Sunday, May 12, 2024
હાસ્યવ્યંગની વિડીયોનાં ચાર વર્ષ
કોરોનાકાળમાં ટ્વિટર પર આવ્યો અને થોડા દિવસમાં હાસ્યવ્યંગની વિડીયો બનાવવાનું શરૂ કર્યું. મે, 2020. એ વાતને ચાર વર્ષ પૂરાં થયાં. આ સાથે મુકેલી વિડીયો 326મી છે.
પહેલેથી સ્ક્રીપ્ટ લખતો ન હતો. એટલે આઇડીયા વિચારીને અથવા તેના સાવ ઉપરછલ્લા મુદ્દા નોંધીને કેમેરા ચાલુ કરી દેવાનો. તેની સામે બોલી જવાનું. પછી તેમાંથી ખપજોગું કાઢી લેવાનું. ઘણી વાર સામગ્રી વધારે થઈ હોય. તેને 2:20 મિનીટમાં સમાવવામાં તકલીફ પડે. બે-પાંચ સેકન્ડ એડિટ કરવા માટે ખાસ્સી મહેનત પડે. ફોનના જ સીધાસાદા સોફ્ટવેરમાં કટિંગનું કામ કરવાનું. આશય એટલો કે ઓછામાં ઓછા સમયમાં થવું જોઈએ. તેના કારણે વિડીયોની ટેકનિકલ ગુણવત્તા ચકાચક ન હોય, પણ તેની બહુ પરવા ન હતી. વ્યાવસાયિક ધોરણે કે એવી ગંભીરતાથી કરવું હોય તો ટેકનિકલ બાબતમાં ધ્યાન રાખવું પડે, મારો ઉદ્યમ નીતાંત આપઉલટથી હતો. તેમાં આવતી સામગ્રી મારા હિસાબે ને મારા ધોરણે નબળી ન જવી જોઈએ તે જ મુખ્ય નિસબત.
અનુભવે જોયું કે મોટા ભાગના લોકો સામગ્રી સારી હોય તો ટેકનિકલ મર્યાદાઓ નજરઅંદાજ કરી શકે છે. એટલું જ નહીં, સારી સામગ્રીની તે દિલથી કદર કરી શકે છે. એવું ન કરી શકે તેવા જીવાત્માઓ (ફેસબુક પર એક જણે કહ્યું હતું તેમ) વિડીયોમાં કેટલા કટ આવ્યા, તેની ગણતરી રાખે છે. હકીકતમાં, મહત્તમ 2:20 મિનીટની આખી વિડીયો જોયા પછી તેમાં જેને કટ ગણવા સિવાય બીજું કશું કહેવાનું ન હોય, તેમને આશ્વાસન અને શુભેચ્છા સિવાય બીજું કંઈ જ આપવાનું થતું નથી.
વડાપ્રધાનની આપખુદશાહી, દેશ માટે ખતરનાક એવો તેમનો સ્વ-મોહ, ભપકાબાજી, હળહળતાં જૂઠાણાં જેવી બાબતો હાસ્યવ્યંગ વિડીયોના માધ્યમથી, ઘણુંખરું ઉગ્ર બન્યા વિના પણ, આ વિડીયો દ્વારા મુકી શકાઈ તેનો મને સંતોષ છે. એવું કરતી, જે લાગે છે તે કહેવું જોઈએ અને વ્યંગ આવડે છે તો તે ભાષામાં પણ કહેવું જોઈએ, એવી પ્રતીતિથી વિશેષ કોઈ ભાવ અનુભવ્યો નથી—બહાદુરીનો કે સાહસનો તો બિલકુલ નહીં. તેનાથી પરિવર્તન આવી જશે, એવો ભ્રમ પણ કદી સેવ્યો નથી. અમુક સમય અને સંજોગોમાં, જે કહેવા જેવું હોય તે કહેવાની જરૂર હોય છે. તેને ફરજના અર્થમાં ધર્મ તરીકે સ્વીકારીને, લેખનની જેમ વિડીયોના માધ્યમથી પણ તે કરી શકાયું, તેનો હંમેશાં આનંદ રહ્યો છે.
કેવળ નિજાનંદ માટે અને આગળ જણાવ્યું એ રીતે, ધર્મપૂર્વક શરૂ કરેલી આ હિંદી વિડીયોથી ટ્વિટર પર કલ્પનાતીત પ્રેમાદર મળ્યો છે. ગુજરાતી પત્રકારત્વ-લેખનમાં મારા કામથી સાવ અજાણ હોય એવા રાષ્ટ્રીય સ્તરના ઘણા આદરણીય-પ્રિય લોકો ટ્વિટર થકી સીધાં સંપર્કમાં આવ્યાં છે. તે બોનસ છે. ફેસબુક પર પણ આ વિડીયોને સાંભળી-જોઈને કદર કરનારા સૌનો આભાર.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment