Thursday, August 04, 2016
મહિલા રાજકારણીઓ : અપેક્ષા અને વાસ્તવિકતા
(તંત્રીલેખ, દિવ્ય ભાસ્કર, 5-8-2016)
ગુજરાતનાં મુખ્ય
મંત્રી આનંદીબહેન પટેલનું રાજીનામું ભાજપે સ્વીકારી લેતાં, હવે તેમની વિદાય અંગેની રહીસહી અટકળોનો અંત આવ્યો અને
તેનાથી અનેક ગણી મોટી-વધારે મહત્ત્વની એવી તેમના અનુગામી વિશેની અટકળો શરૂ થઇ.
સોશ્યલ મિડીયાના યુગમાં બને છે તેમ, આ ઘટના વિશે જાતજાતની રમૂજો થઇ. તેની વચ્ચે એક સૂર એવો પણ સંભળાયો કે ગમે
તેમ તોય આનંદીબહેન મહિલા મુખ્ય મંત્રી હતાં અને એક મહિલાની રમૂજ ન કરવી જોઇએ.
ગુજરાતના ૫૬ વર્ષના ઇતિહાસમાં આનંદીબહેન પટેલ પહેલાં મહિલા મુખ્ય મંત્રી હતાં. (એ
દૃષ્ટિએ ગુજરાત દેશનાં બીજાં ઘણાં રાજ્યોની સરખામણીમાં પાછળ ગણાય.) રાજકારણમાં
આવતાં પહેલાં શિક્ષિકા એવાં આનંદીબહેન મુખ્ય મંત્રી બન્યા પછી પણ ‘બેન’ તરીકે ઓળખાતાં હતાં.
રાજકારણમાં
મહિલાઓના પ્રતિનિધિત્વનો ચોક્કસપણે મહિમા છે અને ઉચ્ચ હોદ્દા પર તેમનું હોવાનું
આવકાર્ય છે. પરંતુ ભાવનાત્મકને બદલે વાસ્તવિક થઇને વિચારતાં એ પણ જણાશે કે
આનંદીબહેન જેવા ઘણા કિસ્સામાં તેમનું મહિલા હોવું તેમની શાસનપદ્ધતિમાં કે તેમના
રંગઢંગમાં ભાગ્યે જ પ્રતિબિંબિત થાય છે. પરંપરાગત --અને અમુક રીતે બીબાંઢાળ--
અર્થમાં સ્ત્રી એટલે માયાળુ, સંવેદનશીલ,
લાગણીશીલ, કાર્યક્ષમ, પુરુષપ્રધાન દુનિયામાં જુદો અને આવશ્યક-પૂરક દૃષ્ટિકોણ લઇને આવનારી...
એવું મનાય છે. ઓફિસમાં કે પંચાયતમાં કે રાજ્યમાં ફક્ત કામથી કામ રાખનારી, કડક મિજાજ
સ્ત્રીઓથી તેમના ઘણા કર્મચારીઓ નારાજ રહેતા હોય છે. આવી નારાજગીમાં
સ્ત્રીને ઉપરી તરીકે ન સ્વીકારી શકવાની પુરુષપ્રધાન માનસિકતા બેશક જવાબદાર હોય છે.
પરંતુ સ્ત્રી જ્યારે મુખ્ય મંત્રી જેવા કોઇ મોટા હોદ્દે હોય, ત્યારે તેને કેવળ સ્ત્રી હોવાથી જેમ નકારી ન
શકાય, તેમ કેવળ સ્ત્રી હોવાથી
તેને કડક મૂલ્યાંકનમાંથી મુક્તિ પણ ન આપી શકાય.
આનંદીબહેન પટેલને
મહિલા મુખ્ય મંત્રી તરીકે વધાવીને, તેમના
પ્રત્યે વિશેષ ભાવ રાખતા --અને બીજાએ પણ એવો ભાવ રાખવો જોઇએ અથવા આકરી ટીકા ન કરવી
જોઇએ-- એવું ઇચ્છતા લોકોએ વિચારવા જેવું છે કે મંત્રી તરીકે અથવા મુખ્ય મંત્રી
તરીકે આનંદીબહેન પટેલના કયાં પગલાં- કઇ નીતિરીતિ સ્ત્રીવિશેષ હતાં? તેમની વરણી સમયે પહેલાં મહિલા મુખ્ય મંત્રી તરીકે
આવકાર્યા પછી એ તો વિચારવું પડે ને કે તેમણે એવું શું કર્યું, જે કોઇ પુરુષ રાજકારણીને ન સૂઝ્યું હોત અને
એક મહિલાને જ સૂઝી શકે?
સ્ત્રી પરંપરાગત
છબી પ્રમાણેની મૃદુ અને લાગણીશીલ જ હોવી જોઇએ, એવું જરૂરી નથી. પરંતુ સ્ત્રીઓના વિશિષ્ટ દૃષ્ટિકોણથી,
સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ, તેમની સમસ્યાઓ અને ભેદભાવો વિશે આનંદીબહેન કે
એ પ્રકારની નેત્રીઓએ શું કર્યું? અથવા
કદી એ દિશામાં વિચાર્યું પણ ખરું? કે
તેમણે પણ સામાન્ય પુરુષ નેતાઓની જેમ સરકારી રાહે સ્ત્રીઓ માટેની કેટલીક યોજનાો
જાહેર કરીને સંતોષ માની લીધો?
ભારતમાં
સ્ત્રીઓની સ્થિતિ પહેલાં કરતાં સુધરી હોવા છતાં, હોવી જોઇએ એના કરતાં ઘણી ખરાબ છે. પછાત વર્ગો માટે
કાકાસાહેબ કાલેલકરની આગેવાની હેઠળ રચાયેલા પંચમાં કાકાસાહેબે એક ભલામણ એવી પણ કરી
હતી કે સ્ત્રીઓ પ્રત્યે રખાતો ભેદભાવ ધ્યાનમાં રાખતાં તેમને પછાત ગણવી જોઇએ. મહિલા
રાજકીય આગેવાનો આવી રીતે લાગણી જાણીને સ્ત્રીઓ પ્રત્યેનો ભેદભાવ ઘટાડવાનું કે
રોજિંદા જીવનમાં તેમને નડતી સમસ્યાઓ જાતઅનુભવથી ઉકેલવાનું કામ કરે છે? ગુજરાતમાં જ નહીં, ભારતમાં એવા દાખલા બહુ જોવા મળતા નથી. ‘અમ્મા’ જયલલિતા હોય, ‘દીદી’ મમતા બેનરજી હોય, સોનિયા
ગાંધી કે ‘ગુજરાતકી બહુ’ ઇંદિરા ગાંધી હોય કે પછી આનંદીબહેન પટેલ,
છેવટે આ બધાં મહિલા તરીકે તેમની
સંવેદનશીલતા અને સ્ત્રીવિષયક પ્રશ્નોની સમજથી જુદાં તરી આવવાને બદલે, મહદ્ અંશે પુરુષપ્રધાન સમાજે અને રાજકારણે
રચેલા લોખંડી યંત્રનાં પૂરજા જ સાબીત થાય છે.
Subscribe to:
Post Comments (Atom)
She was made cm as she was the most trusted of high command.Although we large heartedly appreciated the move.she could never work independently.I hope the next cm doesn't reverse decision taken by her like toll tax exemption EBC quota
ReplyDelete