ભલભલી ઐતિહાસિક ઘટનાઓની એ નિયતિ હોય છે કે
સમય જતાં તે બે-ચાર કિસ્સા કે બે-ચાર નાયક-નાયિકાઓ પૂરતી કેન્દ્રિત થઇ જાય. તેનું
કાળું કે ધોળું અને કરચલી વગરનું સ્વરૂપ લોકપ્રિય બને, તેમાં દંતકથાઓ અને
વ્યક્તિગત ગમાઅણગમાનો મરીમસાલો ઉમેરાતો રહે અને છેવટે કર્નલ ટોડે ભેગી કરેલી
રાજસ્થાનની કથાઓ પ્રકારની બની રહે—ભલે તે થોડા દાયકા પહેલાં બની હોય.
અલગ ગુજરાત રાજ્યનો જન્મ જ મહાગુજરાત
આંદોલનમાંથી થયો હતો. એ આંદોલનનો સળંગસૂત્ર ઘટનાક્રમ અને એ વખતના સામાજિક
પ્રવાહોનો અભ્યાસપૂર્ણ આલેખ ભલે ન મળે (અથવા સહજતાથી ન મળે), પણ તેના વિશેની થોડી
વિગતો ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઇકાકા, બ્રહ્મકુમાર ભટ્ટ સહિત કેટલાક નેતાઓની
આત્મકથામાંથી મળે છે. ગુજરાત રાજ્યમાં થયેલું સૌથી પહેલું જનઆંદોલન 1974નું
નવનિર્માણ આંદોલન હતું. ત્યારથી શરૂ થયેલી જનઆંદોલનની યાત્રા તાજા ભૂતકાળના
પાટીદાર અને દલિત આંદોલન સુધી પહોંચી છે. પરંતુ આ આંદોલનો વિશે આધારભૂત અને
વિગતસમૃદ્ધ સામગ્રીની અત્યાર લગી ખોટ હતી. અભ્યાસીઓ માટે અને અભ્યાસીઓ દ્વારા
ચાલતાં કેટલાંક સામયિકોમાં આ આંદોલનો વિશે લેખ છપાયા હોય. પરંતુ અલગ ગુજરાતનાં
બધાં જનઆંદોલનો વિશે બે પૂંઠા વચ્ચે આધારભૂત સામગ્રી અને નક્કર વિગતો ઉપલબ્ધ ન હતી.
આ દરેક આંદોલન ઉભું થવાના સંજોગો, આંદોલન
દરમિયાન બનેલો ઘટનાક્રમ અને તેના શક્ય હોય એટલા વિશ્વસનિય આંકડા,
સમાજ-રાજકારણ-વહીવટી તંત્ર-પોલીસ જેવા વિવિધ ઘટકોની ભૂમિકા, જનઆંદોલનની પદ્ધતિઓ,
આંદોલન પૂરી થયા પછી ગુજરાતના સમાજજીવન પર અને પછીના આંદોલન પર તેની અસરો—આટલી
બાબતો વિશે સંકલિત-સંશોધિત માહિતી દરેક આંદોલનના પ્રકરણમાં આવરી લેવામાં આવી છે.
સાથોસાથ, આંદોલન શરૂ થયું ત્યારે કયા બિંદુ પર-કઇ માગણીઓ સાથે હતું ને આગળ જતાં
તેના પ્રવાહમાં કેવા પલટા આવ્યા એ પણ આ પુસ્તકમાં બહુ ટૂંકમાં અને સચોટ રીતે સંકલિત
થયું છે.
ઉદાહરણ તરીકે નવનિર્માણ આંદોલનની વાત
કરીએ, તો તેમાં અજમાવાયેલી ઘણી પદ્ધતિઓ થોડાં વર્ષ પછીના અનામતવિરોધી આંદોલનમાં પણ
ખપમાં લેવાઇ હતી. જેમ કટોકટીવિરોધી ચળવળ વિશે, તેમ નવનિર્માણ આંદોલન વિશે પણ એવું
ટાંકવામાં આવ્યું છે કે આંદોલનના બીજા તબક્કામાં (મુખ્ય મંત્રી ચીમનભાઇ પટેલના
રાજીનામા પછી) આંદોલન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,
જનસંઘ જેવાં જમણેરી સંગઠનોનો પ્રભાવ પથરાયો ને આ સંગઠનોને મજબૂતી મળી.
પુસ્તકમાં ટાંકવામાં આવેલી એક વિગત
પ્રમાણે, નવનિર્માણ આંદોલન દરમિયાન જુદા જુદા 137 પ્રકારના કાર્યક્રમો આપવામાં
આવ્યા, જેમાંથી 110 અહિંસક અને 27 હિંસક હતા. આંદોલન અંતર્ગત 11 પ્રકારના ર્યક્રમ ભારતભરમાં પહેલી વાર અને
38 પ્રકારના કાર્યક્રમ ગુજરાતમાં પહેલી વાર યોજાયા. જેમ કે, લાગલગાટ 40થી પણ વધુ
દિવસ સુધી રાત્રે અગાસીમાં ચઢીને થાળી-વેલણ વડે સરકારનો મૃત્યુઘંટ વગાડવો,
કાયદોવ્યવસ્થાની જાળવણી માટે આવતા લશ્કરનું વિમાની મથકે જઇને સ્વાગત કરવું,
ભ્રષ્ટાચારની પ્રતિમા બનાવીને તેને શેરડીના સંચામાં પીલી કાઢવી, ભ્રષ્ટ રાજનેતાઓ
સામે મોક કોર્ટ (અદાલતની પ્રતિકૃતિ) ઊભી કરીને તેમાં એમની સામે કામ ચલાવવું...
આંદોલનના
હેતુઓ બહુ ઊંચા હોવા છતાં, સરવાળે તે મર્યાદિત રાજકીય સફળતા પર જ અટકી પડ્યું.
આંદોલનનો અભ્યાસ કરનાર વૂડનું પુસ્તકમાં ટાંકવામાં આવેલું અવતરણઃ ‘મોટા ભાગના ગુજરાતી એક્ટિવિસ્ટ ગરીબી,
ભ્રષ્ટાચાર, અન્યાય અને ફુગાવાનો અંત આણવા માગતા હતા, પણ એ સામાજિક સમસ્યાઓ વિશેની
તેમનામાં સૈદ્ધાંતિક સમજ ન હતી. એ લોકો નવનિર્માણની વાત સરળ અને ફોડ પાડ્યા વગરની
ભાષામાં કરતા હતા.’ ચાળીસ વર્ષ પછી પણ
ભ્રષ્ટાચારનાબૂદીની વાતો મહદ્ અંશે આવા જ અંદાજમાં નથી થતી?
નવનિર્માણનાં છ વર્ષ પછી અનામતવિરોધી
આંદોલન થયું ત્યારે અગાસીમાં જઇને મૃત્યુઘંટ વગાડવાની રીત ચાલુ રહી. એ વખતે
સરકારને બદલે અનામતનો મૃત્યુઘંટ વગાડાતો હતો અને નવનિર્માણ આંદોલનની જેમ,
વિદ્યાર્થીઓ ભેગા થઇને મ્યુનિસિપલ કોર્પોરેશનની બસોનો કબજો લઇ લેતા હતા અને તેમને
બીજા રસ્તે હંકારી જતા હતા. બન્ને અનામત આંદોલનોની તવારીખ નિમિત્તે પુસ્તકમાં
અનામતની જોગવાઇના વિવિધ તબક્કાની અને તેના માટે નિમાયેલાં કમિશનની ઉપયોગી વિગત મળે
છે. ઐતિહાસિક અન્યાયનો ભોગ બનેલા દલિતો અને આદિવાસીઓ માટે અનામતની જોગવાઇ હતી,
તેના અમલમાં કેવા ગોટાળા થતા હતા અને લાભ મેળવનારાનું પ્રમાણ કેટલું ઓછું હતું, એ
પણ પુસ્તકમાં દર્શાવાયું છે. અચ્યુત
યાજ્ઞિકનો અભ્યાસ ટાંકતાં પુસ્તકમાં જણાવાયું છે કે 1981 પહેલાંનાં પાંચ વર્ષમાં
મેડિકલ અભ્યાસક્રમમાં કુલ 857 બેઠકો અનામત હતી. તેમાંથી ફક્ત 37 (4.3 ટકા) બેઠકો જ
ભરાઇ હતી. સરકારી નોકરીઓમાં ઉચ્ચ અને મધ્યમ વર્ગના બ્રાહ્મણો, રજપુતો અને પાટીદારોની
ભારે બહુમતી હતી. તેમ છતાં, એ વર્ગને અનામતના થોડા ઘણા લાભ મેળવતા દલિતો ખટકતા
હતા.
ગાંધીવાદીઓ-સર્વોદયીઓના પણ વિવિધ પ્રકાર
અનામતવિરોધી આંદોલન વખતે જોવા મળ્યા. ઘણા ખરા ગાંધીવાદી-સર્વોદયી કાર્યકર્તાઓ ચૂપ
રહ્યા અથવા તેમણે ગોળગોળ નિવેદનો કર્યાં. ફક્ત જુગતરામ દવે એક એવા ગાંધીવાદી હતા
જેમણે સ્પષ્ટ શબ્દોમાં આંદોલન પાછું ખેંચી લેવાવું જોઇએ, એવો મત વ્યક્ત કર્યો. અનામતની
તરફેણમાં જાહેરમાં આવેલા કેટલાક અભ્યાસીઓ-કર્મશીલોને કામચલાઉ સામાજિક બહિષ્કારનો
સામનો પણ કરવો પડ્યો.
નવનિર્માણ સરકારને હટાવવાનું આંદોલન હતું,
તો ફેરકુવા સરકારની-મુખ્ય મંત્રી ચીમનભાઇ પટેલની સક્રિય સહાયથી ચાલતું આંદોલન
હતું. તેમાં ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગાંધીવાદીઓથી માંડીને જાહેર જીવનમાં
કામ કરનારાં અનેક પ્રકારનાં સંગઠનો એકછત્ર નીચે એકઠાં થયાં. સામે પક્ષે
રક્તપિત્તનાં દર્દીઓની સેવામાં જીવન ખર્ચી નાખનાર બાબા આમ્ટે અને લડાકુ મેધા પાટકર
નર્મદા બચાવો આંદોલન ચલાવતાં હતાં. હજુ નર્મદા યોજનાની નહેરોનું ઠેકાણું પડ્યું
નથી એવી સ્થિતિમાં હવે સાફ સમજાય કે એ સમયે ગુજરાતહિતના નામે ચીમનભાઇ પટેલ એન્ડ
કંપનીએ લોકોને કેવા ઉશ્કેર્યા અને ઉભા કર્યા. ગુજરાતની પ્રજા અને આગેવાનોની પ્રચંડ
બહુમતી નર્મદામુદ્દે સરકાર સાથે હતી, ત્યારે ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ અને પ્રચંડ
લોકપ્રિયતા ધરાવતા નવલકથાકાર અશ્વિની ભટ્ટ પોતાની અંતરની સમજને અનુસરીને નર્મદા
બચાવો આંદોલનમાં સામેલ હતા.
આવાં આંદોલનોમાં બન્ને પક્ષે થયેલી ભૂલો,
મર્યાદાલોપ અને મૂળ હેતુથી ભટકી જવાનો સિલસિલો અવિરત રહેતાં, આંદોલનો થકી સમાજનાં
મૂલ્યો ઘડાવાને બદલે ઘસાતાં ગયાં અને છેવટે આ સ્થિતિ આવી. એક સમયે તેલના
ભાવવધારાના વિરોધમાં ડબ્બા સરઘસ નીકળતાં હતાં અને હવે પોતાના હકના રૂપિયા માટે
બેન્કોમાં ધક્કા ખાવા પડે તો પણ લોકો ચૂપચાપ લાઇનમાં ઉભા રહી જાય છે ને ભલું હોય
તો દેશભક્તિના બે જુમલા પણ ફટકારી દે છે. આ સ્થિતિમાં ગુજરાતનાં જનઆંદોલનો વિશે
વર્ષા ભગત-ગાંગુલીનું પુસ્તક ફક્ત ઐતિહાસિક દસ્તાવેજ ન રહેતાં, વર્તમાન માટે પણ
ઉપયોગી બની શકે છે.
No comments:
Post a Comment