Wednesday, March 18, 2026
પાર્કિંગઃ વાહનસિદ્ધ અધિકાર?
લોકમાન્ય ટીળક સો વર્ષ મોડા--અને ગુજરાતમાં--જન્મ્યા હોત તો તેમણે કદાચ કહ્યું હોત,‘પાર્કિંગ મારો વાહનસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ.’ પણ લોકમાન્યનાં નસીબ કે તે વહેલા જન્મી ગયા. એ હકીકતથી જરાય હિંમત હાર્યા વિના ગુજરાતીઓએ નક્કી કરી લીધું કે આ બાબતમાં કોઈ લોકમાન્ય પાકે તેની રાહ જોવી નહીં અને 'દરેક પોતાનો નેતા'--એવી સ્વરાજી ઢબે, આત્મનિર્ભર બની જવું. એટલે, મુંબઈ જેવાં શહેરોમાં તો પાર્કિંગ ઓઇલ ને ડેટા જેટલું કિમતી લાગે એવી સ્થિતિ હતી અને હવે ગુજરાતનાં શહેરો-નગરોમાં પણ એ સ્થિતિ આવી ગઈ છે.
અર્બન પ્લાનિંગ અને રસ્તાની ડીઝાઇનનું શાસ્ત્ર ભણાવતા મિત્રો ગમે તે કહે, લોકો એવું માને જ છે કે જેમ દાંત આપનાર (ડેન્ટિસ્ટ નહીં, ઇશ્વર) ચાવણું (ખાવાનું) આપે છે, તેમ વાહન આપનાર પાર્કિંગ પણ આપશે. આ વાત વધારે આસ્તિકતાપૂર્વક કહેવી હોય તો, દાંત મળ્યા તેને ખાવાનું મળી રહેશે ને વાહન મળ્યું તેને પાર્કિંગ મળી રહેશે. આ બંને ખ્યાલ ખોટા હોઈ શકે છે તે સત્ય આંખ-કાન ખુલ્લાં રાખનાર કોઈને સમજાવવું પડે એમ નથી. તેનો સૌથી પહેલો ખ્યાલ મર્યાદિત જગ્યા ધરાવતી સોસાયટી કે ફ્લેટમાં રહેનારા ચતુષ્ચક્રી-ધારકોને આવે છે. હોંશે હોંશે કાર ખરીદી લાવ્યા પછી ઘરની બહાર કે નીચે ખડી ક્યાં કરવી, એ સવાલ થાય છે.
જેમ પાણી વેચાય તે એક સમયે આઘાતજનક ગણાતું હોવા છતાં હવે તેની નવાઈ નથી રહી તેમ, ઘરથી અલગ પાર્કિંગની જગ્યા વેચાય અને એક રહીશ બીજા રહીશની પાર્કિંગની જગ્યા ખરીદે કે ભાડે રાખે, એવી ઘટનાઓથી કોઈને નવાઈ લાગતી નથી. પહેલાં પાર્કિંગની જગ્યાની છત ધરાવતાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો આવુંબધું સાંભળીને કકળી ઉઠતા હતા, પણ હવે ધીમે ધીમે તેમના સુધી પણ વિકાસનો સ્વાદ પહોંચી રહ્યો છે. દાંત અને ચાવણાની કહેણી પાર્કિંગના કિસ્સામાં જરા જુદી રીતે લાગુ પડે છે. અહીં તો, ઘર વેચનાર પાર્કિંગ પણ વેચે છે. એટલે કે, પાર્કિંગ ઘરથી અલગ ખરીદવું પડે છે અને તે પણ એકાદ વાહન પૂરતું. કેટલાંક ફ્લેટ અને સોસાયટીમાં પાર્કિંગની જગ્યા માટે એવી કાયમી ખેંચતાણ હોય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાર્કિંગના મુદ્દે થશે એવું કમ સે કમ ત્યાં ઊભા હોઈએ ત્યારે તો લાગે. તે નિવારવા માટે ફાળવેલા પાર્કિંગ પર ફ્લેટ નંબર લખીને, જાણે યુ્દ્ધને ખાળવાની કોશિશ થાય છે. તેના કારણે થોડીઘણી સફળતા મળે છે, છતાં કોઈ પણ સમયે તે યુદ્ધ ફાટી નીકળશે, એવી ભીતિ ઓસરતી નથી.
પાર્કિંગની સમસ્યા ઘરઆંગણે છે, તેનાથી પણ વધારે વિકરાળ સ્વરૂપે રસ્તા પર અને જાહેર સ્થળોએ જોવા મળે છે. દાયકાઓ સુધી જાહેરમાં, રસ્તાની કોરે વાહન પાર્ક કરીને જતા રહેવાની સતયુગી ટેવવાળાને હવે પહોંચવાનું હોય એ સ્થળથી દૂર, પાર્કિંગની જગ્યા જ્યાં મળે ત્યાં વાહન ઊભું રાખીને ચાલતાં આવવું પડે, ત્યારે તેને હળાહળ કળિયુગનો અહેસાસ થાય છે. મુંબઈ જેવાં શહેરોમાં વર્ષોથી વાહન પાર્ક કર્યા પછી મુખ્ય સ્થાને પહોંચવા માટે અલગથી રિક્ષા કરવાનો રિવાજ એટલો સામાન્ય ગણાય છે કે તે વિશે કોઈને આશ્ચર્ય પણ થતું નથી.
રસ્તાની બાજુ પર પાર્કિંગ કરવું કે નહીં, તે કાયદાની દૃષ્ટિએ સ્પષ્ટ હોય તો પણ, વ્યવહારમાં તકરારી મુદ્દો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણા ઠેકાણે, કાચા અંગ્રેજીને કારણે નહીં, પણ પાકી વ્યવહારબુદ્ધિને કારણે, લોકો 'નો પાર્કિંગ'ના પાટિયાનો અર્થ કાઢે છેઃ 'અહીં પાર્કિંગ કરો’. 'નો પાર્કિંગ'ના પાટિયાને અઢેલીને કે તેની આસપાસ ખડકાયેલાં વાહનો જોઈને 'સવિનય કાનૂનભંગ' અને 'ગાંધીનું ગુજરાત' જેવા શબ્દપ્રયોગો તેમની યથાર્થતા સહિત સાંભરે છે. એ મુદ્દે ટ્રાફિક પોલીસ સાથે ચણભણનો પ્રસંગ ઊભો થાય ત્યારે પણ વાહનચાલકો મોળા પડ્યા વિના, યથાશક્તિ ઝીંક ઝીલીને દંડમાંથી બચવાની કોશિશ કરે છે.
ઘણી વાર 'નો પાર્કિંગ'નું પાટિયું
ન હોવાથી, વાહન રસ્તા પર છે કે નહીં, તે વિશે અર્થઘટનના વિવાદ સર્જાય છે. ટ્રાફિક પોલીસ
માને છે કે અડધું વાહન રસ્તા પર છે, જ્યારે વાહનચાલક માને છે કે અડધું વાહન રસ્તાની
બહાર છે. એ તો સ્પષ્ટ છે કે આ મતભેદ 'પ્યાલો અડધો ભરેલો ગણાય કે અડધો ખાલી?’ તે પ્રકારનો
તાત્ત્વિક છે. એવા મતભેદનો ઉકેલ, આપણી પરંપરા પ્રમાણે, શાસ્ત્રાર્થથી કરવાનો હોય, પરંતુ
ટ્રાફિક પોલીસની પસંદગીની પરીક્ષામાં શાસ્ત્રાર્થને લગતા સવાલ આવતા ન હોવાથી તે દંડની
પાવતી ફાડવા માટે તલપાપડ થાય છે. તેમને વારવા
માટે પોલીસખાતામાં રહેલા કે કોઈ ઉપરી પોલીસને ઓળખતા એવા સગાવહાલા, મિત્ર કે પરિચિતનું
મોબાઇલ પર આહ્વાન કરવામાં આવે છે. એવી રીતે થયેલી વાતચીત પછી દંડ માફ થાય કે ન થાય,
પણ મૂળ તાત્ત્વિક સવાલનો નીવેડો આવતો નથી અને ભવિષ્યમાં પાર્કિંગને લગતી તકરારોની સંભાવના
ઊભી રહે છે.
લાયસન્સ આપતી વખતે વાહન, ખાસ કરીને ચતુષ્ચક્રી (ફોર વ્હીલર) પાર્ક કરતાં આવડે છે કે નહીં તે જોવાતું હોય છે. પરંતુ નજીકના ભવિષ્યમાં લાયસન્સ આપતી વખતે, વાહનની સાથે ચાલકે પાર્કિંગની જગ્યા પણ ખરીદી છે એવી ખાતરી આપવી પડશે ને તેનાં પ્રમાણપત્ર રજૂ કરવાં પડશે. આવી કલ્પનાઓ કલ્પના રહેતી નથી અને ઝડપથી વાસ્તવિકતામાં ફેરવાઈ જાય છે, તે હાસ્ય-વ્યંગની સૌથી મોટી કરુણતા રહી છે.
Friday, March 13, 2026
ડીજેઃ બહુમાળી ઘોંઘાટ
‘અત્યારે આ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે. ગમે ત્યાં સ્થળ-સમય જોયા વિના ચાલુ પડી જાય છે ને લોહી પી જાય છે.’—આવું વિધાન કશા સંદર્ભ વગર કરવામાં આવે તો કવિઓ અને ડાયરાવાળાથી માંડીને મંત્રીઓ સુધીના કોઈ પણ બંધબેસતી પાઘડી પહેરી શકે. એટલે સ્પષ્ટતા કરવી પડે કે હાલ પૂરતી વાત ડીજેની થાય છે.
‘આજ રે
સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો/
ખળખળતી નદીયું રે સાહેલી મારા સપનામાં’—એવું એક લોકગીત હતું. તેમાં સહેજ ફેર કરીને ડીજે માટે કહી શકાય, ‘આજ રે આંગણામાં મેં તો બોલતો ડુંગર
દીઠો/ધણધણતી શેરીયું
રે સાહેલી મારા સપનામાં’. અહીં
કવિ જે ડુંગરની વાત કરવા માગે છે, તે છે રાક્ષસી સાઇઝનાં સ્પીકરનો ડુંગર. એકની ઉપર
એક ગોઠવાયેલાં બહુમાળી સ્પીકરોનું કદ અને તેમની ઊંચાઈ એવાં હોય છે કે દૂરથી અને નિર્જીવ-બંધ
અવસ્થામાં પણ તે ભયપ્રેરક લાગે. તે જોઈને માણસની છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થઈ જાય અને
તેને ઇશારો આપે,’અહીંથી
બને એટલો દૂર ભાગવા માંડ. એક વાર આ શરૂ થશે તો તારી ને તારી શ્રવણેન્દ્રીયની ખેર
નથી.’
ગુજરાતમાં
આમ પણ સાદા, મોટિવેશનલ અને એક વાર મોટિવેશનલ તરીકે પ્રખ્યાત થઈ ગયા પછી એ બિરુદ
છોડવા તત્પર—એમ તમામ પ્રકારના સ્પીકરોનો ત્રાસ પૂરતો હતો. ઘણા લોકોને વિધાનગૃહોના
સ્પીકરો સામે પણ ભારે ફરિયાદ હતી. એટલું ઓછું હોય તેમ, સ્પીકરોની એ યાદીમાં
ડીજેનાં સ્પીકરોનો ઉમેરો થયો. મોટિવેશનલ સ્પીકરોની જેમ ડીજેનાં સ્પીકરોને પણ, તે
એક વાર ‘બોલવાનું’ શરૂ કરે, ત્યાર પછી શાંત કેમ પાડવાં,
એ સમસ્યા હોય છે. ડીજેનાં સ્પીકર શ્રવણેન્દ્રીયને બહેરી કરીને મગજને સુન્ન કરી
નાખે છે, જ્યારે બીજા પ્રકારના સ્પીકર શ્રોતાઓની સામાન્ય બુદ્ધિ પર હુમલો કરીને,
તેમની હાલત ખરાબ કરી નાખે છે.
ગીતસંગીત
રેલાવતાં સ્પીકરો માટે ‘વાગ્યાં’ એવો શબ્દપ્રયોગ સામાન્ય છે, પણ ડીજે
તરીકે વાગતાં સ્પીકરો સાંભળીને ‘વાગ્યાં’ શબ્દની યથાર્થતા સ્પષ્ટ થાય છે.
કારણ કે, એવી રીતે વાગતાં સ્પીકરો માથું, કાન, દિલ અને આખા શરીર પર હથોડાની જેમ
વાગે છે અને આખું ચેતાતંત્ર, સ્નાયુતંત્ર અને કંકાલતંત્ર સુદ્ધાં હચમચાવી મુકે છે.
પરદેશમાં આવતાં નોઇઝ કેન્સલેશનનાં મોંઘામાં મોંઘાં સાધનો પણ દેશી ડીજે આગળ નબળાં
ને અપૂરતાં પુરવાર થાય છે. કેમ કે, ડીજેના અવાજને ‘નોઇઝ’ ગણવો તે અમેરિકાની દાદાગીરીને ‘અવિવેક’ ગણાવવા જેવી અલ્પોક્તિ
(અન્ડરસ્ટેટમેન્ટ) છે. અમેરિકા પરથી યાદ આવ્યુઃ કોઈ પરદેશી જાસુસ ભૂલેચૂકે આપણે
ત્યાં નીકળેલા ડીજેધારી વરઘોડાને જોઈ લે તો તેને ચોક્કસ એવી શંકા જાય કે ભારત પાસે
મોટી સંખ્યામાં ‘વેપન્સ
ઓફ માસ ડીસ્ટ્રક્શન’ છે,
એટલું જ નહીં, તે એને છુપાવવાને બદલે, સરેઆમ પોતાના જ નાગરિકો પર છૂટાં મૂકે છે.
સંગીત
સામાન્ય રીતે રેલાયું એમ કહેવાય છે, પણ ડીજેમાંથી સંગીત રેલાતું નથી, એ તો છૂટ્ટું
ફેંકાય છે અને સામેવાળો ઝીલવા તૈયાર છે કે નહીં તેની પરવા કર્યા વિના, તેના આખા
અસ્તિત્ત્વને અદૃશ્ય રીતે ધ્રુજાવી મુકે છે. બાળપણમાં રાક્ષસની કથાઓ સાંભળતી વેળા
તેમનું અસ્તિત્વ કાલ્પનિક લાગતું હતું, પણ ડીજેમાંથી નીકળતી ધણધણાટી સાંભળ્યા પછી ‘રાક્ષસી’નો ખ્યાલ સંપૂર્ણપણે વાસ્તવિક લાગે
છે. એવું લાગે છે, જાણે સ્પીકરનો ખડકલો ધરાવતો ટેમ્પો કે ટ્રક ચોપગા રાક્ષસનું
શરીર છે અને તેના આખા અસ્તિત્વનું જોર અવાજ દ્વારા પ્રગટ થઈને આસપાસનાં સૌને
આતંકિત કરી રહ્યું છે. સમાજશાસ્ત્રના નવા નવા રવાડે ચડેલા લોકો દરેક બાબતમાં
ગંભીર, સમાજશાસ્ત્રીય મુદ્દો શોધીને તેની થિયરી ઘડવાની કોશિશ કરતા હોય છે. એવા
લોકો એમ પણ કહી શકે કે ડીજે એ ભારતની ધબકતી, રણકતી, ધ્રુજાવતી ને હણહણતી
લોકશાહીનું પ્રતીક છે. કારણ કે, પહેલાં અંગત પ્રસંગમાં જાહેર ઘોંઘાટ કરવાનો
એકાધિકાર ફક્ત પૈસાદારોનો હતો. કારણ કે, બેન્ડવાજાંનો ખર્ચ ફક્ત તેમને પોસાતો હતો.
ડીજેના આગમન પછી એ અધિકારનું લોકશાહીકરણ થઈ ગયું છે અને હવે ગરીબમાં ગરીબ માણસ પણ
થોડા હજાર રૂપિયા ખર્ચીને મન ફાવે ત્યાં, મન ફાવે એટલો ઘોંઘાટ ફેલાવીને લોકશાહીનો
આનંદ માણી શકે છે. એ તર્ક મુજબ ડીજેના આસુરી ઘોંઘાટ સામે ફરિયાદ કરનારને
લોકશાહીવિરોધી તરીકેનો ઠપકો મળે તો પણ નવાઈ નહીં.
જોકે,
અદાલતનો ચુકાદો એમ કરતાં રોકે છે—ના, ડીજેને ઘોંઘાટ ફેલાવતાં નહીં, ડીજેવિરોધને
લોકશાહીનો વિરોધ ગણાવતાં. સર્વોચ્ચ અદાલતે ડીજેના ઘોંઘાટ માટે માપદંડ અને
સમયમર્યાદા જાહેર કરેલાં છે. પણ શેરીમાં વાગતા ડીજેને સુપ્રીમ કોર્ટ સાથે કોઈ
સંબંધ હોઈ શકે અથવા દિલ્હીમાં બેઠેલી સુપ્રીમ કોર્ટને શેરી ધ્રુજાવી મુકતા ડીજે
વિશે કંઈક કહેવાનું હોય, એવું કોઈની કલ્પનામાં આવતું નથી. શેરી કે સોસાયટી માટે તો
સ્થાનિક પોલીસ સ્ટેશન એ જ સુપ્રીમ કોર્ટ બરાબર હોય છે. ત્યાં મોડી રાત્રે ડીજેની
ફરિયાદ નોંધાવવા જતાં, રાતની ઉંઘ બગાડવા બદલ સૌથી પહેલો સીધો કે આડકતરો ઠપકો
ફરિયાદીને સાંભળવો પડે એવી સંભાવના પણ રહે છે.
ધાર્મિક વરઘોડામાં વાગતું ડીજે ધર્મ અને સંસ્કૃતિ સમકક્ષ થઈ જાય છે. તેનો વિરોધ કરવા જતાં વિવાદમાં ઉતરવું પડે, પણ સૌથી મોટી મુશ્કેલી એ છે કે ડીજે વાગતું હોય ત્યારે વાદવિવાદ શી રીતે થાય? એ માટે પહેલાં ડીજે બંધ કરવું પડે. એટલે મોટે ભાગે ઇંડુ-મરઘી ન્યાયે ડીજેનું કંઈ થઈ શકતું નથી અને જૂઠાણાં-વાદી સરકારોની જેમ ત્રાસ-વાદી ડીજેની પણ ધીમે ધીમે લોકોને ટેવ પડી જાય છે.