‘ગુજરાતની નિંદા કરવાની ફેશન’ એ મથાળા હેઠળ Gunvant Shah/ગુણવંત શાહે ‘દિવ્ય ભાસ્કર’ની રવિવાર, 18 માર્ચ 2012ની કટારમાં એક લેખ લખ્યો છે. તેના મુખ્ય મુદ્દા અને તેમાંથી મળતો લેખકનો કાર્ડિયોગ્રામ.
2002ના વર્ષ પછી એક એવો પવન શરૂ થયો, જેને કારણે ગુજરાતની નિંદા કરવામાં પ્રયોજાતી બૌદ્ધિક બદમાશી ફેશનમાં ફેરવાઇ ગઇ.
આ વિધાનમાં લેખક 1) ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકાને ‘ગુજરાતની નિંદા’માં ખપાવે છે. મુખ્ય મંત્રીના અંધ ચાહકો-સમર્થકો-ભક્તોનું આ પ્રમુખ લક્ષણ છે. 2) ‘ગુજરાતની (ગુજરાતના મુખ્ય મંત્રીની) ટીકા એટલે બૌદ્ધિક બદમાશી’ એવું પોતે બેસાડેલું સમીકરણ વધુ એક વાર તે સનાતન સત્ય તરીકે સ્થાપિત કરે છે.
ગુણવંત શાહની જૂની ટેક્નિક એ છે કે તે નામ પાડ્યા વગર અને પૂરતી માત્રામાં છટકબારીઓ રાખ્યા પછી, સ્વીપિંગ- આત્યંતિક વિધાનો કરે છે. ઉપર જણાવેલું વિધાન તેનો નમૂનો છે.
એ સંદર્ભે ગુણવંત શાહને સવાલ નં.1 – 2002ની કોમી હિંસાના મુદ્દે ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા બૌદ્ધિક બદમાશી કરે છે? (અહીં ‘બધા’માં પ્રકાશ શાહથી ઉર્વીશ કોઠારી સુધીના લોકોનો સમાવેશ થાય છે.) જવાબ ‘હા’ હોય તો બદમાશી વિશે ફોડ પાડીને, નામજોગ વાત કરો.
બીજાં રાજ્યોમાં એન્કાઉન્ટરો થાય છે. ત્યાં કર્મશીલો કાગારોળ કરતા નથી અને ‘બૌદ્ધિક બદમાશીનો લાભ ફક્ત ગુજરાતને જ શા માટે આપે છે?
ફેક એન્કાઉન્ટર એ વણઝારાપ્રેમી ગુણવંત શાહની દુઃખતી રગ છે. સોરાબુદ્દીનના એન્કાઉન્ટર કેસના મુદ્દે મેં પૂછેલા સીધા સવાલમાંથી એકેયનો જવાબ ગુણવંત શાહ આપી શક્યા ન હતા. એટલું જ નહીં, એ મામલે તેમની ઘણી ટીકા થતાં, તે મારી પર દબાણ લાવવાની હદે ઉતરી ગયા. તેમ છતાં વાત ન બની. એટલે તેમણે મારા એક ગુરુવત્ વડીલ લેખકને વચ્ચે રાખીને ‘સમાધાન’ કર્યું. અમારી વચ્ચે થયેલા ‘સમાધાન’નો એમની દૃષ્ટિએ અર્થ હતોઃ હું એમના વિશે વધુ ન લખું. મારા પક્ષે સમાધાનનો કે અંગત દુર્ભાવનો પ્રશ્ન ન હતો- નથી. મારો જે કંઇ વાંધો હતો તે હું સવાલો તરીકે રજૂ કરી ચૂક્યો હતો. તેના જવાબ આપવાનું એમના હાથમાં હતું. મારી દૃષ્ટિએ સમાધાનનો અર્થ હતોઃ એ ગુજરાતનાં રાજકીય રંગ ધરાવતાં એન્કાઉન્ટર વિશે અવિચારી-ગેરમાર્ગે દોરનારા-અંધ બચાવ કરતા લેખો ન લખે.
આટલી પૂર્વભૂમિકા પછી સવાલ નં.2- ગુજરાતમાં થતાં અને બીજાં રાજ્યોમાં થતાં એન્કાઉન્ટર વચ્ચેનો મૂળભૂત ફરક ગુણવંત શાહ જાણતા નથી કે જણાવવા માગતા નથી? ગુજરાતમાં એન્કાઉન્ટરમાં મરાયેલા દરેક ગુંડા મુખ્ય મંત્રીને મારવા માટે જ આવ્યા હતા એવું સરકારી વર્ઝન ગુણવંત શાહ સ્વીકારે છે? ગુજરાતમાં મુખ્ય મંત્રીના ખાસ ગણાતા એક સમયના ભાગેડુ ગૃહરાજ્યમંત્રી અને અત્યારના હદપાર ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તથા પોલીસ અફસરોની મંડળી ગુજરાતમાંથી ગુનાખોરી ઓછી કરવા માટે નહીં, પણ સોપારીઓ લઇને એન્કાઉન્ટર કરતી હતી, એ આરોપો વિશે ગુણવંત શાહનું શું કહેવું છે? ગુજરાતનાં ફેક એન્કાઉન્ટરનો મુખ્ય હેતુ અને ધ્યેય ટૂંકા રસ્તે ગુનાખોરી ઓછી કરવા માટેનો નહીં, પણ આર્થિક-રાજકીય હતો એનાથી ગુણવંત શાહ અજાણ છે? કે મુખ્ય મંત્રીની ભક્તિમાં તે આ હકીકતનો ધરાર ઇન્કાર કરે છે? અને છેલ્લો સવાલઃ એન્કાઉન્ટરમંડળી જેલમાં ગઇ ત્યાર પછી ત્રાસવાદીઓની હિંમત વધવી જોઇએ અને મુખ્ય મંત્રી પરનું જોખમ પણ વધવું જોઇએ. પરંતુ થયું છે ઉલટું. એન્કાઉન્ટરમંડળીના જેલવાસ પછી મુખ્ય મંત્રીની હત્યાનો એક પણ પ્રયાસ થયો નથી. એ વિશે ગુણવંત શાહનું શું કહેવું છે?
‘કાશ્મીરમાં આઝાદી પછી 370 મંદિરો તૂટ્યાં છે અને એક જૈન દેરાસર ભોંયભેગ થયું. સેક્યુલર ગણાતા લોકોએ આવે વખતે ખોંખારો પણ નથી ખાધો’ એવું લખીને ગુણવંત શાહે (વધુ એક વાર) પુરવાર કરી આપ્યું છે કે આ બાબતમાં તેમની સમજણની પહોંચ, કારણ-અકારણ કોઇ પણ બાબતમાં કાશ્મીર લઇ આવતા કેસરિયા પાયદળ જેટલી જ છે.
‘ગુજરાતમાં જનસંઘર્ષ મંચ ખૂબ ગાજે છે. હવે જનસુમેળ મંચ ક્યારે રચાશે? ઘા પહોળો કરવાની જાણે હરીફાઇ ચાલે છે. ગુજરાતને થતા અન્યાયનો સૌથી મોટો ગેરલાભ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને થતો રહ્યો છે. ન્યાયશાસ્ત્રનો એક વણલખ્યો નિયમ છે કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ ગણવામાં આવે. આવો લાભ આતંકવાદીને મળ્યો છે, પરંતુ મોદીને નથી મળ્યો.’
‘ઘા પહોળો કરવાની હરિફાઇ’ અને ‘ન્યાય અપાવવા માટેની લડત’ વચ્ચેનો તફાવત મુખ્ય મંત્રીપ્રેમી ગુણવંત શાહને ન સમજાય એ સ્વાભાવિક છે. પરંતુ મુખ્ય મંત્રીને કારણે થયેલી ગુજરાતની બદનામી વિશે વાત કરવાને બદલે, આખી વાતને ‘ગુજરાતને કારણે મુખ્ય મંત્રીને થયેલા અન્યાય’નું સ્વરૂપ આપીને ગુણવંત શાહે અનન્ય મોદીભક્તિ દાખવી છે. ‘ન્યાય ન્યાયનું કામ કરશે’ એવી સૂફિયાણી વાતો કરનારા ગુણવંત શાહને અંદાજ છે કે જનસંઘર્ષ મંચ જેવી સંસ્થાઓને કારણે જ ન્યાય ન્યાયનું કામ, જેટલું પણ થયું એટલું, કરી શક્યો છે?
રહી વાત ન્યાયશાસ્ત્રની. એનો વણલખ્યો નિયમ પળાયો છે એટલે જ મુખ્ય મંત્રી જેલની બહાર છે અને આતંકવાદી તથા આતંકવાદના કાચાપાકા આરોપોસર પકડાયેલા ઘણા લોકો જેલની અંદર છે. ન્યાયશાસ્ત્રનો એકેય નિયમ એવું કહેતો નથી કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી સંભવિત ગુનેગાર સામે આંગળી પણ ન ચીંધવી. મુખ્ય મંત્રીને ‘હિટલર’ કહેનારા સાથે હું સંમત નથી. પરંતુ ગુણવંત શાહની ખાસિયત (જેને ગુણવંતીય શૈલીમાં ‘બદમાશી’ કહી શકાય) એ છે કે તે મુખ્ય મંત્રીના બધા જ ટીકાકારોને ‘બૌદ્ધિક બદમાશી’ની એક જ લાકડીએ હાંકવા નીકળી પડે છે.
સવાલ નં.3- ગુણવંત શાહ માને છે કે 2002માં જે કંઇ થયું તેમાં નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની ગણાય? અને તેમણે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ દાખવ્યું હોત તો હિંસા ઘણે અંશે નિવારી શકાઇ હોત અથવા આટલી ફેલાઇ ન હોત અથવા ઝડપથી કાબૂમાં આવી ગઇ હોત? આ જવાબ આપવા માટે ન્યાયપ્રક્રિયા પૂરી થવા દેવાની જરૂર નથી. સિવાય કે 2002માં ગુણવંત શાહ આંખ-કાન-દિમાગ બંધ કરીને બેઠા હોય.
છેલ્લે, મુખ્ય મંત્રીની કોપીબુકમાંથી લેવાયા હોય એવા વાક્ય સાથે ગુણવંત શાહ લેખની સમાપ્તિ કરે છેઃ ‘વારંવાર ઘા પહોળા કરીને પોતાનો રોટલો શેકી લેવાની તમન્ના રાખનારા કેટલાક લોકોને ગુજરાત હવે ઓળખી ચૂક્યું છે. એમના મોદીદ્વેષ ગુજરાતદ્વેષમાં ફેરવી નાખવાની જરૂર નથી.’
***
અસલામતીથી પીડાતી માનસિકતાના વણમાગ્યા પુરાવા આપતા ગુણવંત શાહ છાશવારે લોર્ડ ભીખુ પારેખને વચ્ચે લાવીને પોતાની વાતમાં બૌદ્ધિકતા-વિશ્વસનિયતાનું અને મોરારીબાપુને વચ્ચે લાવીને લોકપ્રિયતાનું વજન ઉમેરવાના પ્રયાસ કરે છે. આ લેખના અંતે તેમણે મોરારિબાપુનું એક વિધાન સંદર્ભ વિના ટાંક્યું છે. ‘ગુજરાત માટે કોઇ સારું બોલે તો કેટલાકને ખાવાનું પચતું નથી.’
આવા લોકરંજક વિધાનથી ગુણવંત શાહને શું સિદ્ધ કરવું છે એ તો એ જ જાણે, પણ એ વિધાનના અંદાજમાં આપણને શંકા જાય કે ગુજરાતમાં કોઇ ન્યાયની વાત કરે, મુખ્ય મંત્રીની ટીકા કરે કે પોલીસ-ગુંડા-સોપારી-એન્કાઉન્ટરની સાંઠગાંઠ વિશે વાત કરે તો ગુણવંત શાહને ખાવાનું પચતું નહીં હોય?
અગાઉ લખ્યું હતું એ જ ફરી કહેવાનું રહે છે કે ગુણવંત શાહ જેવા જાણીતા લેખક કોઇ લાભની અપેક્ષાએ આ બધું કરતા હોય તો તે શરમજનક છે, પણ તે કોઇ લાભની અપેક્ષા વિના કરતા હોય તો એ ખતરનાક છે.
('નિરીક્ષક', એપ્રિલ, 2012)