 |
'સફારી'ના એક અંકનું મુખપૃષ્ઠ |
--અને એક વખત એવું પણ બન્યું કે, ‘સફારી’ બંધ થયું.
નગેન્દ્ર વિજયના તંત્રીપદ હેઠળ શરૂ
થયેલું, નગેન્દ્રભાઈના તંત્રીપદ-હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદ હેઠળ ફૂલેલુંફાલેલું અને વર્ષ 2018માં હર્ષલને છોડવું પડ્યું ત્યાર પછી સંપાદકવિહોણું બનેલું ‘સફારી’ છેવટે બંધ થયાના સમાચાર ગઈ કાલે મળ્યા. નગેન્દ્ર વિજયે તાજા અંકના તંત્રીલેખમાં તેની જાહેરાત કરી. સેંકડો વાચકોના માનીતા જ્ઞાનવિજ્ઞાનના માસિક તરીકે ‘સફારી’નો
દબદબો એવો હતો કે સંખ્યાબંધ વાચકોએ પરિવારનું કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવી ખોટ અને એવો આંચકો લાગ્યાં.
નગેન્દ્ર વિજયનું ‘સ્કોપ’ વિશુદ્ધ વિજ્ઞાનસામયિક હતું અને ‘વન મેન શો’ હતું, જ્યારે ‘સફારી’ જ્ઞાનવિજ્ઞાનનું સામયિક. શરૂઆતનાં
પાંચેક વર્ષને બાદ કરતાં તે નગેન્દ્ર વિજય અને હર્ષલ પુષ્કર્ણાની એક ને એક અગીયાર
જેવી જુગલબંદીનું પ્લેટફોર્મ બન્યું. તેમાં રમતિયાળ શૈલીમાં પીરસાતી જાણકારી વાચકોને
માહિતીની સાથોસાથ મનોરંજન ઉપરાંત કંઈક નવું, કંઈક નક્કર જાણવાની ‘કીક’ આપતી હતી. ‘સફારી’ના સરળ લાગતા લેખનનો જાદુ એવો હતો કે એકેએક વાક્યમાં
કશીક બાંધી રાખનારી વાત હોય ને આગળ વાંચવાની ઉત્સુકતા બરકરાર રાખનારું તત્ત્વ.
‘લોકો લાંબું વાંચતા નથી’ એવા રટણનો જમાનો આવ્યા પછી પણ ‘સફારી’માં દસ-પંદર પાનાંના લેખ આરામથી છપાતા હતા. લખાણ ગમે તેટલું લાંબું હોય, પણ તે
(નગેન્દ્રભાઈનો શબ્દપ્રયોગ વાપરીને કહું તો, મમરાની ગુણ જેવું નહીં) ઠોસ હોય.
રમતિયાળ મથાળાં, અકલ્પનીય વિષયો, અવનવા વિભાગો, એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી
લેખ પૂરો જ કરવો પડે એવી લખાવટ, જમાના સાથે કદમ મિલાવવાની તાસીર—આ બધી ખૂબીઓએ ‘સફારી’ને કલ્ટ સ્ટેટસ અપાવ્યું. તેનો વિશિષ્ટ ચાહકવર્ગ ઊભો
થયો અને લાંબા સમય સુધી, ઘણા કિસ્સામાં બીજી પેઢી સુધી ટક્યો.
*
‘સફારી’ અને નગેન્દ્રભાઈ સાથેની એક સમયની નિકટતા અને તેમની પાસેથી મને કેવું મહત્ત્વનું ભાથું મળ્યું, તેની વિગતે વાત ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ પુસ્તકમાં છે.
અહીં તે લખવાનું ટાણું નથી. પરંતુ 1996થી નગેન્દ્રભાઈને ‘સફારી’ની ઓફિસે
મળવાના સિલસિલાની શરૂઆત થઈ, ત્યાં સુધીમાં ‘સફારી’ જામી ગયું હતું, જોકે, આર્થિક સમૃદ્ધિ
હજુ દૂર હતી. હર્ષલ ‘સફારી’ સાથે બરાબર ઓતપ્રોત થઈ ચૂક્યો હતો. નગેન્દ્રભાઈની શૈલી સીધી રીતે ઘડતરની
નહીં. હર્ષલને સીધેસીધું કશું કહે નહીં. કહે તો ઇશારા ને ટૂંકાક્ષરીમાં કહે.
બાકીનું ઉકેલી લેવાનું. છતાં, હર્ષલ તેની જાતને બરાબર ઘડી રહ્યો હતો. તે સમય એવો
હતો જ્યારે નગેન્દ્રભાઈ એટલે ‘સફારી’ અને ‘સફારી’ એટલે નગેન્દ્રભાઈ—એવું સમીકરણ
(યોગ્ય રીતે જ) પ્રચલિત હતું. મારા સહિતના ઘણા લોકો એવી ચિંતા પણ કરતા કે
અવસ્થાનાં અથવા બીજાં કારણોસર નગેન્દ્રભાઈનું લખવાનું બંધ થશે, ત્યારે ‘સફારી’નું શું થશે?
‘સફારી’ની ઓફિસની નિયમિત મુલાકાતો પછી નગેન્દ્રભાઈ સાથે શિષ્યભાવે નિકટતા
ઉપરાંત હર્ષલ સાથે પણ દોસ્તી થઈ. એમાં પણ 1999માં અમે નગેન્દ્રભાઈના તંત્રીપદ હેઠળ
‘સીટીલાઇફ’ પખવાડિક (અમદાવાદનું સીટી મેગેઝીન) સંભાળ્યું
ત્યારથી વિશેષ. હર્ષલ મારાથી થોડો નાનો. તે સમયે
તેને સૌથી મોટો ધક્કો મારનારું ચાલક બળ એ હતું કે ‘આ દુનિયાએ મારા પિતાની પ્રતિભાની કદર કરી નથી ને ક્યારેક અપમાન પણ કર્યું હશે.
મારે એનો બદલો લેવો છે ને મારા પિતાનું સાચું મૂલ્ય આ દુનિયાને દેખાડી આપવું છે- આ
દુનિયા સમજે છે એ ભાષામાં સફળ વ્યક્તિ તરીકે તેમને સ્થાપવા સ્થાપવા છે.’ આ મારું અર્થઘટન નથી. શબ્દફેરે આ મતલબની વાત અમારે ઘણી વાર થતી હતી.
‘સફારી’ની યુનિયન ફ્લેટ્સની જૂની ઓફિસે તો નગેન્દ્રભાઈની કેબિન કહેવાય એવું ભાગ્યે જ
હતું. ફ્લેટનો એક રૂમ હતો, જે હજુ આજે પણ હું આંખ મીંચું તો જોઈ શકું છું. તેમનાં
ટેબલ-ખુરશીની સામે થોડા અંતરે રહેલા પલંગ પર છાપાંના-સામયિકોના ઢગ પડ્યા હોય.
ત્યાં જગ્યા કરીને બેસી જવાનું. ‘સીટીલાઇફ’ની શરૂઆત ત્યાંથી થઈ હતી. હર્ષલ ત્યારે લખતો હતો, પણ તે ઉપરાંતની બાબતોમાં અને
કમ્પ્યુટરમાં તો સવિશેષ માહેર બની રહ્યો હતો.
એ જ વર્ષે 1999માં ‘આનંદમંગલ’ની ઓફિસ થઈ. પછીના એકાદ વર્ષમાં હું હર્ષલની આગેવાની
હેઠળ વીસમી સદીની પચાસ મહત્ત્વની ઘટનાઓના પુસ્તક (સામયિકસ્વરૂપમાં)નું કામ કરી રહ્યો
હતો. ત્યારે હર્ષલનું લખાણ ઘડાતું હતું, પણ હર્ષલે નગેન્દ્રભાઈને ફક્ત
કહેવા ખાતર ગુરુપદે સ્થાપ્યા ન હતા. ધીમે ધીમે એવું થયું કે ઓફિસમાં હિસાબકિતાબ
અને ઓફિસ મેનેજમેન્ટથી માંડીને મેગેઝીનના લે-આઉટ, માર્કેટિંગ અને પ્રકાશનના નવા
આઇડીયા વિચારવાની સાથોસાથ લખવામાં પણ તેનું પ્રદાન વધતું ગયું. ધીમે ધીમે તે લેખો
ઉપરાંત સુપર સવાલ, ફેક્ટફાઇન્ડર વિભાગના કેટલાક પ્રશ્નો અને બીજું પણ એકદમ ‘સફારી’ અંદાજમાં લખવા
માંડ્યો—અને ‘સંપાદકનો પત્ર’ તો ખરો જ.
હર્ષલને સૌથી મોટી ખેવના એ વાતની હતી
કે નગેન્દ્રભાઈની લેખક તરીકેની પ્રતિભાને માનપાન ઉપરાંત આર્થિક સમૃદ્ધિ ને નિરાંત
મળવાં જોઈએ. સંઘર્ષનો ઓછાયો સુદ્ધાં તેમના માથે ન રહેવો જોઈએ. આ પડકાર ઓછો હોય
તેમ, બીજો અને વધારે મોટો પડકાર નગેન્દ્ર વિજય જેવા પિતાની છાયામાં પોતાની
સ્વતંત્ર પ્રતિભા વિકસાવવાનો હતો, જે ‘સફારી’ના ભવિષ્ય માટે બહુ જરૂરી હતું. અભિષેક બચ્ચન કે રોહન ગાવસ્કર કે અમિતકુમાર
જેવા કિસ્સા બહુ સામાન્ય ગણાય છે અને તેમાં કોઈને નવાઈ પણ નથી લાગતી. પ્રતાપી પિતા
સાથે સતત સરખામણીનું દબાણ તો વેઠનાર જ જાણે.
 |
કામની જેમ વખતોવખતની ઉજવણીમાં પણ પરિવારની સામેલગીરી |
છતાં ગુજરાતી વાચકોનાં સારા નસીબે હર્ષલ
અશક્ય લાગતો એ પડકાર ઝીલી શક્યો અને તેને અસાધારણ સફળતાથી પાર પાડી શક્યો. તેમાં
તેની પત્ની ફાલ્ગુનીનો ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની હતી. તે ખરા અર્થમાં હર્ષલની
પત્ની ઉપરાંત સાથીદાર બની. હર્ષલે ‘સફારી’નું બાકીની બધી બાબતોનું સંપૂર્ણ સુકાન હાથમાં લીધું અને લેખ તથા સંપાદકીયમાં
નગેન્દ્રભાઈના લેખોની સાથે ભળી જાય એવા લેખ લખવાની સિદ્ધિ પણ મેળવી લીધી. ક્યારેક નગેન્દ્રભાઈ લખી શક્યા ન હોય ત્યારે આખો અંક હર્ષલે કાઢ્યા હોય,
એવી પણ સાંભરણ છે. એવી જ રીતે, નગેન્દ્રભાઈ સિવાય બીજું કોઈ લખી ન શકે એવા ‘એક વખત એવું બન્યું’ વિભાગના કેટલાક લેખ પણ આપદ્ ધર્મ તરીકે હર્ષલે લખ્યા હતા અને તે વાંચીને ભાગ્યે જ કોઈને લાગ્યું હશે કે હાથ બદલાયો છે.
‘સફારી’ માટે તેનું લખવાનું કેટલી હદે મહત્ત્વનું હતું તેનું એક
ઉદાહરણઃ એક સમયે તેને મણકાની એવી કશીક ગંભીર તકલીફ થઈ કે તે બેસી પણ ન શકે. તો પછી
લખવું શી રીતે? એટલે તેણે પોતાની કેબિનમાં એક પાટ મુકાવી અને તેની
ઉપર વિશિષ્ટ ગોઠવણથી લેપટોપ મુકી શકાય અને સુતાં સુતાં લખી શકાય એવી વ્યવસ્થા ઊભી
કરી હતી. તે વખતનો ફોટો પણ મેં યાદગીરી તરીકે પાડ્યો હતો.
 |
એક સમયે આનંદમંગલની ઓફિસે હર્ષલની વિશિષ્ટ વ્યવસ્થા (ફોટોઃ ઉર્વીશ કોઠારી) |
*
આખરે સંઘર્ષનો સમય ભૂતકાળ બન્યો
અને આર્થિક સમૃદ્ધિનો દૌર શરૂ થયો. આંબાવાડીમાં સરસ ઓફિસ અને બોપલમાં બંગલો—તે
નગેન્દ્રવિજયના લેખન અને હર્ષલના લેખન ઉપરાંત બાકીના મોરચે સફળ સંચાલનનું ઊજળું
પરિણામ હતું. તે જોઈને નગેન્દ્રભાઈ પરિવારને થઈ હશે, એટલી જ ટાઢક મારા જેવા તેમના
ઘણા ચાહકોને થઈ હતી. તે સમયે મારી સાથેના એક રેકોર્ડેડ ઇન્ટર્વ્યૂમાં નગેન્દ્રભાઈએ બહુ સચોટ રીતે કહ્યું હતું, ‘ડોશી અંધારામાં બેસીને બખિયા (ટાંકા) લેતી હોય, પણ એને ખબર જ ન હોય કે સોયમાં
દોરો નથી. હર્ષલ મારી જિંદગીમાં એ દોરો થઈને આવ્યો.’
એક સમય એવો હતો, જ્યારે ‘સફારી’ની મહિને આશરે 70 હજારથી પણ વધુ નકલો વેચાતી હતી. ‘સફારી’ વાંચવું એ ગૌરવરૂપ ગણાતું હતું. મારા જેવા જણને
તેમાં ક્યારેક પ્રગટી જતો ગાંધીજી પ્રત્યેનો અભાવ કે ગોડસે પ્રત્યેનો કંઈક ભાવ કે
હિટલર પ્રત્યે પ્રગટ નહીં તો પણ છૂપો ભાવ ખટકતો, છતાં ‘સફારી’માં એ સિવાય બીજું એટલું બધું આવતું હતું કે પેલો
ખટકો ઓગળી જતો. ‘સફારી’ ન વાંચ્યું હોત તો જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયોમાં રસ પડવાની શરૂઆત ન થઈ હોત. તેનું એ ઋણ કાયમ મનમાં અંકાયેલું રહેશે.
કમ્પ્યુટરઃપ્રથમ પરિચય કે આસાન
અંગ્રેજી જેવી લેખમાળાઓ, ‘એક વખત એવું બન્યું’, સુપરસવાલ અને સવાલજવાબની કોલમ જેવા જબરદસ્ત વિભાગો તો બરાબર, પણ જે વિષયમાં
ઓછો રસ પડતો હોય તેનો લેખ (ભલે આખા અંકમાં સૌથી છેલ્લો) વાંચીએ ત્યારે પણ એમ થાય
કે ઓહોહો, આ વિષયમાં પણ આટલું સરસ લખી શકાય? ‘સફારી’ની પરંપરા પ્રમાણે નગેન્દ્રભાઈ અને હર્ષલના અસલી નામ
સાથેના લેખ તો માંડ એક કે વધીને બે હોય. બાકીના લેખોમાં તો ઉપનામો હોય. એટલે ક્યારેક
નગેન્દ્રભાઈના લાગતા લેખ વિશે તેમની સાથે વાત કરીએ ત્યારે તે લેખ હર્ષલનો નીકળે એવું પણ બને અને ક્યારેક એનાથી ઉલટું પણ બને.
 |
સફારીના 200મા અંકની ઉજવણી. (ફોટોઃ ઉર્વીશ કોઠારી) |
હર્ષલ અને નગેન્દ્રભાઈ સાથેની
સ્વતંત્ર નિકટતાને કારણે ‘સફારી’ની ઓફિસની દશેરા પાર્ટીમાં કે બીજાં એવાં વિશેષ આયોજનોમાં સપરિવાર સામેલ
થવાનું હોય. ત્યારે એ બધી બાબતોમાં પણ હર્ષલનું અત્યંત ચીવટપૂર્વકનું આયોજન જોવા
મળે. નગેન્દ્રભાઈ પણ તેમનું ત્યારનું ચુસ્ત મરજાદીપણું છોડીને, આનંદપૂર્વક સામેલ થાય.
તે જોઈને હર્ષલના ચહેરા પર ઝળકતી સંતોષ અને ગૌરવની લાગણીમાં શિષ્ય અને પુત્ર બંને એકાકાર
થયેલા દેખાય.
‘સફારી’ની ઓફિસ બોપલ ખસેડાયા પછીના થોડા સમયમાં બધું બદલાયું. હર્ષલને ‘સફારી’ છોડવું પડ્યું. કળ વળવાની પણ રાહ જોયા વિના અને ‘સફારી’ની હરીફાઈમાં બીજું માસિક કાઢવાના પ્રસ્તાવો
ઠુકરાવીને, તેણે સ્થિતપ્રજ્ઞતાથી ‘જિપ્સી’ કાઢ્યું, પોતાની સ્વતંત્ર પ્રતિભા એકડે એકથી સિદ્ધ કરી. છતાં, ‘સફારી’ સાથેનો સંબંધ છૂટ્યો તે છૂટ્યો. તૂટ્યો તે તૂટ્યો. ત્યાર પછી...
કોઈ ગમે તેટલું ઇચ્છે, છતાં વચ્ચેનો સમય કુદાવીને અગાઉના સમયમાં
પાછા ફરવાનું શક્ય બનતું નથી. એવું શક્ય હોત, તો કદાચ ‘સફારી’ હજુ ચાલુ હોત અને નવા જમાનામાં, નવા પડકારો વચ્ચે,
નવા સ્વરૂપે ફૂલ્યુંફાલ્યું હોત, પણ એવું ન થયું.
--અને એક દિવસ એવું બન્યું કે...