‘ગોળ વિના મોળો કંસાર, અવતરણ વિના સૂનો સંસાર’- આવી કહેવત સમજુ ગુજરાતી વાચકોએ સાંભળી નહીં હોય તો, અત્યાર સુધીમાં જાતે બનાવી કાઢી હશે. ‘ગોળ નાખો એટલું ગળ્યું થાય’ એવા શાણપણને અનુસરીને, ઘણાં ગુજરાતી લખાણોમાં અવતરણો નાખીને તેમને સ્વાદાનુસાર ગળચટ્ટાં, તીખાં કે કડવાં બનાવવામાં આવે છે. ‘ગોળ હોય ત્યાં કીડીઓ ભેગી થઇ જાય’ તેમ, લેખકઝુંડ સારાં અવતરણોની ફરતે કીડીઓની જેમ ચોંટેલું હોય છે.
ગોળ અને અવતરણ વચ્ચેનો આ સંબંધ આગળ વધારતાં કહી શકાય કે ગોળ ગોળ વાતો કરનારા માટે અવતરણનો રસ્તો ઉત્તમ છે. પુરાણકથાઓમાં ‘અવતરણ’ જેવો શબ્દ ‘ગંગાવતરણ’ (સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ) જેવા સંદર્ભે વપરાતો. એ અર્થમાં કહી શકાય કે ગુજરાતીમાં ઘણાએ અવતરણોની મૂડી પર લેખનક્ષેત્રે અવતરણ કર્યું છે અને એ અર્થમાં ‘અવતારી’ બન્યા છે.
‘અવતરણ’ કાશ્મીરના રસ્તે સફરજનનાં ઝાડ પર ઉગેલાં સફરજન જેવાં કે પાડોશમાં ઉગેલા જાંબુના ઝાડ પર થતાં જાંબુ જેવાં છે. આપણી માલિકીનાં ન હોવા છતાં તેમને બિનધાસ્ત તોડી, ખાઇ અને વહેંચી શકાય છે. કોઇ એમ નથી કહેતું કે તમે ચોરી કરી. અવતરણ ટાંકનારાના વિવિધ પ્રકાર હોય છે. કેટલાક એટલી અધિકૃતતાથી અને માલિકીભાવ સાથે અવતરણ ટાંકે છે, જાણે મહાન હસ્તીએ આ વાત તેમના કાનમાં કહી હોય અને તેને જગતભરમાં ફેલાવવાનો આદેશ આપ્યો હોય. અમુક લોકોનો દેખાવ એવો હોય છે, જાણે તે હીરાની ખાણની માફક અવતરણોની ખાણમાં ઊંડે ઉતર્યા, કેટલોય પસીનો વહાવ્યો, અગવડ વેઠી, મહેનત કરી અને છેવટે હીરાનો આ ટુકડો લઇ આવ્યા છે. તેમનું ચાલે તો એ મૂળ અવતરણ આપનાર કરતાં પણ વધારે જશ માગે.
અવતરણ-બહાદુરોનો એક વર્ગ વાચકો સમક્ષ ‘જુઓ, જુઓ, હું કેટલું બઘું વાંચું છું’ એવું દર્શાવવા માટે અવતરણો ટાંક્યા કરે છે અને એવું માની લે છે કે વાચકો તેમનો દાવો માની જશે. માહિતીલેખોમાં માહિતી પૂરવા માટે અવતરણો અનિવાર્ય હોઇ શકે છે, તો ચિંતનલેખમાં અસલી ચિંતનની કસર પૂરવા માટે અવતરણો અનિવાર્ય બની જાય છે. એ વિના ચિંતનને અને ‘ચિંતક’ને કોઇ ગંભીરતાથી લેતું નથી. ચિંતનલેખો સાથે છપાતી ચિંતકોની ચિંતાતુર તસવીરો જોઇને ઘણા વાચકો સહાનુભૂતિપૂર્વક વિચારે છે, ‘આગામી લેખમાં કયાં અવતરણ ફટકારવાં, એની આ લોકોને કેટલી બધી ચિંતા છે...ખરેખર, લેખન અને તેમાં પણ ચિંતનલેખન બહુ અઘરું કામ છે.’
આત્મવિશ્વાસથી છલકાતા લોકો બીજાનાં અવતરણ વાપરવાને બદલે પોતાનાં જ અવતરણ તરતાં મૂકે છે. વધારે રીઢા લેખકો પોતાનાં અવતરણ બીજા મહાન લોકોના નામે રજૂ કરી દે છે. સફરજન ખાનારને એ કઇ વાડીમાં ઉગ્યાં તે જાણવાની પરવા હોતી નથી તેમ, અવતરણનો આનંદ લેવા ટેવાયેલા વાચકોને તે કોનું છે અને ખરેખર જેના નામે ચડ્યું તેનું છે કે નહીં, એ બધી પંચાતમાં રસ પડતો નથી. તેને તો બસ અવતરણ-લોલીપોપ મળી જાય એટલે તે રાજી.
ગુજરાતી લેખનમાં અવતરણોની બોલબોલાને એ જ શૈલીમાં અંજલિ આપવાનો એક પ્રયાસ.
***
થોમસ કાર્લાઇલે કહ્યું છે કે ‘આ જગતમાંથી મારે એક જ વાર પસાર થવાનું હોય તો શક્ય એટલાં વઘુ અવતરણો શા માટે ન ટાંકી લઉં?’ બર્નાડ શૉનું જાણીતું વિધાન છે, ‘કોઇ પણ લેખને હળવો છતાં ગહન, બકવાસ છતાં બોધપ્રદ, છીછરો છતાં વિદ્વત્તાપૂર્ણ દેખાડવો હોય તો મારાં અવતરણ વાપરવાં.’ બટ્રાન્ડ રસેલે જો કે કહ્યું હતું કે ‘બર્નાડ શૉના નામે ચઢેલાં બધાં અવતરણ તેનાં હોય એમ માનવું નહીં.’
વિન્સ્ટન્ટ ચર્ચિલે એક સભામાં કહ્યું હતું. ‘મહાન યોદ્ધાઓ જેવી રીતે વિવિધ શસ્ત્રો પ્રયોજીને શત્રુને મહાત કરે છે, તેમ નબળા લેખકો સારાં અવતરણો વડે વાચકોને જીતવાનો પ્રયાસ કરે છે.’ માર્ક ટ્વેને જોકે આડેધડ અવતરણો ટાંકવાની પ્રવૃત્તિને ‘શસ્ત્રો વડે’ નહીં, પણ ‘અસ્ત્રા વડે’ થતી પ્રવૃત્તિ સાથે સરખાવી છે.
આલ્બેર કામુએ કહ્યું છે કે ‘જેમ ગોળ વિના ચીકીનું, તેમ અવતરણો વિના ચિંતનલેખોનું અસ્તિત્ત્વ શક્ય નથી.’ એમર્સન કહી ગયો છે કે ‘અવતરણો વાંચવાનો બહુ શોખ હોય તો અવતરણો ભભરાવેલા લેખોને બદલે અવતરણોનાં સંપાદનો જ શા માટે ન વાંચવાં?’ ખાણીપીણીના શોખીન શેક્સપિયરે પોતાના જીવનકાળમાં એકમાત્ર વાર લીધેલી સુરતની મુલાકાત દરમિયાન કહ્યું હતું, ‘અવતરણ ટાંકનારા લોકો બે પ્રકારના હોય છેઃ ઉંધિયામાંથી નીકળતા તેલના રેલાની જેમ, મોટા ભાગના લેખોમાંથી અવતરણોના રેલા નીકળતા હોય છે. કેટલાક જ લેખો એવા હોય છે જેમાં,જલેબીમાં ભળેલી ચાસણીની જેમ, અવતરણો લેખ સાથે એકરસ થઇ ગયાં હોય.’ કેટલાક લોકો આ અવતરણ તરલા દલાલનું હોવાનું માને છે, પણ શેક્સપિયરે જ કહ્યું છે કે ‘નામમાં શું બળ્યું છે? આપણે અવતરણ સાથે મતલબ છે કે તેના અસલી લેખક સાથે?’ તૈતરીય ઉપનિષદમાં કહ્યું છે કે ‘જીવ અને શિવ જેમ જુદા નથી, તેવું જ અવતરણના અસલી લેખક અને તેના ટાંકનાર વિશે ગણવું.’
મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ‘હુંસાતુંસીની બાબતમાં કોશિયાને પણ શરમાવે એવા મહાનુભાવોને ગમે તે જ ખરું સાહિત્ય.’ આ અવતરણમાં ઘસારો થતાં થતાં તેનું વર્તમાન સ્વરૂપ પ્રચલિત બન્યું. આચાર્ય રજનીશે વાતેવાતે અવતરણો ઉતરતા લેખકો-વક્તાઓ વિશે મુલ્લા નસીરુદ્દીનની એક કથા ટાંકી હતી. ‘લોકપ્રિય વક્તાનું પ્રવચન ચાલતું હતું. એક પછી એક અવતરણોનો ગંજ તેમણે શ્રોતાઓ પર ખડકી દીધો. આયોજકોની સમિતિમાં મુલ્લા નસીરુદ્દીન પણ હતા. કાર્યક્રમ પૂરો થયો, એટલે મુલ્લાએ નક્કી થયેલા પુરસ્કાર કરતાં અડધી રકમ વક્તાને ધરી. વક્તાને ગુસ્સે થઇને કહ્યું કે ‘આપણે તો આનાથી બમણા પુરસ્કારની વાત થઇ હતી.’ મુલ્લાએ ટાઢકથી કહ્યું, ‘ખરી વાત છે, પણ એ તો ‘તમારા’ પ્રવચન માટે. તમે જે કંઇ બોલ્યા એમાંથી અડધોઅડધ તો બીજાનું હતું. એનો પુરસ્કાર અમે એ લોકોને મોકલી આપીશું.’ અલબત્ત, મુલ્લા નસીરુદ્દીનના જીવન પર પી.એચડી. થયેલા એક વિદ્વાને કહ્યું છે કે ‘આવો કોઇ પ્રસંગ મુલ્લાના જીવનકાળમાં નોંધાયો હોય એવું જાણમાં નથી.’
ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે ‘તારું કામ આંખ મીંચીને અવતરણ ટાંકવાનું છે. તેના ઔચિત્યની ચિંતા તું મારી પર છોડી દે.’ પરંતુ નીત્શેએ કહ્યું છે,‘ભગવાનના રવાડે ચડશો તો મરવી નાખશે. એ તો કહ્યા કરે, પણ પરિણામો આપણે જ ભોગવવાનાં છે.’ ખલીલ જિબ્રાને પણ આ જ વાત જરા જુદા શબ્દોમાં કહી છે,‘માણસે અહીંનાં કરેલાં અહીં જ ભોગવવાં પડે છે. મારા નામે ખરાં-ખોટાં, પ્રસ્તુત-અપ્રસ્તુત અવતરણો ફટકારનારા સૌએ આ વાત યાદ રાખવી.’
ઉમર ખૈયામે તેમની એક ઓછી જાણીતી રુબાઇમાં લખ્યું છે,‘ સારાં અવતરણોની એક ચોપડી, કાગળ-પેન અને કાગળ જેવું જ કોરું મગજ ધરાવતા થોડા વફાદાર વાચકો- આટલું મળી જાય તો લેખકોને જન્નતની પણ શી પરવા!’
આ અંગે તમારે કંઇ કહેવું છે?
મઝા પડી..... :)
ReplyDelete"ઉમર ખૈયામે તેમની એક ઓછી જાણીતી રુબાઇમાં લખ્યું છે,‘ સારાં અવતરણોની એક ચોપડી, કાગળ-પેન અને કાગળ જેવું જ કોરું મગજ ધરાવતા થોડા વફાદાર વાચકો- આટલું મળી જાય તો લેખકોને જન્નતની પણ શી પરવા!’"
ReplyDeleteકમનસીબે લોકો હવે અવતરણો ટાંકે તો મૂળ વ્યક્તિ ની જશ પણ આપતા નથી.. It's "professional" world now!!...
Superb Urvish. I have been guilty in the recent past of saving one of my advertising headlines through some dubious colleagues in the manner you have quoted above. After scribbling a whole lot of headlines for an ad which didn't get through, I decided to have some (perverse indeed) fun for the heck of it, by crafting a 'quote-like' headline and putting 'Einstein' underneath it. Our friends were sufficiently fooled and you should have seen the red faces when I finally let the bomb drop on them slowly!
ReplyDeletea few seconds ago · Like
nice one
ReplyDeletespecially second par
અવતરણોને બ્રેક લાગશે તો બ્લોગનું સાહિત્ય સર્જન અડધું થઈ જશે !
ReplyDeleteશું કહો છો ?