દુનિયામાં ઘણી ચેપી ચીજોના ઇલાજ શોધાયા છે, પણ હજુ સુધી બગાસાનું ઓસડ મળ્યું નથી. ખરી વાત તો એ છે કે બગાસાને કોઇ ગંભીરતાથી લેતું નથી. ફક્ત બગાસું જ નહીં, કોઇ પણ મુદ્દે ઠરીને વાત કરવાની આવે એટલે લોકોને બગાસાં આવવા લાગે છે. હકીકતમાં બગાસું મનુષ્યદેહ ધારણ કર્યા પછીની કેટલીક આવશ્યક ક્રિયાઓમાંની એક છે. આઘ્યાત્મિક પરિભાષામાં તેને ‘દેહધર્મ’ ગણાવવામાં ખાસ અતિશયોક્તિ નથી. ચોકલેટી ચિંતકો તેને નિદ્રારાણીનું છડીદાર ગણાવી શકે છે. ઘણા લોકો બુલંદ અવાજે બગાસાં ખાય ત્યારે તે રીતસર છડી પોકારતા હોય એવું લાગે છે.
બગાસામાં છીંક જેટલું સ્વરવૈવિઘ્ય નથી. બગાસું ખાનાર મનુષ્યના મોંમાંથી મોટે ભાગે અસ્પષ્ટ ઉદ્ગાર અને અવાજ નીકળે છે. તેનો ભાવાનુવાદ કરવામાં આવે તો? એ કંઇક આ પ્રમાણે થાયઃ ‘બાઅદબ, બામુલાહિજા, હોશિયાર. મલિકા-એ-નીંદકી સવારી આ રહી હૈ.’ મલિકા-એ-નીંદનું સામ્રાજ્ય એક જમાનાની મલિકા-એ-હિંદ રાણી વિક્ટોરિયા કરતાં પણ મોટું છે. આસ્તિકો કર્મને જે જશ આપે છે, તે બગાસાને પણ આપી શકાયઃ બગાસું કોઇને છોડતું નથી.
વૈજ્ઞાનિક મૂલ્યાંકનમાં બગાસાને ઉત્સર્જન ક્રિયા ગણી શકાય, પરંતુ છીંક અને અન્ય ક્રિયાઓની સરખામણીમાં બગાસું સૌથી નિર્દોષ છે. તેમાં બિનહાનિકારક હવા સિવાય બીજી કોઇ ચીજ બહાર ફેંકાતી નથી. તેમ છતાં, બાકી બધાં ઉત્સર્જનો કરતાં તે અસરકારક નીવડી શકે છે. કારણ કે બાકીની ક્રિયાઓ શરીરનો મેલ કાઢે છે, જ્યારે બગાસાનો ઉપયોગ ઘણી વાર મન પર જામતો મેલ અટકાવવા માટે કરવામાં આવે છે.
સેમિનાર, ભાષણબાજી, વાર્તાલાપ જેવા સત્તાવાર કાર્યક્રમોમાં વક્તાઓ શ્રોતાઓ પર પૂરજોશમાં તૂટી પડ્યા હોય, ત્યાર થોડી વાર પછી શ્રોતાઓની ધીરજનો છેડો આવે છે. તેમના મનમાં અકળામણ જાગે છે. વઘુ સમય વીતે એટલે અકળામણમાં આથો આવતાં ખુન્નસ પેદા થાય છે. કેટલીક જગ્યાએ શ્રોતાસંખ્યા એટલી ઓછી હોય છે કે ચાલુ કાર્યક્રમે વાતો કરવાથી માંડીને સુઇ જવા જેવા સન્માનજનક વિકલ્પો ઉપલબ્ધ હોતા નથી. એવા વખતે બગાસું તેમની વહારે આવે છે. કેટલાક શ્રોતાઓ વારંવાર વક્તાનું ઘ્યાન પડે એ રીતે બગાસાં ખાવાનું શરૂ કરે છે. એમ કરવાથી રીઢા વક્તાઓ પર કશી અસર થતી નથી, પણ શ્રોતાઓનું ખુન્નસ અહિંસક માર્ગે બહાર આવી જતાં, તેમનું માનસિક સંતુલન ખોરવાઇ જતું અટકે છે.
વધારે વ્યાપક સ્તરે વિચારીએ તો, બગાસું અભિવ્યક્તિસ્વાતંત્ર્યનું અને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય લોકશાહીનું પ્રતીક હોવાથી, બગાસું લોકશાહીનું પ્રતીક છે. નાગરિકશાસ્ત્રમાં બગાસાં વિશેનો એકાદ પાઠ મૂકવાનું હજુ સુધી કોઇને સૂઝ્યું કેમ નહીં હોય? એ જુદી વાત છે કે નાગરિકશાસ્ત્રની વાત આવે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ બગાસાં ખાવા લાગે છે. બગાસાંની લોકપ્રિયતા અને લોકો દ્વારા થતા મોકળા મને થતા તેના પ્રયોગને કારણે એટલું સાબીત થાય છે કે લોકશાહીનાં મૂળભૂત મૂલ્યો આત્મસાત્ કરવા માટે નાગરિકશાસ્ત્ર વાંચવું ફરજિયાત નથી.
બગાસું પ્રાકૃતિક ક્રિયા હોવાથી, પ્રાકૃત ઢબે (દેશી રીતે) બગાસું ખાવામાં જેટલા આનંદ અને સંતોષનો અનુભવ થાય છે, એટલો શિષ્ટ બગાસામાં લાગતો નથી. ઘણા લોકો બગાસું આવે ત્યારે મોં પર હાથ, હથેળી કે રૂમાલ ઢાંકીને, આડું જોઇને એવી રીતે બગાસું ખાય છે, જાણે કોઇ ન કરવા જેવું કામ કરતા હોય. સદ્ભાગ્યે, ‘પ્યાર કિયા કોઇ ચોરી નહીં કી’ જેવી ખુમારી બગાસા માટે ધરાવનારા લોકો હજુ મોજૂદ છે. એ લોકો માને છે કે આજુબાજુના લોકોને ખ્યાલ પણ ન આવે તો એવું બગાસું ખાવામાં શો સ્વાદ છે? કલ્પના કરો : હોલમાં કે ક્લાસમાં છેલ્લી લાઇનમાં બેઠાં બેઠાં છેક સ્ટેજ સુધી સંભળાય એવું બગાસું ખાવાની કેવી મઝા આવે?
છીંકની જેમ બગાસું મૂળભૂત રીતે અનૈચ્છિક ક્રિયા છે. પણ વિજ્ઞાન કૃત્રિમ વરસાદ લાવી શકતું હોય તો કૃત્રિમ બગાસાં શી મોટી વાત છે? માથું દુઃખે ત્યારે ઘણા લોકો રૂમાલનો વળ ચડાવેલો એક છેડો નાકમાં નાખીને, કૃત્રિમ છીંકો ખાતા અને માથાનો ભાર હળવો કરવા મથતા જોવા મળે છે. પરંતુ કૃત્રિમ બગાસું ખાવામાં એવો કોઇ ઉદ્યમ કરવાની જરૂર નથી. ગમે તેવી શિખાઉ વ્યક્તિ પણ તબિયતથી નકલી બગાસાં ખાઇ શકે છે વાયરલેસ પદ્ધતિથી વક્તાને સંદેશો મોકલી શકે છે કે ‘બહુ થયું. હવે બસ કરો.’
ખાવાની વાત કરીએ તો છીંક અને બગાસા વચ્ચે સાદા પાણીમાં અને મિનરલ વોટરમાં બનાવેલી પાણીપુરી જેવો, શિષ્ટતાનો તફાવત હોય છે. છીંક ગમે તેટલી સભ્યતાથી ખાવા છતાં, તેમાં કોઇને શિષ્ટાચારનો ભંગ લાગી શકે છે. પ્રેમમાં પડ્યા પછી મન પર ને છીંક આવે ત્યારે મુખભાવ પર કાબૂ રાખવો બહુ મુશ્કેલ હોય છે. કેટલાક લોકો એટલા મોટા અવાજે છીંક ખાય છે કે એવું લાગે, જાણે અંદર સાયલેન્સર મૂકવાનું રહી ગયું હશે- અથવા ઘોંઘાટિયા ફટફટિયાને જોઇને ઓટોમોબાઇલના જાણકારો કહે છે તેમ, સાયલેન્સર ફાટી ગયું હશે. તેની સરખામણીમાં મોટા અવાજે બગાસાં ખાનારા ઓછા હોય છે. શાંતિથી બગાસું ખાઇને પણ સામે બેઠેલા માણસને અશાંત કરી શકાતા હોય, તો અવાજ શા માટે કરવો?
આયુર્વેદમાં કે એલોપથીમાં બગાસાંના પ્રકાર પાડ્યા નથી. ફ્રોઇડ જેવાએ સ્વપ્નાંનું પૃથક્કરણ કર્યું છે, પણ બગાસાંનો અભ્યાસ કરવાની તસ્દી લીધી નથી. ‘બગાસાંભેદ’ જેવા કોઇ ગ્રંથનો સંસ્કૃતમાંથી થયેલો અનુવાદ હજુ સુધી જોવામાં આવ્યો નથી. ચંદ્રમુખી નાયિકા બગાસું ખાય ત્યારે તેનું મુખારવિંદ કેવું લાગે અને પદ્મિની નારીના બગાસાની સાઇઝ કઇ હોય, એની વાતો કાલિદાસ-ભતૃહરિના મસાલામાંથી ચાલતા જંક ફુડના ખુમચામાંથી મળતી નથી. ઉમાશંકર જેવાએ ફેંકાયેલા ગોટલા પર કવિતા લખી છે, પણ કોઇ ગુજરાતી કવિએ ‘બગાસું ગાતી પ્રિયાને’ જેવું છંદોબદ્ધ કાવ્ય લખ્યું હોય એવું જાણમાં નથી.(આમ કહીને કવિઓને ઉશ્કેરવાનો કોઇ આશય નથી અને એવું થાય તો એમાં આ લખનારની કોઇ જવાબદારી રહેશે નહીં.)
બગાસાં ખાવામાં શું મળે? એવો સવાલ કોઇને થઇ શકે. ભૌતિકવાદના આ યુગમાં દરેક બાબત આ ફુટપટ્ટીથી મપાતી હોય ત્યારે બગાસું તેમાંથી શા માટે બાકાત રહે? પરંતુ કોઇ દાનવીરને (તકતી વગરનું) દાન કરવામાં કે કોઇ સંગીતકારને એકાંતમાં બેસીને સંગીતસાધના કરવામાં જેવો આનંદ આવે છે, એવી અનુભૂતિ થોડી સેકંડો પૂરતી બગાસાથી મેળવી શકાય છે. એ સર્વજનસુલભ છે. ગરીબોને બગાસાં ખાવા માટે બીપીએલ કાર્ડની જરૂર પડતી નથી ને અમીરોને બગાસાં ખાવા પર ટેક્સ લાગતો નથી.
રાત કોઇને અંધકારનો પર્યાય લાગે છે તો કોઇને તે પ્રભાતના આગમનની ખાતરી આપે છે. એવી જ રીતે બગાસાં ખાવાથી ઉંઘની જાહેરાત કરી શકાય છે તેમ, ઉંઘી ઉઠ્યા પછી ઉંઘ બરાબર પૂરી થઇ અને ઉંઘવાનો બહુ આનંદ આવ્યો, એવો સંદેશ પણ બગાસાં દ્વારા આપી શકાય છે- શરત એટલી કે જેને સંદેશ આપવાનો છે તે બગાસાં ખાતો ન હોવો જોઇએ.
No comments:
Post a Comment