ઇંગ્લેન્ડ-અમેરિકાના સ્ટુડિયોમાં સ્વામી વિવેકાનંદ/ Swami Vivekanandની વિવિધ મુદ્રાઓ |
કદાચ એટલે જ, તેમની દોઢસોમી જન્મજયંતિનાં ગુજરાતમાં થયેલાં સરકારી- બિનસરકારી ઉજવણાંમાં નડિયાદના હરિદાસ વિહારીદાસ દેસાઇનું નામ સાંભળવા ન મળ્યું. સ્વામી વિવેકાનંદથી ૨૩ વર્ષ મોટા હરિદાસ જૂનાગઢના દીવાન હતા. જીવનનાં છેલ્લાં પાંચ વર્ષ (૧૮૯૧-૯૫) બન્ને વચ્ચે સતત સંપર્ક રહ્યો. તેમની વચ્ચેના પત્રવ્યવહારમાં ‘ડીયર દીવાનજી સાહેબ’ માટે છલકાતો વિવેકાનંદનો આદર સ્પષ્ટપણે પામી શકાય છે.
સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વધર્મપરિષદ (૧૮૯૩)માં ગયા અને ત્યાં એમણે હિંદુ ધર્મનો ડંકો વગાડી દીધો, તેની વિજયગાથાઓ સૌ જાણે છે, પણ સ્વામી પોતે અમેરિકામાં કેવી લાગણી અનુભવતા હતા? દીવાન હરિદાસ પરના પત્રમાં તેમણે લખ્યું હતું, ‘પીઠ પાછળ કુથલી કરનારા લોકોએ મને ભારે નુકસાન પહોંચાડ્યું છે. (અમેરિકાના) હિંદુઓએ મારા તરફ આંગળી ચીંધીને અમેરિકનોને એટલું પણ કહ્યું નથી કે હું તેમનો પ્રતિનિધિ છું. મારા પ્રત્યે આટલો સદ્ભાવ રાખનારા અમેરિકનોને આપણા લોકોએ કાશ, આભારના બે શબ્દો કહ્યા હોત અને હું તેમનું પ્રતિનિધિત્વ કરું છું એટલું કહ્યું હોત... મારા વિશે એવું પણ કહેવામાં આવે છે કે મેં અમેરિકા પૂરતો જ સન્યાસીનો વેશ ધારણ કર્યો છે અને હું ઘૂતારો છું. આ પ્રચારથી અમેરિકામાં મને મળેલા આવકારમાં કશો ફરક પડ્યો નથી, પણ આર્થિક મદદની વાત કરીએ તો તેની પર (આ પ્રચારની) ભયંકર અસર પડી છે. હું એક વર્ષથી અહીં છું, છતાં હું ઘુતારો નથી એટલું અમેરિકનોને કહેવાની પણ ભારતના એકેય મોટા માણસે તસ્દી લીધી નથી. મિશનરીઓ હંમેશાં મારી વિરુદ્ધનો મસાલો શોધતા હોય છે અને ભારતનાં ખ્રિસ્તી પેપરોમાં મારા વિરુદ્ધ જે કંઇ છપાય તે અહીં છાપી મારે છે..’ (૨૦-૬-૧૮૮૪, શિકાગો)
આ જ પત્રમાં સ્વામી વિવેકાનંદે અમેરિકા જવા માટેનો પ્રાથમિક હેતુ ‘પોતાના સાહસ માટે નાણાંકીય ભંડોળ ઊભું કરવા માટે’ - એવો જણાવ્યો છે. કયું સાહસ? એની સ્વામીએ દીવાન હરિદાસ સમક્ષ લાંબી પ્રસ્તાવના બાંધી હતી. ‘પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો આખો ફરક જ આ છેઃ એ ‘નેશન’ છે ને આપણે નથી. એમની સંસ્કૃતિ, એમનું શિક્ષણ સર્વસામાન્ય છે અને જનસમુદાય સુધી પહોંચે છે. ભારત અને અમેરિકાના ઉચ્ચ વર્ગો સરખા છે, પણ બન્નેના નીચલા વર્ગો વચ્ચે અનંત અંતર છે.’
આમ થવાનું કારણ આપતાં સ્વામીએ લખ્યું કે ભારતમાં મહાન માણસોની કમી છે. કારણ કે પ્રતિભા સમાજના બહુ મર્યાદિત એવા ઉપલા વર્ગમાંથી આવે છે. ભારતની આવી ખરાબ સ્થિતિ માટે સ્વામીએ શિક્ષણના અભાવને કારણભૂત ગણાવ્યો. નવાઇની વાત છે કે વિશ્લેષણમાં છેક આટલે સુધી આવેલા સ્વામીએ જ્ઞાતિપ્રથા જેવા મહત્ત્વના અને પ્રતિભા રૂંધનારા પરિબળનો ઉલ્લેખ સુદ્ધાં પત્રમાં કર્યો નહીં. (અમેરિકામાં કાળા લોકોની બદતર દશા વિશે પણ તેમણે પત્રોમાં કશું લખ્યું ન હતું.)
શિક્ષણને જ સર્વસ્વ ગણાવીને તેમણે બીજી બધી સુધારાપ્રવૃત્તિ ગૌણ ગણાવતાં દીવાન હરિદાસને લખ્યું, ‘લોકોને તેમની વ્યક્તિગત ઓળખ પાછી આપવાની છે. તેમને શિક્ષિત બનાવવાના છે. મૂર્તિઓ રહે કે જાય, વિધવાઓને પતિ મળે કે ન મળે, તેમની જ્ઞાતિ સારી હોય કે ખરાબ, એ બધા સવાલો સાથે મારે કશી નિસબત નથી. દરેકે પોતાના ઉદ્ધાર માટે કામ કરવું જોઇએ. આપણે તેના માટે જરૂરી વાતાવરણ પેદા કરી આપવું જોઇએ...તેમના દિમાગમાં વિચારો મૂકી દઇએ એટલે બાકીનું તે કરી લેશે. તેનો અર્થ એટલો જ કે જનસમુદાયને શિક્ષિત બનાવવો પડે.’ અને એ કામ માટે તેમને નાણાંની જરૂર હતી.
કારણ કે, તેમના તર્ક પ્રમાણે, લોકો શિક્ષણ સુધી ન પહોંચી શકે, તો શિક્ષણને લોકો સુધી પહોંચાડવું. ‘ગરીબ સરકાર તેમાં કશું કરી શકશે નહીં. એટલે એ દિશામાંથી કોઇ મદદની અપેક્ષા રખાય એમ નથી. ધારો કે દરેક ગામમાં શાળા ખોલીએ તો પણ ગરીબનું બાળક ત્યાં જવાને બદલે ખેતરે મજૂરીએ જશે. આપણી પાસે એટલાં નાણાં નથી અને તેમને શિક્ષણ સુધી પહોંચાડી શકતા નથી. અનંત લાગતી આ સમસ્યાનો મને ઉકેલ જડ્યો છે. મહંમદ માઉન્ટન પાસે ન જાય, તો માઉન્ટને મહંમદ પાસે જવું પડે. ગરીબો શિક્ષણ સુધી ન પહોંચી શકે, તો શિક્ષણે ગરીબો પાસે ખેતરોમાં, ફેક્ટરીઓમાં, બધે પહોંચવું પડે...તમે મારા ભાઇઓ (સન્યાસીઓ)ને જોયા છે. એ લોકો નિઃસ્વાર્થ, ભલા અને ભણેલા હોય છે. આ લોકો ગામેગામ, ઘરેઘરે ફક્ત ધર્મ જ નહીં, શિક્ષણ પણ લઇને જાય. (એવી જ રીતે) બહેનોને શિક્ષણ આપવા વિધવાઓનો ઉપયોગ થઇ શકે.’
સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું કે આ રીતે સન્યાસીઓ ગામેગામ ફરે અને દિવસનું કામ પરવારીને ઝાડ નીચે બેઠેલા ગામલોકોને તસવીરો, નકશા, પૃથ્વીનો ગોળો, દૂરબીન જેવાં સાધનોની મદદથી શિક્ષણ આપે. આવું કામ સન્યાસીઓ ધાર્મિક ઉત્સાહથી દોરાઇને ઉપાડી લેશે એવું પણ તેમને લાગતું હતું. અલબત્ત, આ કામ સુધારાની કોઇ ચળવળથી ન થાય. હિંદુ ધર્મમાં સુધારો હિંદુ ધર્મ થકી જ આણી શકાય, એવી માન્યતા તેમણે પત્રમાં વ્યક્ત કરી. આ ઝુંબેશના કેન્દ્રસ્થાને એક ‘ગૉડ-મેન’ હોય એવી તેમની કલ્પના હતી અને એ ‘ગૉડ-મેન’ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસ છે, એની તેમને શિષ્યસહજ ખાતરી પણ હતી. તેમણે લખ્યું કે, ‘રામકૃષ્ણ પરમહંસની ફરતે (શિષ્યોનું) વર્તુળ ધીમે ધીમે વધી રહ્યું છે. એ કામ કરશે, પણ દીવાનજી મહારાજ, આ કામ માટે સંગઠન, નાણાં જોઇએ- આ કામનું ચક્કર ચાલુ કરવા પૂરતાં તો જોઇએ જ. ભારતમાં અમને કોણ મદદ કરવાનું હતું? એટલે, દીવાનજી મહારાજ, હું અમેરિકા આવ્યો છું.’
‘આમ તો મારે જાત વિશે બહુ ઊંચો અભિપ્રાય વ્યક્ત કરવાનો ન હોય, પણ તમારા પ્રેમ અને વિશ્વાસને કારણે મારે તમને કહેવું પડે’ એમ લખીને સ્વામી વિવેકાનંદે અમેરિકામાં પોતાની ભવ્ય સફળતા વિશે પણ દીવાન હરિદાસને વિગતે લખ્યું હતું અને કહ્યું હતું કે વધારે માહિતી તમને વીરચંદ ગાંધી પાસેથી મળશે.
મહુવાના વીરચંદ ગાંધી (૧૮૬૪-૧૯૦૧) જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે શિકાગોની વિશ્વધર્મપરિષદમાં ભાગ લેવા ગયા હતા. આ પરિષદમાં તે એકમાત્ર ગુજરાતી હતા. તેમના વિશે સ્વામીએ દીવાનને લખ્યું હતું,‘આટલી ઠંડીમાં તે શાકભાજી સિવાય કંઇ લેતા નથી. પોતાના દેશ અને દેશવાસીઓનો બચાવ કરવા એ બઘું કરી છૂટે છે. આ દેશના લોકોને પણ તે ગમે છે, પણ તેમને અહીં મોકલનારા શું કરે છે? એ લોકો તેમને નાતબહાર મૂકવા પ્રયાસ કરી રહ્યા છે. ઇર્ષ્યા એ ગુલામોમાં પેદા થતું દૂષણ છે. એ તેમને નીચે (દબાયેલા) જ રાખે છે.’
સ્વામી વિવેકાનંદ/Vivekanand સાથે વીરચંદ ગાંધી (છેક જમણે)/ Virchand Gandhi at Chicago |
સ્વામી અમેરિકા હતા ત્યારે દીવાન હરિદાસ પત્રો સિવાય પણ પોતાની લાગણી વ્યક્ત કરતા હતા. એક વાર તે સ્વામીની ગેરહાજરીમાં તેમનાં માતા અને ભાઇઓના ખબરઅંતર પૂછી આવ્યા હતા. એ સમાચાર જાણીને સ્વામીએ દીવાનને લખ્યું હતું કે ‘હું નિષ્ઠુર માણસ નથી. દુનિયામાં હું જો કોઇ એક વ્યક્તિને ચાહતો હોઉં તે એ મારી મા છે.’(૨૯-૧-૧૮૯૪) પણ સન્યાસ લીધા પછી તે સાંસારિક બંધનોથી અલિપ્ત રહેવા ઇચ્છતા હતા. સપ્ટેમ્બર, ૧૮૯૩ (કે ૧૮૯૪)ના એક ટૂંકા પત્રમાં તેમણે દીવાન હરિદાસને લખ્યું હતું,‘તમારી ભલમનસાઇ છે કે તમે (અમેરિકામાં) કોઇને મારાં ખબરઅંતર અને સગવડસુવિધા પૂછવા મોકલ્યા. એ તમારા પિતૃવત્ ચરિત્રનો આબાદ નમૂનો છે...’
દીવાન હરિદાસનું ૧૮૯૫માં અવસાન થયા પછી, માર્ચ ૨, ૧૮૯૬ના રોજ સ્વામી વિવેકાનંદે હરિદાસના ભત્રીજા ગિરીધારીદાસ મંગળદાસને ન્યૂયોર્કથી ટૂંકો શોકસંદેશો મોકલ્યો. તેમણે લખ્યું હતું, ‘તમારા કાકા મહાન આત્મા હતા. તેમનું આખું જીવન દેશનું ભલું કરવામાં સમર્પીત હતું. તમે પણ એમના રસ્તે અનુસરશો એવી આશા રાખું છું. આ શિયાળામાં હું ભારત પાછો આવી રહ્યો છું અને હરિભાઇને હું ફરી વાર નહીં મળી શકું એ બાબતનું દુઃખ (શબ્દોમાં) વ્યક્ત કરી શકું એમ નથી. એ મજબૂત અને ઉમદા મિત્ર હતા. તેમના અવસાનથી ભારતે ઘણું ગુમાવ્યું છે.’
‘તમારા કુટુંબનો હંમેશનો શુભચિંતક- વિવેકાનંદ’થી પૂરો થતો એ પત્ર સ્વામી-દીવાનના પાંચ વર્ષના સંબંધનો આખરી દસ્તાવેજ હતો. ત્યાર પછી સમયની સાથે એ સંબંધ એવો વિસરાઇ ગયો કે ગુજરાતમાં સ્વામીની દોઢસોમી જયંતિ ઉજવાતી હોય, તો પણ એ યાદ ન આવે.