V.Kurien (L), Dr.Rajendra Prasad (R) performing Bhoomi poojan of Amul dairy |
ગુજરાતની શ્વેતક્રાંતિના સહસર્જક અને રાષ્ટ્રિય સ્તરે ‘ઓપરેશન ફ્લડ’ના પ્રણેતા વી.કુરિયને રવિવારે (9-9-2012) વહેલી સવારે વિદાય લીધી. ભારતમાં સહકારી ડેરીઉદ્યોગનો પર્યાય બનેલા ડો.કુરિયને ૯૦ વર્ષના દીર્ઘ આયુષ્યમાં ઘણી ચઢતીપડતી જોઇ, પરંતુ ઇતિહાસ તેમને - અને ત્રિભુવનદાસ પટેલને- ‘અમૂલ’ક્રાંતિના સર્જકો તરીકે યાદ રાખશે.
સરદાર પટેલના આશીર્વાદથી ત્રિભુવનદાસ પટેલે ૧૯૪૬માં ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’ની સ્થાપના કરી, ત્યારે કેરળમાં જન્મેલા કુરિયન/ Verghese Kurien અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં ભણતા હતા. ડેરી એન્જિનિયરિગના અભ્યાસ માટેની સરકારી સ્કોલરશિપ લઇને તે અમેરિકા પહોંચ્યા હતા, પણ ત્યાં એમણે મિકેનિકલ એન્જિનિયરિગના મુખ્ય વિષય સાથે માસ્ટર્સ ડિગ્રી મેળવી. એન્જિનિયરિગનો વિષય ભણતરમાં તેમણે ગૌણ રાખ્યો, પણ તેમના જીવનમાં એ મુખ્ય બની રહેવાનો હતો.
ક્રાંતિની દિશામાં અનાયાસ કદમ
ભારત પાછા આવીને સરકારી સ્કોલરશિપનું ૠણ ઉતારવા માટે તે શરત પ્રમાણે ૧૯૪૯માં ભારત આવ્યા અને આણંદની ‘ઇન્ડિયન રીસર્ચ ક્રીમરી’માં મહિને રૂ.૨૭૫ના પગારે નોકરીએ લાગ્યા. એ વખતે બીજા કોઇ પણ યુવાનની જેમ તેમના મનમાં એક જ ખ્યાલ હતોઃ સરકારી દેવું ઉતાર્યા પછી સારી જગ્યાએ ગોઠવાઇ જવું. કેરળના કાલિકટમાં નવેમ્બર ૨૬,૧૯૨૧ના રોજ જન્મેલા કુરિયનને ત્યારે જરા સરખો પણ અંદાજ ન હતો કે તેમનું બાકીનું આખું જીવન આણંદમાં જ વીતવાનું છે.
‘ઇન્ડિયન રીસર્ચ ક્રીમરી’ની નોકરી દરમિયાન તેમનો સંપર્ક ત્રિભુવનદાસ પટેલ/ Tribhuvandas Patel સાથે થયો. તેમના આગ્રહથી કુરિયન ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’માં જોડાયા, ત્યારે સંઘનું ગાડું ચીલે ચઢ્યું ન હતું. સંઘ પાસે પોતાનો પ્લાન્ટ ખરીદવાનાં નાણાં ન હતાં. તેના કારણે ઉઘરાવેલું દૂધ સાચવી રાખવામાં મુશ્કેલી પડતી હતી. એક ખખડી ગયેલો પ્લાન્ટ મળ્યો, પણ તેનાથી શ્વેત ક્રાંતિ કરવાનું સ્વપ્ન શેખચલ્લીનાં દીવાસ્વપ્નો જેવું હતું.
Dr.Kurien & Tribhuvandas Patel |
કુરિયનના મનમાં એ વખતે ક્રાંતિનો કોઇ ખ્યાલ ન હતો. તેમણે સીધી વાત કરી કે મહિને રૂ.૬૦૦ પગાર આપો તો હું રોકાઇ જઉં.
ત્રિભુવનદાસ કચવાયા. રૂપિયાનો પ્રશ્ન તો હતો જ અને કુરિયન જેવા તેજસ્વી યુવાનને જવા દેવાનું ગમતું ન હતું. તેમણે વચલો રસ્તો કાઢ્યો, ‘આટલો પગાર કાયમ આપવાનું તો અમારા માટે શક્ય નથી, પણ મશીનરી બે મહિનામાં ગોઠવાઇ જશે. ત્યાં સુધી તું રોકાઇ જા. એટલા કામના તને મહિને રૂ.૬૦૦ આપીશું.’
બસ, એ વખતે કુરિયન રોકાઇ ગયા તે રોકાઇ ગયા. બે મહિનામાં ત્રિભુવનદાસે કુરિયનની શક્તિઓ જોઇ લીધી હતી. એટલે ફરી કુરિયન જવાની વાત કરે તે પહેલાં જ તેમનો પગાર વધારીને મહિને રૂ.૭૦૦ કરી દેવામાં આવ્યો અને એપ્રિલ ૧, ૧૯૫૦થી કુરિયન ‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’ના મેનેજર બન્યા. એ વર્ષે તેમણે મિશિગન યુનિવર્સિટીના પોતાના સાથીદાર- ડેરી ટેકનોલોજિસ્ટ દલાયાને પણ આણંદ બોલાવી લીધા.
L to R ; Dr. Kurien, Tribhuvandas Patel, Dalaya |
‘અમૂલ મોડેલ’ અને ‘ઓપરેશન ફ્લડ’
સહકારી સંઘની બ્રાન્ડ તરીકે ‘અમૂલ’ની શરૂઆત અને તેની ઝળહળતી સફળતામાં કુરિયનનો મોટો ફાળો હતો. ‘અમૂલ’ની શરૂઆત થઇ ત્યારે પારસીની માલિકીની ખાનગી ડેરી પોલ્સનનું એકહથ્થુ વર્ચસ્વ હતું. સરદાર પટેલે ખાનગી ડેરીઓનું શોષણચક્ર અટકાવવા માટે સહકારી મંડળીને આશીર્વાદ આપ્યા હતા. ‘અમૂલ’ની સહકારી શક્તિ સામે જોતજોતાંમાં પોલ્સનનો યુગ આથમી ગયો અને ‘અમૂલ’નાં ઉત્પાદનો વધતાં રહ્યાં. ભેંસના દૂધમાંથી કન્ડેન્સ્ડ મિલ્ક અને મિલ્ક પાવડર બનાવીને ‘અમૂલ’ મસમોટી બહુરાષ્ટ્રિય કંપનીઓ ‘નેસ્લે’ અને ‘ગ્લેક્સો’ની હરીફાઇમાં આવી ગઇ. સાઠનો દાયકો આવતાં સુધીમાં ચીઝ અને બેબીફૂડ પણ ‘અમૂલ’ની ડેરીમાં બનવા લાગ્યાં.
Megsaysay Winners (L to R) Kurodi, Kurien, Tribhunvandas couples |
ગામડાંના સ્તરે સહકારી મંડળીઓ એકજૂથ કરીને ‘અમૂલ’ થકી ક્રાંતિ આણવા બદલ ત્રિભુવનદાસ અને કુરિયનની યોગ્ય સમયે યોગ્ય કદર પણ થઇ. પ્રતિષ્ઠિત મેગ્સાયસાય સન્માન ત્રિભુવનદાસ અને કુરિયનને છેક ૧૯૬૩માં મળી ચૂક્યું હતું. મુંબઇમાં દૂધના પ્રોસેસિગ અને વિતરણની વ્યવસ્થા ગોઠવનાર પારસી કમિશનર દારા ખારોડીને પણ તેમની સાથે જ એ સન્માન એનાયત થયું હતું. ભારતનાં નાગરિક સન્માનો ગરીમાપૂર્ણ ગણાતાં હતાં, ત્યારે ૧૯૬૫માં બન્ને ક્રાંતિસર્જકોને ‘પદ્મશ્રી’ અને ૧૯૬૬માં તેમને બન્નેને ‘પદ્મભૂષણ’નાં સન્માન મળ્યાં. ‘અમૂલ’ ફક્ત સ્થાનિક સફળતા ન બનતાં, તે રાષ્ટ્રિય સ્તરે સહકારી ક્ષેત્રનું ‘અમૂલ મોડેલ’ બની રહી. ત્રિભુવનદાસ પટેલની સામાજિક આગેવાની અને ડો.કુરિયનની વહીવટી ક્ષમતા-દૃષ્ટિને લીધે ભારતમાં સહકારી ડેરીઉદ્યોગનાં મૂળીયાં મજબૂત થયાં અને શાખાઓ વિસ્તરી. ૧૯૭૩-૭૪માં પહેલી પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે ડેરીઉદ્યોગ માટે રૂ.૫૦૦ કરોડ ફાળવ્યા તે ત્રિભુવનદાસ-કુરિયનના ‘અમૂલ મોડેલ’ની સફળતાનું પરિણામ હતું.
L to R : Maniben Patel, Indira Gandhi, Prime Minister Nehru, V.Kurien at dairy |
ઉત્તરાવસ્થા અને અસ્ત
શ્વેતક્રાંતિના સહસર્જક ત્રિભુવનદાસ પટેલ વેળાસર અને ગરીમાપૂર્વક નિવૃત્ત થઇ શક્યા, પરંતુ ડો.કુરિયનના કિસ્સામાં એ શક્ય બન્યું નહીં. પોતાના કાર્યકાળ દરમિયાન એકહથ્થુ રીતે કામ કરવા ટેવાયેલા ડો.કુરિયનનું પ્રદાન એટલું બહોળું હતું કે તેમની વ્યક્તિગત મર્યાદાઓ ઢંકાઇ જાય. પાછલાં વર્ષોમાં તેમનું નામ ઘણા અપ્રિય વિવાદોમાં પણ સંકળાયું. એન.ડી.ડી.બી.ના અઘ્યક્ષપદેથી ૧૯૯૮માં તે નિવૃત્ત થયા અને તેમનાં જ શિષ્યા (એચ.એમ.પટેલનાં પુત્રી) અમૃતા પટેલે એ હોદ્દો સંભાળ્યો, પણ ગુરૂ-શિષ્યા વચ્ચે કામ અને અભિગમને લઇને સતત મતભેદ ચાલુ રહ્યા. બન્ને વચ્ચેના મતભેદ સિદ્ધાંત પૂરતાં મર્યાદિત પણ ન રહ્યા. ડો.કુરિયને એન.ડી.ડી.બી.નું અઘ્યક્ષપદ છોડ્યું ત્યાર પછી રીતસર જૂથબંધીનું રાજકારણ શરૂ થયું. તે કેવળ ડેરી પૂરતું મર્યાદિત ન રહેલાં ‘ઇરમા’ (ઇન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ) સુધી પહોંચ્યું. એ વખતે ડો.કુરિયન આત્યંતક નિવેદનો અને ઉગ્ર પગલાં દ્વારા સતત પોતાના વિરાટ કદને ઘસારો પહોંચાડતા રહ્યા. ‘ઇરમા’ના ડીરેક્ટરની હકાલપટ્ટીનું પગલું ડો.કુરિયન માટે નામોશીભર્યું નીવડ્યું. કારણ કે અદાલતમાં તે અમાન્ય ઠર્યું અને ડો.કુરિયનના હાથ હેઠા પડ્યા.
આણંદમાં ૨૦૦૪માં યોજાયેલા એક કૃષિમેળા દરમિયાન ડો.કુરિયન અને મુખ્ય મંત્રી મોદી સાથે જાહેરમાં તણખા ઝર્યા હતા. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ચાર ભાગ પાડવાના મુદ્દે ડો.કુરિયને સરકારની ટીકા કરી હતી. ત્યાં સુધીમાં સહકારી ક્ષેત્ર કોંગ્રેસ-ભાજપના રાજકારણથી પણ દૂષિત થઇ ચૂક્યું હતું. એન.ડી.ડી.બી. અને ‘ઇરમા’ની સત્તા છૂટ્યા પછી પણ, ‘અમૂલ’ બ્રાન્ડની માલિકી ધરાવતા ‘ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિગ ફેડરેશન’નું અઘ્યક્ષપદુ ડો.કુરિયને ટકાવી રાખ્યું હતું. છેક ૨૦૦૬માં ૮૫ વર્ષની વયે તેમની સામેનો વિરોધ વ્યાપક બનતાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી. ત્યાર પહેલાં એમણે યુપીએ સરકારમાં ડો.મનમોહન સંિઘ, ચિદમ્બરમ્ ઉપરાંત સોનિયા ગાંધીને પણ કથિત ગેરરીતિઓ વિશે પત્ર લખીને એન.ડી.ડી.બી.માંથી અમૃતા પટેલને દૂર કરવા રજૂઆત મૂકી હતી, પરંતુ તેમનો સમય પૂરો થઇ ચૂક્યો હતો.
૧૯૪૯માં ડો.કુરિયનને રોકાઇ જવાનું કહેનારા ત્રિભુવનકાકાએ ૧૯૯૪માં વિદાય લીધી હતી અને પરિસ્થિતિ એટલી બદલાઇ ચૂકી હતી કે હવે તેમને રોકાઇ જવા કહે એવું કોઇ ન હતું. ડો. કુરિયનના કાર્યકાળનો અંતીમ તબક્કો ભલે સુખદ સ્મૃતિનો ન હોય, પણ તેમનું એકંદર જીવનકાર્ય એટલું નોંધપાત્ર અને વ્યાપક અસરો કરનારું છે કે આઝાદ ભારતના જાહેર ક્ષેત્રના ટોચના અગ્રણીઓમાં ડો.કુરિયનનું નામ તેમના કટ્ટર વિરોધીઓએ પણ મૂકવું પડશે.
(pics courtesy : Tribhuvandas Patel's biography)
Very well said..quite balance..The only missing part is to explain how operation flood has been accepted well in neighboring country also..a fewer things this country appreciates of India -Operation flood is one of them. BTW if sachin can be considered for "Bharat Ratna" why not dr. courien?may be his last deeds stands in the path of this honour.
ReplyDeletevery balanced story and the hint comes right from the very opening phrase itself : 'ગુજરાતની શ્વેતક્રાંતિના સહસર્જક'. many in their haste would have missed the purport behind using the words 'ગુજરાતની' in place of 'ભારતની' and 'સહસર્જક in place of 'સર્જક.
ReplyDelete'ક્રાંતિની દિશામાં અનાયાસ કદમ' - the word 'અનાયાસ' used in this caption hasn't come so 'અનાયાસ' to the writer but it is written very purposefully and obviously after lot of consideratin. Kurien wasn't consciously making a revolution and the following quotes make it absolutely clear :
'એ વખતે બીજા કોઇ પણ યુવાનની જેમ તેમના મનમાં એક જ ખ્યાલ હતોઃ સરકારી દેવું ઉતાર્યા પછી સારી જગ્યાએ ગોઠવાઇ જવું.'
'કુરિયનના મનમાં એ વખતે ક્રાંતિનો કોઇ ખ્યાલ ન હતો. તેમણે સીધી વાત કરી કે મહિને રૂ.૬૦૦ પગાર આપો તો હું રોકાઇ જઉં.
and as we read along till the end, the story proves to be a fitting homage to the man and the mission thrust upon him.
Wonderful perspective and this is what we need; more nuanced obituaries rather than hagiographic pieces which don't add to our understanding. And this man was such a giant in any case that his flaws only prove that he was human after all.
ReplyDeleteસરસ અને સાચે જ છલકાયા વગરની અંજલિ! ડૉ. કુરિયન છેલ્લા દિવસોના વિવાદો ટાળી શકાયા હોત? એ સવાલનો જવાબ ડેરી ઉદ્યોગની ત્રણે સર્વોચ્ચ સંસ્થાઓ એન.ડી.ડી.બી., ફેડરેશન અને ‘ઇરમા’ના આંતરિક પ્રવાહોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જાણનારા કદાચ વધારે સારી રીતે આપી શકે. જે સંસ્થાઓ પોતે ઉભી કરી હોય અને પોતાના હાથ નીચેની જે વ્યક્તિઓને તેનું સુકાન સોંપ્યું હોય એ તેમના કહ્યામાં રહે એવી માનવ સહજ ઇચ્છા હશે કે ખરેખર એ સંસ્થાઓ તેમનો રાહ ચૂકી રહી હતી અને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે તેમને પોતાનું સપનું રોળાતું લાગતું હતું, તેનો નિર્ણય ઇતિહાસ જ કરશે.
ReplyDeleteસાહેબ ડૉ. કુરીયનના મૃતદેહ થી માત્ર ૧૮ કિ.મી. દુર હોવા છતાં અંજલી આપવા ગયા નહીં.. સલીલ દલાલ સાહેબે તેમના બ્લોગ માં જણાવ્યુ તે મુજબ NDDB ની વેબ સાઇટ ઉપર ક્યાંયે કુરીયન નું નામ નથી...
ReplyDeleteઆવી ઘટનાઓ થી સ્વ. કુરીયન આગળ તે વ્યક્તિઓ વામણી દેખાય છે...
His real 'Obituary' lies within the Institutions of NDDB/ Amul. His contribution speaks the facts.
ReplyDelete