જૂનવાણી, પરદેશી માનસ ધરાવતા ઘણા લોકો પહેલાં ભારતને સાપ-મદારી ને સાધુઓના દેશ તરીકે તથા પછીથી કોલ સેન્ટરના દેશ તરીકે ઓળખતા હતા. હવે ઘણા બધા લોકો ભારતને કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી ઓળખે છે. એ રીતે વિચારીએ તો કોમનવેલ્થ ગેમ્સની પહેલી રમતસ્પર્ધા યોજાય તે પહેલાં જ તેના આયોજન પાછળનો ભારતનો હેતુ સિદ્ધ થઇ ગયો ગણાય. કારણ કે આ જાતની સ્પર્ધાઓ પાછળ હજારો કરોડ રૂપિયાનું આંધણ કરવાનો મુખ્ય આશય ‘બ્રાન્ડિંગ’નો હોય છે. કેટલાક ઉત્સાહીઓ જ નહીં, અમુક અભ્યાસીઓ પણ ભારતને ‘ભાવિ સુપરપાવર’ તરીકે ઓળખાવવા મથી રહ્યા છે, ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં ભારતે દાખવેલી નિસ્પૃહતા અને નરસિંહ મહેતા વૃત્તિથી સુપરપાવર તરીકેની ભારતની છાપ અનેક ગણી મજબૂત બની છે.
ખરો સુપરપાવર કોણ કહેવાય? રમતોત્સવના પાંચ વર્ષ પહેલાંથી ખાઇખપૂચીને કામ કરવા મંડી પડે, આઠ મહિના બાકી હોય તે પહેલાં બે-ચાર નવી, ભવ્ય ડિઝાઇન ધરાવતી ઇમારતો ખડી કરી દે, છ મહિના બાકી હોય ત્યારે સ્ટેડિયમો તૈયાર કરી નાખે, મહિના પહેલાં ખેલાડીઓને રહેવા માટેની અપટુડેટ જગ્યા તૈયાર કરાવી દે એ દેશ? પાશ્ચાત્ય ભોગવાદ કે ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા’માં ડૂબેલા માણસોને કદાચ આવું લાગે, પણ આખું જગત જેને માનભરી નજરે જુએ છે અને જેમાંથી ભોગવાદી સંસ્કૃતિનું મારણ શોધે છે, એવા ભારતના આધ્યાત્મિક વારસાથી પરિચિત કોઇ જણ આ સુપરપાવરની વ્યાખ્યા આવી રીતે નહીં કરે.
સુપરપાવરની ખરી એટલે કે આધ્યાત્મિક એટલે કે ભારતીય (બધું એકનું એક જ કહેવાય) વ્યાખ્યા એ નથી કે જે સર્વસત્તાધીશ અને સર્વશક્તિમાન હોય. અમેરિકા પોતાની જાતને સુપરપાવર માને છે, પણ લાદેન જેવાં મચ્છરો અમેરિકન હાથીના કાનમાં ઘૂસીને તેને ગાંડોતૂર બનાવી શકે છે. એ વખતે સુપરપાવરનો અહમ ક્યાં રહ્યો? ખરો સુપરપાવર એ છે કે જેની પડખે સુપરપાવર- સર્વશક્તિમાન હોય. એ દૃષ્ટિએ વિચારતાં ભારતને સુપરપાવર કોણ નહીં ગણે? સાક્ષાત્ સર્વશક્તિમાન જેની પડખે હોય અને જે દેશ સંરક્ષણ અને યુદ્ધ જેવી બાબતોમાં પણ સર્વશક્તિમાનના ખોળે માથું મૂકીને નિશ્ચિંત બેસવાની તાકાત ધરાવતો હોય, તે કોમનવેલ્થ ગેમ્સ જેવી નજીવી બાબતોમાં ઘાંઘો થઇને દોડાદોડ કરી મૂકે, એડવાન્સમાં સ્ટેડિયમો તૈયાર કરી નાખે ને પૂલો બાંધી દે એવું ન બને. ન જ બનવું જોઇએ. એ જ તેના સુપરપાવરના મોભાને અનુરૂપ ગણાય.
દેખાદેખી માણસને ભાન ભૂલાવે છે. ઘણા લોકો કહે છે કે ‘બે વર્ષ પહેલાં ચીને ઓલિમ્પિક રમતોત્સવ નિમિત્તે બર્ડઝ નેસ્ટ નામનું અજાયબી જેવું સ્ટેડિયમ બનાવ્યું હતું.’ એમ જોવા જઇએ તો ચીનમાં લોકશાહી નથી-દંડાશાહી છે. એટલે શું આપણે પણ દંડાશાહી અપનાવવાની? અને ચીનને એક નહીં, એકવીસ ‘બર્ડઝ નેસ્ટ’ બનાવવાં પડે. કારણ કે તેની પાસે જગતને ઇમ્પ્રેસ કરવા માટે એક દીવાલ સિવાય બીજું છે શું? ‘વિલંબ, વિલંબ’ની બૂમો પાડનારા ટીકાખોરો એ સમજી શકતા નથી કે આપણે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાના પાંચ મહિના નહીં, પાંચ સદી પહેલાં તાજમહાલ તૈયાર કરી નાખ્યો છે ને કુતુબમિનાર તો એથી પણ પહેલાં. પછી જગતને બતાવવા માટે આપણી પાસે કશું નથી એવી અસલામતી અને લઘુતાગ્રંથિથી શા માટે પીડાવું જોઇએ?
કોમનવેલ્થ ગેમ્સ પર તૂટી પડેલાં પ્રસાર માધ્યમોનો એક કકળાટ એ છે કે સ્ટેડિયમોનાં બાંધકામ વેળાસર પૂરાં ન થયાં અને કેટલાંક સ્ટેડિયમોનાં હજુ ઠેકાણાં નથી. તેના માટે આગળ એક શબ્દ વાપર્યો છે ‘નરસિંહ મહેતાવૃત્તિ’, નરસિંહ મહેતા આપણા રાષ્ટ્રિય કવિ હતા. કારણ કે તેમનું ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ આપણા રાષ્ટ્રપિતાને અત્યંત પ્રિય હતું. નરસિંહ મહેતાએ તેમનાં દીકરી કુંવરબાઇના લગ્ન વખતે કોમનવેલ્થ ગેમ્સના આયોજકો જેવી જ ટાઢક રાખી હતી, પ્રસાર માધ્યમોની જેમ નાગરી નાત તેમની પાછળ પડી ગઇ હતી ને તેમની હાંસી ઉડાડતી હતી, પણ સુરેશ કલમાડી-શીલા દીક્ષિતની જેમ નરસિંહ મહેતા પર તેમનાં ટીકાબાણોની કશી અસર થતી ન હતી. એ કથાનો અંત કેવો આવ્યો અને અંતે હાંસી ઉડાડનારાની જ કેવી હાંસી થઇ તે આપણે સૌ જાણીએ છીએ. કલમાડી-દીક્ષિતે નરસિંહ મહેતાની કથા જાણે છે કે નહીં એ અગત્યનું નથી. ન જાણતાં હોય તો તે વધારે પ્રશંસનીય ગણાય. કારણ કે સફળતાની કોઇ ગેરન્ટી વિના તે ‘સઘળું હરિને હાથ’ સોંપીને, છેવટઘડી સુધી તૈયારીઓના ઠેકાણાં ન હોય તો પણ ‘અમારો પ્રસંગ રંગેચંગે પાર પડશે’ એવી ટાઢક ધરીને બેઠાં છે.
નરસિંહ મહેતાના જમાનાથી વાંધો પાડનારા પાસે મુદ્દાની ખોટ હોતી નથી. છેવટ સુધી તૈયારી ન કરવાનો ખુલાસો મળી ગયા પછી ટીકાકારો કહેશે, ’પુલો તૂટી પડે છે ને છતમાંથી પાણી ટપકે છે. આવું કેવું કામ થયું છે?’ પરંતુ આ લોકોએ યાદ રાખવું જોઇએ કે સુપરપાવર બનવું એ ખાવાના ખેલ નથી. મતલબ, ‘ખાવાના’ જ ખેલ છે, પણ એની સાથે સંકળાયેલી બાબતો પચાવવી સહેલી નથી. ઇતિહાસ ગવાહ છે કે ભારતનાં જાહેર બાંધકામોમાં અત્યાર સુધી ટપકતી છતોની, ભાંગતા રસ્તાની ને તૂટતા પૂલોની એક પરંપરા રહી છે. હવે કોમનવેલ્થ ગેમ્સ જેવા પ્રસંગે એ પરંપરા ભૂલીને અપટુડેટ કામ કરવામાં આવે તો જગત સમક્ષ ભારત કેવો નબળો દેશ પુરવાર થાય? વિશ્વને લાગે કે કોમનવેલ્થ ગેમ્સ જેવા સામાન્ય અને ગુલામીકાળના માનસના પ્રતીક જેવા રમતોત્સવમાં પણ ભારતે પોતાનો સ્વ-ભાવ ખોઇ નાખ્યો. આવો દેશ વધારે મોટા દબાણ કે પ્રભાવ સામે ઉભો રહીને સુપરપાવર શી રીતે બની શકે? સુપરપાવર એને જ કહેવાય જે પોતાની મર્યાદાઓને ઢાંક્યા વિના, તેને ગૌરવમાં ફેરવી નાખે અને ‘જે છે તે આ જ છે’ના મિજાજથી દુનિયા સામે માથું ઉંચું રાખીને શાનથી ઉભો રહી શકે.
આ દૃષ્ટિએ જોતાં સુરેશ કલમાડી અને શીલા દીક્ષિતે ભારતનો સુપરપાવર તરીકેનો દાવો અભૂતપૂર્વ રીતે મજબૂત કરી આપ્યો છે. એક તરફ કોમનવેલ્થ ગેમ્સ પૂરી થાય ત્યાં બીજી તરફ ભારત સુપરપાવર તરીકે ઘોષિત થયું સમજો. ચીને આટલાં વર્ષોમાં મહેનતથી ઉંધા પડીને જે સિદ્ધ કર્યું હતું તે કલમાડી-દીક્ષિત એન્ડ કંપનીએ નિષ્કામભાવે સિદ્ધ કરી બતાવ્યું છે. એ બદલ કોમનવેલ્થ ગેમ્સ પછી તરત તેમને સંયુક્ત રીતે ‘ભારતરત્ન’થી નવાજવા જોઇએ.