વિકાસ પહેલાંના યુગમાં પ્રિયતમાઓ ગલી-મહોલ્લાઓમાં રહેતી હતી. તેમના આશિકોને ગલીનાં ચક્કર કાપવાં પડતાં હતાં. ગુજરાતીના અઘ્યાપકો જેમ હોદ્દાની રૂએ વિવેચક-લેખક અને કોલમિસ્ટો જેમ ચિંતક બની જાય છે, તેમ ગલીનાં ચક્કર કાપતા આશિકો હોદ્દાની રૂએ શાયર -અને મુફલિસ- બની જતા હતા. ગલીના નાકે આવેલા પાનના ગલ્લે તેમનું ખાતું ચાલુ થઇ જતું. વિકાસશીલ દેશોની જેમ આશિક-શાયરો ચૂકવણીની ચિંતા ખાતું ચલાવનાર પર છોડીને બિનધાસ્ત દેવું કરતા હતા. વર્તમાન સમયમાં દેવું કરીને ઘી પીવાનું પાચનતંત્રની રીતે સલાહભર્યું ન હોવાથી તે દેવું કરીને પાન-મસાલા ખાતા અને પ્રાચીન પરંપરા ટકાવી રાખતા.
આશિકનાં ચક્કરનો સિલસિલો લગ્નમાં પરિણમે તો સરવાળે તેમના પરિવારમાં વધારો અને ‘ક્રેડિટ રેટિગ’માં ઘટાડો થતો હતો. પાનના ગલ્લાવાળાને આશિકના બાકી ખાતામાં હોય એટલો રસ સંસારી જણને ઉધારી આપવામાં પડતો ન હતો. કારણ કે, આશિક કદીક ખુશ થાય તો બાકી રકમ ઉપરાંત (કે તેની અવેજીમાં) બક્ષિસ ધરી દે. પણ કોઇ ગૃહસ્થ ઉધારી ચાલતી હોય એ દુકાને બક્ષિસ આપવા જેટલો ખુશ ક્યારે થવાનો?
પછી ‘વિકાસ’ થયો. તેની સાથે પ્રેમનો ખ્યાલ પણ બદલાયો. પ્રેમની પંજાબી ગ્રેવીમાં ગુજલીશનો વઘાર કરીને ચિંતન -ફિલસૂફી-નિબંધ-કવિતાની કાચીપાકી, કાલીઘેલી સબ્જી પીરસતા ખુમચા ધમધમવા લાગ્યા. બીજું પરિવર્તન એ આવ્યું કે પ્રેમીજનોનાં સરનામાં અને ખાસ તો, તેમાં રહેલા સંદર્ભસ્થાન (ઘરની નજીક આવેલાં જાણીતાં સ્થળ) બદલાઇ ગયાં. વિકાસયુગનાં પ્રેમી-પ્રેમિકાઓ બીઆરટીએસના બસસ્ટેન્ડની સામેના ખાંચામાં, ફ્લાયઓવર પૂરો થાય ત્યાંથી એટીએમ બાજુના રસ્તે કે શોપિંગ મોલની પાછળ આવેલા ફ્લેટમાં રહેવા લાગ્યાં. આ જાતનું સરનામું લખાવતી વખતે નવાં સંદર્ભસ્થાનનો ઉલ્લેખ એટલા ગૌરવથી થવા લાગ્યો, જાણે સરનામું આપનારે પોતાના પ્રિય પાત્રને ઘર શોધવામાં તકલીફ ન પડે, એટલા માટે જ ઘર પાસે બીઆરટીએસનું બસસ્ટેન્ડ કે ફ્લાયઓવર ન બંધાવ્યા હોય!
વિકાસયુગના નવા ચહેરાની કલ્પના કરીએ, તો ફ્લાયઓવરને તેના ગાલ પર રહેલા તલ સાથે સરખાવી શકાયઃ તેની ઉપેક્ષા થઇ ન શકે અને તેનાથી પ્રભાવિત થયા વિના રહી ન શકાય. કોઇ પણ શહેરનો વિકાસ થયો છે કે નહીં, તેની અધરસ્તે થતી ચર્ચા ફ્લાયઓવર આવતાં સુધી જ ચાલુ રહે છે. એક વાર ફ્લાયઓવર દેખાય એટલે સૌ ચર્ચકો માની લે છે કે કહો ના કહો, પણ શહેર, રાજ્યનો અને સમગ્રતયા દેશનો વિકાસ થયો છે.
પુરાણકથામાં ત્રિશંકુની વાત આવતી હતી, જે જમીન પર નહીં ને આકાશમાં પણ નહીં, એમ અધવચ્ચે લટકતો હતો. ‘આપણાં પુરાણોમાં બઘું શોધાઇ ગયેલું હતું’ એવી ખાતરી ધરાવતા લોકો દાવાપૂર્વક કહી શકે કે ત્રિશંકુ ખરેખર જમીન અને આકાશની વચ્ચે, કોઇ ફ્લાયઓવર પર રહેતો હશે.
‘ફ્લાયઓવર’ શબ્દ પહેલી વાર સાંભળતી વખતે વિચાર આવે કે વાહનો તેની ઉપર જઇને સીધાં ટેક ઓફ કરી લેતાં હશે-ગગનગામી થઇ જતાં હશે? એવું ન હોત તો તેનું નામ ‘ફ્લાયઓવર’ને બદલે ‘ડ્રાઇવઓવર’ જેવું કંઇક ન હોત? મરાઠી પાટિયાંમાં તેને બાકાયદા ‘ઉડ્ડણપુલ’ તરીકે ઓળખવામાં આવે છે, તે કદાચ એ કારણે હશે કે ફ્લાયઓવર પર ઘણાં વાહનો ઊડું ઊડું થઇ જાય એટલી ઝડપે ચાલે છે.
કેટલાંક વાહનો થોડી સેકંડ માટે હવામાં ઉંચકાતાં પણ લાગે, તેમાં એરોડાયનેમિક્સની નહીં, ફ્લાયઓવર પર આવતા ખાડાટેકરાની કમાલ હોય છે. હા, ફ્લાયઓવર ભલે ગાલ પરના તલ જેવા લાગે, પણ તેની પરના રસ્તા ‘હેમામાલિનીની ગાલ જેવા’ (સૌજન્યઃ લાલુપ્રસાદ યાદવ) હોતા નથી.આઠ-દસ મોટા ટુકડામાં વહેંચાયેલા તેના રસ્તામાં બે ટુકડા વચ્ચે સાંધો આવે ત્યારે એટલા જોરથી આંચકો લાગે છે કે વિકાસની સુખતંદ્રામાં ખોવાઇ ગયેલો વાહનચાલક ઝબકીને જાગી જાય.
ફ્લાયઓવર બીજી રીતે પણ વિકાસના વાતાવરણને અનુરૂપ બની રહે છેઃ તેની પરથી પસાર થનારને અકારણ નીચેના જગતથી પર અને ઉપર હોવાનો ભાવ જાગે છે. નીચેનાં ગમે તેવાં અકળાવનારાં દૃશ્યો- ગીચ ટ્રાફિક, બેફામ ઝડપે ચાલતાં વાહનો, લડાઇઝઘડા- આ બઘું ઉપર ઉભા રહીને જોતાં જોવાલાયક અને રમણીય લાગવા માંડે છે. વિમાનમાંથી નીચેનું દૃશ્ય કેવું લાગતું હશે તેનો થોડોઘણો અહેસાસ, વિમાનની મુસાફરી ન પોસાતી હોય એવા નાગરિકો ફ્લાયઓવર પરથી મેળવી શકે છે. એ જોતાં, ફ્લાયઓવરનું ગુજરાતી ‘વિમાનમાર્ગ’ કરીને નાગરિકોના સુખાભાસમાં વધારો કરવાનું હજુ સુધી સરકારશ્રીને સૂઝ્યું નથી, એ નવાઇની વાત છે.
ફ્લાયઓવરની સંસ્કૃતિ નવી હોવાથી તેના વિશે સાહિત્યમાં ખેડાણ થવાનું બાકી છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનચાલકનું તેની સમાંતરે આવેલા ત્રીજા માળના ફ્લેટની બારીમાં ઉભેલી સુંદરી સાથે તારામૈત્રક રચાયું, એની કશ્મકશભરી કથાઓ કે કમનીય કવિતાઓ હજુ રચાવી બાકી છે. વિદ્રોહી કવિઓને ઠેરઠેર ઉભા થયેલા ફ્લાયઓવર જોઇને ‘રસ્તાએ ફેણ ચડાવી’ કે ‘રસ્તાએ માથું ઊંચક્યું’ એવી કોઇ ઉપમા સૂઝી શકે છે. ચિંતકો ‘જે ઉપર ચડે છે તેનું નીચે આવવાનું નક્કી છે’ એવું બ્રહ્મજ્ઞાન ફ્લાયઓવરના હવાલાથી આપી શકે છે. લલિત નિબંધકારો રસ્તા કરતાં થોડી વધુ ઊંચાઇ પર આવેલા ફ્લાયઓવર પરથી આકાશ અને ચંદ્ર કેટલો વધારે નજીક દેખાય છે, તેનું પ્રકૃતિવર્ણન કરી શકે છે.
ફ્લાયઓવર અને બ્રિજ વચ્ચે શો ફરક, એવો તાત્ત્વિક સવાલ કોઇને થઇ શકે. દેખાવમાં બન્ને સરખા લાગતા હોય, તો પણ તેમની વચ્ચે મહાત્મા ગાંધી અને ઇંદિરા ગાંધી જેટલો ફરક છે. સાદો પુલ વાહન ન હોય એવા લોકો માટે પણ કામનો છે. તે રાહદારીઓ માટે ‘ફરવાલાયક સ્થળ’ બની શકે છે. ઘણા ઠેકાણે પુલ પર હવાખોરીની આખી સંસ્કૃતિ ઉભી થઇ છે, જ્યાં સાંજ પડ્યે લોકોનાં ટોળાં બરફના ગોળા, સિંગચણા, મકાઇ કે કંઇ નહીં તો ઠંડી હવા સુદ્ધાં ખાઇ શકે છે. આઘુનિક શહેરી જીવનમાંથી મેળા રહ્યા નથી, પણ ગૌરીવ્રત જેવા ઘણા તહેવારોમાં પુલ પર મેળો ભરાયો હોય એવું વાતાવરણ સર્જાય છે.
તેમની સરખામણીમાં વિકાસયુગના પ્રતીક જેવા ફ્લાયઓવર ‘ફાલતુ લોકો’ના મનોરંજન જેવાં ફાલતુ કામ માટે વપરાતા નથી. તેને બનવામાં કેટલો બધો વિલંબ થાય છે, વિલંબને કારણે તેનું મૂળ બજેટ કેટલા ગણું વધી જાય છે, છાપાંમાં તેની કેટલી ટીકા થાય છે, વહીવટી તંત્ર પર કેટલી પસ્તાળ પડે છે, આખા પ્રોજેક્ટમાં કેટલો ‘વહીવટ’ થઇ જાય છે, એક વાર એ તૈયાર થઇ જાય ત્યાર પછી પણ તેને ચાલુ થવા માટે કોઇ કાતરબાજ ઉદ્ઘાટકની રાહ જોવી પડે છે...
આટઆટલું વેઠીને તૈયાર થયેલા ફ્લાયઓવર ગરીબ લોકો માટે મફત હવા ખાવાનું સ્થળ બને તો, ઘૂળ પડી એ ફ્લાયઓવરમાં ને ઘૂળ પડી એ વિકાસમાં.
No comments:
Post a Comment