‘જો દિલીપ(કુમાર)ને લટ ન હોત તો?’- આ મથાળું છે ફિલ્મી અખબાર ‘ચિત્રલોક’ દ્વારા ૧૯૫૯માં યોજાયેલી એક લેખન હરીફાઇનું. ૧૨ માર્ચ, ૧૯૫૯ના રોજ જાહેર થયેલા તેના પરિણામમાં જણાવાયા પ્રમાણે ‘કલ્પનાતીત સંખ્યામાં વાચકોએ હરીફાઇમાં ભાગ લીધો હતો.’
પ્રસાર માઘ્યમો રાજેશ ખન્નાને ‘હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા સુપરસ્ટાર’ તરીકે ઓળખાવવા મચી પડ્યાં હોય, ત્યારે દિલીપકુમારની લટ વિશેની લેખનસ્પર્ધા - અને એમાંથી છલકતો દિલીપકુમારનો સુપરસ્ટાર તરીકેનો દરજ્જો- યાદ કરવાનું જરૂરી બની જાય છે.
મીડિયાપ્રેરિત મરણોત્સવ
રાજેશ ખન્નાનું અવસાન ગ્લેમરભૂખ્યાં અને સમાચારભૂખ્યાં પ્રસાર માઘ્યમો માટે મોટો અવસર બની રહ્યું. પહેલી વાર રાજેશ ખન્નાને દાખલ કર્યા ત્યારથી તેમની ‘જીવનઝરમર’ બતાવવાનું શરૂ કરી દેનાર માઘ્યમોને ખન્નાના અવસાનથી જાણે ગોળનું ગાડું મળી ગયું.
પ્રસાર માઘ્યમોને (મુખ્યત્વે ટીવી ચેનલોને) ‘સ્ટોરી’ જોઇએ. સ્ટોરીમાં લાગણીનું તત્ત્વ જેટલું વધારે, એટલી તે વધારે હિટ. એ ન્યાયે બોરકૂવામાં પડી ગયેલા બાળકના જોર ચાર દહાડા ખેંચી શકતી ટીવી ચેનલો રાજેશ ખન્ના જેવાના મૃત્યુનો કસ કાઢવામાં કચાશ રાખે? ચેનલો પર અને પ્રસાર માઘ્યમોમાં ચાલેલી ‘ખન્નાયણ’માં સૌથી મોટો ભોગ લેવાયો હોય તો એ પ્રમાણભાનનો. ચાર દાયકા પહેલાં ચાર-પાંચ વર્ષ માટે સુપરસ્ટારપદ ભોગવનારા રાજેશ ખન્નાને ભવ્ય અંજલિ મળે, તેમના વિશે સાથી કલાકારો વાતો કરે, તેમનાં ગીતો-ફિલ્મો યાદ કરવામાં આવે, એ બઘું બરાબર, પણ તેમનાં ગુણગાન ગાતી વખતે ઇતિહાસ, વાસ્તવિકતા અને પ્રમાણભાનને સદંતર અભરાઇ પર ચડાવી દેવાયાં. થોડાં વર્ષ પહેલાં એક ગુજરાતી પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે આપેલા પ્રવચનમાં કાપકૂપ કરીને તેને ‘રાજેશ ખન્નાના છેલ્લા સંદેશા’ તરીકે ખપાવી દેવામાં આવ્યું. વર્તમાન વિશે આવું બનતું હોય, તો થોડા દૂરના ભૂતકાળની વાત જ ક્યાં રહી?
રાજેશ ખન્નાનું સુપરસ્ટારપદું નિર્વિવાદ છે. તેમની પાછળ છોકરીઓ કેવી ગાંડી હતી ને છોકરીઓ તેમની તસવીરો સાથે લગ્ન કરતી હતી ને લોહીથી કાગળ લખતી હતી- એ બઘું હવે બધા જાણી ચૂક્યા છે- કદાચ તેના અતિરેકથી કંટાળી પણ ચૂક્યા હશે. પરંતુ રાજેશ ખન્નાને ‘હિંદી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર’ કહેવામાં ઘણા પ્રશ્નો થાય.
એ ખરું કે ‘સુપરસ્ટાર’ જેવો શબ્દ પહેલી વાર રાજેશ ખન્ના માટે વપરાયો અને પછી ચાલી નીકળ્યો, પરંતુ આ જાતના શબ્દપ્રયોગો મોટે ભાગે પ્રચારબહાદુરોના ફળદ્રુપ દિમાગની નીપજ હોય છે. એક વાર એવો પ્રયોગ થાય અને તે પકડાઇ જાય, એટલે બીજા લોકો તેને હવામાંથી ઝડપી લે છે. એ રીતે, રાજેશ ખન્ના માટે ‘પહેલા સુપરસ્ટાર’ જેવા વિશેષણનો ઉપયોગ તેમના સમયમાં પ્રચારસામગ્રી પૂરતો ઠીક હતો, પણ એ પ્રયોગ ઇતિહાસની દૃષ્ટિએ પ્રમાણભૂત ગણી શકાય નહીં. એ સુપરસ્ટાર ખરા, પણ પહેલા જરાય નહીં.
રાજેશ ખન્નાને ‘પહેલો સુપરસ્ટાર’ ગણાવનારા લોકો મુખ્યત્વે આટલાં પરિબળો ગણાવે છેઃ
૧. રૂઢિચુસ્તતાના એ સમયમાં પણ છોકરીઓનું રાજેશ ખન્ના પાછળનું પાગલપણું
૨. રોમેન્ટિક ઇમેજ-અદા અને કરિશ્મા.
૩. એ સમયના યુવકો દ્વારા કરાતું ખન્નાની વિવિધ સ્ટાઇલનું અનુકરણ
૪. ફિલ્મોમાં (ભલે પાંચ-છ વર્ષ પૂરતી) પ્રચંડ સફળતા.
૫. તેમની પર પિક્ચરાઇઝ થયેલાં ઉત્તમ ગીત (તેનો ઘણોખરો જશ જોકે ગાયક-સંગીતકાર-ગીતકારનો ગણાય)
શું આ પાચે ગુણનું સંયોજન, પહેલી વાર ફક્ત રાજેશ ખન્નામાં જ થયું હતું?
દાદામુનિની દાદાગીરી
‘સુપરસ્ટાર’ શબ્દ છોડીને, એનો અર્થ પકડીએ તો એ વિશેષણ વાપરવાની શરૂઆત ક્યાંથી કરવી એની મૂંઝવણ થાય. મહાન ગાયક અને અભિનેતા કે.એલ.સહગલની લોકપ્રિયતા-સફળતા અપરંપાર હતી, તેમાં મુખ્ય ફાળો સહગલના અવાજનો હતો. સ્ટુડિયોના એ યુગમાં સહગલ કોલકાતાના ન્યૂ થિએટર્સ સ્ટુડિયોમાં પગારદાર હતા. મુંબઇમાં ૧૯૪૨-૪૩માં ત્રણ ફિલ્મો માટે ‘રણજીત મુવિટોન’ના ચંદુલાલ શાહે સહગલને રૂ.એક લાખ આપ્યા હતા.
એવી જ રીતે, પહેલા દાયકાના નાયકોમાં મોતીલાલનું નામ પણ યાદ આવે. હિંદી ફિલ્મોમાં સાહજિક અભિનયની શરૂઆત કરનાર મોતીલાલ હેન્ડસમ, રોમેન્ટિક અને સફળ હતા, પરંતુ તેમના વ્યાપક આકર્ષણ અને યુવાવર્ગ પર તેમની અસરો વિશે બહુ જાણવા મળતું નથી. સુપરસ્ટારના પદ માટેની કાચી સામગ્રી જેવાં (રાજેશ ખન્ના માટે ગણાવાયેલાં) તમામ પરિબળો પહેલી વાર અશોકકુમારની બાબતમાં નોંધાયેલાં જોવા મળે છે.
અશોકકુમારને મુખ્યત્વે ચરિત્ર અભિનેતા તરીકે જોવા-ઓળખવા ટેવાયેલી પેઢીને કદાચ નવાઇ લાગે, પણ ૧૯૩૬ની ‘અછૂત કન્યા’થી જાણીતા બનેલા અશોકકુમાર ચાળીસીના આખા દાયકામાં મહાનાયક હતા. સાયગલ ગાતા હોવાને કારણે મહાનાયક હોય, તો અશોકકુમાર ગાતા હોવા છતાં, મહાનાયક હતા. ૧૯૩૫માં પ્લેબેક-પાર્શ્વગાયનની શરૂઆત થઇ ગયા પછી ચાળીસીની શરૂઆતની થોડી ફિલ્મોને બાદ કરતાં અશોકકુમારે વઘુ ગીતો ન ગાયાં, પણ મહાનાયક તરીકે તેમનું આકર્ષણ નવી ઊંચાઇએ પહોંચ્યું હતું.
બોમ્બે ટોકીઝની કંગન, બંધન, ઝુલા જેવી લોકપ્રિય ફિલ્મોમાં અભિનય-ગીતો પછી, ‘કિસ્મત’ (૧૯૪૩) ફક્ત અશોકકુમારની જ નહીં, હિંદી ફિલ્મઉદ્યોગની સફળતમ ફિલ્મોમાંની એક બની રહી. આ ફિલ્મમાં મોટા ભાગનાં ગીતો હીરોઇન (મુમતાઝ શાંતિ) પર પિક્ચરાઇઝ થયેલાં હતાં. છતાં ફિલ્મમાં અશોકકુમાર છવાયેલા હતા. તેમની સિગરેટ પીવાની સ્ટાઇલ આવનારાં વર્ષો બલ્કે દાયકાઓ સુધી તેમના કરિશ્માનો હિસ્સો બની રહી. ચોકલેટી હીરો તરીકે કારકિર્દી શરૂ કરનાર અશોકકુમાર ચાળીસીના દાયકામાં દમદાર નાયક બની ચૂક્યા હતા. ૧૯૪૬-૪૭ની આસપાસ અશોકકુમાર એક ફિલ્મના એક લાખ રૂપિયા લેતા હતા, એવું વિખ્યાત ઉર્દુ લેખક અને અશોકકુમારના મિત્ર સઆદત હસન મંટોએ નોંઘ્યું છે.
ફિલ્મી હસ્તીઓ વિશેના ચરિત્રલેખોની શ્રેણીમાં અશોકકુમારની લોકપ્રિયતા વિશે મંટોએ લખ્યું છે, ‘(અશોકકુમાર) બહુ ઓછો બહાર નીકળતો હતો. એટલે એની ઝલક પણ જોવા મળે તો હંગામો મચી જતો. ટ્રાફિક અટકી પડતો. ચાહકોનાં ટોળાં જામતાં અને ઘણી વાર પોલીસે લાઠીચાર્જ કરીને ટોળું વિખેરવું પડતું.’
રાજેશ ખન્નાયુગ જો રૂઢિચુસ્ત ગણાતો હોય, તો તેનાથી ત્રીસ વર્ષ પહેલાંના સમય માટે કયો શબ્દ વાપરવો? પણ એ સમયની યુવતીઓ અશોકકુમાર પર ફીદા હતી. એ સમયની સેંકડો યુવતીઓ અશોકકુમારને પ્રેમથી તરબોળ પત્રો લખતી હતી અને તેમની સાથે પ્રેમસંબંધ માટે આતુર રહેતી હતી. એક વાર અશોકકુમાર અને મંટો કોલ્હાપુર ગયા ત્યારનો પ્રસંગ મંટોએ નોંઘ્યો છે,‘ સામેથી ત્રણ મરાઠી યુવતીઓ આવતી હતી. એકદમ સાફસુથરી, ગોરી, માથે કુમકુમ, માથામાં વેણી, પગમાં ચપ્પલ. એમાંથી એકના હાથમાં મોસંબી હતી. એણે રસ્તામાં અશોકકુમારને જોયો એટલે એ (રોમાંચથી) ઘુ્રજી ઉઠી. કાંપતા અવાજમાં એણે બહેનપણીઓને કહ્યું, ‘અશોક!’ અને એના હાથમાં રહેલી બધી મોસંબી રસ્તા પર પડી ગઇ...’
એવો જ એક કિસ્સો (આગળ જતાં ગીતકાર તરીકે જાણીતા બનેલા) રાજા મહેંદીઅલીખાનને સાંકળતો છે. રાજાને દવાખાનામાં દાખલ કર્યા પછી એક સાંજે મંટો અને અશોકકુમાર તેમની ખબર કાઢવા ગયા. બસ, થઇ રહ્યું. બીજા દિવસે મંટો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે જુએ છે તો રાજાનું જાણે રજવાડું થઇ ગયું હતું. પલંગ પર ચોખ્ખીચણાક ચાદર અને ઓશીકું, સિગરેટનો ડબ્બો, પાન, બારી પાસે ફુલદાની અને આ માહોલમાં પગ પર પગ ચડાવીને રાજા છાપું વાંચી રહ્યા હતા. મંટોને કહે,‘તમારા ગયા પછી બધા મને આવીને અશોકકુમાર વિશે અનેક સવાલો પૂછી ગયા...અહીં થોડું વધારે રહ્યો તો બાજુના રૂમમાં મારો હરમ (રાણીવાસ) હશે.’
મંટોને સાબિતી માટે બહુ રાહ જોવી ન પડી. ‘હું ઊભો થતો હતો એવામાં મેડિકલમાં ભણતી કન્યાઓનું એક ઝુંડ આવ્યું. એ તરફ જોઇને રાજા મને કહે, 'શું લાગે છે, હરમ તરીકે બાજુનો કમરો કદાચ નાનો પડશે.’ આ વાત આઝાદી પહેલાંની છે. તેની પરથી અશોકકુમારના કરિશ્મા અને સ્ટારવેલ્યુનો અંદાજ આવી શકશે.
ત્રિપુટીનો તરખાટ
પચાસનો દાયકો શરૂ થયો ત્યારે દિલીપકુમાર, રાજ કપુર અને દેવ આનંદની ત્રિપુટીનો સૂરજ મઘ્યાહ્ને પહોંચ્યો. સ્ટાઇલ, સફળતા, કરિશ્મા, હીરોઇનો સાથે જોડી, સુરીલાં-મઘુર ગીત, યુવતીઓની ઘેલછા, યુવાનો દ્વારા થતું તેમનું અનુકરણ- આ બધી રીતે દેવ-દિલીપ-રાજ પૂરા કદના મહાનાયક સાબીત થયા. તેમના ઉદાહરણથી એ પણ સ્પષ્ટ થયું કે ત્રણ સાવ જુદી પ્રતિભા ધરાવનારા એક સાથે અને સમાંતરે પણ મહાનાયક હોઇ શકે. (અહીં વાત તેમની અભિનયક્ષમતાની નહીં, પણ સુપરસ્ટાર-મહાનાયક તરીકેના દરજ્જાની છે.)
રાજેશ ખન્નાથી વીસ વર્ષ પહેલાં દેવ-દિલીપ-રાજ પોતાની પ્રચંડ લોકપ્રિયતા- સુપરસ્ટાર પદ ઊભાં કરી શક્યા અને દોઢ-બે દાયકા સુધી ટકાવી શક્યા એ તેમની મોટી સિદ્ધિ હતી. તેમના સમકાલીન કે પછી આવેલા અભિનેતાઓ સફળ થયા- રાજેન્દ્રકુમાર ‘જ્યુબિલીકુમાર’ બન્યા, સુનીલ દત્ત અમિતાભ પહેલાંના એન્ગ્રી યંગ મેન થયા, શમ્મી કપુર-શશિ કપુર-રાજકુમાર-ધર્મેન્દ્ર અને બીજા ઘણા, પણ તેમાંથી કોઇ સુપરસ્ટાર ન બની શક્યા. એ મુકામે રાજેશ ખન્ના પહોંચી શક્યા, તે એમની ભારે સિદ્ધિ હતી, પરંતુ એવરેસ્ટ ચડનારને હોય એટલી ઝડપથી તે- મુખ્યત્વે પોતાના વર્તન અને હરકતોને લીધે- નીચે પણ ઉતરી ગયા. નીયતીએ અમિતાભ બચ્ચનને કહ્યું: ‘આપકા સમય શુરુ હોતા હૈ અબ’ અને શોલે-દીવાર (૧૯૭૫)થી પ્રતિભાશાળી-શિસ્તબદ્ધ- નખરાં વગરના અમિતાભ બચ્ચનનો યુગ બેસી ગયો.
અમિતાભ માટે પ્રચારબાજોએ ‘મેગાસ્ટાર’ અને ‘મિલેનિયમ સ્ટાર’ જેવાં લટકણીયાં ઉપજાવી કાઢ્યાં છે, પણ એટલું ભૂલવું ન જોઇએ કે સૌ મહાન-લોકપ્રિય કલાકારો પોતાની જગ્યાએ અનન્ય હોય છે. તેમાંથી કોઇ એકની મહાનતા સિદ્ધ કરવા માટે બાકીના કલાકારોની લીટી ટૂંકી કરવાનું યોગ્ય નથી અને ઇતિહાસની દૃષ્ટિએ સાચું પણ નથી હોતું.