‘ગાંધીજીની હત્યા કોણે કરેલી?’ શિક્ષકે સવાલ પૂછ્યો.
ક્લાસનો મોનિટર ગભરાતો ગભરાતો ઊભો થયો અને કહે, ‘સાહેબ, મેં કરી ન હતી. મને તો ખબર પણ નથી કે ગાંધીજીની હત્યા થઇ. મને મોનિટર બનાવવામાં આવ્યો છે, એ જ મારી નિર્દોષતાનો પુરાવો છે. એટલે ગાંધીજીની હત્યાનો સવાલ હવે અપ્રસ્તુત બની જાય છે.’
મોટો થઇને આ મોનિટર બાળક ખૂબ ભણ્યો, મોટા હોદ્દે પહોંચ્યો અને અંતે ભારતનો વડાપ્રધાન પણ થયો. એ બાળક એટલે આપણા લોકલાડીલા નહીં, ‘જોક’લાડીલા વડાપ્રધાન મનમોહન સિંઘ
***
ઉપરનો ‘ઇતિહાસ’ કાલ્પનિક હોવા છતાં સચ્ચાઇની એકદમ નજીક નથી લાગતો?
સરકારોની બિનકાર્યક્ષમતા અંગે પ્રજા કાયમ બૂમો પાડતી હોય છે, પણ ડો.સિંઘની સરકારે વિશ્વવિક્રમો સ્થાપવા જેટલી કાર્યક્ષમતા બતાવી છે. એ વિક્રમો કૌભાંડના હોય એટલે તેની મહત્તા ઘટી જતી નથી. સરકાર તેના આગેવાન જેટલી જ નમ્ર છે. એટલે જ, તેણે ગિનેસ બુકમાં એન્ટ્રી માટે દાવો કર્યો નથી.
ડો.સિંઘ, આઘ્યાત્મિક મનોરંજનની ભાષામાં કહીએ તો, ‘કંઇક ભાળી ગયેલો’ જીવ છે. સાચા જ્ઞાનીની વ્યાખ્યા પ્રમાણે, સિંઘ પોતે શું નથી જાણતા એની તેમને- અને હવે તો બીજાને પણ- બરાબર ખબર છે. અસુખ થાય, અગવડ પડે એવી કોઇ પણ વિગતોની જાણકારી તે રાખતા નથી અને પોતે નથી જાણતા એ વાત બરાબર જાણે છે. કેમ નથી જાણતા, તેનાં કારણો સ્થિતપ્રજ્ઞતાથી ટીવી કેમેરા સામે આપી શકે છે. કશું ન જાણતા હોવા છતાં ‘હું જવાબદારી સ્વીકારું છું’ એમ કહીને તે જ્ઞાની ઉપરાંત ‘શહીદ’ દેખાઇ શકે છે અને જરૂર પડ્યે સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ ઉપસ્થિત રહેવાની તૈયારી બતાવીને પોતાની નૈતિકતાના નીચે ઉતરી ગયેલા વાવટાને થોડો ઊંચો લાવી શકે છે- ભલે તે અડધી કાઠી સુધી જ પહોંચે.
ડાબો હાથ કરે તે જમણો હાથ ન જાણે, એ ભારતીય દાન પરંપરાનો ઉજ્જવળ આદર્શ છે. સિંઘ એ સિદ્ધાંત પ્રમાણે આખી સરકાર ચલાવી રહ્યા છેઃ ટેલીકોમ મંત્રી શું કરે છે એની તેમને ખબર નથી, ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં સ્પેક્ટ્રમના કેવા વહીવટ થાય છે એ તે જાણતા નથી, તેમની સરકાર ટકાવી રાખવા માટે સાંસદોને ફોડવામાં આવે છે એ વિશે પણ વડાપ્રધાન અજાણ છે. કોઇનું જ્ઞાન પ્રભાવશાળી હોઇ શકે છે, પણ આપણા વડાપ્રધાનનું તેમના સાથીદારો વિશેનું અજ્ઞાન અહોભાવિત કરી દે એવું છે. અહોભાવ એ વાતે થાય કે આ જણ કેટલું બઘું જાણતો નથી. છતાં આટલા લાંબા સમયથી જગતની બે નંબરની- એટલે કે બીજા નંબરની- લોકશાહીનો વડો છે.
ડો.સિંઘના શાસનકાળને ભવિષ્યના ઇતિહાસકારો ‘જ્ઞાનયુગ’ કે ‘બોધયુગ’ તરીકે ઓળખે તો નવાઇ નહીં. કારણ કે આ ગાળામાં ભારતની પ્રજાને પોતાની યુગજૂની અનેક માન્યતાઓ બદલવાની ફરજ પડી. અગાઉ પ્રજા માનતી હતી કે ‘દેશની સમસ્યાઓનું એક મોટું કારણ અભણ નેતાઓ છે. ભણેલાગણેલા લોકો રાજકારણમાં આવે તો બઘું ઠીકઠાક થઇ રહે.’ ડો.સિંઘ આ ગેરસમજણના રહ્યાસહ્યા અંશ દૂર કરી દીધા. પ્રજા એવી પણ કલ્પના કરતી હતી કે ‘ભારત જેવા ગરીબ દેશના વડાપ્રધાન તરીકે કોઇ રાજકારણી નહીં, પણ જેને અર્થશાસ્ત્રમાં સમજણ પડતી હોય એવો કોઇ માણસ- કોઇ અર્થશાસ્ત્રી આવે, તો કેટલું સારું?’
પણ હવે પ્રજા સમજી ગઇ છે કે અર્થશાસ્ત્રી વડાપ્રધાન બને તો તેમના રાજમાં એટલી મોટી રકમનાં કૌભાંડ થાય છે કે એ રકમ ખરેખર કેટલી થાય, તે કોઇ અર્થશાસ્ત્રી જ સમજી શકે. રૂ. બે લાખ કરોડ એટલે ખરેખર કેટલા રૂપિયા થાય, એ કેટલા ભારતીયોને ખબર પડવાની?
પ્રજાને લાગતું હતું કે નેતા ‘મિસ્ટર ક્લીન’ હોય એટલે ગંગા નાહ્યા. ડો.સિંઘના રાજમાં ખબર પડી કે પોતાના પ્રવાહમાં ઠલવાતી ગટરોને અટકાવવાની ગંગામાં ત્રેવડ ન હોય, તો ગંગાની પોતાની પવિત્રતા સરવાળે કશા કામની રહેતી નથી- અને એ પવિત્રતા પણ રહેતી નથી. ગંગામાં ગટર ભળવાથી ગટર ગંગા નથી બનતી, પણ ગંગા ગટર બની જાય છે.
આવું ઘણું જ્ઞાન જેમના થકી, બોધિવૃક્ષ નીચે બેઠા વિના, પ્રજાને મળ્યું એવા યુગપુરૂષ મનમોહન સિંઘ પોતાની ડાયરી લખતા હોત અને તે ‘વિકિલિક્સ’ જેવા કોઇની અડફેટે ચડી ગઇ હોત તો? કેટલાક નમૂના.
***
આજે એક ભોજન સમારંભ હતો. તેનું આમંત્રણ મળ્યા પછી ખબર પડી કે તેનો યજમાન પણ હું હતો. મને પૂછ્યા વિના મેનુ નક્કી કરી દેવામાં આવ્યું હતું. મહેમાનોની સાથે જમતી વખતે મને ખબર પડી કે જમવામાં શું બનાવ્યું છે. પછી મેં મેનુ નક્કી કરનારને ધમકાવ્યો. મારી એક તકલીફ છે. ગુસ્સે થતાં પહેલાં મારે લોકોને કહેવું પડે છે કે ‘હવે હું ગુસ્સે થવાનો છું.’ બાકી, હું ગુસ્સે થઇને કોઇને ખખડાવી નાખું, ત્યાર પછી પણ સામેવાળાને ખબર પડતી નથી કે મેં જે કર્યો તે ગુસ્સો હતો.
મેનુ નક્કી કરનાર પર હું બરાબર બગડ્યો એટલે એણે ફુગાવાના આંકડા જાહેર કરતો હોય એટલી ઠંડકથી કહ્યું, ‘મેં મેડમ સાથે વાત કરી લીધી હતી. રાહુલજીએ જ આ મેનુ સજેસ્ટ કર્યું હતું.’ આટલું બોલીને એણે મારી સામે વિજયી સ્મિત કર્યું. હું ફરી ગુસ્સે થયો, પણ આ વખતે હું પહેલેથી કહેવાનું ભૂલી ગયો. એટલે તેને ખબર ન પડી કે હું વધારે બગડ્યો છું. મને સમજાતું નથી કે મારે શું કરવું.
***
ગઇ કાલના ભોજન સમારંભના ખર્ચાળ મેનુ વિશે આજે ટીકાનો વરસાદ થયો છે. (પત્રકારોને એ સમારંભમાં નિમંત્રણ ન હતું.) વિપક્ષી નેતાઓએ મારા રાજીનામાની માગણી કરી છે. (એ લોકોને પણ બોલાવાયા ન હતા.) મેનુ નક્કી કરવાની પ્રક્રિયાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) નક્કી કરવાની માગણી વિપક્ષો દ્વારા થઇ રહી છે. એ કદાચ સંસદની કાર્યવાહીનો બહિષ્કાર કરશે, પણ સંસદની કેન્ટિન કે તેના પગાર-ભથ્થાંનો બહિષ્કાર નહીં કરે.
મેં ભોજન સમારંભના આયોજક તરીકે ભોજન સિવાય બીજું કશું જ ખાઘું નથી. એટલે મારા પેટની જેમ મારું મન પણ સાફ છે. મને કોઇનો, કશાનો ડર નથી. સિવાય કે સરકારમાં રહેલા મારા સાથી પક્ષો. મને ઘણી વાર થાય છે કે ભારત ‘ધર્મનિરપેક્ષ’ હોવાની સાથોસાથ ‘ગઠબંધન-નિરપેક્ષ’ થયું હોત તો કેટલું સારું?
***
સંસદમાં ધમાલ થઇ. મેં ઉભા થઇને ગૃહના રેકોર્ડ પર કહ્યું કે ‘જવાબદાર પ્રજાતંત્રના લોકશાહી આગેવાન તરીકે ભોજનકાંડમાં મારી નૈતિક જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને એ માટે જેની સમક્ષ જુબાની આપવાની હોય તે માટે હું તૈયાર છું.’ મારી આવી નૈતિક હિંમતથી મોટા ભાગના ટીકાકારોનાં મોં બંધ થઇ ગયાં. એવું હું માનતો હતો. પછી ખબર પડી કે ટીકાકારોનાં મોં રૂપિયાથી બંધ થયાં હતાં. તેમને મારો વિરોધ ન કરવા બદલ રૂપિયા આપવામાં આવ્યા હતા. બધાને બહુ નવાઇ લાગે છે કે મારા વતી લાંચ અપાઇ હોય અને મને ખબર પણ ન હોય એવું કેવી રીતે બને?
લોકો બહુ જલ્દી બઘું ભૂલી જાય છે. જે પક્ષ મને લગભગ મારી જાણબહાર વડાપ્રધાન બનાવી શકે, એ પક્ષ મારી જાણબહાર રૂપિયા કેમ ન વેરી શકે? આટલું સાદું દેશહિત વિપક્ષોને તો ઠીક, લોકોને પણ સમજાતું નથી, તેથી મને ગુસ્સો આવે છે, પણ હું પહેલેથી કહેવાનું ભૂલી જાઉં છું.