ચાર્લી ચેપ્લિન અને ગાંધીજી- વીસમી સદીનાં બે વિરાટ વ્યક્તિત્વો. સમાજના ગરીબ વર્ગ પ્રત્યેની તેમની લાગણી, સત્તાધીશો પ્રત્યેનો અવિશ્વાસ અને આપખુદશાહી સામેનો તેમનો વિરોધ જગજાહેર હતાં. તેમ છતાં, તેમની વર્તણૂંકમાં લોકોને ઘણી વાર આપખુદશાહીની ગંધ આવતી હતી. બાકીની તમામ બાબતોમાં બન્ને વચ્ચે સામ્ય શોધવું અઘરું - અને એ શોધવાની જરૂર પણ શી છે? બન્નેનું પ્રદાન અનન્ય છે.
ગાંધીજીના વ્યક્તિત્વની વિલક્ષણતાઓને લીધે ઘણી વાર એવી કલ્પના કરવાનું મન થાય કે એ પોતાની હળવાશ અને રમૂજવૃત્તિ સાથે તેમના કટ્ટર ટીકાકાર ચર્ચિલ, ઘાતકી તરંગી હિટલર કે આઇન્સ્ટાઇન જેવા યુગસર્જક વિજ્ઞાનીને રૂબરૂ મળી શક્યા હોત તો? ૧૯૩૧માં ગોળમેજી પરિષદ વખતની યુરોપયાત્રા વખતે એ ઇટાલીના ફાસિસ્ટ શાસક મુસોલિનીને મળ્યા હતા. ગાંધીજીના પ્રશંસક-વિદ્વાન રોમાં રોલાંને લાગતું હતું કે ગાંધીજી રોમ જશે, તો મુસોલિનીનું ફાસિસ્ટ તંત્ર ગાંધીજીની મુલાકાતનો પોતાના ફાયદામાં દુરુપયોગ કરશે. (કોઇ પણ હકીકતને તોડીમરોડીને તેને પોતાના ફાયદાની દિશામાં લઇ જવી, એ ફાસિસ્ટ કાર્યપદ્ધતિની ખાસિયત હોય છે.)
એટલે રોલાંની સલાહ પ્રમાણે, ગાંધીજી ઇટાલીની સરકારના સત્તાવાર મહેમાન થવાને બદલે રોલાંના એક મિત્રના ઘરે ઉતર્યા. થોડાં વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધમાં હિટલરને સાથ આપનાર અને કેટલીક બાબતોમાં હિટલરના પ્રેરણાપુરૂષ એવા મુસોલિની સાથે ગાંધીજીની મુલાકાત થઇ ખરી, પણ ગાંધીજી મુસોલિનીના દેખાડાથી અંજાય એમ ન હતા. મુસોલિની ગાંધીજી સાથે બહુ વિવેકથી વર્ત્યો. સામાન્ય રસમ એવી હતી કે મુલાકાતીને એક લાંબો ઓરડો વીંધીને મુસોલીની સુધી પહોંચવું પડે. ત્યાં એ શાહી ઠાઠથી બેઠો હોય. પરંતુ ગાંધીજીના કિસ્સામાં એ પોતે સામે ચાલીને તેમને લેવા આવ્યો અને મુલાકાત પૂરી થયા પછી મૂકવા પણ ગયો.
Gandhi-Musolini |
મુસોલિની અને મુખ્યત્વે હિટલરની આપખુદશાહીને ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મ દ્વારા હાસ્યાસ્પદ બનાવનાર ચાર્લી ચેપ્લિન એવી જ એક હસ્તી હતો, જેની ગાંધીજી સાથે મુલાકાત થઇ હોત તો? એવો વિચાર આવે. યોગાનુયોગે ગાંધીજી-ચેપ્લિનની મુલાકાત થઇ હતી. ભલે એ બહુ લાંબી કે વિસ્તૃત ન હતી, પરંતુ ઐતિહાસિક ચોક્કસ હતી. ગાંધીજી સ્વાભાવિક રીતે જ ચાર્લી ચેપ્લિનના નામ કે કામથી પરિચિત ન હતા. પણ ગોળમેજી પરિષદ (૧૯૩૧) નિમિત્તે લંડન ગયેલા ગાંધીજી તમામ પ્રકારના લોકોને મળતા હતા અને ભારતની આઝાદીની તરફેણમાં મત કેળવવાનો પ્રયાસ કરતા હતા.
ચેપ્લિન એ વખતે ‘સીટી લાઇટ્સ’ ફિલ્મની રજૂઆત અને તેના પ્રચાર માટે લંડન આવ્યા હતા. કોઇ મિત્રે ચેપ્લિન સમક્ષ ગાંધીજીને મળવાની દરખાસ્ત મૂકી. આત્મકથામાં ચેપ્લિને નોંઘ્યું છે કે ગાંધીજીની અહિંસક ચળવળ અને યંત્રોના વિરોધથી તે પરિચિત હતા. તેમની રાજકીય મુત્સદ્દીગીરી અને દૃઢ મનોબળ માટે ચેપ્લિનના મનમાં આદર હતો. એટલે તેમણે ગાંધીજીને મળવા માટે હા પાડી.
ગાંધીજીએ સ્વાભાવિક રીતે જ ચેપ્લિનનું નામ સાંભળ્યું ન હતું. ફિલ્મ જોવાનો તો પ્રશ્ન જ ક્યાં? પણ તેમને કહેવામાં આવ્યું કે ચેપ્લિન કચડાયેલા-પીડિત લોકોની લાગણીને વાચા આપતી ફિલ્મો બનાવે છે- એટલે એ પણ મળવા માટે તૈયાર થયા. તેમની મુલાકાત કોઇ ભવ્ય હોટેલમાં નહીં, પણ એક ભારતીય ડોક્ટર કતિયાલના ઘરે ૨૨ સપ્ટેમ્બર, ૨૯૩૧ના રોજ થઇ.
ચેપ્લિન વહેલા પહોંચી ગયા હતા. એ વિસ્તાર લંડનનો શ્રમજીવી ભાગ ગણાતો હતો. થોડી વારમાં ગાંધીજી આવ્યા. મકાનની બહાર ભેગા થયેલા લોકોએ તેમને હર્ષનાદોથી વધાવી લીધા. દરમિયાન, ગાંધીજી સાથે શું વાત કરવી, એ વિચારતા ચેપ્લિને આત્મકથામાં લખ્યું છે,‘ભીડભાડથી ભરચક શ્રમજીવી વિસ્તારમાં એ વિચિત્ર દૃશ્ય હતું..મકાનમાં ઉપર આવીને તેમણે બારીમાંથી લોકોને દર્શન આપ્યાં. પછી મને ઇશારો કર્યો. એટલે અમે બન્નેએ બારી પાસે ઊભા રહીને લોકોનું અભિવાદન કર્યું.’ (જુઓ વિડીઓ)
ગાંધીજીની સાથે સરોજિની નાયડુ, મહાદેવ દેસાઇ અને બીજા કેટલાક સાથીદારો હતા. મહાદેવભાઇએ તેમની ડાયરીમાં ચેપ્લિન વિશે મનમાં પડેલી પહેલી છાપ આ શબ્દોમાં મૂકી છેઃ ‘મિ.ચેપ્લિન મને મળતાવડા, નિરભિમાન સજ્જન લાગ્યા. ચિત્રપટ પર જેવા દેખાય છે તેવા તો જરાયે ન દેખાયા, પણ પોતાના સ્વરૂપને છુપાવવામાં જ કદાચ એમની કળા રહેલી હશે.’
Chaplin- Gandhi |
બન્ને મહાનુભાવો આવી ગયા પછી પણ કોઇ બહેન અવિરતપણે બોલતાં હતાં. સરોજિની નાયડુએ તેમને ચૂપ થવા કહ્યું. ત્યાર પછી ચેપ્લિને ગળું ખોંખારીને વાત શરૂ કરી અને ભારતની આઝાદીની લડત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું, ‘મશીનરી પ્રત્યેની તમારી નફરત અંગે મારા મનમાં ગૂંચવાડો છે.’
ગાંધીજી લંડન ગયા એ વખતે અમેરિકામાં હેન્રી ફોર્ડની પહેલથી ‘માસ પ્રોડક્શન’નો યુગ શરૂ થઇ ચૂક્યો હતો. ફોર્ડે એસેમ્બલી લાઇન પદ્ધતિ અપનાવીને કારનું ઉત્પાદન ઝડપી બનાવી દીઘું : દરેક કારીગર પોતાની જગ્યાએ જ રહે અને તેનું કામ તેની જગ્યાએ આવતું જાય- દા.ત. એક કારીગરને અમુક પૂરજામાં સ્ક્રૂ ફીટ કરવાના હોય તો એવા પૂરજા કન્વેયર બેલ્ટ થકી સતત આવતા રહે. કારીગર પોતાની જગ્યાએ ઊભો ઊભો બસ સ્ક્રૂ ફીટ કરતો રહે.
Chaplin-Gandhi- Sarojini Naidu (standing) |
ગાંધીજીએ ચેપ્લિનને પોતાના વિરોધ માટેની સમજૂતી આપતાં કહ્યું,‘યંત્રોને કારણે અમે ઇંગ્લેન્ડ પર આધાર રાખતા થઇ ગયા હતા. એટલે પરાધીનતા નાબૂદ કરવાનો એક જ ઉપાય છેઃ મશીનરીથી બનતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો. એટલે અમે દરેક જણ પોતાના ખપ પૂરતું સૂતર કાંતે અને પોતાનાં વસ્ત્રો જાતે બનાવે, એને રાષ્ટ્રિય ફરજ જેવું બનાવી દીઘું છે. ઇંગ્લેન્ડ જેવા શક્તિશાળી દેશ પર આક્રમણ કરવાની અમારી આ પદ્ધતિ છે.’
ચેપ્લિન-ગાંધીઃ ચેપ્લિનના ભારતમાં બહાર પડેલા ફર્સ્ટ ડે કવર પર |
ચેપ્લિને તેમને પૂછ્યું, ‘એટલે આ સવાલ એકલા હિંદુસ્તાન પૂરતો જ છે? હિંદુસ્તાનમાં રશિયા જેવી સ્વતંત્રતા હોય અને તમે બેકારોને બીજું કામ આપી શકો, સંપત્તિની સમાન વહેંચણી કરાવી શકો તો તમે યંત્રોનો તિરસ્કાર નહીં કરો?’
ગાંધીજીએ કહ્યું: ચોક્કસ. (એ સંજોગોમાં યંત્રોનો તિરસ્કાર ન કરું.)
મહાદેવભાઇએ લખ્યું છે કે ‘આ સવાલ ગાંધીજી જોડે સેંકડો વાર ચર્ચાઇ ચૂક્યો છે, પણ શાસ્ત્રજ્ઞ નહીં એવા કોઇ પરદેશીને આટલી ઝડપથી સ્થિતિ સમજી જતાં મેં જોયો નથી. એનું કારણ એ હશે કે એમને (ચેપ્લિનને) અગાઉથી બાંધેલા કશા રાગદ્વેષ નથી અને એમનામાં સહૃદયતા તો છે જ.’
ચેપ્લિને માણસ પર પ્રભાવી થઇ જતાં મશીનો પર બનાવેલી ફિલ્મ ‘મોડર્ન ટાઇમ્સ’માં ગાંધીપ્રકારની ચિંતા ઓછી ને એસેમ્બલી લાઇનની પાશ્ચાત્ય સમસ્યા વિશેની ચિંતા વધારે છે. છતાં, ગાંધીજી અને ચેપ્લિનની મુલાકાતની ફળશ્રુતિ કેવળ સ્થૂળ અર્થમાં (કોઇ ફિલ્મ પર પ્રભાવના રૂપે) કાઢવાની જરૂર ન હોય. પ્રેમીઓ-ચાહકો-અભ્યાસીઓ માટે ગાંધીજી-ચેપ્લિન મળ્યા હોય અને સાથે બેઠા હોય એ વાત જ પૂરતી રોમાંચકારી છે.
‘ઇંગ્લેન્ડ મોટા પ્રમાણમાં માલ પેદા કરે છે એટલે તેને બહારનાં બજાર શોધવાં પડે છે. અમે એને લૂંટ કહીએ છીએ અને લૂંટારુ ઇંગ્લેન્ડ દુનિયાને જોખમરૂપ છે. હવે જો હિંદુસ્તાન યંત્રો સ્વીકારે અને પોતાની જરૂરિયાતો કરતાં અનેક ગણું પેદા કરે તો લૂંટારુ હિંદુસ્તાન જગતને કેટલું વધારે જોખમરૂપ નીવડે?’.....Which area of life where this man named Gandhi did not reach? and who can oppose this sharp argument which is so relevant even today where still China by making cheap goods affecting world economy etc? ગાંધી ની આગવી સમજણ અને સૂઝ જ એમને સખત રસપ્રદ બનાવે છે....very nice post Urvishbhai....
ReplyDeleteઉર્વીશભાઇ,
ReplyDelete'જો કોઇ યુવાન આટલી આત્મીય ઉત્કટતાથી લખી શકે, તો તે ઉર્વીશ કોઠારી જ હશે' તેવું કહીને તમને માખણ લગાડવાનો કોઇ જ ઇરાદો નથી.
ચાલો, લેખની 'આત્મીય ઉત્કટતા' પ્રશંસનીય છે અને વિષયની પસંદગી કાબિલ-એ-દાદ છે, તેવું તો તો કહેવાય ને?
As always, brilliant. And that video was the icing on the cake.
ReplyDelete