‘આ સત્યઘટના છે. મહેરબાની કરીને તેને અવગણશો નહીં.
(સાંઇબાબાની કેટલીક તસવીરો)
એક અફસરને આ તસવીરો (ધરાવતો ઇ-મેઇલ) મોકલ્યા પછી ૨ મિલિયન ડોલર મળ્યા. આ મેઇલ આગળ ન મોકલીને, મેઇલની સાંકળ/ચેઇન આગળ વધતી અટકાવવા બદલ રોબર્ટે ૨.૧ મિલિયન ડોલર ગુમાવ્યા...પ્લીઝ આ ઇ-મેઇલની ૨૦ કોપી મોકલો અને પછી ફક્ત ચાર જ દિવસમાં જુઓ, શું થાય છે! આ ચેઇન લેટર શીરડીથી આવ્યો છે. તમને ચોક્કસ ૪૮ કલાકમાં સારા સમાચાર સાંભળવા મળશે.’
***
ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લગભગ દરેક જણને આ અને આવા જુદા જુદા ઇષ્ટદેવોની આણ આપતા ઇ-મેઇલ મળતા હશે. આ પ્રકારના મેઇલનું શું થતું હશે?
અંદાજ લગાડી શકાય છેઃ થોડા લોકો આવા ઇ-મેઇલ વાંચીને, મનોમન રમૂજ પામીને તેને કચરાટોપલીમાં/ટ્રેશ તરીકે નાખી દેતા હશે. બીજા થોડા લોકો શ્રદ્ધાપૂર્વક, ખરેખર આવા ૨૦ મેઇલ મોકલવાથી ફાયદો થશે ને ન મોકલવાથી નુકસાન થશે એવું માનીને બીજા ૨૦ જણને મેઇલ મોકલી આપશે. ત્યાર પછી ૪૮ કલાક વીતી જાય અને કોઇ સારા સમાચાર ન આવે તો તે આખી વાત ભૂલી જશે અને ફરી કોઇ માતા-પિતા-બાવા-બાપા-બાબાની આણ આપતો મેઇલ આવે ત્યારે પંદર-વીસ-પચીસ જણને મોકલી આપશે.
પરંતુ મોટા ભાગના લોકો આ મેઇલમાં લખેલી વિગત માની લે એટલા ભોળા/શ્રદ્ધાળુ હોતા નથી. એ લોકો ઇ-મેઇલ ફોરવર્ડ કરવાથી રાતોરાત લોટરી ન લાગી જાય એટલું સમજવા જેટલા બુદ્ધિશાળી છે. ‘આમ તો હું આવા બધામાં માનતો નથી’ એવું કહેવું તેમને ગમે છે. પણ...
તોંતેર મણનો ‘પણ’ એ છે કે ‘આમ તો હું આવા બધામાં માનતો નથી, પણ આ મેઇલ ફોરવર્ડ કરવામાં એકેય રૂપિયાનો ખર્ચ નથી. મને કે બીજા કોઇને કશું નુકસાન નથી અને (હેંહેંહેં) કોને ખબર? કદાચ કંઇક થાય પણ ખરૂં! આ તો જસ્ટ જોકિંગ, હોં!’
પ્રગટપણે કે મનોમન આ પ્રકારનું કંઇક કહીને, તે વીસ જણને ઇ-મેઇલ ફોરવર્ડ કરી આપશે. આવી રીતે એડ્રેસના ખાનામાં લચકેલચકા સરનામાં ધરાવતા ઇ-મેઇલ જ્યારે પણ મળે ત્યારે હસવું કે રડવું એ સમજાતું નથી. ખરેખર તો કપાળ કૂટવાનું મન થવું જોઇએ. પણ આવા દરેક પ્રસંગે કપાળ કૂટીએ તો કપાળ ચંદ્રની સપાટીની જેમ ગોબાચ્છાદિત થઇ જાય. વિચાર આવે કે લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા ઉપગ્રહો, દરિયાના પેટાળમાંથી પસાર થતા સબમરીન કેબલ, આઘુનિકતમ કમ્પ્યુટર પ્રોગ્રામ, વાયરલેસ કનેક્શન, ઓપ્ટિકલ ફાયબર વગેરેની સહિયારી કમાલને માતાજીના પરચાના પોસ્ટકાર્ડના સ્તરે ઉતારી દેનારાને શું કહેવું?
ઇન્ટરનેટને ભાંડવાનું, તેને સર્વ દૂષણોનાં મૂળ તરીકે ઓળખાવવાનું બહુ સહેલું છે, પણ ખરો સવાલ માણસના મનમાં ખદબદતી લાલચથી માંડીને અંધશ્રદ્ધા જેવી વૃત્તિઓનો છે. આ વૃત્તિ આહાર, નિદ્રા કે ભય જેવી મૂળભૂત નથી. છતાં તેનાં મૂળીયાં એટલાં જ ઉંડાં જતાં રહ્યાં છે. આદિકાળમાં તેનો આરંભ પ્રાકૃતિક પરિબળો પ્રત્યેના ભય અને વિસ્મયમાંથી થયો હશે. પછી તેમાં લાલચ અને ટૂંકા રસ્તે સમૃદ્ધ થઇ જવાના ધખારાનો રંગ ભળ્યો. એવી અંધશ્રદ્ધાને આસ્તિકતા કે અઘ્યાત્મ સાથે કશો સંબંધ નથી. પરચાના પોસ્ટકાર્ડ કે ઇ-મેઇલ મોકલનાર અને લોટરીની ટિકીટ ખરીદનારની માનસિકતામાં ખાસ ફરક હોતો નથી. બન્નેને પોતાની કોઇ આવડત કે મહેનત વિના, બસ એમ જ, પૈસાદાર બની જવું છે અને એ માટે બુદ્ધિનું ગમે તેવું પ્રદર્શન કરતાં પણ ખચકાટ થતો નથી. કોને ખબર, પ્રદર્શન કરીને પણ સમૃદ્ધ થઇ જવાય તો? સોદો ખોટો નથી!
ઘરેડ અંધશ્રદ્ધાળુઓ સાથે કામ પાડવાનું પ્રમાણમાં ઓછું મુશ્કેલ છે. તેમની સરખામણીમાં ‘આપણે તો આવા બધામાં માનતા નથી, પણ નુકસાન શું છે?’ એવું માનનારા લોકો લોકો વધારે રીઢા હોય છે. તેમાં કહેવાતા ભણેલાગણેલા, સમાજ જેને ‘ડોક્ટરો-એન્જિનિયરો’ જેવા સન્માનસૂચક વર્ગમાં મૂકે છે, તેમની સંખ્યા પણ મોટી હોય છે. તેમને પોતાની અંધશ્રદ્ધારૂપી દોણી સંતાડીને, છાશની લાઇનમાં ઉભા રહેવું છે. ભણતર તેમને ફક્ત અંધશ્રદ્ધા છુપાવવાનો દંભ શીખવી શક્યું છે. તેમના મનમાંથી અંધશ્રદ્ધાનો મેલ કાઢી શક્યું નથી. એટલે જ, ‘એમાં આપણને ક્યાં કશું નુકસાન છે?’ એમ કહીને એ લોકો અંધશ્રદ્ધાનો ગળપટો બાંધી લે છે અને ‘કોઇને ખબર નહીં પડે’ એમ વિચારીને હરખાય છે. પોતાનું કશું ન જતું હોય એવી બીજી કેટલી બાબતોમાં આ લોકો આટલો ઉત્સાહ બતાવે છે, એ વિચારવા જેવું છે.
ટેકનોલોજીને મળતા માણસના પરચા
ઇન્ટરનેટની સૌથી મોટી લાક્ષણિકતા- મફત અને તરત- સારી માહિતી જેટલી જ ખોટી માહિતીને, દૂષણોને, અંધશ્રદ્ધાને પણ લાગુ પડે છે. કારણ કે વિજ્ઞાન નીતિનિરપેક્ષ હોય છે. એ વિજ્ઞાનનો ગુણ પણ છે અને તેની મર્યાદા પણ.
‘પાપી માણસ સ્વીચ પાડે તો લાઇટ ચાલુ ન થાય. એના માટે તો તપ કરવાં પડે તપ!’ એવું વિજ્ઞાનના નિયમોને આધીન બાબતોમાં હોતું નથી. ઇન્ટરનેટ પર અંધશ્રદ્ધાનો ફેલાવો કરવો કે સ્વસ્થ વૈજ્ઞાનિક અભિગમનો, એ ટેકનોલોજી નહીં, માણસો નક્કી કરે છે. ઇન્ટરનેટ પર અંધશ્રદ્ધા સામેની ઝુંબેશો ચાલે છે, છતાં બહારની દુનિયાની જેમ ઇન્ટરનેટના માઘ્યમમાં પણ અંધશ્રદ્ધાનું પલ્લું ભારે રહે છે. કારણ કે ટેકનોલોજી નવી છે, પણ તેને વાપરનારા એના એ જ છે. ભણ્યા પછી જેમના મનમાંથી અંધશ્રદ્ધા દૂર થઇ શકી નથી, એવા લોકો ટેકનોલોજીનો ઉપયોગ પોતાની અંધશ્રદ્ધા પોસવામાં અને તેમાં રાચવામાં જ કરે એ સ્વાભાવિક છે.
ઇન્ટરનેટનો ઉપયોગ કરી જાણનારા લોકો તેનો ઉપયોગ કમ સે કમ પરચાનાં પોસ્ટકાર્ડની જગ્યાએ ન કરે એટલી અપેક્ષા રહે છે. પરંતુ અંધશ્રદ્ધાળુઓની કઠણાઇ જ એ છે કે વૈજ્ઞાનિક સાધનો વાપરીને અવૈજ્ઞાનિક માન્યતાઓનો પ્રચારપ્રસાર કરવામાં તેમને છોછસંકોચ કે લાજશરમ નડતાં નથી. એમાં તેમને કશો વિરોધાભાસ લાગતો નથી. તેમને એવો સીધોસાદો વિચાર પણ આવતો નથી કે વીસ જણને ઇ-મેઇલ ફોરવર્ડ કર્યા પછી તેમાંથી કોઇને ત્યાં સરનામું ખોટું હોવાને કારણે ઇ-મેઇલ ન પહોંચે કે કોઇ ઇ-મેઇલ ખોલીને ન વાંચે કે કોઇના મેઇલ બોક્સમાં આવો ઇ-મેઇલ સીધો કચરપટ્ટી/સ્પામના ફોલ્ડરમાં જતો રહે તો શું થાય? વીસ ઇ-મેઇલ મોકલ્યાનું પુણ્ય મળે કે ન મળે? બધા સવાલોના તેમની પાસે એક જ જવાબ છેઃ ‘આપણને ક્યાં કશું નુકસાન છે?’
અંધશ્રદ્ધાળુ ન હોવા છતાં, કોઇને લાગતું હોય કે ‘હશે બિચારા! છો ને ઇ-મેઇલ મોકલ્યા કરે? આપણને શું નુકસાન છે? ન વાંચવો હોય તો ડીલીટ કરી નાખવાનો!’, તો મોટા ભાગના કિસ્સામાં આવું વલણ ઉદારતા કે સહિષ્ણુતા કરતાં વધારે અવઢવ સૂચવે છે. ઇન્ટરનેટ પર ફરતા અંધશ્રદ્ધા અને ખોટી માહિતીને લગતા ઇ-મેઇલનો ત્રાસ એટલો વધી ગયો છે કે ક્યારે કોણ કઇ વિગત સાચી માની લેશે, એનો હંમેશાં ફડકો રહ્યા કરે.
ગેરમાર્ગે દોરતી માહિતીનો મારો
ઇ-મેઇલમાં વખતોવખત એવી કથાઓ મળતી રહે છે કે ‘ફલાણા ભાઇ થિએટરમાં ફિલ્મ જોવા ગયા, ત્યારે તેમની બેઠકમાં ટાંકણી ભોંકાઇ. એ ટાંકણી એઇડ્સનો ચેપ ધરાવતી હોવાથી ફિલ્મ જોવા ગયેલા ભાઇને એઇડ્સ લાગુ પડી ગયો’ અથવા ‘કોકા કોલા એટલી જલદ આવે છે કે ડાઘા સાફ કરવાના કામમાં (એસિડને બદલે) તેનો ઉપયોગ કરવામાં આવે છે. માટે કોકા કોલા ન પીશો.’ અથવા ‘ડીઓડોરન્ટ લગાડવાથી કેન્સર થાય છે.’
કથાઓના બીજા પ્રકારમાં એવી લાલચ આપવામાં આવે છે કે ‘આ મેઇલની સાથે મોકલેલી ઇષ્ટદેવની તસવીર સામે જોઇને મનમા જેની ઇચ્છા કરો, તે મળી જશે.’ આ કામમાં ભગવાનને બદલે માણસ પણ મદદરૂપ થઇ શકે છે. એવા મેઇલમાં કાયમી ઓફર હોય છે કે નાઇજીરીયાથી માંડીને બ્રિટન સુધીના કોઇ પણ દેશમાં કોઇ બિનવારસી ભાઇ લાખો ડોલરનો દલ્લો મુકીને મૃત્યુ પામ્યા છે અને કોઇ ભળતાસળતા બેન્ક અધિકારી એ ખજાનો તમારા ખાતામાં મોકલી આપવા ઉત્સુક છે. બસ, તમે તમારો ખાતાનંબર આપો અને ‘કાર્યવાહીની ફી પેટે’ થોડા ડોલર મોકલી આપો! ઇન્ટરનેટની આલમમાં ‘નાઇજીરીયન ફ્રોડ’ તરીકે જાણીતી આ તરકીબ એટલી જૂની અને જાણીતી હોવા છતાં, તેની સાથે સંકળાયેલું લોભનું લોહચુંબક એવું પ્રબળ પુરવાર થાય છે કે એક જાણીતી ગ્રાહક સુરક્ષા સંસ્થાના વડા થોડા વર્ષો પહેલાં આવા જ ‘નાઇજીરીયન ફ્રોડ’માં ઘણા રૂપિયા ગુમાવી બેઠા હતા.
ઇન્ટરનેટ પર માણસની મૂળભૂત નબળાઇઓની જ નહીં, સારપની પણ રોકડી કરનારા લોકોની કમી નથી. પરિણામે ગંભીર બિમારી ધરાવતી અને ૧૯૯૩થી ૭ વર્ષની ઊંમર ધરાવતી છોકરી એમી બુ્રસની સારવારના બહાને આર્થિક મદદ ઉઘરાવતા મેઇલ આવી પડે છે. ‘આપણું શું જાય છે?’ પ્રકારનો વર્ગ તેમાં ભોળવાતો નથી. છતાં જેટલા વર્ષોથી એ છેતરપીંડી ચાલે છે, એ જોતાં તેમાં સફળતાનું સારૂં એવું પ્રમાણ હશે એવી અટકળ ચોક્કસ કરી શકાય.
જરા જુદા પ્રકારના મેઇલ ‘મેરા ભારત મહાન’ કે ‘મેરા ગુજરાત મહાન’ પ્રકારના હોય છે. પહેલી નજરે આંકડાથી અને નક્કર માહિતીથી લદાયેલા જણાતા એ મેઇલની માહિતી માનવી ગમે એવી હોય છે, પણ માનવાજોગ હોતી નથી. એ પ્રકારના મેઇલમાં કરાતા ઘણાખરા દાવા સચ્ચાઇની કસોટી પર પુરવાર થતા નથી.
ઇન્ટરનેટ પર સાચી ન લાગે એવી કે શંકા ઉપજાવે એવી કોઇ પણ માહિતી વાંચવા મળે, તો ‘ગૂગલ’ જેવા સર્ચ એન્જિનમાં જઇને સંબંધિત વિષય લખીને, તેની સાથે skeptcis (સંશય કરનાર), other side(બીજી બાજુ), fraud (છેતરપીંડી) કે hoax(છેતરપીંડી) જેવા શબ્દો લખીને સર્ચ કરવાથી, આ વિષયની પોલ ખુલ્લી પાડતી વિગતો પણ મળી શકે છે.
- અને હેં હેં હેં, એમાં આપણને કશું નુકસાન નથી!
ખરુ છે!
ReplyDeleteપાપી માણસ સ્વીચ પાડે તો લાઇટ ચાલુ ન થાય. એના માટે તો તપ કરવાં પડે તપ!
તમે LUCK movie જોઈ? એમાં એવું છે કે "unlucky માણસ lighter ની switch પાડે તો lighter ચાલૂ ના થાય, એના માટે તો luck જોઈએ luck!" પૂરી પંદર minutes ચાલે છે એ scene!!
આ પણ જોઈ જોજો: ‘આજા ફસાજા!’ ઇન્ટરનેટ પર લોભાવતાં જોખમો સામે સેફ્ટી ટીપ્સ http://www.cybersafar.com/index.php/2009-01-13-06-10-28/188-2009-01-27-04-55-05.html
Everyday I get minimum of 20 emails congratulating me on winning 1 million (no less!)not rupees or even dollars but sterling pound!
ReplyDeleteI just send them to recycle bin even without reading them.
But my worry is ..... if some day i really win even few thousand bucks that message too would be deleted.
socho thakur!
this is use to get active email addresses and afterwards it uses to send spam emails..its a big business in the world...
ReplyDeleteThis article really good one. everday i get lots of mesasge regarding this type of rewards but now i understand what the thing behind. Thanx for kind information
ReplyDeleteઉર્વીશભાઈ મઝા આવી ગઈ
ReplyDeleteહું દરેક આવી ઈમૈલ નો જવાબ તેના વિરોધી સુર માં આપતો , પણ તમારો આ લેખ હવે હું કાયમ માટે
ભવિષ્ય ની ઈમૈલ ના મોકલ્નારો ને પ્રેમ થી રીપ્લાય ઓલ કરીશ.
દીપક.પટેલ
નાયીસ્વીલ ,ફ્લોરીડા
આવા ઈમેઈલની અંદર એક ટ્રેકર મૂકેલું હોય છે, જેના વડે આવી મેઈલના સર્જકને જાણ થતી રહે છે કે એણે મોકલાવેલી ઈમેઈલ કોને મળી અને એણે કોને ફોર્વર્ડ કરી. આવી રીતે તેઓ ઈમેઈલ ડેટાબેઝ તૈયાર કરે છે.
ReplyDeleteકોઈ તમને કહે કે તમારા બધા મિત્રોના ઈમેઈલ એડ્રેસ આપો તો તમે આપવાના નથી, પણ જો એ વ્યક્તિ તમને “ડોન્ટ ડ્રીંક એન્ડ ડ્રાઈવ” એવા મેસેજ સાથેની રસપ્રદ લખાણ/ચિત્રો સાથે મેઈલ મોકલશે તો તે મેઈલ તમે તમારા બધા મિત્રોને મોકલશો અને એ મેઈલમાં રહેલા છૂપા ટ્રેકર વડે એ વ્યક્તિને તમારા બધા મિત્રોના ઈમેઈલ એડ્રેસ મળી જશે!
આવી રીતે મેળવેલા ઈમેઈલ એડ્રેસ લાખોની સંખ્યામાં બજારમાં વેચાય છે અને જાહેરાતોનો મારો કરવા વપરાય છે