દેશની સંસ્કૃતિ અને પરંપરા ફરી એક વાર જોખમમાં છે. સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયાધીશોએ કહ્યું કે ‘લગ્નબંધન વગરનું સહજીવન (લિવ-ઇન રિલેશનશીપ) ગેરકાનૂની નથી.’ એ સાથે કાગારોળ શરૂ થઇ છે. સર્વોચ્ચ અદાલતે જાણે લગ્નસંસ્થાને રદબાતલ ઠરાવીને લિવ-ઇન સંબંધોને ફરજિયાત બનાવ્યા હોય, એવો માહોલ ઉભો થયો છે. આટલું ઓછું હોય તેમ, સર્વોચ્ચ અદાલતની બેન્ચે લિવ-ઇન સંબંધોના ઉદાહરણ તરીકે (ખોટી રીતે) રાધા-કૃષ્ણનો પૌરાણિક દાખલો ટાંકતાં, રાબેતા મુજબ ધાર્મિક લાગણીઓ પણ દુભાઇ છે.
સર્વોચ્ચ અદાલત જેવી સંસ્થા લિવ-ઇનના મુદ્દે ફક્ત કાનૂન અને બંધારણને વળગી રહી હોત તો એ પૂરતું હતું. સાંસ્કૃતિક પરંપરાનાં ઉદાહરણોમાં પૌરાણિક દેવીદેવતાઓ સુધી જવાથી, આખો વિવાદ ગૂંચવવા અને વકરાવવા ઇચ્છતા લોકોને દોડવું હતું ને ઢાળ મળ્યો. લિવ-ઇન સંબંધો સંપૂર્ણપણે કાનૂની ઠરવાને કારણે જેમના પેટમાં તેલ રેડાયું હતું, એવા લોકોએ રાધા-કૃષ્ણના મુદ્દે ધોકાબાજી કરીને, લિવ-ઇન સામેની ખીજ પણ કાઢી લીધી.
‘સંસ્કૃતિ ખતરેમેં’ અને ‘લગ્નસંસ્થા ખતરેમેં’ જેવી ભયાનક કલ્પનાઓ બાજુ પર રાખીને, અદાલતે ખરેખર શું કહ્યું ને કયા સંદર્ભમાં કયું, એ યાદ રાખવા જેવું છે. અડધા ગૂંચવાડા ત્યાં જ ઓછા થઇ જશે.
દક્ષિણ ભારતીય અભિનેત્રી ખુશ્બુએ પાંચ વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યુમાં લગ્ન પહેલાં જાતીય સંબંધોની તરફેણ કરી હતી. ખુશ્બુના અંગત અભિપ્રાય સાથે સંમત થવું જરૂરી નથી, પણ અભિપ્રાય આપવાનો તેનો અધિકાર છે એ માનવું પડે. મુલાકાત પ્રગટ થતાં સંસ્કૃતિના કેટલાક રખેવાળોએ ખુશ્બુ સામે ૨૨ ફોજદારી કેસ ફટકારી દીધા. બે વર્ષ પહેલાં મદ્રાસ હાઇ કોર્ટે ખુશ્બુ સામેના કેસ પાછા ખેંચવાની ના પાડી દેતાં, તકરાર સર્વોચ્ચ અદાલતમાં પહોંચી.
સર્વોચ્ચ અદાલતે ખુશ્બુના અભિપ્રાય આપવાના અધિકારને જ નહીં, પુખ્ત વયના સ્ત્રી-પુરૂષના લગ્ન સિવાય સાથે રહેવાના -જાતીય સંબંધ રાખવાના અધિકારને પણ માન્ય રાખ્યો. એટલું જ નહીં, એ અધિકારને ‘રાઇટ ટુ લાઇફ’ - જીવવાના મૂળભૂત અધિકારનો હિસ્સો ગણાવ્યો. તેમણે ફરિયાદી પક્ષના વકીલને સાફ શબ્દોમાં પૂછ્યું હતું કે ‘પુખ્ત વયનાં સ્ત્રી-પુરૂષ લગ્ન કર્યા વિના સાથે રહે, તે કાયદાની કઇ કલમ હેઠળ ગુનો બને છે, એ તો કહો!’ અનૈતિકતા જેવી સાપેક્ષ બાબતોને ગુનો ગણી શકાય નહીં, એવું પણ ન્યાયાધીશોએ કહ્યું.
નવાઇ ખરેખર એ વાતની લાગવી જોઇએ કે આટલી પ્રાથમિક બાબતમાં ન્યાય મેળવવા માટે ખુશ્બુને છેક સર્વોચ્ચ અદાલત સુધી જવું પડ્યું! ન્યાય પ્રક્રિયાની આંટીધૂંટી પ્રમાણે, હજુ આ કેસનો ચૂકાદો બાકી છે. પણ ત્યાર પહેલાં મુખ્ય ન્યાયાધીશ સહિત ત્રણ ન્યાયાધીશોની બેન્ચે રજૂ કરેલાં નિરીક્ષણોથી ફેંસલો કલ્પી શકાય છે.
લિવ-ઇન અને લગ્નસંસ્થાઃ ફાયદા-નુકસાનની પટાબાજી
અગાઉ મૈત્રીકરાર તરીકે ઓળખાતા લગ્નમુક્ત સહજીવન- લિવ-ઇન રિલેશનશીપ વિશે સામસામા છેડાના અભિપ્રાયો પ્રચલિત છે.
પરંપરાગત ખ્યાલ એવો છે કે લિવ-ઇનને માન્યતા આપવાથી સમાજમાં લગ્ન વગરનાં દંપતિઓની સંખ્યા વધી જશે. આ દંપતિ લગ્નબંધનથી જોડાયેલાં ન હોવાને કારણે, થોડાં વર્ષોમાં એકબીજાથી કંટાળેલાં બન્ને પાત્રો પોતપોતાના રસ્તે પડશે. આ રીતે એકલાં પાત્રોની સંખ્યા સમાજમાં વધી જશે. લિવ-ઇનને માન્યતા મળતાં, કહેવાતા અનૈતિક સંબંધોની બોલબાલા વધશે અને સમાજમાં અંધાઘૂંધી ફેલાશે એવી બીક પણ વ્યક્ત કરવામાં આવે છે.
બીજા છેડાનો ખ્યાલ એવો છે કે સ્ત્રી-પુરૂષ સાથે રહે ને સહજીવન માણે. એમાં લગ્ન જેવી બંધનકર્તા ઔપચારિકતા શા માટે હોવી જોઇએ? પુખ્ત વયનાં સ્ત્રી-પુરૂષ મિંયા-બીબી બન્યા વિના રાજી રાજી રહી શકતા હોય તો કાજીની શી જરૂર?
મઝાનો વિરોધાભાસ એ છે કે બન્ને છેડાના તરફદારો દાવો સ્ત્રીહિતનો કરે છે- અને તેમના દાવાનું ખરૂં બળ પોતાની પસંદગીની વ્યવસ્થાની સારપમાં નહીં, સામેની વ્યવસ્થાના દોષોમાં છે.
લગ્નસંસ્થાના તરફીઓ કહે છે કે લિવ-ઇન સંબંધોમાં સ્ત્રીની કોઇ સલામતી નથી. ઠેકાણા વગરની પુરૂષજાત ગમે ત્યારે સ્ત્રીને તરછોડી દે, તો સ્ત્રી ક્યાં જાય? હજુ આપણા સમાજમાં મોટા ભાગની સ્ત્રીઓ આર્થિક-માનસિક રીતે એટલી આઝાદ- પગભર થઇ નથી કે તે વૃદ્ધાવસ્થા સુધી એકલી, ખુમારીપૂર્વક જીવન વીતાવી શકે. ઉપરાંત, આ પ્રકારના સંબંધથી થતાં સંતાનોને કાનૂની વારસદાર તરીકે સાબીત કરવામાં મુશ્કેલી પડી શકે છે અને સામાજિક સંબંધોમાં ગૂંચવાડા પેદા થાય તે અલગ.
લિવ-ઇનની તરફેણ કરનારા (યોગ્ય રીતે જ) માને છે કે લગ્નસંસ્થામાં સલામતીના આભાસ તળે સ્ત્રીનું ભરપૂર શોષણ થાય છે. પોતાનું ઘર છોડીને સાસરે આવવાથી માંડીને, ફક્ત પતિ સાથે જ નહીં, પણ તેના આખા પરિવાર સાથે અનુકૂળતા સાધવામાં સ્ત્રીને પોતાનું વ્યક્તિત્વ ખીલવવાની તક ભાગ્યે જ મળે છે. નવા જમાનામાં નોકરી કરતી વહુ સામે વાંધો ન હોય એવાં પરિવારોને પણ એવી જ વહુ ગમે છે, જે સવારે નોકરીએ જતાં પહેલાં કામકાજ પરવારીને જાય અને રાત્રે નોકરીએથી આવ્યા પછી પણ સીધી રસોડામાં ધૂસી જાય. આટલી મોટી કિંમત ચૂકવીને મળતી સલામતી શા કામની?
અંતિમોની વચ્ચેથી નીકળતી વાસ્તવની કેડી
બન્ને પક્ષની દલીલોમાં સચ્ચાઇનો અંશ હોવા છતાં, તેમાં આખું ચિત્ર દેખાતું નથી. શરૂઆત સર્વોચ્ચ અદાલતનાં નિરીક્ષણોથી કરીએ તો, ‘લિવ-ઇન સંબંધો ગેરકાયદેસર નથી’ એમ કહેવામાં સર્વોચ્ચ અદાલતે માત્ર અગાઉના અદાલતી વલણની પુનરોક્તિ જ કરી છે. કોઇ નવી કે ક્રાંતિકારી વાત કહી નથી, જેની સમાજ પર દૂરોગામી અસરો પડે.
અદાલતોમાં વાત ફક્ત લિવ-ઇન સંબંધોને માન્યતા મળવા પૂરતી સીમીત રહી નથી. લાંબા સમય સુધી લગ્ન વિના સાથે રહ્યા પછી સ્ત્રી-પુરૂષ અલગ પડે, ત્યારે સ્ત્રીને (પત્નીની જેમ) ભરણપોષણ આપવાના હુકમ પણ અદાલતે કરેલા છે. આમ, લાંબો સમય રહ્યા પછી પ્રકૃતિગત કે બીજાં કારણોસર પુરૂષ સ્ત્રીને તરછોડીને હાથ ખંખેરીને ઉભો થઇ જાય, તો સ્ત્રી અદાલતમાં ન્યાય મેળવી શકે છે. (પુરૂષપ્રધાન સમાજ હોવાને કારણે સ્ત્રી પુરૂષને તરછોડે તો પુરૂષનું શું થશે, એવી ચિંતા સામાન્ય રીતે થતી નથી.)
રૂઢિચુસ્તો એવી અપેક્ષા રાખે છે કે સ્ત્રી-પુરૂષ પરણ્યા પછી કોઇ કાળે છૂટાં ન પડે, એમાં જ તેમના લગ્નજીવનનું અને ભારતની સંસ્કૃતિનું સાર્થક્ય છે. લગ્નવ્યવસ્થામાં રહેલાં મસમોટાં ગાબડાં અને ભારોભાર જુગારના તત્ત્વને પરંપરાપ્રેમીઓ સંસ્કૃતિના રેશમી ગાલીચા તળે ઢાંકી દે છે. સમાજની શરમે, ફક્ત કહેવા ખાતર કે થોડી મિનીટો પૂરતું દાંપત્યજીવન ગાળતાં સેંકડો કજોડાંની આંતરિક કરૂણ કથાઓ સંસ્કૃતિની વાહવાહ સાથે કદી ચર્ચાતી નથી. લગ્ન એકમેવ વ્યવસ્થા હોવાને કારણે, પડ્યું પાનું નિભાવી લેવામાં જ સઘળી સંસ્કૃતિ સમાઇ જાય છે. પત્ની કે પુત્રવઘુને ઉતરતો દરજ્જો આપતા લોકોનું પ્રમાણ બહુ મોટું છે. છતાં, લગ્નસંસ્થાની તરફેણ કરવાની આવે ત્યારે એ લોકો સ્ત્રીઓનો મુદ્દો આગળ ધરીને, લગ્નસંસ્થાને શ્રેષ્ઠ ઠરાવે છે.
લિવ-ઇનમાં પડ્યું પાનું નિભાવવાનું બંધન નથી. તેમાં ઘણી વધારે મોકળાશ છે. સાથોસાથ જવાબદારી પણ વધારે છે. એકબીજાની મર્યાદાઓ સ્વીકારવાનું લગ્નસંસ્થામાં ફરજિયાત છે. તેને કારણે એ અનિષ્ટ લાગે છે. પણ મજબૂરીને બદલે મરજીથી, એકબીજાની મર્યાદાઓ સ્વીકાર્યા વિના કોઇ પ્રકારનું સહજીવન શક્ય બનતું નથી.
લિવ-ઇનમાં બન્નેનાં સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર પાયાની બાબત છે. પણ સ્વતંત્રતાનો અર્થ અલગાવ નથી થતો. બન્ને પાત્રોની વ્યક્તિગત સ્વતંત્રતાના સીમાડા ટકરાવાને બદલે ઓગળે ને એકરૂપ થાય, તો જ સહઅસ્તિત્ત્વ ટકે. બાકી, સાદું લગ્ન હોય, પ્રેમલગ્ન હોય કે લિવ-ઇન, એક વાર સાથે રહેવાનું ચાલુ કર્યા પછી - અને પ્રેમલગ્ન કે લિવ-ઇનના કિસ્સામાં પરાક્રમનો થોડોઘણો ભાવ ઓસરી ગયા પછી- કોઇ ફરક રહેતો નથી. પ્રેમમાં પડ્યા પછી સીધાંસાદાં લગ્ન કરીને લિવ-ઇન જેવી વ્યક્તિગત મોકળાશથી રહેતાં દંપતિ પણ (અપવાદરૂપે) જોયાં છે ને વ્યક્તિગત સ્વતંત્રતાના ભાર તળે કચડાઇને સહઅસ્તિત્ત્વ માટે નકામાં બની જતાં વ્યક્તિત્વો પણ જોવા મળે છે. સામાજિક બાબતોમાં કોઇ એક નિયમ બધાને લાગુ પાડી શકાતો નથી. છેવટનો આધાર વ્યક્તિની પ્રકૃતિથી માંડીને સંજોગો સુધીનાં અનેક પરિબળો પર રહે છે.
જલસા નહીં, જવાબદારી
લિવ-ઇન પ્રથાને લફરાંબાજીના લાયસન્સ તરીકે ગણનારા લોકો પણ છે. આ ગ્રંથિ ધૂંટતી વખતે એટલું યાદ રાખવું પડે કે પરણેલાં પાત્રોને લિવ-ઇન સંબંધ બાંધવાની છૂટ નથી. બન્ને પાત્રો કુંવારાં હોય અને બન્ને ‘આઝાદ’ રહેવાં ઇચ્છતાં હોય, તો એ તેમની મરજીની બાબત છે. પણ સામાન્ય સંજોગોમાં આવાં પાત્રોનો સંગાથ લાંબું ટકતો નથી ને સરખા સહજીવનમાં ફેરવાતો નથી. એકલાં કે વિખૂટાં પડેલાં પાત્રોને ‘સમસ્યા’ તરીકે જોવાની દૃષ્ટિને કારણે પણ સમાજમાં અવ્યવસ્થા સર્જાવાની બીક લાગે છે. પરંતુ એકલપંડે પોતાની રીતે જીવન જીવવું એ વ્યક્તિગત પસંદગીનો પ્રશ્ન છે. તેની સાથે કલંક કે મહાનતા- બન્નેમાંથી કોઇ ભાવ જોડવાની જરૂર નથી હોતી.
ફક્ત ભારતમાં જ નહીં, પરદેશમાં પણ વાસ્તવિકતા એ છે કે પ્રૌઢ વયે બે પાત્રો છૂટાં પડે ત્યારે સ્ત્રી અને પુરૂષ માટે ‘સમાન તકો’ હોતી નથી. પુરૂષપ્રધાન સમાજમાં પુરૂષને દેખીતા ફાયદા મળે છે, જ્યારે સ્ત્રી માટે પસંદગીની તકો મર્યાદિત થઇ જાય છે. એ સંજોગોમાં આર્થિક રીતે પગભર હોવા છતાં, એકલી રહી ન શકતી સ્ત્રીઓની દશા કફોડી થઇ શકે છે.
અદાલતે લિવ-ઇન સંબંધ ગેરકાયદે નહીં હોવાનો પુનરૂચ્ચાર કર્યો છે. કોઇ પણ સંબંધથી જન્મેલું બાળક કદી ગેરકાયદે હોતું નથી, એવું પણ અદાલતો અગાઉ કહી ચૂકી છે. તેમ છતાં, લિવ-ઇન સંબંધ અંતર્ગત રહેતા દંપતિમાંથી પુરૂષનું મૃત્યુ થાય તો પત્ની જેટલી સહજતાથી તેની જોડીદાર મિલકતની વારસદાર બની શકતી નથી. આ પ્રકારની કાનૂની ગૂંચો દૂર કરીને, લિવ-ઇન પ્રથા સ્વીકારનારાં પાત્રોના દંપતિ તરીકેના હક કુદરતી રીતે (કોર્ટમાં ગયા વિના મળે એ રીતે) સ્થાપિત કરવામાં આવે તો...
...કમ સે કમ, લિવ-ઇન સંબંધો સાથે સંકળાયેલા ગ્લેમર અને પરાક્રમની ચમકદમક ઓસરી જાય અને તેમાં રહેલું જવાબદારીનું તત્ત્વ વધારે ઉજાગર થાય.