Showing posts with label army. Show all posts
Showing posts with label army. Show all posts

Wednesday, May 24, 2017

આ છે જાતે અનુભવેલું, સંવેદનસભર સિઆચેન

Harshal Pushkarna at Siachen with Jawans/ સિઆચેનમાં જવાનો સાથે હર્ષલ પુષ્કર્ણા

આપણા ગૌરવનું એવું છે. કોઈ ટોણો મારે ત્યારે યાદ આવે કે પછી કોઈ ચગડોળે ચડાવે ત્યારે. બાકી, એક ગુજરાતી પત્રકાર,  હર્ષલ પુષ્કર્ણા,  વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર એવા સિઆચેનની એકલપંડે મુલાકાત લે,  સિઆચેન બેઝ કૅમ્પથી ઉપર, 19 હજાર ફીટથી પણ વધુની ઊંચાઈએ આવેલી કેટલીક ચોકીઓનો હૅલિકોપ્ટરમાં બેસીને આંટો મારી આવવાને બદલે, ટ્રેકિંગ કરીને જાય (અને એમ કરનાર સંભવતઃ પહેલા ભારતીય પત્રકાર બને), આખી સાહસયાત્રા તે સૈન્યના હિસાબે ને જોખમે-તેમની પર બોજ બનીને પાર પાડવાને બદલે, ગાંઠના ખર્ચે સંપન્ન કરે, તે માટે જીવનું જોખમ ખેડે, શારીરિક સજ્જતા કેળવે, આકરી શારીરિક-માનસિક કસોટીઓમાંથી પાર ઉતરે--અને ગુજરાતી જ નહીં, રાષ્ટ્રીય પત્રકારત્વમાં વીરલ કહેવાય એવા અા અનુભવ પર ગુજરાતીમાં એક પુસ્તક લખે, આ અનુભવ પછી જવાનો વિશે લોકોમાં સંવેદના કેળવવા માટે ઠેર ઠેર પોતાની ઉલટથી કાર્યક્રમો કરે..

...અને ગુજરાત વિશે ગૌરવ ધરાવતા આપણામાંથી મોટા ભાગના લોકોને એ વિશે ખ્યાલ પણ ન હોય.

હા, માહિતીના વિસ્ફોટના યુગમાં, સોશ્યલ નેટવર્કિંગનાં ઉભરાતાં સ્ટેટસ વચ્ચે, આવું પણ બને. હર્ષલ પુષ્કર્ણાનું નામ જ્ઞાનવિજ્ઞાનના માસિક ‘સફારી’ના સંપાદક તરીકે ગુજરાતી વાચકોમાં જાણીતું છે.  છેલ્લા બે દાયકાથી થતી યુવા પત્રકારો-લેખકોની ગણતરીમાં તેમનું નામ ક્યારેક જ દેખાયું હોય,  તો એ પ્રશ્ન ગણતરી કરનારનો છે. બાકી, હકીકત એ છે કે ગુજરાતીને જ્ઞાનભાષા તરીકે યુવા પેઢી સુધી પહોંચાડવામાં પ્રતાપી પત્રકાર- પિતા નગેન્દ્ર વિજયની સાથે હર્ષલ પુષ્કર્ણાનો પણ મોટો ફાળો રહ્યો છે. દાયકાઓના અવિરત જ્ઞાનયજ્ઞ પછી હર્ષલે કરેલી સિઆચેનની સફર માત્ર તેમની કે 'સફારી’ની જ નહીં, ગુજરાતી વાચકોની ક્ષિતિજો વિસ્તારે એવી છે. તેમનું 232 પાનાંનું પુસ્તક ‘આ છે સિઆચેન’ અજાણી-ઓછી જાણીતી માહિતી, વિશ્લેષણ અને દુર્લભ-રંગીન તસવીરોથી ઠાંસોઠાંસ ભરેલું છે.

સિઆચેન વિશેનું ગુજરાતીમાં આ પહેલું પુસ્તક છે, પરંતુ તેમાં કેટલીક વિગતો અને ઘણી તસવીરો એવી છે, જે અંગ્રેજી સહિત બીજી કોઈ ભારતીય ભાષાના પુસ્તકોમાં જોવા નથી મળતી. સત્તર પ્રકરણમાં વહેંચાયેલું આ પુસ્તક સિઆચેન સમસ્યાનાં ઇતિહાસ-ભૂગોળ-સરહદી વિવાદ અને કાતિલ હવામાનની તલસ્પર્શી જાણકારી આપ્યા પછી વાચકને બર્ફીલા પહાડ, થીજાવી દેતી ઠંડી અને તેની વચ્ચે જલતી માનવસંવેદનાની જ્યોતથી જાણે રૂબરૂ કરાવે છે. માઇનસ પચીસ-ત્રીસ ડિગ્રીની ઠંડી જ્યાં સામાન્ય ગણાય, તે સિઆચેનને સરહદ આંકતી વખતે રેઢું મૂકી દેવાયું હતું. પણ જતે દિવસે તેનું એવું વ્યૂહાત્મક મહત્ત્વ થયું કે ભારે ખુવારી વેઠીને પણ એ પ્રદેશ પર સૈન્ય તહેનાત રાખવું પડે. જો ભારત સહેજ ઢીલું મૂકે તો એ પ્રદેશ પર પાકિસ્તાન કબજો જમાવી દે. (કારગીલમાં પાકિસ્તાને આવો વિશ્વાસઘાત કર્યા પછી તેની પર આ બાબતે બિલકુલ ભરોસો મૂકી ન શકાય.)

સિઆચેન ભારતનું છે તેની પ્રતીતિ સતત થતી રહે એ માટે ભારતીય સૈન્ય દર વર્ષે થોડા નાગરિકોને સિઆચેન લઈ જાય છે. તેમાં અમુકથી ઓછી ઉંમર અને શારીરિક સજ્જતા જરૂરી છે.   એ ટુકડીમાં કેટલાક પત્રકારો પણ સામેલ હોય છે, જેમના અહેવાલોમાં ઘણી વાર કેન્દ્રસ્થાને સિઆચેન અને તેના જવાનો નહીં, પણ 'જુઓ, જુઓ, અમે છેક સિઆચેન પહોંચી ગયા’ એવું હોય છે. વયમર્યાદાને હર્ષલને એ વાર્ષિક આયોજનમાં તક ન મળી. એટલે વ્યક્તિગત મુલાકાત માટે તેમને સજ્જતા ઉપરાંત ભારે ખંત-ધીરજથી કામ લેવું પડ્યું. પરંતુ તેના પરિણામસ્વરૂપે મળેલા પુસ્તક ‘આ છે સિઆચેન’ના કેન્દ્રમાં સિઆચેન અને તેના જવાનો છે. વાત લેખકની સફરની હોવા છતાં, તેમણે સૈનિકોની બહાદુરી ને તેમની મક્કમતા ઉપરાંત તેમની સંવેદનાને પુસ્તકના મુખ્ય વિષયવસ્તુ તરીકે રાખી છે.

પુસ્તકમાં નોંધ્યા પ્રમાણે, સિઆચેન મોરચે જવાનો ઉપરાંત ત્રણ આધારસ્તંભ છેઃ હૅપ્ટર્સ (હૅલિકોપ્ટર્સ), ડૉક્ટર્સ અને પોર્ટર્સ.  લેખકે ચોકી ઉપરના જવાનોથી માંડીને બેઝકૅમ્પમાં તહેનાત તબીબો, લદ્દાખી હમાલો અને રસોડામાં કામ કરનારા માણસો સાથે રસોઈ બનાવનારા સાથે પણ વિગતે વાત કરી છે. પોતાના સાથીદારોને આંખ સામે ગુમાવવાની અને ત્યાર પછી પણ સ્વસ્થતા ટકાવી રાખવાની કસોટી કેવી આકરી હોય છે? હિમડંખના પરિણામે શરીરનાં અંગો ગુમાવવાં પડે એવી સ્થિતિ સતત માથે ઝળુંબતી હોવા છતાં, જવાનો કઈ તાકાતથી ટકી રહે છે? જ્યાં એક-એક મિનીટ એક દિવસ જેવી લાંબી લાગે ત્યાં કઈ રીતે આ જવાનો ત્રણ-ત્રણ મહિના સરહદનું રક્ષણ કરતાં વીતાવે છે? આત્યંતિક સંજોગો સામે રક્ષણ મેળવવા માટે કેટકેટલી સામગ્રી ઉપલબ્ધ છે? તે કેટલી મોંઘી છે? છતાં કુદરતની રૌદ્રતા સામે કેટલી અપૂરતી નીવડે છે? આવા સંખ્યાબંધ સવાલોના ઉભડક નહીં, ઊંડાણભર્યા જવાબ હર્ષલે ચાર દિવસ તેમની સાથે વીતાવીને મેળવ્યા છે.
Harshal Pushkarna at Siachen post with Jawans/ સિઆચેનની ચોકી પર જવાનો
સાથે હર્ષલ પુષ્કર્ણા
અગાઉના વર્ષે હર્ષલે દિલ્હીથી પરવાનગી મેળવીને દિવાળીના દિવસે સપરિવાર થોડા કલાક માટે સિઆચેન બેઝકૅમ્પની મુલાકાત લીધી હતી. તેથી બેઝ કમાન્ડર તેમના ઇરાદા અને સજ્જતાથી બરાબર વાકેફ હતા. તેના કારણે અફસરોથી માંડીને હમાલો સુધી સૌ કોઈ સાથે બેરોકટોક વાત કરવાનું અને ઝીણી ઝીણી વિગતો મેળવવાનું તેમના માટે શક્ય બન્યું.

નવેમ્બરમાં સિઆચેન મુલાકાત પછી માંડ દોઢેક મહિના જેટલા ટૂંકા ગાળામાં હર્ષલ પુષ્કર્ણાએ પુસ્તક લખ્યું, તેનું ડીઝાઇનિંગ પણ કર્યું, ગુપ્તતાનો ભંગ ન થાય તેની ચીવટ રાખીને અઢળક દુર્લભ તસવીરો મૂકી અને 26મી જાન્યુઆરી, 2017ના રોજ 'આ છે સિઆચેન'અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમમાં પ્રકાશિત થયું. સિઆચેનમાં શહીદ થયેલા અમદાવાદના કેપ્ટન નીલેશ સોનીના મોટા ભાઈ જગદીશ સોની આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

પુસ્તક પ્રકાશિત થયા પછી પણ હર્ષલ પુષ્કર્ણાનું મિશન સિઆચેન પૂરું થયું નથી. તેમને લાગે છે કે સિઆચેનના જવાનોની વાસ્તવિકતા, તેમની સંવેદના અને જવાનો પ્રત્યે માનની-કૃતજ્ઞતાની લાગણી નાગરિકોમાં જગાડવી જોઈએ. એ આશયથી તેમણે 'સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ'ઉપાડી છે. તેમાં લગભગ દોઢ-બે કલાકની દૃશ્ય-શ્રાવ્ય રજૂઆત અને ત્યાર પછી પ્રશ્નોત્તરી કરવામાં આવે છે.  ગુજરાતમાં અને ગુજરાતબહાર યોજાઈ આવા દસ કાર્યક્રમ યોજાઈ ગયા. તેમાં હર્ષલની સરળ છતાં સોંસરવી, સાદગીપૂર્ણ છતાં જકડી રાખે એવી રજૂઆત પછી શ્રોતાઓમાંથી આવતા સવાલો આ ઝુંબેશની જરૂરિયાત,  ઉપયોગીતા અને સાર્થકતા સિદ્ધ કરી આપનારા હોય છે. યુદ્ધખોરી પોષ્યા વિના જવાનોને-સૈન્યને શી રીતે બિરદાવી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ છે આ ઝુંબેશ.

ગુજરાતે શહીદો આપ્યા છે કે નહીં, એ વિશે સોશ્યલ નેટવર્ક પર ધડબડાટી બોલાવવી, તે દેશપ્રેમનો-ગુજરાતપ્રેમનો એક પ્રકાર છે અને સિઆચેન જેવા વિષય વિશે ગુજરાતીમાં આટલું અધિકૃત પુસ્તક આવ્યું હોય- ગુજરાતી ભાષામાં જ સિઆચેન વિશેની જનજાગૃતિ ઝુંબેશ ચાલતી હોય, તેની કદર કરવી એ બીજો પ્રકાર છે. જેવી તમારી પસંદગી.

Wednesday, January 18, 2017

સૈન્ય, સોશ્યલ મિડીયા અને કવિન્યાય

સોશ્યલ મિડીયા પર આ જ થવાનું બાકી હતું.

રાજકીય પક્ષો તેની પર જૂઠાણાં ચલાવતા હતા, ચૂંટણીઝુંબેશો ને સામાજિક આંદોલનોના સાચાખોટા ઉભરા તેની પર ચઢતા ને ઉતરતા હતા, ભક્તોનાં ને ભાડૂતીઓનાં ટોળાં ત્યાં આયોજનબદ્ધ અરાજકતા ને શાબ્દિક આતંક મચાવતાં હતાં, અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા ટ્રમ્પ  સત્તાવાર નિવેદન ઉપરાંત  શેરીયુદ્ધ કક્ષાના હુમલા સોશ્યલ નેટવર્ક પરથી વહેતા મૂકતા હતા. (સ્વાતિ ચતુર્વેદીના પુસ્તક ‘આઇ એમ ટ્રોલ’માં નોંધ્યા પ્રમાણે) નરેન્દ્ર મોદી ટિ્‌વટર પર ગાળાગાળી-ધાકધમકી-શાબ્દિક ગુંડાગીરી કરનારા બે ડઝન ‘ટ્રોલ’ને વડાપ્રધાન બન્યા પછી પણ ‘ફૉલો’ કરતા હતા--અને ‘વડાપ્રધાન અમને ફૉલો કરે છે’ એવું ગૌરવયુક્ત પ્રોત્સાહન તેમને લેવા દેતા હતા. વિચારવિરોધીઓ વિશે સોશ્યલ મિડીયા પર સુઆયોજિત ઝુંબેશો ચલાવાતી હતી...

છતાં, ભારતીય સૈન્ય સોશ્યલ મિડીયાના ઓટલાથી દૂર હતું. ભૂતકાળમાં જનરલ વી.કે.સિંઘ જેવા સૈન્યવડાએ ચાલુ હોદ્દે ઉભા કરેલા વિવાદ કક્ષાના મામલે સોશ્યલ નેટવર્કિંગ પર થતી તકરારોની યાદ અપાવે એવા હતા. નિવૃત્તિ પછી અને નવી સરકારમાં મંત્રી બન્યા પછી જનરલ સિંઘે નવા સૈન્ય વડા સામેના ગંભીર આક્ષેપ ટિ્‌વટ થકી જ ઉછાળ્યા હતા. પરંતુ ફરજ પરના જવાનો સુધી સોશ્યલ મિડીયા-ચાળો પહોંચ્યો ન હતો. કેમ કે, તેમણે ફરજ પર મોબાઇલ ફોન વાપરવાનો હોતો નથી. ઘણાખરા કિસ્સામાં વિષમ વિસ્તારોમાં જીવના જોખમે ફરજ અદા કરતા જવાનો માટે મોબાઇલ ફોન વાપરવાનું શક્ય પણ નથી હોતું.

છતાં, નિયમ, મર્યાદા અને શિસ્તનાં બધાં બંધન ઓળંગીને સીમા સુરક્ષા દળ (BSF)ના એક જવાને ભોજનની ખરાબ ગુણવત્તા વિશેનો વિડીયો સોશ્યલ નેટવર્ક પર રજૂ કર્યો. તેનો સાર એ હતો કે જેમના માથે સરહદના રક્ષણની જવાબદારી અને અપેક્ષા છે, એવા જવાનોને કંગાળ અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે. બીએસએફની ગણતરી અર્ધલશ્કરી દળમાં થાય છે. છતાં, તેનું મહત્ત્વ ઓછું નથી. માટે, આ વિડીયોના પગલે તીવ્ર પ્રતિક્રિયા જાગી. કેટલાક જાણીતા ખેલાડીઓએ આ વિડીયો ‘શેર’ કરીને પરિસ્થિતિને શરમજનક ગણાવી.

તેની સામે સરકાર અને સૈન્યનું વહીવટી તંત્ર આક્રમક બચાવની મુદ્રામાં પેશ થયાં. એક તરફ ફરિયાદ કરનાર જવાનનો ભૂતકાળ ઉખેળીને તેની ગેરશિસ્તનો પ્રશ્ન જૂનો હોવાનું જણાવાયું, તો બીજી તરફ ‘આવો વિડીયો તે ઉતારી જ કેવી રીતે શકે અને ફરજ પર તેની પાસે મોબાઇલ ક્યાંથી આવ્યો?’ એવા સવાલ ઉભા કરવામાં આવ્યા. એ જવાનની તત્કાળ બદલી કરીને તેમને બીજા, ઉતરતા ગણાતા કામમાં મૂકી દેવાયા. છતાં, ‘તેમને મળતા ખરાબ ભોજનનું શું? એ કેવી રીતે ચલાવી લેવાય?’ એવો અણીદાર સવાલ ઊભો રહ્યો. એ મુદ્દે સરકાર અને સૈન્યના વહીવટી તંત્રે સંતોષકારક રીતે ઉજળા દેખાવાનું બાકી છે.

વર્તમાન માહોલ પ્રમાણે આ સમાચાર જેટલી ઝડપે ચગ્યા, તેટલી જ આસાનીથી વિસરાઇ ગયા હોત. પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ પછી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CRPF)ના એક જવાને વિડીયો મૂક્યો ને પછી તો જાણે ફરિયાદ-અસંતોષ નોંધાવવાની એ સ્વીકૃત પદ્ધતિ બની ગઇ હોય તેમ, ભારતીય સૈન્યના એક જવાને લશ્કરમાં ચાલતી સહાયક  પ્રથા સામે અવાજ ઉઠાવ્યો. આ પ્રથાને કારણે જવાનોને અફસરોના ઘરનોકર જેવાં કામ કરવાં પડે છે, એવો તેમનો વાંધો હતો--અને એ પણ સોશ્યલ મિડીયા પર જ રજૂ થયો.

ભારતીય જવાનોએ લશ્કરની આંતરિક પ્રણાલિને બદલે પોતાની સાચી કે અતિશયોક્તિપૂર્ણ પીડા રજૂ કરવા માટે સોશ્યલ નેટવર્કનો સહારો લીધો, ત્યારે ઘણો ખળભળાટ થયો. આ ઘટનાક્રમ ત્રણ રીતે ઇચ્છનીય નથીઃ સૈનિકની ફરિયાદ સાચી હોય અને તેમની સાથે આવો વ્યવહાર થતો હોય તો તે કેટલું ખરાબ કહેવાય, એ લખવાની જરૂર નથી. આવું ન થયું હોય અને કોઇ જવાન પોતાની નોકરી જોખમમાં મૂકીને સોશ્યલ નેટવર્ક પર આ હદે બોલવા જેટલો મરણીયો થાય, તો એ મરણીયાપણું ચિંતાજનક છે. અને ત્રીજો મુદ્દો : જવાનનો આરોપ સાચો હોય તો પણ, એ સૈન્યની આંતરિક વ્યવસ્થામાં ઉકલવાને બદલે--અથવા એવી સંતોષકારક વ્યવસ્થાના અભાવે-- સોશ્યલ મિડીયા પર પહોંચે, એ ઠીક નથી.

સૈન્યની ખાસિયતો-મર્યાદાઓ છતાં અને એ બધાથી ઉપર તેમાં શિસ્તનું આગવું મહત્ત્વ છે. સિવિલિયન (નાગરિકી) દૃષ્ટિથી સમજવા-સ્વીકારવામાં ક્યારેક મુશ્કેલ લાગી શકે, એવા તકાદા લશ્કરમાં જરૂરી હોય છે. (એટલા માટે તો ‘શિસ્ત’ની આગળ કડકાઇ સૂચવવા ‘લશ્કરી’  જેવું વિશેષણ વાપરવામાં આવે છે.) આ પ્રકારની સોશ્યલ મિડીયાબાજીથી લશ્કરી શિસ્તનું માળખું તૂટે છે અને તેની જાહેરમાં, શત્રુ દેશો સહિત સૌને જાણ થાય છે. જવાનોની નૈતિક હિંમતને તોડવાનું કામ કરનારાં બીજાં પરિબળો પણ હોય છે. છતાં, એ પરિબળો હોવાને કારણે સોશ્યલ નેટવર્કિંગ પર ફરિયાદ દ્વારા થતું નુકસાન વાજબી ઠેરવી શકાતું નથી. માટે, નવા સૈન્ય વડાએ વાજબી રીતે જ, સોશ્યલ નેટવર્ક પર ફરિયાદ કરનાર સામે કડક પગલાંની ચીમકી આપી છે.

જવાનોની ફરિયાદો સૈન્ય અને રાષ્ટ્રવાદનો રાજકીય ઉપયોગ કરનાર ભાજપના રાજમાં થાય, તે ન ચૂકવા જેવી વક્રતા છે. સાથોસાથ, વિરોધ પક્ષોએ આ બનાવ રાજકીય રીતે ચગાવવા જેવા નથી. કારણ કે ૧) આ વાત સાચી હોય તો તે ફક્ત સરકારની નહીં, રાષ્ટ્રીય શરમની બાબત છે. આ બાબતમાં કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનો ઇતિહાસ ગૌરવ લેવા જેવો નથી. ૨) બહાદુરી અને ફનાગીરી જેવા ગુણોને કારણે યોગ્ય રીતે જ લોકોના આદરને પાત્ર બનતા સૈન્યના સંગઠનમાં (બીજા સરકારી વિભાગોની જેમ) ભરપૂર બાબુશાહી છે. તેને કોઇ એક પક્ષ સાથે સાંકળી શકાય તેમ નથી.

સહાયક જેવા કેટલાક રિવાજ અંગ્રેજ સાહેબબહાદુરોના જમાનાના છે. તેમના વિશે પુનર્વિચાર થવો રહ્યો, પરંતુ સોશ્યલ મિડીયા એ માટેનું યોગ્ય માધ્યમ નથી. સૈન્યને લગતી તોતિંગ રકમોની ખરીદીમાં ભ્રષ્ટાચારને પૂરતો અવકાશ હોય છે અને ઘણી ખરીદીઓમાં ભ્રષ્ટાચારના આરોપ સાચા હોય તો પણ, તે જુદી રીતે નુકસાનકારક સાબીત થાય છે. તેમાં સંડોવાયેલા લોકોનો ગુનો પુરવાર થતો નથી, તેમને કશી સજા થતી નથી અને હોબાળાને કારણે ખરીદી અટકી જાય છે. તેના લીધે સૈન્યની સજ્જતા પર માઠી અસર પડે છે.


સૈન્યને રાજકારણથી દૂર રાખવામાં જ સાર છે--અને આ વાત અત્યારે હોંશે હોંશે કહેતા લોકોએ યાદ રાખવા જેવું છે કે લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે ભાજપે બિલકુલ આ જ ધંધો કર્યો હતો. તેના માટે આ નાનું તો નાનું, પણ કવિન્યાયનું ટાણું છે.

Tuesday, April 10, 2012

સરકાર વિરુદ્ધ સેનાપતિઃ અવિશ્વાસની આંધી


સેંકડો મર્યાદા ધરાવતી ભારતની લોકશાહીમાં હવે બહુ ઓછી શક્યતાઓ કલ્પનાતીત- કલ્પના પણ ન કરી શકાય એવી- રહી છે. ચૂંટણીમાં ગોટાળાના આરોપ, બંધારણ અને બંધારણીય સંસ્થાઓના હાર્દમાં ગાબડાં, રાજકારણીઓનું બિનલોકશાહી પ્રજાવિરોધી વર્તન, અફસરોની બાબુશાહી, ન્યાયતંત્રમાં ગોટાળા, સૈન્યમાં ભ્રષ્ટાચાર... આમાંથી કોઇ પણ મુદ્દાની વાત આવે એટલે થોડું વાંચતાલખતા-જોતાસાંભળતા લોકો કહેશે, ‘આ બઘું જૂનું થયું. કંઇક નવી વાત કરો.’

પરંતુ ભારતના લશ્કરી સરસેનાપતિ દ્વારા, સૈનિક તાકાતની હિલચાલથી સરકારને ચીમકી આપવાની વાત હજુ કલ્પી શકાતી નથી. આઝાદીના સાડા છ દાયકા દરમિયાન, કટોકટીના સમયગાળા સહિત, રાજકીય નેતાગીરીનો હાથ હંમેશાં લશ્કરી નેતાગીરી કરતાં ઉપર રહ્યો છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નેતાઓ તો ઠીક, અફસરો પણ ઘણી વાર અયોગ્ય રીતે લશ્કરી અધિકારીઓ ઉપર સાહેબગીરી રાખે છે. સામા પક્ષે એવા પણ ફૌજીઓ હોય છે જે હોદ્દા માટે રાજકીય ચાંપો દબાવવામાં અને રાજનેતાઓના કહ્યાગરા બની રહેવામાં ક્ષોભસંકોચ અનુભવતા નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે ભારતના રાજકારણમાં લશ્કર દખલ કરતું નથી, પણ ભારતના લશ્કરમાં રાજકારણની અને બાબુશાહીની ઠીક ઠીક દખલ ઘણા સમયથી છે.

સાવચેતી અને સનસનાટી

આટલી ભૂમિકા સાથે જાન્યુઆરી ૧૬-૧૭, ૨૦૧૨ના ઘટનાક્રમ વિશે બહુ સાવચેતીપૂર્વક વિચારવું પડે. લશ્કરી વડા જનરલ વી.કે.સિંઘ પોતાની જન્મતારીખના મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ગયા એ જ રાત્રે બે લશ્કરી ટુકડીઓ ‘કવાયતના ભાગરૂપે’ દિલ્હીની દિશામાં આગળ વધી અને રાત્રે મળેલી સૂચનાઓ પછી અધરસ્તેથી પાછી ફરી. છ અઠવાડિયાંની મહેનત અને ચકાસણી પછી આ અહેવાલ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી શેખર ગુપ્તા સહિત ચાર પત્રકારોનાં નામ સાથે ગયા સપ્તાહે પ્રગટ થયો. તેનાથી પ્રસરેલાં આઘાત-પ્રત્યાઘાતનાં મોજાં હજુ શમ્યાં નથી. અત્યંત સાવચેતીપૂર્વક લખાયેલા અહેવાલમાં ક્યાંય એવું લખાયું નથી કે જનરલ  સિંઘે સરકાર પર દબાણ લાવવા માટે આ બે ટુકડીઓને દિલ્હીની દિશામાં આગળ વધારી. બલ્કે, અહેવાલમાં જનરલ  સિંઘની બેદાગ કારકિર્દીની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ આખા અહેવાલમાં ઊભા કરાયેલા કેટલાક સવાલોની અણી જનરલ  સિંઘને અને સંરક્ષણ મંત્રી એન્ટનીને- એમ બન્ને પક્ષોને વાગે એમ છે.

અહેવાલમાં પૂછાયેલા ઉભા કરાયેલા પાયાના મુદ્દાઃ ૧) નેશનલ કેપિટલ રિજીયન - પાટનગર વિસ્તાર-માં લશ્કરી ટુકડીઓની કોઇ પણ પ્રકારની હિલચાલ માટે આગોતરી જાણ કરવી પડે. આ કિસ્સામાં એવી જાણ કરવામાં આવી ન હતી. ૨) ઘુમ્મસમાં લશ્કરી ટુકડીઓની સજ્જતા ચકાસવાનો જ પ્રશ્ન હોય તો વધારે ગીચ એવા દિલ્હી તરફના રસ્તાને બદલે બીજો રસ્તો કેમ લેવામાં ન આવ્યો? ૩) મલેશિયાની મુલાકાતે ગયેલા સંરક્ષણ સચિવને મુલાકાત અઘૂરી મૂકીને રાતોરાત પાછા બોલાવી લેવાયા. તેમણે રાત્રે ને રાત્રે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરશન્સ  એ.કે.ચૌધરીને બોલાવીને ‘આ બઘું શું ચાલી રહ્યું છે?’ એ મતલબનું પૂછ્‌યું. તેમના હુકમથી બન્ને ટુકડીઓને પાછી મોકલી દેવામાં આવી. ૪) દરમિયાન સરકારી હુકમથી દિલ્હીમાં આવતાં વાહનોનું દિલ્હીના નાકે ચેકિંગ કરવાના હુકમ જારી થયા, જેથી દરેક વાહનને ઊભા રહેવું પડે. એ રીતે ટ્રાફિક ધીમો પડે અને ટુકડીઓને દિલ્હી સુધી પહોંચવામાં વાર લાગે.

સરવાળે કશું જ બન્યું નહીં. બન્ને ટુકડીઓ જે રીતે આવી હતી, એવી જ રીતે પાછી ફરી ગઇ. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલમાં પણ સાવધાની અને સલુકાઇથી બળવો કે બળવાનો પ્રયાસ કે બળવાની દિશામાં હિલચાલ (‘કૂપ’) જેવો શબ્દ ટાળવામાં આવ્યા. એને બદલે સરકારના પક્ષે ગૂંચવાડો (કન્ફ્‌યુઝન) અને અસુખ-અકળામણ (અનઇઝ) પ્રવર્તતાં હતાં એમ લખવામાં આવ્યું. છતાં, આખો અહેવાલ અને તેમાંથી ઉભા થતા મુદ્દા વાંચીને છાપ એવી જ ઊભી થઇ કે સરકાર અને જનરલ વચ્ચેના સંઘર્ષમાં જનરલ વિરુદ્ધ કોઇ આકરું પગલું લેવામાં આવે, તેને આગોતરું ખાળવા માટે- પ્રીએમ્પ્ટ કરવા માટે- સૈન્યની બે ટુકડીઓ દિલ્હી તરફ રવાના થઇ હતી.

વડાપ્રધાન, સંરક્ષણમંત્રી અને જનરલ સિંઘથી માંડીને પ્રસાર માઘ્યમોમાં પણ ઘણાએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલને ચુનંદાં વિશેષણોથી વખોડી કાઢ્‌યો. વડાપ્રધાને તેને ‘એલાર્મિસ્ટ’ (ભડકામણો) કહ્યો, તો જનરલ સિંઘે તેને ‘ફેબલ્સ ઓફ સિક માઇન્ડ’ (રુગ્ણ માનસની કપોળકલ્પના) ગણાવ્યો. ‘એક્સપ્રેસ’ના તંત્રી શેખર ગુપ્તાએ અહેવાલને ‘એલાર્મિસ્ટ’ નહીં, પણ એલાર્મિંગ (ચેતવણીસૂચક) ગણાવ્યો અને ચોતરફથી થયેલા નકાર છતાં તે પોતાના અહેવાલમાં મુકાયેલી હકીકતોને વળગી રહ્યા.

કેટલીક વઘુ હકીકતોના પ્રકાશમાં


અત્યાર સુધી સામસામે રહેલાં સરકાર અને સેનાપતિ અખબારી અહેવાલ  વાહિયાત હોવાના મુદ્દે એક થઇ ગયાં. સાથોસાથ, એ બન્ને સિવાયના કેટલાક પક્ષોએ અહેવાલને તથા તેના રદિયાને ટેકો કરે એવી વાતો બહાર આણી છે. જેમ કે, એક અખબારના સંરક્ષણને લગતી બાબતોના પત્રકાર સાથે વાત કરતી વખતે કેટલાક લશ્કરી અફસરોએ કહ્યું કે નેશનલ કેપિટલ રિજીયનમાં સૈન્યની ટુકડીઓની હેરાફેરીઓ થતી જ રહે છે. એમાં કશું નવું નથી અને તેમાં કોઇ આગોતરી પરવાનગી કે જાણકારીની જરૂર હોતી નથી. કેટલાક અફસરોએ કહ્યું કે દસેક હજાર જેટલા સૈનિકો કાયમ દિલ્હીમાં સ્થિત હોય છે. તેમની સરખામણીમાં કુલ પાંચસોની આસપાસ સૈનિકોની ટુકડીઓ દિલ્હી તરફ મોકલીને જનરલ સિંઘ સરકારને દબાવવાનો પ્રયાસ કરે, એ માનવા જેવું નથી. એક અફસરે કહ્યું કે જનરલે ઇચ્છ્‌યું જ હોત તો દોઢસો-બસો કિ.મી. દૂર આગ્રા અને હિસ્સારથી લશ્કરી ટુકડીઓ દિલ્હી તરફ બોલાવવાને બદલે, માંડ સિત્તેર કિ.મી. દૂર મેરઠથી ઇન્ફન્ટ્રી/પાયદળની આખી ડિવિઝન લાવવાનું તેમને વધારે સહેલું પડ્યું હોત.

બીજી તરફ, પ્રામાણિક અને બેદાગ અફસર તરીકે પંકાયેલા નિવૃત્ત લેફ્‌ટન્ટ જનરલ હરચરનજીતસિંઘ પનાગે ટ્‌વીટર પર એવો મત રજૂ કર્યો કે પોતાની સામેનાં સંભવિત સરકારી પગલાં લેવા માટે જનરલ વી.કે.સિંઘે કરેલું એવું શક્તિપ્રદર્શન હોઇ શકે છે, જેમાં ભાગ લેનારા સૈનિકોને તેમની દિલ્હી તરફની કૂચનું સાચું કારણ ખબર પણ ન હોય. ફક્ત ઉચ્ચ હોદ્દો ધરાવતા અફસરો જ દિલ્હી તરફ આગળ વધવાના સાચા કારણથી વાકેફ હોય. નિવૃત્ત લેફ્‌ટ. જનરલ પનાગે લશ્કરી પરિભાષામાં આ જાતના પગલા પાછળનું સંભવિત ઘ્યેય જણાવતાં લખ્યું ‘શત્રુપક્ષથી પહેલાં પગલાં લઇ લેવાં જેથી તે પોતાની વ્યૂહરચના, યોજના કે કાર્યવાહી અમલમાં મૂકી શકે નહીં.’ તેમનાં લખાણનો ઘ્વનિ એવો હતો કે સરકારને ચીમકી આપવા માટે  બે ટુકડીઓ દિલ્હી તરફ મોકલવામાં આવી હોય એ (અખબારી અહેવાલમાં સૂચવાયેલી સંભાવના) બનવાજોગ છે.

અખબારી અહેવાલનો ઘ્વનિ ઘણો ગંભીર છે, પણ તેના લેખિત શબ્દોમાં એટલું સ્પષ્ટપણે કહેવાયું છે કે સરકારને એક તબક્કે જનરલ સિંઘ તરફથી લશ્કરી હિલચાલની શંકા ગઇ હતી. એટલું જ નહીં, પોતાની શંકાના (કે ગૂંચવાડાના) આધારે સરકારે (સંરક્ષણ મંત્રીએ) ટુકડીઓની દિલ્હી તરફની ગતિ ધીમી પાડવા માટે પગલાં લીધા અને સરવાળે તેમને પાછી મોકલી દીધી. આ ટુકડીઓ ખરેખર જનરલ સંિઘની યોજનાના ભાગરૂપે દિલ્હી ભણી આવતી હતી કે કેમ, એની ચર્ચા ફોતરાં ખાંડવા જેવી બની રહેશે. કારણ કે તેની સાથે સંકળાયેલી સચ્ચાઇ એમ બહાર આવવાની નથી. મહત્ત્વનો મુદ્દો સરકારે કરેલી કલ્પનાનો- અને તેમાંથી ડોકાતી સરકારની અસ્થિર, અસલામત માનસિકતાનો છે.

ગરીમા ખોવાની હરીફાઇ


સૈન્યવડા જનરલ સિંઘ સાથે સંરક્ષણ મંત્રાલયની તકરાર તેમની જન્મતારીખના મુદ્દે શરૂ થઇ. આટલો નાનો મુદ્દો દેશના સૈન્યવડા અને સંરક્ષણ મંત્રી એકબીજાની ગરીમા જાળવીને, બંધબારણે ઉકેલી ન શકતા હોય તે સૌથી મોટી ચિંતા અને શરમની વાત કહેવાય. બન્ને પક્ષોએ આ મુદ્દે જાહેરમાં ગરીમા ચૂકવામાં કશું બાકી રાખ્યું નહીં. પહેલી નિષ્ફળતા સરકારની. કારણ કે તે વ્યક્તિ નથી. તેની પાસે એક માણસને સમજાવવાના- તેની સમસ્યા ઉકેલવાના ઘણા રસ્તા હોય છે. સાથોસાથ, જનરલ સિંઘની નિષ્ફળતા પણ ઓછી નથી. કારણ કે, એક વાર મતભેદો જાહેર થઇ ગયા પછી તેમણે પ્રસાર માઘ્યમોનો સારોએવો ઉપયોગ કર્યો અને એ પરંપરા સતત ચાલુ રાખી.

લશ્કરના બે જુદા વિભાગોમાં જનરલ સિંઘની બે જુદી જન્મતારીખો બોલતી હતી. જનરલ સિંઘ ૧૯૫૧ની જન્મતારીખ આગળ કરતા હતા અને સરકાર તેમની બઢતીઓમાં ગણાયેલી ૧૯૫૦ની જન્મતારીખ આખરી ગણાવતી હતી. સરકારી જન્મતારીખ ગણતરીમાં લેવાય તો ૩૦ મે, ૨૦૧૨ના રોજ જનરલ સિંઘને નિવૃત્ત થઇ જવું પડે.    સમજ્યાવિચાર્યા વિના, કેવળ કોંગ્રેસવિરોધને મૂલ્ય માનતા લોકોને એવી  દલીલ પકડાવી દેવામાં આવી કે ‘જનરલ સિંઘને બઢતી આપતાં પહેલાં તત્કાલીન સૈન્યવડા દીપક કપૂરે તેમને જૂઠી જન્મતારીખ સ્વીકારવાની ફરજ પાડી હતી.’ એ સાચું હોય તો પણ  શરમજનક ન કહેવાય? દેશના સૈન્યવડાને પોતાની જન્મતારીખ જેવી બાબતમાં શા માટે અને કયા દબાણથી ઝૂકવું પડે? જન્મતારીખના મુદ્દે તેમણે બેદરકારીથી અથવા ગાફેલિયતથી અથવા દબાણથી, પણ એવા કાંડા શા માટે કાપી આપ્યાં કે સર્વોચ્ચ અદાલતમાં તેમનો કેસ લૂલો પુરવાર થયો? સર્વોચ્ચ અદાલતે સૈન્યવડાના વકીલને એ મતલબનું કહેવું પડ્યું કે કેસ પાછો ખેંચી લો. નહીંતર સૈન્યવડા કેસ હારશે તો નીચાજોણું થશે.

અદાલતની સલાહ માનીને કેસ પાછો પણ ખેંચાઇ ગયો. સૈન્યવડાનું પદ ભોગવી રહેલા અને ‘વઘુ એક વર્ષ સુધી આ હોદ્દે રહેવાનો નહીં પણ સ્વમાનનો સવાલ છે’ એવું કહેનારા માણસ પાસેથી એટલી અપેક્ષા ન રાખી શકાય કે એ પોતાના હોદ્દેથી રાજીનામું આપીને- નોકરીની ખરેખર પડી નથી એમ બતાવીને- પછી સરકારને જૂઠી સાબિત કરે અને તેને શરમાવે? પરંતુ જનરલ હોદ્દા પર ચાલુ રહ્યા અને જન્મતારીખથી માંડીને પાછલી તારીખોના ભ્રષ્ટાચારના આરોપો સુધીના મુદ્દે ગરીમા ઘટે એવું વર્તન કર્યું

જનરલ વી.કે.સિંઘની બાબતમાં થયેલો આખો વિવાદ હકીકતે તેમના અનુગામી લેફ્‌ટ. જનરલ બિક્રમસિંઘને સૈન્યવડા બનાવવા માટેનો હતો, એવી પણ વાતો ક્યારની વહેતી થઇ ચૂકી છે. વરિષ્ઠતાની દૃષ્ટિએ જનરલ વી.કે.સિંઘ પછીના ક્રમે આવતા લેફ્‌ટ. જનરલ બિક્રમસિંઘ વિશે પહેલાં એવી વાત વહેતી મુકાઇ કે તેમની પુત્રવઘુ પાકિસ્તાની છે. તપાસમાં એ વાત ખોટી સાબીત થઇ (તે અફઘાન મૂળનાં અમેરિકન નાગરિક છે). ત્યાર પછી નૌકાદળના ભૂતપૂર્વ વડાઓ એડમિરલ રામદાસ અને એડમિરલ વિષ્ણુ ભાગવત, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એન.ગોપાલસ્વામી  જેવા લોકોએ મળીને લેફ્‌ટ. જનરલ બિક્રમસિંઘની નિમણૂંક સામે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી/પીઆઇએલ કરી. તેમાં મુખ્ય આરોપ છે કે જનરલ  બિક્રમસિંઘ ૨૦૦૧માં જમ્મુ-કાશ્મીરમાં નકલી એન્કાઉન્ટરના કેસમાં સંડોવાયેલા છે. જાહેર હિતની અરજી કરનારા મહાનુભાવોએ અદાલત સમક્ષ એવી પણ વિનંતી કરી છે કે સૈન્યવડાના હોદ્દે જનરલ વી.કે.સિંઘને જ ચાલુ રાખવામાં આવે.

જનરલ બિક્રમસિંઘ સામેના આક્ષેપોની તપાસ તો થશે, પણ વધારે અગત્યનો અને ચિંતાનો મુદ્દો એ છે કે સૈન્યવડા જેવી નિમણૂંકોમાં પણ હવે જાહેર આક્ષેપબાજી અને અદાલતોની દખલગીરી શરૂ થઇ જશે, તો સરકાર શું કરશે? આ મુદ્દે સરકાર પહેલાં પોતાની વિશ્વસનીયતા અને પછી પોતાનો અબાધિત અધિકાર સ્થાપિત કરે તથા લશ્કરમાં રાજકારણ રમવાનું બંધ કરે, એ દેશહિત માટે સૌથી જરૂરી છે.