સેલફોન માટે વપરાતા સ્પેક્ટ્રમની સસ્તા ભાવે થયેલી લહાણી અને તેમાં સરકારને ગયેલી ખોટનો વિવાદ શમે તે પહેલાં સ્પેક્ટ્રમ વિવાદનો ભાગ બીજો ફૂટી નીકળ્યો. તેની સાથે સંકળાયેલી સંભવિત નુકસાનની રકમ પણ અમુક હજાર કે લાખ કરોડ રૂપિયામાં હતી. છતાં વધારે ગંભીર બાબત એ હતી કે એ સોદામાં ભારતની પ્રતિષ્ઠિત અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ સંકળાયેલી -કે સંડોવાયેલી- હતી.
‘ઇસરો’ - ISRO-ની વ્યાવસાયિક પાંખ ‘અંતરિક્ષ કોર્પોરેશન’ અને ખાનગી કંપની ‘દેવાસ મલ્ટીમીડિયા’ વચ્ચે ૨૦૦૫માં એક સોદો થયો. એ સોદા મુજબ ‘ઇસરો’ તેના ગ્રાહક ‘દેવાસ’ માટે બે ઉપગ્રહો અવકાશમાં ચઢાવે. તેના દ્વારા પ્રસારિત થનારા-ઝીલાનારા એસ-બેન્ડનાં રેડિયોતરંગોમાંથી ૭૦ મેગાહર્ટ્ઝનો પટ્ટો (સ્પેક્ટ્રમ) અંતરિક્ષ કોર્પોરેશને ‘દેવાસ’ ને ફાળવ્યો. ઉપગ્રહના ખર્ચ અને સ્પેક્ટ્રમની લીઝ- બઘું મળીને ૧૨ વર્ષમાં દેવાસે ૩૦ કરોડ ડોલર ચૂકવવાના થતા હતા.
સામાન્ય માણસને તોતિગ લાગે એવી ૩૦ કરોડ ડોલર( તે સમયે આશરે એકાદ હજાર કરોડ રૂ.)ની રકમ એસ-બેન્ડના ૭૦ મેગાહર્ટ્ઝ જેટલા સ્પેક્ટ્રમ માટે બજારભાવ કરતાં ઓછી કહેવાય કે કેમ, એ સમજવા માટે રેડિયોતરંગોના એસ-બેન્ડનો મહિમા સમજવો પડે.
બત્રીસ લક્ષણો એસ- બેન્ડ
રેડિયોતરંગોના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છેઃ ટેરેસ્ટ્રિઅલ (જમીની) અને સેટેલાઇટ (ઉપગ્રહી/અવકાશી). સેલફોન સેવાઓ માટે ખપમાં સેવાતા જમીની/ટેરેસ્ટ્રિઅલ સ્પેક્ટ્રમ અને તેના ફાળવણી-કૌભાંડ વિશે ગયા મંગળવારના ‘દૃષ્ટિકોણ’માં વિગતે વાત કરવામાં આવી હતી. સેટેલાઇટ સ્પેક્ટ્રમની લેવાદેવા નામ પરથી જણાય છે તેમ, અવકાશમાં ભ્રમણ કરતા ઉપગ્રહો સાથે છે.
સંદેશાવ્યવહારને લગતા ઉપગ્રહો ટ્રાન્સ્પોન્ડરથી સજ્જ હોય છે. ‘ટ્રાન્સ્પોન્ડર’ શબ્દ ‘ટ્રાન્સમીટર-રીસ્પોન્ડર’નું ટૂંકુ રૂપ છે. તેનો અર્થ છેઃ પ્રસારણ કરવાની અને પાછું ફેંકવાની-પ્રતિભાવ આપવાની ટુ-ઇન-વન ક્ષમતા ધરાવનાર સાધન. તે રેડિયોતરંગોનું પ્રસારણ કરી શકે અને તેને મળતાં રેડિયોતરંગો ઝીલીને તેમને પાછાં પણ મોકલી શકે.
ઉપગ્રહ દ્વારા પ્રસારિત થતા રેડિયોતરંગો તેમની તરંગલંબાઇ પ્રમાણે સી-બેન્ડ, એક્સ-બેન્ડ, કેયુ- બેન્ડ, કેએ-બેન્ડ જેવા જુદા જુદા બેન્ડ/પટ્ટમાં વહેંચાયેલા હોય છે. એ યાદીમાં ૨ ગીગાહર્ટ્ઝથી ૪ ગીગાહર્ટ્ઝ (૨૦૦૦ મેગાહર્ટ્ઝથી ૪૦૦૦ મેગાહર્ટ્ઝ) સુધીનો પટ્ટ એસ-બેન્ડ તરીકે ઓળખાય છે, જે ‘ઇસરો’ને લગતા વિવાદના કેન્દ્રમાં છે.
આખા એસ-બેન્ડમાં પણ ૨૫૦૦ મેગાહર્ટ્ઝથી ૨૬૯૦ મેગાહર્ટ્ઝ સુધીના બેન્ડનું ભારે માહત્મ્ય છે. કારણ કે ૧૧ વર્ષ પહેલાં રેડિયો સંદેશાવ્યવહારની આંતરરાષ્ટ્રિય બિરાદરીએ આ બેન્ડને વૈશ્વિક સંદેશાવ્યવહાર માટેના સર્વસામાન્ય બેન્ડ તરીકે ઘોષિત કર્યો. મતલબ, રેડિયતરંગોની આ રેન્જમાં આપી શકાતી સેવાઓનો વ્યાપ જમીની સ્પેક્ટ્રમની જેમ પ્રદેશ કે દેશ પૂરતો મર્યાદિત નહીં, પણ વૈશ્વિક બની રહે. આ રેન્જનો સ્પેક્ટ્રમ તેના મેગાહર્ટ્ઝના આંકડા પરથી ઘણી વાર ૨.૫ ગીગાહર્ટ્ઝ કે ૨.૬ ગીગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ તરીકે પણ ઓળખાય છે.
જમીની સ્પેક્ટ્રમની ફાળવણી સરકારના ટેલીકોમ વિભાગને હસ્તક છે, જ્યારે ‘અવકાશી’ સ્પેક્ટ્રમ ઉપગ્રહોમાં રહેલાં ટ્રાન્સ્પોન્ડર થકી ઉપલબ્ધ બને છે. ઉપગ્રહોને લગતી સઘળી કામગીરી સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસની હોય છે, જે ઉપગ્રહમાં રહેલાં ટ્રાન્સ્પોન્ડર દૂરદર્શન જેવી સરકારી એજન્સીઓને કે ખાનગી કંપનીઓને પ્રસારણ માટે આપે છે. જોકે, ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસને રેડિયોતરંગોના જુદી જુદી તરંગલંબાઇના બેન્ડની ફાળવણી ટેલીકોમ વિભાગ કરે છે. તેમાં આંતરરાષ્ટ્રિય ટેલીકમ્યુનિકેશન યુનિઅન (આઇટીયુ)ના ધારાધોરણો અનુસરવામાં આવે છે.
ભારતમાં ‘ઇનસેટ’ ઉપગ્રહોના ટ્રાન્સ્પોન્ડર થકી એસ-બેન્ડના રેડિયોતરંગો ઉપલબ્ધ બન્યા, ત્યારે દૂરદર્શને તેનો ઉપયોગ કરીને દેશના ખૂણેખૂણે ટીવી પ્રસારણ પહોંચાડ્યું. આગળ જતાં સેટેલાઇટ ફોન માટે પણ એસ-બેન્ડના રેડિયોતરંગોનો ઉપયોગ થયો. વર્ષ ૨૦૦૦માં વર્લ્ડ રેડિયોકમ્યુનિકેશન કોન્ફરન્સે ૨૫૦૦ મેગાહર્ટ્ઝથી ૨૬૯૦ મેગાહર્ટ્ઝના બેન્ડને મોબાઇલ સંદેશાવ્યવહાર સેવાઓ માટે અલગ તારવ્યો. ૧૯૦ મેગાહર્ટ્ઝના આ બેન્ડની ખૂબી એ હતી કે મોબાઇલ સેવાઓ માટે એસ-બેન્ડમાં બીજો આટલો મોટો ટુકડો ઉપલબ્ધ ન હતો અને કોઇ દેશમાં તે હોય તો પણ (૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્ઝના પટ્ટની જેમ) તે આંતરરાષ્ટ્રિય વપરાશ માટે કામ લાગે તેમ ન હતો.
મોબાઇલ ઉપકરણો પર વિડીયો સહિતના ભારેખમ ડેટાની ચીલઝડપે અને દુનિયાભરના દેશોમાં લેવડદેવડ કરી શકાય, એ નવા જમાનાનો તકાદો હતો. આ માગ સંતોષતી વાયરલેસ સેવા - આઘુનિક પરિભાષામાં કહીએ તો, ૪-જી સર્વિસ - પૂરી પાડવાના કામમાં ૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્ઝનો બેન્ડ ‘બત્રીસ લક્ષણો’ ગણાયો.
વિવાદનાં મૂળીયાં
ઇસરો-દેવાસ વચ્ચે સોદો થયો ત્યારે આંતરરાષ્ટ્રિય બજારમાં પણ ૨૫૦૦-૨૬૯૦ મેગાહર્ટ્ઝના બેન્ડની શક્યતાનો મહત્તમ કસ કાઢવાનું શરૂ થયું ન હતું. એટલે સ્વાભાવિક રીતે જ, તેમનો સોદો જાહેરમાં ખાસ ચર્ચાયા વિના, શાંતિથી પાર પડ્યો.
‘દેવાસ’ સીઇઓ રામચંદ્રન્ વિશ્વનાથન ઇન્ટરનેટ અને સેટેલાઇટ સંદેશાવ્યવહાર ક્ષેત્રે વીસ વર્ષની તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. એક અહેવાલ પ્રમાણે, તેમણે છેક ૨૦૦૩માં અમેરિકાની મુલાકાતે ગયેલી ‘ઇસરો’ની ટુકડી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું. તેનો વિષય હતોઃ ‘ઇસરો’ જેવી સંસ્થા વિશ્વવ્યાપી સેટેલાઇટ નેટવર્ક દ્વારા કેવી રીતે મલ્ટીમિડીયા સર્વિસ આપી શકે.
વિશ્વનાથન એ વખતે ‘ફોર્જ એડવાઇઝર્સ’ કંપનીના મેનેજિગ ડિરેક્ટર હતા. તેમની રજૂઆતથી ‘ઇસરો’ના અધિકારીઓ ભારે પ્રભાવિત થયા, પણ વિશ્વનાથન ‘ઇસરો’ના ‘અંતરિક્ષ કોર્પોરેશન’ સાથે ભાગીદારીમાં ધંધો કરવા ઇચ્છતા હતા, જ્યારે ‘ઇસરો’ ઉપગ્રહોમાંથી સ્પેક્ટ્રમનો ચોક્કસ બેન્ડ લીઝ પર આપીને અટકી જવા ઇચ્છતું હતું. તેનાથી આગળ વધીને, મોબાઇલ મલ્ટિમીડિયા સર્વિસ પૂરી પાડવામાં તેને રસ ન હતો. એ સ્થિતિમાં ‘દેવાસ મલ્ટિમીડિયા’ અસ્તિત્ત્વમાં આવી. એમ.જી.ચંદ્રશેખર, ડી.વેણુગોપાલ, કિરણ કર્ણિક જેવા ‘ઇસરો’માં ઊંચા હોદ્દે રહી ચૂકેલા-એક યા બીજી રીતે સંકળાઇ ચૂકેલા અફસરો ‘દેવાસ’ના મુખ્ય સૂત્રધાર હતા. કંપનીનું આરંભિક ભંડોળ પણ પરદેશમાંથી આવ્યું હતું.
જી.માધવન નાયર ‘ઇસરો’ના વડા હતા, ત્યારે ‘દેવાસ’ સાથેનો સોદો થઇ ગયો, પણ ‘ઇસરો’ના સેટેલાઇટ લોન્ચ વેહીકલ (જીએસએલવી)ની નિષ્ફળતાને કારણે ઉપગ્રહ તરતા મૂકવાનું અને સોદો અમલી બનાવવાનું પાછું ઠેલાતું ગયું. ‘દેવાસ’ના સીઇઓ વિશ્વનાથને એમ પણ કહ્યું હતું કે ઉપગ્રહ ચડાવવામાં થયેલા વિલંબને કારણે છેલ્લા થોડા મહિનાથી અમે થર્ડ પાર્ટી લોન્ચ- ઇસરો સિવાયની કોઇ સંસ્થા દ્વારા ઉપગ્રહ તરતો મૂકવા વિશે વિચારી રહ્યા હતા.’
આરોપ અને અસલિયત
ઉપગ્રહ ચડાવવામાં થયેલો વિલંબ ‘દેવાસ’ માટે નુકસાનકારક, પણ દેશ માટે ફાયદાકારક નીવડ્યો. કારણ કે, છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં મોબાઇલ ફોન ક્ષેત્રે અભૂતપૂર્વ અને અકલ્પનીય પ્રગતિ થઇ. એ સાથે જ મોબાઇલ સર્વિસના પાયામાં રહેલા સ્પેક્ટ્રમના ભાવ આસમાને પહોંચ્યા. ૩-જી અને ૪-જી ટેકનોલોજીને કારણે સ્પેક્ટ્રમ કેટલો મૂલ્યવાન બની રહેવાનો છે, તે સત્ય વધારે ને વધારે સ્પષ્ટ રીતે ઉઘડવા લાગ્યું.
એક તરફ દેવાસે બે ઉપગ્રહોની રીઝર્વેશન ફી પેટે રૂ. ૫૮.૩૭ કરોડનું ચૂકવણું કરી દીઘું, તો બીજી તરફ તેણે પોતાનો ૧૭ ટકા હિસ્સો ૨૦૦૮માં રૂ.૩૧૮ કરોડમાં વેચ્યો. (યાદ રહે કે સોદા પ્રમાણે કંપનીને બધા ખર્ચ સાથે ૧૨ વર્ષ માટે આશરે રૂ.૧ હજાર કરોડના ભાવે ૭૦ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ મળવાનો હતો.)
પરંતુ ઓક્ટોબર, ૨૦૦૯માં સ્પેસ કમિશને બે ઉપગ્રહોની દરખાસ્ત મૂકી, ત્યારે તેના ઉપયોગોમાં અંતરિક્ષ-દેવાસ સોદાનો ઉલ્લેખ ન હતો. તેના પગલે થયેલી ફરિયાદને કારણે ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ તરફથી ડિસેમ્બર ૨૦૦૯માં એક સમિતિની રચના કરવામાં આવી, જેના અઘ્યક્ષપદે સ્પેશ કમિશનના ભૂતપૂર્વ સભ્ય ડો.બી.એન.સુરેશ હતા. આ સમિતિને અંતરિક્ષ-દેવાસ સોદાનાં તમામ પાસાંની તપાસનું કામ સોંપાયું.
ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને સ્પેસ કમિશન બન્નેએ અલગ અલગ રીતે ઇસરો-દેવાસ સોદો રદ કરવાનું સૂચવ્યું. તેનાં કારણોમાં એક કારણ એવું હતું કે એ સોદા વિશે એક હદથી આગળ, ટોચના સ્તર સુધી જાણ કરવામાં આવી ન હતી. ૨૦૧૦માં સંજોગો પણ બદલાયા હતા અને સ્પેક્ટ્રમની કંિમત પણ. ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસે ‘રાષ્ટ્રની વ્યૂહાત્મક જરૂરિયાતોની પ્રાથમિકતા’ ઘ્યાનમાં રાખીને સ્પેક્ટ્રમનો વઘુ અસરકારક ઉપયોગ કરવા માટે સોદો રદ કરવાની તરફેણમાં મત આપ્યો. સાથોસાથ, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા પણ આ સોદાની પ્રાથમિક તપાસ શરૂ થઇ. સ્પેક્ટ્રમ કૌભાંડ બરાબર ચગેલું હતું અને ‘દેવાસ’ના સોદા વિશેના વિવાદની વિગતો જાહેર થઇ, એટલે તેનો ‘સ્પેક્ટ્મ કૌભાંડ-૨’ તરીકે ઉલ્લેખ થવા લાગ્યો.
આ સોદો થયો ત્યારે ‘ઇસરો’ના વડા તરીકે કાર્યરત જી.માધવન નાયરે થોડા સમય પહેલાં ભારપૂર્વક કહ્યું હતું કે ‘સોદામાં કશું ખોટું થયું નથી. સેટેલાઇટ સ્પેક્ટ્રમ અને ટેરેસ્ટ્રીયલ સ્પેક્ટ્રમની કંિમતો વચ્ચે આભજમીનનો તફાવત હોય છે. સેટેલાઇટ સ્પેક્ટ્રમની કિમત ટેરેસ્ટ્રીયલ સ્પેક્ટ્રમ કરતાં હજાર ગણી ઓછી હોય છે.’ ટૂંકમાં તેમના કહેવાનું તાત્પર્ય હતું કે ૩-જી સ્પેક્ટ્રમની હરાજીથી થયેલી આવકની સાથે સેટેલાઇટ સ્પેક્ટ્રમની કિમતની સરખામણી ન થઇ શકે અને તેના આધારે દેશને થનાર સંભવિત નુકસાનનો અંદાજ ન કાઢી શકાય (જે કેટલાકના મતે રૂ.બે લાખ કરોડ જેટલો હતો) આખા વિવાદ પાછળ તેમણે ‘ઇસરોને બદનામ કરવાનું કાવતરું’ જેવી શંકા પણ વ્યક્ત કરી.
આખરે સરકારે ઇસરો-દેવાસ સોદો રદ કર્યો. ‘દેવાસ’ના વિશ્વનાથને કરારભંગ બદલ અંતરિક્ષ કોર્પોરેશને કિમત ચૂકવવી પડશે એવો ઘુ્રજારો કર્યો હતો. પણ કરારની શરતો (કલમ ૭-સી)માં ખુદ અંતરિક્ષ કોર્પોરેશન ઉપગ્રહ માટે જરૂરી ભ્રમણકક્ષા કે જરૂરી સ્પેક્ટ્રમ ન મેળવી શકે એવી સંભાવના વ્યક્ત થયેલી હતી. એવું થાય તો દેવાસે આગળથી ચૂકવેલી રકમ અને તેની પરનો સર્વિસ ટેક્સ પરત આપવા સિવાય અંતરિક્ષ કોર્પોરેશને દેવાસને બીજું કંઇ ચૂકવવાનું રહેતું ન હતું.
સોદો રદ થતાં દેશને થનાર સંભવિત નુકસાન ટળી ગયું છે, પણ આખા વિવાદમાં ‘ઇસરો’ની ભૂમિકા વિશે બે મુખ્ય સવાલ રહેઃ તેણે નક્કી કરેલી સ્પેક્ટ્રમની રકમ ઓછી હતી કે નહીં? અને ઓછી હોય તો ઇરાદાપૂર્વક ઓછી હતી?
સ્વાભિવક છે કે સ્પેક્ટ્રમની કિમત ૨૦૦૫માં હતી એટલી ૨૦૧૦માં ન જ હોય. કારણ કે એ તેની ઉપયોગીતા પ્રમાણે અકલ્પનીય હદે વધતી રહે છે. પરંતુ એ જ કારણથી, ૧૨ વર્ષ જેવા લાંબા ગાળા માટે, બાંધી કિમતે બત્રીસ લક્ષણો ૨.૫ ગીગા હર્ટ્ઝ સ્પેક્ટ્રમ આપી દેવાનો નિર્ણય કેટલો વેપારીબુદ્ધિવાળો કહેવાય એ વિચારવું રહ્યું.
Really an informative article... Kudos...
ReplyDeleteકિરણ કાર્ણિક દેવાસ મલ્ટિમિડીયા માટે આંતરિક ભંડોળ ક્યાંથી લાવ્યા તે પણ તપાસ નો વિષય છે..મહારાષ્ટ્ર ના સીએમ પ્રુથ્વિરાજ ચૌહાણે કેમ સોનિયાજી પાસે દોટ મૂકી તે પણ મહત્વ નો મુદ્દો છે..અંતરિક્ષ, ઇસરો અને સ્પેસ ડિપાર્ટમેન્ટ ની ભલામણો તો સીસીએસ[કેબિનેટ કમિટી ઓફ સિક્યુંરિટ, જેના ચેરપર્સન વડાપ્રધાન પોતે છે] એસ-બેન્ડ ફાળવણી પહેલાં જ મળી ગઇ હતી.. ને સમસ્ત ઇસરો જે વડાપ્રધાન ના પોર્ટફોલિયો માં આવે છે તે વડાપ્રધાન નાં અપ્રુવલ વગર એસ બેન્ડ ની ૨૦ વર્ષની ફાળવણી શક્ય નથી..વડાપ્રધાન એક અપ્રુવલ આપે છે અને પછી ’ખાસ’ સમય પછી તેને ટર્મિનેટ કરી નાખે છે...મૂરખ બનવામાં ભારતીય નાગરિક મહાઉસ્તાદ છે..Akash vaidya
ReplyDeleteઉર્વીશભાઈ: કદાચ તમારો લેખ આખે આખો સાચો હશે...પણ એક વાત મારા ગળે જલ્દી નથી ઉતરે તેવી...ઈસરોમાં છ વર્ષ ઘણા પ્રોજેક્ટ પર કામ કર્યું...એ જમાનામાં આવી કલ્પના પણ અશક્ય...અને કિરણ કર્ણિક સાથે તો પાછળથી પણ પ્રોજેક્ટ કર્યા..૩૯ વર્ષનો સમ્બન્ધ ...દેવાસ મલ્ટી મીડીયામાં તેમનું નામ છે-લેખ પ્રમાણે--પણ વિશ્વાસથી કહું....એ કોઈ ખોટું કામ કરે નહી..કરવા દે નહી...UPA તેમના જેવાને પ્રસારભારતીના અધ્યક્ષ કે દેશની સર્વોચ્ચ IT પોઝીશન આપવી જોઈએ..
ReplyDeleteof course, u know it better, dhirenbhai. The piece is not about mr.Karnik. Reg. ISRO, it's difficult to put unconditional faith as they've not spell out things clearly even after the matter spilled out. As pointed in the piece, there are several facts that needs to be explained. It would have been great had somebody from ISRO provided the details of s-band costing in other countries. i.e. at what rate (per head) an MHz was sold.
ReplyDeleteKhub Saarash Mahiti, Sarad Bhasa ma aapva badal thanx
ReplyDeleteLekh ekdam samtulit. pratibhav bahu modo aapu Chu .
ReplyDeleteEk vaat dhyan ma rakhava jevi ke S band no spectrum aapya vina tranponder vechi j na shakaay. e to paatloon sivavaa aapo pan doraa vaparavaani manai karo tevu thaay. ane etale j eno bajar bhaav aankavo bekaar vaat Che. etalu kharu ke ISRO ke paramaanu vibhag maa kAm karavaani evi Tev Che ke kare to deshna hit maan j paN ene koi pooChe te pasand nahi.
aa drusTie aamaa koi goTaaLo to nahi hoy sivaay ke e j khAtAnA junA karmachaarione Contract apaavo.
( Sorry: I tried to type in Baraha but it did not get pasted in Baraha!)