બે દિવસ પછી અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ત્રાસવાદી હુમલાની ૧૧મી વરસી આવશે. ‘૯/૧૧’ તરીકે જાણીતી આ દુર્ઘટનાથી પહેલાં અને પછી વિશ્વભરમાં ત્રાસવાદના ઘણા બનાવ બન્યા છે, પરંતુ ખુવારી (૨,૯૭૬નાં મૃત્યુ) અને અસર જેવી ઘણી બાબતોમાં ૯/૧૧ અભૂતપૂર્વ છે. ગંભીરતાની દૃષ્ટિએ તેની સૌથી નજીક આવી શકે એવો ત્રાસવાદી હુમલો મુંબઇ પરનો ગણાય. (૨૬ નવેમ્બર, ૨૦૦૮) કારણ કે આ બન્નેનો આશય થોડી જાનહાનિ કે છૂટાછવાયા ધડાકાનો નહીં, પણ દેશ-દુનિયા પર ત્રાસવાદની ધાક બેસાડી દેવાનો હતો.
મુંબઇમાં ઘૂસી આવેલા દસ ત્રાસવાદીઓમાંથી નવ ભારે આતંક મચાવ્યા પછી માર્યા ગયા અને એકમાત્ર અજમલ કસાબ જીવતો પકડાયો. વ્યાપક લોકલાગણી એવી હતી કે કસાબને ફાંસીએ ચડાવવો જોઇએ કે ફૂંકી મારવો જોઇએ. પરંતુ તેની પાસેથી માહિતી કઢાવવાની હતી. ઉપરાંત, કાયદાનો તકાદો હતો કે કસાબ સામે ન્યાયી રીતે કેસ ચાલે, તેને પોતાના બચાવની તક મળે અને કેસના અંતે ગુનેગાર પુરવાર થયેલા કસાબને મોતની સજા થાય.
ન્યાયપ્રક્રિયા સામેના વિરોધ અને વકીલોના આરંભિક બહિષ્કાર છતાં ૨૦૦૯માં કસાબ સામેની કાનૂની કાર્યવાહી શરૂ થઇ. ૨૦૧૦માં તેને ફાંસીની સજા ફટકારવામાં આવી. મુંબઇ હાઇકોર્ટે ૨૦૧૧માં અને સર્વોચ્ચ અદાલતે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ આ સજા બહાલ રાખી. આમ, લગભગ ચાર વર્ષમાં કસાબ સામેની ન્યાયપ્રક્રિયા સંપૂર્ણપણે વિધિવત્ રીતે પૂરી થઇ. દરમિયાન મુંબઇ જેવા શહેરમાં તેને મજબૂત સુરક્ષા વચ્ચે રાખવા માટે આર્થર રોડ જેલમાં તેની કોટડી પાછળ રૂ.૫.૨૫ કરોડ ખર્ચવામાં આવ્યા. તમામ સુરક્ષા વ્યવસ્થાઓમાં આશરે રૂ.૧૯ કરોડ અને ત્યાં પહેરો ભરતા ઇન્ડો-તિબેટન બોર્ડર ફોર્સના જવાનોના પગાર પેટે રૂ.૧.૨૨ કરોડ ખર્ચાયા. આશરે રૂ.૨૫ કરોડના કુલ ખર્ચમાં કસાબનો મેડિકલ ખર્ચ રૂ.૨૮,૦૬૬ અને ભોજનખર્ચ રૂ.૩૪,૯૭૫ હતો. (મહારાષ્ટ્ર વિધાનસભામાં એપ્રિલ, ૨૦૧૨માં રજૂ થયેલા આંકડા)
દરમિયાન, ૨૦૦૧ના હુમલાના કાવતરાખોર-‘માસ્ટરમાઇન્ડ’ તરીકે ૨૦૦૩માં પકડાયેલા ખાલિદ શેખ મહંમદ અને બીજા ચાર ત્રાસવાદીઓનું અમેરિકાએ શું કર્યું? છેલ્લા સમાચાર પ્રમાણે, પાંચે આરોપીઓ સામેનો મુકદ્દમો શરૂ થતાં પહેલાં યોજાતી સુનાવણીનો વઘુ એક દૌર વાવાઝોડાની આગાહી અને ટ્રેન અકસ્માત પછી ખોરવાયેલી ઇન્ટરનેટ સેવાને કારણે મોકૂફ રહ્યો છે. આ સુનાવણી અમેરિકાની ભૂમિ પર નહીં, પણ ક્યુબામાં અમેરિકન નૌકાદળના ‘ગ્વાન્ટાનમો બે’ મથકમાં યોજાવાની છે. શંકાના આધારે ગોંધી રખાયેલા કેદીઓ અને તેમની પર ગુજારાતા અવનવા અત્યાચારો માટે ‘ગ્વાન્ટાનમો બે’ કુખ્યાત છે.
પાકિસ્તાનમાંથી શેખની ખાલિદ શેખ મહંમદની ધરપકડ થયા પછી થોડો સમય તેને સીઆઇએની ખાનગી જેલોમાં રાખીને, માહિતી કઢાવવા માટે તેને વિવિધ રીતે ત્રાસ આપવામાં આવ્યો. ત્યાર પછી, ૨૦૦૬માં તેને બીજા કેદીઓ સાથે ‘ગ્વાન્ટાનમો બે’માં ખસેડવામાં આવ્યો. એ વખતે બુશ જુનિયર અમેરિકાના પ્રમુખ હતા. ત્રાસવાદવિરોધી લડાઇના નામે તેમણે અમેરિકાના સૈન્યને સતત વિદેશી મોરચે લડતું રાખ્યું. સાથોસાથ, કાનૂની કાર્યવાહી વિના શકમંદો પર સિતમ ગુજારવાની કાર્યવાહીને ચાલવા દીધી.
આખા જગતને લોકશાહીના ઉપદેશો આપતા અને લોકશાહી સ્થાપવાનું બહાનું કાઢીને બીજા દેશો પર આક્રમણ કરી શકતા અમેરિકા માટે ‘ગ્વાન્ટાનમો બે’નું હોવું, એ જ શરમજનક બાબત હતી. રીપબ્લિકન નેતા બુશની બે મુદત પૂરી થયા પછી પ્રમુખપદની ચૂંટણી આવી ત્યારે ડેમોક્રેટ ઉમેદવાર ઓબામાએ વચન આપ્યું કે તે ગ્વાન્ટાનમો જેલ બંધ કરાવશે અને ૯/૧૧ના કાવતરામાં પકડાયેલા ત્રાસવાદીઓને અમેરિકાની અદાલતોમાં ખડા કરશે. તેમના પુરોગામી બુશની પદ્ધતિ આ પ્રકારના ગુનેગારોને લશ્કરી અદાલતમાં ધકેલવાની હતી, પરંતુ ઓબામાએ જાહેર કર્યું હતું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલાખોરોનો ન્યાય અમેરિકાની ધરતી પર સાદી (ફેડરલ) અદાલતમાં જ થશે.
સત્તા પર આવ્યા પછી ઓબામા બન્નમાંથી એકેય વચન પાળી શક્યા નહીં. ૯/૧૧ના આરોપીઓનો કેસ ન્યૂયોર્કના મેનહટ્ટનની અદાલતમાં ચલાવવા સામે શરૂઆતમાં શહેરના મેયર બ્લૂમબર્ગ સહિત થોડા લોકો ઉત્સાહી હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સ્થાનથી થોડે દૂર આવેલી અદાલતમાં તેના અપરાધીઓનો ફેંસલો થાય તેમાં કવિન્યાય પણ જળવાતો હતો. બ્લૂમબર્ગે અંદાજ માંડ્યો હતો કે સલામતી સહિત બધાં પરિબળોને ઘ્યાનમાં રાખતાં, ૯/૧૧ની અદાલતી કાર્યવાહી પાછળ પહેલા વર્ષે ૨૧ કરોડ ડોલર અને પછી દર વર્ષે આશરે ૨૦ કરોડ ડોલરનો ખર્ચ થશે. સવાલ અમેરિકાની અદાલતમાં થતી ન્યાયી કાર્યવાહીનો દાખલો દુનિયા સમક્ષ રજૂ કરવાનો હતો, પરંતુ રીપબ્લિકન સભ્યોને એ મંજૂર ન હતું. ધીમે ધીમે ડેમોક્રેટ સભ્યોનો વિરોધ પણ વધતો ગયો. છેવટે બ્લૂમબર્ગ ફસકી પડ્યા અને રાજકીય દબાણને કારણે ઓબામાએ આ કેસ લશ્કરી અદાલતમાં અને તે પણ ‘ગ્વાન્ટાનમો બે’માં ખસેડવો પડ્યો.
અત્યાચારકેન્દ્ર ગ્વાન્ટાનમોની છાવણીમાં કર્નલ જેમ્સ પોલની અદાલતમાં કેસ પહેલાંની કાર્યવાહી આ વર્ષના મે મહિનામાં શરૂ થઇ. તેમાં બચાવ પક્ષના વકીલે જજને મુદ્દાનો સવાલ પૂછ્યોઃ અહીં ચાલતા કેસમાં આરોપીને અમેરિકાના બંધારણ અંતર્ગત મળતા અધિકારો મળશે? જજ પાસે તેનો સ્પષ્ટ જવાબ ન હતો. તેમણે કહ્યું કે હું વકીલોની દલીલો પછી એ વિશે નક્કી કરીશ.
આરોપીઓ સમક્ષ આરોપનામું રજૂ કરવાની પ્રક્રિયા સાવ ઔપચારિક હોય છે, પણ આરોપીઓ તેમાં વંકાયા. તેમણે ૮૭ પાનાનું આખું આરોપનામું વંચાવવાનો આગ્રહ રાખ્યો. તેમાં બે-અઢી કલાક નીકળી ગયા. આરોપનામું વંચાતું હતું અને સાથે સાથે તેનો અરબીમાં અનુવાદ થત્તો હતો ત્યારે આરોપીઓ અને તેમના વકીલ વચ્ચે વાતો કરતા હતા. આરોપાનામું વંચાવવાની આડોડાઇથી અકળાયેલા જજે બચાવ પક્ષના વકીલને ટકોર કરી કે ‘આ વંચાવો છો તો પછી સાંભળતા કેમ નથી?’ ત્યારે બચાવ પક્ષના વકીલે કહેવું પડ્યું કે ‘આરોપનામું આખું વંચાવવું એ મારો નહીં, મારા અસીલોનો અધિકાર છે.’ અદાલતી કાર્યવાહીમાં ઝોલ પાડવા માટે આરોપીઓ સાંજના ટાઇમે જજ સહિત બધાની અવગણના કરીને, કોર્ટમાં જ નમાઝ પઢવા બેસી ગયા. (૯/૧૧ જેવા ઘાતકી હુમલામાં પોતાની ભૂમિકા કબૂલ કરનારા ગુનેગારો અદાલતોમાં નમાઝ પડીને પોતાની ધાર્મિકતા બતાવે, તો ઇસ્લામની આનાથી વધારે મોટી બદનામી બીજી શી થઇ શકે?)
અદાલતી કાર્યવાહીમાં સમય બગાડવાની આરોપીઓની આડોડાઇને કારણે મૃતકોનાં સગાંવહાલાં રોષે ભરાય છે. બીજી તરફ, ‘ન્યાય એટલે ન્યાય’ના સિદ્ધાંતમાં માનનારા લોકો લશ્કરી અદાલતમાં આ કેસ ચલાવવાના નિર્ણયથી નારાજ છે. ૧૯૯૩માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા પછી આરોપીઓ પર સાદી અદાલતમાં જ કામ ચાલ્યું હતું. સાદી અદાલતોની કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા ભૂતકાળમાં પુરવાર થઇ ચૂકી છે. છતાં ૯/૧૧ના આરોપીઓ માટે લશ્કરી અદાલતનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો, તેનાથી અદાલતી કાર્યવાહીની વિશ્વનીયતા સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. અમેરિકાના લોકો જેની તટસ્થતા વિશે ગૌરવ લઇ શકે એવો ન્યાય ૯/૧૧ના કેસમાં કેમ ન મળે? એવો તેમનો વાંધો છે.
લોકપ્રિય અભિપ્રાયને ભલે એમાં કશું અજૂગતું લાગતું ન હોય, પણ ન્યાયની ઉચ્ચ પરંપરા જાળવવા ઇચ્છતા લોકોને લશ્કરી અદાલત સામે વાંધો છે. લશ્કરી અદાલતમાં કાર્યવાહી દરમિયાન દર્શકો તથા પત્રકારોને જાડા કાચની બીજી બાજુ બેસાડવામાં આવે છે. તે બઘું જોઇ શકે છે ખરા, પણ અંદર જે બોલાયું તે એમને ૪૦ સેકન્ડ પછી સાંભળવા મળે. અદાલતને લાગે કે અમુક વિગતો બહાર જવા દેવી નથી, તો બહાર પ્રસારણ માટે જતા ઓડિયોમાંથી એટલો હિસ્સો કાઢી નાખવામાં આવે છે. તેનો પણ વિરોધ થયો છે. કેસ દરમિયાન આરોપીઓ તેમની પર ગુજારાયેલા ત્રાસની વાત કરે તો એ જાહેરમાં મુકવી કે નહીં, એ મુદ્દે બે છાવણીઓ પડી ગઇ છે. ફરિયાદી પક્ષ તરફથી તૈયાર કરવામાં આવેલા અઢળક દસ્તાવેજો વાંચીને તેના આધારે તૈયારી કરવા માટે બચાવ પક્ષના વકીલોએ સમય માગ્યો છે. બધાં પરિબળોને ઘ્યાનમાં રાખતાં ૯/૧૧ના કેસમાં ચુકાદો આવતાં બીજાં ત્રણ-ચાર વર્ષ - એટલે કે કુલ પંદરેક વર્ષ- નીકળી જાય, એવી આશંકા છે.
સામુહિક હત્યાકાંડના બનાવો પછી ન્યાયમાં વિલંબ થાય ત્યારે ભોગ બનેલા લોકોનાં પરિવારજનો સ્વાભાવિક રીતે જ રોષ અને હતાશાની લાગણી અનુભવે છે, પરંતુ તેનો રાજકીય લાભ ખાટવા ઇચ્છતા - પક્ષીય વફાદારી ધરાવતા લોકોનો કકળાટ સગવડીયો હોય છે. ત્રાસવાદી હુમલાના કેસમાં ન્યાયની ધીમી ગતિ અંગે ફરિયાદ કરતા ‘ન્યાયપ્રિય’ લોકોમાંથી કેટલાને કોમી હિંસાના ન્યાયમાં વિલંબ અને રાજ્ય દ્વારા તેમાં ઉભી કરાતી અડચણો સામે વાંધો પડે છે?
ઘાતકીમાં ઘાતકી ગુનેગારનો યોગ્ય પ્રક્રિયા અનુસરીને અસરકારક રીતે ન્યાય તોળવામાં નામર્દાઇ નહીં, પુખ્તતા અને દેશના ન્યાયતંત્રના માળખાની કસોટી છે. તેમાં પાર ન ઉતરાય તો માળખામાં ફેરફાર કરવાના હોય- તેને બાજુ પર મૂકીને જંગલના ન્યાયના રસ્તે આગળ ન વધાય.
(લશ્કરી અદાલતની કાર્યવાહીનાં બે ચિત્રો ઇન્ટરનેટ પરથી)
9:11 : France અને Germany ના Security Experts Analysis ne અભ્યાસ માં ઉમેરવા થી આંતકવાદ ની ભૂમિકા અને પ્રક્રિયા સમજવા માટે ખુબજ મદદ મળશે.
ReplyDeleteખૂબ અગત્યનો મુદ્દો... કસાબની પાછળ થતો ખર્ચ કમનસીબ છે, પણ આપણી Judiciary હમેશા ન્યાય ની વાત કરે છે... યાદ કરો કે નામદાર કોર્ટે કસાબ માટે વકીલ ની વ્યવસ્થા કરવાનું કહુ હતુ.. કારણકે તેને પણ બચાવ નો અધિકાર છે... ઍ જુદી વાત છે કે કોઈ વકીલ શરૂઆત માં તેનો કેસ લડવા તૈયાર ન્હોતુ...
ReplyDelete