સવાલ ખરૂં જોતાં બોલનારના વિવેકનો કે તેમની સમજણનો છે. કામ કરવાની વૃત્તિ માટે ‘કામચોરી’ જેવો હીન, અપમાનજનક, તુચ્છકારસૂચક શબ્દ વાપરી શકાય?
કામ નહીં કરનારને ‘કામચોર’ કહી દેવામાં કશી બુદ્ધિ દોડાવવાની નથી કે કોઇ જાતનો વિચાર કરવાનો નથી. સવાલ એ છે કે ફક્ત કામ ન કરવાના કારણે કોઇને ‘કામચોર’ કહીને ઉતારી પાડવામાં કેટલું ઔચિત્ય છે? જરા વધારે તીખાશથી પૂછીએ તો, એમાં આપણી સાંસ્કૃતિક પરંપરા અને આઘ્યાત્મિક સમૃદ્ધિની હળાહળ ઉપેક્ષા નથી?
કહેનારા કહેશે કે ભારતવર્ષે વિશ્વને ‘કર્મનો સિદ્ધાંત આપ્યો.’ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્.. એ શ્વ્લોકથી બી.આર. ચોપરાનું મહાભારત જોઇ ચૂકેલા સૌ ભારતવાસીઓ પરિચિત છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે એ શ્વ્લોક અસલમાં ‘અકર્મણ્યેવાધિકારસ્તે, મા ફલેષુ કદાચન’ એ સ્વરૂપે હતો. પહેલી વાર એ પ્રગટ થયો ત્યારે ‘અકર્મણ્યે..’માંથી ‘અ’ ઉડી ગયો. શ્વ્લોક પ્રચલિત કરનાર પોતે અકર્મમાં માનનાર હશે. એટલે તેમણે ‘ઠીક છે. શું ફેર પડે છે? સમજનારા ગમે તે લખીએ તો પણ સમજી જશે અને નહીં સમજનારા ગમે તેટલી સ્પષ્ટતાથી લખીએ તો પણ નહીં સમજે.’ એમ માનીને - અને ખાસ તો એક વાર બેઠા પછી ઊભું કોણ થાય એમ વિચારીને- સુધારો કરવાની તસ્દી લીધી નહીં હોય. એ રીતે શ્વ્લોક વર્તમાન સ્વરૂપે પ્રચલિત બન્યો હશે. આ અટકળ છે, પણ તેને તર્કશાસ્ત્રની એરણ પર ચકાસતાં તે સાચી હોવાનો પૂરો સંભવ છે.
કર્મણ્યેવાધિકારસ્તે... એ શ્વ્લોકનો અર્થ તો બહુ જાણીતો છેઃ ‘ફળની આશા વિના કર્મ કરો.’ પરંતુ ‘અકર્મણ્યેવાધિકારસ્તે..’નો અર્થ એટલો સીધોસાદો નહીં. હકીકતે, તેનું અટપટાપણું જ તેના આઘ્યાત્મિક ઉંડાણના પુરાવારૂપ છે. શ્વ્લોક કહે છે કે ‘હે વત્સ, ફળની આશા રાખ્યા વિના અકર્મ કર.’ અકર્મ જેવો શબ્દ કેટલાકને મૂંઝવી શકે. ‘અકર્મીનો પડિયો કાણો’ એવી કહેવતથી ગેરરસ્તે દોરાવાનો પણ સંભવ ખરો. છતાં આઘ્યાત્મિક સત્ય એમ રેઢું પડ્યું નથી. ત્યાં સુધી પહોંચવા માટે ભ્રમના કંઇક કોઠા વીંધવા પડે.
‘અકર્મ’ એ કર્મનો વિરોધી શબ્દ છે, એ તો સ્પષ્ટ છે. સૃષ્ટિમાં યુગ્મનો મહિમા છે. સ્ત્રી અને પુરૂષ, સૂર્ય અને ચંદ્ર, આગ અને પાણી...એ જ રીતે કર્મ અને અકર્મ એકબીજાનાં વિરોધી નહીં, પણ એકમેકનાં પૂરક છે. તેમાંથી કોઇ એકની પસંદગી કરવાનું શક્ય નથી. સૃષ્ટિનું સંતુલન ટકાવી રાખવા માટે બન્ને જરૂરી છે. એ ન્યાયે અકર્મનું મહત્ત્વ પણ કર્મથી ઓછું કે ઉતરતું નથી. જેમ સ્ત્રી અને પુરૂષમાંથી કોણ ચડિયાતું એવો પ્રશ્ન અસ્થાને છે અને છતાં પુરૂષ પરંપરાથી (અયોગ્ય રીતે) ચડિયાતાપણું ભોગવે છે, એ જ રીતે કર્મી અને અકર્મીમાંથી કોઇ ચડિયાતું નથી. છતાં કર્મીઓ (અયોગ્ય રીતે) પોતાને ઉંચા ગણે છે.
સામાન્ય સંસારીઓને એવો સવાલ થઇ શકે કે ‘અકર્મ કરવું એટલે શું?’ અથવા ‘કર્મ કરી શકાય, પણ અકર્મ કેવી રીતે કરવું?’ નોકરિયાતો માટે તેનો જવાબ બહુ આસાન છેઃ જાતમાં સહેજ ઉંડા ઉતરતાં સમજાશે કે કંઇ કરવા કરતાં કંઇ ન કરવું એ વધારે અઘરૂં કામ છે. સાહેબો પગાર કરતાં દોઢું કામ લેવા માટે ટાંપીને બેઠા હોય, એ સ્થિતિમાં ધરાર કંઇ કામ ન કરવું, એ એક મહાકાર્ય છે. જેને આવડે એને આવડે. બાકીના પોતાની અણઆવડત અને જેને આવડતું હોય એની આવડત પર જીવ બાળે.
અકર્મનો મહિમા કેવળ સરકારી કર્મચારીઓ પૂરતો મર્યાદિત છે એમ ન માનવું. રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાકવિ પણ ઘણી વાર નિરાંતે બેઠા હોય અને કોઇ પૂછે કે શું કરો છો, ત્યારે કહેતા, ‘કંઇ કામ ન કરવાનું કામ કરૂં છું.’ એટલે શું રવીન્દ્રનાથને પણ ‘કામચોર’ કહી દેવાના? આ જ સમજવાની વાત છેઃ કંઇ કામ ન કરવું એ સૌથી મોટું કામ છે. અકર્મનો મહિમા ભારતની પરંપરામાં અનેક રીતે થયેલો છે. કર્મનાં બંધનોમાં રચ્યાપચ્યા રહેતા સંસારીઓ કરતાં કર્મના બંધનથી મુક્ત સન્યાસીઓનો મહિમા ઉંચો ગણાયો છે. સન્યાસીઓને કોઇ અકર્મી કે કામચોર (કમે સે કમ જાહેરમાં તો) નથી કહેતું. બલ્કે, કર્મ ન કરવું એ જ તેમની લાયકાત હોય એમ લાગે છે.
માણસ કર્મ કરે તો સત્કર્મ કે દુષ્કર્મ જેવા વિભાગનો સવાલ આવે, પણ જો એ કર્મ જ ન કરે તો? તેના સત્કર્મથી થતો સંભવિત ફાયદો કદાચ ન મળે, પણ તેના દુષ્કર્મથી થનારું નુકસાન ટળી જશે- અને વર્તમાન સમયમાં સત્કર્મ કરતાં દુષ્કર્મોનું પ્રમાણ વધી ગયું છે ત્યારે, ‘નહીં ફાયદો, નહીં નુકસાન’ એવો સત્કર્મ કે દુષ્કર્મને બદલે અકર્મનો માર્ગ શ્રેયષ્કર છે એમ વિના સંકોચે કહી શકાય.
મહાભારતમાં દુર્યોધન કહે છે કે ‘ધર્મ શું છે એ હું જાણું છું પણ હું આચરી શકતો નથી અને અધર્મ શું છે તે હું જાણું છું પણ તેમાંથી નિવૃત્ત થઇ શકતો નથી.’ આ મૂંઝવણને અકર્મના સિદ્ધાંતના પ્રકાશમાં વિચારી જોવાથી સમજાશે કે દુર્યોધન કર્મ કરે ત્યારે ધર્મ-અધર્મનો સવાલ આવે છે. પરંતુ જો તે કંઇ કરે જ નહીં, તો કમ સે કમ અધર્મમાંથી નિવૃત્ત થયાનો સંતોષ તો લઇ શકે. અને નૈતિકતાના પેપરમાં દુર્યોધન જેવાના પચાસ ટકા ‘પાસિંગ માર્ક’ નહીં, પણ ‘ડિસ્ટિંક્શન’ જેવા લાગે.
શાસ્ત્રોમાં કર્મના બે પ્રકાર છેઃ સકામ કર્મ અને નિષ્કામ કર્મ. એ જ રીતે અકર્મના પણ બે પ્રકાર પાડી શકાયઃ સકામ - એટલે કે કામ કરતા હોવાનું લાગે છતાં કંઇ કામ ન થાય એ જાતનું અકર્મ અને નિષ્કામ એટલે કોઇ જાતના દેખાવ વગરનું, વિશુદ્ધ અકર્મ. ખાનગી ઓફિસમાં સકામ અકર્મનો મહિમા છે, જ્યારે સરકારી કચેરીઓમાં કેટલાક કર્મચારીઓ બિનધાસ્તપણે નિષ્કામ અકર્મ કરીને ભવસાગરમાં જલસાથી સ્વિમિંગ કરે છે.
વધારે સ્પષ્ટતાથી કહીએ તો, ખાનગી ઓફિસમાં ઘણા માણસો એવા હોય છે, જે ખરેખર શું કરે છે તેની કોઇને ખબર પડતી નથી. છતાં એ લોકો હંમેશાં વ્યસ્ત હોય છે. કામ નહીં કરવા માટે એ લોકો બહુ મહેનત કરે છે અને આખરે કામ નહીં કરવામાં સફળ થઇને જ જંપે છે. તેમને કામ સોંપતાં સૌ કોઇ ખચકાય છે. કારણ કે દરેકને એવું લાગે છે કે તે બહુ વ્યસ્ત છે. તેમની અકર્મણ્યતા એટલા ઉંચા દરજ્જાની હોય છે કે તેમના માટે ‘અકર્મઠ’ જેવો માનવાચક શબ્દ વાપરવાનું મન થાય.
એવા અકર્મઠ લોકોની સરખામણીમાં નિષ્કામ અકર્મીઓ માટે દુનિયા ‘દાંડ’ કે ‘નઘરોળ’ જેવાં વિશેષણો વાપરે છે. કારણ કે ફક્ત કામચોર કહેવાથી તેમના માટેની લાગણી વ્યક્ત કરવામાં ઉણપ લાગે છે. નિષ્કામ અકર્મીઓ ગીતામાં વર્ણવ્યા પ્રમાણેની સ્થિતપ્રજ્ઞ અવસ્થાએ પહોંચેલા હોય છે. ખાસ કરીને, સરકારી નોકરીરૂપી સલામતી મળેલી હોય ત્યારે સ્થિતપ્રજ્ઞતાની ચરમસીમા આવે છે. એ સ્થિતિમાં વિનંતી તેમને ભીંજવી શકતી નથી, ઠપકો તેમને સૂકવી શકતો નથી કે મેમોની ધમકી તેમને બાળી શકતી નથી. એ અકર્મની મસ્તીમાં મસ્ત રહીને આજુબાજુની દુનિયા માટે ઇર્ષ્યાનું પાત્ર બને છે.
ફક્ત ભારતીય જ નહીં, વિદેશી પરંપરા પ્રમાણે પણ અકર્મ માટેની સૂગ વાજબી ઠેરવી શકાય નહીં. વિકલાંગને અંગ્રેજીમાં ‘ડિસએબલ’ નહીં, પણ ‘ડીફરન્ટલી એબલ’ કહેવામાં આવે છે. એ જ રીતે, અકર્મ કરનારને અંગ્રેજીમાં નવરા કે આળસુ નહીં, પણ ‘ડીફરન્ટલી ઓક્યુપાઇડ’ (વિશિષ્ટ રીતે વ્યસ્ત) તરીકે ઓળખી શકાય.
No comments:
Post a Comment