(તંત્રીલેખ, ઇન્ડિયન એક્સપ્રેસ, 26 જૂન, 2022)
સુપ્રીમ
કોર્ટ ન હોત તો ગુજરાતના 2002ના કેસોમાં ન્યાય હાથતાળી દેતો રહ્યો હોત. એટલે જ,
(સુપ્રીમ કોર્ટનો) તાજેતરનો ચુકાદો અને પોલીસ દ્વારા થયેલો તેનો ઉપયોગ અકળાવનારા
સવાલ ઊભા કરે છે.
ગુજરાતમાં 2002માં થયેલી કોમી હિંસાની લાંબી, ત્રાસદાયક અને હજુ ઉઘડી રહેલી ન્યાયપ્રક્રિયામાં સર્વોચ્ચ અદાલતે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. ઘણા કિસ્સામાં તેના વચ્ચે પડવાને કારણે ન્યાયપ્રક્રિયાની ગાડી પાટા પર રહી છે, સત્તાધીશોના દબાણથી તે સલામત રહી છે. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીને કારણે, હિંસાનો ભોગ બનેલા તેમ જ હિંસાનો ભોગ બન્યા પછી જીવિત રહેલા લોકો ન્યાયપ્રક્રિયાના નિષ્પક્ષ અને ન્યાયી અંતની આશા રાખી શક્યા છે. એ જ કારણથી શનિવારના રોજ થયેલી કર્મશીલ તિસ્તા સેતલવાડની અને ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડો ખેદજનક છે. તેમની વિરુદ્ધની એફઆઇઆરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તેના પરિશિષ્ટમાંથી ઘણી સામગ્રી ટાંકવામાં આવી છે.
શુક્રવારે
સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતના ઉચ્ચ સત્તાધીશો દ્વારા કોઈ વ્યાપક કાવતરું રચાયું
હોવાના આરોપોનું ખંડન કર્યું અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની
હેઠળની ગુજરાત સરકારને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા અપાયેલી ક્લીન
ચિટને બહાલી આપી. આ કેસ નીકળી જ જવાનો હતો એ પહેલેથી નક્કી હતું, એવું કહી શકાય.
કારણ કે કથિત કાવતરાબાજીનો છેડો છેક મુખ્ય મંત્રીની કચેરી સુધી પહોંચતો હોય એ
પુરવાર કરવાનું બહુ કઠણ હતું. આ કેસ ન્યાયપાલિકામાં ટકી શકે એવા પુરાવાના જોરે
નહીં, પણ હિંસામાં પાયમાલ થયેલાઓની વ્યથાને કારણે આટલે સુધી પહોંચ્યો હોઈ શકે. એ જ
ચુકાદામાં જોકે સુપ્રીમ કોર્ટ ચિંતાજનક રીતે એક ડગલું આગળ વધી. તેના ચુકાદાના
આધારે નોંધાયેલી એફઆઇઆરમાં અદાલતના ચુકાદામાંથી ટાંકવામાં આવેલો હિસ્સો આ પ્રમાણે
હતોઃ ‘આખરે, આ કેસ ગુજરાત
રાજ્યના કેટલાક અસંતુષ્ટ અધિકારીઓએ બીજાઓ સાથે મળીને કરેલો સનસનાટી સર્જવાનો
પ્રયાસ હોય એવું લાગે છે... (તેનો આશય) દેખીતી રીતે, ગુપ્ત યોજનાઓ પાર પાડવાના
હેતુથી, ચરુ ઉકળતો રાખવા માટેનો... (જણાય છે)...પ્રક્રિયાના દુરુપયોગ સાથે
સંકળાયેલા સૌ કોઈને અદાલતમાં ખડા કરીને તેમની સામે કાનૂની રાહે કામ ચલાવવું જોઈએ.’ આ ચુકાદો આવ્યાના બીજા દિવસે સવાલ
છેઃ અદાલતના ચુકાદામાંથી લીટીઓ ઉપાડીને જે રીતે ઇરાદાપૂર્વક હેરાનગતિની શરૂઆત
કરવામાં આવી છે, એ તરફ અદાલત આંખમીંચામણાં તો નહીં કરે. (નહીં કરે ને?)
શ્રીકુમાર અને સેતલવાડના કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. પરંતુ અદાલતના ચુકાદામાંથી ઉતારા લઈને કરાયેલી એફઆઇઆરમાં અને 2002ના કેસોમાં અરજદારોની પડખે ઊભા રહેલા લોકો સામે તત્કાળ પોલીસપગલાં લેવા ચુકાદો વપરાયો, તેમાં પ્રશ્નો તો છે. અદાલતે શુક્રવારે જે કહ્યું અને શનિવારે પોલીસે તેમાંથી પોતાનાં પગલાં માટે જે અર્થ લીધો, તેના કારણે અત્યાર સુધીની હકીકતનું જાણે શીર્ષાસન થઈ ગયું. આખરે, આ એ જ અદાલત હતી, જેણે 2002ની હિંસામાં ન્યાય થાય તે માટે સંખ્યાબંધ અભૂતપૂર્વ પગલાં લીધાં હતાં. તપાસમાં ગંભીર ક્ષતિના આરોપોના પગલે સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોની કાર્યવાહી અટકાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી અને સંવેદનશીલ કેસોની સુનવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને તેની કામગીરી પર દેખરેખ રાખી હતી. સુપ્રીમ કોર્ટે એ વાત પણ સુનિશ્ચિત કરી હતી કે કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવે, જેથી ન્યાય થઈ શકે. તેના વચ્ચે પડવાને કારણે ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોના આશરે બે હજાર કેસ નવેસરથી ખુલ્યા હતા. હકીકતમાં બે દાયકા પહેલાં થયેલી કોમી હિંસાના પીડિતો અને હિંસામાંથી જીવતા બચી ગયેલા લોકો માટે ન્યાય મેળવવાના કર્મશીલો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચ સહિતનાં સૌ કોઈના પ્રયાસોમાં સુપ્રીમ કોર્ટ જ કેન્દ્રસ્થાને હતી.
ગુજરાતમાં 2002ના કેસોમાંથી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા થયેલી ફરજચૂકના ગંભીર સવાલ ઊભા થયા હતા. (એવી સ્થિતિમાં) કોઈ એક કેસ નીકળી જાય, તે બાબત (2002ની) હિંસાની જવાબદારી નક્કી કરવાની અને ન્યાય મેળવવાની આખી લડત સામેના તળિયાઝાટક આરોપનામાની ભૂમિકા ન બનવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ વિચારવું જોઈએ કે એક ચોક્કસ કિસ્સામાં હિંસાનો ભોગ બનીને તેનો દરવાજો ખટખટાવનારાની અરજ ટકી શકી નહીં, તેના કારણે ન્યાયપ્રક્રિયાનું નાળચું અરજદારોની સામે તકાઈ જાય એ વાત, બંધારણીય પ્રક્રિયા અને મૂલ્યોના શાણપણભર્યા સંરક્ષક તરીકેની સુપ્રીમ કોર્ટની ભૂમિકાને અને તેના દરજ્જાને છાજે એવી છે કે નહીં.
મૂળ અંગ્રેજી લેખની લિન્કઃ https://indianexpress.com/article/opinion/editorials/supreme-court-judicial-system-7992775/
No comments:
Post a Comment