આ જગતમાં સમસ્યાઓ ઘણી છે ને વધી રહી છે, પણ ગમે તેટલી સમસ્યાઓ ગમે તેટલી માત્રામાં વધે, તેમના મુખ્ય બે પ્રકાર જેમના તેમ રહેવાનાઃ ખાલી પેટની સમસ્યાઓ અને ભરેલા પેટની સમસ્યાઓ. તેમાંથી ખાલી પેટની સમસ્યાઓ વિશે ખાલી કે ખાલી ખાલી કે ભરેલી પણ વાતો કરનારા લોકો ગુજરાતમાં—અને હવે ભારતમાં—ડાબેરી, સામ્યવાદી, વામપંથી, લિબરલ વગેરે વિશેષણોથી ઓળખાય છે, જ્યારે ભરેલા પેટની સમસ્યા અને તેના ઉકેલની વાતો કરનારા લાખોકરોડો કમાય છે.
માટે, સ્વાભાવિક રીતે જ, શાણા માણસે ભરેલા પેટની સમસ્યા વિશે જ વાત કરવી જોઈએ. એવી સમસ્યાઓની યાદી નાની નથી. એક વાર એવી સમસ્યાથી ‘પીડિત’ની દૃષ્ટિએ વિચારતાં તે સમસ્યા અતિ ગંભીર પણ લાગી શકે. જેમ કે, એસીમાંથી ટપકતું પાણી અથવા હિંચકામાંથી બોલતો કિચુડ કિચુડ અવાજ અથવા ગાલ પર થતાં ખીલ... એ યાદીમાં સ્થાન પામતી એક સમસ્યા એટલે માથામાં જોવા મળતા કાળાધોળા વાળ.
‘કાળાધોળા’ તો સભ્ય પ્રયોગ છે. હકીકતમાં તે કાબરચીતરા કે ખીચડી વાળ પણ કહેવાય છે. તે સમસ્યાની શરૂઆત માથામાં પહેલો સફેદ વાળ દેખાવાની સાથે થાય છે. જો બીજું કોઈ સફેદ વાળ પ્રત્યે ધ્યાન દોરે, તો માણસને પહેલાં વિશ્વાસ પડતો નથી. યાદ આવે છે કે ‘હજુ તો મને અમુક જ વર્ષ થયાં છે ને સફેદ વાળ? હમારી જેલમેં સુરંગ?’ તેને થાય છે, નક્કી રસ્તામાં જતી વખતે ક્યાંકથી લોટ-બોટ ઉડ્યો હશે ને એકાદ વાળ ઉપર લપેટાઈ ગયો હશે. તે સહેજ માથું ખંખેરવા જેવું પણ કરે છે, એટલે એકલદોકલ વાળ કોતરોમાં ઉતરી જતા બહારવટિયાની જેમ કાળા વાળના જંગલમાં ક્યાંક દબાઈ-દટાઈ જાય છે. પછી માણસ ખચકાતાં ખચકાતાં અરીસામાં જુએ છે, પણ હોરર ફિલ્મોમાં થાય છે તેમ, એક દૃશ્યમાં અરીસામાં પાછળ કોઈ ઊભેલું દેખાય ને બીજા દૃશ્યમાં અરીસો ખાલીખમ. એવું જ સફેદ વાળનું થાય છે. માથામાં ક્યાંય ભયપ્રેરક સફેદીકી ચમકાર ન જોઈને માણસનો જીવ હેઠો બેસે છે.
શાસકોની જેમ સફેદવાળધારી પણ સમસ્યાને છુપાવી દઈને તેને ઉકલી ગયેલી ગણી લે છે. શાસકો તેમનાં જૂઠાણાંની મદદથી એ ખેલ લાંબો ચલાવી શકે છે, જ્યારે સફેદ વાળના કિસ્સામાં એવું બનતું નથી. થોડા વખત પછી તે ફરી દેખા દે છે. ત્યારે માનવવસ્તીમાં દીપડાએ દેખા દીધી હોય એવો ધ્રાસ્કો શબ્દાર્થમાં કાળા માથાના માનવીનમા મનમાં પડે છે. તેને થાય છે કે આ વાળની વસ્તી વધશે તો શું હું એક દિવસ ‘કાળા માથાનો માનવી‘ એટલે કે માણસ પણ મટી જઈશ? કેમ કે, સામાન્ય માણસનો ઉલ્લેખ કરતી વખતે કદી ‘ધોળા માથાનો’ કે ‘કાબરચીતરા માથાનો’ એવું કહેવાતું નથી.
સફેદ વાળ એક વાર નિર્ણયાત્મક રીતે, મક્કમતાથી અને ‘હું તો ક્યાંય જવાનો નથી’ની પ્રતીતિ સાથે માથામાં દેખાઈ જાય, ત્યાર પછી તેના અસ્તિત્વનો ઇન્કાર કરી શકાતો નથી. નરી આંખે દેખાતી ચીજનું અસ્તિત્વ નકારવાના મામલે બધા પાસે સરકાર જેટલી સુવિધા હોતી નથી. છતાં, તે સરકારમાંથી પ્રેરણા લઈને નેરેટિવ તો બદલી જ શકે છે. એટલે, માણસ વિચારે છે, ‘હજુ તો મારે છૂટાછવાયા જ સફેદ વાળ દેખાય છે, જ્યારે ફલાણાભાઈ કે અમુક બહેન તો મારાથી પાંચ વર્ષ નાનાં છે. છતાં તેમનું આખું માથું ખીચડી થઈ ગયું છે.’ બીજાના દુઃખે સુખી થવાનો આ રસ્તો ટૂંકા ગાળા માટે કામ કરી શકે, પણ ધીમે ધીમે મનમાં સત્યનો ઉદય થાય છે કે પાકિસ્તાન ગમે તેટલું ખરાબ હોય, ફક્ત એટલી હકીકતથી આપણે સારા થઈ જતા નથી. આપણે આપણી સારપ સ્વતંત્રપણે સિદ્ધ કરવી પડે છે. ટૂંકમાં, માથામાં વધી રહેલા સફેદ વાળ માટે નેરેટિવ બદલ બદલ કરવાથી કામ નહીં ચાલે.
ત્યાર પછીનો એક આખો ગાળો એવો વીતે
છે, જ્યારે માથામાં કાળા અને ધોળા વાળ વચ્ચે વર્ચસ્વ માટેનું યુદ્ધ ચાલતું હોય
એવું લાગે. સારી વાત એ છે કે તે ‘કોલ્ડ વોર’ (શીત યુદ્ધ) છે. એટલે તેમાં માથાને કે તેની અંદર કંઈ હોય તો તેને પણ કશી ઇજા
પહોંચતી નથી. તે સમયગાળામાં ઘણા લોકો ડાઇ કહેતાં કલપનો સહારો લઈને સફેદ વાળને
બળજબરીથી કાળા બનાવવાનો પ્રયાસ કરે છે. તે અમુક રીતે, બ્લેકમેઇલરની માગણી સંતોષવા
જેવું બની રહે છે. તેનો કદી છેડો આવતો જ નથી. પછી એવો તબક્કો આવે છે કે હવે ડાઇ
બંધ કરી દઈશું તો વધારે ખરાબ લાગશે.
કેટલાક લોકો બ્લેકમેઇલિંગને તાબે થવાને બદલે કાળા વાળ વતી બહાદુરીપૂર્વક હારનો સ્વીકાર કરે છે અને સફેદ વાળને જાણે કહે છે, ‘જાવ, તમારે જેટલું વધવું હોય તેટલું વધો. બલ્કે, ઝડપથી વધીને આખું માથું તમારા રંગમાં રંગી નાખો. જેથી કમ સે કમ કાબરચીતરા વાળમાંથી તો મુક્તિ મળે.’ ડાઇ સામે વિવિધ કારણોસર વાંધો ધરાવતા લોકો મહેંદીના શરણે જાય છે. તેમના માટે ‘મહેદી રંગ લાગ્યો’—એ શબ્દોનો અર્થ બદલાઈ જાય છે અને જતે દહાડે તેમના વાળ નહીં કાળા, નહીં ધોળા, પણ મહેંદી રંગના થાય છે.
તેનાથી કાળાધોળાની સમસ્યાનો ઉકેલ નથી આવતો, પણ સાહિર લુધિયાનવીએ કહ્યું હતું તેમ, એક ખૂબસુરત મોડ આપીને આખી વાતને છોડી શકાય છે.
બ્લેકમેઇલરની માગણી સંતોષવા જેવું બની રહે છે. 🦅
ReplyDelete