ક્રાંતિ, જનઆંદોલન, મુક્તિસંગ્રામ- આ શબ્દો ચેપી આકર્ષણ ધરાવે છે. ટ્યુનિસિયાની પ્રજા સરમુખત્યારી સામે વિરોધ કરે અને શાસકને પોબારા ગણી જવા પડે, ત્યારે હમણાં સુધી અજાણ્યો રહેલો એ દેશ દુનિયાભરનાં સમાચાર માઘ્યમોમાં ચમકી જાય છે. તેની સફળતાથી બીજા અનેક દેશોની પીડાતી પ્રજાનાં સુતેલાં સ્વપ્નાં સળવળી ઉઠે છે. ત્રણ-ત્રણ દાયકાથી સરમુખત્યારશાહી ધરાવતા ઇજિપ્તની આખી યુવા પેઢીએ લોકશાહીની મોકળાશ જોઇ ન હતી. તેની અંદર ઘૂંધવાતો અસંતોષ મળ્યાં તે સાધનો થકી બહાર ઉછળી આવે છે અને ઇજિપ્તના શાસકને પણ ભારે અનિચ્છાએ સત્તા છોડવી પડે છે.
‘ક્રાંતિ’નું ઉપર કરેલું વર્ણન સીઘુંસાદું અને અઘૂરું હોવા છતાં, મહદ્ અંશે એ જ સ્વરૂપે તે જાણીતું અને લોકપ્રિય છે. તેનો ઉલ્લેખ કરીને ભારતમાં ઘણા લોકો કહે છે,‘ઇજિપ્ત ને ટ્યુનિસિયામાં ક્રાંતિ થતી હોય, તો ભારતમાં ક્રાંતિ કેમ નહીં?’
સાનુકૂળ સંજોગો
ક્રાંતિ માટે જરૂરી ‘કાચો માલ’ આપણા દેશમાં ઓછો છે?
કૌભાંડોનો પાર નથી. બધા રાજકીય પક્ષ તળીયાથી નળીયા સુધી ખરડાયેલા છે. પ્રજાની હાડમારી શાહુકારી વ્યાજની ઝડપે વધી છે. ડુંગળી અને સફરજનના ભાવ સરખા થઇ જાય છે. પેટ્રોલના ભાવ વગર દિવાસળીએ ભડકે બળે છે. જમીનની કંિમતો આસમાને છે. ઘર હવે રહેવાની નહીં, રોકાણની ચીજ બની ચૂક્યું છે- જેની જોડે વધારાના રૂપિયા હોય તે નાખે ને ઘરના ઘર માટે વલખાં મારનારા ફાટી આંખે જોતા રહી જાય. શિક્ષણ હજારોની ફી ખર્ચનારાને જ પોસાય એ દિશામાં છે. ભણ્યા પછી પણ લાયકાત હાંસલ કરવાના અને તેને અનુરૂપ કામ મેળવવાના વાંધા છે. બીમાર પડીને ડોક્ટર-હોસ્પિટલનાં ચક્કરમાં ફસાવાનો ડર મોત કરતાં મોટો છે. વાતો કરોડોની કે હજારો-લાખો કરોડોની થાય છે, જ્યારે મોટા ભાગના લોકોની આવકમાં મામૂલી વધારો થયો છે. બહારની ચમકદમક અને ઘરની ઝાંખપ વચ્ચે બહુમતિ વર્ગ પીસાઇ-ભીંસાઇ રહ્યો છે.
ક્રાંતિની ચિનગારી પેદા થવા માટે આનાથી વધારે અનુકૂળ સંજોગો કયા હોઇ શકે?
તેમ છતાં, ભવિષ્યદર્શનના કોઇ દાવા વિના, સામાન્ય સમજણના આધારે કહી શકાય કે ભારતમાં ઇજિપ્ત, ટ્યુનિસિયા જેવી શાસનવિરોધી ‘ક્રાંતિ’ થાય એવી સંભાવના નહીંવત્ છે. આ રહ્યાં કેટલાંક કારણો.
પ્રેશરકૂકર અને સીટી
ક્રાંતિના વિસ્ફોટ માટે જે હદની ગુંગળામણ જોઇએ તે સરમુખત્યારો કે આપખુદ પ્રમુખોના રાજમાં બરાબર પેદા થાય છે. બારીબારણાં વગરના બંધ ઓરડામાં દબાણ વધતું જાય ત્યારે એક તબક્કે દિવાલોની દબાણ ખમવાની શક્તિની હદ આવે છે. ત્યાર પછી દીવાલોને તૂટ્યે જ પાર.
લોકશાહી શાસનવ્યવસ્થા સીટીવાળા પ્રેશરકૂકર અથવા બારીબારણાં ધરાવતા ઓરડા જેવી હોય છે. તેમાં બહુ ઉકળાટ કે દબાણ હોઇ શકે, તેની માત્રામાં વધારો થઇ શકે, પણ મૂળભૂત રીતે એમાંથી હવા બહાર જઇ શકે એવી જગ્યાઓ હોય છે. નાગરિકો પાનના ગલ્લે, ટ્રેન-બસમાં કે દીવાનખાનામાં બળાપો કાઢીને હળવા થઇ શકે છે. જાગ્રત નાગરિકો સલામત જગ્યાએ (કે હવે ઓનલાઇન) દેખાવો-પ્રદર્શનો કરીને કર્તવ્યભાવના સંતોષી શકે છે. પ્રસાર માઘ્યમો ન્યાયતંત્ર સિવાય લગભગ બધાં તંત્રોની આકરી ટીકા ઝાઝી ચિંતા રાખ્યા વિના કરી શકે છે. ભારત જેવા લોકશાહી દેશમાં શાસકો ચબરાક હોય છે. બારી-બારણાં સખત રીતે ભીડીને વિસ્ફોટક પરિસ્થિતિ પેદા કરવાની ભૂલ એ કરતા નથી. તેમની આ સમજણને કેટલાક મુગ્ધો/ભક્તો શાસકોના લોકશાહી અભિગમ તરીકે અથવા તેમની સહિષ્ણુતા તરીકે બિરદાવે, ત્યારે હસવું કે દયા ખાવી એ સમજાતું નથી.
તેનો અર્થ એવો નથી કે શાસકો હંમેશાં વિરોધને કે ટીકાને ખમી ખાય છે. લાગ આવ્યે તે રાજદ્રોહ, એન્કાઉન્ટર કે ત્રાસવાદવિરોધી ધારા જેવાં આત્યંતિક હથિયારો ઉગામવાનું ચૂકતા નથી. (માઓવાદની અત્યારે કાબૂબહાર જતી રહેલી સમસ્યાના પાયામાં વર્ષો પહેલાંની સરકારોની ગુનાઇત બેદરકારી અને લોખંડી દમન મુખ્ય કારણ ગણાય છે.) સરકારી ‘ત્રાસવાદ’માં ચોક્કસ વ્યક્તિ, સમુહ કે સંસ્થાને નિશાન બનાવવામાં આવે છે. પ્રજાનો મોટો વર્ગ તેને ‘લોકશાહી પર તરાપ’ તરીકે જોઇ શકે એટલો જાગ્રત કે નાગરિકભાવનાથી સજ્જ હોતો નથી. તેથી શાસકોની તમામ આડોડાઇ પછી પણ, દેખીતા ઉપરછલ્લા ચિત્રના આધારે શાસકની સહિષ્ણુતાની બિરદાવલીઓ ગવાતી રહે છે.
સ્તુતિ કરનારાં ભક્તહૃદયો એટલું વિચારી શકતાં નથી કે પ્રજાકીય પીડાનો અને તેને રજૂ કરનારાં નાગરિક સંગઠનોનો અવાજ કાને ન ધરવો, તેની ગંભીરતાપૂર્વક નોંધ ન લેવી એ પણ જુદા પ્રકારની સેન્સરશીપ છે. વર્તમાન યુગમાં પ્રસાર માઘ્યમો અને માનવ અધિકારોની થોડી સાચી, થોડી ખોટી પણ આકરી ધોંસ હોય, ત્યારે બોલનારના મોઢે ડૂચો મારવાનો વિકલ્પ બીજા નંબરે આવે છે. પહેલો અને મોટે ભાગે અકસીર વિકલ્પ બોલનારની ઉપેક્ષા કરીને, તેને બોલી બોલીને થાકવા દેવાનો ગણાય છે. મોટા ભાગના નેતાઓ શક્ય હોય ત્યાં સુધી એ રસ્તો અપનાવે છે. પરિણામે, દબાણ નીકળતું રહે છે, સીટી વાગતી રહે છે, પણ અસંતોષનું કૂકર ફાટતું નથી.
ખૂટેલું દૈવત
ઝવેરચંદ મેઘાણીએ અંગ્રેજી ફિલ્મો પરથી આલેખેલી કથાઓના સંગ્રહ ‘પલકારા’માં એક કથા છેઃ ધરતીનો સાદ (મૂળ ફિલ્મઃ વિવા વિલા). કથામાં જાલીમ શાસકના માણસો માતાજીના વડલે જાસો લગાવી જાય છે કે બધી જમીન રાજની છે. ‘રાખ્યાં રહીએ, કાઢ્યાં જઇએ’ એ શરતે જેમને રહેવું હોય તે રહે. ત્યારે ભેળાં થયેલાં લોકોમાં ઉઠતા ગણગણાટનું મેઘાણીએ દાયકાઓ પહેલાં કરેલું ચિત્રણ, ભારતમાં કેમ ક્રાંતિ નહીં થાય તેનું બીજું કારણ ચીંધે છે. કેટલાક સંવાદઃ
‘આંહી માતાને વડલે ખીલી દેવાય જ કેમ?’
‘ખોડનારનું નખોદ નીકળી જશે, નખોદ.’
‘હવે ભાઇ, ખોડનારા તો એ...હાલ્યા જાય લહેર કરતા ને નખોદ તો આપણું નીકળી ગયું.’
‘દેવસ્થાનોમાંથી સત ગયાં ઇ તો હવે, બાપા.’
‘એ ના, ના. માણસમાંથી દૈવત ગયાં એટલે પછી દેવસ્થાનોમાં સત રે’ ક્યાંથી? સાચું સત તો લોકનું દૈવત ગણાય.’
લોકશાહીમાં ‘લોકનું દૈવત’ એટલે? રાજકીય પક્ષો સિવાયનાં બીજાં નાગરિક સંગઠનો- જૂથો. આખો સમાજ દરેક મુદ્દાને ફક્ત રાજકીય વિરોધ કે તરફેણના ત્રાજવે તોળતો થઇ જાય, ત્યારે લોકશાહીનો પ્રાણ મરી પરવારે છે ને કેવળ ખોખું રહી જાય છે.
જાહેર હિતની મોટા ભાગની બાબતોમાં જોવા મળે છે કે અંતે રાજકીય પક્ષો સંપી જાય છે ને નાગરિકો હાથ ઘસતા રહી જાય છે. નાગરિકના હિત અને હકની બાબતમાં કોઇ રાજકીય પક્ષ બીજા કરતાં ચડિયાતો નથી, એ સચ્ચાઇ સમજાય તો રાજકારણથી દૂર હટીને, નાગરિકોનું બળ ઉભું થઇ શકે. તેમાંથી પ્રગટેલું દૈવત રાજકારણના ખેલાડીઓને દઝાડીને નાગરિકો પ્રત્યેની ફરજ અને ફરજચૂકની યાદ અપાવી શકે. તેમ છતાં તેમની આંખ ન ઉઘડે તો સત્તાપલટા માટે મેદાને પડી શકે અને નવા સત્તાધીશને પોતાની અપેક્ષાઓ પહોંચાડી શકે.
ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટીના થોડા મહિના પહેલાં (માર્ચ, ૧૯૭૫માં) ઉમાશંકર જોષીએ લખ્યું હતું ‘લોકશાહીમાં જો સૌથી વઘુ કશાની જરૂર હોય તો લોકશક્તિની. પ્રતિનિધિઓને (નેતાઓને) સમજાવવાનું છે કે તમે તો પ્રજાના કિંકર છો. કિંકર એટલે જે હંમેશાં પૂછ્યા કરે કે ‘કિં કરોમિ?’ હું હવે શું કરું?...તમે પ્રજાના નોકર છો. તમારી માલિક એવી પ્રજાની આગળ આવીને તમારા કામનો હિસાબ આપો.’
કટોકટી ઉઠ્યા પછી થયેલી ચૂંટણીમાં ઇંદિરા ગાંધીની હાર થઇ અને જનતા મોરચો જીત્યો, ત્યારે પ્રજા તેનો જયજયકાર કરવા લાગી. એ વખતે આચાર્ય કૃપાલાનીએ જાહેર સભામાં એ મતલબનું કહ્યું હતું કે અમે ફક્ત નેતાઓ છીએ. અમારો જયજયકાર કરશો નહીં. આઝાદી પછી ત્રણ-ત્રણ દાયકા સુધી અમારો જયજયકાર કરીને તમને શું મળ્યું? કટોકટી?
તાત્પર્ય એ કે નેતાઓની ભક્તિ કરવાને બદલે કે તેમના ચગડોળમાં બેસી જવાને બદલે, તેમની પાસેથી કામ લઇ શકે અને હિસાબ માગી શકે એવી લોકશક્તિ જાગે, તો ક્રાંતિ માટે સત્તાપલટાની પણ જરૂર ન રહે. એવું ન થાય ત્યાં લગી કેવળ સત્તાપલટો પણ ક્રાંતિને બદલે ક્રાંતિની ભ્રાંતિ જ બની રહેવાનો, જેનો તીવ્ર અહેસાસ ચૂંટણી-દર-ચૂંટણી થઇ રહ્યો છે.
ક્રાંતિની હવા કે શૂન્યાવકાશ?
ભારતમાં જોવા મળતાં બીજાં કેટલાંક પરિબળોમાંથી ‘ક્રાંતિ કેમ નહીં થાય?’ એ સવાલની સાથોસાથ ‘ભારત સદીઓ સુધી ગુલામ શા માટે રહ્યું?’ તેના કેટલાક જવાબ પણ મળી જાય છે. એવી ઘણી બાબતોમાંની એક છેઃ જ્ઞાતિપ્રથા. બહુમતિ ભારતીયો જ્ઞાતિના અસંખ્ય વાડામાં વહેંચાયેલા છે, જે ‘એક પ્રજા’ તરીકેની ઓળખ આડેનું મોટું નડતર બની રહે છે. બદલાતા સમયમાં જ્ઞાતિનાં બાહ્ય બંધનો ઢીલાં પડ્યાં છે, છતાં માનસિક સ્તરે જ્ઞાતિની ઓળખ અને તેમાંથી પેદા થતી અલગતાની લાગણી ખાસ મોળી પડી હોય એવું જણાતું નથી. શહેરી વિસ્તારોમાં એક હદ સુધીના વ્યવહારમાં જ્ઞાતિ ગૌણ બની હોવા છતાં, એ હદ વટાવ્યા પછી જ્ઞાતિ ફરક પાડી શકે છે.
કેટલાક સંપ્રદાયો જ્ઞાતિ-પેટાજ્ઞાતિનાં બંધનોથી ઉપર ઉઠવાના દાવા કરે છે, પરંતુ તેમના કારણે પેદા થતી સમસ્યા વધારે મોટી છે. એ લોકો નાગરિકોના અસંતોષને સમજવા-સંકોરવાને બદલે તેને ‘પોઝિટિવ થિંકિંગ’, ‘આર્ટ ઓફ લિવિંગ’, વ્યક્તિપૂજા-સંપ્રદાયવફાદારી જેવી નીકોમાં વાળી દે છે. સવાલો પૂછનારા નાગરિકો જેમ રાજકારણીઓને ખપતા નથી, તેમ સંપ્રદાયસંસ્થાઓ કે ફિરકાઓને પણ તેમનો ખપ નથી. મોટો સમુહ સંપ્રદાયબાજી કે બાવાબાજીમાં શાંતિ શોધતો હોય કે શાતા પામતો હોય ત્યાં ક્રાંતિની અપેક્ષા શી રીતે રહે?
ભારતમાં છેલ્લી મોટી સરકારવિરોધી ઝુંબેશનાં મંડાણ ગુજરાતના નવનિર્માણ આંદોલનથી થયાં હતાં. તેમાં કોલેજના વિદ્યાર્થીઓએ મોટો ભાગ ભજવ્યો હતો. કોલેજો અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રની રાજકારણથી ખદબદતી સ્થિતિ જોતાં, કોલેજોમાંથી વિદ્યાર્થીનેતોઓના નામે બહુમાં બહુ તો ભાવિ રાજકીય નેતાઓની અપેક્ષા રાખી શકાય, પરંતુ વિદ્યાર્થીનેતાઓનાં રોલમોડેલ તો એ લોકો છે, જેમની સામે ક્રાંતિ કરવાની વાત છે. વિદ્યાર્થીઓના ગુરુઓ તેમના સાહેબોની અને તેમના સાહેબો નેતાઓની ચાપલૂસી કરીને સત્તા ટકાવી રાખવામાં વ્યસ્ત હોય, ત્યાં કયા મોઢે ક્રાંતિની અપેક્ષા રાખવી?
very nice analysis...
ReplyDeletewe are much tolerant people..
chalshe, favshe, aato aam j hoy..!!
few are happy and many are unhappy, so the anger is not getting accumulated..
congratulations...
One of the best article and analysis from you...one of the best article of yours...need more write ups and articles on such subjects...cant disagree on single point...analysis is that perfect...
ReplyDeleteCongratulations Urvishbhai....
Awesome article sir,
ReplyDeleteN superb analysis.
But sun never rises without darkness,
So let's be optimistic n start a revolution from this moment. :)
Taksh Bharti Bhatt
urvishbhai, very true analysis.BUT WHY BLAME ONLY POLITICIANS FOR ALL THE WOES?
ReplyDeleteARE not CORPORATE GROUPS equal responsible for the present situation?
and what about the MEDIA? NIRA RADIA TAPES have shown how big MEIDA PERSONS, NO SORRY,NOT MEDIA PERSONS, but MEDIA MANUPALATORS are hands in glove with any corrupt CHHAGAN MAGAN..
WHY FORGET JUDICIARY? EVEN MEDICOS? and so called SOCIAL WORKERS, who have converted the devoted "seva' into money minting 'meva'???
After reading your article, suddenly old bollywood song from Rajesh Khanna's ROTI sparked in my mind...yaar hamari baat suno, koi eisa insan chuno, jise paap n kiya ho, jo paapi n ho...
Hello, I enjoy reading through your article post.
ReplyDeleteI like to write a little comment to support you.
Your style is unique in comparison to other people I have read stuff from.
ReplyDeleteThanks for posting when you have the opportunity, Guess I'll just book mark this
blog.