Thursday, November 11, 2010
દિવાળી પછી નાસ્તાની ડબ્બા પરિષદ
દિવાળીની વિદાય પછી નવરા પડેલા નાસ્તાના ડબ્બા ભેગા થઇને ટોળટપ્પાં મારતા હોય અને એ સાંભળતાં આવડી જાય તો?
***
(થોડા ખખડાટ-પછડાટ, ‘ઠણિંગ ઠીંગ ઠણણણ’ અવાજો પછી શાંતિ સ્થપાતાં મોટો દેખાતો મઠિયાંનો ડબ્બો વાત શરૂ કરે છે.)
મઠિયાંનો ડબ્બોઃ મિત્રો...
નજીક પડેલા બે ડબ્બા (અંદરોઅંદર) : મુખ્ય મંત્રીનું જોઇને ગુજરાતના બધા ડબ્બા ‘મિત્રો..મિત્રો...’ કરતા થઇ ગયા છે.
મઠિયાંનો ડબ્બોઃ મિત્રો...સૌને નવા વર્ષની શુભેચ્છા
બધા ડબ્બા પોતપોતાના રણકાદાર, બોદા, ઠાલા, અધભરેલા, નક્કર અવાજો કાઢીને સામે વળતી શુભેચ્છા પાઠવે છે.
મઠિયાંનો ડબ્બોઃ હવે આપણા દહાડા ભરાઇ ચૂક્યા છે. લાભપાંચમ તો ગઇ. ટૂંક સમયમાં આપણને બધાને ચૂંટણી હારેલા નેતાની જેમ કે જેલમાં ગયેલા મંત્રીની જેમ સાફ કરી નાખવામાં આવશે અને અભરાઇ પર ચડાવી દેવાશે. તો મને થયું કે એ પહેલાં આપણે સૌ મળીને એકબીજા સાથે દિલની વાત કરીએ.
ચોળાફળીનો ડબ્બોઃ સારો આઇડીયા છે. કોનો ચોર્યો? આઇ મીન, કોણે આપ્યો?
મઠિયાંનો ડબ્બોઃ એય, તારી જીભ પણ ચોળાફળી જોડે રહીને લાંબી થઇ ગઇ છે. જરા સભ્યતા શીખ. ચોળાફળી તો આજ છે ને કાલ નથી. આપણે ડબ્બાઓએ સદાકાળ સાથે રહેવાનું છે. રાજકીય પક્ષો જોડેથી કંઇક તો શીખ!
સેવનો ડબ્બોઃ આપણે એનજીઓવાળાની જેમ આવી ફાલતુ બાબતોમાં અંદરોઅંદર ઝઘડવાના હોઇએ તો ભેગા થવાનો કશો અર્થ નથી.
બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ યુ આર રાઇટ. અને તમને લોકોને નવો રૂલ્સ ખબર છે?
ઘરે બનાવેલી મીઠાઇનો ડબ્બોઃ રૂલ્સ નહીં, રૂલ. એક હોય તેને રૂલ કહેવાય.
બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ ઓહ, શટ અપ. તારૂં ગ્રામર તારી જોડે રાખ. આજકાલ સાચું અંગ્રેજી તારા જેવા ગામડિયા જ બોલે છે. યુથના ટ્રેન્ડ્ઝની તને શી ખબર પડે!
મઠિયાંનો ડબ્બોઃ તું પેલા રૂલ્સની શું વાત કરતો હતો?
બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ હું એ જ કહેતો હતો, પણ આ લોકો..જોયું? ગ્રામરની ફાલતુ વાત કેવી વચ્ચે ધુસાડી દીધી ને મુખ્ય વાત ભૂલાવી દીધી. મને ખબર છે...આ લોકોથી આપણી સફળતા ને આપણો વિકાસ જોવાતો નથી એટલે...
ચોળાફળીનો ડબ્બોઃ તું યાર બહુ ભાવ ખાય છે. મૂળ વાત કર ને!
બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ ઓકે, ઓકે. અત્યારે રૂલ્સ એવો ચાલે છે કે ખેડે તેની જમીન, અટકાવે તેની ફાઇલ, વાપરે તેનું હથિયાર અને બોલે તેનો આઇડીયા. આખ્ખેઆખ્ખી સરકાર આવી રીતે ચાલે છે, તો આપણને એ રીતે વાત ચલાવવામાં શું વાંધો છે?
મઠિયાંનો ડબ્બોઃ હં...મને હતું જ કે આટલો મોટો મંડપ બાંઘ્યા પછી તું કંઇક ફાલતુ વાત કરીને જ ઉભો રહીશ. એક કામ કર...છાપામાં કોલમ ચાલુ કરવી છે?
(આ ઓફર છે કે અપમાન, એ નક્કી કરવામાં બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બો ગૂંચવાય છે. બાકીના ડબ્બા ખખડાટ સાથે હસી પડે છે.)
તળેલા ચેવડાની બરણીઃ ચાલો, હું તમને મારા દિલની વાત કહું. મારામાં જે ચેવડો ભરેલો તેમાં એટલું તેલ હતું કે મને લાગ્યું, દિવાળી પછી મારે એન્જીયોગ્રાફી કરાવવી પડશે. એ ચિંતામાં ને ચિંતામાં એક-બે વાર તો હું કોઇના હાથમાંથી પડતાં પડતાં બચી ગઇ. હાર્ટની બિમારીમાં થાય છે તેમ, મારી માલિકણને છેક સુધી ખબર જ ન પડી. છેલ્લે તળીયું આવ્યું અને તળીયે મૂકેલું કાગળ ચીકટથી લથપથ જોયું ત્યારે તેમને સમજાયું કે એ ચીકટ ન કહેવાય, પણ હાર્ટના પ્રોબ્લેમને કારણે મને- બરણીને- વળેલો પરસેવો કહેવાય.
મુખવાસની ટ્રેઃ ટૂંકમાં, આ દિવાળીએ તું ‘જાર’માંથી ‘આજાર’ થઇ ગઇ.
બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ અમારે તો બધા હેલ્થમાં બહુ માને. બધા પ્યોર ઘીની મીઠાઇ જ ખાય અને ઘી વગરની!
ચોળાફળીનો ડબ્બોઃ એટલે? હું સમજ્યો નહીં.
બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ તને નહીં સમજાય. આ બધી લેટેસ્ટ ટ્રેન્ડની વાતો છેઃ ચોખ્ખામાં ચોખ્ખું ઘી વાપરતા હોય એવા મીઠાઇવાળાને ત્યાંથી મીઠાઇ લેવાની, પણ મીઠાઇ ઘી વગરની કે સાવ ઓછા ઘીની હોવી જોઇએ.
મઠિયાંનો ડબ્બોઃ વધારે રૂપિયા ખર્ચીને ઓછા ઘીની મીઠાઇ લેવાની. એ તો મૂર્ખામી કહેવાય. ‘ટ્રેન્ડ’નું ગુજરાતી ‘મૂર્ખામી’ થાય છે?
બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ કમ ઓન! ઘી વગરની મીઠાઇ ઘીવાળી મીઠાઇ કરતાં વધારે મોંઘી ને વધારે હાઇફાઇ કહેવાય. એટલે એ મીઠાઇના ડબ્બા અને તેના ખરીદનાર પ્રત્યે લોકો માનથી જુએ કે વાહ! આ લોકો કેટલા હેલ્થ કોન્શ્યસ છે. ડાયેટ મીઠાઇ ખાય છે.
મુખવાસની ટ્રેઃ ડાયેટ મીઠાઇ! હા! હા! હા! સાંભળવામાં ‘ઇમાનદાર નેતા’ જેવું લાગે છે.
મઠિયાંનો ડબ્બોઃ અલ્યા, તું કોને ઊઠાં ભણાવે છે. ડાયેટ મીઠાઇવાળાને તબિયતની એટલી પરવા હોય તો દૂધમાં રોટલો ચોળીને ખાય ને! મોંઘા ભાવની મીઠાઇઓ પર શું કામ તૂટી પડે છે!
બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ એ તમને નહીં સમજાય. જનરેશન ગેપ.
મુખવાસની ટ્રેઃ જનરેશન ગેપ કે ભેજું ગેપ?
ખારી પુરીનો ડબ્બોઃ મારામાંથી ખારીને બદલે ખોરી વાસ આવવા માંડે તે પહેલાં હું તમને બધાને કંઇક કહેવા માગું છું.
મુખવાસની ટ્રેઃ સત્ય હંમેશાં ખોરૂં હોય છે. કારણ કે સદીઓ જૂનું છે.
મઠિયાંનો ડબ્બોઃ એય મુખવાસ, તારો બકવાસ બહુ વધી ગયો છે.
મુખવાસની ટ્રેઃ હા, કારણ કે આ દુનિયાથી મારે કશું છુપાવવાનું નથી. મારામાં ભરેલો મુખવાસ ક્યારનો ખલાસ થઇ ચૂક્યો છે.
ચોળાફળીનો ડબ્બો : ભાઇ ખારી પુરીના ડબ્બા, તું આનો બકવાસ કાને ધર્યા વિના તારે જે કહેવું હોય તે કહે. અમે તારી આખરી ઇચ્છા ગણીને તે સાંભળીશું અને બનશે તો અમલ કરીશું.
ખારી પુરીનો ડબ્બોઃ હિંદીમાં ‘પુષ્પકી અભિલાષા’ એવી એક કવિતા છે. એમાં એક ફૂલ બાકી બધો વૈભવ અને સાહ્યબી ઠુકરાવીને એવી ઇચ્છા વ્યક્ત કરે છે કે જ્યાંથી માતૃભૂમિ પર શહીદ થનારા વીરો જવાના હોય એ રસ્તા પર મને ફેંકજો.
બ્રાન્ડેડ મીઠાઇનો ડબ્બોઃ જૂનવાણી લોકોનો આ જ પ્રોબ્લેમ છે. ટાઇમ જોયા વિના ગમે ત્યારે લેક્ચર આપવા બેસી જાય.
મઠિયાંનો ડબ્બોઃ એય નવવાણી. ઓછી સ્ટાઇલ માર અને એટલું યાદ રાખજે કે તને તો કોઇ જૂનવાણી થતાં સુધી કોઇ સંઘરતું પણ નથી. ટૂંક સમયમાં તારૂં સ્થાન કચરાટોપલીમાં હશે અને અમે બધા ધોવાઇને નવા અવતાર માટે કબાટમાં ગોઠવાઇ જઇશું.
ખારી પુરીનો ડબ્બોઃ મારી બાકી બચેલી ખારી પુરીઓ મહેમાનોની ડીશમાં પીરસાય એવી મને લાલચ નથી. મારી છેલ્લી ઇચ્છા એવી છે કે એ પુરીઓ ખોરી થઇ જાય ત્યાર પહેલાં તેના ટુકડા કરીને ભેળમાં નાખી દેવી. છેલ્લે છેલ્લે પણ આપણે ખપમાં લાગીએ તો એનાથી ઉત્તમ શું?
બાકીના ડબ્બા (એક અવાજે) : વાહ. અમે પણ તારી ઇચ્છામાં સામેલ છીએ.
મુખવાસની ટ્રેઃ ફક્ત એક જ શરતે...એ ભેળ મહેમાનોના માથે નહીં મારવાની.
Subscribe to:
Post Comments (Atom)
saras!
ReplyDeleteAshok Bhargava