Showing posts with label literature. Show all posts
Showing posts with label literature. Show all posts

Sunday, April 01, 2018

મહાનવલ 'રાગ દરબારી'નાં પચાસ વર્ષ

Raag Darbari

કોઈ ફોટો સદાબહાર હોઈ શકે, પણ એક્સ-રે સદાબહાર હોય? હિંદી વ્યંગ નવલકથા 'રાગ દરબારી'થી પરિચીત હોય એવા સૌ કોઈનો જવાબ હશેઃ હા, પાંચ-પાંચ દાયકા વીત્યા પછી પણ 'એક્સ-રે'  એટલો જ તરોતાજા લાગી શકે. શ્રીલાલ શુક્લલિખિત 'રાગ દરબારી' માટે જોકે 'આઝાદ ભારતનો એક્સ-રે'ને બદલે 'ભારતનું ડીએનએ'  જેવી ઓળખ વધારે યોગ્ય ગણાશે. કારણ કે 1968માં લખાયેલી એ નવલકથામાં પાને પાને નહીં, લીટીએ લીટીએ ઇન્ડિયા ધેટ ઇઝ ભારતની બારીક લાક્ષણિકતાઓ ગુંથાયેલી છે. એટલે જ, આ પુસ્તક વાંચનારે જેમાં ગમતાં વાક્યો નીચે લીટી દોરવાની કોશિશ કરવી નહીં. આખું પુસ્તક ચીતરાઈ જશે.

'રાગ દરબારી'માં વાત તો ઉત્તર પ્રદેશના એક કાલ્પનિક ગામ શિવપાલગંજની છે, પણ હકીકતમાં એ ભારતની લઘુઆવૃત્તિ-મિનિએચર છે. આ ગામડું આર. કે. નારાયણનાં લખાણોમાં નિર્દોષ ગ્રામ્યજીવન માટે વિખ્યાત બનેલા કાલ્પનિક માલગુડી જેવું નથી અને મુનશી પ્રેમચંદનાં લખાણોમાં અમર બનેલાં શોષણ-ગરીબી-દરિદ્રતા અને એ બધાની વચ્ચે પીસાતી માનવ સંવેદના ધબકાવતાં ગામડાં જેવું પણ નથી. તે હિંદી ફિલ્મોનું ભોળુંભાળું, દિલનું સાફ ગામડું પણ નથી. શિવપાલગંજ એ રીતે દિલ્હી-ગાંધીનગરની વધારે નજીક છે.

એક નવલકથા તરીકે 'રાગ દરબારી'ની મોટી ખૂબી એ છે કે તેનાં અઢળક પાત્રોમાં કોઈ નખશીખ હીરો નથી અને લગભગ બધા જ એક યા બીજી રીતે નકારાત્મક અંશ ધરાવે છે. (તેના પહેલા પાને સામાજિક ચેતવણી મુકાવી જોઈએઃ આ નવલકથા પોઝિટિવ થિંકિંગના નામે વાસ્તવિકતાથી આંખ આડા કાન કરવાની ટેવ ધરાવનાર લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.) મોટા કદનાં 330 પાનાંની આ નવલકથામાં એક પણ હીરોઇન નથી અને સ્ત્રીપાત્રો સમ ખાવા પૂરતાં જ છે. તે એક રીતે ત્યારના ગ્રામજીવનની વાસ્તવિકતા પણ સૂચવે છે.

કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયા પછી આ નવલકથાનો ઘણી ભારતીય ભાષાઓમાં   અનુવાદ થયો. ગુજરાતીમાં તેનો અનુવાદ હરિન્દ્ર દવેએ કર્યો હતો. દૂરદર્શનના સુવર્ણયુગમાં આ નવલકથા પરથી ૧૩ હપ્તાની એક શ્રેણી પણ બની હતી. પરંતુ 'રાગ દરબારી’ જેવું નામ અને તેના ટાઇટલમાં પંડિત ભીમસેન જોશીનો કંઠ હોવાને કારણે તેને શાસ્ત્રીય સંગીતની શ્રેણી સમજીને બંધ કરી દેનારા પણ હશે. બાકી, તેમાં ઓમ પુરી, મનોહરસિંઘ, દિનેશ શાકુલ જેવા મજબૂત કલાકારો હતા. (આ શ્રેણીનું રેકોર્ડિંગ ક્યાંયથી ઉપલબ્ધ બને એમ હોય તો તેની ભાળ આપવા વિનંતી.)

'રાગ દરબારી'ની ખરી ચોટ તેનાં ઘટનાપ્રસંગોમાં નહીં, આલેખન અને સંવાદોમાં છે. એટલે જ ટીવી શ્રેણી હોય કે ગુજરાતી સહિતના તેના અનુવાદ, પણ હિંદી વાંચી શકતા લોકોએ થોડી જહેમત લઈને આ કૃતિ હિંદીમાં જ વાંચવી જોઈએ. આવી મહાક્લાસિક કૃતિને મૂળ ભાષામાં વાંચવાનો આનંદ અને મૂળ ભાષામાં આપણે વાંચી શક્યા એનો સંતોષ અવર્ણનીય હોય છે. 'રાગ દરબારી'નું કથાવસ્તુ ટૂંકમાં આપી દેવાનો કોઈ આશય નથી. તેનું હાર્દ અને તેનો કેન્દ્રીય ધ્વનિ છેઃ ભારતનાં ગામડાં. ગાંધીજીની ગ્રામસ્વરાજની વિભાવના અને ડૉ. આંબેડકરની 'ગામડાં છોડો'ની હાકલ, એ બંનેમાંથી, પ્રચલિત છબીમાં ગામડાં ફુલગુલાબી ગણાતાં હતાં, પણ ડૉ.આંબેડકરે તેમને સંકુચિતતાનાં કેન્દ્રો ગણાવ્યાં હતાં. 'રાગ દરબારી'નું શિવપાલગંજ એવું જ છે. કાવાદાવા, ખટપટો, નાનામાં નાની બાબતોમાં બેઇમાની અને તેની શરમને બદલે ગૌરવ અનુભવતાં પાત્રો, ઉંડે સુધી ઉતરી ગયેલો જ્ઞાતિવાદ, સિદ્ધાંતો અને મૂલ્યોની બડી બડી વાતોની ઓથે રહેલી હળહળતી ધૂર્તતા, સગવડીયો અતીતરાગ...'રાગ દરબારી' વાંચતાં લાગે કે 'દુનિયા આટલી બધી ખરાબ છે?’ છતાં, એ વાંચીને નિરાશા નથી આવતી કે નકારાત્મકતા નથી ઉગતી. કારણ કે તે ઝેર ઓકતો દસ્તાવેજ નથી, પોતાના વ્યવસાયને વફાદાર એવા ડોક્ટરે કાઢેલો મેડિકલ રીપોર્ટ છે. 'રાગ દરબારી' પર ક્રૂર અને કેટલેક ઠેકાણે 'ક્રુડ' (crude-ભદ્દી અભિવ્યક્તિવાળી) હોવાનો આરોપ છે, પણ દર્દીને કૅન્સર છે એવું કહેનાર ડૉક્ટરને ક્રૂર કહી શકાય, તો જ 'રાગ દરબારી'ને ક્રૂર કહી શકાય—અને ચોખલિયા માપદંડથી ભદ્દાપણું માપનારા એ ભૂલી જાય છે કે તે લેખકના મનની પેદાશ નથી, વાસ્તવિકતા સામે ધરાયેલો આયનો છે.

આટલું વાંચ્યા પછી 'રાગ દરબારી' ભારેભરખમ, નકારાત્મક કે કરુણ હોવાની છાપ પડી હોય તો એ વેળાસર ખંખેરી નાખવા જેવી છે. કારણ કે વ્યંગના સટાકા બોલાવવામાં અને ખડખડાટ હસાવવામાં આ નવલકથા જેટલો ઊંચો સ્ટ્રાઇક રેટ ભાગ્યે જ બીજી કોઈ કૃતિનો હશે. 330 પાનાં સુધી દરેક પાને, દરકે ફકરામાં અને ઘણે ભાગે તો દરેક લીટીમાં વ્યંગનો આટલો દારૂગોળો ઠાંસવાનું કામ અશક્યવત્ લાગે એવું છે--અને તે પણ નવલકથાના સ્વરૂપમાં રહીને તો વિશેષ. ટ્વિટરયુગમાં રોજના એક લેખે 'રાગ દરબારી'નાં વન લાઇનર્સ કે અવતરણો કાઢવામાં આવે તો વર્ષો સુધી ચાલે--અને કમનસીબે પચાસ વર્ષ સુધી તો તે અપ્રસ્તુત પણ નથી બન્યાં અને હજુ નજીકના ભવિષ્યમાં અપ્રસ્તુત બની જાય એવાં લાગતાં પણ નથી.

જેમ કે, 'પુનર્જન્મના સિદ્ધાંતની શોધ ભારતની દીવાની અદાલતોમાં થઈ હશે' આવી એક જ વાત અદાલતી કાર્યવાહીના વિલંબનો આખો ચિતાર આપી દે છે. ગામની કો-ઑપરેટિવ સોસાયટીમાં ઉચાપત થાય છે ત્યારે એક પાત્ર કહે છે, 'સારું થયું. બાકી અત્યાર સુધી લોકો આપણી ઇમાનદારીને શંકાની નજરે જોતા હતા. હવે આપણે વટકે સાથ કહી શકીશું કે અમારી મંડળીમાં ઉચાપત થઈ અને અમે પ્રામાણિકતાથી તેનો સ્વીકાર પણ કર્યો.’ સાહિત્યમાં ખેડૂતોને દુઃખિયારા ચીતરવાનો રિવાજ છે અને તેમાં ઘણું તથ્ય પણ છે. છતાં 'રાગ દરબારી' કહે છે કે 'આપણા ખેડૂતોને પોતાની જમીન બહુ વહાલી હોય છે અને પોતાની જમીન કરતાં પણ પારકી જમીન વધારે વહાલી લાગે છે’, ત્યારે એક સાથે સેંકડો છબીઓ ધ્વસ્ત થઈ જાય છે અને આપણે નવેસરથી વિચારતા થઈ જઈએ છીએ. ગાંધીજીની હત્યાનાં વીસ જ વર્ષ પછી પ્રગટ થયેલી આ નવલકથા કહે છે, “ગાંધી, જૈસા કિ કુછ લોગોં કો આજ ભી યાદ હોગા, ભારતવર્ષ મેં હી પૈદા હુએ થે ઔર ઉનકે અસ્થિ-કલશ કે સાથ હી ઉનકે સિદ્ધાન્તોકોં સંગમ મેં બહા દેને કે બાદ યહ તય કિયા ગયા થા કિ ગાંધી કી યાદ મેં અબ સિર્ફ પક્કી ઇમારતેં બનાયી જાયેંગી ઔર ઉસી હલ્લે મેં શિવપાલગંજ મેં યહ ચબૂતરા બન ગયા થા.”

આવી એક ઉત્તમ અને ચિરંજીવ કૃતિ પ્રત્યે આંગળી ચીંધવા સાથે અને ધાર્મિક કથાઓમાં કહે છે તેમ, 'રાગ દરબારી' આ લખનારને ફળી એવી એ સૌને ફળો એવી આશા સાથે, આ કૉલમની સફર અહીં વિરામ પામે છે.  અલવિદા.

'રાગ દરબારી' અને તેના લેખક શ્રીલાલ શુક્લ સાથેની મુલાકાત અંગેની અન્ય પોસ્ટ
‘રાગ દરબારી’ના લેખક શ્રીલાલ શુક્લને જ્ઞાનપીઠ સન્માનઃ આનંદ અને સંભારણાં
‘રાગ દરબારી’ના સર્જક શ્રીલાલ શુક્લને અલવિદા

Tuesday, June 13, 2017

‘...તો મંટો આજ મરનેકો તૈયાર હૈ'

(મંટો વિશેના લેખનો પહેલો ભાગઃ મેરે દિમાગકી જેબેં અભી ખાલી નહી હુઈઃ મંટો)

વિશ્વના શ્રેષ્ઠ વાર્તાકારોમાં જેની ગણના થાય છે તે મંટોએ મુંબઈની હિંદી ફિલ્મકંપનીઓ માટે ઘણું કામ કર્યું હતું. વાર્તાકાર તરીકે ત્યારે મંટોનું નામ જાણીતું થઈ ચૂક્યું હતું, પણ ટૂંકી વાર્તાઓ પર લાંબું ન ચાલે. એટલે ફિલ્મી લેખન રોજગારીના ભાગરૂપે હતું. કવિ-લેખક-નાટ્યકાર અહમદ નદીમ કાસમીને લખેલા પત્રોમાં આ અંગે મંટોના વિચારો અને વ્યાવસાયિક બનવાના પ્રયાસનું બયાન મળે છે.

Manto / મંટો
અહમદ નદીમ કાસમી 

ફિલ્મલાઈનમાં રૂપિયા સારા મળતા હોવાથી મંટો કાસમીને સતત મુંબઈ આવી જવા આગ્રહ કરતા હતા--અને કાસમી માટે ફિલ્મોમાં ગીતો ને સીન લખવાનું કામ શોધતા હતા. 'કીચડ' ઉર્ફે MUD મંટોએ ફિલ્મ માટે લખેલી સ્ટોરી હતી. તેના વિશે જાન્યુઆરી, ૧૯૩૯ના પત્રમાં મંટોએ કાસમીને લખ્યું હતું, ‘MUDમેં આપકો બહુતસી નયી ચીજેં નઝર આયેંગી. 'નયા કાનૂન' કે ઉસ્તાદ મંગૂકી ઝલક આપકો નથ્થૂકે કૈરેક્ટરમૈં મિલેગી. ફિર મૈંને અપને હર કૈરેક્ટરકે ઉસકી બુરાઈયોં ઔર અચ્છાઇયોં સમેત પેશ કિયા હૈ. અગર યે સ્ટોરી ફિલ્માયી ગયી ઔર ડાયરેક્શન ઉસ ચીજકો બરકરાર રખ સકી જો મેરે સીનેમેં હૈ તો મેરા ખ્યાલ હૈ કિ આપ મેરે MUDમૈં સારા હિન્દોસ્તાન દેખ લેંગે.’

આ ફિલ્મનાં ગીત કાસમી લખે એવું મંટો ઇચ્છતા હતા. એપ્રિલ, ૧૯૩૯ના પત્રમાં તેમણે કાસમી સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો અને સાથે મૂળ કથા પણ મોકલી આપી. પરંતુ એ બન્ને બાબતો શક્ય બની નહીં. કાસમીએ મોકલેલાં કેટલાંક ગીત મંટોને પસંદ ન પડ્યાં. તેમાંથી એક ગમ્યું, તે સંગીતકાર રફીક ગઝનવીને તર્જ બનાવવા આપી દીધું અને બીજાં ફરી લખી આપવા કહ્યું. પરંતુ જુલાઈ ૧૯૩૯ના પત્રમાં મંટોએ લખ્યું, ‘મુઝે બેહદ અફસોસ હૈ કિ અબ યે ગીત ફિલ્મમેં શામિલ નહીં કિયે જા સકેંગે ઇસલિએ કિ મૈંને ફિલ્મકી પ્રોડક્શનમૈં દિલચસ્પી લેના છોડ દિયા હૈ. ડાયરેક્ટર સાહબકો મેરા મુકાલમા (સંવાદ) પસંદ નહીં આયા. વહ કહતે હૈં કિ જો કુછ તુમ લિખતે હો, મેરી સમઝસે બાલાતર હૈ...મૈં બહુત ખુશ હૂં કિ રોજ રોજકે ઝગડોંસે નિજાત મિલી ઔર વહ ખુશ હૈં ઉનકો મેરી જિરહ (ઉલટતપાસ)કા સામના નહીં કરના પડેગા. ચૂંકિ મુકાલમા કોઈ ઔર લિખ રહા હૈ, ઇસલિએ મૈંને આપકે ગીત પેશ કરના મુનાસિબ નહીં સમઝા... ’

આ ફિલ્મ રજૂ થઈ, પણ તેણે ખાસ કશું ઉકાળ્યું નહીં.  વાર્તામાં થયેલા અઢળક ફેરફારોથી મંટોને બહુ દુઃખ થયું હતું, પણ 'ફોટોગ્રાફી ને કેટલાક એક્ટરોની એક્ટિંગ સારી છે'  એવું તેમણે કાસમીને લખ્યું. ફિલ્મલાઇનમાં સંપર્કો હોવાને કારણે મંટો બીજેથી પણ કાસમી માટે કામ શોધી લાવતો હતો. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં મંટોએ કાસમીને વિ.સ.ખાંડેકરની 'ધર્મપત્ની’ શીર્ષક ધરાવતી ફિલ્મી સ્ટોરી મોકલી અને કહ્યું કે તેના સંવાદ લખવાનું કામ કેદાર શર્માને સોંપાયું હતું. પણ એ પ્રોડ્યુસરને ગમ્યા નથી. એટલે તમને લખવા મોકલું છું. સંવાદ લખવા વિશે કાસમીને સલાહસૂચનો આપીને મંટોએ લખ્યું હતું, ‘બરાહે કરમ યે કામ ખૂબ મહેનતસે કીજિયેગા. મેરી ખ્વાહિશ હૈ કિ આપ ફિલ્મી લાઇનમેં આયેં ઔર અપના નામ રૌશન કરેં.’

ગુજરાતી-હિંદી-ઉર્દુ નાટ્યકાર અસલમ પરવેઝ દ્વારા સંપાદિત 'મંટોકે ખત'માં મહત્તમ (૯૨) પત્રો અહમદ નદીમ કાસમી પર છે. તેમાં મંટોની કેટલીક ટૂંકી વાર્તાઓ અને ફિલ્મી કથાઓના સર્જનસમયના અણસાર મળે છે. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં જ મંટોએ પોતાના મનમાં રહેલી એક વાર્તા વિશે લખ્યું છે, જેનું શીર્ષક 'પડોસ’ રાખવાનો મંટોનો વિચાર હતો. હિંદુ-મુસ્લિમ વિખવાદ વિશેની એ વાર્તાનો કેન્દ્રીય વિચાર મંટોએ પત્રમાં આ શબ્દોમાં લખ્યો હતો, ‘...ચૂંકિ મસ્જિદ ઔર મંદિરમેં ઇન દોનોં કૌમોકા મિલાપ મુહાલ હૈ ઇસલિએ મૈંને એક ઐસા પ્લેટફાર્મ ઢૂંઢા હૈ, જહાં યે દોનો મિલ સકતે હૈં, યા મિલતે રહતે હૈં. યહ પ્લેટફાર્મ વેશ્યાકા મકાન હૈ જો ના મંદિર હૈ ઔર ન મસ્જિદ. બસ ઇસી મકાન પર મૈં અપને સારે અફસાનેકા બોઝ ડાલના ચાહતા હું. ’

આવી જ એક અજાણી અને કદાચ ન બનેલી ફિલ્મ STEEL વિશે પણ મંટોના પત્રમાંથી જાણવા મળે છે. સપ્ટેમ્બર, ૧૯૪૦ના પત્રમાં મંટોએ લખ્યું હતું,’ઇસકો ફિલ્માનેકા ફૈસલા કર લિયા ગયા હૈ. મુઝે ઇસકે છઃ સૌ રૂપયે મિલેંગે. (ઇસકા જિક્ર કિસીસે ન કિજિયેગા) દોસૌ વસૂલ કર ચૂકા હું. દૂસરે અલફાઝમેં જો કર્જ મેરે સર પર થા મૈંને ઇન રૂપયોંસે ઉતાર દિયા હૈ.’ એક પત્રમાં મંટોએ 'જેબકતરા' એ શીર્ષક હેઠળ ફિલ્મી વાર્તા લખવાનો ઇરાદો જાહેર કરીને કાસમીને પૂછ્યું હતું, (આ) કેવું નામ છે?

પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' બનાવનાર ઇમ્પીરિયલ મુવિટોને ભારતની પહેલી રંગીન ફિલ્મ 'કિસાનકન્યા' બનાવી, તેમાં સિનારિયો મંટોએ લખ્યો હતો.  મે, ૧૯૩૮ના મંટોના પત્રમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે તેમની વાર્તા 'મુઝે પાપી કહો’ પરથી 'ઇમ્પીરિયલ'માં ફિલ્મનું શૂટિંગ ચાલે છે. આ વાત મંટોના મુંબઇમાં પહેલી વારના નિવાસની. વચ્ચે દિલ્હી આકાશવાણીમાં નોકરી કરી આવ્યા પછી તે ફરી મુંબઈ આવ્યા. એ વખતે એસ.મુખર્જીએ સ્થાપેલી સંસ્થા ‘ફિલ્મીસ્તાન’માં તેમણે નોકરી લીધી.  ફિલ્મી સિતારાઓ વિશેના મંટોના પુસ્તક 'ગંજે ફરિશ્તે’ની ઘણી સામગ્રી મંટોને ત્યાંથી મળી. ‘આઠ દિન’ જેવી ફિલ્મમાં મંટોએ નાનકડી ભૂમિકા પણ અદા કરી. પરંતુ ભાગલાના થોડા સમય પહેલાં મંટોએ કાસમીને લખ્યું હતું,’યહાં ફિલ્મીસ્તાનવાલોંસે મૈં કરીબ કરીબ નારાજ હો ચુકા હું. લાહૌરમૈં એક ફિલ્મસાઝ મુઝે એક હજાર રૂપયા માહવાર દેનેકે લિએ તૈયાર હૈ. સોચ રહા હું કિ ચલા જાઉં...’

ભાગલાનાં થોડાં વર્ષ પછી સોહરાબ મોદીએ મંટોની વાર્તા પરથી ભારતભૂષણ—સુરૈયાને લઈને બનાવેલી ફિલ્મ 'મિર્ઝા ગાલિબ’ (૧૯૫૪) બહુ વખણાઈ. રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. પરંતુ ગાલિબની વિશે ફિલ્મની વાર્તા લખવાની મંટોની તૈયારીનો ઉલ્લેખ છેક સપ્ટેમ્બર ૧૯૪૦ના પત્રમાં મળે છે. 'તમે મુંબઈ હોત તો કેટલું સારું' નો ભાવ વધુ એક વાર પ્રગટ કરતાં કાસમીને લખ્યું હતું, ‘...મૈં ગાલિબકે નામસે એક ફિલ્મી કહાની લિખનેકા ઇરાદા કર રહા હૂં. આપ શાયર હૈં. અગર આપ યહાં હોતે તો મુઝે કિતની મદદ મિલતી મૈંને ગાલિબસે મુતાઅલ્લિક બહુતસી કિતાબેં ઇકઠ્ઠી કર લી હૈેં. ઔર ભી કિતાબેં જમા કર રહા હું. ’

આજીવન સ્વભાવપ્રેરિત અને સંજોગોપ્રેરિત સંઘર્ષ સામે ઝઝૂમેલા અને તેની વચ્ચે અમર કૃતિઓ રચી ગયેલા મંટોએ કાસમીને એક પત્રમાં લખ્યું હતું, 'અગર કોઈ સાહબ મેરે સાથ વાદા કરેં કિ વહ મેરે દિમાગમેંસે સારે ખ્યાલાત નિકાલ કર એક બોતલમેં ડાલ દેંગે તો મંટો આજ મરનેકો તૈયાર હૈ. મંટો, મંટોકે લિએ જિન્દા નહીં હૈ...મગર ઉસસે કિસીકો ક્યા? મંટો હૈ ક્યા બલા? છોડિયે ઇસ ફુજુલ કિસ્સેકો.. આઇયે કોઈ ઔર બાત કરેં.’

Wednesday, June 07, 2017

મેરે દિમાગકી જેબેં અભી ખાલી નહી હુઈઃ મંટો

Manto  / મંટો
એક જ સમયમાં થઈ ગયેલાં જુદાં જુદાં ક્ષેત્રનાં મહાન વ્યક્તિત્વોને કદી મળવાનું ન થાય, એ આમ તો સમજી શકાય એવું છે. છતાં, વિચારો પર કાબૂ નથી. ઘણી વાર એવી ઇચ્છા થાય કે એ લોકો મળ્યા હોત તો? જેમ કે, ગાંધીજી, મહાન ગાયક કે.એલ.સાયગલ અને મહાન વાર્તાકાર સઅાદત હસન મંટો. પોતપોતાના ક્ષેત્રોમાં ઊંડી છાપ છોડનાર આ હસ્તીઓને આજે પણ યાદ કરવામાં આવે છે. બલ્કે, ગાંધીજીની અને મંટોની બાબતમાં તો, તેમના કામના અને તેમાં રહેલી ચિરંજીવ પ્રસ્તુતતાના હજુ અભ્યાસ થતા રહે છે. તેમના મૃત્યુના દાયકાઓ પછી તેમના વિશે- તેમની કૃતિઓ વિશે લખાતું રહે છે-ચર્ચા થતી રહે છે.

હમણાં 'બેગમજાન' નામની એક ફિલ્મ આવી હતી. દેહવ્યાપાર કરતી સ્ત્રીઓ અને ભારત-પાકિસ્તાનના ભાગલાને કેન્દ્રસ્થાને રાખીને રચવામાં આવેલી તેની વાર્તાનાં પાત્રો બીબાઢાળ હતાં, પણ એ બન્ને વિષયો પર મંટોએ લખેલી વાર્તાઓનો પ્રભાવ રસિકજનો પર હજુ પણ એટલો છે કે તે ફિલ્મ મંટો અને તેમનાં સમકાલીન મહાન લેખિકા ઇસ્મત ચુગતાઈને અર્પણ કરવામાં આવી. મહાન ગુજરાતી ગઝલકાર 'મરીઝ’ના જીવન વિશે મનોજ શાહે બનાવેલા નાટકમાં પણ મંટો દેખા દઈ જાય છે અને પોતાના લખાણ વિશે યુવાન 'મરીઝને’ એક બારમાં (બીજે ક્યાં?) થોડી વાતો કરે છે. મંટો પર પાકિસ્તાનમાં એક ફિલ્મ બની, જે હજુ અહીં જોવા મળી નથી. નવાઝુદ્દીન સિદ્દીકીને મંટોની ભૂમિકામાં રજૂ કરતી નંદિતા દાસની ફિલ્મ બની રહી છે. તેનું ટ્રેલરસાઇઝનું દૃશ્ય યુટ્યુબ પર જોવા મળ્યું હતું.

મંટો હજુ જીવે છે અને એ જીવતો જ રહેશે. (મંટો જેવા પ્રિય પાત્ર વિશે માનાર્થે બહુવચન નહીં, આત્મીયતાર્થે એકવચન જ મનમાં આવે છે.) મંટોનાં લખાણ નાગરી લિપીમાં 'દસ્તાવેજ’ના પાંચ ભાગમાં (અઘરા ઉર્દુ શબ્દોના હિંદી અર્થ સાથે) વાંચવા મળી શકે છે. ગુજરાતી સહિતની ભાષાઓમાં તેના અનુવાદ પણ થયા છે. છતાં, મંટોથી પરિચિત થવા ઇચ્છતા કે મંટો કઈ જણસ છે, તે જાણવા ઇચ્છતા જિજ્ઞાસુઓને ભલામણ છે કે હિંદી લિપીમાં ઉર્દુ ભાષામાં મૂળ મંટો જ વાંચવો. ‘દસ્તાવેજ’ ઉપરાંત મંટોના પત્રોનો એક સંગ્રહ 'મંટોકે ખત’ પણ મંટોપ્રેમીઓ માટે ખજાનો બને એવો છે. ગુજરાતી સહિત ચાર ભાષાઓમાં નાટકો લખતા જાણીતા નાટ્યકાર Aslam Parvez/અસલમ પરવેઝે તેનું સંપાદન કર્યું છે. આ પત્રોમાંથી જાતથી માંંડીને દુનિયા સામે ઝઝૂમતા મંટોની છબી આબાદ ઉપસે છે. સંગ્રહમાંના મોટા ભાગના પત્રો શાયર-નાટ્યકાર-વાર્તાકાર અહમદ નદીમ કાસમીને લખાયેલા છે.

પરસ્પર સદભાવને કારણે બન્ને વચ્ચે આત્મયીતાભર્યા પત્રોનો દૌર ચાલે છે, જેમાં 'બિરાદરે મોકર્રમ’ અને 'નદીમસાહબ’ જેવાં સંબોધનો પછી તો 'પ્યારે નદીમ’ સુધી પહોંચે છે. 1937થી 1948 વચ્ચે મંટોએ અહમદ નદીમ કાસમીને લખેલા 92 પત્રો આ સંગ્રહમાં મુકાયા છે. તેમાં  ઘણા બધા પત્રો કામકાજી છે. મુંબઈની ફિલ્મી દુનિયામાં સંકળાઈ ચૂકેલો મંટો કાસમીને વારંવાર મુંબઈ આવી જવા અને પોતાની સાથે રહીને ફિલ્મી લેખનમાં જોડાઈ જવા સમજાવે છે. કાસમીના જવાબ આપણને વાંચવા મળતા નથી, પણ તે મુંબઈ આવતા નથી. એટલે મંટો તેમને એક યા બીજી રીતે કામ અપાવવા કોશિશ કરે છે. રેડિયોનાટકો લખવા માટેના વિષયો આપે છે, તેનાં ગીત લખવા માટેના વિષય અને ક્યારેક તો ટીપ્સ પણ આપે છે. તેમની વાર્તા વિશે અભિપ્રાય આપે છે અને પોતાની વાર્તા વિશેના અભિપ્રાય પુછાવે પણ છે.
Ahmed Nadeem Qassmi/ અહમદ નદીમ કાસમી

સાવ શરૂઆતના પત્રમાં મંટો લખે છે,’મૈં ખુદ બહુત સેન્ટીમેન્ટલ હું. મગર મૈં સમઝતા હું કિ હમેં અફસાનોંમેં (વાર્તાઓમાં) સેન્ટીમેન્ટ જ્યાદા નહીં ભરના ચાહીએ. આપકે અફસાનોંકા મુતાલા  કરનેકે મુઝે ઐસા માલુમ હોતા હૈ કિ સેન્ટીમેન્ટ આપકી મીખ તક પહુંચ ચુકા હૈ. ઇસકો દબાનેકી કોશિશ કીજિયે.‘

પોતાની અણીઓ અને મર્યાદાઓ વિશે મંટો બરાબર જાણે છે. એટલે જ, કાસમી તેમના વિશે આદર કે અહોભાવ વ્યક્ત કરે ત્યારે મંટો અનેક પત્રોમાં તેમને ચેતવે છે કે મારા વિશે (ઊંચો) અભિપ્રાય બાંધી લેશો નહીં. કાસમી પરના પત્રોમાં મંટો પોતાની ગડમથલોનું-અંગત લાગણીઓનું ખુલીને બયાન કરે છે. મંટોની પત્ની સફિયા પણ કાસમીના લખાણ પ્રત્યે ભાવ ધરાવે છે. એટલે ઘણાખરા પત્રોમાં મંટો સફિયાની યાદ પાઠવે છે અથવા સફિયા તરફથી બે શબ્દો લખે છે.  એ પત્રમાં સફિયાએ 'કુંવારે સપને’ શીર્ષક સાથે વાર્તા લખવાની શરૂ કરી એવો પણ ઉલ્લેખ છે. (ઓગસ્ટ, 1939)

પુત્રજન્મ થયા પછીના એક પત્રમાં મંટો કાસમીને લખે છે, ‘સફિયા કહતી હૈ કિ આપ લડકેકે લિએ કોઈ નામ તજવીજ કરેં.’ (મે 1940)  સફિયા છોકરાનું નામ આરિફ પાડે છે. પણ એ બાળપણમાં જ બિમારી ભોગવીને વિદાય લે છે. તેનો મંટોના મન પર કેવો ઘા લાગ્યો હશે? પરંતુ લાક્ષણિક મંટોશાઈ અંદાજમાં એપ્રિલ, 1941ના પત્રમાં મંટો આટલું જ લખે છે,’બિરાદરે મોકર્રમ, મેરા આરિફ સિર્ફ દો દિન બીમાર રહ કર કલ રાતકે ગ્યારહ બજે અરુણ અસ્પતાલમેં મર ગયા.’ સરકારી સમાચાર જેવા ભાવશૂન્ય અંદાજમાં લખાયેલા આ વાક્યમાં ભીનાશનો અભાવ નહીં, સૂકાઇ ગયેલાં આંસુની ખારાશ વરતાય છે.

આર્થિક રીતે મંટો કાયમ ભીડમાં હોય છે. દોસ્તીની શરૂઆતના ગાળામાં તે કાસમીને મુંબઈ રહેવા આવી જવાનું કહીને પોતાની સ્થિતિનું આબાદ બયાન આપે છે. તે આર્થિક ઓછું ને માનસિક વધારે છે, ‘મૈં બમ્બઈમેં પચાસ રુપયે માહવાર કમાતા હું ઔર બેહદ ફુજુલ (ખોટો) ખર્ચ કરતા હું. આપ યહાં ચલે આયેં તો મેરા ખ્યાલ હૈ કિ હમ દોનોં ગુજર કર સકેંગે...અભી આઠ રોજ હુએ મેરે પાસ પાંચસૌ રુપયે થે ઔર અબ યે હાલત હૈ કિ સિર્ફ બીસ રુપયે બાકી હૈ. મુઝે કિતાબેં ખરીદને ઔર યૂંહી રુપયા બર્બાદ કરનેકા ખબ્ત (વિકાર) હૈ ઔર મૈં ઇસીસે લુત્ફ ઉઠાતા હું. જિંદગી રહે તો રુપયા પૈદા કિયા જા સકતા હૈ.’ એ જ પત્રમાં (લગ્ન થયું તે પહેલાંના) પોતાના ઘરનું વર્ણન કરતાં મંટો લખે છે, ‘મેરે પાસ છોટા સા કમરા હૈ, જિસમેં હમ દોનોં રહ સકતે હૈં. ખાનેકો મિલે ન મિલે મગર પઢનેકે લિએ કિતાબેં મિલ જાયા કરેંગી ઔર અગર આપ કોશિશ કરેંગે તો બહુત મુમકિન હૈ કિ અચ્છી-અચ્છી કિતાબોંકે સાથ અચ્છે ખાને ભી મિલ જાયેં.’

આવો મિજાજ ધરાવતો માણસ સતત શારીરિક-માનસિક સંઘર્ષો વચ્ચે ધંધાદારી દુનિયા સાથે કેવી રીતે પનારો પાડતો હતો, તેની કાસમીને લખેલા પત્રોમાંથી મળતી જાણકારી આવતા સપ્તાહે. 

Monday, October 10, 2016

મુંબઇની ફિલ્મી દુનિયામાં મુન્શી પ્રેમચંદના (માઠા) અનુભવો

ફિલ્મઉદ્યોગના આરંભથી સાહિત્યકારોનો તેની સાથે નાતો રહ્યો છે. કનૈયાલાલ મુનશી જેવા સાહિત્યકારો માટે ફિલ્મી દુનિયા પોતાના મુખ્ય વ્યવસાય (વકીલાત) સિવાયની, શોખ પોષવાની પ્રવૃત્તિ હતી, જ્યારે બે સર્વકાલીન મહાન વાર્તાકાર મંટો અને પ્રેમચંદના જીવનમાં થોડા સમય પૂરતી ફિલ્મોએ મુખ્ય રોજગારી પૂરી પાડી. ૧૯૩૧માં બોલતી ફિલ્મો શરૂ થઇ ત્યારે નવલકથાકાર તરીકે મુન્શી પ્રેમચંદની ખ્યાતિ જામી ચૂકી હતી. તેનાથી પ્રેરાઇને સૌથી પહેલાં ગુજરાતી ફિલ્મનિર્માતા નાનુભાઇ વકીલે પ્રેમચંદનો સંપર્ક કર્યો અને તેમની નવલકથા ‘સેવાસદન’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેના માટે પ્રેમચંદને રૂ.૭૫૦ ચૂકવવામાં આવ્યા. 
Munshi Premchand/મુન્શી પ્રેમચંદ
પાંચમી ફેબ્રુઆરી, ૧૯૩૪ના રોજ લીલાવતી મુનશીની ઉપસ્થિતિમાં ‘સેવાસદન’ ફિલ્મનું મૂહુર્ત થયું. એ પ્રસંગે ૫૪ વર્ષના મુન્શી પ્રેમચંદ (સંભવતઃ પહેલી વાર) મુંબઇ ગયા અને ત્યાં બાર દિવસ રહ્યા. ફિલ્મના મુહૂર્ત વખતે તેમણે નાનકડું પ્રવચન આપ્યું હતું, જેનું શૂટિંગ કરીને એટલો હિસ્સો ફિલ્મના આરંભે જોડી દેવામાં આવ્યો. ફિલ્મના ટાઇટલમાં તેમનું નામ ‘કથા-સંવાદલેખક’ તરીકે મુકવામાં આવ્યું હતું.

ત્યાં સુધી બનારસમાં રહીને સાહિત્યસર્જન કરતા મુન્શી પ્રેમચંદના મનમાં ફિલ્મલાઇન સાથે જોડાવાનો કે તેના માટે મુંબઇ જવાનો કોઇ ખ્યાલ ન હતો. પણ ‘હંસ’ અને ‘જાગરણ’ જેવાં તેમનાં સામયિકો તથા તેમની માલિકીનું ‘સરસ્વતી પ્રેસ’ સતત ખોટ કરતાં હતાં. એવા વખતે ફિલ્મકંપનીનો આગ્રહ તે ટાળી શક્યા નહીં. ૩૦મી એપ્રિલ,૧૯૩૪ના પત્રમાં તેમણે લખ્યું હતું,‘મુંબઇની એક ફિલ્મકંપની મને બોલાવે છે. પગારની વાત નથી, પણ કોન્ટ્રાક્ટ થાય એમ છે. વર્ષના રૂ.૮,૦૦૦. હું એવા તબક્કે પહોંચી ગયો છું, જ્યાં મુંબઇ ગયા સિવાય મારા માટે બે જ વિકલ્પ રહ્યા છે : મુંબઇ જતો રહું અથવા મારી નવલકથાઓ બજારમાં વેચું...કંપનીવાળા હાજરીનો આગ્રહ રાખતા નથી. મને મનમાં આવે તે લખું, મન થાય ત્યાં લખું, તેમના માટે ચાર-પાંચ સીનારીયો લખી આપું. મને થાય છે કે જઇ આવું. ત્યાં એકાદ વર્ષ રહ્યા પછી એવો કંઇક કોન્ટ્રાક્ટ કરી દઇશ કે હું અહીં (કાશીમાં) બેસીને (વર્ષે) ત્રણ-ચાર વાર્તાઓ લખી આપું અને ચાર-પાંચ હજાર રૂપિયા મળતા રહે. તેમાંથી ‘જાગરણ’ અને ‘હંસ’ બન્ને સામયિકો સરસ રીતે ચાલતાં રહે અને રૂપિયાની તંગી દૂર થાય.’

જયશંકર પ્રસાદ જેવા મિત્ર તેમને મુંબઇ ન જવા માટે સમજાવતા હતા, ત્યારે તેમણે જૈનેન્દ્રકુમાર જૈનને લખ્યું હતું,‘મહિને સાતસો-આઠસો રૂપિયા પગાર મળતો હોય તો મુંબઇ જવામાં મને કશો વાંધો નથી. એકાદ-બે વર્ષ એવી રીતે ખેંચીને આવતો રહીશ. હજુ સુધી મેં જવાબ આપ્યો નથી. કંપનીના બે તાર આવી ગયા છે. પ્રસાદજી (જયશંકર પ્રસાદ)ની સલાહ છે કે મારે મુંબઇ ન જવું. તું પણ એવું માનતો હોઉં કે મારે ન જવું જોઇએ, તો હું નહીં જઉં. જૌહરીજી કહે છે કે જવું જ જોઇએ અને ચિરસંગિની ગરીબી પણ કહે છે, ચાલો.’

મુન્શી પ્રેમચંદને મુંબઇ બોલાવનાર ફિલ્મ કંપની હતી ‘અજંતા સિનેટોન’. તેના માલિક મોહન ભાવનાની જર્મનીમાં રહ્યા હતા. તેમનો કેટલોક સ્ટાફ પણ જર્મન હતો. સ્ટુડિયોનું ઘણું કામ હિંદી કે ઉર્દુને બદલે અંગ્રેજીમાં જ ચલાવવું પડતું. ત્યાં જોડાવામાટે મુન્શી પ્રેમચંદ ૧લી જૂન, ૧૯૩૪ના રોજ મુંબઇ પહોંચી ગયા. સ્ટુડિયો પરેલમાં આવ્યો હતો, એટલે પ્રેમચંદે સ્ટુડિયોથી નજીક દાદરમાં ઘર રાખ્યું.(૧૮૬, સરસ્વતી સદન, દાદર, મુંબઇ-૧૪) પંદર દિવસ મુંબઇની હવા ખાધા પછી તેમણે  લખ્યું હતું, ‘મકાન લઇ લીધું છે , દાદર હોટેલમાં જમું છું અને પડી રહું છું. આ જુદી દુનિયા છે. અહીંની કસોટી પણ જુદી છે. હજુ તો સમજવાની કોશિશ કરું છું.’ ઓગષ્ટ સુધીમાં તેમણે બે વાર્તાઓ લખી કાઢી, પણ તેમને સંતોષ ન થયો. ૩જી ઓગષ્ટના પત્રમાં તેમણે લખ્યું હતું,‘સિનેમા માટે વાર્તાઓ લખવાનું અઘરું પડી રહ્યું છે. એવી વાર્તાઓની જરૂર છે, જેને ભજવી શકાય અને જેને ભજવનારા એક્ટરો મળી રહે. ગમે તેટલી સારી વાર્તા હોય, પણ યોગ્ય પાત્ર ન મળે તો અભિનય કોણ કરે? અદ્‌ભૂત (વાર્તાઓ)ની જરૂર હોય એવું મને લાગતું નથી. મારી બન્ને વાર્તાઓ સાધારણ છે.’

સપ્ટેમ્બરમાં તેમની મુલાકાત ‘બોમ્બે ટોકીઝ’ના માલિક હિમાંશુ રાય સાથે થઇ. તેમણે પૌરાણિક અથવા સામાજિક સ્ટોરી માટે માગણી કરી હતી. પ્રેમચંદ ‘અજંતા સિનેટોન’ સાથે કરારબદ્ધ હોવાથી તેમણે પોતાના સાહિત્યકાર મિત્રો સમક્ષ હિમાંશુ રાયની ઓફર જણાવી હતી અને કોઇ વાર્તા હોય તો મોકલી આપવા કહ્યું હતું. 
The Mill
'અજંતા સિનેટોન’માં તેમની વાર્તા પરથી બનેલી પહેલી ફિલ્મ હતી  ‘ધ મિલ’ (ઉર્ફે ‘મજદૂર’).  જયરાજ, બિબ્બો અને નાયમપલ્લીનો અભિનય ધરાવતી આ ફિલ્મ સામે મુંબઇના સેન્સર બોર્ડને વાંધો પડ્યો.  ‘બોલ્ડ’ દૃશ્યો પ્રત્યે ઉદાર ભાવ રાખતું અંગ્રેજ સેન્સરબોર્ડ રાષ્ટ્રભક્તિથી માંડીને મજૂરએકતા અને સામ્યવાદ જેવા વિષયો પરત્વે બહુ સંવેદનશીલ હતું. મુંબઇમાં અટવાઇ ગયેલી ‘ધ મિલ’ને લાહોરના સેન્સર બોર્ડે પાસ કરતાં ફિલ્મ ત્યાં રજૂ થઇ શકી. દરમિયાન, પ્રેમચંદની નિરાશા વધતી જતી હતી. ૨૮મી નવેમ્બરના એક પત્રમાં તેમણે લખ્યું,‘આ પ્રોડ્યુસરો જે જાતની સ્ટોરી બનાવતા આવ્યા છે, તેમાંથી જરાય ચસકવા માગતા નથી. વલ્ગારીટીને આ લોકો ‘એન્ટરટેનમેન્ટ વેલ્યુ’ કહે છે. તેમને અદ્‌ભૂત જ ફાવે છે. રાજા-રાણી, તેમના મંત્રીઓનાં કાવતરાં, નકલી લડાઇ, ચૂમાચાટી આ તેમનાં મુખ્ય સાધનો છે. મેં શિક્ષિત સમાજને જોવાનું મન થાય એવી સામાજિક કથાઓ લખી છે, પણ તેની પરથી ફિલ્મ બનાવતાં આ લોકોને અવઢવ થાય છે કે ફિલ્મ ન ચાલે તો? એક વર્ષ તો પૂરું કરવું જ છે. દેવાદાર થઇ ગયો હતો. દેવું ઉતારી દઇશ. પણ બીજો કોઇ ફાયદો નથી...અહીંથી ક્યારે છૂટીને જૂના અડ્‌ડે જતો રહું એવું થાય છે. ત્યાં રૂપિયા નથી, પણ સંતોષ છે. અહીં તો લાગે છે કે જીવન વેડફી રહ્યો છું.’ ૨૩મી ડિસેમ્બરના એક પત્ર-ઇન્ટરવ્યુમાં સિનેમા વિશેના સવાલનો જવાબ આપતાં તેમણે લખ્યું,‘સિનેમામાં સાહિત્યિક વ્યક્તિ માટે કોઇ જગ્યા નથી. હું આ લાઇનમાં એ વિચારે આવ્યો હતો કે આર્થિક રીતે સ્વતંત્ર થવાનો મોકો મળશે, પણ હવે મને સમજાયું છે કે એ મારો ભ્રમ હતો.

‘ધ મિલ’ જોઇને જૈનેન્દ્રકુમાર જૈન નિરાશ થયા અને તેમણે પોતાનો પ્રામાણિક અભિપ્રાય પ્રેમચંદને લખ્યો. તેના જવાબમાં ૭મી ફેબ્રુઆરી, ૧૯૩૫ના રોજ તેમણે લખ્યું,‘ફિલ્મોમાં મને સંતોષ મળ્યો નહીં. સંતોષ તો ડાયરેક્ટરોને પણ મળતો નથી, છતાં એ બીજું કંઇ કરી શકતા નથી એટલે જખ મારીને પડી રહ્યા છે. હું બીજું કંઇક કરી શકું છું- મજૂરી પણ કરી શકું છું, એટલે હું ત્યાંથી નીકળી રહ્યો છું. હું જે પ્લોટ વિચારું છું તેમાં આદર્શવાદ ઘૂસી જાય છે અને મને કહેવામાં આવે છે કે તેમાં ‘એન્ટરટેનમેન્ટ વેલ્યુ’ નથી. એમની વાત હું માનું છું. મને માણસો પણ એવા મળ્યા, જે નથી હિંદી જાણતા, નથી ઉર્દુ. અંગ્રેજીમાં અનુવાદ કરીને તેમને કથાનો મર્મ સમજાવવો પડે છે. એવી રીતે કામ થતું નથી. મારા માટે જૂની લાઇન જ બરાબર છે. જે લખવાનું મન થયું તે લખ્યું.’


આખરે, પોતાનો મે, ૧૯૩૫ સુધીનો કોન્ટ્રાક્ટ પૂરો થાય તે પહેલાં, ૨૫મી માર્ચના રોજ મુન્શી પ્રેમચંદ ફિલ્મી દુનિયા અને મુંબઇ છોડીને પાછા બનારસ આવી ગયા અને ૧૯૩૬માં માંડ ૫૬ વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લીધી.

Monday, October 03, 2016

‘વુમન ઓફ રોમ’ના ગુજરાતી અનુવાદનો વિવાદ

(full piece)
સાહિત્યમાં શ્લીલ કોને કહેવાય ને અશ્લીલ કોને કહેવાય, શું ક્લાસિક છે ને શું વાંચવાથી સમાજ બગડી જશે, વાસ્તવિકતાનું નિરૂપણ કેટલી હદે કરી શકાય અને એવું નિરૂપણ સાહિત્ય કહેવાય કે નહીં—આવા અનેક સવાલ સાહિત્યજગતમાં દાયકાઓથી ચર્ચાતા રહ્યા છે. મંટો અને ઇસ્મત ચુગતાઇ જેવાં મહાન સાહિત્યકારોની વાર્તા પર અશ્લીલતાના મુકદ્દમા ચાલ્યા. ગુજરાતીમાં ચંદ્રકાંત બક્ષીની વાર્તા ‘કુત્તી’ પર ચાલેલો મુકદ્દમો અતિ જાણીતો છે. (અલબત્ત, કોઇ પણ કૃતિની મહાનતાનું મૂલ્યાંકન તેની પર ચાલેલા મુકદ્દમા પરથી નહીં, તેમાં થયેલા માનવીય મૂલ્યોના સાહિત્યિક નિરૂપણથી જ કરવું)

આઝાદી પછી તરતના અરસામાં, ગુજરાત મુંબઇ રાજ્યનો ભાગ હતું ત્યારે, ‘સ્ત્રી’ નવલકથા પર ચાલેલો કેસ ઐતિહાસિક કહેવાય એવો હતો. કારણ કે તેમાં યુવાન લેખિકા જયા ઠાકોર સહિત સંબંધિત લોકોની કામચલાઉ ધરપકડ થઇ હતી અને રાજકારણીઓને વચ્ચે નાખીને માફી માગીને પતાવટ કરવાને બદલે, તેમણે અદાલતમાં લડી લેવાનો જુસ્સો દેખાડ્યો હતો. ગયા સપ્તાહે નોંધ્યા પ્રમાણે, ‘સ્ત્રી’ એ વિખ્યાત ઇટાલિયન નવલકથાકાર આલ્બર્ટો મોરેવીઆની નવલકથા ‘વુમન ઓફ રોમ’નો ગુજરાતી અનુવાદ હતો. રવાણી પ્રકાશનના તારાચંદ રવાણી અને જયંતિ દલાલ, ધનવંત ઓઝા જેવા તેમના સાથીદારોએ વિશ્વસાહિત્યની ચુનંદી કૃતિઓ ગુજરાતીમાં રજૂ કરવાનું વિચાર્યું, ત્યારે ‘વુમન ઓફ રોમ’નો અનુવાદ કરાવવાનું પણ ઠર્યું. સામાન્ય ગૃહિણીજીવન ઝંખતી એક કિશોરીને બીજા વિશ્વયુદ્ધ પછીના ઇટાલીમાં કેવી રીતે દેહવ્યાપારના વ્યવસાયમાં સંકળાવું પડે છે અને સંકળાયા પછીના તેના મનના પ્રવાહ વા છે, તે આ નવલકથાનું મુખ્ય વિષયવસ્તુ હતું. તેમાં કેટલાંક વર્ણન ભારતીય-ગુજરાતી રૂઢિચુસ્ત માનસિકતાને હળવો આંચકો આપી શકે એવાં હતાં. પરંતુ કળાત્મકતા માટે જરૂરી હોય એટલું આવી જાય અને એ ગલગલિયાંપ્રધાન ન બને, તે માટે એમ.એ. થયેલાં જયાબહેનને આ અનુવાદ સોંપવામાં આવ્યો.
Jayaben Thakore / જયાબહેન ઠાકોર
જયાબહેને શિષ્ટ ભાષામાં અનુવાદ કર્યો. તેમ છતાં, 1954માં પુસ્તક પ્રગટ થયા પછી તેની સામે (મોરારજી દેસાઇના મુખ્ય મંત્રીપદ હેઠળની) મુંબઇ સરકારે વડોદરામાં કેસ કર્યો. પુસ્તકમાં ત્રણ ઠેકાણે નિરૂપણો અશ્લીલ હોવાની ફરિયાદ હતી. કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે જુદી જુદી વિચારધારા ધરાવતા ચાર સાહિત્યકારોએ અદાલતમાં ‘સ્ત્રી’ની તરફેણમાં જુબાની આપી. : ગાંધીવાદના રંગે રંગાયેલા ઉમાશંકર જોશી, સમાજવાદી જયંતિ દલાલ,મુક્ત-મસ્ત ચંદ્રવદન ચી. મહેતા અને વડોદરાના માર્કસવાદી શિક્ષક શાંતારામ સબનીસ. ‘આ પુસ્તકનું નામ “રોમની નારી” હોવું જોઇતું હતું’ એવું સૂચવનાર ઉમાશંકરે પુસ્તકનો સમર્થ બચાવ કર્યો. ‘પુસ્તકનો પ્રધાન ધ્વનિ માનવતાવાદી છે. કૃતિ અશ્લીલ છે કે નથી તેનો નિર્ણય સમગ્ર કૃતિને લક્ષમાં લઇને જ આપવો જોઇએ. જે ખંડો સામે તહોમત મુકાયું છે તેમાંનું લખાણ અશ્લીલતાની છાપ ઉપસાવતું નથી...એ કામજીવનની વાત કરે છે એ કારણે જ એ ભ્રષ્ટ કરનારી કે અવનત કરનારી કૃતિ કહેવાય નહીં.’

ચારેય સાહિત્યકારોએ આ કૃતિને વાસ્તવલક્ષી ગણાવી. ચં.ચી.મહેતાએ ગુજરાતી સાહિત્યનાં ઉદાહરણ યાદ કરતાં કહ્યું, ‘નરસિંહ મહેતાકૃત “સુરતસંગ્રામ” આ કૃતિ કરતાં ઘણી વધુ કામોત્તેજક છે. ગુજરાતી સાહિત્યના આરંભકાળથી આ સ્વરૂપનું સાહિત્ય રચાતું રહ્યું છે. દયારામે કૃષ્ણ અને રાધાના પ્રેમનું આલેખન કર્યું છે.’ ફક્ત અમુક ટુકડાને અલગથી જોઇને કૃતિ શ્લીલ છે કે અશ્લીલ એ નક્કી ન થાય, આ વાત પણ જુબાનીમાં સામાન્યપણે ઉપસી. જયંતિ દલાલે કહ્યું, ‘અશ્લીલતા ગ્રામ્યતાથી ભિન્ન છે. કોઇ લખાણ આંચકો આપે એવું હોય કે ઘૃણાજનક હોય તે અશ્લીલ પણ હોય એવું નથી. ચિત્તને ભ્રષ્ટ કરે અને નીતિને અવનત કરે તે અશ્લીલતા કહેવાય. કૃતિની અશ્લીલતા કે શિષ્ટતા અંગે નિર્ણય કરવામાં તેના વાચક ઉપરના પ્રભાવને લક્ષમાં લેવો પડે. આ ધોરણે “સ્ત્રી” અશ્લીલ નથી.’

Gujarati translation of 'Woman of Rome'
જાહેર જીવન સાથે ગાઢ નાતો ધરાવતા જયંતિ દલાલે તો એટલે સુધી કહ્યું કે ‘લગ્નવિચ્છેદના મુકદ્દમાઓમાંથી, સ્ત્રીઓના આપઘાતોમાંથી અને ગુજરાતની સ્ત્રીઓનાં દુઃખી સામાજિક જીવનમાંથી મને લાગ્યું કે ઇટાલીમાં જેવી પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ ગુજરાતમાં છે. સ્ત્રીનું પુરુષ ઉપરનું આર્થિક પરાવલંબન ઇટાલી અને ગુજરાતની સ્ત્રીઓનું એક સમાન લક્ષણ છે. લગ્ન કરવાનું ગુજરાતમાં વિકટ નથી, પણ સુખમય જીવનમાં સ્થિર થવાનું વિકટ છે...’

સાહિત્યકારો તો જાણે સાહિત્યકાર હતા, પણ વડોદરા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.જે.દવેએ ‘સ્ત્રી’ સામેના આરોપો ફગાવી દેતાં યાદગાર (છતાં ભૂલાઇ ગયેલો) ચુકાદો આપ્યો. ફ્રોઇડના આગમન પછી સ્ત્રી-પુરુષ સંબંધોની ચર્ચાની ધરી બદલાઇ છે અને જાતીય પ્રશ્નના જ્ઞાનનો પ્રસાર ખુદ સરકાર કરે છે, તેનો ઉલ્લેખ કરીને ન્યાયાધીશે કહ્યું, ‘નગ્ન સ્ત્રીનું ચિત્ર કે જાહેર ઉદ્યાનમાં એવી શિલ્પપ્રતિમા નગ્ન હોવાને કારણે જ અશ્લીલ નથી...લૈંગિક સંબંધ વિશેની બધી વાતને ભયજનક લેખવાની વિક્ટોરિયન જમાનાની મનોદશા હવે ચાલે નહીં. એ મનોદશા, ઓછામાં ઓછું કહીએ તો યે, આજના જમાનામા સાહિત્યની વાસ્તવવાદી દૃષ્ટિ સાથે બંધ બેસતી નથી અને સમય સાથે તાલ મિલાવતી નથી.’

અત્યારે ઇન્ટરનેટ અને ગ્લોબલાઇઝેશનનો હવાલો આપવામાં આવે છે. સાઠ વર્ષ પહેલાં ન્યાયાધીશે રશિયાના સ્પુતનિક ઉપગ્રહથી ખુલી ગયેલાં ક્રાંતિનાં દ્વારનો ઉલ્લેખ કરીને કહ્યું, ‘સ્પુતનિકના જમાનામાં જગત સાંકડું બની ગયું છે અને અંતર હવે માનવી માનવીને વિખુટાં પાડી શકતું નથી...ઇટાલીમાં જે બને તેની અસર ભારત ઉપર નહીં પડે એમ યથાર્થપૂર્વક કહી શકાય એમ નથી.’ આખી કૃતિ વાંચીને પછી ચુકાદો આપનારા ન્યાયાધીશે ચોટદાર શબ્દોમાં કહ્યું, ‘દુર્ગુણ-નમ્રતાને સદગુણ લેખે ખપાવતી અથવા સામાન્ય ચિત્તમાં કામવૃત્તિ ઉત્તેજતી આ કૃતિ નથી એવું મારું મંતવ્ય છે. આવી કલાકૃતિમાં સૌંદર્યને બદલે બદસુરતી જોનારાઓની દૃષ્ટિ જ દોષથી ભરેલી છે. અવ્યવસ્થિત કે રોગીષ્ટ ચિત્ત ઉપર આવી કૃતિની અસર માપવાનો કોઇ માર્ગ નથી અને એવાં ચિત્ત ઉપરની અસરના આધારે જો સાહિત્યકૃતિઓનું મૂલ્યાંકન કરવાનું હોય તો આપણા સમગ્ર સાહિત્યમાં થોડીક નીરસ અને શુષ્ક કૃતિઓ જ બાકી રહે...’

પછીનાં વર્ષોમાં લાગણીદુભાવ કાયમી કસદાર ધંધો બની ગયો અને તેને રાજકારણ તરફથી આશ્રય મળ્યો. પરિણામે પુસ્તકો પર પ્રતિબંધ મૂકતાં પહેલાં ધોરણસરની ચર્ચાવિચારણા પણ અનાવશ્યક બની ગઇ. પરંતુ ‘સ્ત્રી’ના ચુકાદામાં ન્યાયાધીશે ભારપૂર્વક કહ્યું હતું, ‘ભારતની સાહિત્ય અકાદમી જેવી સાહિત્યસંસ્થાઓનો અભિપ્રાય અનુકૂળ હોય તો જ સરકાર લેખકો સામે અશ્લીલતાના આરોપસર કામ ચલાવી શકે (એવું હોવું જોઇએ). સરકાર તરફની ફરિયાદનું સમર્થન કોઇ સમર્થ સાહિત્યકારની જુબાની દ્વારા ન થાય અને અનિષ્ણાત અભિપ્રાયને આધારે લેખક સામે કામ ચલાવવામાં આવે, તેથી જાહેર સમયનો બિનજરૂરી વ્યય થાય છે અને લેખકને—જે હાડમારીથી તેને બચાવી શકાય તેવી—હાડમારી ભોગવવી પડે છે.’

અદાલતમાંથી નિર્દોષ સાબીત થયા પછી ‘સ્ત્રી’ને 1959માં ફરી છાપવામાં આવી. તેમાં ધનવંત ઓઝાએ અદાલતી કાર્યવાહીની અને બીજી વિગતો આપીને, કેસ નિમિત્તે આ મહત્ત્વની ચર્ચા ઊભી થયાનો આનંદ વ્યક્ત કર્યો. એ આવૃત્તિમાં જયાબહેન ઠાકોરનું નિવેદન ગરીમા માટે યાદ રહી જાય એવું છેઃ ‘માનવતાની મુક્તિને કાજે ઝઝૂમનારાંઓને કદીક આરોપી બની પિંજરામાં ઊભા રહેવું પડે છે. મને પણ એવી તક મળી એ બદલ હું ગૌરવ અનુભવું છું અને એ ગૌરવ અપાવનાર ફરિયાદપક્ષનો આભાર માનું છું.’
(લેખનો પહેલો ભાગઃ http://urvishkothari-gujarati.blogspot.com/2016/09/blog-post_26.html )

Monday, August 29, 2016

ટાગોર-ક્ષિતિમોહન સેન જેવાને પ્રભાવિત કરનાર શિક્ષકઃ કરુણાશંકર ભટ્ટ

Karunashankar Bhatt / કરુણાશંકર ભટ્ટ
‘...ભાઇ કરૂણાશંકરને હું સારી રીતે ઓળખતો હતો. તે ગુજરાતનું રત્ન હતા. તેની સેવા અનુપમ હતી.’ - મો.ક.ગાંધીના જયશ્રીકૃષ્ણ (સેવાગ્રામ, ૧૦-૩-૪૫)

ઉપર મૂકેલા  ટૂંકા પત્રમાં ઘણી વિશિષ્ટતાઓ છે : પત્ર છેક ૧૯૪૫માં લખાયેલો હોવા છતાં તે ‘બાપુના આશીર્વાદ’ ને બદલે ‘મો.ક.ગાંધીના જયશ્રીકૃષ્ણ’થી પૂરો થાય છે. તે બે વર્ષ પહેલાંની ગાંધીજયંતિ (૨ ઓક્ટોબર, ૧૯૪૩)ના રોજ મૃત્યુ પામેલા કરુણાશંકરની શોકસભા કે શ્રદ્ધાંજલિગ્રંથ માટે લખાયેલો ઔપચારિક સંદેશ નથી. ગાંધીજી જેવા કડક પરીક્ષક કોઇના માટે ‘ગુજરાતનું રત્ન’ અને ‘અનુપમ સેવા’ જેવાં વિશેષણ શ્રદ્ધાંજલિમાં પણ લૂંટાવી દે એ વાતમાં માલ નથી.

૧૮૭૩માં જન્મેલા કરુણાશંકર કુબેરજી ભટ્ટ વીસ વર્ષની વયે ગાયકવાડી રાજમાં, સંખેડા તાલુકાના કોસિન્દ્રા ગામે શિક્ષક તરીકે જોડાયા, ત્યારે શિક્ષણ અને કેળવણી વિશેના તેમના ખ્યાલ અંગ્રેજી શિક્ષણપદ્ધતિ કરતાં બહુ જુદા હતા. પરીક્ષાઓ અને નંબરોની બોલબાલા તથા માત્ર નોકરી મેળવવા માટે ભણવાનો ખ્યાલ તેમને અકારાં લાગતાં હતાં. બી.એ.-એમ.એ. થઇને શિક્ષણક્ષેત્રમાં આવતા અધ્યાપકો વિશે પણ તેમને ભારોભાર અસંતોષ હતો. પુત્રી કુસુમબહેનને એક પત્રમાં તેમણે ફર્ગ્યુસન કોલેજના બે-ચાર અધ્યાપકોનાં નામ ટાંકીને લખ્યું હતું, ‘(આ લોકોનાં) જીવન એ જ ખરાં જીવન છે. બાકી તો બીજા બધા પોતાના મનને ભાડે ફેરવે છે.’  (૧-૭-૧૯૨૦)

રૂપિયા રળવા ખાતર શિક્ષકની નોકરી કરવી પડે, એ તેમને પોતાને પણ કઠતું હતું. અત્યારની જેમ ત્યારે પણ મોટા ભાગના શિક્ષકો ટ્યુશનમાંથી અઢળક રળી લેવાનાં સ્વપ્નાં જોતા હોય, ત્યારે કરુણાશંકર માસ્તરનું સ્વપ્ન એવું હતું કે તે રૂપિયાની ચિંતા કર્યા વિના આખો વખત અધ્યયન અને અઘ્યાપનમાં મશગૂલ રહી શકે. પરંતુ સંસારજીવનના તકાદાને કારણે એ શક્ય બન્યું નહીં.

સરકારી નોકરીઓ પછી અમદાવાદમાં અંબાલાલ સારાભાઇના પરિવારમાં અને પાછળથી મુંબઇના તુલસીદાસ કીલાચંદ પરિવારમાં તેમણે શિક્ષક તરીકે કામગીરી અદા કરી. સારાભાઇ દંપતી અંબાલાલ- સરલાદેવી સપરિવાર બ્રિટન ગયાં ત્યારે કરુણાશંકરને સાથે લઇને ગયાં હતાં. એ પ્રવાસ દરમિયાન તેમણે એક પત્રમાં પોતાનો કચવાટ ઠાલવતાં લખ્યું હતું,‘દાસત્વ કરીકરીને જેની પાંખ બંધાઇ ગઇ છે તે હવે સ્વતંત્ર કેવી રીતે થાય? હું તો મારા સંબંધમાં આવતા સર્વને કહું છું કે બની શકે તો કોઇ નોકરી ન કરશો. નોકરી સિવાય ઉદરનિર્વાહનો બીજો કોઇ માર્ગ જ નથી? મને પોતાને સુઘ્ધાં સ્વતંત્ર થવાના વિચારો આવ્યા કરે છે...’ (૨૫-૬-૧૯૨૦)

સારાભાઇ પરિવારમાં શિક્ષક તરીકે રહેવાને કારણે, રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાથીદારો સાથે તેમનો પરિચય થયો. ગાંધીજીના આમંત્રણથી એ લોકો અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે અંબાલાલ સારાભાઇના મહેમાન બન્યા હતા. હતા. સારાભાઇ પરિવારની સમૃદ્ધિ-સંસ્કારિતાની સાથોસાથ કોઇ અદૃશ્ય વ્યક્તિનું દૃષ્ટિપૂર્વકનું આયોજન પણ ગુરુદેવથી છાનું ન રહ્યું. તેમણે પોતાના સાથી અને શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિમોહન સેનને તપાસ કરવા કહ્યું. ‘ખિતિબાબુ’ તરીકે ઓળખાતા આચાર્યે શોધી કાઢ્‌યું કે એ અદૃશ્ય વ્યક્તિ કરુણાશંકર માસ્તર હતા.

ત્યારથી રવીન્દ્રનાથ ટાગોર અને ક્ષિતિમોહન સેન સાથે કરુણાશંકરનો સીધો અને ઊંડો સંબંધ બંધાયો. લંડનમાં અંબાલાલ સારાભાઇ અને તેમનાં પત્ની સરલાદેવી (ડો.વિક્રમ સારાભાઇનાં માતા-પિતા) રવીન્દ્રનાથ ટાગોરનું પ્રવચન સાંભળવા ગયાં, ત્યારે ગુરૂદેવે તેમને સામેથી કહ્યું,‘કરુણાશંકરને તો અહીં વિલાયતમાં ઘણી પ્રતિકૂળતાઓ હશે. એમને બિચારાને અહીં શું કરવા લાવ્યા?’

શેઠે જવાબ આપ્યો હતો,‘એેમને તો અહીં ઘર જેવું લાગે છે. અમારા ઘરમાં જ રહે છે. અમે એમને ઘરના માણસ તરીકે ગણીએ છીએ.’ આ સંવાદ પોતાના પત્રમાં નોંધીને કરુણાશંકર લખે છે,‘આ ઉત્તર ખરો છે. આ ઘરમાં રહેવાથી મને તમામ પ્રકારની અનુકૂળતાઓ છે.’ (૨૫-૬-૧૯૨૦)
Gandhi- Kshitimohan Sen / ગાંધીજી- ક્ષિતિમોહન સેન
ધનાઢ્‌ય પરિવારોમાં અને વડોદરા રાજ્યની સરકારી શાળાઓમાં કરુણાશંકરે શિક્ષક તરીકે ઘણાં વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કર્યું, પરંતુ તેમની કારકિર્દીનો સૌથી યાદગાર સમયગાળો ૧૯૨૭થી ૧૯૩૦ની વચ્ચે કોસિન્દ્રામાં વીત્યો. માસ્તર પોતે ૧૮૯૩ થી ૧૯૦૦ સુધી સાત વર્ષ કોસિન્દ્રામાં શિક્ષક તરીકે રહી ચૂક્યા હતા. ગામના લોકો પર તેમનો એટલો ઊંડો પ્રભાવ પડ્યો કે લગભગ બે દાયકા પછી કોસિન્દ્રાના લોકોએ તેમને શાળા શરૂ કરવા નિમંત્રણ આપ્યું. કરુણાશંકરે ઉત્સાહપૂર્વક કોસિન્દ્રામાં ગુરુકુળ પદ્ધતિથી શાળા શરૂ કરી. શરૂઆતમાં પોતે માર્ગદર્શકની ભૂમિકામાં રહ્યા અને ૧૯૨૭માં અંબાલાલ સારાભાઇની નોકરી છોડીને એ પણ કોસિન્દ્રા વસ્યા. તેમના આમંત્રણથી આચાર્ય ક્ષિતિમોહન સેન અનેક વાર ગુજરાત આવ્યા.  અમદાવાદ જેવા શહેરને બદલે કોસિન્દ્રા જેવા ખૂણાખાંચરાના ગામમાં તેમનાં વ્યાખ્યાન ગોઠવાયાં. એ વ્યાખ્યાનો સાંભળવા માટે  આજુબાજુના ગામડાંના લોકોથી માંડીને અમદાવાદના કેટલાક જાણીતા લોકો કોસિન્દ્રા જતા હતા.

ક્ષિતિમોહન સેનની પ્રતિભા જાણીતી હોવાથી તેમનાં વ્યાખ્યાનોની વિગતવાર નોંધ લેવાતી હતી અને તે ‘પ્રસ્થાન’ જેવા સામયિકમાં પ્રગટ પણ થતી હતી. વર્ષો પછી (૧૯૯૦માં) નાનકભાઇ મેઘાણીએ ક્ષિતિમોહન સેનના પ્રવચન-લેખોનો સંગ્રહ  ‘સાધનાત્રયી’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યો. ૭૦૦થી પણ વઘુ પાનાં ધરાવતા આ દળદાર ગ્રંથમાં, ક્ષિતિબાબુએ કોસિન્દ્રામાં આપેલાં વ્યાખ્યાનો પણ ‘શિક્ષણસાધના’ અને ‘તંત્રની સાધના’ એ મથાળાં હેઠળ ઉપલબ્ધ બન્યાં. ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, મોહનલાલ પટેલ અને જયંતીલાલ આચાર્યના સક્રિય સહયોગથી તૈયાર થયેલો આ ગ્રંથ અમદાવાદના શાંતિનિકેતન આશ્રમિક સંઘે કરુણાશંકર ભટ્ટને અર્પણ કર્યો હતો.

કોસિન્દ્રાનો પ્રયોગ વિવિધ કારણોસર ત્રણ વર્ષથી વધુ ન ચાલ્યો, ત્યારે પોતાની વિશિષ્ટ શાળાના વિદ્યાર્થીઓને કરુણાશંકર શાંતિનિકેતન લઇ ગયા અને ત્યાં મૂકી આવ્યા. રવીન્દ્રનાથ પ્રત્યે હતો એવો જ પૂજ્યભાવ તેમને ગાંધીજી માટે પણ હતો. ગાંધીજીના તંત્રીપદે નીકળતા ‘નવજીવન’ના અંકો તે ધ્યાનથી વાંચતા-વંચાવતા. ‘નવજીવન’ વાંચતાં એમને વિચાર આવ્યો કે અંકનાં છાપેલાં પાનાંની વચ્ચે એક-એક કોરું પાનું હોય તો નોંધ કરવામાં કે વિચારો ટપકાવવામાં સરળતા પડે. આ વાત તેમણે ‘નવજીવન’ની કામગીરી સંભાળતા સ્વામી આનંદને કરી, એટલે સ્વામી કરુણાશંકર માટે ‘નવજીવન’ની થોડી નકલો અલગ તૈયાર કરાવતા હતા. તેમના પુત્ર ચંદ્રકાન્તભાઇએ નોંધ્યું છે કે ‘આવું ઘણો વખત ચાલ્યું અને નવજીવનનું ભાઇ ઉપરનું દેવું વધતું ચાલ્યું. બિલો આવ્યા કરતાં, પણ કોઇ પૈસા માટે તગાદો કરતું નહિ. એ બિલ કોણે ભર્યાં એની મને ચોક્કસ ખબર નથી.’

શિક્ષણને વ્યવસાય ગણીને તેમાંથી બે પાંદડે થવું એ કદી કરુણાશંકરનું લક્ષ્ય ન હતું. એટલે છેવટ લગી આર્થિક રીતે સધ્ધર થઇ શક્યા નહીં. પણ તેમણે પોતાના વિદ્યાર્થીઓને આપેલો સંસ્કારવારસો અને તેમના થકી ગુજરાતની આવનારી પેઢીઓને મળેલો ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનનો વારસો સાંસ્કૃતિક ગુજરાતનો અણમોલ ખજાનો છે.

(વિગતો : કરુણાશંકર શતાબ્દી સ્મારક ગ્રંથ, કરુણાશંકર ભટ્ટના પત્રો તથા ક્ષિતિમોહન સેનના લખાણસંગ્રહ ‘સાધનાત્રયી’માંથી)

Monday, May 23, 2016

‘આ અવતરણ મારું નથી’ : ગાંધીજી, વૉલ્તેર, ચર્ચિલ...

‘વિદ્વાન દેખાવું હોય તો અવતરણ ટાંકવાં પડે’ આવું કોઇએ કહ્યું નથી. છતાં, ઘણા વક્તાઓ તેને બ્રહ્મવાક્ય માનીને ભાષણોમાં અચૂકપણે અને આત્મવિશ્વાસપૂર્વક અવતરણો ટાંકે છે. ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાના જમાનામાં તો અવતરણોના સાગર છલકાયા છે. એકાદ ચિત્ર કે તસવીર અને સાથે વાંચીને જ એવી ‘કીક’ આવી જાય કે તેનો અમલ કરવાની જરૂર ન રહે એવું અવતરણ, એટલે  કામ થઇ ગયું. ઘણાંખરાં ચાલુ અવતરણ એટલે ચિંતનનો આભાસ કરાવતો, પ્રેરણાનો ઇન્સ્ટન્ટ ડોઝ.

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’--આ અવતરણ અને તેની સાથે ખુલ્લી શીખાવાળા ચાણક્યનું તેજસ્વી ચિત્ર સોશ્યલ મિડીયા આવ્યું તે પહેલાંનાં ચલણમાં છે. અનેક ભાષણોમાં અસંખ્ય વક્તાઓ એવા આત્મવિશ્વાસપૂર્વક આ અવતરણ ટાંકે છે, જાણે તેમણે ચાણક્યે તેમને જ કહ્યું હોય. અહોભાવિત-આફરીન થઇ જવાની સ્વીચ લપટી પડી ગઇ હોય, તો અવતરણોના વરસાદમાં નહાવાની બહુ મઝા આવે. પરંતુ સામાન્ય સમજ વાપરવાની કુટેવ હોય તો તરત સવાલ થાય કે ચાણક્ય  હિંદીમાં શી રીતે અવતરણ આપે? એમના સમયમાં હિંદી ભાષા જ ન હતી. બને એવું કે કોઇ ઉત્સાહીએ ચાણક્યનો એકાદ હિંદી અનુવાદ વાંચી કાઢ્‌યો હોય અને તેમાંથી આ અવતરણ કે તેની નજીકનો અર્થ ધરાવતું કશુંક શોધી કાઢ્‌યું હોય, એટલે કામ થઇ ગયું.

બહુ દૂરના ભૂતકાળના ચાણક્યની વાત જવા દો, ગાંધીજીના નામે પણ આવું એક બનાવટી અવતરણ ચાલે છે, જે એટલું સૂત્રાત્મક છે કે કોઇને પણ માની લેવાનું મન થાય. અનેક આંદોલનો વખતે અને એ સિવાય પણ છૂટથી વપરાતું એ અવતરણ છે : ‘બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ.’ (જગતમાં પરિવર્તન ઝંખનારા, તમે પોતે સાક્ષાત્‌ પરિવર્તન બનો) 

આ વાક્યના ભાવાર્થમાં કશો ગોટાળો નથી. સમાજપરિવર્તન માટે વ્યક્તિપરિવર્તન જરૂરી છે. મુશ્કેલી ફક્ત એટલી છે કે ગાંધીજીએ આવું કશું કહ્યું ન હતું. ઉત્તમ રીતે દસ્તાવેજીકરણ પામેલાં ગાંધીજીનાં લખાણોમાં ક્યાંય આવું કોઇ વાક્ય આવતું નથી, એવું અભ્યાસીઓએ ખોંખારીને કહ્યું છે. આવા કિસ્સામાં એવું થાય કે ગાંધીજીના લાંબા લખાણના સારરૂપે કોઇ અભ્યાસીએ આવું સૂત્રાત્મક વાક્ય મૂક્યું હોય, જે સરવાળે ગાંધીજીના અવતરણ તરીકે ચાલતું થઇ જાય.

ગાંધીજીના અવતરણ જેવું જ વૉલ્તેરના કિસ્સામાં બન્યું. વિખ્યાત ફ્રેન્ચ ફિલસૂફ વૉલ્તેરનું વિચારભેદના સંદર્ભે વારંવાર રજૂ કરાતું અવતરણ છે, ‘તમારી વાત સાથે હું અસંમત છું, પણ એ કહેવાના તમારા અધિકારનું હું પ્રાણાંતે પણ રક્ષણ કરીશ.’ વાસ્તવમાં વૉલ્તેરે આવું ક્યાંય લખ્યું નથી. તો પછી એ વિધાન વૉલ્તેરના નામે ચઢ્‌યું શી રીતે? તેનો એક સંભવિત જવાબ છે : વૉલ્તેરના ૧૯૦૬માં પ્રગટ થયેલા ચરિત્ર ‘ધ ફ્રૅન્ડ્‌ઝ ઑફ વૉલ્તેર’માં અંગ્રેજ લેખિકા હૉલે અન્ય એક ફ્રેન્ચ ફિલસૂફ પ્રત્યે વૉલ્તેરનો અભિગમ વ્યક્ત કરવા માટે આવું વાક્ય રચ્યું હતું. એટલે કે, એ વૉલ્તેરનું પોતાનું અવતરણ નહીં, પણ તેમના અભિગમની સમજૂતી હતી. પરંતુ તે પહેલા પુરૂષમાં લખાઇ હોવાથી, વૉલ્તેરના વિધાન તરીકે જગમશહુર બની ગઇ.

ગાંધીજી કે વૉલ્તેરની જેમ અમેરિકન કવયિત્રી માયા ઍન્જેલુ પોતાના ક્ષેત્રમાં અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં, એક એવું અવતરણ તેમની ઓળખ બન્યું, જે તેમનું હતું જ નહીં. ‘અ બર્ડ ડઝન્ટ સિંગ બીકૉઝ ઇટ હૅઝ ઍન આન્સર. ઇટ સિંગ્સ બીકૉઝ ઇટ હૅઝ અ સૉંગ.’ (પંખી એટલા માટે નથી ગાતું કે તેની પાસે જવાબ છે. પંખી ગાય છે કારણ કે એના મનમાં ગીત છે.) 

બીજા તો ઠીક, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આ વાક્ય (કે પંક્તિ) માયા ઍન્જેલુની હોવાનું કહ્યું. અમેરિકાના પોસ્ટવિભાગે માયા ઍન્જેલુની ટપાલટિકિટ બહાર પાડી, તેની ઉપર પણ આ જ લીટી મૂકવામાં આવી. પરંતુ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ અખબારે શોધી કાઢ્‌યું કે આ લીટી ૧૯૬૭માં પ્રકાશિત થયેલા જૉન વૉલ્શ એન્ગલન્ડના બાળવાર્તા સંગ્રહમાં હતી. મઝાની વાત એ છે કે ખુદ માયા ઍન્જેલુએ આ લીટી પોતાની છે એવું કદી કહ્યું નથી. છતાં, તે પ્રબળપણે તેમના નામે ચડી ગઇ અને તેમની ટપાલટિકિટ સુધી પહોંચી ગઇ.

પોતાનું ન હોય એવું વિધાન પોતાના નામે ફરતું થઇ જાય તો એ ઘણી વાર જીવલેણ કે કારકિર્દીલેણ નીવડી શકે છે. ચૂંટણીઓ વખતે ઘણી વાર નેતાઓનાં વિધાનોને તોડીમરોડીને, તેમાંથી અનુકૂળ અર્થો કે અનર્થો કાઢીને તેને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. એનાં સૌથી ખતરનાક ઉદાહરણોમાંનું એક વિધાન લોહિયાળ ફ્રેન્ચ ક્રાન્તિનાં ખલનાયિકા, લુઇ સોળમાનાં રાણી મૅરીના નામે બોલે છે,‘એમની (ગરીબોની) પાસે ખાવા માટે બ્રેડ ન હોય, તો એ લોકો કેક ખાય.’ અસલમાં રાણી મૅરીએ આવું કદી કહ્યું ન હતું. આ પ્રકારનું વિધાન ફ્રેન્ચ ફિલસૂફ રુસોએ તેમના પુસ્તક ‘કન્ફેશન્સ’માં એક અનામી રાજકુમારીના મોઢે મૂક્યું છે. પરંતુ ફ્રૅન્ચ ક્રાંતિ વખતે શાહી દંપતિ સામે અસંતોષ ભડકાવવા કે ભડકેલા અસંતોષમાં પેટ્રોલ છાંટવા માટે આ વિધાન રાણી મૅરીના નામે વહેતું કરવામાં આવ્યું અને તેની ધારી અસર થઇ. હજુ આજે પણ શાસકોની ભપકાબાજીની ટીકા કરવા માટે એ વિધાન રાણી મૅરીના નામે ટાંકવામાં આવે છે.

મહાનુભાવોનાં અવતરણ વાંચવા-સાંભળવાથી એવું જ લાગી શકે, જાણે બધા મહાનુભાવો કોઇ ને કોઇ તબક્કે ઍડ એજન્સીમાં કૉપીરાઇટર રહી ચૂક્યા હશે. એ સિવાય આવાં ટૂંકાં છતાં ચોટડુક વિધાન કેવી રીતે આપી શકે? પરંતુ સહેજ તપાસ કરતાં જણાય છે કે મહાનુભાવોએ ખરેખર જે કંઇ કહ્યું હોય, તેમાં કોઇ કસબીનો કે કોઇ પત્રકારનો કે સંપાદકનો હાથ ફરે છે અને એક યાદગાર અવતરણનો જન્મ થાય છે. તેમાં ‘કળા કરનાર’ વિશે ભાગ્યે જ જાણવા મળે છે અને લોકોને એ જાણવાની જરૂર પણ લાગતી નથી. જેમ કે, બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન્ટ ચર્ચિલના લડાયક મિજાજને વ્યક્ત કરતા યાદગાર ત્રણ શબ્દો છે : બ્લડ, સ્વેટ એન્ડ ટીઅર્સ (ખૂન,પસીનો અને આંસુ) વાસ્તવમાં ચર્ચિલે કહ્યું હતું,‘આઇ હેવ નથિંગ ટુ ઑફર બટ  બ્લડ, ટૉઇલ, ટીઅર્સ ઍન્ડ સ્વેટ.’ પરંતુ કોઇ ‘સંપાદક’ને વિધાન વઘુ ‘કૅચી’ બનાવવાનું મન થયું હશે. એટલે ક્રમની બદલી અને ટૉઇલ (કઠોર પરિશ્રમ)ને પડતી મૂકીને ‘બ્લડ, સ્વેટ, ટીઅર્સ’ આવ્યું.

આવું ફક્ત વાસ્તવિક મહાનુભાવો સાથે જ બને એવું નથી. સર આર્થર કૉનન ડૉયલે સર્જેલા જાસુસી કથાઓના વિખ્યાત કાલ્પનિક પાત્ર શૅરલોક હોમ્સના નામે ચડેલો એક વિખ્યાત સંવાદ છે,‘ઍલીમેન્ટરી, માય ડીઅર વૉટ્‌સન.’ વૉટસન હોમ્સના સહાયક હતા અને બન્ને પાત્રોની પ્રચંડ લોકપ્રિયતાને કારણે આ વિધાન જગવિખ્યાત બન્યું. પરંતુ અભ્યાસીઓએ શોધી કાઢ્‌યું છે કે શેરલોક હોમ્સની એેકેય કથામાં શેરલોક હોમ્સ આવો સંવાદ બોલ્યા નથી. તેમની કથાઓ પરથી બનેલા નાટક અને ફિલ્મમાં આવો સંવાદ ઉપજાવી કઢાયો હોય, એવી સંભાવના છે. ખૂબી એ વાતની છે કે મૂળ લેખકે લખેલો ન હોવા છતાં, તે શૅરલોક હોમ્સના ચરિત્ર સાથે આબાદ મેળ ખાય છે.

નામમાં શું બળ્યું છે, એવું શૅક્સપિયરનું અવતરણ બીજાં અવતરણો માટે પણ સાચું લાગે છે.

Monday, January 18, 2016

‘મંટો : મેરા દુશ્મન’ના લેખક ‘અશ્ક’ની નજરે મંટો

S H Manto / સઆદત હસન મંટો
જાન્યુઆરી, ૧૮, ૧૯૫૫. ભારતના ભાગલાની પ્રચંડ કારુણીને આઠ વર્ષ પણ થયાં- ન થયાં, અને ઉર્દુ વાર્તાકાર સઆદત હસન મંટો મૃત્યુ પામ્યા. મંટો ગયા, પણ તેમની પાછળ રહી ગયેલી તેમની વાર્તાઓ હજુ પણ પીછો છોડતી નથી. કારણ કે એ માનવમનના  વણખેડાયેલાં કે ઘણું ખરું અંધકારમાં રહેલાં પાસાં પર નિષ્ઠુરતાથી પ્રકાશ ફેંકે છે--જાણે કાંઠલો પકડીને વાચકને એ બતાવતા હોય, ‘જુઓ, જુઓ, આ માણસ. આ પણ માણસ. સભ્યતાનાં પૂંછડાં થઇને ફરનારા દંભીઓ, જુઓ, આ તમારું અસલી રૂપ અને જુઓ, આ એવા માણસોનું માણસાઇભર્યું પાસું, જેને ધુત્કારતાં- તુચ્છકારતાં તમે થાકતા નથી.’ માણસની મૂળભૂત કહેવાય એવી જાતીય વૃત્તિ, તેનાં ગલગલિયાં કરાવે એવાં નહીં, પણ હચમચાવે એવાં વર્ણન, માણસની હેવાનિયત અને હેવાનિયતે ચડેલા માણસમાં ક્યાંક ટમટમતી ઇન્સાનિયત--આવી કંઇક અકળાવનારી, ઝકઝોરનારી વાર્તાઓનો સર્જક એટલે એક મંટો.

આ મંટો હજુ જીવે છે, અંગ્રેજી સહિતની અનેક ભાષાઓમાં અનુવાદ પામે છે અને નવા નવા વાચકો-અભ્યાસીઓને ફીદા કરતો રહે છે. (મંટો જેવા મહાન સર્જક માટે માનાર્થે બહુવચન વાપરવું જોઇએ, પરંતુ માનાર્થે આત્મીયતાર્થે એકવચનની પણ જોગવાઇ હોય છે.)

બીજો મંટો એટલે ‘ગંજે ફરિશ્તે’ (હિંદીમાં ‘મીનાબજાર’ તરીકે અનુવાદિત)નો લેખક. તેમાં ૧૯૪૦ના દાયકાની ઘણી જાણીતી હસ્તીઓ વિશે મંટોએ મસાલેદાર લખ્યું. પ્રકારની રીતે એ વ્યક્તિચિત્રો કહેવાય, પણ એવાં કે જેમાં મંટોએ શીર્ષકમાં જ સ્પષ્ટ કર્યું છે તેમ, ભલભલાને મુંડી નખાયા હોય--ખાસ્સા મૈત્રીભાવે, થોડા અંગત ભાવે, થોડા તોર ને તોફાનમાં. તેમાં નૂરજહાં, અશોકકુમાર, હીરો શ્યામ, કુલદીપકૌર, ગુજરાતી હાસ્યકલાકાર વી.એચ.દેસાઇ, ગાયક-સંગીતકાર રફીક ગઝનવી, મસાલેદાર ફિલ્મમાસિક ‘ફિલ્મ ઇન્ડિયા’ના માલિક બાબુરાવ પટેલ (જેમના ઉર્દુ સામયિકમાં મંટોએ થોડો સમય નોકરી કરી હતી)...આ કોઇને છોલવામાં મંટોએ કશી કચાશ નથી રાખી.તેની પ્રેમ કરવાની રીત પણ એકદમ તોફાની કૉલેજિયન છોકરા જેવી છે.

આ ચરિત્રો ઉપરાંત મંટોએ કેટલાક અંગત પ્રસંગો પણ લખ્યા છે. એમાંથી ઉપસતું મંટોનું ચરિત્ર વિદ્રોહી, લાગણીસભર, બિનગણતરીબાજ, કહેવાતા સભ્ય સમાજ દ્વારા સતત સતાવાયેલા, ઇચ્છે તો ધૂમ સફળતા મેળવી શકે એટલા પ્રતિભાશાળી, પણ વ્યાવસાયિક રીતે ઘણુંખરું નિષ્ફળ રહેલા, આજીવન સંઘર્ષરત, કોમી વિખવાદ-ભાગલાથી હાલી ગયેલા, પાક્કા શરાબી, પરિવાર તરફ ધ્યાન નહીં આપનારા એક જિનિયસનું છે. એ સાચું છે, પણ સંપૂર્ણ નથી. ન જ હોઇ શકે. કારણ કે મંટો કે સાહિર પ્રકારના ઉચ્ચ કોટિના લેખકો-શાયરો પોતાની કૃતિઓમાં જે લાગણી વ્યક્ત કરતા હોય, તેવા અંગત જીવનમાં પણ હોય, એ બિલકુલ જરૂરી નથી. દરેક માણસની જેમ મંટોની પણ અનેક બાજુઓ છે, જેમાંથી સમય વીત્યે કેટલીક જ ટકી છે ને બાકીની લગભગ ભૂલાઇ ગઇ છે. મંટોની એવી કેટલીક બાજુઓ ઉજાગર કરતું પુસ્તક એટલે ઉપેન્દ્રનાથ ‘અશ્ક’નું ‘મંટો : મેરા દુશ્મન’.
 
Upendranath 'Ashk' / ઉપેન્દ્રનાથ 'અશ્ક'
પોકેટ બુક સાઇઝનાં ૧૧૬ પાનાં (લેખકનાં નિવેદન સહિતનાં) ધરાવતા આ પુસ્તકનું ‘અર્પણ’ મંટોના સમકાલીન, તેમની સાથે નજીકથી કામ કરનાર વિખ્યાત લેખક ઉપેન્દ્રનાથ ‘અશ્કે’ આમ લખ્યું છે : ઉન ‘બુદ્ધિમાનોંકે નામ, જિન્હોંને ઇસ સંસ્મરણકો મંટોકે ખિલાફ સમઝા.’ ઉઘડતા પાને તેમણે સાહિત્યનું નૉબેલ સન્માન મેળવનાર ફ્રેન્ચ લેખક ઑંદ્રે જિદેનું એક અવતરણ ટાંક્યું છે : ‘ના, બીજા કોઇને દુઃખી કરવા માટે હલકા થવાની જરૂર નથી. અને તેની સૌથી કરૂણ બાબત પણ એ જ છે : એકબીજાને પ્રેમ કરતા સારા માણસો દુનિયાભરની સારપ છતાં એકબીજાને પીડા અને વેદના આપી શકે છે.’

આ બન્ને વિધાનો પુસ્તક વાંચતી વખતે યાદ ન રહે તો કોઇને એવું લાગી શકે કે ‘અશ્કે’ મંટો સામેનું વેર વાળ્યું. જે દંભ મંટોને આજીવન નડ્યો, એ તેમના મૃત્યુ સાથે મરી પરવાર્યો ન હતો. ‘અશ્કે’ આ પુસ્તક અંગેની પોતાની કેફિયત (‘સંસ્મરણકા સંસ્મરણ’)માં નોંધ્યું છે કે, જે દરવાજા જીવતા મંટો માટે બંધ હતા, એ બધા તેના મૃત્યુ પછી ખુલી ગયા. મંટોના અકાળે (૪૩ વર્ષે) થયેલા મૃત્યુ પછી તેના માટે બધાને જાણે પ્રેમ ઉભરાઇ આવ્યો. જે પાકિસ્તાન રેડિયો પર મંટોની કથાઓનું પ્રસારણ પ્રતિબંધિત હતું, એ જ રેડિયો સ્ટેશન પર મંટોની યાદમાં અડધા કલાકનો કાર્યક્રમ પ્રસારિત થયો.

‘મંટો : મેરા દુશ્મન’ વિશે જાતજાતની વાતો થઇ, પણ બે પ્રતિભાવ બહુ મહત્ત્વના છે. એક, મંટો-‘અશ્ક’ના સમકાલીન-મિત્ર રાજિન્દરસિંઘ બેદીનો. તેમણે લખ્યું, ‘(તારો લેખ વાંચીને થયું કે) મંટોના કહેવાતા દોસ્તો કરતાં તું દુશ્મન હોવા છતાં એનાથી કેટલો નજીક હતો.’ મંટોનાં પત્ની સફિયા મંટોએ પાકિસ્તાનમાં બે હપ્તામાં છપાયેલો લેખ વાંચીને રાજીપો વ્યક્ત કર્યો. પહેલા હપ્તા વિશે તેમણે લખ્યું,‘અગરચે સઆદતસાહબકી બહનકો તો પસન્દ નહીં આયા, લેકિન મુઝે બડા અચ્છા લગા. આપને સબ બાતેં સચ્ચી-સચ્ચી લિખી હૈં.’ બીજો હપ્તો વાંચ્યા પછીનો તેમનો પત્ર, ‘...દૂસરા હિસ્સા હમ સબને સાથ મિલકર પઢા. બહુત અચ્છા લગા. બહનકી આંખોંમેં તો આંસૂ આ ગયે.’

મંટો-‘અશ્ક’ના સંબંધોનો (ખરેખર તો કોઇ પણ સંબંધનો) તાગ ફક્ત કાળા-ધોળા એમ બે રંગમાં પામી શકાય નહીં. ‘અશ્કે’ લખ્યું છે કે અમારા પરિચયની શરૂઆત જ દુશ્મનીથી ન થઇ હોત, તો અમે બહુ સારા મિત્રો હોત. અને મંટો? એણે પોતે ‘અશ્ક’ને દિલ્હીથી મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા બોલાવ્યા. એ વાતને માંડ બે-ત્રણ દિવસ થયા હશે. બન્ને જણા ઘોડાગાડીમાં બેસીને ક્યાંક જતા હતા અને અચાનક મંટોએ ‘અશ્ક’ને અંગ્રેજીમાં કહ્યું,‘આઇ લાઇક યુ, ધો આઇ હેટ યુ.’ (હું તને ધીક્કારું છું, છતાં તું મને ગમું છું.)

બન્ને વચ્ચે ‘દુશ્મની’નો આરંભ ૧૯૪૦માં દિલ્હી રેડિયો સ્ટેશનની નોકરીથી થયો. મંટો ત્યાં પહેલેથી કામ કરતો હતો. તેની એક વાર્તા ‘ખુશીયા’ ‘અશ્ક’ને અવાસ્તવિક લાગી. એટલે મિત્ર રાજિન્દરસિંઘ બેદી સાથે વાતવાતમાં ‘અશ્કે’ એના વિશે કહ્યું,‘બે બદામની વાર્તા છે.’  બેદીએ આ અભિપ્રાય મંટો સુધી પહોંચાડ્યો. મંટોને ચાટી ગઇ, પણ ત્યારે ‘અશ્ક’ રેડિયોમાં કામ કરવા આવ્યા ન હતા. તેમને અંદાજ પણ ન હતો કે આ ટીપ્પણી જીવનભરની દુશ્મનીનાં મૂળીયાં નાખશે. કૃષ્ણચંદ્રના બોલાવ્યા ‘અશ્ક’ દિલ્હી રેડિયોમાં પહોંચ્યા. ત્યાં તો મંટોનો દબદબો હતો. અને થોડા લોકો એવું પણ વિચારનારા હતા કે ‘હવે મંટોને બરાબર જવાબ મળશે.’

‘અશ્ક’ હિંદી વિભાગના સલાહકાર તરીકે નીમાયા હતા. તે વિવાદથી બચવા ઇચ્છતા હતા. એટલે ‘ખુશિયા’ વિશે ચર્ચા કરવાના મંટોના પ્રયાસની શરૂઆતમાં તેમણે મંટોને વારી જોયો. કહ્યું કે ‘આપણે લડીશું ને લોકોને તમાશો થશે. આપણે તમાશો નથી બનવું.’ પણ મંટોએ જીદ ન છોડી. છેવટે બન્ને વચ્ચે ગરમાગરમી થઇ. ‘અશ્કે’ કહ્યું કે તારી વાર્તામાં આવતો દલાલ જેવી રીતે વિચારે છે, એવું કોઇ ભણેલોગણેલો લેખક-કવિ વિચારી શકે--અભણ દલાલ નહીં.’ એટલે ક્ષણભર ચૂપ રહ્યા પછી મંટોએ તમતમીને કહ્યું,‘હા, હા, હું એ દલાલ છું. મંટો જ એ દલાલ છે. તમને વાર્તા લખતાં આવડે છે ખરું? તું પોતે શું લખે છે?’

બસ, ‘દુશ્મની’ના ધૂમધડાકા શરૂ થઇ ગયા.


***

મંટોનો એક શબ્દપ્રયોગ તેના પ્રેમીઓને યાદ હશે. એક પાત્ર વિશે તેણે લખ્યું હતું, ‘વો રણછોડ કિસ્મકે આદમી થે.’ ગુજરાતી ફિલ્મનિર્માતાઓના સંપર્કને કારણે મંટોને ‘રણછોડ’ શબ્દનો પરિચય થયો હશે, પણ તેણે એને જરા જુદા સંદર્ભમાં--શબ્દાર્થમાં-- રણમેદાન છોડી જનાર વ્યક્તિ માટે પ્રયોજ્યો. આ જ પ્રયોગ ‘અશ્કે’ મંટો માટે વાપર્યો છે અને કહ્યું છે કે મંટોને લડવાનું કે બીજા વિશે કટુ મશ્કરી કરવાનું બહુ જોર હતું, પણ કોઇ એની આવી મશ્કરી કરે અથવા એને કોઇ માથાનું મળે ત્યારે એ જોરદાર લડત આપવાને બદલે, ‘રણછોડ’ બની જતો હતો.

‘અશ્કે’ તેનાં બે મોટાં ઉદાહરણ આપ્યાં છે : દિલ્હી રેડિયો સ્ટેશનમાં મંટોને તેમની અને બીજા અધિકારીઓની સાથે ખટરાગ થયો અને મંટોને લાગ્યું કે તેનું ધાર્યું નહીં થાય, ત્યારે એ દિલ્હી છોડીને બીજી નોકરીની વ્યવસ્થા કર્યા વિના, પત્નીને દિલ્હી મૂકીને મુંબઇ જતો રહ્યો. ત્યાં ગયા પછી ફિલ્મકંપનીમાં સંવાદલેખક તરીકે નોકરી કરી, બીજા લેખકોનાં પત્તાં કાપ્યાં, પરંતુ થોડા વખતમાં ત્યાં પણ એવી નોબત આવી કે તેણે જેને કઢાવ્યા હોય એવા લેખકોની વાર્તાઓ પસંદ થાય ને તેની વાર્તા પસંદ ન થાય. એ સ્થિતિ સહન ન થતાં, તેણે વહાલું મુંબઇ છોડીને પાકિસ્તાન જતા રહેવાનું પસંદ કર્યું. આ બન્ને વાતો ‘અશ્કે’ વિગતે આલેખી છે.

‘અશ્ક’ મંટોના દુશ્મન ન હતા, તો મંટોને પણ અશ્ક માટે લગાવ હતો. એક તો બન્ને વચ્ચેનો પ્રકૃતિભેદ અને પછી સંજોગો એવા પેદા થયા કે બન્ને એકબીજાના જિગરી બની શક્યા નહીં. છતાં ‘અશ્ક’ મંટોની વાર્તાકલાના મરમી પ્રેમી હતા. તેમને ચીઢ ચડતી મંટોની દેખાડાબાજી પર, તેના પ્રચંડ અહમ્‌ પર અને તેનાથી દોરવાઇને થતી મંટોની વર્તણૂંક પર. તેમનું લખાણ વાંચતાં મંટો પ્રત્યેનો દ્વેષ ક્યાંય અનુભવાતો નથી. પોતાની મર્યાદાઓ પણ ‘અશ્કે’ બરાબર નોંધી છે. છતાં, એ વાંચ્યા પછી લેખક મંટો નહીં, પણ વ્યક્તિ મંટો વિશે ઊભી થયેલી દૈવી છબી જરા વધુ માનવીય- વધુ માનવા યોગ્ય લાગે છે. મંટો પ્રત્યેના ભાવમાં જરાય ઘટાડો થતો નથી, પરંતુ તેનું વ્યક્તિત્વ વધારે વાસ્તવિક લાગે છે.

‘અશ્કે’ એવા પણ કિસ્સા નોંઘ્યા છે, જ્યારે ખુદ્દારીની છાપ ધરાવતા મંટોએ પોતાનો દબદબો ટકી રહે એ માટે ઉપરીઓને રાજી કરવાના પેંતરા કર્યા હોય. દિલ્હી રેડિયો સ્ટેશન પર પ્રોગ્રામ ડાયરેક્ટર સુરેન્દ્ર ચોપડાને ખુશ કરવા તેમની વર્ષગાંઠે મંટોએ તેમને મોંઘો સૂટ ભેટમાં આપ્યો હતો. મંટોની સળીનો એ જ પદ્ધતિથી જવાબ આપવા માટે ‘અશ્કે’ મંટોના રેડિયોનાટકમાં મોટા પાયે સુધારા કર્યા અને મંટો પ્રત્યે ખાર ધરાવતા પ્રોગ્રામ ડાયરેક્ટરે એ સુધારા મંજૂર રાખ્યા, ત્યારે મંટોએ માહિતી પ્રસારણ ખાતાના સચિવની લાગવગ લગાડીને, તેમની પાસે ફોન કરાવ્યો હતો અને પોતાનું નાટક કોઇ પણ જાતના ફેરફાર વગર જ રજૂ કરાવ્યું હતું. કારણ કે વાત નાટકની નહીં, અહમ્‌ની હતી. એ બનાવ પછી દિલ્હીમાં પોતાનો વટ નહીં ચાલે એવું લાગતાં, થોડા જ દિવસમાં મંટોએ મુંબઇની વાટ લીધી.

મુંબઇમાં ‘ફિલ્મીસ્તાન’ના માલિક (અશોકકુમારના બનેવી) એસ.મુખર્જીને ખુશ રાખવા માટે મંટો તેમને ગાલિબના શેરથી માંડીને છીછરી રમૂજો પણ સંભળાવતો હતો. મુખર્જી પોતાના કામમાં માહેર હોવા છતાં, ગાલિબ સાથે તેમને નહાવાનીચોવવાનો સંબંધ ન હતો. ‘અશ્કે’ નોંધ્યું છે તેમ, બંગાળી મુખર્જીને બંગાળનો મામુલી કવિ પણ ગાલિબથી મોટો લાગતો હતો. છતાં, ફિલ્મીસ્તાનના લેખનવિભાગમાં પોતાની હાક વાગતી રહે, એ માટે તે શેઠિયાઓની નજીક રહેતો હતો-- શેઠિયાઓ વિશે તેનો અભિપ્રાય એકદમ નીચો હોવા છતાં. ફિલ્મીસ્તાનમાં નજીર અજમેરી, પી.એસ.(પ્યારેલાલ) સંતોષી, શાહિદ લતીફ જેવા લેખકો સંવાદ લખે, પછી મંટો તેમના સંવાદ વાંચે, તેમને નાપાસ કરે અને પોતે સંવાદ લખે, જે સ્વાભાવિક રીતે જ ફાઇનલ હોય. આ લોકોએ ‘ફિલ્મીસ્તાન’ છોડવું પડ્યું, તેમાં મંટોનો ફાળો હોવાનું ‘અશ્કે’ જણાવ્યું છે.

આ લોકોના ગયા પછી, દિલ્હીમાં ‘અશ્ક’ સાથે તકરારો થઇ હોવા છતાં, મંટોએ ‘અશ્ક’ને મુંબઇ ‘ફિલ્મીસ્તાન’માં લેખક તરીકે જોડાવા આગ્રહપૂર્વક બોલાવ્યા. ‘આઇ લાઇક યુ, ધો આઇ હેટ યુ.’ (હું તને ધીક્કારું છું, છતાં તું મને ગમું છું) એવું પણ કહ્યું. ‘ફિલ્મીસ્તાન’ ની ‘આઠ દિન’ ફિલ્મમાં ‘અશ્ક’  અને ‘મંટો’  બન્નેએ નાની ભૂમિકાઓ કરી હતી. તેમાં ‘અશ્ક’ના ભાગે પંડિત તોતારામનો રોલ આવ્યો હતો. તેમાં મંટોના સંવાદો ‘અશ્ક’  પોતાની રીતે વધારી દેતા હતા, તેણે એક સીન લખ્યો હોય તો બે સીન કરી દેતા હતા. તેમાં પંડિતના ભાગે ‘ઝખ મારવા’  એવો શબ્દપ્રયોગ આવ્યો, એટલે ‘અશ્ક’ ને મસ્તી સૂઝી. તેમણે અશોકકુમારને કહ્યું,‘આ હિંસક પ્રયોગ છે. પંડિત આવું ન બોલે.’ 


'8 days' booklet : Read Manto's and Ashk's credit with other actors 

પોતાના લખેલામાં ફેરફારની વાત આવે એટલે મંટો ઉકળી ઉઠે. એણે કહ્યું, ‘આ મુહાવરો (શબ્દપ્રયોગ) છે. અને એનો અર્થ પણ હિંસક નથી.’

એટલે ‘અશ્કે’  મસ્તી ચાલુ રાખી. ‘ઝખ એટલે શું? માછલી. એ મારવી, એ હિંસા નથી?’ વાત આગળ વધી, એટલે ‘અશ્કે’  કહ્યું, ‘ચોરીમાં બેઠેલો બ્રાહ્મણ આવું ન બોલે.’ 

મંટોએ કહ્યું,‘હુંય બ્રાહ્મણ છું.’

‘અશ્કે’  ફટકો માર્યો,‘બ્રાહ્મણ તારા વડવા હશે. અત્યારે તો તું અહીં ઝખ મારી રહ્યો છું.’

પછી તો વાત એટલી વધી કે અશોકકુમારે શૂટિંગ મોકૂફ રાખીને સમાધાન કરાવવું પડ્યું. મંટોએ ‘અશ્ક’નો હાથ દાબીને ખેદ વ્યક્ત કર્યો અને ‘અશ્ક’  ઝખ મારવાવાળી લાઇન બોલ્યા.

‘અશ્ક’ અને મંટો વચ્ચે મામુલી બાબતોને લઇને દુર્ભાવ પેદા થવાના પ્રસંગ બન્યા કરતા હતા. તેમાં સૂટનું મોંઘું કપડું ખરીદવાથી માંડીને કાગળને બદલે સીધું ટાઇપરાઇટર પર લખવા જેવી બાબતમાં લોકો ‘અશ્ક’ ને મંટોના હરીફ તરીકે, તેમનો એકાધિકાર સમાપ્ત કરનાર જણ તરીકે રજૂ કરતા હતા.

અછાંદસ કવિતા લખતા ‘રાશિદ’  સામે મંટોને એટલો વાંધો હતો કે તેમણે એક નાટકમાં ‘રાશિદ’ની કવિતા અને તેમની ઉપમાઓની ઠેકડી ઉડાડી. કમનસીબે, એ જ ‘રાશિદ’  થોડા વખત પછી દિલ્હી રેડિયોમાં સાહેબ તરીકે આવ્યા. એક દિવસ મંટોએ રેડિયો નાટક લખીને ‘રાશિદ’ ને વાંચવા આપ્યું. તેમણે એ વાંચીને મંટોને પાછું આપ્યું.

‘કેવું છે?’ મંટોએ પૂછ્‌યું.  

‘રાશિદે’ સલુકાઇથી કહ્યું,‘નિહાયત અચ્છા ટાઇપ હુઆ હૈ. (એકદમ સરસ ટાઇપ થયું છે.)’

એટલે મંટો એટલો ખફા થયો કે ત્યાર પછી દિવસો સુધી તેણે ‘રાશિદ’  અને એની નઝમોને ગાળો દીધી અને કોઇ દોસ્ત પાસે ‘રાશિદ’ ની કવિતા વિરુદ્ધ લેખ પણ લખાવ્યો.

મંટોએ ‘ગંજે ફરિશ્તે’ પુસ્તકમાં ફિલ્મી જીવનના ઘણા સમકાલીનો વિશે દિલથી લખ્યું છે અને દિલથી તેમની ફિલમ પણ ઉતારી છે. પરંતુ એ શ્રેણીમાં મંટોનું પોતાનું મુંડન બાકી રહ્યું હતું. એ કામ  ‘અશ્કે’ પ્રેમથી અને પ્રામાણિકતાથી ‘મંટો : મેરા દુશ્મન’ માં પૂરું કર્યું.   દોસ્તી-દુશ્મનીના ઉત્તમ દસ્તાવેજ જેવું આ પુસ્તક મંટોના ચાહકોએ અચૂક વાંચવું રહ્યું.