બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની જર્મન ફોજ સામે રશિયાએ વિજય તો મેળવ્યો, પણ એ પહેલાં ઘણી ખુવારી વેઠી. ત્યારે સામ્યવાદી રશિયાના નેતા સ્ટેલિન હતા. તે રાજાશાહીને શરમાવે એવા ક્રૂર, આપખુદ અને પ્રજાવિરોધી શાસક પુરવાર થયા. સ્ટેલિનના રાજમાં રશિયાના સામ્યવાદની સફળતા વિશે જૂઠાણાં ચલાવવાનો ઉદ્યમ મોટા પાયે ચાલ્યો. તે એટલી હદ સુધી કે નવા વિરોધી બનેલા નેતાઓને ફક્ત આ દુનિયામાંથી જ નહીં, જૂની તસવીરોમાંથી પણ એવી રીતે ગાયબ કરી દેવામાં આવ્યા, જાણે એ કદી હતા જ નહીં!
સરકારી ઇતિહાસની આ પરંપરા હેઠળ પ્રજાનાં હિત-હક બાજુ પર મૂકાઇ ગયાં. સામ્યવાદની આભાસી ભવ્યતાને અને અમેરિકા સાથેની હરીફાઇને ‘રાષ્ટ્રવાદ’ ગણનારો ‘સવાયો રાષ્ટ્રવાદી વર્ગ’ રશિયામાં ઉભો થયો. ‘રાષ્ટ્રવાદી’ નેતાઓ એવું માનતા હતા કે પ્રજાએ દેશની મહાનતાનું ગૌરવ લેવામાં પોતાની તમામ તકલીફો ભૂલી જવી જોઇએ અને હોંશેહોંશે નેતાને એટલે કે સરકારને એટલે કે દેશને તાબે થઇને રહેવું જોઇએ. (આપખુદ શાસકો એવું માનતા હોય છે કે પોતે જ દેશ છે ને પોતાની સત્તા એ જ દેશની આબરૂ છે.) સોવિયેત રશિયાના વિઘટન પછી સરકારી રાષ્ટ્રવાદનો સકંજો પહેલાં જેવો રહ્યો નથી. છતાં એ સાવ નાબૂદ પણ થયો નથી તેની પ્રતીતિ વખતોવખત થતી રહે છે.
આ વર્ષના મે મહિનામાં રશિયાના વર્તમાન પ્રમુખ (અને આક્રમક ‘રાષ્ટ્રવાદી’ પ્રમુખ પુતિનના વારસદાર) મેડવેડેવે ફરી એક વાર ઇતિહાસ તરફ નજર બગાડી. તેમણે એવો કાયદો સૂચવ્યો કે ‘બીજા વિશ્વયુદ્ધમાં રશિયાની જીત વિશે સવાલ ઉભા કરવાને ફોજદારી ગુનો ગણવામાં આવે, જેના માટે મોટી રકમના દંડની અથવા ત્રણ મહિનાની જેલની સજા ફટકારી શકાય.’ સાથોસાથ, ‘રશિયાના હિતમાં ન હોય એવાં ઐતિહાસિક જૂઠાણાં’ સામે સરકારી ઇતિહાસ (રશિયાના હિતમાં હોય એવાં જૂઠાણાં!) લખવા માટે અફસરો, કાયદાશાસ્ત્રીઓ, ફૌજીઓ અને પોતાના ચીફ ઓફ સ્ટાફની બનેલી એક સમિતીની નિમણૂંક કરી.
રશિયામાં સરકારી રાહે ઇતિહાસ સાથે ચેડાં કરવાની નવાઇ નથી. એવું કરવા પાછળ મુખ્ય બે હેતુ હોય છેઃ ૧) સામ્યવાદી ક્રાંતિની નિષ્ફળતા અને ક્રૂરતાનો ભયંકર ઇતિહાસ ભૂલાવી દેવો. ૨) ભૂતકાળના આભાસી ગૌરવના રેશમી ગાલીચા તળે વર્તમાન સમસ્યાઓ છુપાવી દેવી. આમ, ક્યારેક સત્તાથી, તો ક્યારેક શાણપણથી (સલુકાઇથી) ઇતિહાસની ‘સર્વિસ’ થતી રહે છે.
સગવડિયો અને સંકુચિત ઇતિહાસ
વાત રશિયાની હોય કે ભારતની, બહુમતિ લોકોને હિંદી મસાલા ફિલ્મો જેવો ઇતિહાસ ખપે છે, જેમાં દરેક પાત્ર માટે બે જ વિકલ્પ હોયઃ હીરો કે વિલન.
પૌરાણિક કથા-દંતકથા અને ઇતિહાસમાં આ જ ફરક છેઃ સાચા ઇતિહાસમાં કોઇ નખશિખ હીરો હોય ને કોઇ સાંગોપાંગ વિલન, એવું ભાગ્યે જ બને છે. કારણ કે ઇતિહાસ દૈવી પાત્રોથી નહીં, પણ મનુષ્યોથી રચાય છે અને ગમે તેટલા મહાન મનુષ્યો પણ, માણસ હોવાને કારણે, માનવીય મર્યાદાઓથી પર નથી હોતા.
ઐતિહાસિક પાત્રો આપણી કલ્પના પ્રમાણે અને આપણી સગવડ ખાતર બેદાગ, સુરેખ, ઇસ્ત્રીટાઇટ અને પાંખ વગરના ફરિશ્તા જેવા હોવાં જોઇએ, એવું માની લેવામાં સૌથી વધારે અન્યાય એ મહાન પાત્રોને જ થાય છે. એક વાર તેમને પૂજાસ્થાને બેસાડી દીધા પછી આપણે એ પાત્રોની માનવીય મર્યાદાઓને સહજતાથી સ્વીકારી શકતા નથી અને તેમની અનુકરણીય સિદ્ધિઓને અનુસરી શકતા નથી. આપણે તો બસ એમના સ્મારકો સ્થાપીને, જન્મતિથી-મૃત્યુતિથીએ હાર પહેરાવીને, તેમને ભવ્ય વિશેષણોયુક્ત અંજલિ આપીને- અને નેતાઓના કિસ્સામાં તેમના નામે મત ઉઘરાવીને- છૂટા!
ભારતમાં ગાંધી હોય કે સરદાર, નેહરૂ હોય કે સુભાષ, તમામ નેતાઓને તેમના કહેવાતા અનુયાયીઓએ પૂજાસ્થાને બેસાડી દીધા. એટલે તેમના ચરિત્રોની બારીકીનો, તેમની ખૂબીઓ અને મર્યાદાઓનો અભ્યાસ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ રૂંધાઇ ગઇ. પછી એવી સ્થિતિ થઇ કે ‘ગાંધીજીને મહાન માનો છો? તો તમે આ બાજુ!’, ‘સરદારને મહાન નથી ગણતા? તમે આ બાજુ.’ ‘તમને લાગે છે કે નેહરૂ બોગસ હતા? તો તમે આ બાજુ.’
રાજકીય પક્ષોએ પોતાની મતબેન્કને અનુકૂળ આવે એવી નેતાઓની છબીઓ બજારમાં ફરતી કરી દીધીઃ ‘ગાંધી એટલે રાષ્ટ્રપિતા/મુસ્લિમતરફી. નેહરૂ એટલે આધુનિક ભારતના ઘડવૈયા/સ્યુડો-સેક્યુલર. સરદાર એટલે હિંદુતરફી/મુસ્લિમવિરોધી.’ ગાંધીની ટીકા થાય એટલે ગાંધીવાદીઓ ઉકળી પડે અને સરકાર શરમની મારી બચાવ કરવા દોડી જાય. નેહરૂની ટીકા કરનાર કોંગ્રેસી હોય તો તેણે રાજીનામું ખિસ્સામાં રાખવું પડે અને સરદારની ટીકા થાય એટલે પટેલો કે ભાજપી નેતાઓ બૂમરાણ મચાવે.
આ નેતાઓ અને તેમની સાથે સંકળાયેલો ઐતિહાસિક ઘટનાક્રમ કોઇ એક સમુહ, પ્રદેશ, જ્ઞાતિ કે વિચારધારાની માલિકીની જણસ નથી. સંકુચિત ઓળખોથી ઉપર ઉઠીને રાષ્ટ્રિય દરજ્જો પ્રાપ્ત કરનાર નેતાઓને ફરી પાછા સાંકડી ઓળખનાં ચોકઠાંમાં લાવી મૂકવામાં તેમનું સૌથી મોટું અપમાન છે. મોઢ વણિકો ગાંધીજીને ‘મોઢરત્ન’ કે ‘મોઢવિભૂષણ’ તરીકે ઓળખાવે તો કેવું હાસ્યાસ્પદ લાગે? મોઢ જ્ઞાતિના લોકો એવું ઠાલું ગૌરવ અવશ્ય લઇ શકે કે ‘ગાંધીજી અમારી જ્ઞાતિમાં જન્મ્યા હતા.’ પણ તેનાથી કશું સાબીત થતું નથી. (સિવાય કે મોઢ વણિકો પોતાના ‘જ્ઞાતિબંઘુ’ના પગલે ચાલીને તેમની સાથેની નિકટતા સિદ્ધ કરી બતાવે) કારણ કે ગાંધીજીએ પોતાની જાતને કદી એક મોઢ તરીકે જોઇ ન હતી કે એ રીતે પોતે કદી વર્ત્યા નથી. (તેમને જ્ઞાતિબહાર મૂકવા જેવા ઐતિહાસિક પ્રસંગોની તો વાત જ નથી.)
એવી જ રીતે સરદારને ‘પટેલ’ કે ‘ગુજરાતી’ ગણાવવાનું ટેકનિકલી ખોટું નથી, પણ તેમાં સરદાર જેવા નેતાનો રાષ્ટ્રિય દરજ્જો છીનવાઇ જાય છે- અને એ પણ તેમની પ્રશંસાનો દાવો કરનારા લોકોના હાથે! સરદારની પ્રતિષ્ઠાનો ખરેખર ખ્યાલ હોય તો તેમને આઝાદીના જંગના અગ્રણી નેતા- ગાંધીજીના વિશ્વાસુ સાથીદાર-ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને રજવાડાંનું વિલીનકરણ કરનાર જેવી ભવ્ય ઓળખોમાંથી ‘પટેલ’ અને ‘ગુજરાતી’ની ઓળખે ન લાવી મૂકવા જોઇએ.
સિક્કાની ત્રીજી બાજુ
બીજો મુદ્દો એ પણ ખરો કે ગાંધી-નેહરૂ-સરદાર-સુભાષ-આંબેડકર જેવા નેતાઓ પોતાની કામગીરીના બળે ઇતિહાસમાં સ્થાન પામ્યા છે. તેમાંથી કોઇ અવતારી પુરૂષ ન હતા અને તેમણે કદી એવો દાવો કર્યો નથી. જીવતાંજીવ એ સૌની ભરૂપૂર ટીકા પણ થઇ છે. પરંતુ તેનાથી વિચલીત થયા વિના (કે થઇને પણ) તેમણે પોતાનું કામ જારી રાખ્યું.
તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવો હોય તો તેમના જીવનકાર્યનો પ્રચાર-પ્રસાર કરવો, તેમના વિશે વધારે જાણવું અને તેમની જેમ યથામતિ, યથાશક્તિ સમાજની-દેશની સેવા કરવી, એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. સરદારના પ્રેમી હોવાનો દાવો કરતા કેટલા લોકોએ રાજમોહન ગાંધી કે યશવંત દોશી કે નરહરિભાઇ પરીખે લખેલું સરદારનું ચરિત્ર વાંચ્યું હશે? સરદારે બગલનું ગુમડું ફોડી નાખ્યું, કોર્ટમાં દલીલ કરતી વખતે આવેલો પત્નીના મૃત્યુનો તાર વાળીને ખિસ્સામાં મૂકી દીધો, બારડોલીનો સત્યાગ્રહ કર્યો ને રજવાડાંનું વિલીનીકરણ કર્યું- આ સિવાય બીજી કેટલી સાચી માહિતી સરદારના ઉશ્કેરાયેલા પ્રેમીઓ ધરાવે છે?
ભારતના વિભાજનનો ઘટનાક્રમ બહુ સંકુલ અને અટપટો છે. તેમાં અનેક ચડાવઉતાર અને દાવાપ્રતિદાવા થઇ શકે એમ છે- થતા રહે છે. મૌલાના આઝાદે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં સરદારને ગાંધીના મૃત્યુ માટે જવાબદાર ઠરાવ્યા, ત્યારે વિવાદ થયો હતો. આ પ્રકારના મુદ્દે વિવાદ બેશક થવો જોઇએ, પણ તેનો અંત પુસ્તક પર પ્રતિબંધ જેવાં સરમુખત્યારી પગલાંમાં ન આવવો જોઇએ. આ રાજકારણનો નહીં, ઇતિહાસનો વિષય છે. અભ્યાસીઓ એ વિશે ચર્ચા કરે અને બન્ને પક્ષો પોતપોતાના આધાર-પુરાવા-હકીકતો સામે મૂકે એ સાચી પદ્ધતિ છે. ઐતિહાસિક હકીકતોની ચર્ચા અને તેના વિશેનો વાદવિવાદ પુસ્તકોની હોળી કરવાથી કે તેની પર અવિચારી પ્રતિબંધો ઠોકી દેવાથી ઉકલતો નથી.
ભારતના કોમી રાજકારણમાં એવા અનેક વળાંકો છે, જ્યાં અભ્યાસીઓને એવું લાગે કે ‘આમ ન થયું હોત, તો ભાગલા નિવારી શકાત.’ આ રીતે દરેક પોતપોતાના હિસાબે ભાગલા માટે દોષી નેતાઓ તરફ આંગળી ચીંધે છે. તેનાથી એ નેતાનું અપમાન થાય છે એવું શી રીતે કહી શકાય? ગાંધીજીના પૌત્ર અને સજ્જ સંશોધક રાજમોહન ગાંધીએ ગાંધીના ચરિત્ર ‘ધ ગુડ બોટમેન’માં કેટલાક મહત્ત્વના પ્રસંગે પોતાનો નૈતિક પ્રભાવ ન વાપરવા પૂરતા ગાંધીજીને પણ જવાબદાર ગણ્યા છે. તો ‘ગાંધીજીનું અપમાન’ની બૂમો પાડીને એનાથી દુભાઇ જવાનું?
એ પણ હકીકત છે કે ‘ગુજરાતના પનોતા પુત્ર સરદારના અપમાન’થી દુભાઇ જનારા ઘણાખરા લોકોને ગુજરાતના બીજા પનોતા પુત્ર ગાંધીના અપમાનથી ખાસ લાગી આવતું નથી. ગાંધીહત્યા માટે વપરાતા ‘ગાંધીવધ’ (કેમ જાણે, ગાંધી કોઇ રાક્ષસ હોય અને કોઇ અવતારી પુરૂષે તેમને હણ્યા હોય- ‘વધ’ કર્યો હોય) જેવા શબ્દપ્રયોગ છૂટથી વપરાતો હોવા છતાં તેમને કંઇ થતું નથી. સરદારે જેમને જીવનભર ગુરૂવત્ ગણ્યા, જેમના પ્રત્યે અપાર આદર અને લાગણી સેવ્યાં, જેમના પગલે ચાલીને સાદગીપૂર્ણ જીવન અપનાવ્યું, એવા ગાંધીજીના અપમાનમાં સરદારનું અપમાન કેટલા લોકોને લાગે છે? ઉલટું, ‘સરદાર ન હોત તો ગાંધી ગાંધી ન બની શક્યા હોત’ એવું કહેવાની ફેશન પણ ગુજરાતમાં જ હતી- હજુ છે!
- અને સરદારના અપમાનના નામે પોતાની ખિચડી પકાવવી- ઓળખ-અસ્મિતા-સત્તાનું રાજકારણ ખેલવું એ પણ સરદારનું અપમાન નથી?