Saturday, October 26, 2024

તોલ્સ્તોયની 37 વાર્તાઓ, અનુવાદઃ તાન્યા ખત્રી

 
ખરૂં કહું તો મનમાં અવઢવ હતી, કંઈક નકાર પણ હતો કે મુખપૃષ્ઠ અને ડિઝાઇનિંગ ભલે રૂપકડાં હોય, પણ રહેવા દે, નથી કરવાં પારખાં. તોલ્સ્તોયની વાર્તાઓનો અત્યારે થયેલો અનુવાદ કેવો હશે? ભાષાનાં ઠેકાણાં નહીં હોય, તોલ્સ્તોયની છેતરામણી સરળતા પીંખાઈ ગઈ હશે ને અભિવ્યક્તિનાં નકરાં ગુંચળાં વળ્યાં હશે.

છતાં, તોલ્સ્તોયની શરમે પુસ્તક ખોલ્યું અને પહેલું જે પાનું નીકળ્યું, તે વાર્તા પહેલેથી વાંચવાની શરૂ કરી અને વાંચતો ગયો...વાંચતો ગયો...એક ઘાએ વાર્તા પૂરી થઈ ગઈ. ક્યાંક ગાંઠો નહીં, ક્યાંય કાંકરા નહીં, તોલસ્તોયની કથાઓને છાજે એવી સરળતા, અસ્ખલિત પ્રવાહ...

વાર્તા પૂરી થઈ ત્યારે થયું વાહ, ધન્યવાદ છે આ કામ સાથે સંકળાયેલા સૌને. વાર્તાનો ભાવાનુવાદ તાન્યા ખત્રીએ કર્યો છે. તે ફક્ત વીસ વર્ષની છે એના જરાય ગ્રેસ માર્ક આપ્યા વિના કહી શકાય કે અનુવાદ ઉત્તમ થયો છે. આમ પણ ગુણવત્તાની વાત કરતી વખતે નાની કે મોટી ઉંમર ધ્યાનમાં ન લેવી જોઈએ. તેનાથી નાનાં ને મોટાં બન્ને બગડી જવાનો સંભવ રહે છે. 🙂 ભાષાશુદ્ધિમાં માયા સોનીનું અને માર્ગદર્શનમાં સંજીવ શાહનું નામ છે. ડીઝાઇન જોલી માદ્રાની અને સંયોજન અલ્કેશ રાવલનું છે.

ઓએસિસ દ્વારા પ્રકાશિત આ પુસ્તકમાં સાત વિભાગમાં વહેંચાયેલી કુલ 37 વાર્તાઓ છે. તેમાં ટૂંકી વાર્તાનું સ્વરૂપ ન શોધશો. એ તોલ્સ્તોયની બોધકથાઓ છે. તેમાં રહેલો બોધ અત્યંત સીધો સાદો હોવા છતાં અત્યંત પાયાનો છે, જે 'મૂરખરાજ' જેવી કથાઓમાં કે 'ત્યારે કરીશું શું?' જેવા કાતિલ પુસ્તકમાં જોવા મળે છે. એટલે, આ વાર્તાઓ એકસાથે વાંચવી નહીં. એક-એક કરીને વાંચવામાં જ તેને ઘૂંટીને માણી શકાશે. હું પણ એમ જ કરવાનો છું.
પુસ્તકની કિંમત રૂ. એક હજાર છે. એ પુસ્તકના બધા ગુણો ધ્યાનમાં રાખ્યા પછી પણ બધાને ન પોસાય તે સમજી શકાય એવું છે. તો પુસ્તકાલયને મંગાવવાનું કહી શકાય કે ત્રણ-ચાર મિત્રો ભેગા થઈને પણ મંગાવી શકાય. કારણ કે રૂપિયા વધારે લાગે એવા છે, પણ ગુણવત્તાનો પ્રશ્ન નથી. એટલે રૂપિયા વસૂલ પણ લાગી શકે. (ગણતરીપ્રેમી સજ્જનોના લાભાર્થે જણાવવાનું કે એક વાર્તા રૂ. 27માં પડી. 🙂

પુસ્તકમાં અપાયેલો પ્રાપ્તિસ્થાન 'ઓએસિસ પબ્લિકેશન હાઉસ, વડોદરા'નો સંપર્ક છેઃ 97264 04783
'સાર્થક જલસો'ની કિંમત અમે રૂ. 100 એટલા માટે જ રાખીએ છીએ કે જેથી તમારા વાચનબજેટમાં રકમ બાકી રહે અને બીજાં સારાં પુસ્તકો પણ ખરીદી શકાય. 😛

તા.ક.- તોલ્સ્તોયની જીવનલક્ષી કથાઓ--એવું મથાળું હકીકતની રીતે વધારે સાચું ગણાય. કેમ કે, જીવનકથા બાયોગ્રાફી માટે વપરાય છે.

1 comment:

  1. Hiren Joshi7:40:00 PM

    Thank you for the cursory review of the book. Hope Oasis Publication would mail it overseas.

    ReplyDelete