રેલવે બજેટ આવી જાય એટલે મુસાફરીનાં ભાડાંમાં કેટલો વધારો થયો ને કેટલી નવી ટ્રેનો શરૂ થઇ એની ચર્ચા થવા લાગે છે. આવક માટે રેલવેએ ભાડાં વધારવાં જોઇએ કે નહીં, એ મુદ્દે બિચારા રેલવેમંત્રીની કફોડી દશા થાય છે. એક બાજુ આમઆદમી ને બીજી બાજુ ખાસ જરૂરિયાતો. આ પરિસ્થિતિમાંથી ઉગરવું હોય અને ભાડાંમાં વધારો ‘ઝીંક્યા’ વિના આવક ઊભી કરવી હોય તો કેટલાક ખાસ પ્રકારના વેરા દ્વારા એ કામ થઇ શકે છે. જેમ કે,
બારણાવેરો
ટ્રેનના કાયમી મુસાફરોમાંથી કેટલાક બારણાપ્રેમી હોય છે. ચિંતકો અને ગદ્યકારોએ ટ્રેનના ડબ્બાની બારીનો મહિમા કર્યો છે. એકે તો બારીને ‘મુસાફરની મા’ કહેવાની છૂટ લીધી છે. અતિશયોક્તિનો એ સિલસિલો આગળ વધારવો હોય તો કહી શકાય કે ટ્રેનના ડબ્બાનું બારણું ઘણા મુસાફરો માટે પિતાસમાન હોય એવું લાગે છે. ગમે તેવી ભીડમાં પિતાની આંગળી પકડી રાખતા પુત્રની જેમ, ગમે તે થાય, પણ એ લોકો બારણાનો સાથ છોડતા નથી. વચ્ચે આવતાં સ્ટેશનેથી ટોળાબંધ લોકો ચઢે, બારણામાં કુરૂક્ષેત્ર સર્જાઇ જાય, તો પણ બારણાપ્રેમીઓ કોઇ અલૌકિક સિદ્ધિના બળે એવા પારદર્શક બની જાય છે કે આખું ટોળું જાણે તેમનામાંથી પસાર થઇને ડબ્બાની અંદર પહોંચી ગયું હોય એવું લાગે. ગાડી ઉપડે ત્યારે ફરી એક વાર એ લોકો પોતાની જગ્યાએ - બારણે- યથાવત્ ઊભેલા જોવા મળે છે.
રાજાશાહીના જમાનામાં આજ્ઞાપાલક સ્વામીભક્તોને રાજાએ કહી દીઘું હોય કે ‘તમારે જીવતાંજીવ કદી કિલ્લો કે ચોકી છોડીને જવાનું નહીં.’ એટલે એ લોકો પ્રાણાંતે પણ વચનનું પાલન કરતા. ટ્રેનના બારણે ઉભેલા લોકોને જોઇને જૂના વખતની ટેકની યાદ તાજી થાય છે. ‘ગમે તેટલા ધક્કા ખાઇને -અપમાન સહીને પણ અમે બારણું નહીં છોડીએ’ એવું વચન તેમણે રેલવેમંત્રીને આપ્યું હશે? એવો વિચાર આવી જાય છે.
આખો ડબ્બો ખાલી હોય તો પણ બારણે ઊભા રહે તો જ સંતોષ થાય, એવો પણ એક વર્ગ હોય છે. (જેમ અમુક લોકોને દાળભાતથી જ ‘જમ્યાનો સંતોષ’ થતો હોય છે.) શાણા લોકો એટલે જ દરવાજે લટકતા લોકોને જોઇને અંદરની ભીડથી ગભરાતા નથી. તેમને ખબર છે કે દરવાજા પરની ગીરદી ભારતના ભાવિ સુપરપાવર તરીકેના દરજ્જા જેવી છેઃ બહારથી બીજાને ડરાવે એવી-પ્રભાવશાળી અને અંદરથી ખાલી.
બારણાપ્રેમીઓ વિશે આટલી વિગતે વાત કરવાનું કારણ એ કે હવે પછીના રેલવે બજેટમાં બારણે ઊભા રહેનારા લોકો પાસેથી બારણાવેરો વસૂલવાની દરખાસ્ત મૂકી શકાય. ટિકિટબારી પરથી સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસની જેમ ડોર ક્લાસની- બારણાની અલગ ટિકિટ જ મળતી હોય, જેની કિંમતમાં બારણાવેરો ઉમેરી દેવામાં આવ્યો હોય. એમ કરવાથી ડબ્બાની અંદર મુસાફરી કરતા આમઆદમી પર વધારાનો બોજ નહીં વધે અને સરકારને આવક થશે.
હવાવેરો
આમ તો એને બારણાવેરા સાથે પેટાવેરા તરીકે સંલગ્ન કરી શકાય. કારણ કે બારણે ઊભા રહેનારા ઘણા લોકો પોતાના બારણાપ્રેમના મૂળમાં હવાપ્રેમને કારણભૂત ગણાવે છે. ‘અંદર ગુંગળામણ થાય છે. એટલે હવા ખાવા અમે દરવાજે ઊભા રહીએ છીએ.’ આવો ખુલાસો ગમે એટલો તાર્કિક લાગે, પણ એ વધારાના વેરાના પાત્ર છે એમાં બેમત ન હોઇ શકે. ગીરદીથી છલકાતા ડબ્બામાં એક તો બારણે ઊભા રહેવાનું અને એ પણ હવા આવે એવી રીતે- આ લગભગ ફર્સ્ટ ક્લાસ સમકક્ષ સુવિધા થઇ અને મુંબઇની ટ્રેનોમાં તો ફર્સ્ટ ક્લાસમાં પણ ભારે ભીડ હોય ત્યારે તે ફર્સ્ટ ક્લાસથી પણ ઉપરના ક્લાસની સુવિધા કહેવાય. ‘હવા ખાવી એ મૂળભૂત, પ્રાથમિક અને કુદરતી જરૂરિયાત છે’ એ વાત ટ્રેનના ડબ્બાના સંદર્ભે માન્ય રાખી શકાય નહીં. ત્યાં એને ‘લક્ઝરી’નો દરજ્જો આપીને, તેના માટેનો વેરો એસી ક્લાસ સમકક્ષ રાખવાનું વિચારી શકાય.
ઘોંઘાટવેરો
ટ્રેનના ડબ્બામાં ‘સાયલેન્સ ઝોન’નું પાટિયું ન લગાડી શકાય એ તો દેખીતું છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શશિ થરૂરનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીને તેને ‘કેટલક્લાસ’ (ઢોરઢાંખરનો ડબ્બો) ન કહી શકાય એ પણ દેખીતું છે. એટલા માટે નહીં કે તેમાં માણસોનું અપમાન થાય, પણ ખાસ તો એટલે કે પશુઓ ઘણા મુસાફરોની જેમ અકારણ, પોતાની હાજરી સિદ્ધ કરવા, નારીરત્નોનું ઘ્યાન ખેંચવા, સમય પસાર કરવા કે પછી માત્ર ‘નિજાનંદ માટે’ ઘોંઘાટ મચાવતાં નથી અને આજુબાજુના લોકોને ત્રાસ આપતાં નથી.
‘સરકાર ઘોંઘાટ ઘટાડવાની દિશામાં વિચારશે?’ એવી ચર્ચાપત્રીસહજ અપેક્ષા તો ન રાખીએ, પણ ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરી આપવાની માફક, ઘોંઘાટ માટે વેરો લઇને તેને દેશહિતનો દરજ્જો આપવાનું પગલું ભરી શકાય છે. ઘોંઘાટવેરા પેટે મળેલાં નાણાં રેલવે તંત્રની સલામતી અને સુવિધાઓ વધારવા માટે વપરાશે, એમ કહીને લોકોને ઘોંઘાટ દ્વારા દેશસેવા કરવાના રસ્તે દોરી શકાય. એમ કરવાથી દેશભક્ત નાગરિકોની સંખ્યામાં મોટો વધારો થશે, જે ભારતને કમ સે કમ ઘોંઘાટના મુદ્દે સુપરપાવર બનાવવાની દિશામાં દોરી જશે.
પલાંઠીવેરો
ભારતના હાર્દ જેવી અસમાનતામાંથી ટ્રેનના ડબ્બા પણ શા માટે બાકાત રહે? એક તરફ લોકોને પગ મુકવા જગ્યા નથી હોતી, ત્યારે જગ્યાની બાબતમાં મૂડીવાદી એવા કેટલાક લોકો સીટ પર પલાંઠી મારીને બેઠા હોય છે (જે ઊભેલા લોકોને ‘પલાંઠો’ લાગે છે.) પલાંઠાપ્રધાન મુસાફરો એવું માને છે કે ટિકીટ ખરીદીને મેળવેલા મુસાફરીના હકમાં પલાંઠી વાળવાનો હક પણ સમાવિષ્ટ છે. નાગરિકશાસ્ત્રની તેમની આવી સમજણને કારણે ઘણી વાર બંધારણીય તો નહીં, પણ (મારામારી સ્વરૂપે) કાયદો-વ્યવસ્થાની કટોકટી ઊભી થાય છે.
ફક્ત સીટ પર બેઠેલા લોકો જ પલાંઠીવાદી હોય છે એવું માનવાની જરૂર નથી. ટ્રેનમાં આજુબાજુના લોકો એક પગે તપ કરનાર ઘુ્રવને લધુતાગ્રંથિ થઇ જાય એવી મુદ્રામાં પોતાના પગ ટેકવીને ઊભા હોય, ત્યારે ડબ્બાના ભોંયતળીયે, દરવાજા નજીક કે ખુલ્લા પેસેજમાં કેટલાક માથાભારે લોકો બિનધાસ્ત પલાંઠી વાળીને બેસી જાય છે. તેમાં બહેનોનું નોંધપાત્ર પ્રમાણ જોઇને સ્ત્રીસશક્તિકરણના પ્રેમીઓનો રાજી થઇ શકે છે- શરત એટલી કે તે આજુબાજુમાં ઊભેલા ન હોવા જોઇએ. અનરીઝર્વ્ડ- સાદા ડબ્બામાં પલાંઠી વાળીને બેસવું એ ટિકિટસિદ્ધ અધિકાર છે કે નહીં, તેની ઉગ્ર ચર્ચાઓ થાય અને કવચિત તેમાંથી હિંસા પણ ફાટી નીકળતી હોય, એને બદલે પલાંઠીવેરો લઇને લોકોને સત્તાવાર રીતે પલાંઠી વાળવાની પરવાનગી શા માટે ન આપવી? તેનાથી કકળાટ ટળશે અને રેલવેને આવક થશે.
લટકવેરો
બારણાનો દંડો પકડીને શાંતિથી ઊભા રહેવામાં પોતાની સાહસવૃત્તિનું અપમાન લાગતું હોય એવા કેટલાક લોકો બારણાનો એક બાજુનો દંડો પકડીને અડઘું શરીર હવામાં ઘ્વજની પેઠે લહેરાવે છે. આ પ્રવૃત્તિને એડવેન્ચર સ્પોર્ટ્સનો દરજ્જો મળ્યો નથી કે તેને જીમનાસ્ટીકમાં ગણવામાં આવતી નથી, એમાં લટકનારાનો શો વાંક?
આવી રીતે લટકવાની પ્રવૃત્તિને સામાજિક દૃષ્ટિએ નીચી નજરથી જોવાને બદલે કે લટકનારાને મવાલી ગણી લેવાને બદલે, તેમની પાસેથી રેલવે લટકવેરો વસૂલ કરી શકે છે. કેમ? માણસ જીમ્નેશિયમમાં જાય તો ફી ન ચૂકવે? એડવેન્ચર સ્પોર્ટ્સ મફતમાં થાય છે?
‘એરણની ચોરી ને સોયનું દાન કરતી કોર્પોરેટ કંપનીઓની સ્ટાઇલમાં, લટકવેરાની આવકનો થોડો હિસ્સો બારણે લટકવાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારોને વળતર આપવામાં પણ વાપરી શકાય.
ઇન્ટરેસ્ટિંગ & ક્રિએટિવ રાઇટિંગ.
ReplyDeleteઉર્વિશભાઇ કેટલાંક ગુજરાતી લેખકો પૂર્વગ્રહની ગ્રંથિથી પીડાય છે અને મોટાભાગના સર્વાધિક લોકપ્રિય છે પણ જાહેરમાં પોતાનો મત વ્યક્ત કરી શકતા નથી. છેલ્લા કેટલાય વર્ષોથી છાપાઓમાં એના એજ ચુંથાયેલા વિષયો પર કલમો ઘુંટ્યા કરે છે અને એ ઘુંટેલું હવે આ ઝાળા પર ચોંટાડતા રહે છે.
ઉર્વિશભાઈ,મઝા પડી ગઈ. રેલમુસાફરીનું માર્મિક વર્ણને બધું આંખ આગળ ખડું કરી દીધું .
ReplyDeleteઆભાર.... ઉર્વીશભાઈ. ફરીથી એકવાર પેટલાદ થી અમદાવાદ ના અપ-ડાઉન ના દિવસો યાદ આવી ગયા. મારા અપ-ડાઉન માં તમારા મહેમદાવાદ ના ખાસ કરીને કાચ્છઈ ના મિત્રો સાંજે સાબરમતી માં મારા માટે બેસવા ની જગ્યા કરવા ભારે જેહમત કરતા. કારણ કે હું સિવિલ માં મેલ નર્સ (એમના માટે ડોક્ટર ! sad but thats what they were thinking.) એટલે જરૂર પડે યથા યોગ્ય મદદ પણ કરતો. તમારા ટ્રેન મુસાફરી ના લેખો વાંચી ને બહુ મઝા આવે છે પણ આજે એક વાત મનમાં ઝબકી કે ૯૦% અપ-ડાઉન વાળા મુખ્યમંત્રી શ્રી ના ભક્તો છે (મારા માનવા પ્રમાણે), અને અન્ના ના આંદોલન વખતે તો કેવી ચર્ચાઓ ચાલતી હશે એ હું વિચારું છું અને માનસિક ત્રાસ થઇ જાય છે તમે તમારી જાત ને એ ત્રાસ થી કેવી રીતે બચાવો છો ? મને ખબર છે તમે માત્ર દૂર ઉભા રહી એમને સાંભળો છો પણ સાલું જે પ્રકાર ની ચર્ચાઓ થતી હોય છે એ સાંભળી ને કંટ્રોલ કરવો અઘરો છે. બાય ધ વે જો હું હજીયે ઉપ-ડાઉન કરતો હોત તો સાંજે પાંચ ની મેમુ માં બારણા વેરો પાક્કો હતો.
ReplyDeleteઉર્વીશભાઇ, આશા રાખીએ કે આવા કટાક્ષભર્યા ચાબખા આપણા 'માનનીય' રાજકારણીઓને કંઇક એવું સુઝાડે કે તેઓ થોડી લાંબી દ્રષ્ટિથી દેશનું ભલું વિચારે, બાકી અત્યારે તો તેઓ જે 'ભલું' કરે છે તેનાં કરતાં તો કંઇ ન કરે તો સારું!
ReplyDeleteસરસ લેખ.
ReplyDelete