‘મનુષ્ય અવતાર’ કામ લાગતો નથી. ફેક્ટરીમાં વજન ઉંચકવાથી માંડીને બગીચામાં ઘાસ કાપવા સુધીનાં અનેક કામ માટે એવા રોબોટ વપરાય છે, જેમે ચહેરેમહોરે માણસ જોડે દૂરદૂરનો સંબંધ હોતો નથી. તેમનાં કદ પણ રાક્ષસીથી માંડીને ટચૂકડાં હોઇ શકે છે. એવા રોબોટને યંત્રમાનવ કહેવામાં આવે તો યંત્ર અને માનવ- બન્નેની ઓળખમાં ગુંચવાડા ઊભા થાય.
જાપાનની ‘સોની’ કંપનીએ બનાવેલો અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય અને જથ્થાબંધ ‘વસ્તી’ ધરાવતો રોબોટ ‘આઇબો’ (આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ રોબોટ) દેખાવમાં કૂતરા જેવો હતો. ૧૯૯૯થી ૨૦૦૬ સુધીમાં તેનાં આશરે ૧ લાખ ૪૦ હજાર નંગ વેચાયાં. એ રોબોટનું ગુજરાતી શું કરીશું? ‘યંત્રમાનવ’ તો નહીં જ. ‘યંત્રશ્વાન’ પણ શા માટે કરવું? આમ, બધા પ્રકારના રોબોટ માટે ‘યંત્રમાનવ’ને બદલે ‘યંત્રસાથી’ કે ‘યંત્રમિત્ર’ જેવો શબ્દપ્રયોગ વધારે ઠીક લાગે છે.
ઉત્ક્રાંતિ વખતે મનુષ્યોની સાથે અને સમાંતરે સાવ જુદા પ્રકારની ક્ષમતા અને મર્યાદા ધરાવતા જીવો પાંગરી રહ્યા હતા, એવું જ કંઇક આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ અને રોબોટિક્સના ક્ષેત્રે થઇ રહ્યું છે. મુખ્ય તફાવત હોય તો એટલો સજીવસૃષ્ટિની ઉત્ક્રાંતિનો દોર પ્રકૃતિના હાથમાં - અને માણસના કાબૂની બહાર - હતો, જ્યારે રોબોટની ઉત્ક્રાંતિ સંપૂર્ણપણે માનવજાતનું સર્જન છે. બુદ્ધિમતા અમુક હદથી વધી જતાં રોબોટ માનવજાતને ગુલામ બનાવી દેશે કે તેની પર રાજ કરતા થઇ જશે, એવી બીક સાહિત્યમાં દાયકાઓથી વ્યક્ત થતી રહી છે. એ કલ્પના સાવ કાઢી ન નાખીએ તો પણ, તેના સાકાર થવાની શક્યતા બહુ ઓછી છે. તેની સરખામણીમાં, લેખના આરંભે જેનો ઉલ્લેખ કર્યો એ પુસ્તકમાં રજૂ થયેલી કલ્પના વાસ્તવિકતાની ઘણી વધારે નજીક છે. બલ્કે, અમુક હદે તે વાસ્તવિકતામાં પલટાઇ પણ ચૂકી છે.
ડેવિડ લીવે અટકળ કરી હતી કે શુષ્ક, ઠંડાગાર અને યાંત્રિક લાગતા રોબોટ ધીમે ધીમે માનવજાતના પ્રીતિપાત્ર બનતા જશે- માણસને સાથીપણાનો અહેસાસ આપવા લાગશે. આ દલીલને ટેકો આપતાં લેવીએ પાળેલાં પશુપંખીઓથી માંડીને વર્ચ્યુઅલ પાત્રો પ્રત્યે માણસજાતના લાગણીના સંબંધોની- આસક્તિની વાત કરી હતી અને કહ્યું હતું કે આ જ ક્રમમાં હવે રોબોટનો વારો આવશે.
ડેવિડ લેવી કલ્પનાના ઘોડા દોડાવનાર વાર્તાકાર નહીં, પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના નિષ્ણાત છે. તેમની અભ્યાસ-આધારિત કલ્પના છે કે ઇ.સ.૨૦૫૦ સુધીમાં માનવ અને રોબોટ વચ્ચે એકદમ નિકટના તમામ પ્રકારના સંબંધ સ્થપાઇ શકે છે. લેવી અને એ ક્ષેત્રના બીજા નિષ્ણાતોની આ પ્રકારની આગાહીઓમાં કેટલું તથ્ય છે, એ જાણવા માટે ભવિષ્યની રાહ જોવી પડે એમ નથી. રોબોટની ઉપયોગિતા અને તેમની સાથે બંધાનારા લાગણીના સંબંધોના પરચા મળવાના શરૂ થઇ ગયા છે.
ગયા વર્ષે પ્રગટ થયેલા એક અખબારી અહેવાલમાં સામાજિક કામગીરી કરતા ‘સોશ્યલ રોબોટ’ વિશે વિગતે માહિતી આપવામાં આવી હતી. જેમ કે, લકવાના હુમલા પછી સારવાર મેળવતા દર્દીઓના રેહેબિલિટેશન સેન્ટરમાં દર્દીઓની દેખરેખ રાખનારા રોબોટ. ડાઉની, કેલિફોર્નિયાના આ સેન્ટરમાં ‘બેન્ડિટ’ નામનો એક યંત્રમિત્ર દર્દીઓની શારીરિક સ્થિતિ પ્રમાણે તેમને કસરત કરાવે છે. ૧ થી ૧૦ સુધીના આંકડા લખ્યા હોય એવી પેનલ પર દર્દીઓ બેસે. ત્રણ ફૂટિયો ‘બેન્ડિટ’ એમને સૂચનાઓ આપે. જેમ કે, ‘સાત નંબરનું બટન તમારા જમણા હાથે દબાવો.’
કસરતમાં દર્દીઓ ભૂલી કરે એટલે તરત ‘બેન્ડિટ’ તેમને ટોકે અને સરસ કસરત થાય તો એ અભિનંદન પણ આપે. આ રીતે જે થાય તેને પરંપરાગત અર્થમાં ‘વાતચીત’ ભાગ્યે જ કહી શકાય, પણ ‘બેન્ડિટ’ અને એના જેવી સામાજિક કામગીરી કરતા બીજા રોબોટ પર સંશોધન કરનારા યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના એક અભ્યાસી એરિક વેડે પાંચ વર્ષના અનુભવોમાં નોંઘ્યું કે દર્દીઓ ‘બેન્ડિટ’ રોબોટ સાથે વાતો કરતા હતા, એ અભિનંદન આપે ત્યારે મરકતા હતા, તેનાં અભિનંદન મેળવવા માટે કસરત અને ટેસ્ટમાં બહેતર બનવા પ્રયાસ કરતા હતા.
‘બેન્ડિટ’ માણસ નથી, પણ સર્કિટ અને વાયરોનું ગૂંચળું છે એ બરાબર જાણવા છતાં, કેટલાક દર્દીઓ તેને લાગણીવશ થઇને ભેટવાનો પ્રયાસ પણ કરતા હોવાનું એરિકને જાણવા મળ્યું. હોસ્પિટલમાં અને ઘરમાં દર્દીઓ કે ચોક્કસ પ્રકારની માનસિક મર્યાદાઓ ધરાવતાં બાળકો ‘બેન્ડિટ’ જેવા રોબોટ સાથેના સંબંધો પછી તેમના હેવાયાં થઇ જતાં હોવાનું પણ અભ્યાસીઓનેે જોવા મળ્યું છે. અમેરિકા જેવા દેશોમાં સમુહકેન્દ્રીને બદલે વ્યક્તિકેન્દ્રી સમાજની બોલબાલા હોય અને એકલવાયાપણું મુખ્ય સમસ્યાઓમાંની એક હોય, ત્યારે ‘વસ્તી’નો અહેસાસ આપતા અને સેવા કરવા ઉપરાંત સાથ આપતા રોબોટ બહુ વહાલા લાગે એમાં ખાસ આશ્ચર્ય નથી.
સામાજિક કામગીરી કરતા સોએક પ્રકારના રોબોટ અત્યારે વિશ્વભરમાં સક્રિય છે. તેમાં ઘરકામ કરનારાથી માંડીને પાળેલાં પશુપંખીઓનો અહેસાસ આપનારા જુદા જુદા આકારપ્રકારના રોબોટનો સમાવેશ થાય છે. અત્યાર લગી જેનાં સાઠેક લાખ નંગ વેચાઇ ચૂક્યાં છે એવા ‘રુમ્બા’ રોબોટ દેખાવમાં જરાય માણસ જેવા નથી. છતાં તેની લોકપ્રિયતા જોઇને કોઇને પણ ‘યે રુમ્બા રુમ્બા ક્યા હૈ?’ એવું પૂછવાનું મન થાય.
જ્યોર્જિયાની ટેક કોલેજ ઓફ કમ્પ્યુટિંગના અભ્યાસ પ્રમાણે, રુમ્બાનો ઉપયોગ કરનારા લોકોમાંથી ઘણા તેને મશીન નહીં, પણ પરિવારના સભ્ય સમકક્ષ ગણવા લાગે છે. કેટલાક તો એની સાથે વાતો કરતા હોવાનું પણ નોંધાયું છે. એ ‘બિમાર’ પડે તો કામ અટકી પડે એટલા માટે નહીં, પણ લાગણીવશ થઇને ઉદાસ થઇ જનારા લોકો પણ હોય છે.
ફક્ત સામાજિક માણસો જ નહીં, કઠણ હૃદયના ગણાતા સૈનિકો પણ રોબોટ સાથે લાગણીનો નાતો અનુભવતા થઇ જાય છે. ‘વોશિંગ્ટન પોસ્ટ’માં નોંધાયેલા એક પ્રસંગ પ્રમાણે, ઇરાકમાં ફરજ બજાવતા અમેરિકન સૈનિકો બોમ્બ નિષ્ક્રિય બનાવવા માટે ‘સ્કૂબી-ડૂ’ નામનો એક રોબોટ વાપરતા હતા. એ રોબોટ એકાદ વિસ્ફોટમાં ઘાયલ થયો, ત્યારે કોઇ ઇજાગ્રસ્ત સિપાહીને લવાય એટલી જ કાળજીથી ‘સ્કૂબી-ડૂ’ને રીપેરીંગ માટે લઇ જવામાં આવ્યો. પરંતુ તેને થયેલું નુકસાન એટલું મોટું હતું કે રોબોટના ‘ડોક્ટરે’ માથું ઘુણાવીને ના પાડી દીધી અને ‘સ્કૂબી-ડૂ’ના બદલામાં નવો રોબોટ આપવાની તૈયારી બતાવી. ત્યારે તેની સાથે રહેલા સૈનિકે સાફ ના પાડીને કહ્યું કે ‘મારે તો સ્કૂબી-ડૂ જ જોઇએ છે.’
Subscribe to:
Posts (Atom)





