કહેવતમાં સુરતના જમણની વાત હતી, પણ થોડા દિવસ પહેલાં સુરતનું શરણ સમાચારોમાં આવ્યું. સૌ જાણે છે તે પ્રમાણે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યોનું એક ટોળું સુરતના શરણે આવ્યું હતું. સદીઓ પહેલાં શિવાજીએ રાજકીય કારણોસર સુરત લુંટ્યું હતું. વર્તમાનકાળમાં શિવસેનાને ‘લુંટવા’ માટે તેના ધારાસભ્યો સુરત આવ્યા. હવે અડધું કાઠિયાવાડ બનેલા સુરતે ધારાસભ્યોની ‘સ્વર્ગ ભુલાવે’ એવી મહેમાનગતિ કરી-ન કરી, ત્યાં આખા ધણને આસામ હાંકી જવામાં આવ્યું. એટલે સુરતના યજમાનો પાસે તોતિંગ બિલની બાકી રકમ સિવાય ખાસ કંઈ રહ્યું નહીં.
યોગભ્રષ્ટ આત્માઓ માટે એમ કહેવાય છે કે તે બહુ પવિત્ર હોવા છતાં, એકાદ ભૂલની સજા તરીકે તેમને એક વાર પૃથ્વી પર મોકલવામાં આવે છે. એવી જ રીતે, શિવસેનાના પથભ્રષ્ટ ધારાસભ્યોને થોડા સમય જલસા જ કરવાના હોય. છતાં, કદાચ કોઈ નાનકડા પાપને કારણે તેમને થોડા સમય પૂરતું સુરતમાં અવતરવું પડ્યું હશે. સુરત એવું ખરાબ શહેર નથી કે ત્યાં આવવું સજારૂપ લાગે. પણ ગુજરાતમાં ટેકનિકલી દારૂબંધી છે અને સુરત ટેકનિકલી ગુજરાતમાં જ છે. કેટલાક જાણકારોના મતે, પથભ્રષ્ટ આત્માઓને ટેકનિકલ બાબતો નડી ગઈ હશે. એટલે તે ટૂંક સમયમાં આસામ જવા રવાના થઈ ગયા.
સાચું કારણ જે હોય તે, અટકળનો વિષય એ છે કે સુરતમાં રહેલા એ ધારાસભ્યો વચ્ચે અંદરોઅંદર કેવી વાતો થતી હશે? કેટલાક કાલ્પનિક સંવાદ.
આગેવાનઃ ભાઈઓબહેનોંઓંઓંઓં.
આગેવાનનો પીએઃ આપણે બધા ભાઈઓને જ ઉઠાવ્યા છે સાહેબ. બહેનો
તો...
આગેવાનઃ (ખોંખારીને) પ્રિય ભાઈઓ, આખરે આપણે પહોંચ્યા ખરા.
સભ્ય-૧ : એંહ, વાત તો આપણે મંત્રીમંડળમાં પહોંચવાની થઈ હતી ને તમે સુરત
પહોંચ્યાની ખુશાલી મનાવવા બેસી ગયા.
પીએઃ શાંતિ રાખો સાહેબો. શાંતિ રાખો.
સભ્ય-૨ :
ખોટ્ટી વાત નહીં કરવાની. આપણે નીકળ્યા ત્યારે ફક્ત બેગ રાખવાની જ વાત થઈ હતી.
શાંતિનું કોઈએ કહ્યું ન હતું.
સભ્ય-૩ (આગેવાન તરફ જોઈને) : આને તમે સમજાવો. મોં સંભાળીને વાત કરે. આજે શાંતિ રાખવાની વાત કરે છે. કાલે
ધીરજ રાખવાનું કહેશે. ધીરજ રાખવી હોત તો મુંબઈ શું ખોટું હતું? બીજું કશું નહીં તો, અત્યારે બાર તો ચાલુ હોત અને નિરાંતે દુઃખહર પીણાના ટેકે લોકશાહીની
તંદુરસ્તીનું ચિંતન કરતા હોત.
આગેવાનઃ (પીએને, ખાલી ખાલી ખખડાવતાં) કેટલા વર્ષથી તું સર્વિસમાં છું? સાહેબો સાથે કેવી રીતે વાત થાય, એટલું ભાન નથી પડતું?
(સભ્યો તરફ જોઈને) એનું તમારે બહુ મન પર ન લેવું.
સભ્ય-૩ :
ઉદ્ધવ માટે પણ અમને એવું જ કહેવામાં આવતું હતું કે એનું તમારે બહુ મન પર ન લેવું.
દરેક વાતની એક હદ હોય કે નહીં?
પીએઃ (ધીમેથી) તમારી માગણીઓની ક્યાં હદ છે?
આગેવાન પીએ તરફ જોઈને તેમને ચૂપ રહેવાનો ઇશારો કરે છે. પીએ
ચૂપચાપ ખૂણામાં જઈને કશીક ખુસરપુસર કરે છે, એટલે થોડી વારમાં એક બોટલ હાજર થાય છે. પીએ તેમાંથી ગ્લાસ ભરીને હોઠે માંડે
છે. એટલામાં—
સભ્ય-૧ :
(તપાસના-પૂછપરછના ભાવથી) અલ્યા,
શું કરે છે?
સભ્ય-૨ :
તેનો હોદ્દો સાર્થક કરી રહ્યો છે—તે પીએ છે.
સભ્ય-૩:
તો આપણે ઘાસ કાપી રહ્યા છીએ?
એ પીએ છે, તો આપણે સભ્ય છીએ.
સભ્ય-૧ :
એ જ તો પ્રોબ્લેમ છે...આપણે સભ્ય છીએ ને લોકો આપણા વિશે કેવું કેવું ધારે છે.
આગેવાનઃ શાંતિ, શાંતિ. લોકો આપણા વિશે કેવું ધારે છે, એ વિચારવા બેસીએ તો રાજકારણમાં રહેવાય જ નહીં.
પી.એ. :
લોકો જે ધારતા હોય તે સાચું હોય તો પણ, તેના વિશે વિચારવું ન જોઈએ. જાહેર જીવન કંઈ
લજામણીના છોડ માટે થોડું છે? થોરિયા
જેવા થવું પડે, સમજ્યા?...મને નવાઈ લાગે છે કે હજુ સુધી કોઈ પક્ષે થોરિયાનું સિમ્બોલ કેમ માગ્યું
નહીં હોય? (આગેવાન તરફ જોઈને) આપણે સાહેબ અલગ
પક્ષ રચવાનો થાય તો એ સિમ્બોલ વિશે વિચારી શકાય. કેમ લાગે છે આઇડીયા?
સભ્ય-૧ :
એટલે આપણે સાહેબ નવો પક્ષ રચવાના?
તો હું એનો ખજાનચી.
આગેવાનઃ હજુ જોતા જાવ. બહુ ખેલ બાકી છે. પણ છેલ્લે જીત
સત્યની જ થશે.
સભ્ય -૧-૨-૩ : હાય હાય... સત્યની જીત થશે,
તો આપણું શું થશે?
તમે આવું અશુભ ન બોલો.
આગેવાનઃ તમે લોકો સમજતા નથી. એ તો એવું જ કહેવાય. કહેવાનું
કે ‘હું ગુનેગાર હોઉં તો મને ચાર રસ્તે
ફાંસીએ લટકાવી દેજો.’
ને પોલીસ માત્ર પૂછપરછ કરવા આવે તો પણ ભાડૂતી લોકોને રસ્તા પર ઉતારીને કકળાટ મચાવી
દેવાનો.
સભ્ય-૧ :
અને સત્ય?
આગેવાનઃ સત્ય એટલે શું? એ તો સાપેક્ષ છે. મારું સત્ય અને તમારું સત્ય, તમારું સત્ય અને તમારા સાથીદારનું સત્ય, આપણું સત્ય અને સ્પીકરનું સત્ય, આપણા જૂના નેતાનું સત્ય ને નવા સાહેબનું સત્ય, રાજ્યપાલનું સત્ય ને મુખ્ય મંત્રીનું સત્ય અલગ અલગ હોઈ શકે છે. એટલે આપણી જીત
થાય તો કહી દેવાનું કે સત્યની જીત થઈ.
સભ્ય-૨ :
અને કોઈ કારણસર આપણા પાસા પોબાર ન પડે તો?
આગેવાનઃ તો કહી દેવાનું કે આખરે સત્યની જ જીત થશે, પણ હજી આખર ક્યાં આવી છે?
(સૌ કપડાં ઉતારીને...ના, ગૃહમાં નહીં...સ્વિમિંગ પુલમાં જાય છે)
નહાવા જવા માટે લૂગડાં ઉતારવાં પડ્યાં તે ત્યાં સુધી પહેરી રાખેલાં?
ReplyDelete