નોટબંધી પછીના સંઘર્ષમય દિવસો પૂરા થયા નથી, ત્યારે
જાહેર જીવનના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો સવાલ છે : વિના વાંકે આટઆટલી
અગવડો વેઠ્યા પછી પણ દેશભરના લોકો કેમ સળવળતા નથી? ખાસ કરીને એવા સમયે, જ્યારે કમ સે કમ
ગુજરાતમાં તો નવી યુવા નેતાગીરીની અને જનઆંદોલનની મોસમ બેઠેલી હતી. દેશની વાત કરીએ
તો, અન્નાનું
ભ્રષ્ટાચારવિરોધી આંદોલન અને દિલ્હી બળાત્કારની ઘટના પછી થયેલા વ્યાપક દેખાવો તરત
યાદ આવી શકે એટલાં તાજાં છે. ટૂંકમાં,
લોકોને સડક પર
ઉતારી શકાતા હતા ને આંદોલિત કરી શકાતા હતા, એ ઇતિહાસ બની ચૂકેલી બાબત નથી. તો પછી આવું કેમ?
ઉપર ઉલ્લેખેલાં તમામ આંદોલનોમાં સામેલ ઘણાખરા લોકો સીધા
અસરગ્રસ્ત ન હતા. છતાં, તેમને ભ્રષ્ટાચાર, મહિલાસુરક્ષા, પોતાના સમાજના
હક કે પોતાના સમુદાય પર થતા અત્યાચાર જેવા મુદ્દે બહાર આવવાનો ધક્કો લાગ્યો. હવે એ
સૌ અને એમના સિવાયના બધા દેશવાસીઓ પણ નોટબંધીથી સીધા અસરગ્રસ્ત છે. છતાં, તે આ મુદ્દે કેમ આંદોલિત થયા નથી?
ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી બંધારણીય અને લોકશાહીની
દૃષ્ટિએ સૌથી ભયંકર ઘટના હતી. વ્યાપ અને કામચલાઉ ખરાબ અસરોની બાબતમાં વર્તમાન
નોટબંધી કટોકટીને પણ ટપી ગઇ. જંગલમાં વસતા આદિવાસીઓથી માંડીને દક્ષિણ મુંબઇમાં
રહેતા માલેતુજારો સુધીના સૌ કોઇ નોટબંધીથી હેરાન થયા. રોજેરોજ બૅન્કોમાં દેખાતી
લાઇનો જોતાં, સામાન્ય માણસો
હજુ પણ હેરાન થઇ રહ્યા છે. પોતાના રૂપિયા બૅન્કમાંથી મળે તો લોકો એવા રાજી થાય છે, જાણે સરકારે તેમને બક્ષિસ આપી હોય. છતાં કોઇના
પેટનું પાણી હાલતું કેમ નથી? અને કેમ જનઆંદોલન
જાગતું નથી?
આ સવાલ રાજકીય જેટલા જ સામાજિક અને નાગરિકી દૃષ્ટિએ પણ
અગત્યના છે. તેમનો કોઇ એક ગાણિતીક જવાબ નથી. ઘણાં પરિબળોનો સરવાળો તેમાં થયેલો
હોય. તેમાંથી કેટલાંકને ઓળખવાનો પ્રયાસઃ
નોટબંધીના નિર્ણયના સમર્થકો કહેશે કે ‘સીધી વાત છે. આ પગલું લોકોના અને દેશના હિતમાં
છે. પછી લોકો શા માટે આંદોલન કરે?
લોકો સમજુ છે અને
નોટબંધીનો વિરોધ કરનારા વાસ્તવમાં મોદીવિરોધી છે. એટલે કકળાટ કરે છે.’ તેમને ભલે આવું લાગે, પણ આ એવી સીધી વાત નથી. નોટબંધીની અસરો વિશે
અભ્યાસીઓ વચ્ચે મતભેદ છે. નોટબંધીનાં આર્થિક પરિણામ કેવાં આવે, એ વિશે સમર્થકો કે ટીકાકારો, કોઇ છાતી ઠોકીને કહી શકે એમ નથી. પરંતુ ભારત
જેવા દેશની ચલણી નોટોનો ૮૬ ટકા હિસ્સો કશી પૂર્વતૈયારી વિના રદ કરી દેવાથી કેવી
અરાજકતા ફેલાઇ, તે સ્વયંસ્પષ્ટ
છે અને તેમાં સરકારની-વડાપ્રધાનની સીધી જવાબદારી છે.
નોટબંધીના તરફી લોકો અરાજકતાને ‘કામચલાઉ’ ગણાવીને, ‘લાંબા ગાળાનું
ચિત્ર નજર સામે રાખવાનું’ અથવા વડાપ્રદાનની
દાનતને ધ્યાને લેવાનું કહે છે. આશરે છ અઠવાડિયાંથી ત્રાટકેલી મુસીબતોની ગંભીરતાને તે
અવગણે છે અથવા બહુ હળવાશથી લે છે. છ અઠવાડિયાંનો સમયગાળો કામચલાઉ ન કહેવાય. છતાં, દલીલ ખાતર એમ
માનીએ તો પણ તેની ખરાબ અસરો ગંભીર છે અને તે લાંબા ગાળાની પણ હોઇ શકે છે. ‘સૌ સારાં વાનાં થશે’ એવી આશા હાલ તો ‘વિશફુલ થિંકિંગ’ના ખાનામાં આવે.
કારણ કે અર્થશાસ્ત્રીઓ પણ એ વિશે ખાતરીથી કહી શકતા નથી. દરમિયાન, નોટબંધીની અંધાધૂંધીમાં થયેલાં મૃત્યુ, ઠપ થયેલા ધંધાઉદ્યોગ, તેના કારણે ઊભી થયેલી રોજગારીની સમસ્યા, તેમાંથી જન્મેલી કૌટુંબિક-સામાજિક સમસ્યા, સ્થળાંતરો...આ બધી નક્કર સમસ્યાઓ છે.
છેલ્લા સ્તરની મુશ્કેલી ન પડી હોય તેમને થોડી ઓછી ગંભીર
તકલીફ વેઠવાની થઇ છે. પણ સરકારપક્ષને અને નોટબંધીના સમર્થકોને તેમાંથી કશું જ
સ્પર્શતું નથી. તેમને લાગે છે કે નોટબંધીનાં સંભવિત સુપરિણામો માટે આ બધું વસૂલ
છે. આવું માનનારા લોકો પોતે કેટલીક મુશ્કેલી ભોગવી ચૂક્યા છે. છતાં, તે નોટબંધી કે વડાપ્રધાન કે બન્ને પ્રત્યેના
સમર્થનને કારણે, સડકો પર ઉતરે તેમ
નથી. આ વર્ગ કરતાં થોડો જુદો, પણ તેમની સાથે
જોડી શકાય એવો બીજો વર્ગ માને છે કે ‘અમલમાં મુશ્કેલી
પડી ને સરકારે થાપ ખાધી, પણ તેનો ઇરાદો
સારો હતો. માટે તેને માફ કરી દેવી જોઇએ.’ (વડાપ્રધાનના ઇરાદા
હંમેશાં ધ્રુવીકરણ પ્રેરે એવી ચર્ચાનો વિષય રહ્યા છે)
આર્થિક રીતે સમાજના છેવાડે રહેલા લોકોનો એક વર્ગ અમસ્તો
બિચારાપણું અનુભવતો હોય છે. નોટબંધીની લાઇનોએ તેમના બિચારાપણામાં ઉમેરો કર્યો છે
અને બિચારાપણાના ભારથી તેમને લગભગ દબાવી જ દીધા છે. બે ટંક રોટલાભેગા થવાનો સવાલ
તેમના માટે હતો એના કરતાં પણ મોટો બની ગયો હોય, ત્યાં વિરોધ કરવા જેટલી ત્રેવડ તેમનામાંથી ક્યાંથી રહી હોય?
હજુ એક વર્ગ છે, જે સાવ ગરીબ નથી. જેને બે ટંકના ભોજનની મુશ્કેલી નથી. તે નોટબંધીથી પીડિત છે, સોશ્યલ મિડીયા વાપરે છે અને પ્રમાણમાં બોલકો
છે. એ વર્ગમાંથી કેટલાક સોશ્યલ મિડીયા પર નોટબંધીની ટીકા કરે છે, તેની રમૂજો બનાવે છે, ક્યારેક ઉશ્કેરાઇને બૅન્કો પર ધમાલ મચાવે છે. આ
વર્ગ નાનો નથી અને તેમનો અસંતોષ ઓછો નથી. પરંતુ નવનિર્માણ હોય, અન્ના આંદોલન હોય કે દિલ્હીના બળાત્કારવિરોધી
વિરોધી દેખાવો, એ બધામાં એક
તબક્કા પછી વિરોધી પક્ષોની છૂપી કે પ્રગટ ભૂમિકા હતી. વિરોધ પક્ષો અને સામાજિક
સંગઠનો લોકોના અસંતોષને વાચા આપવાની સાથોસાથ, તેનો સરવાળો અને ગુણાકાર કરવાનું કામ કરે છે.
ભૂતકાળનાં ઘણાં આંદોલનમાં ભાજપ અને તેનાં સાથી સંગઠનોએ પડદા
પાછળ રહીને અગત્યની ભૂમિકા ભજવી હતી. ચાલુ સરકારનો ધજાગરો થાય તો પોતાનો ગજ વાગે, એ તેમનું સાદું ગણિત. હવે ભાજપ સત્તામાં છે અને
તેની જગ્યા લઇ શકે, લોકોના અસંતોષને
એકજૂથ કરી શકે એવો કોઇ મજબૂત, શેરીયુદ્ધનો
અનુભવ ધરાવતો વિપક્ષ મોજૂદ નથી. કૉંગ્રેસને એ આવડતું નથી અથવા શીખવું નથી. અરવિંદ
કેજરીવાલ એ જ રસ્તે મુખ્ય મંત્રી બન્યા, પણ ભ્રષ્ટાચાર સામેની લડાઇનું વધારે મોટું દીવાસ્વપ્ન બતાવવામાં વડાપ્રધાન
મેદાન મારી ગયા છે.
નોટબંધી થકી વડાપ્રધાને કાળાં નાણાં સામેની લડાઇમાં પોતાની
નિષ્ફળતાને નાટ્યાત્મક રીતે સફળતામાં ફેરવી દીધી છે. તેમની સફળતા એ નથી કે તે
કાળાં નાણાં સામેનું યુદ્ધ જીતી ગયા. પ્રચારપટુતા અને ધ્રુવીકરણની ક્ષમતાના જોરે
તેમણે ભ્રષ્ટાચારવિરોધી લડવૈયા તરીકેની પોતાની છબી વધારે મોટી બનાવી અને તેની નીચે
પોતાની જૂની-નવી નિષ્ફળતાઓને ઢાંકી દીધી. એ તેમની સિદ્ધિ છે--અને વિપક્ષો તથા
લોકસંગઠનોની જુદી જુદી નિષ્ફળતા છે. સામાજિક કાર્ય કરતાં સરેરાશ સંગઠનો રાજકીય
વિરોધની ક્ષમતા ગુમાવી બેઠાં છે અથવા એ પોતે પોતાના સંસારમાં એવાં મસ્ત છે--પોતે
આંકેલી કે ફંડિગ એજન્સીએ આંકી આપેલી હદને એવી ચુસ્તીથી પાળે છે કે દેશના આટલા
વિશાળ જનસમુદાયને પડી રહેલી ભારે અગવડ પણ જનઆંદોલનનો મુદ્દો બનતી નથી.
વાહ વાહ પ્રભુ....ખૂબ સરસ.. મજ્જજ્જા આવી ગયી....
ReplyDeleteઅને આમ પણ તમારા મારા જેવા પાક્કા "મહેમદાવાદી" ને શબ્દો(ism) નથી નડતું.. એટલે શબ્દોને પણ માઠું ન લાગે.
ર્વીશભાઈ,
ReplyDeleteભારતમાં ક્યારેય ક્રાંતિ નથી થઇ જે કોઈ વિરોધ થયા તે કોંગ્રેસ અને ગાંધી બાપુના નેજા હેઠળ થયા. પછી આઝાદી આસાનીથી મળી ગઈ.
પણ ત્યાર બાદ આર. એસ. એસ. આઝાદી બાદ પણ પોતાનું વર્ચસ્વ રાખવા સક્ષમ રહ્યું જયારે કોંગ્રેસે લોક માનસમાંથી પોતાની છાપ ગુમાવી દીધી. એટલે હવે આર. એસ. એસ. સાથ આપે તો જ હળતાલ, બંધ વગેરે થઇ શકે. પણ આર. એસ. એસને તેમાં રસ નથી.
છતાં પણ જયારે લોકસભાની ચૂંટણી થશે ત્યારે જનતા મોદીને પાઠ જરૂર ભણાવશે.
તમારા લેખના સૂરમા કેઇક એવું નજરે પડે છે કે લોકો નોટબંધી સામે આંદોલન કેમ નથી કરતા?
ReplyDeleteલોકોને 'સુન્હેરાસપના' દેખાડવાની જે આઝાદી પછી રાજ કરણીયો અને નેતાઓએ એક ચાલ ચાલી છે તેમાં લોકો આબાદ ફસાતા રહેતા હોય છે, જુઓને આતો એવી વાત છે કે 'તું ઔર નહિ તો ઔર સહી' આમઆદમી પૂરો હોશિયાર છે પણ એટલોજ લાચાર છે કે લોકોશાહીને નામે બધાજ રાજકીય પક્ષો કૈક અત્યાચાર કરી રહ્યા છે (જે હિંસક નથી) જેવાકે લાંચરુશ્વત,સગાંવાદ,કાળુંનાણાનો ઢગલો ભેગો કરવો,આમાં એકલા રાજકારાણીયો નથી પણ ઉદ્યોગપતિઓ,મોટાવેપારીઓની સાંઠગાંઠ પણ છે અને નબળા વર્ગના લોકોને તો કોઈજ ઓળખાણ કે લાગવગ નથી,તેમને તો આ માંધાતાઓની મહેરબાની પર જીવવાનું છે. આ 'ચાંડાળ ચોકડી ભૂંસવી' એક મોટું મહાભારતનું કામ છે. અગર જો નરેન્દ્ર મોદી તેની નોટબંધીનાં આ પ્રયોગમાં થોડીએક સફળતા મેળવશે તો તેને આવતી ચૂટણીમાં કોઈજ મહાત ની કરી શકે!
સમય સમય નું કામ કરે છે.
નોટબન્ધીનો આશય શુભ ન હતો.આ પ્રયોગથી થોડીકેય સફળતા મળે એવું લાગતું નથી છતા મળે અને તેને લીધે આપના માનવા મુજબ આવતી ચૂંટણીમા સાહેબને કોઈજ મહાત ના કરી શકે એમ થાય તો દેશની કમનશીબી હશે.
Delete