


http://urvishkothari-gujarati.blogspot.com/2010/10/100.html
http://urvishkothari-gujarati.blogspot.com/2008/09/blog-post_7504.html
http://urvishkothari-gujarati.blogspot.com/2009/01/blog-post_08.html
હજુ 30 ડિસેમ્બર, 2010ના રોજ ભારતીય વિદ્યાભવનનું પ્રતિષ્ઠિત મુનશી સન્માન મેળવનાર 89 વર્ષના ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાનું રવિવારે સવારે મુંબઇમાં અવસાન થયું. છેલ્લા થોડા દિવસથી મુંબઇમાં દવાખાનામાં દાખલ થયેલા દિલીપભાઇનો જુસ્સો અને કલાકાર મિજાજ છેવટ સુધી અકબંધ હતાં. જાહેર કાર્યક્રમ હોય કે ખાનગી મહેફિલ, 1950 હોય કે 2010, દિલીપ ધોળકિયાનો બુલંદ કંઠે તમામ ઉંમરના, તમામ પેઢીના શ્રોતાઓને ડોલાવ્યા છે. મૃત્યુના બે દિવસ પહેલાં હોસ્પિટલના બિછાનેથી મુનશી સન્માનનો પ્રતિભાવ આપતી વખતે, નાકમાં નળીઓ હોવા છતાં, તેમણે વિડીયો કેમેરા સમક્ષ એક ગીતની થોડી પંક્તિઓ ગણગણી બતાવી હતી. વાતવાતમાં કંઠેથી ગીત ફુટી નીકળે એ દિલીપ ધોળકિયા.
દિલીપભાઇની મુખ્ય કે પહેલી ઓળખ ‘તારી આંખનો અફીણી’ના ગાયક તરીકે ભલે રહી, પણ ફિલ્મી અને બિનફિલ્મી ગીતોમાં તેમનું પ્રચંડ પ્રદાન છે. ફક્ત ગુજરાતી જ નહીં, હિંદી ફિલ્મોમાં પણ તેમણે ગીતો ગાયાં છે અને આઠ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું. હિંદી ફિલ્મોમાં તેમણે દિલીપ ધોળકિયા ઉપરાંત ડી.દિલીપ અને એક ફિલ્મમાં દિલીપ રાયના નામે પણ સંગીત આપ્યું હતું. ફિલ્મ ‘ભંવરા’ના એક ગીત ‘ઠુકરા રહી હૈ દુનિયા’માં સ્વરસમ્રાટ કુંદનલાલ સાયગલ સાથે કોરસમાં ગાવા મળ્યું તેને દિલીપભાઇ પોતાનું સૌભાગ્ય ગણાવતા હતા. એટલે જ હરીશ રઘુવંશી અને હરમંદિરસિંઘ ‘હમરાઝ’ દ્વારા સાયગલની જન્મશતાબ્દિ નિમિત્તે સંકલિત ‘સાયગલ ગીતકોશ’નું ગ્રામોફોન ક્લબના ઉપક્રમે અમદાવાદમાં દિલીપભાઇના હાથે વિમોચન થયું ત્યારે તેમણે ધન્યતાની લાગણી પ્રગટ કરી હતી.
મહંમદ રફી જે ગીતથી દેશભરમાં જાણીતા થયા તે ફિલ્મ ‘જૂગન’નું નૂરજહાં સાથેનું યુગલગીત ‘યહાં બદલા વફા કા બેવફાઇ’ પહેલાં દિલીપ ધોળકિયા ગાવાના હતા. એમના અવાજમાં ગીતનું રીહર્સલ પણ થઇ ચૂક્યું હતું. પરંતુ પંજાબમાં ચાલતાં રમખાણોની વચ્ચે રફી મુંબઇ આવી પહોંચતાં ફિલ્મના સંગીતકાર ફિરોઝ નિઝામીએ દિલીપભાઇને બીજું ગીત આપવાનું કહીને આ ગીત રફી પાસે ગવડાવ્યું. અત્યંત લોકપ્રિય ગુજરાતી ગીત ‘રાખનાં રમકડાં’ સૌથી પહેલાં દિલીપભાઇએ 1946માં આઇ.એન.ટી.ની નૃત્યનાટિકા ‘નરસૈયો ભક્ત હરિનો’ માટે ગાયું હતું.
ચિત્રગુપ્ત, એસ.એન.ત્રિપાઠી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ જેવા સંગીતકારોના સહાયક તરીકે કામ કરનાર દિલીપભાઇનો લતા મંગેશકર અને મંગેશકર પરિવાર સાથે પણ નિકટનો નાતો હતો. છે્લ્લેછેલ્લે મુનશી સન્માન મળ્યા પછી લતા મંગેશકરે હોસ્પિટલમાં ફોન કરીને દિલીપભાઇને અભિનંદન આપ્યાં હતાં, તો થોડા વખત પહેલાં અમદાવાદ આવેલાં શમશાદ બેગમ પણ ‘ઢોલકિયાસાબ’ને પ્રેમથી મળ્યાં હતાં. દિલીપભાઇનું સંગીત ધરાવતી પહેલી ગુજરાતી ફિલ્મ ‘સત્યવાન સાવિત્રી’(1963)માં લતા મંગેશકરનાં છ ગીત હતાં. મહંમદ રફીનું મધુરું ગીત ‘મીઠડી નજરું વાગી’ પણ આ જ ફિલ્મનું હતું. ‘કંકુ’માં દિલીપભાઇએ સ્વરબદ્ધ કરેલાં ગીતો બહુ પ્રતિષ્ઠા પામ્યાં. તેમણે મુકેશ, રફી, મન્નાડે, લતા મંગેશકર, આશા ભોસલે, ગીતા દત્ત, ભૂપેન્દ્ર, નીતિન મુકેશ, અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિક જેવાં હિંદી ગાયક-ગાયિકાઓ પાસે ગીતો ગવડાવ્યાં. તેમણે પોતે અજિત મર્ચંટના સંગીતમાં વેણીભાઇ પુરોહિત, ઉમાશંકર જોશી, નાનાલાલ જેવા ધુરંધર ગુજરાતી કવિઓની રચનાઓ ગાઇ. ગાયક તરીકે તેમની કારકિર્દીની પહેલી રેકોર્ડ 1946માં એચ.એમ.વી.માં કામ કરતા સંગીતકાર સ્નેહલ ભાટકરની મદદથી બની હતી, જેમાં વેણીભાઇ પુરોહિતે લખેલાં બે ગીત ‘આધા તેલ ઔર આધા પાની’ તથા ‘ભીંત ફાડીને પીપળો ઉગ્યો’ દિલીપભાઇએ પોતે સ્વરબદ્ધ કરીને ગાયાં હતાં.
છેલ્લા બે દાયકાથી તેમણે વ્યાવસાયિક નિવૃત્તિ લીધી અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી ટીવી શ્રેણીમાં સંગીત આપવા જેવા અપવાદ સિવાય નિવૃત્તી પાળી. પરંતુ સંગીત સાથેનો તેમનો નાતો કદી છૂટી શકે તેમ ન હતો. સંગીત તેમના અસ્તિત્ત્વ સાથે એકાકાર થયેલું હતું. છેલ્લે તેમની સાથે મુલાકાત થઇ ત્યારે તેમણે કહ્યું હતું કે તે અંગ્રેજીમાં પોતાનાં સંભારણાં લખી રહ્યાં છે. એ કામમાં તેમની પૌત્રી તેમને મદદરૂપ થતી હતી. સંભારણનું કામ પૂરું થતાં પહેલાં દિલીપભાઇ ઉપડી ગયા છે, પણ અનેક સંગીતરસિકો માટે તે ભરપૂર સુરીલાં સંભારણાં મુકતા ગયા છે.
The Process...
(જન્મઃ15-10-1921, વિદાયઃ 2-1-2011)
ઘણા વખતથી વિચારતો હતોઃ 500મી પોસ્ટ આવે છે. શું લખું? ઘણી વસ્તુઓ વિચારી હતી. પ્રણવ-બિનીત જેવા મિત્રો સાથે એ વિશે ચર્ચા કરી હતી. અમિત શાહ જેવા મિત્રોએ સામે ચાલીને સૂચન પણ કર્યાં હતાં. બે દિવસ પહેલાં મુંબઇમાં અજિત મર્ચંટ અને દિલીપ ધોળકિયાને મળેલા પ્રતિષ્ઠિત મુનશી સન્માનના સમારંભમાં હાજરી આપીને આવ્યા પછી એ સમારંભની તસવીરો મૂકવાની તાલાવેલી હતી. પરંતુ આજે સવારે સમાચાર મળ્યાઃ દિલીપકાકા ગયા.
એકાદ અઠવાડિયા પહેલાં મુંબઇ ગયેલા 89 વર્ષના દિલીપકાકા ઘરે જઇ શક્યા જ ન હતા. તેમને સીધા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. શ્વાસ, કફ જેવી તકલીફો. પાઇલ્સની સમસ્યા. કાર્યક્રમમાં પણ તે હાજર ન રહ્યા. તેમના વતી તેમનાં પત્ની ધ્રુમનબહેને તાળીઓના ગડગડાટ વચ્ચે મુનશી સન્માન સ્વીકાર્યું. ભવન્સના મિત્ર અને અભ્યાસી પત્રકાર રમેશ ઓઝા આગલા દિવસે દિલીપકાકાને મળવા હોસ્પિટલમાં ગયા હતા. નાદુરસ્ત તબિયત અને નાકમાં નળીઓ છતાં દિલીપકાકાએ ફક્ત બોલવાનો જ નહીં, ગાવાનો પણ આગ્રહ રાખ્યો. ‘મારે બે લીટી ગાવી છે. તમે બેસજો. રાહ જોજો.’
વિડીયો કેમેરા સામે દિલીપકાકા શરૂઆતમાં (કનૈયાલાલ) મુનશીના મહત્ત્વ વિશે બોલ્યા અને તેમના નામ સાથે સંકળાયેલું સન્માન મેળવવા બદલ ધન્યતાની લાગણી વ્યક્ત કરી. ત્યાર પછી રેકોર્ડિંગમાં કટ આવ્યો. વચ્ચે દોઢ-બે કલાક પાઇલ્સની તકલીફ અને આરામ પછી ફરી દિલીપકાકા રેકોર્ડિંગ માટે તૈયાર. એક ગીતની બે પંક્તિ ગાઇ, સાથી અને મિત્ર સંગીતકાર અજિત મર્ચંટને ભવ્ય અંજલિ આપી. અજિતકાકા-દિલીપકાકાનો પરિચય આપવા ઉભા થયેલા પુરુષોત્તમ ઉપાધ્યાય (રાબેતા મુજબ) પોતાની વાતો કરવામાં સરી ગયા, ત્યારે તેમનું કામ આજાર અવસ્થામાં પણ દિલીપકાકાએ અજીતકાકાને ‘કમ્પ્લીટ કમ્પોઝર’ ગણાવીને કહ્યું કે (લક્ષ્મીકાંત)-પ્યારેલાલને તેમના પિતા રામપ્રસાદે કહ્યું હતું કે તારે કમ્પોઝ કરતાં શીખવું હોય તો અજિત મર્ચંટ પાસે જા.’
દિલીપકાકાનો જુસ્સો અને કલાકારી મિજાજ જોઇને ભવન્સના ફુલહાઉસમાંથી તાળીઓના ગડગડાટ ઉઠ્યા. સેંકડો ચાહકો માટે દિલીપકાકાનું એ છેલ્લું અને દિલીપકાકાની આજીવન છબીને છાજે એવું દર્શન હતું. ફક્ત નાકમાં બે નળીઓ વધારાની હતી, જેની હાજરીને દિલીપકાકાએ તાર સપ્તકમાં બે પંક્તિઓ ગાઇને ગૌણ બનાવી દીધી.
અને સમારંભના બે દિવસ પછી, આજે સવારે દિલીપકાકાની વિદાયના સમાચાર આવ્યા.
દિલીપકાકાની ગીત-સંગીત કારકિર્દી વિશે ઠીક ઠીક લખાયું છે. 14 વર્ષ પહેલાં ‘અભિયાન’ માટે મેં તેમનો ઇન્ટરવ્યુ કરીને ત્રણ પાનાંનો ફુલફ્લેજ પ્રોફાઇલ કર્યો હતો. સંશોધક મિત્ર હરીશ રઘુવંશીએ દિવ્ય ભાસ્કરની તેમની યાદગાર કોલમ ‘હિંદી સિનેમા, ગુજરાતી મહિમા’માં દિલીપકાકા વિશે લખ્યું. આજે દિલીપકાકાની કારકિર્દી વિશે બહુ લખવું નથી. ખરેખર તો આજે બહુ લખવું જ નથી. અહીં મુકેલી તસવીરો અને વિડીયોને બોલવા દેવાં છે.
દિલીપકાકા, તમારી જુસ્સાદાર ચાલ, મળતી વખતે હૂંફથી હાથ મિલાવીને નીકળતો ‘હેહ્હે’નો રણકો, મુક્ત હાસ્ય, ગ્રામોફોન ક્લબના કાર્યક્રમો શોભાવતી તમારી પહેલી હરોળની બેઠક, ગ્રામોફોન ક્લબનો કાર્યક્રમ પૂરો થયા પછી ક્યારેક રાતના એક વાગ્યે મિત્ર બિનીત મોદીને ત્યાં મંડાયેલી વાતોની મહેફિલ, વાતવાતમાંથી ફુટી નીકળતાં ગીતો, વડીલ મિત્ર ચંદ્રશેખર વૈદ્ય અને મારી સમક્ષ મારા વિડીયો કેમેરાના લાભાર્થે, અમારા બન્ને માટે તમે દિલથી ગાયેલાં (અને અહીં મૂકેલાં) ગીતો.....આ અને આવું ઘણું આજીવન યાદ રહેવાનું છે.
તમે ગયા તેથી શું થયું? જવાનું કોઇના હાથમાં નથી, પણ યાદ રાખવાનું અમારા હાથમાં છે. બિનીત-શિલ્પા, ચંદ્રશેખરભાઇ, રંજનકાકી (દેસાઇ), અજિતકાકા-નીલમકાકી...આ બધાં સાથે અને એ વિના પણ તમે યાદ આવશો અને તમારો ઘુંટાયેલો કંઠ મનમાં ગુંજી ઉઠશે.