Wednesday, August 31, 2016
બેડમિંટન-સંસ્કૃતિ : ફૂલ આહિસ્તા ફેંકો
(દર બુધવારે‘બોલ્યુંચાલ્યું માફ’ હવે બ્લોગ, ફેસબુક અને વોટ્સએપ પર)
ચાંદીના ભાવે રજતચંદ્રક ને સોનાના
ભાવે સુવર્ણચંદ્રક મળતા હોત, તો ઓલિમ્પિકમાં એકથી
સો નંબરે ભારત જ ભારત હોત. પરંતુ
ઓલિમ્પિકવાળા અવળચંડા અને ભારતદ્વેષી છે. ભારતને ઇરાદાપૂર્વક પછાત
દેખાડવાના પાશ્ચાત્ય કાવતરા તરીકે ઓલિમ્પિકની રમતમાં એવા નિયમ રાખવામાં આવ્યા છે
ને મોટા ભાગની રમતો પણ એવી રાખવામાં આવી છે કે જેથી ભારતના ખેલાડીઓ જીતી ન શકે.
તેમ છતાં, આ વખતે બેડમિંટનની રમતમાં ભારતને રજતચંદ્રક મળ્યો.
સોનાની અવેજીમાં ભારતીયોને ચાંદી પણ ચાલે. એવું કંઇ નહીં. પણ આ વખતે મામલો માત્ર
સોનાચાંદીનો ન હતો. (એક ચ્યવનપ્રાશના દાવા પ્રમાણે, સોનુંચાંદી તો ભારતમાં લોકોને થોડા રૂપિયા ખર્ચવાથી ચ્યવનપ્રાશમાં પણ મળી જાય
છે.) બેડમિંટનમાં ચંદ્રક મળ્યો. એટલે તેનો મહિમા થયો અને સોનાનાં (કે ચાંદીનાં)
ઇંડા ન આપતી હોવાને કારણે ‘ઘરકી મુર્ગી’ ગણાતી એ રમત તરફ લોકોનું ધ્યાન પડ્યું. .
ભારતીયો કોઇ રમતને ગંભીરતાથી
ત્યારે જ લે, જ્યારે એના ખેલાડીઓ...ના, સર્વોત્કૃષ્ટ દેખાવ કરે ત્યારે નહીં, પણ કરોડો રૂપિયાના
જાહેરખબરના કોન્ટ્રાક્ટ સાઇન કરે અને તેલ-ટુથપેસ્ટથી માંડીને લાઇટના
બલ્બ-ફર્નિચર-એનર્જી ડ્રિન્ક સુધીની જાહેરખબરોમાં દેખાવા લાગે ત્યારે. એ હિસાબે
બેડમિંટનમાં ચંદ્રકવિજેતા સિંધુએ હજુ ઘણું લાંબું અંતર કાપવાનું છે અને ઘણાં તેલ, ઘણા બામ, ઘણી ટુથપેસ્ટ ને ઘણાં ડ્રિન્ક સુધી પહોંચવાનું છે.
એવું થાય તો ત્યારે સિંધુને રજતચંદ્રકવાળી નહીં, અસલી ‘ચાંદી’ થશે.
આઘાતમિશ્રિત આશ્ચર્યની વાત એ છે કે
ભારતને બેડમિંટનમાં ચંદ્રક આટલો મોડો કેમ મળ્યો? અને આટલા પાયાના-ગંભીર સવાલ વિશે ચિંતા કરવાનું કોઇને કેમ સૂઝતું નથી? ઉનાળાના વેકેશનમાં ફ્લેટ-સોસાયટીની ખુલ્લી જગ્યાઓથી માંડીને ગામડાંની
શેરીઓમાં, મોટે ભાગે મ્યુનિસિપાલિટીની લાઇટના અજવાળે રમતા
લોકોની સંખ્યાને ધ્યાનમાં લેતાં, બેડમિંટનનો ચેમ્પિયન
ભારતમાં ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં પાકવો જોઇતો હતો. સુનિલ ગાવસ્કર જેવા આગલી પેઢીના
મહાન ક્રિકેટરો સાંકડી ગલીઓમાં બેટિંગ કરીને સ્ટ્રેટ ડ્રાઇવના આંતરરાષ્ટ્રિય
નિષ્ણાત બની શક્યા, એ જ તરાહ પર બેડમિંટનના શેરી
ચેમ્પિયનો કેમ ન નીપજી શકે?
ઓલિમ્પિકના પ્રચાર અને
આરંભ-અંતસમારંભોના ઝળહળાટથી અંજાઇ લીધા પછી વાસ્તિવક રીતે વિચારો : ‘ફૂલરેકેટ’ તરીકે ઓળખાતું શેરીનું બેડમિંટન
પ્રમાણમાં વધારે અઘરું ને પડકારજનક નથી હોતું? સ્ટેડિયમ જેવું પ્રોફેશનલ, ચોખ્ખુંચણાક મેદાન ન
હોય, સફેદ પાઉડરથી વ્યવસ્થિત દોરેલી લીટીઓ ન હોય, ગણિતના પ્રમેયમાં આવતા કોઇ પદની જેમ કે આસ્તિકોના ઇશ્વરની જેમ, બે ખેલાડીઓની વચ્ચે હોઇ શકતી જાળીને ધારી લેવાની હોય, વર્ષોથી ચાલતાં રેકેટની ગૂંથણી ઢીલી પડી થઇ ચૂકી હોય, તેની જાળીનાં અમુક ચોખંડાં એવી રીતે તૂટેલાં હોય કે ફટકો મારતી વખતે એ ભાગ
સામે આવે તો ફૂલ રેકેટથી આલિગંનબદ્ધ થઇ બેસે. ફૂલના દેખાવમાં પણ ‘વિભક્તેષુ અવિભક્તમ્’ (આમ વિભાજિત છતાં આમ
અખંડ)ની ભારત માટે વપરાતી ઉક્તિ ચરિતાર્થ થતી હોય. ફૂલનો દેખાવ ખીલેલા નહીં, ચીમળાયેલા ફૂલ જેવો કે પીંછા ખરી ગયેલા પક્ષી જેવો લાગતો હોય. ઘણી વાર તો ફૂલના તળિયે રહેલો નક્કર અર્ધગોળાકાર જ તેની ‘હયાતીનું (એક માત્ર) પ્રમાણપત્ર’ બન્યો હોય.
આવા વાતાવરણમાં અને આ પ્રકારના
સરંજામ સાથે ફૂલરેકેટ રમાતું હોય, ત્યારે સમાંતરે રસ્તા
પરનો ટ્રાફિક ચાલુ જ હોય. શેરીખેલાડીએે બાજુમાંથી પસાર થતી સાયકલ કે બાઇક કે કાકા
કે આન્ટીને રેકેટની પ્રહારમર્યાદાથી બહાર રાખવાં પડે. પક્ષીની આંખ જોતા અર્જુનની
જેમ એ ફક્ત ફૂલ જોઇને બેસી રહે, તો તેને પોતાના જ
રેકેટથી કોઇના હાથની ‘પ્રસાદી’ ખાવાનો વારો આવી શકે. ફૂલરેકેટના મેદાન તરીકેનો બિનસત્તાવાર દરજ્જો પામેલા
વિસ્તારમાં સરહદો સ્પષ્ટ અંકાયેલી ન હોય અને પ્રતિસ્પર્ધી ઝઘડાળુ હોય ત્યારે
ભારતપાકિસ્તાનની જેમ સરહદવિવાદ સતત સળગતો રહે ને ફૂલ ક્યાંથી આગળ જાય તો આઉટ
કહેવાય તેની અંકુશરેખાઓ વારેઘડીએ બદલાતી હોય. તેમ છતાં, ડૂબતી ‘ટાઇટેનિક’માં સ્થિતપ્રજ્ઞતાપૂર્વક સંગીત
વગાડનારા કલાકારોની જેમ, શેરીખેલાડીઓએ રમત ચાલુ રાખવી પડે.
જરા વિચારો : આવા ખેલાડીઓની એકાગ્રતાની બરાબરી ઓલિમ્પિક ચેમ્પિયન પણ શી રીતે કરી
શકવાના હતા?
ફૂલરેકેટના શેરીચેમ્પિયન બનવા માટે
ફક્ત એકાગ્રતા જ નહીં, સંયમ અને અંકુશ જેવા ગુણ પણ
અનિવાર્ય બને છે. કારણ કે સ્ટ્રોક જોરથી કે વધારે ઊંચો કે અમુક દિશામાં મારવાથી ફૂલ છગનકાકાના છાપરે કે અરુણામાસીની અગાસીએ કે બાલુકાકાની બાલ્કનીમાં કે બચીકાકીની
બારીમાં જઇ શકે. તેમાંથી એકાદનો મિજાજ આ રીતે આવતા ફૂલને સરહદપારથી આવેલા તોપના
ગોળા સમકક્ષ ગણવાનો હોય, એટલે થયું. ફૂલરેકેટ બાજુ પર રહી
જાય અને વગર રેકેટે-વગર ફૂલે શાબ્દિક શટલકોક શરૂ થઇ જાય.
શેરીના ફૂલરેકેટ અને ઓલિમ્પિકના
બેડમિંટન વચ્ચે બીજા તફાવતો તો ઠીક છે, સૌથી મોટો તફાવત
ભાવનાનો છે અને તેમાં ભારત અત્યાર સુધી હારીને પણ જીતી જતું હતું. શેરીમાં, જાળી વગર ફૂલરેકેટ રમી ચૂકેલા સૌ જાણે છે કે આ રમતાં ખરી કમાલ-ખરી સિદ્ધિ
પ્રતિસ્પર્ધીને હરાવવામાં નહીં, પણ સામેવાળાને
પ્રતિસ્પર્ધીને બદલે સાથી ગણવામાં અને તેની સાથેની રમત ‘ટકાવવામાં’ છે. ઓલિમ્પિકમાં એક નજરે એવો ભ્રમ
થાય કે બન્ને ખેલાડીઓ સામસામે બહુ ‘ટકાવે’ છે, પણ હકીકત જુદી છે : આ ખેલાડીઓ રમતના આનંદ ખાતર કે
શેરીખેલાડીઓ જેવી સહઅસ્તિત્ત્વની-સાથીપણાની ભાવનાને કારણે નહીં, પણ પોઇન્ટ મેળવવા માટે વળતો ફટકો મારે છે.
શેરીખેલાડીઓની રમતમાં થતી સામસામી
ટકાટક અને ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓ વચ્ચેની ઠકાઠકમાં પાયાનો તફાવત છે : એકમાંથી
મૈત્રીભાવના પવિત્ર ઝરણાનો ખળખળાટ --અને કેટલાક કિસ્સામાં આવડતના અભાવનો સળવળાટ
સાંભળી શકાશે, જ્યારે બીજામાં ‘મારે તેની તલવાર’માં પશુબળની બોલબાલા પ્રાધાન્ય
ભોગવતી જણાશે. એવી પશુબળપ્રધાન રમત રમીને વિજેતા બનવું, એટલે ભારતીય મૂલ્યો તથા તેના આધ્યાત્મિક વારસાને અભરાઇ પર ચડાવી દેવો.
શેરીક્રિકેટની જેમ શેરીબેડમિંટનનો
જુદો મહિમા હતો. ભારતની શેરીઓમાં કન્યારત્નો સામાન્ય રીતે ક્રિકેટ રમતાં ન હોય, પણ વેકેશનમાં તેમની સાથે ફૂલરેકેટની રમત માંડી શકાતી હતી. તેમાં રમતના ભાગરૂપે સર્જાયેલી જોડીઓ ફૂલરેકેટથી ફૂલહાર સુધી પહોંચી ગયાના કિસ્સા પણ નોંધાતા હતા. એટલે
સોના જેવી બજારુ ચીજની લાલચે નહીં, પણ મૂલ્યવાન સંબંધોની
દિલી અપેક્ષા સાથે ઘણા લોકો શેરીમાં ફૂલરેકેટ રમવા ઉતરતા હતા. ગરીબ માણસના દાંત
અને અન્નને વેર હોય તેમ, આવા ઉત્સાહીઓના રેકેટ અને ફૂલને
જાણે વેર હોય એવી શંકા ઘણી વાર જતી. વળતો ફટકો તો ઠીક, એક હાથે ફૂલ ઉછાળીને બીજા હાથે તેને રેકેટમિલાપ કરાવવાનું પણ તેમનાથી શક્ય
બનતું ન હતું. એનો તેમને અફસોસ પણ ખાસ ન થતો. કારણ કે ક્યાંક જીતવા માટે ક્યાંક
હારવું પડે છે, એ ફિલસૂફી તેમણે પચાવી હતી. હવે
ફક્ત બેડમિંટન જ નહીં, આવી ફિલસૂફી શીખવા માટે પણ લોકોને
ક્લાસ ભરવા પડે એવો જમાનો છે.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
sports
Subscribe to:
Post Comments (Atom)
Very nice..... Vanchata etali maja aave ke last line aavine khatam thia jaay pachhi haji thodu chalava do Em Saras......
ReplyDelete