‘સ્મરણમુકુર’ (સ્મરણોનો આયનો) એ શીર્ષકથી ૧૯૨૬માં પ્રકાશિત થયેલું નરસિંહરાવનું આ પુસ્તક અનેક રીતે વિશિષ્ટ છેઃ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અનેક હસ્તીઓનાં અંગત સંસ્પર્શ ધરાવતાં વ્યક્તિચિત્રો તેમાં છે. લખાણનું કેન્દ્ર નરસિંહરાવના સુધારાવાદી પિતા ભોળાનાથ સારાભાઇ છે, પરંતુ એ નિમિત્તે વિશિષ્ટ વ્યક્તિત્વો ઉપરાંત અમદાવાદ-અમદાવાદીઓની પણ લાક્ષણિકતાઓ તેમાં ઝીલાઇ છે. અમદાવાદનાં ૬૦૦ વર્ષની ઉજવણી શરૂ થઇ છે, ત્યારે રત્નમણિરાવનું ‘ગુજરાતનું પાટનગરઃ અમદાવાદ’ અને મગનલાલ વખતચંદનો ‘અમદાવાદનો ઇતિહાસ’ જેવાં અઢળક પ્રમાણમાં ટાંકવામાં આવતાં પુસ્તકોને બાજુ પર રાખીને, નરસિંહરાવના ‘સ્મરણમુકુર’ થકી જૂના અમદાવાદની સફર કરવા જેવી છે.
વઢવાણથી અમદાવાદ આવેલા કવિ દલપતરામની અંગ્રેજ અફસર ફોર્બ્સ ઉર્ફે ફાર્બસ સાથે જોડી હતી. નરસિંહરાવે નોંઘ્યું છે કે અમદાવાદની હાઇસ્કૂલમાં ફક્ત ગુજરાતી કાવ્યો ભણાવવા માટે દલપતરામની શિક્ષક તરીકે નિમણૂંક થઇ હતી. કવિતાશિક્ષકનો હોદ્દો ખાસ દલપતરામને આશ્રય આપવા માટે ઉભો કરવામાં આવ્યો, એવો આરોપ લોકો મૂકતા હતા. પરંતુ હાઇસ્કૂલમાં દલપતરામ પાસે કવિતા ભણેલા નરસિંહરાવે ભારપૂર્વક લખ્યું છે કે ‘હું માનું છું- પૂર્ણ શ્રદ્ધાથી માનું છું - કે એ લોપની સાથે આપણા ગુજરાતના વિદ્યાર્થીવર્ગમાંથી ગુજરાતી ભાષા, સાહિત્ય ઇત્યાદિના અભ્યાસ તરફની રૂચિનો નાશ થયો અને હેનાં માઠાં ફળ આજ સુધી અનુભવમાં જોઇયે છિયે.’ (જોડણી મૂળ લખાણ પ્રમાણે રાખી છે.)
પિતા ભોળાનાથ સારાભાઇ વિશેનાં સંભારણામાંથી જાણવા મળે છે કે નરસિંહરાવના કુટુંબમાં ફારસી ભાષાના અભ્યાસની પરંપરા હતી. ભોળાનાથ ફારસીના જાણકાર હતા ને એમના પિતા સારાભાઇ ફારસીના ઉત્તમ અભ્યાસી હતા. નરસિંહરાવ સ્કૂલમાં સંસ્કૃત ભણતા હતા, પણ તેમના માટે ઘરે ફારસી શીખવવા એક મુનશી આવતા હતા. ‘પિતા પાસેથી સાંભળેલી વાતો’ તરીકે નરસિંહરાવે લખ્યું છે કે ‘અમદાવાદમાં પ્રથમ વર્તમાનપત્ર પ્રગટ થયું (તેનું) ‘અમદાવાદ સમાચાર’ કે એ નામ હતું. બુધવારે પ્રગટ થતું તેથી એ પત્રનું નામ ‘બુધવારિયું’ પડ્યું હતું- એ એટલે સુધી કે તે પછી જે કોઇ વર્તમાનપત્ર પ્રગટ થયાં તે બધાંને માટે...‘બુધવારિયું’ એ સામાન્ય નામનો શબ્દ થઇ ગયો હતો. મ્હારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી, દરેકનાં પોતપોતાનાં‘બુધવારિયાં’ આવ્યાં! એક જ પત્રની પ્રતો. પાણી પીવાની ઓયડીમાં બંને ઉત્સાહભેર જાય છેઃ એક વાંચે છે ને બીજો પોતાની પ્રત તપાસે છે અને ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે. લગારે ભૂલ નથી. ત્હારી ને મ્હારી નકલ બરાબર છે.’ એમ આશ્ચર્ય તથા માનનો ભાવ દર્શાવતા બંને પાછા જાય છે.’
અમદાવાદના શેઠિયાઓની ખાસિયત ગણાતી કંજૂસાઇના નમૂના પણ નરસિંહરાવે નોંઘ્યા છે. ‘એક દિવસ એક શેઠ-કુટુમ્બના જૂના પરિચિત મિત્ર- મળવા આવ્યા. વાતે વાતે પોતાની ગૃહવ્યવસ્થાની એક વાત બોલ્યા,‘ભોળાનાથભાઇ! હું રોજ બે કેળાં લાવું છું. એક હું ખાઊં છું, અડઘું મ્હારી માને આપું છું ને અડઘું વધે છે તે દાળ્યમાં (દાળમાં) નખાવું છું. એટલે છોકરાં ને રાંડો બધાંને મળે.’ આ શેઠ લક્ષાધિપતિ હતા એ કહેવાની જરૂર તો છે જ.’
અમદાવાદના મિલઉદ્યોગના પિતામહ રણછોડલાલ છોટાલાલનું વર્ણન કરતાં નરસિંહરાવ લખે છે, ‘રણછોડભાઇની કંજૂસાઇ હેમના મિત્રવર્ગમાં પ્રખ્યાત હતી. લક્ષાધિપતિ થયા છતાં લાંબા સમય સુધી જૂનું સગરામ, સરતો ઘોડો અને અંદર હાથ ખોસવાની લાંબી આરામપટ્ટીઓમાં બે હાથ ભેરવીને જાત્યનું રક્ષણ કરતા બ્હાવરા જેવા બેઠેલા, સાદાઇ જોડે ઉમદાઇ નહિ પણ મૂજીપણાનો ભાસ આપતાં વસ્ત્રો... તીક્ષ્ણ નયનદ્વારમાંથી બુદ્ધિતેજ ઝરતા રણછોડભાઇ...’
ડ્યુક ઓફ કોનોટના આગમન વખતનો એક પ્રસંગ રણછોડભાઇ વિશેના લેખમાં નોંધાયેલો છેઃ ‘ડ્યુક ઓફ કોનોટ અમદાવાદ આવ્યો તે વખતે હેના ઇસ્તેકબાલ માટે રેલવે સ્ટેશન ઉપર આવેલા મંડળમાં રણછોડભાઇ હતા. હેમનો મેલા જેવો, ઉપટી ગયેલા રંગનો, જૂની કાથિયા બનાતનો કોટ જોઇને તે તરફ આંગળી કરીને કલેક્ટરે કહ્યું,‘રણછોડલાલ! વોટ રેચેડ કોટ યુ હેવ કમ ઇન?’ ગૂંચવાયલા, ગભરાયેલા સ્વરે રણછોડભાઇ બોલ્યા,‘ઇટ ઇઝ નોટ માઇન...ઇટ ઇઝ ચીનુઝ.’ (આ કોટ મારો નથી- મારા પૌત્ર ચીનુનો છે.) રણછોડલાલના પૌત્ર ચીનુ આગળ જતાં બેરોનેટનો ખિતાબ મેળવીને ચીનુભાઇ બેરોનેટ તરીકે ઓળખાયા. ‘
રણછોડભાઇ જૂના જમાનાની અપૂર્ણ ભાસતી, પણ આત્મબળથી પ્રાપ્ત કરેલી ઘરગથ્થુ કેળવણીનો પાક હતા. સંસ્કૃત, ફારસી, અંગ્રેજી (તેમણે) જાતે જ સંપાદન કરેલાં હતાં’ એવું પણ નરસિંહરાવે પ્રશંસાપૂર્વક લખ્યું છે. તેમણે આપેલી વિગત પ્રમાણે ‘મિલઉદ્યોગ શરૂ કરતાં પહેલાં રણછોડભાઇ અંગ્રેજ સરકારની નોકરીમાં પોલિટિકલ ખાતામાં અમલદાર હતા. નોકરીમાં પણ પોતાની શક્તિથી છાપ પાડી. પણ ‘ભાવિ તણા જ પ્રભાવે’ લાંચના આરોપને લીધે નોકરી ખોઇ...મ્હારા પિતા કહેતા કે રણછોડભાઇ એમ દલીલ બતાવતા કે રાજા રજવાડામાં મૂર્ખ અજ્ઞાન રાજાઓ કને ધન પડી રહે, હેનો સદુપયોગ એ કરી પણ ના જાણે. ત્હેના કરતાં આપણી કને એ ધન હોય તો વધારે સારૂં.’ છતાં ‘અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદની અપૂર્વ સેવા રણછોડભાઇની હતી એ નિર્વિવાદ છે...અમદાવાદમાં અગાઉ દર સાલ કોલેરાનો રોગ આવતો જ. સ્વચ્છ પાણી રણછોડભાઇની દૂરદર્શિતાથી આવ્યું ત્ય્હારથી એ રોગ નાબૂદ થયો.’
અમદાવાદની સાથે નોકરીની રૂએ સંકળાયેલા બિનગુજરાતી ભારતીયોમાં સત્યેન્દ્રનાથ ટાગોરનું નામ મહત્ત્વનું ગણાય. નરસિંહરાવ બાળક હતા ત્યારે સત્યેન્દ્રનાથ અમદાવાદના રસ્તા પર પોતાનાં પત્નીને ઉઘાડી ગાડીમાં સાથે લઇને ફરતા અને લોકો આશ્ચર્યચકિત થઇ જતા હતા. એવો એક ઉદગાર નરસિંહરાવે નોંઘ્યો છે,‘પેલા નવા જજસાહેબ તો કોઇક નાટકશાળાને જોડે બેસાડીને ગાડીમાં ફરવા નીકળે છે!’ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં હતા ત્યારે જ તેમના ભાઇ રવીન્દ્રનાથ અમદાવાદ આવ્યા હતા અને શાહીબાગ (હાલ સરદાર સ્મારક છે તે ઇમારતમાં-તેનાથી પ્રેરાઇને) એમની પ્રસિદ્ધ વાર્તા ‘ક્ષુધિત પાષાણ’ લખી. રવીન્દ્રનાથે શાંતિનિકેતનની શરૂઆત કરી ત્યારે અમદાવાદમાં બંધાયેલા કૌટુબિંક સંબંધને આધારે સત્યેન્દ્રનાથે નરસિંહરાવને કહ્યું હતું,‘રવિયે બોલપુરમાં એક ન્હાની સરખી સંસ્થા ઊભી કરી છે તે જોવાને જજો.’
***
એક શહેરનો ઇતિહાસ ફક્ત રાજાઓ-બાદશાહોની તારીખો-તવારીખો કે ઐતિહાસિક ઇમારતો પૂરતો સીમિત હોતો નથી. તેના લોકજીવન અને સંસ્કારજીવનના પ્રવાહો સુધી પહોંચવાથી જ ચિત્ર વઘુ સમૃદ્ધ અને વઘુ વાસ્તવિક બને છે. ‘સ્મરણમુકુર’ જેવા ગ્રંથો એ તક પૂરી પાડે છે.
No comments:
Post a Comment