Kamini Kaushal, 85, in conversation with Urvish Kothari; A still from LP cover of `Nadiya Ke Paar` (with DilipKumar)
દિલીપકુમાર-દેવ આનંદ-રાજ કપૂરની શરૂઆતની ફિલ્મોમાં નાયિકા બનનાર કામિની કૌશલ/Kamini Kaushal ૮૫ વર્ષની વયે પણ ચુંબકીય વ્યક્તિત્વ ધરાવે છે. અવાજમાં યુવતી જેવો રણકો અને નજાકત, ચહેરા પરના વાતને અનુરૂપ સતત બદલાતા હાવભાવ અને એ પ્રમાણે અવાજના ચઢાવ- ઉતાર, એ બઘું જોઇને લાગે કે કામિની કૌશલ વૃદ્ધ નહીં, ફક્ત ઉંમરલાયક થયાં છે. ગ્રામોફોન ક્લબના મહેમાન તરીકે અમદાવાદની મુલાકાતે આવેલાં કામિની કૌશલે ‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં ઘણી ભૂલાયેલી અને અજાણી વાતો તાજી કરી.
રાજ કપૂર સાથે તેમણે ‘જેલયાત્રા’ અને આર.કે.ના બેનરની પહેલી ફિલ્મ ‘આગ’માં નાયિકા તરીકે કામ કર્યું. ‘રાજ કપુર બહુ મસ્તીખોર હતો. મારી આગળ બહુ ગપ્પાં મારે અને ખોટેખોટી ધોંસ જમાવે.’ છ દાયકા પહેલાંના ભૂતકાળમાં સરી જતાં કામિની કૌશલે કહ્યું,‘એ મને પૂછે કે તેં કેટલી ફિલ્મોમાં કામ કર્યું? હું કહું કે એક જ. એટલે એ કહે, મેં તો દેસી ઠર્રા હું. મેં તો ઢગલાબંધ ફિલ્મોમાં કામ કર્યું છે. પછી હું અંજાઇ જાઉં એટલે ખડખડાટ હસીને કહે, હું તો તને બનાવવા જૂઠું બોલું છું.’
‘રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમાર- ત્રણેની અલગ અલગ સ્ટાઇલ હતી. દિલીપકુમાર એકદમ અંતર્મુખી. દેવ આનંદ પણ નવો આવ્યો ત્યારે એકદમ શરમાળ હતો. એ વખતે અમે ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું. એ વાતના દાયકાઓ પછી વિજય આનંદની છેલ્લી ફિલ્મમાં અમે સાથે હતાં. ત્યારે દેવને મેક અપ રૂમમાંથી બહાર આવતો જોઇને મેં કહ્યું, ‘અરે, તારી ચાલવાની સ્ટાઇલ હજુ એવી ને એવી જ છે.’ કામિની કૌશલ અને દિલીપકુમારની જોડી નદીયા કે પાર, શબનમ, શહીદ અને આરઝુ જેવી સુપરહિટ ફિલ્મો દ્વારા પડદા ઉપર અને પડદાની બહાર પણ અત્યંત જાણીતી બની.
‘ફિલ્મફેર’ના પહેલા જ અંકના મુખપૃષ્ઠ પર ‘કવરગર્લ’ તરીકે ચમકનાર અને ફિલ્મી દુનિયામાં આજીવન સેક્રેટરી રાખ્યા વિના કામ ચલાવનાર કામિની કૌશલનો જન્મ ૨૫ ફેબુ્રઆરી, ૧૯૨૭ના રોજ લાહોરમાં થયો હતો. તેમનું મૂળ નામ ઉમા કશ્યપ હતું. નાનપણથી જ તે ઓલ ઇન્ડિયા રેડિયો પર નાટકો કરતાં હતાં. પિતા રાયબહાદુર એસ.આર.કશ્યપ તરફથી બધી જ છૂટછાટ હતી. તેમનું મૃત્યુ થતાં મોટા ભાઇ બધાં ભાઇબહેનો માટે પિતાસમાન બની ગયા. તેમના મિત્ર ચેતન આનંદે ઉમાને પોતાની પહેલી ફિલ્મ ‘નીચા નગર’માં તક આપી, પણ થયું એવું કે ચેતન આનંદની પત્નીનું નામ પણ ઉમા હતું અને એ પણ ફિલ્મમાં ભૂમિકા કરતાં હતાં. એટલે ઉમા કશ્યપનું નામ બદલીને કામિની કૌશલ કરી નાખવામાં આવ્યું. ‘મેં કહ્યું હતું કે તમારે જે મારું જે નામ રાખવું હોય તે રાખો, પણ ‘કે’થી શરૂ થતું હોય એવું રાખજો. કારણ કે મારી બહેનની બન્ને દીકરીઓનાં નામ પણ ‘કે’થી શરૂ થાય છે.’
‘નીચા નગર’ (૧૯૪૬) આંતરરાષ્ટ્રિય પ્રશંસા પામી. ત્યાર પછી કામિની કૌશલ લાહોર પાછાં જતાં રહ્યાં હતાં, પણ એ દરમિયાન તેમના અંગત જીવનમાં નાટકીય સંજોગો સર્જાયા. તેમની બહેનનું મૃત્યુ થતાં તેમણે બહેનની બે દીકરીઓની દેખભાળ રાખવા માટે બહેનના પતિ બ્રહ્મસ્વરૂપ સુદ સાથે લગ્ન કર્યું.
ચાળીસીના દાયકાના અંત સુધીમાં અભિનેત્રી તરીકે તેમની ઘણી ફિલ્મો સફળ થઇ હતી, પણ પચાસના દાયકામાં આવેલી બિમલ રોયની ‘બિરાજબહુ’(૧૯૫૪)માં તેમનો અભિનય નવી ઊંચાઇએ પહોંચ્યો. ‘બિમલ રોય બહુ શાંત અને ધીરગંભીર હતા. ફિલ્મના મુખ્ય પાત્રમાં મારી પસંદગી થયા પછી તેમણે મને પૂછ્યું કે ‘બિરાજબહુ’ નવલકથા તમે કેટલી વખત વાંચી છે? મેં જવાબ આપ્યો, ‘બે વાર.’ એટલે તેમણે કહ્યું, ‘તમારે એ વીસેક વાર તો વાંચવી જ જોઇએ. બિરાજનું આખેઆખું પાત્ર તમારામાં ઉતરી જવું જોઇએ.’ આ પ્રસંગ યાદ કરીને કામિની કૌશલે કહ્યું,‘એમની વાત બહુ સાચી હતી. ત્યાર પછી ઘણી વાર એવું બનતું કે આખો સીન એક પણ રીહર્સલ કે રીટેક વિના શૂટ થઇ જતો.’
બિમલ રોય જેવા ડાયરેક્ટરોના પ્રભાવની વાત કરતાં તેમણે કહ્યું,‘તેમણે એવી પદ્ધતિ રાખી હતી કે વાર્તામાં દિવસનાં દૃશ્યો હોય તે દિવસે અને રાતનાં રાતે જ લેવાં, જેથી એક પ્રકારની સ્વાભાવિકતા આવે. એક વાર અમે ખંડાલા પાસે આઉટડોર શૂટિગ કરતાં હતાં ને મારાં મમ્મીને હાર્ટએટેક આવ્યો છે, એવા ખબર મળ્યા. સાંભળીને હું તદ્દન સ્કૂલની વિદ્યાર્થીનીની જેમ બિમલ રોય પાસે રજા માગવા દોડી ગઇ. તેમણે મને સમજાવી અને કહ્યું કે કાલ સવારનું શૂટંિગ પૂરું કરીને નીકળી જજે. એ વખતે મારાથી એવું ન કહેવાય કે રહ્યું તમારું શૂટિગ. હું તો આ ચાલી.’
કામિની કૌશલ-દિલીપકુમાર અભિનીત ફિલ્મ ‘શહીદ’ના ચાહક મનોજકુમારે પોતાની ‘શહીદ’માં કામિની કૌશલને પહેલી વાર માતાની ભૂમિકા કરવા માટે મનાવી લીધાં. ત્યારથી નિરૂપા રોય- અમિતાભ બચ્ચનની જેમ ફિલ્મી માતા-પુત્ર તરીકે કામિની કૌશલ-મનોજકુમાર જાણીતાં બન્યાં. નેવુથી પણ વઘુ ફિલ્મોમાં અભિનય કરનાર કામિની કૌશલે દૂરદર્શન પર બાળકો માટેની ટીવી સિરીયલ અને પપેટ શો સહિત અનેક પ્રવૃત્તિઓથી જીવનને ભર્યુંભાદર્યું રાખ્યું છે. ‘પરાગ’ માસિકમાં તેમણે લખેલી બાળવાર્તાઓ પર ગુલઝાર એટલા રાજી થયા હતા કે એની પરથી જ ટીવી સિરીયલ બનાવવા સૂચવ્યું.
સાવ બાળકી તરીકે પિતાના ખભે બેસીને લાહોર રેલવે સ્ટેશને ટ્રેનના ડબ્બામાં ઊભેલા ગાંધીજીનાં દર્શન કરનાર કામિની કૌશલ તેમના અમેરિકાનિવાસી કમ્પ્યુટર એન્જિનિયર પુત્ર વિદુર સાથે મળીને ગાંધીજીના રોબોટિક પપેટ પર કામ કરી રહ્યાં છે. એના થકી તે નવી પેઢીનાં બાળકો સુધી ગાંધીજીનો સંદેશ પહોંચાડવા ઇચ્છે છે.
હજી કામીનીજી કાર્યરત છે....!! સરસ લેખ.
ReplyDeleteઉર્વીશભાઈ:
ReplyDeleteકામીનીદેવી સાથેનો પ્રેરણાત્મક વાર્તાલાપ પ્રકાશિત કરવા માટે અભાર. તેઓના જીવનની અંતરગત વાતો પ્રથમવાર જાણવા મળી. નાનપણમાં ગાંધીજીના દર્શનથી રંગાયેલા મનની ભાવના જળવાયેલ છે તેથી ખુબ આનંદ થાય છે. બાળકો સુધી ગાંધીજીનો પ્રેરણાદાયી સંદેશ પહોચાડવામાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ.
કેશવ
ઉર્વીશભાઈ,
ReplyDeleteઆપે કામિની કૌશલજી વિષે બહુ સરસ રીતે શાબ્દિક ચરિત્ર સર્જ્યું. ૮૫ વર્ષની વયે તેમની કલાનીષ્ઠા અને જીવન નિષ્ઠા પ્રેરણા આપે તેવી છે .તમારો લેખ આમતો દરેક લેખ જીવંત બની જાય છે .અભિનંદન સિવાય શું હોય ?
સરસ લેખ. આભાર!!
ReplyDeleteurvishbhai, thank 4 sharing such a nice story, samay saathe visarayi gayela aava artisto ni mulakat karavta rehso, baaki aaj kaal PR chhaap so called Hero/in ne joi ne channel j badlayi jaay chhe..
ReplyDeleteRegards Jolly desai...
What a wealth of information about her! I would have never known otherwise. Great, as always Urvish.
ReplyDelete