અને માથું છે તો ખંજવાળ પણ છે. પીઠની ખંજવાળ સૌથી કઠણ ગણાય છે. એકબીજાની પીઠ ખંજવાળવાનો સાહિત્યજગતમાં ઘણો મહિમા છે, તેના કારણે એવું બન્યું હશે? ખબર નથી. તેની સરખામણીમાં માથાની ખંજવાળ સહેલી છે.
ના, અહીં માથાની ખંજવાળ મટાડવાનું સહેલું છે, એવો દાવો નથી. તેને સંતોષવાનું આસાન છે. કારણ કે માથું ખંજવાળવા માટે આપણા હાથને કાનૂનના હાથ જેટલા લાંબા કરવા પડતા નથી. સહેજ હાથ ઊંચો કર્યો-ન કર્યો, કોઈની નજર પડી-ન પડી, ત્યાં માથું ખંજવાળી લેવાય છે. બીજો માણસ ધ્યાનથી ન જોતો હોય તો તેને ખ્યાલ ન આવે કે સામેવાળાએ વાળ સરખા કર્યા કે માથું ખંજવાળ્યું.
ભાષાના આગ્રહીઓને એવો સવાલ થાય કે માણસ વાળ ખંજવાળે છે કે માથું? આ તો એવી વાત થઈ કે તમે સુરતમાં રહો છો કે ગુજરાતમાં? સવાલના ગંભીર જવાબ માટે તેના મૂળ સુધી જવું પડે અને તેના મૂળ સુધી જવા માટે વાળનાં મૂળ સુધી જવું પડે. તે સાથે જ સમજાઈ જશે કે વાળ ખંજવાળતાં અનાયાસે માથું ખંજવાળાઈ જાય છે. કારણ કે, સુરત ગુજરાતમાં-ગુજરાતના નકશા પર છે અને વાળ માથામાં-માથાની સપાટી પર છે.
માથામાં ખંજવાળ સામાજિક રીતભાત અને સભ્યતાની દૃષ્ટિે અશોભનીય ગણાય છે. જાહેરમાં વાળ ખંજવાળવાથી સામાજિક વિવેચકો ખંજવાળનાં કારણો વિશે અટકળો છૂટી મૂકે છેઃ ‘માથામાં ખોડો થયો હશે. થાય જ ને. સ્વભાવ સાવ પિત્તળ છે તે...’ અથવા ‘માથાની અંદરના ભાગમાં ઠાંસી ઠાંસીને ભરેલી દુષ્ટતા બહાર ઉભરાતી હશે. એટલે ખંજવાળ આવતી લાગે છે.’ અથવા ‘માથામાં જૂઓ પડી હશે. બિચારી જૂઓને પણ જુઓ ને, ક્યાં ક્યાં પડવું પડે છે...’ કર્મના સિદ્ધાંતના અને કેરીના પ્રેમી કહી શકે છે, ‘નક્કી એકલાં એકલાં કેરીઓ ખાધી હશે. પછી જૂઓ ના પડે તો શું થાય?’
માથાની ખંજવાળ રોગ ગણાતી નથી. એટલે, તેની દવા આપનારા હજારો ‘ડોક્ટર’ હોય છે. દરેક માણસ પાસે (બીજાના) માથાની ખંજવાળ શી રીતે દૂર થાય, તેના અકસીર ઇલાજો હોય છે. બસ, તે પોતાની ખંજવાળ દૂર કરી શકતા નથી. તેમ કરવા માટે તેમની નિષ્ફળતા નહીં, ઉદારતા કારણભૂત છે. તે પોતે પોતાની ખંજવાળ મટાડી દે, તો બીજાને તેમના ખંજવાળવિષયક જ્ઞાનની અજમાઈશ કરવાની તક ક્યાં મળે?
‘હું ક્યાં કોઈ દિવસ જૂઠું બોલું છું.’ એવું કહેતા જૂઠ્ઠાઓની જેમ, કેટલાક તો વળી પોતાનું માથું ખંજવાળતાં ખંજવાળતાં બીજાએ તેમની માથાની ખંજવાળ શી રીતે મટાડવી, તેની સલાહ આત્મવિશ્વાસપૂર્વક આપતા હોય છે. તે વિરોધાભાસ પ્રત્યે કોઈ તેમનું ધ્યાન દોરે, ત્યારે તે વ્યથિત થઈને કહી શકે છે, ‘જોયું? ભલાઈનો જમાનો જ નથી રહ્યો. કોઈનું સારું કરવા જઈએ તો આભાર માનવાને બદલે ઉલટા આપણી સામે આંગળી ચીંધે છે. શું કહેવું આ પ્રજાને?’
આ કે તે, એકેય પ્રજાને કશું કહી શકાતું નથી. એટલે ખંજવાળ અને ખંજવાળ મટાડવાના નુસખાનો ઉપદેશ આપવાની ખંજવાળ અવિરત ચાલતાં રહે છે. ઘણા લોકો એટલી જોરથી માથું ખંજવાળતા હોય છે કે તે ક્યાંક અંદર સુધી પહોંચી ન જાય—એવી બીક લાગે છે. બીજા કેટલાક તેમના નુસખાથી માથાની ખંજવાળ મટી જવાની ખાતરી એટલા ભારપૂર્વક આપે છે કે તેનાથી ખંજવાળ ભેગું ક્યાંક માથું પણ ન જતું રહે, એવી આશંકા જાગે છે.
બગાસું ખાવાની, આળસ મરડવાની કે ઉંઘી જવાની પ્રક્રિયા જેમ શારીરિક ઉપરાંતના અર્થો ધરાવે છે, એવું જ માથું ખંજવાળવાનું પણ કહી શકાય. કોઈની વાત સાંભળતી વખતે માથું ખંજવાળવાથી એવી છાપ પડે છે કે સામેવાળાની વાત મગજમાં ઉતરી રહી નથી. કદાચ થોડું માથું ખંજવાળીએ તો સામેવાળાની વાત માટે અંદર ઉતરવાનો રસ્તો થાય. મૂંઝાઈને માથું ખંજવાળવું એ સામેવાળાની વાતને અઘરી, ગુંચવાડાભરી કે વિચિત્ર જાહેર કરવાનો અહિંસક રસ્તો હોઈ શકે છે.
‘દેશમાં અત્યારે લોકશાહીના નામે શું ચાલી રહ્યું છે? ’ એવો સવાલ કોઈને પૂછી જોજો. માણસ સારાખરાબની સમજવાળો-સંવેદનશીલ હશે તો તે માથું ખંજવાળવા લાગશે અને એ રીતે નહીં બોલીને જાહેર કરશે કે ‘કંઈ સમજાય એવું-કંઈ બોલાય એવું નથી.’ તેનો બીજો અર્થ એ પણ નીકળે કે ખંજવાળવા માટે માથું હેમખેમ રાખવું હોય તો એ સવાલની ચર્ચા નહીં કરવામાં સાર છે.
જૂની કહેવત હતીઃ સર સલામત તો પઘડીયાં બહોત. હવે પાઘડીઓ ભલે ન રહી, ખંજવાળ તો છે. એટલે કહી શકાયઃ સર સલામત તો ખંજવાળ બહોત.
No comments:
Post a Comment